વિશ્વમાં ફક્ત કચ્છના નાના રણમાં જોવા મળતા જંગલી ગધેડા એટલે કે ઘુડખરનો
ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરે (આઈયુસીએન) લુપ્ત થતી પ્રજાતિઓની
યાદીમાં સમાવેશ કર્યો છે. છેલ્લાં ૧૬
વર્ષમાં ઘુડખરની વસતી ૫૨ ટકા ઘટી છે. આ વાત દર્શાવે છે કે,
નજીકના ભવિષ્યમાં ઘુડખર
લુપ્ત થઈ જશે અને આવનારી પેઢી માટે ઘુડખરની ફક્ત 'દુર્લભ' તસવીરો અને વીડિયો ફૂટેજ બચ્યા હશે. પર્યાવરણીય બાબતોમાં
આપણી ઉદાસીનતા જોતા એવું લાગે છે કે, થોડા હજાર વર્ષ પછી એ દુર્લભ દસ્તાવેજો પણ લુપ્ત થઈ જશે અને
ઘુડખરનો કદાચ 'ક્રિપ્ટિડ'માં સમાવેશ થઈ ગયો હશે! વનસ્પતિ સહિતના જે કોઈ સજીવોનું અસ્તિત્વ વૈજ્ઞાનિક
પુરાવાના અભાવે સાબિત ના થઈ શક્યું હોય એને શોધવાનું વિજ્ઞાન ક્રિપ્ટોઝુલોજી કે
ક્રિપ્ટોલોજી તરીકે ઓળખાય છે, જ્યારે ક્રિપ્ટોલોજીમાં સમાવાયેલા સજીવોને ક્રિપ્ટિડ કહે
છે. આ પ્રકારના સજીવો લોકસાહિત્ય, લોકકળા, પ્રાચીન ગુફાચિત્રો કે હસ્તપ્રતોમાં અસ્તિત્વ
ધરાવતા હોય છે. ભારતના યેતી (મહાકાય વાંદરા જેવો માણસ-હિમમાનવ),
બ્લેક મંકી,
પોગયાન (મહાકાય જંગલી
બિલાડા), પિગ્મી એલિફન્ટ અને બુરુ નામના પ્રાણીઓનો ક્રિપ્ટિડમાં સમાવેશ કરાયો છે.
ભારતમાં બુરુ સિવાય એક પણ પ્રાણીનું અસ્તિત્વ હતું કે નહીં એ જાણવાના ગંભીર પ્રયાસ
કરાયા નથી. જોકે, આ પ્રયાસ પણ ભારતીયોએ નહીં, વિદેશીઓએ કર્યા હતા.
બુરુની પહેલવહેલી વૈજ્ઞાનિક નોંધો
બુરુ જેવું કંઈક હોઈ શકે છે એ વાત સૌથી પહેલાં ઓસ્ટ્રિયન એન્થ્રોપોલોજિસ્ટ (માનવઉત્પત્તિ
શાસ્ત્રી) ક્રિસ્ટોફર વોન ફ્યૂરર-હેમનડોર્ફે નોંધી હતી. વર્ષ ૧૯૩૬માં ફક્ત ૨૭
વર્ષની વયે ક્રિસ્ટોફર ભારતની આદિ જાતિ સંસ્કૃતિ પર અભ્યાસ કરવા ભારત આવી ગયા હતા.
ક્રિસ્ટોફરના ભારત આવી જવા પાછળ મુખ્યત્વે બે કારણો હતા. પહેલું કારણ એ હતું કે,
તેઓ ઓસ્ટ્રિયાના એન્થ્રોપોલોજિસ્ટ રોબર્ટ વોન હેન-ગેલડર્નને ગુરુ માનતા હતા.
રોબર્ટ હેન-ગેલડને વર્ષ ૧૯૧૦માં ભારતની મુલાકાત લઈને આસામ અને બર્માની આદિ જાતિઓ
પર આધારિત 'ધ માઉન્ટેઇન ટ્રાઈબ્સ ઓફ નોર્થ-ઈસ્ટર્ન બર્મા' નામે થીસિસ લખ્યો હતો. બીજું કારણ એ છે કે, ક્રિસ્ટોફરે નાની
વયથી જ રવિન્દ્રનાથ ટાગોરને વાંચવાનું શરૂ કરી દીધું હતું. આમ,
ગુરુનો થીસિસ અને ટાગોર-
આ બંને કારણથી ક્રિસ્ટોફર ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કરવા ઉત્સુક હતા. ભારત આવીને
ક્રિસ્ટોફરે નાગા આદિવાસીઓ વચ્ચે જીવન ગુજારવાનું શરૂ કર્યું હતું. ક્રિસ્ટોફરને
ગુરુ રોબર્ટ હેન-ગેલડને સલાહ આપી હતી કે, આપણા જેવા માનવઉત્પત્તિ વિજ્ઞાનીઓએ સચોટ સંશોધનો માટે
સ્થાનિકોની ભાષા શીખવી જરૂરી છે. આ વાત યાદ રાખીને ક્રિસ્ટોફરે પણ દુભાષિયાની મદદ
વિના સતત પાંચ મહિના મહેનત કરીને નાગા લોકોની ભાષા શીખી લીધી હતી.
વર્ષ 1948માં ગુવાહાટી યુનિવર્સિટીના કેમ્પસમાં આસામીઝ ફેલો સાથે ક્રિસ્ટોફર વોન ફ્યૂરર-હેમનડોર્ફ (વચ્ચે ખુરશીમાં) |
બુરુનું કાલ્પનિક ચિત્ર |
ક્રિસ્ટોફરે વર્ષ ૧૯૪૪-૪૫માં ઉત્તર-પૂર્વીય ભારતમાં આજના આસામ,
અરૂણાચલ પ્રદેશ અને
નેપાળમાં આપાતાની (અથવા આપા કે આપા તાનિ) નામની આદિ જાતિ સાથે સંશોધન કરતી વખતે
બુરુ નામના પ્રાણીની વાતો સાંભળી હતી. બુરુ વિશે તેમણે નોંધ્યું છે કે,
બુરુ એક વિચિત્ર પ્રાણી
છે. તેનો રંગ ભૂરો-સફેદ છે, જે પંદરેક ફૂટ લાંબુ હોય છે. બુરુની ચામડી માછલી જેવી હોય
છે પણ તેમાં ભીંગડા નથી હોતા. તેના શરીરની બાજુમાં અને પીઠ પર સંખ્યાબંધ કાંટા હોય
છે. તેનું માથું ત્રિકોણાકાર અને નાક અણીદાર હોય છે. બુરુ નાના જાડા પગથી ચાલે છે.
તે અણીદાર દાંત, નહોર અને મજબૂત પૂંછડીથી સામનો કરી શકે છે. આ બધા લક્ષણો વિચિત્ર જળચર
પ્રાણીના છે. બુરુ ઘોઘરા અવાજમાં ગર્જતું હોય છે.
ક્રિસ્ટોફરે બુરુ જોયું ન હતું પણ આ બધી જ વાતો તેમણે આપાતાની લોકોના મોંઢે
સાંભળી હતી. બુરુ નામનું કોઈ પ્રાણીનું અસ્તિત્વ છે કે હતું- એ વિશે વર્ષ ૧૯૪૭માં
પહેલવહેલી વૈજ્ઞાનિક નોંધો ક્રિસ્ટોફરે કરી હતી. ક્રિસ્ટોફરે ઉત્તરપૂર્વીય ભારત
સહિત તેલંગાણાની આદિ જાતિ પર પણ ઊંડા સંશોધનો કર્યા હતા. આ માટે તેમણે બે-ચાર નહીં
પણ જીવનના ચાળીસ વર્ષ ભારતના જંગલોમાં રઝળપાટ કરી હતી.
બત્રીસલક્ષણાં પત્રકારની એન્ટ્રી
ભારતના ભાગલા પછીના વર્ષોમાં રાલ્ફ ઈઝાર્ડ નામનો એક પત્રકાર બ્રિટનના જાણીતા
અખબાર 'ડેઈલી મેઈલ'ના ભારતીય પ્રતિનિધિ તરીકે દિલ્હીમાં સ્થાયી થયો હતો. યુરોપિયન વિજ્ઞાનીઓ અને
બ્રિટીશ પ્રતિનિધિઓની બુરુ નામના પ્રાણી વિશે જાતભાતની વાતો સાંભળીને રાલ્ફને પણ
તેમાં રસ પડ્યો હતો. રાલ્ફે દ્વિતિય વિશ્વયુદ્ધમાં બ્રિટન વતી નેવલ ઈન્ટેલિજન્સ
અધિકારી તરીકે ફરજ બજાવીને સંખ્યાબંધ સન્માનો મેળવ્યા હતા. યુદ્ધમાં મહત્ત્વની
કામગીરીને પગલે બ્રિટીશ સરકારે તેને 'ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર'ની પદવી પણ આપી હતી. રાલ્ફ 'ડેઈલી મેઈલ'ના પ્રતિનિધિ તરીકે ભારત આવે છે ત્યારે તેના બોસ હોય છે,
ઈયાન ફ્લેમિંગ. હા,
એ જ ઈયાન ફ્લેમિંગ જે
જેમ્સ બોન્ડ નામનું કાલ્પનિક પાત્ર સર્જીને હજુયે લોકોના દિલોમાં જીવી રહ્યા છે.
રસપ્રદ વાત એ છે કે, ઈયાન ફ્લેમિંગે પહેલી નવલકથા 'કેસિનો રોયલ'નું એક દૃશ્ય રાલ્ફ ઈઝાર્ડથી પ્રભાવિત થઈને લખ્યું હતું.
રાલ્ફ આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરિસમાં પત્રકાર તરીકે ફરજ બજાવી રહ્યો હતો
ત્યારે તેણે એડિટર ઈયાન ફ્લેમિંગને એક કેસિનોમાં મળવા બોલાવ્યા હતા. ઈયાન ફ્લેમિંગ
કેસિનોમાં પ્રવેશતા જ જુએ છે કે, રાલ્ફ નાઝી અધિકારીઓ સાથે પોકર રમી રહ્યો છે. સિક્રેટ એજન્ટ
અને પત્રકારનું કિલર કોમ્બિનેશન ધરાવતા મજબૂત બાંધાના સ્ટાઈલિશ રાલ્ફ ઈઝાર્ડને
જોઈને ઈયાન ફ્લેમિંગ ફિદા થઈ ગયા હતા. 'કેસિનો રોયલ' નવલકથામાં જેમ્સ બોન્ડ નાઝી અધિકારીઓ સાથે પોકર રમે છે,
એ દૃશ્ય ફ્લેમિંગને આવી
રીતે સૂઝ્યું હતું.
રાલ્ફ ઈઝાર્ડ |
સપ્ટેમ્બર ૧૯૩૯માં દ્વિતિય વિશ્વયુદ્ધ શરૂ થયું એ પહેલાં વર્ષ ૧૯૩૬માં રાલ્ફ
જર્મનીમાં 'ડેઈલી મેઈલ'ના બર્લિન બ્યુરો ચિફ તરીકે કામ કરતો હતો. જોકે, દુનિયા જેને 'ડેશિંગ જર્નાલિસ્ટ' તરીકે ઓળખતી હતી એ રાલ્ફ ઈઝાર્ડ બ્રિટનનો સિક્રેટ સર્વિસ
એજન્ટ પણ હતો. એ વખતે રાલ્ફે નાઝીઓએ સિક્રેટ કોડ ઉકેલવા બનાવેલા એનિગ્મા નામનું
મશીન ચોરવાની યોજના બનાવી હતી. રાલ્ફે વિચાર્યું હતું કે,
ફ્રાંસના દરિયા કિનારે
જર્મનીના ફાઈટર પ્લેનના કાટમાળમાંથી નાઝી યુનિફોર્મ મળી જાય તો જલસો પડી જાય! આ
યુનિફોર્મ પહેરીને નાઝી સિક્રેટ સર્વિસમાં ઘૂસી શકાય અને એનિગ્મા ચોરવું આસાન થઈ
જાય. જોકે, રાલ્ફે વિચાર્યું હતું એવું કશું થતું નથી કારણ કે,
એ પહેલાં જ બ્રિટીશ
લશ્કરે નાઝીઓને ખદેડીને એનિગ્મા મશીન કબજે કરી લીધું હતું. આવા તોફાની વિચારો
ધરાવતા 'અસલી બોન્ડ' પત્રકારને બુરુમાં રસ પડ્યો હતો એ વાત જ કેટલી રોમાંચક છે!
રોમાંચક સફરની શરૂઆત
ચાળીસીના દાયકાના મધ્યમાં રાલ્ફ તેના સ્વભાવ પ્રમાણે ભારતમાં કોઈ પડકારજનક કામ
નહીં હોવાથી થોડો ચિંતિત હતો. જોકે, બુરુ વિશે સાંભળીને તેને થોડી ટાઢક વળી હતી કારણ કે,
તેને બુરુમાં 'એક્સક્લુસિવ ન્યૂઝ સ્ટોરી' દેખાતી હતી. કંઈક નવું કરવા ઉત્સુક રાલ્ફે બુરુ વિશે
સાંભળતા જ આ પ્રાણી વિશે સંશોધન કરનારા વિજ્ઞાનીઓ સાથે પત્રવ્યવહાર કર્યો. બહુ બધી
મગજમારી પછી રાલ્ફને ફક્ત એટલું જાણવા મળ્યું કે, બુરુ એક સરિસૃપ છે, જે ગરોળી કે ડાયનોસોર પ્રજાતિનું પ્રાણી હોઈ શકે છે! કોઈ પણ
વિષયમાં ઠોસ તથ્યો અને ઊંડી છણાવટના આગ્રહી રાલ્ફને આટલી માહિતીથી સંતોષ ના થાય એ
સ્વાભાવિક હતું. છેવટે રાલ્ફે બ્રિટિશ રાજ માટે ભારતમાં ફરજ બજાવતા ઝૂલોજિસ્ટ અને
એગ્રિકલ્ચરલ ઓફિસર ચાર્લ્સ સ્ટોનર સાથે બુરુને શોધવા આજના અરુણાચલ પ્રદેશમાં
રઝળપાટ શરૂ કરી, જે બ્રિટીશ રાજમાં 'અપર આસામ' તરીકે ઓળખાતું હતું.
‘ધ હંટ ફોર ધ બુરુ’ પુસ્તકનું કવર |
ચાર્લ્સ સ્ટોનર |
ચાર્લ્સ સ્ટોનર સાથે જવાનો ફાયદો એ હતો કે, તેઓ વર્ષ ૧૯૪૦માં બુરુને શોધવા ત્યાં રખડપટ્ટી કરી ચૂક્યા
હતા. આ બંને બ્રિટીશરોએ જંગલો ખૂંદવાનું શરૂ કર્યું ત્યારે તેમણે ભયાનક વરસાદનો
સામનો કરવો પડ્યો હતો. વરસાદના કારણે જંગલમાં જળો અને મચ્છરોનો ઉપદ્રવ હતો. જળો
તેમના શરીરનું લોહી ચૂસી લેતા હતા અને ડંખીલા મચ્છરો પણ તેમની ધીરજની કસોટી કરતા
હતા. વર્ષ ૧૯૫૧માં પ્રકાશિત 'ધ હંટ ફોર ધ બુરુ' નામના પુસ્તકમાં રાલ્ફ ઈઝાર્ડે આ જંગલ પ્રવાસની અનેક રસપ્રદ
ઘટનાઓ આલેખી છે.
જોકે, આ પ્રવાસમાં તેઓ બુરુ શોધી શક્યા ન હતા. છેવટે રાલ્ફ એવું માનીને સંતોષ
માને છે કે, બુરુ ગરોળી કે મગર જેવા સરિસૃપ વર્ગનું પ્રાણી હોવાથી શિયાળાની ઋતુમાં જમીન
નીચે કે બર્ફીલી ગુફાઓમાં નિષ્ક્રિય થઈ જતું હશે!
પર્વતારોહક તેનજિંગ નોર્ગેનો ભેટો
બુરુને શોધવામાં રાલ્ફને નિષ્ફળતા મળ્યાના બે વર્ષ પછી ૧૯૫૧માં બ્રિટીશ લશ્કરના
બ્રિગેડિયર અને જાણીતા પર્વતારોહક સર
જ્હોન હંટે માઉન્ટ એવરેસ્ટ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનના રિપોર્ટિંગના
આગોતરા હક્ક 'ટાઈમ' મેગેઝિને ખરીદ્યા હતા. આ દરમિયાન રાલ્ફ ઈઝાર્ડે જ્હોન હંટને એ અભિયાનમાં પોતાને સામેલ કરવા
મનાવી લીધા. રાલ્ફે જ્હોનને ખાતરી આપી હતી કે, આ અભિયાનમાં જોડાવાનો મારો હેતુ
ફક્ત 'ડેઈલી
મેઈલ' માટે બુરુની
'સ્ટોરી'
કરવાનો છે. હું પર્વતારોહણ
વિશે કશું નહીં લખું...
મહાન પર્વતારોહકો એડમન્ડ હિલારી અને તિનજિંગ નોર્ગે |
આમ છતાં, આ અભિયાન શરૂ થતાં પહેલાં કાઠમંડુના બ્રિટીશ રાજદૂતાવાસમાં માઉન્ટ
એવરેસ્ટ જતી ટીમની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં રાલ્ફે તેનજિંગ નોર્ગેનો એક્સક્લુસિવ ઈન્ટરવ્યૂ
કર્યો. આ ઈન્ટરવ્યૂમાં તેનજિંગે શેરપાઓને અપાતી અપૂરતી સગવડોની ફરિયાદ કરી હતી. આ
બધી જ વાતો રાલ્ફે 'ડેઈલી મેઈલ'માં છાપી દેતા જ્હોન હંટ 'ટાઈમ' મેગેઝિનના કરારના કારણે બરાબરના ભેરવાયા હતા. આ ઈન્ટરવ્યૂ
પછી રાલ્ફને વિશ્વભરમાં ખ્યાતિ મળી હતી કારણ કે, આ જ અભિયાન વખતે એડમન્ડ હિલારી અને તેનજિંગ નોર્ગે માઉન્ટ
એવરેસ્ટ પર પહોંચ્યા હતા. જોકે, આ ઈન્ટરવ્યૂ બદલ જ્હોન હંટે રાલ્ફને મણ મણની
સંભળાવી હતી અને તેને 'માઉન્ટ એવરેસ્ટ એક્સપિડિશન'નો દુશ્મન ગણાવીને અભિયાનમાંથી બાકાત કરી દીધો હતો.
ખેર, રાલ્ફના દિલોદિમાગ પર બુરુને શોધવાની ઈચ્છા એટલી પ્રબળ હતી કે તેણે એકલપંડે
માઉન્ટ એવરેસ્ટમાં રઝળપાટ કરવાનો નિર્ણય લીધો. નવાઈની વાત એ છે કે,
રાલ્ફ હોકાયંત્ર કે નકશા
લીધા વિના જ્હોન હંટે નક્કી કરેલા રસ્તે નીકળી પડ્યો હતો. રાલ્ફે કાઠમંડુથી
ટેન્ગબોક નામના નેપાળી ગામની એક અઠવાડિયાની સફર એકલા જ ખેડી હતી,
જે ખુંભુ પ્રદેશમાં ૧૨,૬૮૭ ફૂટની ઊંચાઈએ આવેલું છે. અહીં પહોંચ્યા પછી રાલ્ફે ત્રણ
દિવસ રઝળપાટ કરીને જ્હોન હંટની ટુકડીનો બેઝ કેમ્પ પણ શોધી લીધો હતો. આ અંગે જ્હોનની
ટીમના અમુક પર્વતારોહકોએ નોંધ્યું છે કે, રાલ્ફ બેઝ કેમ્પ સુધી પહોંચ્યો ત્યારે તેની પાસે બર્ફીલી
ઠંડીથી બચવા માંડ એક સ્પોર્ટ્સ જેકેટ હતું. તેના હોઠ ભૂરા પડી ગયા હતા અને આંખો
જોઈને લાગતું હતું કે, તે 'સ્નો બ્લાઈન્ડનેસ'નો ભોગ બનશે. જોકે, હિમાલયની વાદીઓમાં આટલી રઝળપાટ પછીયે રાલ્ફને બુરુ મળ્યું ન
હતું. આ પ્રવાસના થોડા જ મહિનામાં રાલ્ફ અને ચાર્લ્સ સ્ટોનરે ફરી એકવાર માઉન્ટ
એવરેસ્ટમાં રખડપટ્ટી કરવાનું અભિયાન શરૂ કર્યું. જોકે,
આ વખતે તેમનું લક્ષ્યાંક
બુરુ નહીં પણ 'હિમમાનવ’ શોધવાનું હતું. આ પ્રવાસમાં પણ તેમને હિમમાનવના કોઈ પુરાવા મળ્યા ન
હતા.
હિમાલયના પ્રવાસોમાં રાલ્ફને બુરુ કે યેતીના પુરાવા સુદ્ધાં મળતા નથી એ વાતનો
બહુ અફસોસ કરવા જેવો નથી કારણ કે, આ સાહસિક પ્રવાસો પછી રાલ્ફે વર્ષ ૧૯૫૪માં 'ધ ઈનોસન્ટ ઓન એવરેસ્ટ' અને ૧૯૫૫માં 'ધ એબઓમિનેબલ સ્નોમેન એડવેન્ચર'
નામના બે અમૂલ્ય
પુસ્તકોની આપણને ભેટ જરૂર આપી છે. આ પુસ્તકો ક્યારેય થઈ નહીં શકેલી ન્યૂઝ સ્ટોરી માટે
કરેલા ‘ફર્સ્ટ હેન્ડ રિપોર્ટિંગ’ના ઉત્તમ નમૂના છે.
નોંધઃ તમામ તસવીરો ગૂગલ પરથી લીધી છે.
mast
ReplyDeleteThanks
Deleteજોરદાર આર્ટિકલ... માહિતીસભર અને ખાસ તો રસપ્રદ... માહિતી માટેનું સંશોધન દાદ માગી લે એવું! મજા આવી ગઈ બોસ... :)
ReplyDeleteઆભાર :)
Deleteજો લેખો વાંચવાનો થોડો વધુ અભ્યાસ હોય તો લેખને વાંચતા જ ખ્યાલ આવી જાય કે આ લેખમાં કેટલી અને કેવી મહેનત થઈ હશે. લેખકની સ્ટાઇલ, શબ્દો અને માહિતીનું સંયોજન-સંપાદન જોઇને ખ્યાલ આવી જાય કે માહિતીના વિશ્વમાં કેવી રઝળપાટ થઈ હશે. બુરુ વિશેનો લેખ લખવામાં કેટલી મહેનત થઈ હશે એ સમજી શકાય એવું છે. જે અંગ્રેજી લેખની લિન્ક પહેલી કમેન્ટમાં આપવામાં આવી છે અે લેખ અને તારા લેખની ઝીણવટપૂર્વક અને તટસ્થ રીતે રિપિટ, તટસ્થ રીતે, નિખાલસતાથી તુલના કરવામાં તો તુરંત ખ્યાલ આવી જાય કે વિષયની સમાનતા સિવાય ઘણી એવી રસપ્રદ માહિતી આપી છે, જે સ્ક્રોલના લેખમાં નથી.
ReplyDeleteબિલકુલ સાચી વાત સંદીપ. જો થોડું ઘણું પણ વાંચવાનો અને પછી સમજવાનો અભ્યાસ હોય તો ખ્યાલ આવી જાય કે, લેખમાં કેટલી બધી મહેનત થઈ છે. રાલ્ફે બુરુ શોધવા જેવી રઝળપાટ કરી એવી જ પીડા આવા સંશોધિત લેખો લખતી વખતે થાય છે. રાલ્ફને બુરુ ના મળ્યું પણ તેનજિંગ નોર્ગેના રૂપમાં સારી સ્ટોરી મળી અને એ તૃપ્ત થઈ ગયો. એવી જ રીતે, લેખકનો એક લેખ દસમાંથી એકને પણ ગમે એટલે લેખક તૃપ્ત થઈ જાય છે. મને ખ્યાલ છે, મારા લેખમાં બહુ જ એક્સક્લુસિવ માહિતી છે પણ ગૂગલિયા શૂરવીરોને આવી કોઈ સમજ હોતી નથી. ટાગોર અને વિક્ટોરિયા ઓકેમ્પોના પ્રેમ વિશે લખીએ અને ગૂગલિંગ કરીને માહિતી આપીને કહે કે, આ તો તમે અહીંથી લીધું છે એમાં કઈ બહાદુરી હશે? માહિતી આપવી નવી વાત નથી, માહિતીના પેકેજિંગના પૈસા છે. ફેસબુક પર વિચરી રહેલી એવી પણ પ્રજાતિ જોઈ છે કે, જે કહે છે સફારીમાં નવું શું છે એ તો ઈન્ટરનેટ પર પણ છે. સાલું આ ધડમાથા વિનાની વાત કરનારાની દલીલો સાંભળીને હસવું કે રડવું એ ખબર નથી પડતી. અને હા સંદીપ, એ એનોનિયમ્સ વ્યક્તિ ઓળખાઈ ગઈ છે ;) એ મારા હિતેચ્છુ હોવાનો મસ્ત ડોળ કરે છે. :)
Deleteમને એવું લાગે છે કે, જે લોકો પોતે પોતાની ગુણવત્તા બતાવીને કે કંઇ સારું કરીને પબ્લિસિટી નથી મેળવી શકતા તેઓ આવી રીતે, કારણ વિના બીજાનું ખોટી રીતે નીચું બતાવવાનો પ્રયાસ કરીને પોતાની ગુણવત્તા સાબિત કરવા જાય છે.. પોતાની લીટી લાંબી કરવાની તાકાત ન ધરાવતા લોકો મોટેભાગે બીજાની લીટી ભૂંસવાના પ્રયાસો વધુ કરતા હોય છે. જૂઓ પેલું આમ.. પેલું તેમ..પણ ભાઈ તમે તમારી મહાનતાની ઊંચાઈ બતાવોને (જો હોય તો) ? સાલું...માહિતીના વિશ્વમાં રખડપટ્ટી કર્યા પછી પણ કેટલાક લોકોની દ્રષ્ટિ ટૂંકી અને દિલ સાંકડા જ રહે છે. બ્રોડબેન્ડ આવી ગયા પણ બ્રોડ માઇન્ડસેટ નથી આવ્યા.. સાયકોલોજી એવું કહે છે કે, બીજાને વેંતિયા કહેનારા પોતે જ ટુંકા હોવાની લઘુતાગ્રંથીથી પીડાતા હોય છે.. ખેર.. સબકો સન્મતિ દે ભગવાન..
ReplyDelete