11 January, 2016

કૃષિ સુધારા કરવા અઘરા પણ અશક્ય નહીં


વર્ષ 2016માં ઓવરઓલ જીડીપી ૭.૫ ટકા અને એગ્રિ જીડીપી (કૃષિ વિકાસ દર) ૧.૧ ટકા રહેશે એવું અનુમાન કરાયું છે. જો કૃષિપ્રધાન દેશમાં ઓવરઓલ જીડીપી અને એગ્રિ જીડીપી વચ્ચે આટલો જંગી તફાવત રહેતો હોય તો હસવું કે રડવું એ નક્કી કરવું મુશ્કેલ છે. ભારત જેવા દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન મહત્ત્વનું છે એની ના નહીં પણ આજેય ભારતની ૪૯ ટકા વસતી સીધી કે આડકતરી રીતે કૃષિ પર નિર્ભર છે. જો એગ્રિ જીડીપી ઓવરઓલ જીડીપી સામે ઘટતો રહેશે તો આખા ભારતીય અર્થતંત્ર માટે જોખમી સાબિત થશે. આપણે અનાજ, કઠોળ અને શાકભાજીમાં મોંઘવારીનો સામનો કરવો પડે છે એ પાછળ પણ ખોડંગાતું કૃષિ અર્થતંત્ર જ જવાબદાર છે. જો કૃષિ ક્ષેત્રની હાલત આવી જ રીતે બગડતી રહેશે તો ખેડૂતોની આત્મહત્યામાં હજુ વધારો થશે. આ સ્થિતિને 'સબ કા સાથ, સબ કા વિકાસ' એવું કઈ રીતે કહી શકાય? જો એનડીએ સરકાર પણ પાછલી સરકારની જેમ ઔદ્યોગિક વિકાસના આંકડા જોઈને સંતોષ માનતી રહેશે તો ખેડૂતો ઠેરના ઠેર જ રહેશે એ વાતમાં કોઈ શંકા નથી.

ઓછા વરસાદના અનુમાનનો ખેલ!

નવા વર્ષના એગ્રિ જીડીપીના અનુમાનિત આંકડા કંગાળ દેખાવાનું મુખ્ય કારણ ભારતીય હવામાન ખાતાએ કરેલું સરેરાશથી ઓછા વરસાદનું અનુમાન છે. સરેરાશથી ઓછા વરસાદનો અર્થ એ છે કે દેશના અનેક વિસ્તારોમાં દુકાળની સ્થિતિ હશે. વર્ષ ૨૦૧૪માં પણ દુકાળ પડ્યો હતો પણ સરકારે તેને સત્તાવાર જાહેર નહોતો કર્યો. આવી રીતે ઉપરાછાપરી સળંગ બે વર્ષ સુધી દુકાળ નોંધાયો હોય એવું અત્યાર સુધી ફક્ત ત્રણ જ વાર વર્ષ ૧૯૦૪-૦૫, ૧૯૬૫-૬૬ અને ૧૯૮૬-૮૭માં થયું છે. આ સંજોગોમાં એનડીએ સરકાર સામેનો સૌથી મોટો પડકાર દુકાળ સામે લડવા તમામ સ્તરે નીતિવિષયક પગલાં કેવી રીતે લેવા એ છે.



દુકાળની સ્થિતિમાં ખેડૂતોની આત્મહત્યાનો દર નીચામાં નીચો રહે એ માટે શું કરવું જોઈએ?- એ સવાલના જવાબ શોધીને તેનો અમલ કરવો એ એનડીએ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ. આ સ્થિતિમાં સૌથી આદર્શ માર્ગ ખેડૂતોને બિયારણ, ખાતર, ઘાસચારો અને ડીઝલ જેવી કૃષિ માટે પાયાની જરૂરિયાતો પૂરી પાડવા આકસ્મિક યોજના તૈયાર રાખવાનો છે. વળી, દરેક રાજ્યમાં આ જરૂરિયાતો અલગ અલગ રહેશે એનો આગોતરો અભ્યાસ કરવો પણ જરૂરી છે. જો આવું નહીં કરાય તો દુકાળની સ્થિતિ ધાર્યા કરતા વધારે ભયાનકતા સર્જી શકે છે. જોકે, ખેડૂતોની આત્મહત્યાઓ વચ્ચે પણ સરકારો હંમેશા એમ જ કહે છે કે, અમે દુકાળની સ્થિતિને પહોંચી વળવા સજ્જ છીએ.

વીમા યોજનાઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર

કૃષિપ્રધાન દેશમાં કૃષિને લગતા વીમાની યોજના સરળ અને ભ્રષ્ટાચાર મુક્ત હોય તો ખેડૂતોની આત્મહત્યા જેવી અત્યંત ગંભીર મુશ્કેલી સામે લડવામાં મદદ મળે. જોકે, આઝાદીના છ દાયકાથી પણ વધારે સમય પછી એક કૃષિપ્રધાન દેશમાં કૃષિ વીમાનું ચુસ્ત માળખું ઊભું થઈ શક્યું નથી એ ખરેખર આઘાતજનક છે. હાલનું કૃષિ વીમા માળખું અત્યંત ભ્રષ્ટ અને જટિલ છે. ખેડૂતો કૃષિ વીમાનો દાવો કરે એ પછી તેમને સહેલાઈથી તેમનું વળતર મળતું નથી. વીમાનો દાવો કરીને વળતર મેળવવા પણ લાંચ આપવી પડે છે એવી ફરિયાદો વ્યાપક છે. વળી, જે કોઈ રકમ મળે છે એ પણ નુકસાની સામે ચણાંમમરાં જેવી હોય છે, જેના કારણે આજેય લાખો ખેડૂતો કૃષિ વીમા ઉતરાવવામાં ઉદાસીન છે.

કૃષિ નિષ્ણાતોના મતે, કૃષિ વીમાનું સજ્જડ માળખું ઊભું કરવા માટે ટેક્નોલોજિકલ ક્રાંતિ મદદરૂપ થઈ શકે. જેમ કે, દરેક નાના અને મધ્યમ ખેડૂતને તેની નુકસાનીનું યોગ્ય વળતર મળે એ માટે જમીનોના રેકોર્ડનું કમ્પ્યુટરાઈઝેશન, કૃષિ યોગ્ય હવામાનની આગાહી માટે સેટેલાઈટ એડવાન્સમેન્ટ, દેશના વિવિધ વિસ્તારોના હવામાનની સચોટ આગાહી માટે હાઈટેક સ્ટેશન, ડ્રોન મોનિટરિંગ તેમજ આધાર કાર્ડ આધારિત બેંક ખાતા જેવી તમામ સુવિધા કૃષિ વીમા સુધારાની પાયાની શરતો છે. ટેક્નોલોજીનો ફાયદો એ છે કે, તેનાથી યોગ્ય ખેડૂતને, યોગ્ય વળતર મળશે. જો કૃષિ વીમા યોજનાને પણ જન ધન યોજનાની જેમ પ્રાથમિકતા નહીં અપાય તો ખેડૂતો હજુ પણ અનેક વર્ષો સુધી મરતા રહેશે એમાં કોઈ શંકા નથી.

દુકાળને હંફાવવા પાણીના કૃત્રિમ સ્રોત

ભારતીય કૃષિ વરસાદ આધારિત છે. જો વરસાદ સારો પડે તો પાક સારો થાય અને ના પડે તો નબળો થાય અથવા ના થાય. આજેય ભારતમાં લાખો હેક્ટર જમીનમાં સિંચાઈની સુવિધા નથી. પરિણામે લાખો ખેડૂતો ફક્ત વરસાદ પર આધાર રાખીને ખેતી કરે છે અને વરસાદ ના પડે ત્યારે આત્મહત્યા કરે છે. આ સ્થિતિમાં બદલાવ લાવવા સિંચાઈ યોજનાઓ, નાના ગામોને તળાવો માટે પ્રોત્સાહન તેમજ વીજ ક્ષેત્રે સુધારા કરવા પડે. સિંચાઈ પહોંચી ના શકે ત્યાં ડ્રીપ ઈરિગેશન સહિતની હાઈટેક સુવિધા વિકસે એની જવાબદારી પણ સરકારની છે. ભંડોળના અભાવે આ સુવિધા વિકસાવી શકાઈ નથી તો તેનો આખરી ઉપાય શું છે એ  દિશામાં વિચારીને પણ હવે ઝડપથી આગળ વધવું પડશે.

સિંચાઈ યોજનાઓ પાછળ કરોડો રૂપિયાના ખર્ચ પછીયે દેશની ૫૦ ટકાથી પણ વધારે કૃષિ જમીન પાણી માટે તરસે છે. હવામાનમાં થોડો પણ ફેરફાર થાય કે વરસાદ ઓછો કે નહીંવત હોય ત્યારે એવા વિસ્તારોમાં ભારે જોખમ સર્જાય છે. આ મુશ્કેલીને હળવી કરવા ઉત્તર-પશ્ચિમ ભારતમાં પાકિસ્તાન અને પૂર્વમાં બાંગ્લાદેશ સાથે નદીઓના પાણીના વિવાદનો ઝડપથી ઉકેલ લાવવો જોઈએ એમ પણ કૃષિ નિષ્ણાતો વારંવાર કહી ચૂક્યા છે.

પાણીની પણ અજાણતા 'નિકાસ'

આપણે વર્ષોથી સાંભળીએ છીએ કે, કૃષિપ્રધાન દેશ ભારતમાં પાણીની અછત છે. આ સ્થિતિમાં કૃષિ નિષ્ણાતોની મદદથી પાણીનું ગણિત સમજવું ખૂબ જ જરૂરી છે કારણ કે, ભારતમાંથી આડકતરી રીતે લાખો ટન પાણીની પણ 'નિકાસ' થઈ જાય છે. જેમ કે, ભારતમાં પાકતા એક કિલોગ્રામ ચોખાને સરેરાશ ત્રણથી પાંચ હજાર લિટર પાણી જોઈએ છે. પંજાબ અને હરિયાણા બેલ્ટમાં પાકતા એક કિલોગ્રામ ચોખાને સૌથી વધારે પાંચ હજાર લિટર પાણીની જરૂર પડે છે. વર્ષ ૨૦૧૫માં ભારતે એક કરોડ ટન ચોખાની નિકાસ કરી હતી. એનો અર્થ છે કે, ભારતે એ વર્ષે ૩૦થી ૫૦ બિલિયન ક્યુબિક મીટર પાણીની પણ નિકાસ કરી દીધી. ખાંડના ઉત્પાદનમાં પણ 'પાણીનું ગણિત' કંઈક આવું જ છે. ભારતમાં એક કિલોગ્રામ ખાંડના ઉત્પાદન માટે બે હજાર લિટર પાણી વપરાઈ જાય છે.

આ કારણોસર જ આયાત-નિકાસના હિસાબ કરતી વખતે સિંચાઈ સહિતની પાણી યોજનાઓ માટે કરેલા ખર્ચને ગણતરીમાં જોઈએ. જે પાકને વધારે પાણી જોઈએ તેની નિકાસ કરીએ ત્યારે એ ખર્ચ વસૂલાઈ જવો ખૂબ જરૂરી છે. આ ઉપરાંત ડ્રીપ ઈરિગેશન જેવી ટેક્નોલોજીની મદદથી ઓછામાં ઓછા પાણીથી સારો પાક કેવી રીતે લઈ શકાય એના પર પણ આપણે મહત્તમ ભાર આપવો જોઈએ. ભારતમાં પાણીની જેમ વીજળીની કિંમત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કારણ કે, આજેય દેશના મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતોને મફત કે સબસિડી દરે વીજળી પૂરી પડાય છે. જોકે, અત્યાર સુધી કેન્દ્ર કે એક પણ રાજ્ય સરકારે કૃષિ અર્થશાસ્ત્રીઓની મદદથી આ મુદ્દાને ગંભીરતાથી લીધો નથી. કૃષિ નિષ્ણાતો એવું પણ સૂચન કરે છે કે, ચોખા કે ખાંડની નિકાસ પર વધારાનો પાંચ ટકા વેરો લાદીને નિકાસકારોને હતોત્સાહ કરી શકાય. આમ કરીને કેન્દ્ર કે રાજ્ય સરકારો તેમણે પાણી કે વીજળી માટે ખર્ચેલા નાણાં પરત મેળવીને નુકસાનીમાંથી બચી શકે.

જો સરકાર આ દિશામાં ઠોસ પગલાં નહીં લે તો દર થોડા વર્ષે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થયા જ કરશે. ભારતમાં મોંઘવારી રાજકીય રીતે સૌથી સંવેદનશીલ મુદ્દો છે. આ સ્થિતિને હાલ પૂરતી કાબૂમાં રાખવા અનાજ, કઠોળ, શાકભાજી, ફળફળાદિ, ઈંડા અને માછલી જેવા તમામ ખાદ્યાન્નો પર પાંચ ટકા કર માફ કરી દેવો જોઈએ. જોકે, આ પગલું ત્યારે જ લઈ શકાય જ્યારે સરકારને પાંચ ટકા આવક અન્ય સ્રોતમાંથી મળી જતી હોય!
***

ટૂંકમાં, મોદી સરકારે કૃષિ સુધારા કરવા મજબૂત ઈચ્છાશક્તિ અને કૃષિ નિષ્ણાતોએ ડિઝાઈન કરેલા એજન્ડાની ખાસ જરૂર છે. ભારત જેવા જટિલ દેશમાં કૃષિ સુધારા કરવા ખરેખર અઘરું કામ છે. જોકે, આ કામ અશક્ય નથી એ પણ હકીકત છે.

No comments:

Post a Comment