24 November, 2016

ફિફ્ટી શેડ્સ ઓફ બ્લેક મની


નોટબંધી પછી કાળાં નાણાં અને ભ્રષ્ટાચાર વિશે લખવા-બોલવાનો માહોલ સ્વ. રમેશ પારેખની વિખ્યાત ગઝલ 'મનપાંચમના મેળા' જેવો છે. આ માહોલને પણ એવા જ કાવ્યમય અંદાજમાં (સ્વ. રમેશ પારેખની ક્ષમાયાચના સાથે) બયાં કરવો હોય તો શું કહી શકાય?

આ નોટબંધી મુદ્દે સૌ કોઈ અભિપ્રાય લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે કાળું નાણું ખતમ કરવાનું સપનું લઈને,
કોઈ દેશનું ભાવિ અંધકારમય લઈને આવ્યાં છે. 

અહીં નિષ્ણાતોની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને પેલા બેંક ખાતાવાળા બબ્બે પૈસાની ઓકાત લઈને આવ્યા છે.

કોઈ અર્થતંત્રનું ફૂટવું લાવ્યા, કોઈ જીડીપીનું તૂટવું લાવ્યા
કોઈ ટોળું બનેલા માણસનો રોષ લઈને આવ્યા છે.

કોઈ મજૂરો, રોજમદારોની લાગણીઓ, કોઈ બેંક-એટીએમની ઉભડક લાઈનો,
કોઈ લાઈનમાં થયેલું મોત, તો કોઈ કાળાં બજારિયાની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ મોદી, રાહુલ અને કેજરીવાલ બુલેટિન જેવું બોલે છે,
અહીં સૌ તટસ્થ અભિપ્રાયનો વહેમ લઈને આવ્યા છે.

કોઈ બિલ્લી જેવી આંખોથી જુએ છે ટીવી ચેનલ, વાંચે છે છાપા,
ને કોઈ 'મોદી સામે કાળાં બજારિયાની વિસાત શું' લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા આર્થિક સુધારાનું અજવાળું, કોઈ લાવ્યા આશા અમર,
કોઈ ગૃહિણીઓની ભીની ભીની આંખો લઈને આવ્યા છે

કોઈ સરકારના ચારણ બનીને, કોઈ મધ્યમવર્ગીય આશા લઈને,
કોઈ અધકચરાઅધૂરા વિશ્લેષણોની ઠોકમઠોક લઈને આવ્યા છે.

આ અભિપ્રાયો વચ્ચે કેટલાક ખુદ મૂંઝારો બનીને આવ્યા છે,
સરકાર સામે સવાલિયા નિશાન લઈને આવ્યા છે. 

***

નોટબંધી 'કેટલી ફાયદેમંદ, કેટલી અસરકારક' એ મુદ્દે આર્થિક નિષ્ણાતો વિરોધાભાસી અભિપ્રાયો આપી રહ્યા હોય, ભારતવર્ષની મહાન પ્રજા વ્યક્તિપૂજામાં લીન હોય અને બૌદ્ધિકો પણ પોતપોતાનો ચોકો રચીને ચબરાકીથી પૂર્વગ્રહયુક્ત મત આપી રહ્યા હોય ત્યારે આમ આદમીએ કેટલીક પાયાની વાત સમજવી ખાસ જરૂરી છે. નોટબંધીના પરિણામો શું આવશે એ જાણવા રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી, પણ નોટબંધીની ઉજવણી અને રોક્કળના સમાંતર માહોલમાં આપણે ફક્ત એટલું યાદ રાખીએ કે, રૂ. ૫૦૦-૧૦૦૦ની નોટો બંધ કરવાથી 'રામરાજ્ય' નથી સ્થપાઈ જવાનું!

સરકાર કહે છે કે, નોટબંધીનો નિર્ણય કાળું નાણું, ભ્રષ્ટાચાર અને નકલી નોટો જેવા દુષણને કાબૂમાં લેવામાં આવ્યો છે. દેશભરના અંગ્રેજી, પ્રાદેશિક મીડિયા તેમજ વિદેશી મીડિયાએ પણ 'વડાપ્રધાન મોદીના નિર્ણય'ને વધાવી લીધો છે. મીડિયામાં જે કોઈ 'મોદી વિરોધી' સમાચારો આવી રહ્યા છે એ રૂ. ૫૦૦-૧૦૦૦ની નોટો રદ કર્યાના નહીં, પણ નોટબંધી પછી લોકોને પડી રહેલી મુશ્કેલીઓના છે. એક સરેરાશ વ્યક્તિએ પણ નોટબંધીના નિર્ણયને આવકાર્યો છે કારણ કે, લોકોને આશા છે કે હવે કાળાં બજારિયાની ખેર નથી. ઓકે, કુબૂલ હૈ, કુબૂલ હૈ, કુબૂલ હૈ.
પરંતુ, નોટબંધીનો નિર્ણય કાળાં નાણાં અને નકલી નોટોના દુષણ સામે લડવામાં કામ આવી શકે, નહીં કે ભ્રષ્ટાચારનો અંત લાવવા. જોકે, ભારતમાં કાળું નાણું કેટલું છે એ વિશે હંમેશાં મતમતાંતર રહ્યા છે. જીડીપીમાં દસ ટકાથી લઈને ૫૦ ટકા સુધી કાળું નાણું હોવાના 'અંદાજ' થઈ ચૂક્યા છે. કાળાં નાણાંના ચોક્કસ આંકડા ક્યારેય મેળવી શકાયા જ નથી અને ભવિષ્યમાં પણ મેળવી નહીં શકાય. હવે તો સરકારે પણ કહી દીધું છે કે, દેશમાં કેટલું કાળું નાણું છે એના અમારી પાસે કોઈ ચોક્કસ આંકડા નથી.

દેશભરમાં અપાતી લાંચ અને નાના-મોટા કૌભાંડો પછી જુદા જુદા લોકો પાસે વહેંચાઈ ગયેલા કાળાં નાણાંનો (અને કાળાંમાંથી સફેદ થઈ ગયેલા) હિસાબ કેવી રીતે હોય? તમે મહેનત પરસેવાની કમાણીની લાંચ આપો એ જ ઘડીએ તમારું સફેદ નાણું કાળું થઈ જાય છે. આપણે આરટીઓમાં લાઈનમાં ઊભું રહેવું ના પડે એ માટે ૧૦૦ રૂપિયાની લાંચ આપીએ તો એ ભ્રષ્ટાચાર થયો અને જે વ્યક્તિ રૂ. ૧૦૦ લે છે એની પાસે એટલું કાળું નાણું થયું! દેશભરમાં રોજેરોજ આવી રીતે બેહિસાબ લાંચ અપાય છે, પરંતુ બીજો પણ એક મુદ્દો ખાસ ધ્યાનમાં રાખો.

ચાર રસ્તે ઊભેલા ટ્રાફિક પોલીસને અપાતી અને આઈએએસ અધિકારીને અપાતી લાંચમાં ફર્ક હોય છે. અહીં રકમ કેટલી છે એ મુદ્દો નથી, પણ એ બંને હોદ્દેદારો દ્વારા લેવાતી લાંચ અને ભ્રષ્ટાચારની ગંભીરતા ઘણી જુદી છે. આર્થિક જરૂરિયાતોમાંથી ઉદભવેલા ભ્રષ્ટાચાર અને આઈએએસ અધિકારી કે રાજકારણીઓ દ્વારા કરાતા ભ્રષ્ટાચારને એક જ ત્રાજવે ના તોલાય. તગડો પગાર ધરાવતો કોઈ લશ્કરી અધિકારી કે પરમાણુ વિજ્ઞાની લાંચ લઈને અમુકતમુક માહિતી પાકિસ્તાનના જાસૂસને આપી દે અને કોઈ સરકારી કચેરીનો પટાવાળો ૫૦ રૂપિયા લઈને લાંબી લાઈનમાંથી બચાવી લે, એની સરખામણી થાય?

આ અત્યંત ગંભીર મુદ્દો છે. કાળું નાણું કે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે રૂ. ૫૦૦, ૧૦૦૦, ૫૦૦૦ની લાંચ લેનારા જ કેમ દંડાય? એન્ટિ કરપ્શન બ્યુરો છટકું ગોઠવીને ક્યારેક નાના ભ્રષ્ટાચારીને પકડી લાવે ત્યારે હસવું આવે છે. અહીં નાના ભ્રષ્ટાચારી કે નાની લાંચ આપવા-લેવાની તરફેણ નથી કરાતી કારણ કે, આપણે લાંચ આપીએ છીએ ત્યારે ભ્રષ્ટાચારને તો પ્રોત્સાહન આપીએ જ છીએ પણ કાળાં નાણાંના સર્જનમાં પણ સહભાગી બનીએ છીએ. લાંચ આપીને આપણે નૈતિક મૂલ્યોના અધઃપતનમાં પણ ભાગીદાર બનીએ છીએ. નાના ભ્રષ્ટાચારીઓને ભલે સજા થાય, પણ મોટા કૌભાંડીઓ છૂટી ના જવા જોઈએ. રાજકારણીઓ શેના છટકી જાય?

કાળાં નાણાં અને ભ્રષ્ટાચારના અનેક પ્રકાર હોય છે. ટુજી સ્પેક્ટ્રમ કે કોલસા બ્લોકની ફાળવણી જેવા કૌભાંડોમાં પૈસાની લેતીદેતી ઓછી, પરંતુ 'લાભ'ના બદલામાં કોઈની 'ફેવર' વધુ થઈ હતી. આ પ્રકારની ફેવર પછી કમાયેલું જંગી સફેદ નાણું કાળું જ કહેવાય ને! કોમનવેલ્થ ગેમ્સ, તેલગી, સત્યમ, બોફોર્સ, ઘાસચારા, કેતન પારેખ, હવાલા અને વ્યાપમ જેવા કૌભાંડોમાં મોટી રકમની લેતીદેતી થાય છે પણ એ કૌભાંડીઓને બચાવવા મોટા વકીલો હાજર હોય છે. એ કેવા પ્રકારનો ભ્રષ્ટાચાર કહેવાય? આઈ મીન, કાળાં બજારિયાની સેવા કરીને વસૂલેલી ફી સફેદ કહેવાય કે કાળી? વર્ષ ૨૦૦૫માં કૌભાંડી કેતન પારેખ વતી ભાજપના રાજ્યસભાના સાંસદ અરૂણ જેટલી સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. જેટલી સાહેબે કેતન પારેખ પાસેથી વસૂલેલી ફી કાળી કહેવાય કે સફેદ?

કાળાં નાણાંનો બહુ મોટો હિસ્સો સોનું, રિયલ એસ્ટેટ, જમીનો અને વિદેશોમાં પણ સંઘરાયેલો છે. એનું શું? ગેરકાયદે રીતે અને ખોટા રસ્તે કમાયેલું લાખો-કરોડોનું કાળું નાણું તો પહેલેથી જ બેંકોમાં સુરક્ષિત કરી દેવાયું છે. એ કાળું નાણું તો ટેકનિકલી સફેદ છે. આ જંગી કાળું નાણું મારા-તમારા જેવાએ નહીં પણ રાજકારણીઓ, ઉચ્ચ સરકારી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, માફિયા અને દલાલોની મિલિભગતમાંથી સર્જાયું છે. એ બેનામી નાણાં અને મિલકતોની માલિકી એ જૂજ લોકો પાસે જ છે, જેનું સર્જન ગરીબો કે મધ્યમવર્ગે નહીં પણ ઉચ્ચ શિક્ષણ પામેલા તેમજ મજબૂત રાજકીય અને આર્થિક સત્તા ધરાવતા લોકોએ કર્યું છે.

ચાલો, કાળાં નાણાં સામેના સરકારી અભિયાનને સલામ કરીએ અને 'બેનિફિટ ઓફ ડાઉટ' પણ આપીએ કે, નોટબંધી પછી કાળાં બજારિયા અને આતંકવાદી સંસ્થાઓને મોટું નુકસાન થયું છે. તો પણ, ભ્રષ્ટાચારનો પ્રશ્ન (રિપિટ) ત્યાં જ છે. કાળાં નાણાંનો જન્મ જ ભ્રષ્ટાચારમાંથી થાય છે. ભ્રષ્ટાચાર ખતમ કરવાની જવાબદારી ફક્ત સરકારની નહીં, પ્રજાની પણ છે. સરકારી ફતવા કે કાયદા-કાનૂનથી થોડું ઘણું કાળું નાણું ખતમ થાય અને ઈન્કમટેક્સ ડેકલરેશન સ્કીમ હેઠળ થોડું ઘણું કાળું નાણું પાછું મેળવી શકાય, પણ ભ્રષ્ટાચાર ખતમ ના થાય. ભ્રષ્ટાચાર તો નવી નોટોથી શરૂ થઈ જશે, રાધર થઈ ગયો છે. હજુ તો નવી નોટો લેવા લોકો બેંકો-એટીએમની લાઈનોમાં ઊભા હતા ત્યાં જ સમાચાર હતા કે, ફલાણો અધિકારી રૂ. બે હજારની નવી નોટની લાંચ લેતા ઝડપાયો. હવે નવી નોટોથી ભ્રષ્ટાચાર થશે એટલે નવું કાળું નાણું અસ્તિત્વમાં આવશે.

રાજકારણીઓ કૌભાંડો કરવામાં વ્યસ્ત હોય ત્યારે લોકો ધર્મ, જાતિ, સંપ્રદાય, પ્રદેશવાદના 'લાગણીદુભાઉ' રાજકારણને હવા આપવામાં મસ્ત હોય છે. આ સ્થિતિમાં રાજકારણીઓ હંમેશા જીતતા હોય છે અને પ્રજા તરીકે આપણે સતત હારતા હોઈએ છીએ.

કોઈ ‘મસીહા’ આવશે અને જાદૂઈ છડી ફેરવીને રામરાજ્ય સ્થાપી નાંખશે એવી રાહ જોઈને બેઠેલી પ્રજાને ક્યારેય 'રામરાજ્ય' નથી મળતું!

નોંધ ઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે. 

2 comments:


  1. મારા જેવા પરદેશીને પણ સમજ પડે એવો લેખ બન્યો છે. સારી વાત એ છે કે મારી પાસે કોઈ નોટ નથી.

    ReplyDelete