શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, ભુતાનમાં પણ વાઘની સારી એવી વસતી છે?
દરિયાઈ સપાટીથી સાત હજાર
મીટર (૨૩ હજાર ફૂટ) ઊંચા ભુતાન જેવા નાનકડા પહાડી દેશમાં ઝડપથી લુપ્ત થઈ રહેલા વાઘ
મોજથી વિચરતા હોય એ પ્રકૃતિપ્રેમીઓ માટે ખરેખર રોમાંચક વાત છે. સપ્ટેમ્બર ૨૦૧૦માં
બીબીસીના નેચરલ હિસ્ટરી યુનિટે ત્રણ ભાગમાં 'લોસ્ટ લેન્ડ ઓફ ધ ટાઈગર' નામની દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં બીબીસીએ દાવો
કર્યો છે કે, ''ભુતાનમાં દરિયાઈ સપાટીથી આશરે ૪,૧૦૦ મીટર ઊંચાઈ પર વાઘની સારી એવી વસતી હોવાના અમને પુરાવા
મળ્યા છે...'' આ સમાચાર પશ્ચિમી દેશો માટે ખરેખર નવા હતા. પશ્ચિમી દેશોના વિજ્ઞાનીઓ તો ઠીક,
ભારતમાં વાઘ બચાવવા
આટઆટલા ધમપછાડા કરાતા હોવા છતાં ભુતાને વાઘની વસતી કેવી રીતે વધારી હતી,
એ વાત ભારત સરકાર પણ
જાણતી ન હતી. ભુતાન સરકારે આ વર્ષે ૨૯મી જુલાઈ-વૈશ્વિક વાઘ દિવસે વાઘની વસતીના
તાજા આંકડા જાહેર કરતા કહ્યું છે કે, ભુતાનમાં અત્યારે ૧૦૩ વાઘ છે. અગાઉના અંદાજ પ્રમાણે આ આંકડો
૭૫ હતો. હા એ અંદાજ હતો. જોકે, આ વખતે ભુતાનના વિજ્ઞાનીઓએ જંગલોમાં રઝળપાટ કરીને વૈજ્ઞાનિક
પદ્ધતિથી વાઘની સંખ્યા નોંધી છે. ભુતાને વાઘ સહિતની સમગ્ર જીવસૃષ્ટિ બચાવવા જે કોઈ
પ્રયાસ કર્યા છે તે ખરેખર કાબિલેદાદ છે.
બીબીસીએ ભુતાનમાં વાઘની હાજરી હોવાના 'એક્સક્લુસિવ' સમાચાર આપ્યા પછી ભુતાનની રાજાશાહી સરકાર અને સ્થાનિક વિજ્ઞાનીઓ
ગુસ્સે થયા હતા. ભુતાનનું કહેવું હતું કે, ભુતાનના જંગલોમાં રહેતા વાઘોનું અમે નિયમિત રીતે
દસ્તાવેજીકરણ કરીએ છીએ. અહીં વાઘ છે એ પશ્ચિમના મોટા ભાગના વિજ્ઞાનીઓ માટે નવી વાત
હશે, અમારા
માટે નહીં... એવું નહોતું કે, ભુતાનમાં વાઘની હાજરી વિશે પશ્ચિમનો એકેય વિજ્ઞાની કશું
જાણતો જ ન હતો, પણ આ વાત ખૂબ જ ઓછી જાણીતી હતી. વાઘ સહિતની જીવસૃષ્ટિના સંવર્ધન માટે નાનકડું
ભુતાન શું કરે છે એ દિશામાં પણ પશ્ચિમના વિજ્ઞાનીઓ અજાણ હતા. બીજી તરફ,
ભુતાન પણ આવા કોઈ મુદ્દે
ગાઈવગાડીને કશું કહેતું નહોતું. બીબીસીની દસ્તાવેજી ફિલ્મોનો વિવાદ સામાન્ય હોવાથી
ખૂબ ઝડપથી ભુલાઈ ગયો પણ તેની અસર ભુતાન અને પશ્ચિમી વિજ્ઞાનીઓના આદાનપ્રદાન પર
પડી. ભુતાનને વાઘની વસતી ગણતરી કરવામાં વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ તકનિકી અને આર્થિક
મદદ આપે છે. આમ છતાં, એ ઘટના પછી ભુતાને વાઘની વસતી ગણતરી કરવા સહિતના કોઈ પણ
પર્યાવરણીય કામમાં એક પણ પશ્ચિમી દેશ કે પશ્ચિમી વિજ્ઞાનીની મદદ નહીં લેવાનો
નિર્ણય કર્યો છે. ભુતાન જેવો રાજાશાહી શાસન વ્યવસ્થા ધરાવતો નાનકડો દેશ હાઈ
પ્રોફાઈલ પશ્ચિમી મીડિયાને શંકાથી જોતો હોય એના અનેક કારણો હોઈ શકે છે.
ભુતાનની પારો વેલીમાં 900 મીટર ઊંચાઈએ ખીણની ધાર પર આવેલો તાકસાંગ ગોએમ્બા (ટાઈગર્સ નેસ્ટ) નામનો બૌદ્ધ મઠ |
હવે સૌથી મોટો સવાલ એ છે કે, ભારત જેવો દેશ પણ વાઘની વસતી વધારતા હાંફી ગયો છે
ત્યારે ભુતાનમાં વાઘની વસતી વધી કેવી રીતે?
વિશ્વ પર્યાવરણીય
સમસ્યાઓની 'ફક્ત ચિંતા' કરતું હતું ત્યારથી ભુતાને 'જંગલોના ભોગે કશું નહીં'ની નીતિ બનાવી હતી. છેક ૧૯૭૦માં ભુતાનના લોકતાંત્રિક નેતાઓએ
બંધારણીય ફેરફારો કરીને જાહેર કર્યું હતું કે, ભુતાનની ઓછામાં ઓછી ૬૦ ટકા જમીન પર ફરજિયાત જંગલો હોવા
જોઈએ. ભુતાને આ લક્ષ્યાંક દસ ટકા વધારા સાથે હાંસલ કર્યું છે. ભુતાન ક્યારેય ભારત
કે ચીન જેવી 'હરણફાળ' ભરવા નથી માંગતું. ભુતાનમાં ચકાચૌંધ થઈ જવાય એવા બહુમાળી મકાનો,
રસ્તા અને પુલો નથી.
ભુતાનમાં ‘ગ્રાહકવાદ’નો અભાવ હોવાથી આર્થિક નિષ્ણાતો તેને 'અલ્પવિકસિત' દેશ કહી શકે છે, પણ ગ્રોસ નેશનલ હેપ્પીનેસ ઈન્ડેક્સમાં ભુતાન અવ્વલ છે. એંશીના દાયકામાં ભુતાનને ગરીબ દેશોની યાદીમાં પણ મૂકાતું હતું. વર્ષ ૨૦૦૬માં 'બિઝનેસ વિક' મેગેઝિને એક સર્વેક્ષણ કરીને ભુતાન વિશ્વનો સૌથી સુખી દેશ હોવાનું નોંધ્યું હતું. રસપ્રદ વાત એ છે કે, વર્ષ ૨૦૦૮માં આખી દુનિયાનો જીડીપી ઘટી રહ્યો હતો ત્યારે, ભુતાનનો જીડીપી ૨૧.૪ ટકાના દરે વધ્યો હતો. જોકે, આ પ્રકારના આંકડાથી આખા દેશની પ્રજા કેટલી સુખી છે તે જાણી શકાતું નથી. આ સ્થિતિનો વિચાર કરીને વર્ષ ૧૯૭૨માં ભુતાનના રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકે 'ગ્રોસ નેશનલ હેપ્પીનેસ'નો વિચાર આપ્યો હતો. રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકનું માનવું
હતું કે, આપણે પશ્ચિમની જેમ ભૌતિકવાદના ગુણગાન ગાતું નહીં પણ એવા અર્થતંત્રનું નિર્માણ
કરવું છે, જે બૌદ્ધવાદના પાયા પર ઊભેલી ભુતાનની આધ્યાત્મિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ
કરતું હોય.
ગ્રોસ નેશનલ હેપ્પીનેસ ઈન્ડેક્સ માપવાના ચાર મુખ્ય માપદંડ છે. ૧. સસ્ટેઈનેબલ
ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસ એટલે એવો વિકાસ જેનાથી ભવિષ્યમાં
નુકસાન ના થાય અને માનવજાત પર ખતરો
તોળાયેલો ના રહે. ૨. પ્રિઝર્વેશન એન્ડ પ્રમોશન ઓફ કલ્ચરલ વેલ્યૂઝ એટલે કે
સાંસ્કૃતિક મૂલ્યોનું સંવર્ધન અને તેને પ્રોત્સાહન. ૩. કન્ઝર્વેશન ઓફ નેચરલ એન્વાયર્મેન્ટ
એટલે કુદરતનું સંવર્ધન. ૪. ગુડ ગવર્નન્સ એટલે કે યોગ્ય શાસનવ્યવસ્થા. ભુતાન
છેલ્લાં ચાર દાયકાથી પણ વધુ સમયથી રાષ્ટ્રીય આયોજન અને નીતિવિષયક નિર્ણયોમાં આ
ચારેય માપદંડને ગંભીરતાથી લઈ રહ્યું છે. ભુતાન મકાનો બાંધે અથવા કુદરતી સ્રોતોનો
ઉપયોગ કરે ત્યારે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એનું ધ્યાન રાખે છે. ભુતાનની
જમીનનો ચોથો ભાગ રક્ષિત એટલે કે નેશનલ પાર્ક જેવા કડક નીતિનિયમો હેઠળ આવરી લેવાયો
છે. આ પ્રકારના રક્ષિત વિસ્તારો સાથે એક જમીન માર્ગ જોડાયેલો છે,
જેને બાયોલોજિકલ કોરિડોર
નામ અપાયું છે. આ બાયોલોજિકલ કોરિડોરનો વાઘ જેવા પ્રાણીઓ અવરજવર માટે ઉપયોગ કરતા
હોવાથી ભુતાને તેને પણ રક્ષિત જાહેર કરી છે. આ બાયોજિકલ કોરિડોર દેશની જમીનનો નવ
ટકા હિસ્સો આવરી લે છે.
ભુતાને ઉત્તરીય હિમાલયની દુર્ગમ બર્ફીલી પર્વતમાળાઓથી લઈને તળેટી સુધીના ગીચ
ઉષ્ણકટિબંધીય (ગરમ, ભેજવાળા) જંગલોમાં આપબળે સર્વેક્ષણ કરીને ૧૦૩ વાઘ હોવાનું
નોંધ્યું છે. રસપ્રદ વાત એ છે કે, અહીંના જંગલોમાં ભુતાન સરકાર દાવો કરે છે એના કરતા વધારે,
આશરે ૧૧૫થી ૧૫૦ જેટલા
વાઘ હોઈ શકે છે, એવી જાણકારો શંકા વ્યક્ત કરી રહ્યા છે. આ વાઘોમાં ૮૦ ટકા જેટલા વાઘ પુખ્તવયના
છે. અહીંના જંગલોમાં વાઘ સહિત બિલાડી વર્ગના બીજા પણ પાંચ પ્રાણીઓનો વસવાટ છે,
જેમાં ગોલ્ડન કેટ,
માર્બલ્ડ કેટ,
લેપર્ડ કેટ,
ક્લાઉડેડ લેપર્ડ અને
કોમન લેપર્ડનો સમાવેશ થાય છે. ભુતાનમાં સ્નો લેપર્ડ અને ક્લાઉડેડ લેપર્ડનો વસવાટ
છે એ વાત નવી નથી પણ અહીં બિલાડી વર્ગના આટલા બધા પ્રાણીઓ પણ મોટા પ્રમાણમાં વસે
છે એ પશ્ચિમી વિજ્ઞાનીઓને રોમાંચક લાગે છે. વળી, બૌદ્ધ ધર્મના પ્રભાવના કારણે પ્રાણીઓને સ્થાનિકોથી શિકારનો
ઓછામાં ઓછો ખતરો છે. આમ, વાઘને પણ બૌદ્ધ ધર્મનું આડકતરું રક્ષણ મળ્યું છે. જંગલો
સાચવવાથી ભુતાનને લાંબા ગાળાના લાભ મળ્યા છે. અહીંની નદીઓ અને હવા પણ શુદ્ધ છે.
સ્વિત્ઝર્લેન્ડની ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર કહે છે કે,
ભુતાન પ્રોએક્ટિવ
કન્ઝર્વેશનનું ઉત્તમ ઉદાહરણ છે.
જીવવિજ્ઞાનની ભાષામાં વાઘ 'અમ્બ્રેલા સ્પીસિસ' તરીકે ઓળખાય છે. વાઘનું જ ઉદાહરણ લઈને સીધીસાદી ભાષામાં
કહીએ તો, વાઘ હરણનો શિકાર કરે છે. હરણ ઘાસ-પાંદડા વગેરે ખાય છે. આ પ્રકારની વનસ્પતિ
પક્ષીઓ, ઉંદરો, પતંગિયા અને અન્ય સસ્તન પ્રાણીઓની મદદથી પરાગાધાન કરીને વિકસે છે. જો વાઘ હોય
તો જ હરણોની વસતી કાબૂમાં રહે અને હરણો હોય તો વનસ્પતિની વસતી કાબૂમાં રહે. કોઈ
કૃત્રિમ હસ્તક્ષેપ વિના વનસ્પતિ કુદરતી રીતે વિકસે તો બીજા નાના-મોટા પ્રાણીઓની
વસતી પણ કાબૂમાં રહે. જીવવિજ્ઞાન કહે છે કે, વાઘ જેવા અમ્બ્રેલા સ્પીસિસ આડકતરી રીતે અન્ય જીવસૃષ્ટિનું
પણ રક્ષણ કરે છે. ટૂંકમાં આ પોષણકડી બહુ જ ગૂઢ રીતે પરસ્પર જોડાયેલી હોય છે,
જેમાં ભંગાણ પડવાથી
સમગ્ર પર્યાવરણને નુકસાન થાય છે. ભુતાને વાઘ પર ધ્યાન કેન્દ્રિત કરીને બીજા પણ
અનેક પ્રાણીઓનું આડકતરી રીતે સંવર્ધન કર્યું છે. અત્યારે વિશ્વમાં આશરે ૫,૧૪૮ જેટલા વાઘ છે, જે એશિયાના ૧૪ દેશોમાં ફેલાયેલા છે. ભારત ૨,૨૨૬ વાઘ સાથે વિશ્વમાં પહેલા નંબરે છે. એ પછી રશિયા,
મલેશિયા,
બાંગલાદેશ,
નેપાળ,
મ્યાંમાર અને ભુતાન જેવા
દેશોનો નંબર આવે છે.
ભુતાનનો ગ્રોસ ડોમેસ્ટિક હેપ્પીનેસ ઈન્ડેક્સ ઊંચો છે એનો અર્થ એ નથી કે,
ત્યાં બધાને 'બુદ્ધત્વ' પ્રાપ્ત થઈ ગયું છે. ભુતાનમાં બંધારણીય રાજાશાહી હોવા છતાં
ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે. અહીં બેકારી વધી છે અને નોકરીના અભાવે યુવાનોમાં
અસંતોષ વધી રહ્યો છે. ભુતાનનો હેપ્પીનેસ ઈન્ડેક્સ વિશ્વભરમાં સ્વીકૃત હોવા છતાં
આર્થિક નિષ્ણાતો તેને 'વિકાસશીલ'ના ખાનામાં જ મૂકી રહ્યા છે. ભુતાનમાં વર્ષ ૧૯૯૯ સુધી ટેલિવિઝન અને ઈન્ટરનેટ
પર પ્રતિબંધ હતો કારણ કે, રાજાશાહીને ડર હતો કે, ટેલિવિઝન ભુતાનના મૂલ્યો ખતમ કરી નાંખશે. એ રીતે પણ ભુતાનના
લોકો વિશ્વ કરતા પાછળ છે.
શાસનવ્યવસ્થાની ખામીઓ (રાજાશાહીની નહીં)ના કારણે ભુતાનમાં આવી કેટલીક
મુશ્કેલીઓ છે, પરંતુ જ્યાં સુધી 'ટકાઉ વિકાસ'ની વાત છે ત્યાં સુધી ભુતાન બિલકુલ યોગ્ય દિશામાં જઈ આગળ વધી રહ્યું છે.
Like Your Good artical informative and Uniqui in Quality
ReplyDeletethanks a Lot !
Thanks a lott sirji. Keep Reading, Keep Sharing.
Delete