11 January, 2016

શહેરોને સ્માર્ટ બનાવતા પહેલાં 'જીવવા લાયક' બનાવીએ...


કેન્દ્ર સરકારે ૧૫મી ડિસેમ્બરથી ૧૫ અબજ ડોલર એટલે કે આશરે એક લાખ કરોડના ખર્ચની તૈયારી સાથે 'સ્માર્ટ સિટી મિશનશરૂ કરી દીધું છે. આ મિશન હેઠળ દેશના ૧૦૦ શહેરોને સ્માર્ટ બનાવવાની તેમજ અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત) નામની પેટા યોજના હેઠળ એક લાખથી વધુ વસતી ધરાવતા ૫૦૦ શહેરને પણ 'સ્માર્ટ' બનાવવાની તૈયારી કરાઈ છે. આ યોજના સફળ થશે કે નહીં એ મુદ્દે મીડિયા માઈક્રો સ્કેનિંગ કરી રહ્યું છે. સ્માર્ટ સિટી મિશન સરકારી સ્ટાઈલમાં આગળ વધતું રહેશે પરંતુ જાગૃત નાગરિકો તરીકે આપણે આપણા શહેરને જીવવા લાયકકેવી રીતે બનાવી શકીએ એની ચર્ચા કદાચ વધારે જરૂરી છે. ખરેખર તો સ્માર્ટ સિટી મિશનની સફળતાનો આધાર જ દરેક નાગરિકની સીધેસીધી ભાગીદારી પર છે. જો આપણે આ વાત સરકાર અને પ્રજા ઝડપથી નહીં સમજે તો, સ્માર્ટ ફોન લીધા પછી વાપરતા જ ના આવડે- કંઈક એવો ઘાટ સર્જાતા વાર નહીં લાગે.

આ વાત કરતા પહેલાં સ્માર્ટ સિટી મિશન શું છે એ સમજીએ. આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે શહેરી જીવનમાં અત્યંત જરૂર કહેવાય એવી ૧૧ માળખાગત સુવિધામાં ધરખમ સુધારા કરવાની યોજના બનાવી છે. જે અંતર્ગત સરકાર નાગરિકોના હિતમાં આરોગ્ય, શિક્ષણ, જાહેર પરિવહન, હાઉસિંગ, પાણી અને વીજ પુરવઠો, ચુસ્ત વહીવટી તંત્ર, સુંદર પર્યાવરણ, નાગરિક સુરક્ષા, આઈટી કનેક્ટિવિટી અને ડિજિટાઈઝેશન પર ભાર મૂકશે. આ સિવાય પણ સરકાર કેટલીક બાબતોને પ્રાથમિકતા આપવાની છે, જેમાં લોકોને ચાલવા માટે ફૂટપાથ, ચુસ્ત ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થા તેમજ સ્થાનિક તંત્રને સિટીઝન ફ્રેન્ડ્લી બનાવવા જેવા મુદ્દા સમાવાયા છે. આ ઉપરાંત જે તે શહેરની સ્થાનિક સંસ્કૃતિ, વાનગી, કળા-કારીગરી અને રમતગમતને પ્રોત્સાહન આપવા જેવી બાબતો પણ ઉમેરાઈ છે. જોકે, સરકારે આ બાબતોનો સેકન્ડ પ્રાયોરિટીમાં સમાવેશ કર્યો છે. ખરેખર તો કોઈ પણ શહેર માળખાગત સુવિધા કરતા સ્થાનિક સંસ્કૃતિનો ધબકાર સંભળાતો હોય એના કારણે વધારે જીવવા જેવું લાગે છે.



સ્માર્ટ સિટી મિશન અમલની દૃષ્ટિએ અત્યંત અઘરી યોજના છે. જો તેનો યોગ્ય રીતે અમલ નહીં થાય અને ખાસ કરીને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપનો મહત્તમ લાભ નહીં ઉઠાવાય તો કરોડો રૂપિયા વેડફાઈ જશે એ નક્કી છે. વિશ્વમાં ઘણાં બધા સ્માર્ટ સિટી છે પણ જીવવા લાયક શહેરો ઘણાં ઓછા છે. આપણે સ્માર્ટ સિટીની વાત કરીએ ત્યારે મગજમાં ન્યૂયોર્ક, લોસ એન્જલસ, લંડન, પેરિસ, ટોકિયો, હોંગકોંગ કે સિંગાપોર જેવા શહેરોના નામ મગજમાં આવે છે. જોકે, 'ઈકોનોમિસ્ટ' અને 'ફોર્બ્સ' જેવા પ્રતિષ્ઠિત સામાયિકો દ્વારા બહાર પડાયેલી જીવવા લાયક (લિવેબલ) પહેલાં દસ શહેરોની યાદીમાં આ એકેય શહેરનું નામ નથી. નાગરિકો માટે જીવન હર્યુંભર્યું છે એવા પહેલા દસ શહેરમાં મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા), વિયેના (ઓસ્ટ્રિયા), કલગરી (કેનેડા), સિડની (ઓસ્ટ્રેલિયા), ઓકલેન્ડ (ન્યૂઝીલેન્ડ) વાનકુવર (કેનેડા), હેલસિંકી (ફિનલેન્ડ), ઝ્યુરિક (સ્વિત્ઝર્લેન્ડ), પર્થ (ઓસ્ટ્રેલિયા), ટોરોન્ટો (કેનેડા) અને એડેલેઇડ (ઓસ્ટ્રેલિયા)નો સમાવેશ થાય છે.

તમામ શહેરોમાં માળખાગત સુવિધાઓ ઉત્તમ કક્ષાની છે જ, પરંતુ આ શહેરોમાં જીવવાની મજા અલગ કારણથી આવી રહી છે. એ માટે ઓગસ્ટ ૨૦૧૫માં જાહેર કરાયેલી પહેલાં દસ જીવવા લાયક શહેરોની યાદી તૈયાર કરવાના માપદંડો શું હતા એ જાણીએ. સ્માર્ટ સિટી મિશન શરૂ થઈ ગયું છે ત્યારે એ માપદંડો જાણવા જેવા છે. જીવવા લાયક શહેરોના મુખ્ય માપદંડોમાં ગુનાખોરીનું પ્રમાણ, નાગરિકો માટે આરોગ્યની સુવિધા (સરકારી અને ખાનગી બંને), ભ્રષ્ટાચારનું પ્રમાણ, સામાજિક અને ધાર્મિક પ્રતિબંધો, સેન્સરશિપનું સ્તર, ગ્રાહક સેવા, હાઉસિંગની ગુણવત્તા, રસ્તા, જાહેર પરિવહનની વ્યવસ્થા, પ્રવાસીઓ માટે સુવિધા, રમતગમતની સુવિધા, ખાણીની સાથે પીણીની સંસ્કૃતિ, શિક્ષણનું સ્તર, શહેરનું આંતરરાષ્ટ્રીય જોડાણ અને ટેલિકોમ્યુનિકેશનની સુવિધા વગેરેનો સમાવેશ થાય છે. આવા ત્રીસેક માપદંડોના આધારે નિષ્ણાતોએ જીવવા લાયક શહેરોની યાદી તૈયાર કરી હતી. એટલું જ નહીં, શહેરના લોકોનો સ્વભાવ અને સ્થાનિક તંત્ર પ્રવાસીઓ સહિત તમામ સાથે દોસ્તાના છે. આ શહેરોમાં કોઈ પણ વ્યક્તિ બિંદાસ હરીફરી શકે છે. વિદેશી પ્રવાસીઓ શહેરમાં આવે એટલે તેમને મજા પડી જાય છે.

આ દરેક શહેરે પોતાના આગવો ઐતિહાસિક વારસો અને સ્થાપત્યો જાળવ્યા છે. ખાણી અને પીણી માટે હોટેલોથી માંડીને સ્ટ્રીટ ફૂડની ઉત્તમ કક્ષાની સુવિધા છે. સ્ટ્રીટ ફૂડની ગુણવત્તા અને સ્વચ્છતાનું પ્રમાણ પણ ઉત્તમ કોટિનું છે. અજાણ્યા પ્રવાસી માટે પણ ડ્રાઈવિંગ-ટ્રાફિક સુરક્ષિત છે. જાહેર પરિવહનથી લઈને શિક્ષણનું પ્રમાણ અને ગુણવત્તા ઉચ્ચ દરજ્જાની છે. શિક્ષણનું સ્તર ઊંચું છે એવું ફક્ત સ્થૂળ અર્થમાં નહીં પણ લોકોનું એકબીજા સાથેનું વર્તન અને સાક્ષરતાનો દરજ્જો પણ ગુણવત્તાયુક્ત છે. અનેક સ્થળે ફેશન સ્ટ્રીટ માર્કેટ છે પણ ચાલવાની સુવિધા અને સ્વચ્છતાનું ધ્યાન રખાયું છે. શહેરને સુંદર બનાવવા ફક્ત ચોખ્ખાઈ નહીં પણ જાહેર દીવાલો, મકાનો અને સ્થાપત્યોને શહેરની સુંદરતામાં ચાર ચાંદ લાગે એવી રીતે જાળવવામાં આવ્યા છે. કળા, સાહિત્ય અને તેના સર્જકો તેમજ રમતવીરોનો માન-મરતબો વિશિષ્ટ છે. આ શહેરોમાં ખુલ્લી જગ્યા, મ્યુઝિયમ અને ઠેર ઠેર સ્ટાઈલિશ હેન્ગઆઉટની બોલબાલા છે. અહીંના બાળકો શાળાકીય શિક્ષણ સિવાય શહેર પાસેથી જ ઘણી બધી ઈતર પ્રવૃત્તિનું શિક્ષણ લઈ રહ્યા છે.

આ તમામ શહેરો એટલે સ્માર્ટ હોવાની સાથે જીવવા લાયક છે. જીવવા લાયક શહેરોને ઝડપથી સ્માર્ટ બનાવી શકાતા હોય છે. આ તમામ બાબતોમાં આપણા મેટ્રો જોજનો દૂર છે. આપણે અમદાવાદને એડેલેઇડ, વડોદરાને વાનકુવર અને સુરતને સિડની ત્યારે જ બનાવી શકીશું જ્યારે લોકો પોતાના શહેરને 'પોતાનું ઘર' સમજશે! ભારત જેવા વૈવિધ્યપૂર્ણ દેશના વિવિધ શહેરોની મુશ્કેલીઓ, રહેણીકરણી, લોક સ્વભાવ અને સામાજિક-સાંસ્કૃતિક અભિગમ અલગ હોવાથી દરેક શહેરને જીવવા લાયક બનાવવા લોક ભાગીદારી અત્યંત જરૂરી છે. આપણા સ્માર્ટ સિટી મિશનમાં દરેક શહેરની પોતાની આગવી અને જટિલ મુશ્કેલીઓનો ઉકેલ કેવી રીતે લવાશે એનો કોઈ જવાબ નથી.

જેમ કે, ભારતના શહેરોમાં ઠેર ઠેર રખડતા ઢોરનો ત્રાસ છે. એમને કાયમી ધોરણે હટાવવા માટે શું કરાશે?, માલધારી સમાજનું ગ્રામ્ય વિસ્તારોમાં પુનર્વસન કરવા કંઈ વિચારાયું છે? શહેરોમાં ચારણની અછત છે તેમજ અને ઢોર ચોરીનો પ્રશ્ન ધાર્મિક રીતે સંવેદનશીલ બની રહ્યો છે. યોગ્ય દિશામાં શહેરીકરણ કરવા આ અત્યંત મહત્ત્વનો મુદ્દો છે. બેફામ શહેરીકરણ થઈ રહ્યું છે ત્યારે ટ્રાફિક અને પાર્કિંગની મુશ્કેલીનો હલ કેવી રીતે લવાશે? શહેરની શાન બગાડતા બેફામ બાંધકામોને કાબૂમાં રાખવા શું કરાશે? સ્માર્ટ સિટી માટે આવા પાયાના પ્રશ્નો માટે શું યોજના છે? સ્ટ્રીટ ફૂડ અને ફેશન માર્કેટમાં લોકો સહેલાઈથી ટહેલી શકે એ માટે શું કરાશે? અત્યારે પણ દિલ્હી, મુંબઈ કે હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં કચરો ઉઠાવવાની, તેનો નાશ કરવાની અત્યાધુનિક સુવિધા નથી. લીલા અને સૂકા કચરાનો નિકાલ જુદી જુદી રીતે થવો જોઈએ. આ માટે લોકોને કેવી રીતે જોડાશે? કચરાનો બાળીને નાશ કરવા પર પ્રતિબંધ છે છતાં કચરો સાફ કરનારા જ વહેલી સવારે કચરો બાળીને પ્રદૂષણ ફેલાવે છે. રસ્તાઓ પર રોજ ધૂળ આવી જતી હોવાથી રોજેરોજ સાફસૂફી થાય છે, જાણે તેમને રોજગારી આપવા જ આવી વ્યવસ્થા કરાઈ હોય! પરંતુ ધૂળ ઊડે જ નહીં અને પ્રદૂષણમાં વધારો થાય જ નહીં એ માટે શું કરાશે? કચરો ઠાલવવાની ડમ્પિંગ સાઈટ રહેણાક વિસ્તારોથી દૂર હશે કે અત્યારની જેમ જ? જ્યાંત્યાં થૂંકતા લોકોને કેવી રીતે અટકાવીશું? સ્વચ્છતા અભિયાન માટે પણ આ જરૂરી મુદ્દા છે. હવા, અવાજ અને પાણીનું પ્રદૂષણ ઘટાડવા માટે લોક સહકાર ખૂબ જ જરૂરી છે. એ માટે શું કરાશે?

આપણે વિદેશના સુંદર શહેરોને ભલે નજર સામે રાખીએ પણ આપણા દરેક શહેરની આગવી મુશ્કેલીઓને સમજીને આપણે આપણા સ્માર્ટ સિટી મોડેલ વિકસાવવા પડશે. જેમ કે, ભારતમાં રાતોરાત ઝૂંપડપટ્ટીઓ હટાવવી શક્ય છે? ના. તો પછી ઝૂંપડપટ્ટીઓ પણ સુંદર હોઈ શકે છે એવું આપણે યુરોપના દેશો પાસેથી શીખવું પડશે. ઝૂંપડપટ્ટીઓ તેમજ ગામડામાં રહેતા કરોડો લોકોને આરોગ્યથી લઈને સ્વચ્છતા બાબતે કેવી રીતે જાગૃત કરી શકીએ? એના ઉપાય પણ આપણે શોધવાના છે. ગામડાં, નાના નગરો-શહેરોમાં રહેતા કરોડો ગરીબ બાળકોના ભવિષ્ય ખાતર સરકારી શિક્ષણમાં ધરખમ સુધારા કરવા પડશે. ભારતીય કવિઓ વરસાદ વિશે બહુ કવિતાઓ લખી પણ ચોમાસામાં દેશના અનેક ગામડા-નગરો નર્કાગાર બની જાય છે. એ વિષય પર કોણ કવિતાઓ લખશે? અલબત્ત, ઝૂંપડપટ્ટીનો જ બાળક! કારણ કે, અહીં રહેતા બાળકો જ મેલેરિયાથી કમોતે મરે છે. આજેય નાના નગરોમાં ગટરો નહીં પણ ખુલ્લી ખાળમોરીઓ છે. અત્યાધુનિક ડ્રેનેજ વ્યવસ્થા હજુયે સપનું છે. આજેય દેશમાં કરોડો લોકો ખુલ્લામાં હાજતે જાય છે. શહેરોમાં આ દુષણ ઘટ્યું છે પણ આજેય મેટ્રો સહિતના શહેરોના જાહેર ટોઈલેટો બદતર છે.

વિદેશી પ્રવાસીઓને તકલીફ ના પડે એ માટે પબ્લિક ટોઈલેટ જેવી મૂળભૂત સુવિધાઓની ખાસ જરૂર છે. શહેરોમાં મલ્ટિપ્લેક્સ સિવાય એકેય કોમ્પ્લેક્સમાં સ્વચ્છ ટોઈલેટની વ્યવસ્થા નથી. હોય તો તાળા મારવા પડે છે. એક વિદેશીએ તો આંખ ફાડીને આ લખનારને પૂછ્યું હતું કે, ટોઈલેટને તાળું? કેમ? વિદેશી યુવતીઓ સાથે દેશમાં જઘન્ય વ્યવહાર થાય છે, એ માટે એકલી સરકાર કશું નહીં કરી શકે. લોકોએ પણ જાગૃત થવું પડશે. દેશમાં સ્ત્રીહિંસાનું પ્રમાણ ઊંચું હોય ત્યારે લોકોને આ બાબતે કેવી રીતે જાગૃત કરીશું? આ ઉપરાંત હેન્ગઆઉટ માટે વાઈબ્રન્ટ યૂથ રેસ્ટોરા, કાફે, થિયેટર, સાહિત્યિક પ્રવૃત્તિ, વાયબ્રન્ટ મ્યુઝિયમો અને આર્ટ ગેલેરી પણ હોવી જોઈએ. આ બધું સરકારોથી નહીં પણ પ્રજાથી ધમધમે છે. કોઈ વિદેશી આપણા શહેરની ગંદીગોબરી છબિ લઈને જાય તો આપણું માથું શરમથી ઝૂકી જવું જોઈએ. જાગૃત નાગરિકોએ અંગત સ્વાર્થ, પૂર્વગ્રહો અને જૂથવાદથી થોડી આગળની દૃષ્ટિ રાખીને સિટીઝનશિપ જર્નાલિઝમજેવા ઈનિશિયેટિવ પણ લેવા પડશે. આ બધા માટે આપણે શું કરી રહ્યા છીએ?

ટૂંકમાં, માળખાગત સુવિધાઓ શહેરનું શરીર છે પણ લોકોનો મિજાજ એ જ શહેરનો ખરો આત્મા છે. આ આત્માથી જ શહેરો વાઈબ્રન્ટ અને જીવવા લાયક બનતા હોય છે.

3 comments: