19 January, 2015

ઉત્તર કોરિયાની સાયબર વોર ક્ષમતાના લેખાજોખા


સોની એન્ટરટેઇનમેન્ટ કંપનીએ ઉત્તર કોરિયાના માથાફરેલ સરમુખત્યાર કિમ જોંગ ઉન કિમ જોંગ ઉનની ઠેકડી ઉડાવતી 'ધ ઈન્ટરવ્યૂ' નામની પોલિટિકલ કોમેડી ફિલ્મ બનાવી એ પછી તેના પર થયેલા સાયબર હુમલાના આઘાતમાંથી કંપનીના સંચાલકો હજુ પણ બહાર આવ્યા નથી. આ ફિલ્મ રિલીઝને પગલે ઉત્તર કોરિયાએ આતંકવાદી હુમલાની ધમકી આપી હોવાથી અમેરિકા સ્વાભાવિક રીતે જ સાયબર હુમલા માટે દોષનો ટોપલો ઉત્તર કોરિયા પર ઢોળે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, ટેક્નોલોજીની દૃષ્ટિએ સજ્જ એવી હાઈટેક સોની કંપની પર સાયબર હુમલો કરવાની ઉત્તર કોરિયા જેવા પછાત દેશ પાસે ક્ષમતા છે? આ સવાલોનો જવાબ મેળવતા પહેલાં એક ફિલ્મના કારણે કોઈ ફિલ્મી પ્લોટ જેવી સમગ્ર ઘટનાની ટૂંકમાં જાણકારી.

ફિલ્મ બનાવવા જતા 'ફિલમ' ઉતરી

'ધ ઈન્ટરવ્યૂ' ફિલ્મની વાર્તા સ્કાયલાર્ક નામના અમેરિકાના જાણીતા ટોક શોના હોસ્ટ ડેવ સ્કાયલાર્ક અને તેના પ્રોડયુસર એરન રેપોપોર્ટની આસપાસ ગૂંથાયેલી છે. અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ આ બંનેની મદદથી કિમ જોંગ ઉનનો ઈન્ટરવ્યૂ લેવાના બહાને તેની હત્યાનું કાવતરું ઘડે છે. આ ફિલ્મથી ઉત્તર કોરિયા છંછેડાય છે અને અમેરિકાને ધમકી આપે છે કે, જો ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર કોલમ્બિયા પિક્ચર્સ રિલીઝ માટે થોડું પણ આગળ વધશે તો અમે તમારી સામે 'દયાહીન' પગલાં લઈશું. આ ધમકીથી ગભરાઈને સોની પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટ (કોલમ્બિયા પિક્ચર્સની પેરેન્ટ કંપની) નવેમ્બરમાં રિલીઝ થનારી 'ધ ઈન્ટરવ્યૂ'ની ડિસેમ્બર સુધી પાછી ઠેલે છે. આ દરમિયાન કંપની કિમ જોંગ ઉનની હાંસી ઉડાવતા અનેક દૃશ્યો પર કાતર ફેરવે છે.

‘ધ ઈન્ટરવ્યૂ’ના એક દૃશ્યમાં એરન રેપોપોર્ટ (સેઠ રોજન)
અને ડેવ સ્કાયલાર્ક (જેમ્સ ફ્રાન્કો)

આમ છતાં, નવેમ્બરમાં પોતાને 'ગાર્ડિયન ઓફ પીસ' તરીકે ઓળખાવતું એક હેકર જૂથ સોની પિક્ચર્સ એન્ટરટેઈન્મેન્ટની કમ્પ્યુટર સિસ્ટમ હેક કરીને કંપનીને કરોડોના ખાડામાં ઉતારી દે છે. નવેમ્બરના સાયબર હુમલા પછી છેક ૧૬મી ડિસેમ્બરે આ જૂથ ફરી ફરી એકવાર સાયબર હુમલો કરીને 'ધ ઈન્ટરવ્યૂ'ને સિનેમાઘરોમાં રિલીઝ કરાય તો આતંકવાદી હુમલાની ધમકી આપે છે. આ ધમકી પછી ૧૭મી ડિસેમ્બરે અમેરિકાના મોટા ભાગના સિનેમાઘરો સુરક્ષાના કારણોસર ફિલ્મ શો રદ્ કરે છે. છેવટે દબાણને વશ થઈને સોની કંપની ૨૪મી ડિસેમ્બરે પસંદગીના સિનેમાઘરોમાં અને ૨૫મી ડિસેમ્બરે ઓનલાઈન રેન્ટલ, પરચેઝ ધોરણે ફિલ્મ રિલીઝ કરે છે. જોકે, આ વિવાદો પછીયે ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થાય છે. આમ, સોની માટે 'ધ ઈન્ટરવ્યૂ' ઐતિહાસિક રીતે 'મોંઘી' ફિલ્મ સાબિત થાય છે.

ઉત્તર કોરિયા પાસે સાયબર આર્મી?

'ધ ઈન્ટરવ્યૂ'ની રિલીઝ સામે સૌથી મોટો વાંધો ઉત્તર કોરિયાને હતો અને સોની પરના સાયબર હુમલાને તે  ખુલ્લેઆમ યોગ્ય ઠેરવે છે. બસ, આ કારણથી ઉત્તર કોરિયા પર શંકા થવી સ્વાભાવિક છે. જોકે, ઉત્તર કોરિયમાં મોટા ભાગના લોકોએ ઈન્ટરનેટ જોયું સુદ્ધાં નથી. દેશમાં લાખો લોકો ગરીબીમાં સબડે છે અને કુપોષણથી પીડાય છે. પરંતુ દક્ષિણ કોરિયાની જાસૂસી એજન્સીઓનો દાવો છે કે, ઉત્તર કોરિયા પાસે વિશ્વના કોઈ દેશ પાસે ના હોય એવું સાયબર આર્મી છે. વર્ષ ૨૦૧૦માં દક્ષિણ કોરિયાની ઈન્ટેલિજન્સ એજન્સીએ ઉત્તર કોરિયાના વર્ષ ૨૦૦૯ના કેટલાક ગુપ્ત દસ્તાવેજો જાહેર કરીને સાબિત કર્યું હતું કે, ઉત્તર કોરિયા પાસે બેથી ત્રણ હજાર જેટલા પ્રોફેશનલ હેકર છે. આ હેકરોને હાઈટેક કમ્પ્યુટર સ્કૂલમાં તાલીમ અપાય છે. આ સાયબર આર્મીનો મુખ્ય હેતુ દક્ષિણ કોરિયા પર સાયબર હુમલા કરવાનો હોય છે. તેઓ દક્ષિણ કોરિયા પર સતત સાયબર હુમલાની પ્રેક્ટિસ કરીને હેકિંગ કૌશલ્યની ધાર કાઢતા રહે છે, જેમાંના કેટલાક હેકરો ચીનમાં પણ કાર્યરત છે. છેલ્લાં બે દાયકામાં આ હેકરોએ છેતરામણાં માલવેર વિકસાવવામાં પણ મહારથ હાંસલ કરી  લીધી છે.

કિમ જોંગ ઉન સાયબર આર્મીના અધિકારીઓ સાથે?

ઉત્તર કોરિયાની સરમુખત્યારશાહીના અનેક વિરોધીઓ દક્ષિણ કોરિયા ભાગી જવામાં સફળ થયા છે, જેમાંના એક પ્રોફેસર કિમ હ્યુન્ગ કવાન્ગ પણ છે. પ્રો. કવાન્ગે  દક્ષિણ કોરિયામાં રહેતા ઉત્તર કોરિયનો માટે ઓક્ટોબર ૨૦૦૮માં નોર્થ કોરિયા ઈન્ટલેક્ચ્યુઅલ્સ સોલિડારિટી નામના જૂથની રચના કરી છે. પ્રો. કવાન્ગ ઉત્તર કોરિયાની પ્યોંગયાંગ કમ્પ્યુટર ટેક્નોલોજી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કમ્પ્યુટર ટેક્નોલોજીની તાલીમ આપતા હતા.  સોની પરના સાયબર હુમલા બાદ પ્રો. કવાન્ગે મીડિયા સમક્ષ દાવો કર્યો છે કે, વર્ષ ૨૦૦૩માં ઉત્તર કોરિયાથી ભાગીને દક્ષિણ કોરિયા પહોંચ્યો એ પહેલાં મેં ત્યાંના ઔદ્યોગિક શહેર હેમહંગની યુનિવર્સિટીમાં બે દાયકા સુધી વિદ્યાર્થીઓને હેકિંગની તાલીમ આપી હતી. આ દરમિયાન અનેક તેજસ્વી વિદ્યાર્થીઓને વધુ તાલીમ માટે ચીન અને રશિયા પણ મોકલાતા હતા. વર્ષ ૨૦૦૯માં ઉત્તર કોરિયાના સ્વ. વડા કિમ જોંગ ઈલે દેશના 'સાયબર કમાન્ડ'ની ક્ષમતા ત્રણ હજાર કરવાનો હુકમ કર્યો હતો.

અમેરિકા અને દક્ષિણ કોરિયાની ઈન્ટેલિજન્સ એજન્સીઓ માને છે કે, ઉત્તર કોરિયા આક્રમક રીતે પોતાની  સાયબર વોર ક્ષમતા વધારી રહ્યું છે કારણ કે, ન્યુક્લિયર બોમ્બની સરખામણીએ માલવેર બનાવવા સસ્તા  છે. માલવેર બનાવવામાં સમય પણ ઓછો લાગે છે. સાયબર હુમલા કરવામાં ઓળખ છતી થઈ જવાની સંભાવના પણ નહીવત હોય છે. વળી, પાકિસ્તાનનું એકમાત્ર લક્ષ્યાંક જેમ ભારત હોય છે એમ ઉત્તર કોરિયાની યુદ્ધ નીતિના કેન્દ્રસ્થાને દક્ષિણ કોરિયા હોય છે. વિશ્વના સૌથી હાઈટેક દેશોમાંના એક દક્ષિણ કોરિયાનું આઈટી નેટવર્ક વિશાળ છે, જ્યારે પછાત ઉત્તર કોરિયામાં ગણ્યા ગાંઠયા લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હોવાથી ઉત્તર કોરિયાએ સાયબર યુદ્ધમાં કશું ગુમાવવાનું નથી.

શંકા કરવામાં પણ શંકા-કુશંકા

આ સાયબર હુમલા પાછળ ઉત્તર કોરિયાનો હાથ હોવાના મજબૂત ટેકનિકલ કારણો પણ છે. સોની પર જે પ્રકારના માલવેર (કમ્પ્યુટરને નુકસાન કરતા અને હેકરોને કમ્પ્યુટરનો કન્ટ્રોલ મળી જાય એવા છેતરામણા કોડ)થી સાયબર હુમલો કરાયો હતો એવા જ કોડનો ઉપયોગ ઉત્તર કોરિયા આ પહેલાં પણ કરી ચૂક્યું છે. સોની પરના સાયબર હુમલામાં જે માલવેરનો ઉપયોગ કરાયો છે તેનું એન્ક્રિપ્શન અલગોરિધમ, ડેટા ડિલિશન મેથડ અને કોમ્પ્રોમાઈઝ્ડ નેટવર્ક પણ પહેલાંના માલવેર જેવા જ છે. આ માલવેર વિકસાવવા કોરિયન ભાષાનો જ ઉપયોગ કરાયો છે. આ ઉપરાંત એફબીઆઈની સાયબર વિંગે ટ્રેક કરેલા ઈન્ટરનેટ પ્રોટોકોલ (આઈપી) એડ્રેસ પણ ઉત્તર કોરિયા સાથે સંકળાયેલા છે. દક્ષિણ કોરિયા પર જુલાઈ ૨૦૦૯થી માર્ચ ૨૦૧૩ સુધી અનેક મોટા સાયબર હુમલા થયા છે, જેમાં 'ભૂતિયા' કમ્પ્યુટરની મદદથી સરકારી વેબસાઈટો પર ટ્રાફિક સર્જીને કમ્પ્યુટર સિસ્ટમ લકવાગ્રસ્ત કરી દેવી, બેંકિંગ સિસ્ટમ ખોરવી નાંખવી અને અખબારોની વેબસાઈટો પરથી એડિટોરિયલ ડેટા ડિલિટ કરી દેવા જેવા હુમલા સામેલ છે.

સોનીની વેબસાઈટ પર ‘ગાર્ડિયન ઓફ પીસ’નો ચેતવણી આપતો સંદેશ

ઉત્તર કોરિયાના દોરીસંચારની શક્યતા ધરાવતા આ સાયબર હુમલાની ડિજિટલ પેટર્ન પણ સોની પરના  સાયબર હુમલાને મળતી આવે છે. આમ છતાં, અમેરિકાના અનેક સાયબર સિક્યોરિટી નિષ્ણાતો સોની પરના સાયબર હુમલા માટે ઉતાવળે ઉત્તર કોરિયાને જવાબદાર ઠેરવવા બદલ અમેરિકન સરકારની ટીકા કરે છે. કારણ કે, આ પ્રકારના માલવેરને કોઈ પણ વ્યક્તિ કે જૂથ ખરીદી શકે છે. એવી જ રીતે, હેકરો ઉત્તર કોરિયાના આઈપીનો ઉપયોગ કરીને પણ હુમલો કરી જ શકે છે. આ સાયબર હુમલાનો ઘટનાક્રમ પણ શંકાસ્પદ છે. હેકરોએ સોનીને પહેલો ઈ-મેઈલ કરીને પૈસાની વાત કરી હતી પણ 'ધ ઈન્ટરવ્યૂ'નો ઉલ્લેખ સુદ્ધાં નહોતો કર્યો. અમેરિકન મીડિયામાં 'ધ ઈન્ટરવ્યૂ' અને હેકિંગ વચ્ચે કોઈ સંબંધ હોવાની વાત ચગી એ પછી હેકરોએ ફિલ્મ મુદ્દે ધમકી આપવાનું ચાલુ કર્યું હતું. આ ઈ-મેઈલ પણ સારું અંગ્રેજી જાણતી વ્યક્તિએ અંગ્રેજી કાચું હોવાનો ઢોંગ કરાતો હોય એવી રીતે લખ્યા છે. આ કારણોસર અમેરિકાના અનેક સાયબર સિક્યોરિટી નિષ્ણાતોએ સાયબર હુમલા પાછળ સોનીના જ કોઈ કર્મચારી કે અધિકારીની સંડોવણી હોવાની થિયરી રજૂ કરી છે!

ઉત્તર કોરિયા પર શંકા નહીં કરવાનું વધુ એક કારણ સોની પરના સાયબર હુમલાનો ઈતિહાસ છે. સાયબર હુમલાની દુનિયામાં સોની કંપની હેકરોની સોફ્ટ ટાર્ગેટ છે. સોનીના પ્લે સ્ટેશન પર વારંવાર સાયબર હુમલા થાય છે. વર્ષ ૨૦૦૦માં સોનીએ લાખો મ્યુઝિક સીડીમાં એવી કારીગરી કરી હતી કે, યુઝર્સ જેવી કમ્પ્યુટરમાં સીડી નાંખે કે તુરંત જ તેની જાણ બહાર એક સોફ્ટવેટ કમ્પ્યુટરમાં ઈન્સ્ટોલ થઈ જાય. આ પાછળ સોનીનો હેતુ યુઝર્સ મ્યુઝિક આલબમની ગેરકાયદે કોપી ના કરે એ હતો. જોકે, આ વાતથી ગુસ્સે થઈને કેટલાક હેકરોએ વર્ષ ૨૦૦૭ સુધી સોની પર જોરદાર સાયબર હુમલા કર્યા હતા.

ખેર, અમેરિકા કે દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયા સામે હજુ સુધી ઠોસ પુરાવા ભેગા કરી શક્યું નહીં હોવા છતાં આ શંકાઓને સિફતપૂર્વક ભૂલી જાય છે. જોકે, કમ્પ્યુટર સિસ્ટમ પર મહત્તમ આધાર રાખતા આ બંને દેશોે છેલ્લાં વર્ષોના અનુભવમાંથી બોધપાઠ લઈને સાયબર આતંક સામે ટકી રહેવાની ગંભીરતા સારી રીતે સમજી ચૂક્યા છે.

સાયબર ગુંડાગીરી કે ક્રિયેટિવ ગુંડાગીરી?

'ગાર્ડિયન ઓફ પીસ' હેકર જૂથે ૨૪મી નવેમ્બરે સોની પિક્ચર્સની તમામ કંપનીઓના કર્મચારીઓ-અધિકારીઓની અંગત માહિતી, ઉચ્ચ અધિકારીઓએ એકબીજાને કરેલા ઈ-મેઈલ, તમામ એક્ઝિક્યુટિવના પગારના ધોરણો અને અન્ય લાભો તેમજ સોની ફિલ્મ્સની રિલીઝ ના થઈ હોય એવી ફિલ્મો ચોરી લીધી હતી. આ સાયબર હુમલાને અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ 'એક્ટ ઓફ વોર' નહીં પણ 'સાયબર વેન્ડલિઝમ' ગણાવ્યું હતું. એટલે ઓબામાના મતે, આ કોઈ મોટા સાયબર યુદ્ધની શરૂઆત નહીં પણ ફક્ત સાયબર ગુંડાગીરી હતી. આ દરમિયાન સોનીએ ફિલ્મ રિલીઝ નહીં કરવાનો નિર્ણય લેતા અમેરિકન મીડિયા અને હોલિવૂડ સેલિબ્રિટીએ રાઈટ ટુ ફ્રી સ્પિચ અને રાઈટ ટુ ક્રિયેટિવ એક્સપ્રેશનનો હવાલો આપીને કંપનીની ટીકા કરી હતી. જોકે, કોઈ દેશના વડાની ઠેકડી ઉડાવતી અને તેની હત્યાનું કાવતરું સફળ થાય એવી વાર્તા ધરાવતી ફિલ્મ માટે રાઈટ ટુ ક્રિયેટિવ એક્સપ્રેશનની દુહાઈ આપવી કેટલી યોગ્ય છે? શું આ ક્રિયેટિવિટીના નામે ગુંડાગીરી નથી? ઉત્તર કોરિયા, ઈરાન કે ચીન અમેરિકન પ્રમુખની હત્યાનું કાવતરું પાર પડે એવી વાર્તા ધરાવતી ફિલ્મ બનાવે તો અમેરિકા સહન કરી શકશેજોકે, 'સમરથ કો નહીં દોષ ગુંસાઈ'ના ન્યાયે અમેરિકાએ આવા સવાલોના જવાબો ભાગ્યે જ આપવાના હોય છે. 

No comments:

Post a Comment