01 February, 2016

ફ્લોરેન્સ નાઇટિંગલનું 'સ્વચ્છ ભારત' અભિયાન


સ્વચ્છતાના કામમાં લોકોને જોતર્યા વિના અને લોકોને તેનાથી શું લાભ થવાનો છે એવું સમજાવ્યા વિના આપણે કદાચ સ્વચ્છતાના કાર્યોનો અમલ કરી શકીશું, પરંતુ એ પછી બધું અર્થહીન થઈ જશે...

ભારત સરકારે જાન્યુઆરી, ૨૦૧૬થી 'સ્વચ્છ ભારત'ની સફળતા-નિષ્ફળતા ચકાસવા સર્વેક્ષણ શરૂ કર્યું છે ત્યારે છેક દસમી ઓક્ટોબર, ૧૮૮૮ના રોજ લખાયેલા આ શબ્દો બરાબર યાદ રાખવા જેવા છે. આ શબ્દો લખનારી વ્યક્તિએ ભારતને સ્વચ્છ કરવા, રોગચાળો ફેલાય જ નહીં એ માટે, જાહેર આરોગ્યની સ્થિતિ સુધારવા, હોસ્પિટલો-દવાખાનાઓ કેવા હોવા જોઈએ, ગટર વ્યવસ્થાની ખામીઓ, પાણી અને જમીનની શુદ્ધતા, નદી-નાળાની સ્થિતિ તેમજ ભારત જેવા વિશાળ દેશમાં ભૂખમરાની સ્થિતિનો કેવી રીતે સામનો કરી શકાય એ તમામ વિષયો પર ઘણું લખ્યું હતું. ભારતના આ તમામ પ્રશ્નો પર તેમણે સતત ચાળીસ વર્ષ સુધી ધ્યાન કેન્દ્રિત કરીને સોનેરી સૂચનો કર્યા હતા. નવાઈની વાત એ છે કે, સ્વચ્છતાના કામમાં લોક ભાગીદારીનું મહત્ત્વ સમજાવવા જે વ્યક્તિએ ઉપરોક્ત શબ્દો લખ્યા હતા, એ ક્યારેય ભારત આવી જ નહોતી. એ વ્યક્તિ એટલે 'લેડી વિથ ધ લેમ્પ' તરીકે અમર થઈ ગયેલા ફ્લોરેન્સ નાઇટિંગલ.

ઈસ. ૧૮૫૩માં યુક્રેનની દક્ષિણ પૂર્વે આવેલા ઓટોનોમસ રિપબ્લિક ઓફ ક્રિમીઆમાં બ્રિટન-ફ્રાન્સે રશિયા સામે જોરદાર યુદ્ધ કર્યું હતું. આ યુદ્ધમાં યુદ્ધમોરચે ઘવાયેલા સૈનિકોની સારવાર કરવાનું કામ ફ્લોરેન્સ નાઇટિંગલની નર્સિંગ ટીમનું હતું. એ વખતે યુદ્ધ મોરચે જઈને જીવંત અહેવાલો પીરસવાની શરૂઆત થઈ ગઈ હતી. એટલે સ્વાભાવિક રીતે જ બ્રિટનના 'ન્યૂઝ સ્ટોરી' ભૂખ્યા અખબારોએ જનસેવા અને દેશપ્રેમના કોકટેલમાં ઝબોળેલા સમાચારો છાપીને નાઇટિંગલને રીતસરના સ્ટાર બનાવી દીધા હતા. નાઇટિંગલની તરફેણમાં આવેલા સંખ્યાબંધ અહેવાલોથી તેમને દાયકાઓ પછી ફાયદો થવાના બદલે નુકસાન થયું. ૧૩મી ઓગસ્ટ, ૧૯૧૦માં નાઇટિંગલના મૃત્યુ બાદ થયેલા કેટલાક સંશોધનોમાં એવો દાવો કરાયો કે, નાઇટિંગલનું કામ સારું હતું પણ તેમની આસપાસ દંતકથાઓ રચવાનું કામ 'સમાચાર-પીપાસુ' મીડિયાએ કર્યું હતું. જોકે, ફક્ત ક્રિમીઆ યુદ્ધમાં કરેલા કામને ધ્યાનમાં રાખીને નાઇટિંગલનું મૂલ્યાંકન કરવું એ તેમના સાથે ઘોર અન્યાય બરાબર છે.
ફ્લોરેન્સ નાઇટિંગલ

ઈસ. ૧૮૫૭માં અંગ્રેજો સામે આઝાદીની લડાઈએ જોર પકડ્યું ત્યારે નાઇટિંગલનું ધ્યાન ભારતમાં જાહેર આરોગ્યની સ્થિતિ તરફ ખેંચાયું. જોકે, શરૂઆતમાં તેમનો ઈરાદો ભારતમાં રહેતા બ્રિટીશ સૈનિકોનું આરોગ્ય સારું રાખવાનો હતો, પરંતુ એ પછી તરત જ નાઇટિંગલે ભારતના સ્વચ્છતાના પ્રશ્નોને સમજવાનું શરૂ કર્યું હતું. ભારત આવી શકે એમ નહીં હોવાથી તેમણે ભારતના તમામ જિલ્લાઓની બ્રિટીશ છાવણીઓમાં સર્વેક્ષણ પણ કર્યું હતું. આ માટે તેમણે જાતે વીસ પ્રશ્નોની યાદી બનાવી હતી, જેથી તેઓ બ્રિટનમાં બેઠા બેઠા નકશા અને આંકડાની મદદથી ભારતની મુશ્કેલીઓ સમજી શકે. આ પ્રકારનું 'ડિસ્ટન્સ લર્નિંગ' કરીને નાઇટિંગલે બ્રિટીશ છાવણીઓના જાહેર આરોગ્યની સ્થિતિ સુધારવા સ્થાપવામાં આવેલા રોયલ કમિશન સાથે જબરદસ્ત સક્રિયતાથી પત્રવ્યવહાર કર્યો હતો. તેમણે દુકાળ, ભૂખમરો, સિંચાઈ, રહેણીકરણી, શિક્ષણ, જાહેર આરોગ્ય અને હોસ્પિટલો એમ તમામ બાબતને એકબીજા સાથે જોડીને સ્વચ્છતાના પાયાના પ્રશ્નોને સમજાવવા કમર કસી હતી.

જેમ કે, ઈસ. ૧૮૭૭માં દક્ષિણ ભારતમાં સતત બે વર્ષ કારમો દુકાળ પડ્યો હતો. ઈતિહાસમાં આ પ્રકરણ 'ગ્રેટ ફેમિન ઓફ ૧૮૭૬-૭૮' તરીકે જાણીતું છે. આ કુદરતી આફતમાં ૫૫ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. એ વખતે નાઇટિંગલે બ્રિટનમાં બેઠા બેઠા ઝીણી ઝીણી વિગતો એકઠી કરીને તાત્કાલિક કેટલાક પગલાં લેવાની માગ કરી હતી. જૂન ૧૮૭૭માં 'ઇલસ્ટ્રેટેડ લંડન ન્યૂઝ'માં એક ચર્ચાપત્રમાં નાઇટિંગલે મદ્રાસ પ્રેસિડેન્સીના દુકાળ વિશે કરેલી જબરદસ્ત છણાવટની નોંધ મળે છે. નાઇટિંગલનું કહેવું હતું કે, દુકાળગ્રસ્ત જિલ્લાઓને આપણે દુકાળમુક્ત જિલ્લાઓ સાથે કેનાલોની મદદથી જોડી દેવા જોઈએ. આવું કરીએ તો આપણે તમામ જિલ્લાઓ વચ્ચે સિંચાઈની વ્યવસ્થા તો ઊભી કરી શકીએ. આ ઉપરાંત સ્ટિમ બોટ એન્જિનથી એ જિલ્લા વચ્ચે અસરકારક કોમ્યુનિકેશન પણ કરી શકીએ... નાઇટિંગલ અન્ન ઉત્પાદન વધારવા અને દુકાળગ્રસ્ત વિસ્તારોમાં અન્ન પહોંચાડવા પણ સિંચાઈની આક્રમક વકીલાત કરતા હતા. એવું નહોતું કે, નાઇટિંગલે સૂચનો કર્યા એ પહેલાં સિંચાઈનું કામ થતું જ નહોતું, પરંતુ આવા અનેક મુદ્દે તેમણે સંખ્યાબંધ પત્રો લખીને અંગ્રેજ શાસનને ઠાલી વાતો કરવાનું બંધ કરીને ઠોસ પગલાં લેવા ટપાર્યું હતું.

અંગ્રેજ શાસનમાં સ્વચ્છતા અને જાહેર આરોગ્ય ક્ષેત્રે સારું કામ કરનારાને પ્રોત્સાહન આપવામાં પણ તેમણે પાછીપાની કરી ન હતી. ૧૦મી ઓક્ટોબર, ૧૮૮૮ના રોજ લખેલા એક પત્રમાં નાઇટિંગલે બોમ્બે પ્રેસિડેન્સીના હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવનારા થોમસ ગિલહામ હ્યુલેટ વિશે નોંધ્યું છે કે, ''...તેઓ બોમ્બે પ્રેસિડેન્સીના પહેલાં હેલ્થ ઓફિસર છે, એ પણ સાત વર્ષથી. સેનિટરી એન્જિયરિંગને તેમણે જાતમાં વણી લીધું છે. રાત્રિના બે-ત્રણ વાગ્યા સુધી તેઓ ટીમ સાથે જાહેર સફાઈકાર્યો કરતા હોય છે. ઊંચો મૃત્યુદર હવે એક હજારે ૩૫ પરથી ૨૩ પર આવી ગયો છે અને કોલેરા આખરે નાબૂદ થઈ ગયો છે. ૧૮૭૬-૭૮ના દુકાળ વખતે સેનેટરી મિશનરી (સેવા કરવા આવતા ખ્રિસ્તી સંતો) તરીકે આવ્યા હતા. સેનેટરી કમિશનર તરીકે ફરજ બજાવતી વખતે તેઓ તંબૂઓ તાણ્યા વિના, ખાધાપીધા વિના દિવસના વીસેક કલાક પ્રવાસ કરીને દુકાળની રાહત છાવણીઓમાં કાર્યરત રહેતા હતા. ગામડાઓમાં કામ કરવાનો ઘણો મોટો અનુભવ તેમને અહીંથી મળ્યો હતો. પ્રેસિડેન્સીના સેનેટરી મિશનરી તરીકે તેઓ છેલ્લાં પાંચ વર્ષથી સ્થાનિકોને વહેલા મૃત્યુ અને રોગો વિશે તેમજ તેમની આ શારીરિક ક્ષમતાની અધોગતિ રોકવા જાગૃત કરી રહ્યા છે, જે મ્યુનિસિપાલિટી કે પંચાયતના પ્રમુખ, વડા કે ગ્રામજનો હોઈ શકે છે...''

આટલું લખીને તેઓ લેખની શરૂઆતમાં જે શબ્દો લખ્યા છે એ લોક ભાગીદારીની વાત કરે છે. લોક ભાગીદારી માટે હ્યુલેટે સ્થાનિક લોકોનો વિશ્વાસ કેવી રીતે જીતી લીધો એના પણ તેઓ વખાણ કરે છે. યાદ રાખો, આ ૧૨૮ વર્ષ પહેલાંની વાત છે, જ્યારે ભારતમાં નિરક્ષરતા અને કુરિવાજો ચરમસીમાએ હતા. ત્રીજી ઓક્ટોબર, ૧૮૮૮ના રોજ નાઇટિંગલે પત્ર લખીને અમદાવાદની સ્વચ્છતાને લગતા બે દસ્તાવેજો મોકલવા બદલ હ્યુલેટનો આભાર માન્યો હતો. આ દસ્તાવેજો મંગાવવાનો હેતુ ભારતમાં સ્વચ્છતા મુદ્દે ક્યાં સારું કામ થઈ રહ્યું છે જાણીને પત્રવ્યવહાર કરવાનો હતો. ૨૪મી ઓક્ટોબર, ૧૮૮૮ના રોજ નાઇટિંગલે લોર્ડ રિપનને લખેલા પત્રમાં અમદાવાદ વિશે લખ્યું છે કે, ''...અમદાવાદ તેના સ્થાનિક પ્રમુખ રણછોડલાલ છોટાલાલની આગેવાનીમાં પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા મુદ્દે શાનદાર કામ કરી રહ્યું છે, જે તમારા માટે મોટી વાત છે. (એક સમયે આ ત્રાસદાયક શહેર હતું.) હવે તેઓ શહેરને અવિરત પાણી પૂરું પાડવાની તૈયારીમાં છે, જે તેઓ સારી રીતે બાંધવામાં આવેલા નદીના પટમાંથી મેળવેશે... અમદાવાદ પાકી ગટરો ધરાવતું ભારતનું પહેલું મોફૂસિલ શહેર હશે. એક સમયે તેનો મૃત્યુઆંક ખૂબ ઊંચો હતો...'' (ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ત્રણ રાજધાની બોમ્બે, કલકત્તા અને મદ્રાસ પ્રેસિડેન્સીની બહાર આવેલા નાના-પછાત નગરો મોફૂસિલ તરીકે ઓળખાતા હતા.)

નાઇટિંગલ ઇચ્છતા હતા કે, બીજા શહેરો પણ અમદાવાદમાંથી પ્રેરણા લે. અમુક બ્રિટીશ અધિકારીઓની જેમ નાઇટિંગલે ક્યારેય ભારતીયોની અસ્વચ્છતાની ટીકા નહોતી કરી. નાઇટિંગલનું ધ્યાન ફક્ત ભારત કે ભારતીયો કેમ આવા છે અને તેમને કેવી રીતે સુધારી શકાય એ તરફ હતું. જાણ્યા-સમજ્યા વિના બેફામ ટીકા કરવાની ફેશન પૂરજોશમાં છે ત્યારે આ વાત સૌથી મહત્ત્વની છે. કેન્દ્ર સરકારે સ્વચ્છ ભારતની સમીક્ષા કરવાના હેતુથી ઝૂંપડપટ્ટીઓ, જાહેર ટોઇલેટ અને તેની આસપાસના સ્થળો, બસ-રેલવે સ્ટેશનો તેમજ કરોડો ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારો જ્યાં રહે છે એવા ગીચ વિસ્તારોમાં ટીમો મોકલવાનું શરૂ કર્યું છે ત્યારે નાઇટિંગલે બ્રિટનમાં બેઠા બેઠા ચલાવેલું સ્વચ્છ ભારત અભિયાન સમજવા જેવું છે. અહીં સ્વચ્છતા અભિયાનની બદબોઈ કરવાનો ઈરાદો નથી. આઝાદી પછી ભારતમાં પહેલીવાર કોઈ સરકાર સ્વચ્છતાને આટલું મહત્ત્વ આપ્યું છે એ આવકાર્ય છે, પરંતુ ભારત જેવા મહાકાય દેશને સ્વચ્છ કરવા લોકજાગૃતિના મુદ્દાને ગંભીરતાથી નથી લેવાયો એ તેની સૌથી મોટી ખામી છે. આ કામ પણ અઘરું છે જ પણ અશક્ય નથી. જો અંગ્રેજો આટલા વર્ષો પહેલાં આ દિશામાં આટલું વિચારતા હોય તો આપણે કેમ નહીં?

સુપરપાવર બનવાના સપનાં જોતા દેશમાં સ્વચ્છતાના પ્રશ્નો આપણી નબળી અને કંગાળ સિસ્ટમનું સૌથી મોટું ઉદાહરણ છે. અંગ્રેજોએ ભારત પર સળંગ ત્રણ સદી કેવું સિસ્ટમેટિક રાજ કર્યું એનો જવાબ પણ નાઇટિંગલના કામમાંથી મળે છે. આપણી સરકારો ગાઈવગાડીને જેટલી જાહેરાતો કરે છે એટલું યોજનાઓના જડબેસલાક અમલમાં ધ્યાન આપતી નથી. વળી, સરેરાશ ભારતીય પણ પોતાના હક્કો અને ફરજો બંને માટે ઉદાસીન, આળસુ અને સ્વાર્થી છે. આપણે હજુયે ભારત સ્વચ્છ કેમ નથી કરી શક્યા અથવા કેમ નથી કરી શકતા? આ સવાલનો એક જ લીટીમાં જવાબ આપવો હોય તો કહી શકાય કે, આપણે અસ્વચ્છતા કેમ થાય છે એ બરાબર સમજી નથી શકતા કે સમજવાની કોશિષ પણ નથી કરતા.

(નોંધઃ આટલા વર્ષો પહેલાં નાઇટિંગલે ફક્ત પત્રવ્યવહાર કરીને કેટલી ઝીણી ઝીણી વિગતો ભેગી કરી હતી તેમજ ગાંધીજીએ તેમના વિશે શું કહ્યું હતું એ ભાગ-2 વાંચવા અહીં ક્લિક કરો...) 

4 comments:

  1. I think our government tried to connect people and do "people Partnership". Better late than never

    ReplyDelete
  2. Replies
    1. Thanks Binita :) Keep Reading, Keep Sharing.

      Delete