13 January, 2016

પઠાણકોટ ઓપરેશન 'સફળ' કહેવાય?


પંજાબના પઠાણકોટ એરબેઝમાં થયેલા હુમલા પછી આતંકવાદ, આંતરિક સુરક્ષા વ્યવસ્થા, ભારતની પાકિસ્તાન નીતિ અને આતંકવાદનો પ્રતિકાર કરવા લશ્કરના બદલે નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ (એનએસજી)ને કેમ મોકલ્યા એ મુદ્દે ચણભણ થઈ રહી છે. ખરેખર તો આતંકવાદીઓ સામે લડવા પઠાણકોટ એરબેઝ નજીક હતી એ સ્પેશિયલ ફોર્સના બદલે એનએસજીને કેમ મોકલ્યા એ એક જ મુદ્દાની આસપાસ આતંકવાદથી લઈને ભારતની પાકિસ્તાન નીતિ સહિતની અનેક જટિલ મુશ્કેલીઓનો જવાબ મળે છે. સામાન્ય વ્યક્તિને સવાલ થઈ શકે છે કે, આતંકવાદીઓનો ખાત્મો લશ્કરના બદલે એનએસજીને કર્યો હોય તો શું ફર્ક પડે છે? એક્ચ્યુલી ઘણો ફર્ક પડે છે. આ વાત થોડી વિસ્તૃત રીતે સમજીએ.

જમ્મુ કાશ્મીરમાં ૪ પેરા, ૯ પેરા નામની બે સ્પેશિયલ ફોર્સનો મજબૂત બેઝ છે. એ સિવાય હિમાચલ પ્રદેશમાં ૧ પેરા સ્પેશિયલ ફોર્સ તૈનાત છે. લશ્કરની ૨૯ ઈન્ફન્ટ્રી ડિવિઝનનું વડું મથક પણ પઠાણકોટમાં છે. આ એક જ ફોર્સ પાસે ૪૦ હજાર કમાન્ડો છે. એનએસજીની સરખામણીમાં આ બધી જ સ્પેશિયલ ફોર્સ પઠાણકોટ એરબેઝની નજીક હોવા છતાં તેનો ઉપયોગ કેમ ના કરાયો? સામાન્ય રીતે આતંકવાદીઓએ નાગરિકોનું અપહરણ કરી લીધું હોય એવી ઘટનામાં એનએસજીનો ઉપયોગ કરાય છે. આ માટે જ તેઓ તાલીમબદ્ધ હોય છે. વળી, એનએસજીએ પઠાણકોટમાં એક પણ આતંકવાદી માર્યો નથી. ઊલટાનો તેમનો એક કમાન્ડો આ ઓપરેશનમાં શહીદ થયો છે. ન્યૂઝ ચેનલો પર પઠાણકોટ હુમલાની ચર્ચા વખતે નિવૃત્ત લશ્કરી અધિકારીઓ અને સુરક્ષા નિષ્ણાતોએ પણ વારંવાર આ મુદ્દો ઉઠાવ્યો છે.

સાત એલિટ કમાન્ડો શહીદ કેમ થઈ ગયા?

પૂર્વ લશ્કરી વડા અને ભાજપના નેતા વી. કે. સિંઘ સહિત અનેક સુરક્ષા નિષ્ણાતોએ  ઉઠાવેલા સવાલો પરથી સાબિત થાય છે કે, પઠાણકોટ એરબેઝ ઓપરેશનમાં ખામીઓ તો હતી જ. પાકિસ્તાનથી ફક્ત છ આતંકવાદી દેશની સરહદ ઓળંગીને આવે છે, ઉચ્ચ પોલીસ અધિકારીનું અપહરણ કર્યા પછી જાહેર કરાયેલા હાઈ એલર્ટ વચ્ચે એરબેઝમાં ઘૂસે છે, સતત ૬૦-૬૫ કલાક સુધી આપણા સર્વોત્તમ કમાન્ડોઝને હંફાવે છે, છ આતંકવાદી સામે આપણા સાત ફર્સ્ટ ગ્રેડ કમાન્ડો શહીદ થઈ જાય છે, વીસને ઈજા થાય છે અને એક નાગરિકનું પણ મૃત્યુ થાય છે. આ ઘટનાક્રમ જ સાબિત કરે છે કે, આપણી આંતરિક સુરક્ષા અને કાઉન્ટર એટેક કરવાની ક્ષમતામાં ક્યાંક ખામી છે! આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં સામેલ નિષ્ણાતોએ ખુલાસો કર્યો છે કે, આતંકવાદીઓ જે મજબૂત તૈયારી સાથે આવ્યા હતા એ જોતા આ ઓપરેશન ઘણું સફળ છે. તેઓ એરફોર્સની કોઈ સંપત્તિને નુકસાન નથી કરી શક્યા. કેન્દ્ર સરકાર, લશ્કર અને એરફોર્સે પણ પઠાણકોટ ઓપરેશન કેટલું વેલ કોઓર્ડિનેટેડ અને ડિસિઝિવ હતું એ મતલબના લાંબાલચક ટેકનિકલ નિવેદનો કરીને સમગ્ર વિવાદને થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે.જોકે, આ નિવેદનોમાં સુરક્ષા નિષ્ણાતોએ ઊઠાવેલા અમુક મહત્ત્વના સવાલોનો જવાબ નથી મળતો. સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે, આતંકવાદીઓ એરબેઝમાં ઘૂસ્યા તો ઘૂસ્યા, પણ પછી એમને મારવામાં આપણી સ્પેશિયલ ફોર્સના ચુનંદા સાત કમાન્ડોઝ કેમ શહીદ થઈ ગયા? જવાબ છે, સ્પેશિયલ ફોર્સનું કંગાળ માળખું અને સંકલનનો સદંતર અભાવ. ભારતમાં પોલીસ, ગુપ્તચર એજન્સીઓ અને લશ્કરની વિવિધ પાંખ વચ્ચે સંકલનનો અભાવ છે એવી જ રીતે, જુદા જુદા ખાતા હેઠળ કામ કરતી સ્પેશિયલ ફોર્સ વચ્ચે સંકલનનો અભાવ છે. ભારત પાસે ડઝન જેટલી સ્પેશિયલ ફોર્સ છે, જે બધાની કમાન જુદા જુદા ખાતા પાસે છે. જેમ કે, ભારતીય લશ્કરની સીધી દેખરેખ હેઠળ ૨ પેરા, ૩ પેરા, ૯ પેરા, ૧૦ પેરા, ૧૧ પેરા, ૧૨ પેરા, ૨૧ પેરા એવું ટેકનિકલ નામ ધરાવતી સ્પેશિયલ ફોર્સ બટાલિયનો છે. એક બટાલિયન પાસે ૬૨૦ જવાન હોય છે, જે સામાન્ય ભાષામાં પેરા કમાન્ડોઝ તરીકે ઓળખાય છે.

પેરા કમાન્ડોઝનો ઉપયોગ કેમ નહીં?

પઠાણકોટથી ફક્ત ૩૦ મિનિટના હવાઈ અંતરે આવી એક નહીં પણ ચાર પેરા સ્પેશિયલ ફોર્સ હાજર હતી. નવમી જૂન, ૨૦૧૫ના રોજ ૨૧ પેરા સ્પેશિયલ ફોર્સે જ નાગાલેન્ડ અને મણિપુરની મ્યાંમાર સરહદમાં ઘૂસીને ૧૦૦ નાગા બળવાખોરોનો સફાયો કર્યો હતો. માંડ વીસ મિનિટનું આ ઓપરેશન કરવા ૨૧ પેરાની એક ટુકડીને મિગ ૧૭ એરક્રાફ્ટની મદદથી જંગલમાં ઉતારાયા હતા. જંગલમાં ઉતર્યા પછી તેઓ સતત બે દિવસ સુધી ૩૦ કિલોમીટર ચાલીને ભારત વિરોધી છાવણી સુધી પહોંચ્યા હતા. અહીં પહોંચીને ૨૧ પેરાએ વીસ મિનિટમાં ઓપરેશન પૂરું કર્યું હતું. ઓપરેશન કર્યા પછી આ તેઓ નવ કિલોમીટર ચાલીને પાછા ભારતીય સરહદમાં આવ્યા હતા, જ્યાંથી તેમને એરલિફ્ટ કરી લેવાયા હતા. આ હુમલાના ચારે દિવસ પહેલાં જ નેશનાલિસ્ટ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડના બળવાખોરોએ મણિપુરમાં ભારતીય લશ્કરના ૧૮ જવાનોને મોતને ઘાટ ઉતાર્યા હતા, એના જવાબમાં એ ઓપરેશન કરાયું હતું.

ટૂંકમાં, પેરા કમાન્ડોઝને કાઉન્ટર ટેરરિઝમની આટલી આકરી તાલીમ અપાઈ જ હોય છે, છતાં પઠાણકોટમાં તેમના બદલે એનએસજીનો ઉપયોગ કરાયો એ આશ્ચર્યજનક છે. એનએસજી પણ સ્પેશિયલ ફોર્સ જ છે. એનએસજી બે ભાગમાં છે, એક સ્પેશિયલ એક્શન ગ્રૂપ અને બીજું સ્પેશિયલ રેન્જર્સ ગ્રૂપ. એનએસજીનો હવાલો કેન્દ્રિય ગૃહ મંત્રાલય પાસે છે. શું ગૃહ મંત્રાલયે લશ્કરની સલાહથી એનએસજીને પઠાણકોટ મોકલ્યા હતા? આ સવાલનો ચોક્કસ જવાબ મળતો નથી. પઠાણકોટ ઓપરેશનમાં એરફોર્સની ગરુડ કમાન્ડોઝ સ્પેશિયલ ફોર્સ પણ સામેલ હતી. ગરુડને એન્ટિ હાઈજેક, સર્ચ એન્ડ રેસ્ક્યૂ તેમજ જંગલમાં ઓપરેશન કરવાની તાલીમ અપાય છે. પઠાણકોટ એરબેઝ પર એકસાથે અનેક ફોર્સ અને સ્પેશિયલ ફોર્સ ઓપરેશનમાં સામેલ થઈ હોવાથી ગૂંચવાડો થયો હતો. આ કારણોસર જ આતંકવાદીઓ સાથેની સૌથી પહેલી અથડામણમાં એક ગરુડ કમાન્ડો શહીદ થઈ ગયા હતા. સુરક્ષા નિષ્ણાતોએ ઉઠાવેલા સવાલો પરથી એવું કહી શકાય કે, પઠાણકોટ ઓપરેશનમાં વધુ પડતા રસોઈયા રસોઈ બગાડે – કંઈક એવો ઘાટ સર્જાયો હતો. આવી સ્થિતિ સંકલનના અભાવે જ સર્જાતી હોય છે. વી. કે. સિંઘે એટલે જ કહ્યું હતું કે, પઠાણકોટ ઓપરેશનનું સંચાલન કોણ અને ક્યાંથી કરી રહ્યું હતું એ પણ સ્પષ્ટ નહોતું. 

ભારતની વિવિધ સ્પેશિયલ ફોર્સનું માળખું

હવે પઠાણકોટ ઓપરેશનમાં સામેલ ન હતી એ સ્પેશિયલ ફોર્સની વાત કરીએ. નેવી પાસે એક હજાર કમાન્ડોની માર્કોઝ સ્પેશિયલ ફોર્સ છે, જેમને દરિયામાં ઓપરેશન કરવાની તાલીમ અપાય છે. લશ્કર અને એરફોર્સને પેરેશૂટ ડ્રોપિંગ સહિતની મદદ માટે પણ તે અત્યંત મહત્ત્વની ફોર્સ છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પાસે કોબ્રા નામની સ્પેશિયલ ફોર્સ છે. તેમને જંગલોમાં મજબૂત બેઝ બનાવીને આતંકવાદી પ્રવૃત્તિ કરતા સંગઠનો સામે લડવાની તાલીમ અપાય છે. કેન્દ્રિય મંત્રીમંડળ પાસે ૩,૫૦૦ જવાનોનું સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ છે. જોકે, તેઓનું મુખ્ય કામ વડાપ્રધાન અને પૂર્વ વડાપ્રધાનોની સુરક્ષાનું છે. સીઆરપીએફના જ પસંદગીના જવાનોને એસપીજીમાં સમાવાય છે. કેન્દ્રિય મંત્રીમંડળ અંતર્ગત દસ હજાર ચુનંદા જવાનોની સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ પણ છે. તેમનું મુખ્ય કામ તિબેટ અને ચીનની દેશવિરોધી પ્રવૃત્તિ પર નજર રાખવાનું છે. આ પ્રકારની ફોર્સનું કામ ફક્ત હુમલા કરવાનું નહીં પણ જાસૂસીથી લઈને જે તે વિસ્તારના લોકો સાથે મજબૂત સંપર્કો બનાવવાનું હોય છે. એ માટે જ તેમને એ વિસ્તારની ભાષાઓની તાલીમ અપાય છે. વર્ષ ૧૯૬૨માં ચીન સામેના યુદ્ધમાં પછડાટ ખાધા પછી આ ફોર્સની રચના કરાઈ હતી.

ભારતમાં વિવિધ સ્પેશિયલ ફોર્સની રચના અનુભવોના આધારે કરાઈ છે. કદાચ એટલે તેનો હવાલો જુદા જુદા ખાતા પાસે છે. જેમ કે, વર્ષ ૨૦૦૮માં મુંબઈના ૨૬/૧૧ હુમલા પછી મહારાષ્ટ્ર સરકારે ફોર્સ વનની રચના કરી હતી, જેને એનએસજી જેવી સામૂહિક અપહરણની સ્થિતિ કાબૂમાં લેવાની તાલીમ અપાય છે. એ હુમલા વખતે પણ એનએસજીને બોલાવાયું હતું પણ એરપોર્ટ પર એરક્રાફ્ટની રાહ જોઈને બેસી રહેવું પડ્યું હોવાથી તેઓ મોડા પહોંચ્યા હતા. ગૃહ મંત્રાલય હેઠળ પાર્લામેન્ટ ડ્યૂટી ગ્રૂપ નામની,૫૪૦ જવાનોની સ્પેશિયલ ફોર્સ પણ છે. આ જવાનોનું કામ સંસદનું મકાન અને સમગ્ર સંસદ વિસ્તારની સુરક્ષાનું છે. તેઓને ન્યુક્લિયર અને બાયોલોજિકલ હુમલાને કાબૂમાં લેવાની પણ તાલીમ અપાય છે.

વર્ષ ૨૦૧૧માં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે તત્કાલીન કેન્દ્રિય સચિવ નરેશ ચંદ્રાના વડપણ હેઠળ એક સમિતિ રચીને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવા સૂચનો મંગાવ્યા હતા. આ સમિતિએ પણ કહ્યું હતું કે, આપણા પાસે આટલી બધી સ્પેશિયલ ફોર્સ છે, જે ગૃહ મંત્રાલય, કેન્દ્રિય મંત્રીમંડળ અને લશ્કર એમ જુદા જુદા ખાતા હેઠળ કામ કરે છે, જેથી તેમના વચ્ચે સંકલનનો અભાવ છે. આ કારણોસર જ આપણે તેની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરી નથી શક્યા.

ભારતની સ્પેશિયલ ફોર્સીસ કેટલી સફળ?

આ વાતનો એકદમ વિસ્તૃત જવાબ પૂર્વ લેફ્ટનન્ટ જનરલ પી.સી. કટોચ અને પત્રકાર સૈકત દત્તાએ સંયુક્ત રીતે લખેલા ‘ઈન્ડિયાઝ સ્પેશિયલ ફોર્સીસ, હિસ્ટરી એન્ડ ફ્યુચર ઓફ ઈન્ડિયાઝ સ્પેશિયલ ફોર્સીસ’ નામના પુસ્તકમાં મળે છે. આટલા એક્સક્લુસિવ વિષય પર લખાયેલું દેશનું એકમાત્ર પુસ્તક એમેઝોન પરથી ફક્ત રૂ. 596 (કિન્ડલ એડિશન રૂ. 375 અને પેપરબેક એડિશન રૂ. 399)માં ખરીદી શકાય છે. 

આ પુસ્તકમાં સ્પેશિયલ ફોર્સ વિશે કંઈ પણ બોલવા ‘ઓથોરિટી’ ગણાતા કટોચે સાબિત કર્યું છે કે, આતંકવાદીઓ-બળવાખોરોના સફાયાની રીતે જોઈએ તો ભારતની સ્પેશિયલ ફોર્સીસ સફળ કહી શકાય. પરંતુ આવી ફોર્સ પાસે વ્યૂહાત્મક કામ લેવામાં સફળતા મળે તો જ આપણે તેની પૂરેપૂરી ક્ષમતાનો ઉપયોગ કર્યો કહેવાય. આતંકવાદીઓને તો ઈન્ફ્રન્ટ્રી, રાષ્ટ્રીય રાયફલ અને આસામ રાયફલ પણ મારી શકે છે, જ્યારે સ્પેશિયલ ફોર્સીસનું કામ ગોળી છોડ્યા વિના બળવાખોરીને કાબૂમાં લેવાનું છે. આ પ્રકારના યુદ્ધમાં શારીરિક હુમલો અંતિમ વિકલ્પ હોય છે. આખી દુનિયામાં વન ટુ વન ફાઈટનું મહત્ત્વ ઘટી રહ્યું છે. પાકિસ્તાન અને ચીનની બાબતમાં ભારતને પણ આ વાત લાગુ પડે છે. સ્પેશિયલ ફોર્સના કમાન્ડોનો પ્રભાવ ગોળી છોડતા સૈનિકથી અનેકગણો વધારે હોવો જોઈએ!

કટોચ ઉદાહરણો આપીને સમજાવે છે કે, શ્રીલંકામાં એલટીટીઈના સંદેશા આંતરતા માલુમ પડ્યું હતું કે, તેઓ સૌથી વધારે ઈન્ડિયન પીસ કિપિંગ ફોર્સથી ડરતા હતા કારણ કે, જરૂર પડ્યે આકરો જવાબ આપવાની સાથે એ ફોર્સ ઈન્ફોર્મેશન સપોર્ટ મેનેજમેન્ટ, સાઈકોલોજિકલ ઓપરેશન અને પર્સેપ્શન મેનેજમેન્ટ જેવું હુમલા સિવાયનું કામ કરવામાં અવ્વલ હતી. સ્પેશિયલ ફોર્સના ઓપરેશનમાં સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. એટલે જ સ્પેશિયલ ફોર્સના કમાન્ડોઝને પાડોશીઓ સાથેના ‘બુલેટલેસ વૉર’માં નિષ્ણાત બનાવવા પાડોશી દેશોની ઉર્દૂ, પશ્તુ અને ચાઈનીઝ જેવી ભાષાની પણ તાલીમ અપાય છે.

હાલ ચીન, રશિયા અને અમેરિકા સ્પેશિયલ ફોર્સીસનો સૌથી ઉત્તમ ઉપયોગ કરે છે. તેઓ પાડોશી દેશોની સરહદો નજીક કરાતી વિકાસ યોજનાઓમાં પણ સ્પેશિયલ ફોર્સના ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરે છે. ચીને તાલિબાનો સાથે પણ ઊંડા સંપર્ક બનાવ્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનો પર હુમલો કર્યો હોવા છતાં અમેરિકાના તાલિબાનો સાથેના સંબંધ આપણા કરતા વધારે મજબૂત છે કારણ કે, તેમની સ્પેશિયલ ફોર્સ તાલિબાનોને પણ તાલીમ આપે છે. સ્પેશિયલ ફોર્સીસનું કામ બળવાખોરોને વ્યૂહાત્મક સહાય કરવાનું પણ છે, જે આજના આંતરરાષ્ટ્રીય-વ્યૂહાત્મક રાજકારણની કડવી હકીકત છે.

ટૂંકમાં, આતંકવાદને કાબૂમાં રાખવા કે આંતરિક સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવા જ નહીં પણ વિદેશી નીતિમાં પણ પછડાટ નહીં ખાવા સ્પેશિયલ ફોર્સનું માળખું સુધારવું કેમ જરૂરી છે, એ વાતનો જવાબ વાચકોને મળી ગયો હશે!

નોંધ ઃ તસવીર પ્રતીકાત્મક છે. 

1 comment:

  1. Nice article Vishal...short but precise explanation...keep it up..

    ReplyDelete