બેંક ઓફ બરોડાનું ૬,૧૭૨ કરોડ રૂપિયા
હોંગકોંગ મોકલી દેવાનું કૌભાંડ ખરા સમયે બહાર આવ્યું છે. આ કૌભાંડ બહાર આવ્યું એ જ
અરસામાં કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો કે, અમે
૯૦ જ દિવસમાં વિદેશમાં છુપાવાયેલા રૂ. ૪,૧૪૭
કરોડ ભારત પાછા લઈ આવ્યા છીએ. કાળા નાણા મુદ્દે ઉછળી ઉછળીને બોલતી સરકારે જેટલું
કાળું નાણું પાછું લઈ આવ્યાનો દાવો કર્યો છે, એનાથી ૨,૦૨૫ કરોડ રૂપિયા
વધારે ફરી પાછા વિદેશમાં જતા રહ્યા છે. દેશની બેંકિંગ સિસ્ટમથી કાળું નાણું વિદેશ
મોકલવાનું આ અત્યાર સુધીનું સૌથી મોટું અને આંખ ઉઘાડનારું કૌભાંડ છે. આ કેસની તપાસ
કરતી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જેવી તપાસ
એજન્સીઓનું કહેવું છે કે, આ પહેલાં
બેંકિંગ ચેનલનો ઉપયોગ કરીને આટલા મોટા જથ્થામાં કાળું નાણું સગેવગે કરાયું હોવાનું
નોંધાયું નથી... અત્યાર સુધી વિદેશોમાં કાળું નાણું મોકલવા હવાલા પદ્ધતિનો ઉપયોગ
કરાતો હતો. આ મોડસ ઓપરેન્ડીથી સીબીઆઈ અને ઈડીના તપાસ અધિકારીઓ પણ ચક્કર ખાઈ ગયા
છે. જો દેશનું કરોડો-અબજો રૂપિયાનું કાળું નાણું વિદેશમાં હોય તો અત્યાર
સુધી બેંકોનો જ 'કેરિયર' તરીકે
ઉપયોગ નહીં કરાયો હોય એની શું ગેરંટી? આ કૌભાંડ બહાર આવ્યા
પછી આવું નહીં થાય એની પણ શું ગેરંટી? ઊલટાનું કાળું નાણું
વિદેશ મોકલવાની આ મોડસ ઓપરેન્ડીમાંથી બીજા કૌભાંડીઓ 'પ્રેરણા'
નહીં લે એની પણ શું ગેરંટી?
આ કેસમાં બેંક ઓફ
બરોડાની દિલ્હીની અશોક વિહાર શાખાના બે અધિકારી અને એચડીએફસી બેંકના એક અધિકારી
સહિત કુલ છ લોકોની ધરપકડ કરાઈ છે. જોકે, આ
કૌભાંડમાં હજુ સુધી કોઈ રાજકારણીનું નામ ઊછળ્યું નથી પણ હવે કદાચ ઘીના ઠામમાં ઘી
પડી જશે. આ બધો વહીવટ પાર પાડવામાં સ્વાભાવિક રીતે જ રાજકારણીઓની ભૂમિકા મહત્ત્વની
રહેશે અને થોડા દિવસ પછી વધુ એક કૌભાંડ ભૂલાઈ જશે. બહુ ઉહાપોહ થશે તો 'બલિનો બકરો' શોધી કઢાશે અને ચેનલિયા કેમેરા સામે
એક-બે નિવેદન ઠપકારી દેવાશે. જોકે, બધી વાતમાં રાજકારણીઓનો જ
દોષ કેમ કાઢવાનો? હવે તો એવી માન્યતા દૃઢ થઈ રહી છે કે, સમાજને એવા જ નેતાઓ મળતા હોય છે, જેવો સમાજ હોય છે. નેતાઓ પણ સમાજમાંથી જ આવતા હોય છે. મજબૂત અને
પ્રભાવશાળી નેતાઓ સમાજના જ ગુણ-અવગુણની ભઠ્ઠીમાં ઘડાતા હોય છે. સમાજ કેવા નેતાને
ખુરશી પર બેસાડે છે એના પરથી એ સમાજનું ચરિત્ર નક્કી થાય છે. દરેક વ્યક્તિને
ઓળખાણો અને પૈસાથી કામ પતાવટ કરી લેવી હોય છે, સ્વાર્થ સાધી
લેવો હોય છે અને લાભ ખાટી લેવો હોય છે. રાજકારણને સામૂહિક રીતે પ્રભાવિત કરી શકે
છે એવો સમાજનો બોલકો-મજબૂત વર્ગ પણ સ્વાર્થ સિવાય કશું વિચારતો નથી તો કાવાદાવા
કરીને ખુરશી સુધી પહોંચેલા ફૂલટાઈમ રાજકારણીઓ પાસેથી બહુ મોટી અપેક્ષા કેવી રીતે
રાખી શકાય!
રાજકારણીઓના
ભ્રષ્ટાચાર અને બે છેડા ભેગા કરવા પાંચ-પચીસનો જુગાડ કરી લેતા આમઆદમીના
ભ્રષ્ટાચારમાં આસમાન-જમીનનો ફર્ક છે એ વાત ખરી પણ અહીં સમાજના મજબૂત વર્ગની વાત થઈ
રહી છે. રાજકારણીઓ સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એટલે એમની પાસેથી અપેક્ષા વધારે
જ હોય પણ સમજદાર લોકોએ
પણ ‘જાગતા’ રહેવું
જરૂરી
હોય છે. બેંક ઓફ બરોડા અને એચડીએફસીના જે કોઈ અધિકારીઓની આ કેસમાં શંકાસ્પદ ભૂમિકા
છે તેઓ બેંકમાં ઉચ્ચ હોદ્દા પર હતા. સીબીઆઈએ બેંક ઓફ બરોડા-નવી દિલ્હીના આસિસ્ટન્ટ
જનરલ મેનેજર, ફોરેન એક્સચેન્જ ડિવિઝનના વડા
અને ઈડીએ એચડીએફસી બેંકના ફોરેન એક્સચેન્જ ડિવિઝનમાં કાર્યરત એક ઉચ્ચ અધિકારીની
ધરપકડ કરી છે. ઊંચા પગારધોરણો ધરાવતા આ અધિકારીઓએ બે છેડા ભેગા કરવા નહીં પણ
લાલચથી પ્રેરાઈને આ ખેલ પાડયો છે. કોઈ પણ મોટા કૌભાંડો ગરીબ અને નિરક્ષર લોકો નહીં
પણ પૈસેટકે સુખી અને ભણેલા-ગણેલા લોકો કરતા હોય છે. વ્યક્તિ શિક્ષણ લઈને પણ આ
પ્રકારના ધંધા કેમ કરતો હશે? શું આ કૌભાંડોમાં આપણી કંગાળ
શિક્ષણ વ્યવસ્થાનું પ્રતિબિંબ પડે છે? છ હજાર કરોડથી પણ
વધારે નાણાં વિદેશ કેવી રીતે મોકલી દેવાયા એના કરતા પણ વધારે પેચીદા પ્રશ્નો તો આ
છે.
દેશના ચુનંદા
વિદ્યાર્થીઓ યુપીએસસીમાં ઉતીર્ણ થઈને આઈએએસ, આઈપીએસ
અને આઈએફએસના હોદ્દા પર બિરાજે છે. આમ છતાં, કોઈ પણ સરકારમાં
થયેલા મસમોટા કૌભાંડોમાં આ ઉચ્ચ અધિકારીઓ હંમેશા સંડોવાયેલા હોય છે.
તાજેતરનો ઈતિહાસ જોઈએ તો યુપીએ સરકારમાં થયેલા કૌભાંડોમાં સંખ્યાબંધ સનદી અધિકારીઓ
સામે તપાસ ચાલી રહી છે અને કેટલાક જેલની હવા ખાઈ રહ્યા છે. અહીં બધાને એક જ લાકડીએ
હાંકવાનો ઈરાદો નથી પણ પ્રશ્ન એ છે કે, જે
કોઈ કૌભાંડો થાય છે એમાં આવા ઉચ્ચ શિક્ષણ લીધેલા અને ઊંચા પગારધોરણોના લાભ લેતા 'સરકારી જમાઈઓ'ની સંડોવણી કેમ હોય છે? બેંક ઓફ બરોડાની અશોક વિહાર શાખામાંથી સતત એક વર્ષ સુધી દાળ-ચોખા અને
કાજુની આયાતનું બિલ ચૂકવવાના બહાને આઠ હજાર ટ્રાન્ઝેક્શન કરાયા હતા. ખરેખર,
આ એવી આયાત હતી જે ક્યારેય થવાની જ ન હતી. આ બિલ ચૂકવવા કેવાયસી (નો
યોર કસ્ટમર)ના નિયમોનો ભંગ કરાયો હતો. ટ્રાન્ઝેક્શન કરવા બેંકમાં ૫૯ નકલી ખાતા
ખોલવામાં આવ્યા હતા. આ ખાતા ખોલાવવા પેપર પર નકલી કંપનીઓ પણ ઊભી કરવામાં આવી હતી.
બેંકના ઓટોમેટિક ડિટેક્શન સોફ્ટવેરમાં પકડાઈ ના જવાય એટલે દોઢેક વર્ષ સુધી આઠેક
હજાર ટ્રાન્ઝેક્શન કરીને રૂ. એક-એક લાખથી ઓછી રકમ હોંગકોંગ મોકલાઈ હતી.
જો એકસાથે મોટી રકમ
મોકલવામાં આવે તો બેંકના ઓટોમેટિક ડિટેક્શન સોફ્ટવેરમાં ઝડપાઈ જવાય. એમાંથી નીકળી
જઈએ તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કે ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટની આંખે ચઢી જવાય.
કોઈને શંકા ના જાય એટલે એચડીએફસી બેંકના ૧૧ ખાતામાંથી બેંક ઓફ બરોડાના વિવિધ
ખાતામાં ધીમે ધીમે રકમ જમા કરાઈ હતી. આટલી હોશિયારી સાથે કરાયેલા કૌભાંડમાં બેંકના
હાઈલી ક્વોલિફાઈડ અધિકારીઓની સંડોવણી ના હોય એ શક્ય છે?
સીબીઆઈ અને ઈડીએ કહ્યું છે કે, આ પહેલાં આટલું
જંગી કાળું નાણું મોકલવા બેંકિંગ સિસ્ટમને ભેદતી આવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ થયો
નથી. એનો અર્થ એ પણ છે કે, આ પહેલાં નાની-મોટી રકમ વિદેશોમાં
સગેવગે કરવા બેંકોનો ઉપયોગ થતો જ હતો પણ એ મોડસ ઓપરેન્ડી આવી ન હતી. વર્ષ ૨૦૧૩માં 'કોબ્રાપોસ્ટ' ન્યૂઝ વેબ પોર્ટલે એક સ્ટિંગ ઓપરેશન
કરીને દેશની અનેક પ્રતિષ્ઠિત બેંકોનું કેવાયસી અને એન્ટિ મની લોન્ડરિંગ
માર્ગદર્શિકા તેમજ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ-૧૯૯૯ (ફેમા)નું ઉલ્લંઘન
કર્યાનું કૌભાંડ બહાર પાડયું હતું. આ પ્રકારની ગેરરીતિમાં લગભગ તમામ બેંકોની
સંડોવણી હતી. આ કૌભાંડની તપાસ કરીને આરબીઆઈએ ૨૨ બેંકને રૂ. ૫૦ કરોડનો દંડ ફટકાર્યો
હતો, જેમાં એક્સિસ બેંકને રૂ. પાંચ કરોડ,
એચડીએફસી બેંકને રૂ. સાડા ચાર કરોડ અને આઈસીઆઈસીઆઈ બેંકને રૂ. એક કરોડના દંડનો પણ સમાવેશ
થતો હતો.
આરબીઆઈએ આ તમામ
બેંકોની ઓફિસોમાં બુક્સ ઓફ એકાઉન્ટ્સ, ઈન્ટરનલ
કંટ્રોલ અને કોમ્પ્લાયન્સ સિસ્ટમની ચકાસણી કરીને દંડ ફટકારવાનો નિર્ણય લીધો હતો. આ
કૌભાંડમાં બેંકોને દંડ ફટકારાયો હતો પણ
એકેય બેંક અધિકારીને જવાબદાર ઠેરવી શકાયો ન હતો. એપ્રિલ ૨૦૧૫માં જાહેર કરાયેલા એક
બેંકિંગ ફોરેન્સિક સર્વેક્ષણ પ્રમાણે, છેલ્લાં બે જ વર્ષમાં
બેંકિંગ ફ્રોડમાં ૯૩ ટકાનો વધારો થયો છે. એટલે જ અત્યારના જમાનામાં આર્થિક ગુનાને
લગતા કાયદા વધુને વધુ કડક કરવાની જરૂર છે કારણ કે, આર્થિક
ગુના કરતી વ્યક્તિ એક ખૂની કરતા પણ ગંભીર ગુનો કરે છે. આ પ્રકારની ગુનાખોરીથી
એકસાથે સંખ્યાબંધ પરિવારોને નુકસાન થાય છે અને દેશના અર્થતંત્રને પણ જોરદાર ફટકો
પડે છે. આ પહેલાં ગુજરાતના બેંક કૌભાંડોમાં એકસાથે અનેક પરિવારો કેવી રીતે બરબાદ
થયા હતા એ આપણે જોઈ ચૂક્યા છીએ. છેલ્લાં બે વર્ષમાં બેંકના ઉચ્ચ અધિકારીઓએ કરોડોની
લોન પાસ કરવા લાંચ લીધી હોવાના સંખ્યાબંધ કૌભાંડો બહાર આવ્યા અને ભૂલાઈ ગયા.
ખેડૂતથી લઈને સીધાસાદા નોકરિયાતને રૂ. ૫૦ હજારની લોન માટે ૫૦ ધક્કા ખવડાવતી
રાષ્ટ્રીયકૃત બેંકોએ કિંગફિશર એરલાઈન્સ લિ.ને રૂ. સાતેક હજાર કરોડની લોન આપી
હતી. હવે એવા અહેવાલ છે કે, વિજય માલયાએ
લોન લીધા પછી મોટા ભાગની રકમ ટેક્સ હેવન રાષ્ટ્રોમાં સુરક્ષિત કરી દીધી છે.
જો બેંકો જાણતા કે
અજાણતા પણ કાળા નાણા વિદેશમાં મોકલવાનું 'કેરિયર'
બની ગઈ હોય તો એ સિસ્ટમને અત્યારથી જ તોડી પાડવી જોઈએ.
નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે.
No comments:
Post a Comment