19 October, 2015

હાઈડ્રોપોલિટિક્સ: સોસાયટીથી સરહદો સુધી...


પાણી એ દુનિયાના લોકો વચ્ચે સૌથી વધારે વહેંચાયેલો કુદરતી સ્રોત છે. પાણી દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત છે અને એટલે જ આ મહત્ત્વના કુદરતી સ્રોતની વહેંચણીમાં અસમાનતા થાય તો વ્યક્તિ-વ્યક્તિ, રાજ્ય-રાજ્ય અને દેશ-દેશ વચ્ચે ઘર્ષણ થાય છે. પાણી માટે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ઘર્ષણ થાય છે એટલે જ રાજ્ય-રાજ્ય વચ્ચે પણ થાય છે. પાણી માટે બે રાજ્યો સામસામે તલવારો ખેંચી શકતા હોય તો આવતીકાલે બે દેશ વચ્ચે પણ પાણી માટે યુદ્ધ થઈ શકે છે. આ સ્થિતિ સમજવા બહુ દૂર સુધી જવાની જરૂર નથી. એક વિસ્તારમાં બે સોસાયટી વચ્ચે પાણીનો ઝઘડો હોય તો જે સોસાયટીના આગેવાનો કાવાદાવા કરીને કે રાજકીય વગ વાપરીને પોતાની સોસાયટીમાં પાણીનો ફ્લો લાવવામાં સફળ થાય એ લોકોને પાણીની તકલીફ પડતી નથી. વળી, આર્થિક રીતે સદ્ધર લોકો પાણીની મહાકાય ટાંકીઓ વસાવીને પણ પાણીનો સંગ્રહ કરી લે છે, જ્યારે સોસાયટીથી થોડે દૂર ઝૂંપડપટ્ટીમાં પાણી માટે લાઈનો લાગેલી હોય છે. વિધિની વક્રતા તો એ છે કે, ચૂંટણીઓમાં મતદાનનો ઉત્સાહ અહીં વધારે હોય છે અને છતાં ચૂંટણી સિવાયની મોસમમાં એમનો કોઈ ‘નેતા’ નથી હોતો. નેતા નથી હોતો એટલે એમની પાસે આડકતરી સત્તા પણ નથી હોતી. દિલ્હી સહિતના દરેક મોટા શહેરોમાં આ દૃશ્ય સામાન્ય છે. દિલ્હી હોય કે અમદાવાદ- દરેક 'સોસાયટી'ને રાજકારણ ખેલીને, કાવાદાવા કરીને અને સત્તાનો દુરુપયોગ કરીને પાણી પર કબજો જમાવવો છે.

ટૂંકમાં, શહેરના જે વિસ્તારોનું રાજકીય વજન વધારે હોય છે અથવા જે લોકો પાસે સીધી કે આડકતરી રીતે સત્તાનું સુકાન હોય છે ત્યાંના લોકોને પાણીની તકલીફ (કાયમી) પડતી નથી. દરેક વ્યક્તિ કે સોસાયટી પાણીની વાત આવે ત્યારે પાડોશી સાથે 'સુપરપાવર' જેવું વર્તન કરે છે. બિલકુલ આવું જ નાટક રાજ્ય-રાજ્ય અને દેશ-દેશ વચ્ચે પણ ભજવાતું રહે છે. દક્ષિણ એશિયામાં ભારત સહિત તમામ દેશોએ પાણીને નજર સામે રાખીને નીતિવિષયક નિર્ણયો લેવા પડે છે. આ સ્થિતિ 'હાઈડ્રોપોલિટિક્સ' તરીકે ઓળખાય છે. અરુણ પી. એલહાન્સ નામના લેખકે 'હાઈડ્રોપોલિટિક્સ ઓફ ધ નાઈલ વેલી' નામના જાણીતા પુસ્તકમાં આ શબ્દનો સૌથી પહેલીવાર ઉપયોગ કર્યો હતો. દક્ષિણ એશિયામાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, નેપાળ, ભુતાન, માલદીવ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે, જેમાં પાણીનો સૌથી વધારે ઉપયોગ કરતો દેશ ભારત છે. ભારત જેવા કૃષિપ્રધાન દેશ માટે પાણી શું ચીજ છે એ સમજી શકાય એવી બાબત છે. જો પાણી હોય તો જ ખેતી થાય, ખેતી થાય તો જ અર્થતંત્ર ફૂલગુલાબી રહે અને મોંઘવારી કાબૂમાં રહે. પાણીની રેલમછેલ હોય તો શેરબજાર પણ તગડું રહે અને લોકોને સેન્સેક્સ, જીડીપી અને વિકાસના ખયાલોમાં મગ્ન રાખવામાં પણ સરળતા રહે! દક્ષિણ એશિયાના તમામ દેશો વસતી વધારો અને અન્નની અછતનો સામનો કરી રહ્યા હોવાથી પણ પાણી અત્યંત મહત્ત્વનો મુદ્દો છે. વળી, દક્ષિણ એશિયા ગરમ પ્રદેશ હોવાથી અહીંના જળસ્રોતોમાં પાણીનું બાષ્પીભવન પણ ઝડપથી થાય છે.
દક્ષિણ એશિયામાં વિશ્વની પાંચ ટકા જમીન અને ચાર ટકા પુનઃપ્રાપ્ય (રિન્યુએબલ) જળસ્રોતો છે. આ જળસ્રોતો સંખ્યાબંધ નદીઓ અને પેટા નદીઓમાં પથરાયેલા છે. આ નદીઓ બે દેશોની સરહદો વચ્ચે પણ વહી રહી છે. દક્ષિણ એશિયામાં ૯૦ ટકા પાણીનો ઉપયોગ ખેતીમાં થાય છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં વિશ્વની ૨૫ ટકા વસતી દક્ષિણ એશિયામાં હશે! દક્ષિણ એશિયાની ૭૫ ટકા વસતી ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે, જેમની  આજીવિકાનો મુખ્ય સ્રોત કૃષિ કે કૃષિ સંબંધિત ધંધા-વ્યવસાય છે. આ વિસ્તારની ૩૩ ટકા જેટલી વસતી ભયાનક ગરીબીમાં જીવે છે. આ તમામ મુશ્કેલીઓની સાથે દક્ષિણ એશિયામાં હિમાલયના કારણે ક્લાઈમેટ ચેન્જની અસર પણ ઝડપથી થાય છે. હિમાલયની હિમનદીઓ પીગળી રહી હોવાથી ગંગા, સતલજ, બ્રહ્મપુત્રા અને સિંધુ જેવી નદીઓની ફ્લો પેટર્ન પણ બદલાઈ રહી છે. હિમાલયમાંથી નીકળતી આ નદીઓ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને ભુતાનના લાખો લોકોનું 'જીવન' છે. વળી, આ તમામ નદીઓ બે દેશો વચ્ચે સરહદી વિવાદો હોય ત્યાંથી જ વહે છે.

જેમ કે, સિંધુ કાશ્મીરના એવા વિસ્તારોમાંથી પણ વહે છે, જે વિસ્તાર પર પાકિસ્તાન દાવો કરી રહ્યું છે. એટલે કે, એ વિસ્તારના પાણી પર પણ પાકિસ્તાનનો દાવો છે. એવી જ રીતે, પૂર્વીય હિમાલયમાંથી નીકળતી બ્રહ્મપુત્રાના પાણી પર ચીન દાવો કરી રહ્યું છે કારણ કે, બ્રહ્મપુત્રા અરુણાચલ પ્રદેશમાંથી ભારતમાં પ્રવેશે છે અને અરુણાચલ પ્રદેશ પર ચીન દાવો કરી રહ્યું છે. રસપ્રદ વાત તો એ છે કે, દક્ષિણ એશિયામાં ચીન અને મ્યાંમારનો 'સત્તાવાર' સમાવેશ થતો નથી. એ વાત અલગ છે કે, દક્ષિણ ચીન અને મ્યાંમાર ભૌગોલિક રીતે દક્ષિણ એશિયામાં જ ગણાય છે. ચીન અને મ્યાંમારે પણ સાઉથ એશિયન એસોસિયેશન ફોર રીજનલ કો-ઓપરેશન (સાર્ક)માં સંપૂર્ણ સભ્યપદ માટે અરજી કરી છે. ચીન સાર્ક દેશોમાં હોય કે ના હોય ચીનને કોઈ ફર્ક પડતો નથી. દક્ષિણ એશિયામાં ચીન સુપરપાવરની જેમ વર્તી રહ્યું છે. સરહદી પ્રશ્નો હોય કે પાણીનો વિવાદ, માનવાધિકારની વાત હોય કે પછી દરિયાઈ સરહદો પર દાવો કરવાનો હોય- આ બધી જ બાબતમાં ચીનની દાદાગીરી છે. દક્ષિણ એશિયાના દેશો પરસ્પર સહકાર સાધીને હિમાલયમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પાણીની મુશ્કેલીને હળવી કરી શકે છે. હિમાલયની અનેક હિમ નદીઓના કારણે પૂર આવે છે. અહીં ડેમ બાંધીને જરૂરિયાતના સમયમાં એ પાણીનો ઉપયોગ કરી શકાય છે. આ પાણીનો રેલો સૂકા વિસ્તારો સુધી પણ લઈ જઈ શકાય છે.

જોકે, ભારત-પાકિસ્તાન અને ભારત-ચીન જેવા મોટા દેશોના સરહદોના પ્રશ્નો જ્યાં સુધી નહીં ઉકેલાય ત્યાં સુધી એવા 'અચ્છે દિન' નહીં આવે એ હકીકત છે. ૨૧મી સદીમાં ફક્ત સરહદી વિવાદો પર ધ્યાન કેન્દ્રિત કરીને નહીં પણ જરૂરી હોય એ તમામ વિસ્તારોને 'હાઈડ્રો-પોલિટિકલ ઝોન' તરીકે જોઈને નીતિવિષયક નિર્ણયો લેવાઈ રહ્યા છે. યુનાઈટેડ નેશન્સમાં દરેક દેશ પાણી જેવા કુદરતી સ્રોતો પર સમાન અધિકાર અને ન્યાયની વાતો કરે છે પણ કોઈ દેશને એવું વર્તન કરવું નથી. અત્યારે સ્થિતિ એ છે કે, કુદરતી સંસાધનો પર કબજો કરવાની અને તેનો વધારેમાં વધારે કસ કાઢવાની દોડમાંથી કોઈ દેશને બહાર નીકળવું નથી. ભારતમાં રાજ્ય-રાજ્ય વચ્ચે પાણીના વિવાદનો ઉકેલ લાવવામાં શ્વાસ ચઢી જતો હોય તો બે દેશ વચ્ચેના પાણીના વિવાદોને ઉકેલવા કેટલા અઘરા હશે એ કલ્પના થઈ શકે છે. હિમાલયની નદીઓનો પ્રવાહ એકધારો નહીં હોવાથી પણ હાઈડ્રોપોલિટિક્સ પ્રભાવિત થાય છે. પર્યાવરણીય ફેરફારો પ્રમાણે 'સ્વભાવ' બદલતી નદીઓના લીધે દરેક દેશ નદીઓના જળસ્રોતોની વ્યાખ્યા તોડી-મરોડી નાંખે છે. દરેક દેશ વ્યાખ્યા બદલીને પાણી પર દાવા અને પ્રતિ દાવા કરે છે. વર્ષ ૧૯૬૦માં ભારત-પાકિસ્તાને સિંધુ નદીના પાણીના ઉપયોગ મુદ્દે સંધિ કરી હતી. ભારત-બાંગ્લાદેશે પણ વર્ષ ૧૯૯૬માં ગંગાના પાણીનો ઉપયોગ કરવા સંધિ કરી હતી. જોકે, આ બંને સંધિઓનો યોગ્ય અમલ થયો નથી અને ભારત સહિત તમામ દેશોએ જળસ્રોતો પર પોતાનો અધિકાર જમાવવાનું ચાલુ રાખ્યું છે. ભારત જળસ્રોતો પર કેવી રીતે વર્ચસ્વ જમાવી રહ્યું છે એ અંગે પાકિસ્તાન-બાંગ્લાદેશ અનેકવાર ફરિયાદ કરી ચૂક્યા છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે ભારત જેવું વર્તન કરી રહ્યું છે, એવું જ વર્તન ચીન ભારત સાથે કરી રહ્યું છે.

હવે સમજી શકાશે છે કે, દિલ્હી, મુંબઈ કે અમદાવાદ જેવા શહેરોના પોશ અને મધ્યમ વર્ગીય વિસ્તારો પાણીની વાત આવે છે ત્યારે સામાજિક-રાજકીય રીતે નબળા લોકોનો વિચાર કેમ નથી કરતા? જેમની પાસે આર્થિક અને રાજકીય શક્તિ છે એ લોકો પાસે સત્તા હોય છે, જેની મદદથી તેઓ નબળા વર્ગ પર સહેલાઈથી ધોંસ જમાવી લે છે. આ પ્રકારની સત્તાનું સુકાન દેખાતું નથી પણ એ આડકતરું હોય છે. દિલ્હી સહિતના દરેક મોટા શહેરોના પોશ વિસ્તારોમાં તંત્રએ ઝખ મારીને પાણી પૂરું પાડવું પડે છે, જ્યારે ગરીબ વિસ્તારોમાં શું સ્થિતિ હોય છે એ આપણે જાણીએ છીએ. આજેય દેશના અનેક વિસ્તારોમાં પાણીની રેલમછેલ હોવાથી તેનો વેડફાટ થાય છે, તો ક્યાંક એક બુંદ માટે પણ લોકો તરસીને મરી જાય  છે. પાણીને લગતા સરહદી પ્રશ્નો તો ઉકેલાવાના હશે ત્યારે ઉકેલાશે પણ દેશમાં પાણીની ખામીયુક્ત વિતરણ વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે, વરસાદી પાણીના સંગ્રહની ટેક્નોલોજીને વધુને વધુ પ્રોત્સાહન અપાય તેમજ વિવિધ રાજ્યો વચ્ચેના વિવાદને હકારાત્મક અભિગમ રાખીને સુલઝાવવામાં આવે તો પણ પાણીની અછત ઘણે અંશે ઓછી કરી શકાય.

આ બધુંય જ્યારે થવાનું હશે ત્યારે થશે પણ દેશ-દેશ અને રાજ્ય-રાજ્ય વચ્ચેની પાણીની મુશ્કેલીઓ હળવી કરવા આપણે શું કરી શકીએ? કમસેકમ પાણીનો વેડફાટ ઓછો કરી શકીએ, પાડોશી સોસાયટી સાથે 'સુપરપાવર'ની જેમ નહીં પણ પાણી પર તમામનો સમાન હક્ક છે એવું વર્તન કરીને દાખલો બેસાડી શકીએ અને શક્ય હોય તો વરસાદી પાણીના સંગ્રહ કરવામાં થોડું પ્રદાન આપી શકીએ.

શક્ય છે કે દરેક ‘સોસાયટી’ આટલું કરે તો પણ પાણી માટે થનારું યુદ્ધ અટકી જાય!

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે. 

No comments:

Post a Comment