19 October, 2015

'ઈમોજીસ'ની ભાષા: દુનિયા ખરેખર ગોળ છે ;)


ભાષા કેવી રીતે અસ્તિત્વમાં આવી હશે? ભાષાવિજ્ઞાન કહે છે કે, સૌથી પહેલાં સાંકેતિક ભાષા અસ્તિત્વમાં આવી. સાંકેતિક ભાષામાં મ્હોંના હાવભાવ, હાથ અને કદાચ આખા શરીરની ભંગિમાનો ઉપયોગ કરીને પોતાની વાત રજૂ થતી હતી. સાંકેતિક ભાષાના વિકાસ પછી બોલીઓ અસ્તિત્વમાં આવી. બોલીઓ વિકસ્યા પછી માણસ-માણસ વચ્ચે સાંભળી શકાય એવો સંવાદ શક્ય બન્યો. જોકે, બોલીઓને દૃશ્ય એટલે કે જોઈ શકાય એવું સ્વરૂપ આપવું શક્ય ન હતું કારણ કે, ભાષાને લખવા માટેની લિપિ જ ન હતી. જો ભાષા લખી જ ના શકાય તો બીજી વ્યક્તિ સુધી સંદેશ પહોંચે કેવી રીતે? આ મુશ્કેલીમાંથી જ સંજ્ઞા અને આંકડા સાથેની વિવિધ લિપિઓનો વિકાસ થયો. આજે પણ અનેક ભાષાઓની લિપિ જ નથી, જેથી તે બીજી ભાષાની લિપિમાં લખાય છે. જેમ કે, મરાઠી, નેપાળી અને સંસ્કૃત હિન્દીની જેમ દેવનાગરી લિપિમાં લખાય છે. લિપિના કારણે જ ભાષાને કાગળ કે સ્માર્ટફોનની સ્ક્રીન પર ઉતારીને સંવાદ કરી શકાય છે. સ્માર્ટફોન અને કમ્પ્યુટરની મદદથી સંવાદ વધ્યા પછી રોમન લિપિની બોલબાલા વધી ગઈ એવી જ રીતે, આજકાલ સાંકેતિક ભાષાની પણ બોલબાલા વધી છે. આ સાંકેતિક ભાષા એટલે 'ઈમોજી'ની ભાષા.



કહેવાય છે ને કે, દુનિયા ગોળ છે. સૌથી પહેલાં સાંકેતિક ભાષાનો ઉપયોગ કરાતો હતો કારણ કે, એ વખતે લિપિ નહોતી. હવે લિપિ છે પણ સમય નથી અથવા તો વધારે સરળતા જોઈએ છે એટલે 'બાબલા' મૂકીને વાતચીત કરાય છે. સીધીસાદી ભાષામાં કહીએ તો, ઈમોજી એટલે સ્માઈલીથી લઈને વિંક (આંખ મારવી), બિયર ગ્લાસના ચિયર્સથી માંડીને કુઉઉઉલ અને હોસ્પિટલ, સ્કૂલ, ચર્ચથી માંડીને બાયસેપ્સના સિમ્બોલની ભાષા. લાંબા વાક્યો ટાળવા આ સિમ્બોલનો ઉપયોગ કરીને વાત કરી શકાય છે. ઈમોજીનો ઉપયોગ કરવો એ પણ એક કળા છે. દરેક લોકો પોતપોતાની અનુકૂળતા પ્રમાણે તેનો ઉપયોગ કરી શકે છે. જેમ કે, હોસ્પિટલના સિમ્બોલનો ઉપયોગ હું હોસ્પિટલાઈઝ્ડ છું એવો પણ થઈ શકે અને હોસ્પિટલમાં જેની ખબર કાઢવા આવ્યો છું એની સાથે જ છું એવો પણ થઈ શકે. ઈમોજીની મજા જ આ છે. બે વ્યક્તિ એકબીજા સાથે અને એ બે વ્યક્તિને જ સમજાય એવી રીતે લાંબી વાતો ટૂંકમાં કરી લે છે.

ઈમોજીની રસપ્રદ ઉત્ક્રાંતિ

ઈમોજીનો ઉત્ક્રાંતિકાળ પણ ભાષા જેટલો જ રસપ્રદ છે. ઈમોજી બોલચાલની ભાષામાં 'ઈમોજીસ' તરીકે ઓળખાય છે, જે ઈમોજીનું બહુવચન છે. ક્યારેક ઈમોજીની 'ઈમોટિકોન' સાથે ભેળસેળ થઈ જાય છે પણ આ બંને શબ્દોના અર્થ ઘણાં જુદા છે. આજના સ્ટાઈલિશ અને એનિમેટેડ ઈમોજી-સ્ટિકરના પૂર્વજો એટલે ઈમોટિકોન. મોડર્ન ઈમોજીનો ઉદ્ભવ ઈમોટિકોનમાંથી થયો છે. ઈમોશન અને આઈકન એ બે શબ્દોમાંથી ઈમોટિકોન શબ્દ ચલણી બન્યો હતો. ઈમોટિકોનની શરૂઆત વાક્યના છેડે બે ટપકાં અને કૌંસ મૂકીને કરાતા સ્માઈલી અને સેડ ફેસમાંથી થઈ હતી. વ્યક્તિ પોતાની હાજરી વિના કંઈક ભાવ વ્યક્ત કરવા માગતો હોય ત્યારે આવા પ્રતીકોનો ઉપયોગ થતો હતો.

એ પછી સ્માઈલ અને સેડ સિવાયના 'મૂડ' દર્શાવવા માટે બ્રેકેટ, એપોસ્ટ્રોફ, ડેશ, કોલન અને કોમા જેવા પન્કચ્યુએશન માર્કનો ઉપયોગ થવા લાગ્યો. જે લોકો ટાઈપ રાઈટિંગથી થોડા ઘણાં પરિચિત હશે તેઓ જાણતા હશે કે, આ પ્રકારના પન્ક્ચ્યુએશન માર્કથી આખેઆખા ચિત્રો પણ દોરી શકાય છે. વિશ્વમાં ઈમોટિકોનનો સૌથી પહેલો ઉપયોગ કરવાનો શ્રેય અમેરિકાના પહેલા રાજકીય કલર કાર્ટૂન સામાયિક 'પક'ને અપાય છે. આ સામાયિકના તંત્રી જોસેફ ફેર્ડિનાન્ડ કેપ્લરે ૩૦મી માર્ચ, ૧૮૮૧ના અંકમાં ઈમોટિકોન પ્રસિદ્ધ કર્યા હતા. જોકે, કેપ્લરે તેને ઈમોટિકોન નહીં પણ 'ટાઈપોગ્રાફિક આર્ટ' નામ આપ્યું હતું. એ પછી નેવુંના દાયકામાં મોડર્ન કમ્પ્યુટરમાં ઘણાં લોકોએ પન્ક્ચ્યુએશન માર્કનો ઉપયોગ કરીને ઈમોટિકોનનો ઉપયોગ કર્યો હોવાના પુરાવા છે.

જોસેફ ફેર્નિનાન્ડે કાર્ટૂન સામાયિક ‘પક’માં છાપેલા ઈમોટિકોનના પૂર્વજો ;)


વિશ્વ વિખ્યાત થઈ ગયેલા  ‘સ્માઈલી’નો જનક  હાર્વી રોસ બાલ 

સૌથી પહેલું મોડર્ન ઈમોટિકોન આજનું પીળા રંગનું સ્માઈલી હતું. અમેરિકન રિસર્ચ સેન્ટર સ્મિથસોનિયનની નોંધ પ્રમાણે, વર્ષ ૧૯૬૩માં અમેરિકાની સ્ટેટ મ્યુચ્યુઅલ લાઈફ એસ્યોરન્સ (અત્યારે હેનોવર) કંપનીએ તેના કર્મચારીઓનો જુસ્સો દર્શાવવા હાર્વી રોસ બાલ નામના ગ્રાફિક આર્ટિસ્ટનો સંપર્ક કર્યો હતો. કંપનીના અધિકારીઓની વાત સાંભળીને હાર્વીએ ફક્ત દસ મિનિટમાં ભડકીલા પીળા રંગમાં કાળી આંખ અને હોઠના લીટા મારીને એક 'સ્માઈલી' તૈયાર કરી આપ્યું હતું. આજના  પોપ્યુલર કલ્ચરમાં જે સ્માઈલી ખૂબ સામાન્ય થઈ ગયું છે એ હાર્વીના ભેજાની ઉપજ છે. આ સ્માઈલી ડિઝાઈન કરવા બદલ હાર્વીએ ૪૫ ડોલર (૧૯૬૩માં, જે અત્યારના આશરે ૩૫૦ ડોલર થાય) વસૂલ્યા હતા. પીળા રંગના સ્માઈલીના ઉપયોગના આ પહેલવહેલા દસ્તાવેજી પુરાવા છે. વર્ષ ૧૯૭૨માં ફ્રેન્કલિન લુફ્રાનીએ આવો જ એક સ્માઈલી સિમ્બોલ તૈયાર કરીને તેનો કાયદેસરનો ટ્રેડમાર્ક લીધો હતો. આ સ્માઈલીની ડિઝાઈન અત્યંત સરળ હોવાથી તેમજ સદીઓ પહેલાં પણ તેનો ઉપયોગ થતો હોવાના કારણે કોઈ આ ટ્રેડમાર્કને પડકારી શકે એમ ન હતું. એ પછી ફ્રેન્કલિને 'ફ્રાંસ સોઈર' નામના અખબારમાં સારા સમાચારોનો વિભાગ દર્શાવવા આ સ્માઈલીનો ઉપયોગ શરૂ કર્યો હતો.

જોકે, હજારો વર્ષો પહેલાં પણ વિશ્વમાં અનેક સ્થળોએ ખુશી દર્શાવવા આવા હસતા બાબલાનો ઉપયોગ થતો હોવાના પુરાવા છે.

મોડર્ન ઈમોજીનું જનક, જાપાન

આધુનિક યુગમાં પન્ક્ચ્યુએશન માર્કથી ઈમોટિકોનનો વ્યાપક ઉપયોગ વર્ષ ૧૯૮૬માં જાપાનમાં શરૂ થયો હતો, જેનું કારણ જાપાનમાં ટેક્નોલોજીની ભરમાર અને તેની સિમ્બોલિક ભાષાનો સમન્વય હોઈ શકે! જાપાનીઝ ભાષામાં ઈમોટિકોન 'કાઓમોજી' તરીકે ઓળખાતા હતા. આ સીધાસાદા ઈમોટિકોનને જાપાનીઝ ડિઝાઈનરોએ થોડા સ્ટાઈલિશ બનાવ્યા. મોડર્ન ઈમોટિકોન 'પિક્ટોગ્રાફ' એટલે કે પિક્ચર ગ્રાફિક તરીકે ઓળખાતા હતા. બાદમાં એ શબ્દ ભૂલાઈ ગયો અને ઈમોજી શબ્દ ચલણમાં આવ્યો. ઈમોજી શબ્દનું સર્જન '' એટલે પિક્ચર અને 'મોજી' એટલે કેરેક્ટર- એ બે જાપાનીઝ શબ્દમાંથી થયું છે. ટૂંકમાં ઈમોજી એટલે પ્રતીકો અને અક્ષરોની ભાષા.

જાપાનમાં તાપમાનની જાણકારી આપવા પ્રતીકોનો ભરપૂર ઉપયોગ કરાતો હતો. આજે પણ વરસાદ કે વાદળછાયું વાતાવરણ બતાવવા આવા જ પ્રતીકોનો ઉપયોગ સામાન્ય છે. જાપાનની કોમિક બુક્સમાં પણ જાપાનીઝ સંસ્કૃતિ પ્રમાણેના પ્રતીકોનો ભરપૂર ઉપયોગ કરાતો હતો. જેમ કે, કોમિક બુકના કોઈ પાત્રને વિચાર ઝબકે ત્યારે 'લાઈટ બલ્બ'ના પ્રતીકનો વારંવાર ઉપયોગ કરાતો, જે અત્યારે વિશ્વભરમાં જાણીતું છે. એવી જ રીતે, નૂડલ્સથી લઈને જાપાનીઝ સ્ટાઈલમાં પ્રણામ કરતી વ્યક્તિને બતાવવા માટે પણ નાનકડા બાબલાનો ઉપયોગ કરાતો. આ પ્રતીકોમાંથી પ્રેરણા લઈને જાપાનની મોબાઈલ ઓપરેટર કંપની એનટીટી ડોકોમોએ વર્ષ ૧૯૯૮માં ગ્રાફિક ડિઝાઈનર શિંગેતાકા કુરિતાને આકર્ષક ઈમોજી ડિઝાઈન કરવાનું કામ સોંપ્યું હતું. આમ, મોડર્ન ટેલિકોમ ટેક્નોલોજીમાં ઈમોજી લાવવાનું સૌથી પહેલું કામ જાપાને કર્યું છે.

ઈમોટિકોન લોકપ્રિય કરનારા જાપાનીઝ ‘કાઓમોજી’

જાપાનની ટેલિકોમ ટેક્નોલોજી વિદેશ પહોંચતા વિદેશી એન્જિનિયરો અને ગ્રાફિક ડિઝાઈનરો પણ ઈમોજીથી પરિચિત થયા. આ દરમિયાન જાપાનમાં પણ એન્ડ્રોઈડ સ્માટર્ફોન અને એપલની લોકપ્રિયતા વધી. આ કારણોસર એપલે પણ આઈફોનમાં એક એકથી ચડિયાતી ડિઝાઈન કરેલા ઈમોજી સાથે એન્ટ્રી કરી. જેની પાછળ એન્ડ્રોઈડે પણ ઈમોજી ડિઝાઈનિંગનું કામ હાથ પર લીધું. ડેસ્કટોપ ઓપરેટિંગ સિસ્ટમમાં ઈમોજી આપનારી સૌથી પહેલી કંપની  એપલ છે. એ પછી માઈક્રોસોફ્ટે પણ ઈમોજીને ધ્યાનમાં રાખીને વિન્ડોઝમાં ફેરફારો કર્યા.

સ્માર્ટફોનમાં ચેટિંગ એપ્લિકેશન અને સોશિયલ મીડિયા પર સંવાદ વધ્યો એ પછી આ કંપનીઓએ પોતાના ઈમોજીને આકર્ષક બનાવવા કમર કસી છે. હાલમાં ફેસબુકે પણ ઊંડો સમાજશાસ્ત્રીય અભ્યાસ કરીને આઈરિશ અને સ્પેનિશ યુઝર્સ માટે સાત નવા એનિમેટેડ ઈમોજી લોન્ચ કર્યા છે. ફેસબુકે જાહેર કર્યું છે કે, ટૂંક સમયમાં ભારતના ફેસબુક યુઝર્સને પણ સાત નવા એનિમેટેડ ઈમોજીની સુવિધા અપાશે. 

પોપ કલ્ચરમાં ઈમોજી

વર્ષ ૧૯૭૨માં ફ્રેન્કલિન લુફ્રાનીએ 'ફ્રાંસ સોઈર' અખબારમાં સારા સમાચારોનો વિભાગ દર્શાવવા સ્માઈલીનો ઉપયોગ શરૂ કર્યો હતો. નાઉ કટ ટુ ૨૦૧૫. નવમી ઓક્ટોબર ૨૦૧૫થી 'યુએસએ ટુડે'એ પહેલા પાનાના દરેક સમાચારના સબ હેડ પહેલાં ફેસબુક ઈમોજી મૂક્યા હતા. ઈમોજી મૂકવાનું કારણ આપતા અખબારે કહ્યું છે કે, જે તે સમાચાર વિશે એડિટોરિયલ સ્ટાફ કેવી લાગણી અનુભવે છે એ અમે વ્યક્ત કરવા માગતા હતા.  ટેકનિકલ કોમ્યુનિકેશનની બહારની દુનિયામાં જમ્પ મારવાની ઈમોજીની આ શરૂઆત છે.


‘યુએસએ ટુડે’ના ફ્રન્ટ પેજ પર ઈમોજી :)

હાલમાં જ બ્રિટનમાં યુવાન વિજ્ઞાનીઓ અને એન્જિનયરોને પ્રોત્સાહન આપવા યોજાતા બિગ બેંગ ફેરમાં જુદા જુદા ક્ષેત્રના વિજ્ઞાનીઓના ઈમોજી બનાવીને તેને ઓળખવાનો ક્વિઝ રાઉન્ડ રખાયો હતો. ઓસ્ટ્રેલિયામાં યોજાતા નેશનલ યંગ રાઈટર્સ ફેસ્ટિવલમાં તો ઈમોજી કે શબ્દ મદદથી કુલ ૧૪૦ અક્ષરોમાં વાર્તા કહેવાની હરીફાઈ યોજાઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે કે, સોની પિક્ચર્સ એનિમેશન તો ઈમોજી પર ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. લુઈ કેરોલના વિખ્યાત પુસ્તક 'એલિસ ઈન વન્ડરલેન્ડ'નો જો હૉલ નામના લેખકે ઈમોજી અનુવાદ કર્યો છે. ઈમોજીની લોકપ્રિયતા સ્ટેશનરીથી લઈને ગાર્મેન્ટ ફેશન સુધી દેખાઈ રહી છે. એપલ ડિવાઈસના ચાહકોએ તો ૧૭મી જુલાઈને 'ઈમોજી ડે' તરીકે ઊજવવાનું શરૂ કરી દીધું છે. હવે સ્માર્ટફોન, લેપટોપ, કમ્પ્યુટર અને ટેબલેટનું વેચાણ વધતું જશે એમ ફરી એકવાર સાંકેતિક ભાષાનો વ્યાપ વધતો જશે.

થોડા ઘણાં દાયકા પછી 'મોડર્ન સાઈન લેન્ગ્વેજ'નો વિકાસ કરવામાં સોશિયલ મીડિયા અને ઈમોજી નિમિત્ત બને તો નવાઈ નહીં! દુનિયા ખરેખર ગોળ છે ને? ;)

નોંધઃ તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

2 comments: