05 February, 2015

અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે એકલા હાથે ઝઝૂમનારો 'ચાર્લી'


આજે બરાબર 3 દિવસ પછીયે ફ્રાંસના સાપ્તાહિક 'ચાર્લી હેબ્દો' પરના આતંકવાદી હુમલાની ઘટનાના પ્રત્યાઘાતો વિશ્વના અનેક દેશોમાં પડી રહ્યા છે. ચાર્લી હેબ્દો ઈસ્લામ જ નહીં પણ ખ્રિસ્તી સહિતના તમામ ધર્મોની અત્યંત ભદ્દી રીતે મજાક ઉડાવવા પંકાયેલું હોવા છતાં તેની તરફેણમાં ઊભો થયેલો સૂર અભૂતપૂર્વ છે. ફ્રાંસમાં ચાર્લી હેબ્દોનો ફેલાવો ૬૦ હજારની આસપાસ છે, પરંતુ આ હુમલા પછી પ્રકાશિત થયેલા ચાર્લી હેબ્દોના અંકની છ ભાષામાં ૭૦ લાખ નકલો વેચાઈ ગઈ હતી. ફ્રાંસની રાજધાની પેરિસમાં ૧૧મી જાન્યુઆરીએ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની તરફેણમાં યોજાયેલી 'રેલી ઓફ યુનિટી'માં વીસ લાખ લોકોએ ભાગ લીધો હતો, જેમાં ૪૦ દેશોના સર્વોચ્ચ નેતાએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન ફ્રાંસના અન્ય સ્થળોએ પણ સાડા ત્રણ કરોડ લોકોએ ચાર્લી હેબ્દોની તરફેણમાં દેખાવો કર્યા હતા. આ દેખાવોનું મુખ્ય સૂત્ર હતું, 'આઈ એમ ચાર્લી'. ફ્રાંસના કાર્ટૂનિસ્ટોની હત્યા પછી કરોડો લોકોએ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની તરફેણમાં પોતાને પ્રતીકાત્મક રીતે 'ચાર્લી' જાહેર કર્યા હતા, પરંતુ આજના પશ્ચિમી જગતના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને કાયદાકીય રીતે વ્યાખ્યાયિત કરવામાં એક અમેરિકન 'ચાર્લી'એ ૧૨૨ વર્ષ પહેલાં એકલા હાથે અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

આ અમેરિકન ચાર્લી એટલે બીજું કોઈ નહીં પણ જાણીતો અમેરિકન પબ્લિશર સેમ્યુઅલ (સેમ) રોથ. આજના અમેરિકામાં ખૂબ જ સહજ ગણાતા અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે સેમ રોથે આકરી કાયદાકીય કાર્યવાહીનો સામનો કર્યો હતો. આજથી છ દાયકા પહેલાં સુધી અમેરિકામાં ગર્ભપાત અને ગર્ભનિરોધક વિશે માહિતી આપવી એ પણ 'અશ્લીલ' ગણાતી હતી અને અમેરિકન કાયદા પ્રમાણે તેનો પ્રચાર-પ્રસાર સજાને પાત્ર હતો. આવો ગુનો કરનારા માટે અમેરિકામાં ખૂબ જ કડક કાયદા હતા. વર્ષ ૧૯૨૦ના દસકામાં સેમ રોથે જેમ્સ જોયસનું વિશ્વ વિખ્યાત નાટક 'યુલિસિસ', ડી.એચ. લોરેન્સની જાણીતી નવલકથા 'લેડી ચેટર્લીઝ લવર', જર્મન નાટયકાર આર્થર શિઝલરનું 'હેન્ડ્સ અરાઉન્ડ' અને ભારતના કામસૂત્ર જેવા ક્લાસિક પુસ્તકોનું પ્રકાશન અને વેચાણ કર્યું હતું, જે બદલ સેમ રોથ સામે અમેરિકન અદાલતમાં કેસ થયો હતો અને વર્ષ ૧૯૨૯માં તેમને છ મહિનાની જેલ થઈ હતી. ૮૧ વર્ષના આયુષ્યમાં સેમ રોથને પાંચ વાર નાની-મોટી જેલ અને દંડ તેમજ એકવાર પાંચ વર્ષની જેલ થઈ હતીજ્યારે અનેકવાર તેઓ જેલની સજામાંથી બચી ગયા હતા.

વર્ષ 1955માં ન્યૂયોર્કની અદાલતમાં દલીલો કરી રહેલો સેમ રોથ


સેમ રોથને થયેલી સજાના કારણો ખૂબ જ રસપ્રદ છે. તેમણે પ્રકાશિત કરેલા પુસ્તકોમાં સેક્સના વર્ણનો આવતા હોવાથી અમેરિકન કાયદા પ્રમાણે તે અશ્લીલ ગણાતા હતા. જોકે, આજે આ બધા જ પુસ્તકો ક્લાસિક છે અને યુલિસિસ તો ૨૦મી સદીની મહાન નવલકથાઓમાંની એક ગણાય છે. સેમ રોથ સામે અશ્લીલ પુસ્તકોના પ્રકાશન અને વેચાણ સિવાય કોપીરાઈટ ભંગના પણ ગંભીર કેસ હતા. તેમણે બ્યુ-BEAU (એસ્ક્વાયર મેગેઝિનનું પુરોગામી, જે પુરુષોનું સૌથી પહેલું મેગેઝિન ગણાય છે) તેમજ 'ટુ વર્લ્ડ્સ' અને 'ટુ વર્લ્ડ્ઝ મન્થલી' જેવા મેગેઝિનો પણ શરૂ કર્યા હતા. આ મેગેઝિનોમાં સેમ રોથે લેખકોની મંજૂરી વિના યુલિસિસ સહિત કેટલાક પુસ્તકોના અંશો છાપ્યા હતા. અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સામે લડાયક વૃત્તિ દાખવનારા સેમ રોથ બીજાના કોપીરાઈટની પરવા કરતા ન હતા, જે તેમના વિરોધાભાસી વ્યક્તિત્વનું અવગણી ના શકાય એવુ પાસું છે.

જોકે, કોપીરાઈટ ભંગથી ભડકેલા યુલિસિસના આઈરિશ લેખક જેમ્સ જોયસે પ્રકાશક સિલ્વિયા બ્લિચને સેમ રોથનો આયોજનબદ્ધ રીતે વિરોધ કરવા મનાવી લીધા હતા. વર્ષ ૧૯૨૭માં યુલિસિસના લેખક અને પ્રકાશકે આંતરરાષ્ટ્રીય સ્તરના ૧૬૭ લેખકોને સાથે રાખીને સેમ રોથનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો. આ ઘટના પછી જ અમેરિકામાં લેખકોના કોપીરાઈટ અને પાઈરેસીની ચર્ચાએ જોર પકડયું હતું. આ ઘટનાના થોડા જ સમયમાં સેમ રોથે લોરેન્સની 'લેડી ચેટર્લીઝ લવર'ની પાઇરેટેડ નકલનું પ્રકાશન કરીને અને સમગ્ર સાહિત્ય જગતની ખફગી વ્હોરી લીધી. સેમ રોથ કોઈ પુસ્તકની પાઈરેટેડ નકલ કરનારા પહેલાં અમેરિકન પણ ગણાય છે. સેક્સના વર્ણનો ધરાવતા પુસ્તકો માટે સેમ રોથ કોપીરાઈટનો પણ ભંગ કરતા ખચકાતા નહીં. જોકે, તેમણે  પસંદ કરેલા પુસ્તકોનું સાહિત્યિક અને કળાત્મક મૂલ્ય ઊંચું રહેતું. કેટલાક અમેરિકન પ્રકાશકો અને લેખકોના મતે, સેમ રોથ કળાના સૂઝ ધરાવતા હતા પરંતુ નબળી આર્થિક સ્થિતિના કારણે તેઓ રાજકારણ, સેક્સ અને હોલિવૂડની 'મસાલેદાર' પુસ્તકો છાપીને પૈસા કમાવવા આકર્ષાયા હતા.

વર્ષ 1950માં ઓફિસમાં ડિક્શનરી સાથે સેમ રોથ

આ બધી પ્રવૃત્તિ માટે સેમ રોથ વિલિયમ ફારો જેવા ખોટા નામે અન્ડરગ્રાઉન્ડ પબ્લિશિંગ હાઉસ ચલાવતા હતા. વર્ષ ૧૯૩૧માં તેમણે જ્હોન હેમિલના 'ધ સ્ટ્રેન્જ કરિયર ઓફ મિ. હુવર અન્ડર ટુ ફ્લેગ્સ' નામના પુસ્તકનું છૂપી રીતે પ્રકાશન કર્યું હતું, જેમાં તત્કાલીન અમેરિકન પ્રમુખ હર્બર્ટ હુવર પર આકરા પ્રહારો કરાયા હતા. બીજા વિશ્વ યુદ્ધ વખતે હુવરે કમિશન ફોર રીલિફ ઈન બેલ્જિયમના અધ્યક્ષ તરીકે નોંધપાત્ર કામગીરી કરી હતી, પરંતુ આ પુસ્તકના લેખક હેમિલે હર્બર્ટ હુવરને બેલ્જિયમની સેવા કરવાના બહાને મેવા ખાનારા 'ગ્રેટ એન્જિનિયર' ગણાવ્યા હતા. જોકે, હુવરે એફબીઆઈની મદદથી સેમ રોથ અને તેમના પબ્લિશિંગ હાઉસની લિંક પકડી લીધી હતી. પોલીસે સેમ રોથના ઘરે દરોડા પાડીને કેટલીક ચીજવસ્તુઓ કબજે કરી હતી, જેમાં ગેરકાયદે પ્રકાશિત કરેલા પુસ્તકોના દસ્તાવેજો પણ હતા. આ દસ્તાવેજોના આધારે વ્હાઈટ હાઉસ સેમ રોથ સામેનો કેસ વધુ મજબૂત બનાવી શકતું હતું. તેથી પોલીસે સેમ રોથને પૈસા લઈને પુસ્તક પાછું ખેંચી લેવા દબાણ કર્યું હતું, પરંતુ આ ઓફર તેમણે ફગાવી દીધી હતી. જોકે, સેમ રોથે આ નિર્ણય નૈતિકતાના આધારે નહીં પણ એવી આશાએ લીધો હતો કે, જો આ સનસનીખેજ પુસ્તકનું પ્રકાશન થશે તો વધારે પૈસા મળશે!

વર્ષ ૧૯૩૨માં તેમણે બે પુરુષોના સજાતીય સંબંધો પર આધારિત 'એ સ્કારલેટ પાન્ઝી' નામની નવલકથાનું પ્રકાશન કર્યું હતું, જે આજે ઐતિહાસિક 'ગે નોવેલ' ગણાય છે. વર્ષ ૧૯૩૩ પછી સેમ રોથે ટપાલ સેવાની મદદથી વિશ્વાસુ ગ્રાહકોને પ્રતિબંધિત પોર્નોગ્રાફી વેચવાનું ચાલુ કર્યું હતું, પરંતુ એફબીઆઈએ પુરાવા સાથે ઝડપી લેતા તેમણે ઘણો લાંબો સમય જેલમાં રહેવું પડયું હતું. જોકે, કાયદેસરની કાર્યવાહી કે લોકોના વિરોધની પરવા કર્યા વિના તેઓ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના કડક કાયદાનો આક્રમક રીતે ભંગ કરતા અને અશ્લીલતાના કાયદાનો તો વધુ ઉગ્રતાથી ભંગ કરતા. વર્ષ ૧૯૪૭માં તેમણે 'વેગિશ ટેલ્સ ફ્રોમ ધ ઝેક્સ' નામના પુસ્તકનું પ્રકાશન કર્યું હતું. આ પુસ્તકમાં વાંધાજનક લખાણ ન હોવા છતાં અમેરિકન પોસ્ટ ઓફિસે તેના પાર્સલ અટકાવી દીધા હતા. છેવટે વર્ષ ૧૯૪૯માં સેમ રોથે ન્યૂયોર્ક પોસ્ટ માસ્તર વિરુદ્ધ કેસ કર્યો, જેનો ચુકાદો આવ્યો કે અમેરિકાનો અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો કાયદો આ પુસ્તકનું પ્રકાશન કરવાની મંજૂરી નથી આપતો. આ ચુકાદાના પ્રતિભાવરૂપે સેમ રોથે વધુ આક્રમક થઈને સજાતીય સંબંધો ધરાવતી સ્ત્રીઓની વાર્તાઓ તેમજ નગ્ન તસવીરકળાનું મહત્ત્વ સમજાવતા પુસ્તકો છાપ્યા. વર્ષ ૧૯૫૨માં તેમણે 'ધ પ્રાઈવેટ લાઈફ ઓફ ધ ડયુક એન્ડ ડચેસ ઓફ વિન્ડસર' નામનું પુસ્તક છાપ્યું. આ પુસ્તકનો બ્રિટિશ બોર્ડ ઓફ ટ્રેડે વિરોધ કર્યો. આ વિરોધ પછી ન્યૂયોર્ક સિટી ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસે સેમ રોથને પુસ્તક પાછુ ખેંચી લેવા વિનંતી કરી હતી. 

જોકે, વિનંતીની અસર થાય તો એ 'સેમ રોથ' નહીં! આ દરમિયાન અમેરિકન પોસ્ટલ સર્વિસ, ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસ, એફબીઆઈ અને સાહિત્ય જગતની હસ્તીઓ સેમ રોથની વિરુદ્ધ થઈ ગયા હતા. છેવટે વર્ષ ૧૯૫૭માં અમેરિકન કોર્ટે અશ્લીલ સામગ્રી પ્રકાશિત કરીને તેને વેચવા બદલ સેમને પાંચ વર્ષની જેલની સજા ફટકારી. આ ચુકાદા સામે સેમ રોથે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી, પરંતુ એ ફગાવી દેવાઈ. જોકે, સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાના બે જ વર્ષ પછી 'રોથ વર્સિસ ધ યુનાઈટેડ સ્ટેટ્સ'માં સેમ રોથે કરેલી દલીલોના આધારે 'લેડી ચેટર્લીઝ લવર'નું પુનઃપ્રકાશન કરનારા પ્રતિષ્ઠિત પ્રકાશક બાર્ની રોસેટને પુસ્તકો વેચવાની મંજૂરી અપાઈ. એવી જ રીતે, હેનરી મિલરની નવલકથા 'ટ્રોપિક ઓફ કેન્સર'ના પ્રકાશક એલમર ગર્ટ્સને પણ આ દલીલોના આધારે જ સેક્સના વર્ણન ધરાવતું પુસ્તક વેચવાની મંજૂરી મળી. ત્યાર પછી અમેરિકામાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના કાયદાનું વિસ્તરણ કરવા સેમ રોથે વિવિધ અપીલો વખતે કરેલી દલીલોને  પણ માપદંડ તરીકે સ્વીકારાઈ હતી, જે તેમની સૌથી મોટી સફળતા હતી. ચાર્લી હેબ્દોની તરફેણમાં કરોડો ચાર્લી છે, જ્યારે સેમ રોથે સામા પ્રવાહે તરીને આ સિદ્ધિ મેળવી હતી.

આ સફળતા પછીયે કોપીરાઈટ અને પોર્નોગ્રાફિક સાહિત્યને લગતા મજબૂત કેસોને પગલે સેમ રોથે જેલમાં રહેવું પડયું હતું. આજના જમાના પ્રમાણે પણ સેમ રોથનો શૃંગારસસથી ભરપૂર સાહિત્યના પ્રકાશન અને વેચાણનો ગુનો માફીને લાયક છે, પરંતુ કોપીરાઈટના ભંગનો ગુનો નહીં. ચાર્લી હેબ્દોના મોટા ભાગના કાર્ટૂન અશ્લીલ, ભદ્દા, આમન્યાની ઐસીતૈસી કરનારા અને નૈતિકતાની કસોટીમાં ખરા ના ઉતરે એવા હોય છે. એવી જ રીતે, સેમ રોથે પણ કોપીરાઈટ અને અશ્લીલતાના મામલે નૈતિકતાનો છેદ ઉડાવ્યો હતો. જોકે, તેમના વિરોધાભાસી વ્યક્તિત્વનું પાસું ધ્યાનમાં લઈએ તો પણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના પહેલવહેલા લડવૈયા તરીકે તેમનું પ્રદાન નોંધપાત્ર છે.

ફક્ત ૧૬ વર્ષની વયે પત્રકાર 

સેમ રોથે 'સ્ટોન વોલ્સ ડુ નોટ' નામે લખેલી આત્મકથામાં જણાવ્યાનુસાર, તેમનો જન્મ વર્ષ ૧૮૯૩માં પશ્ચિમ યુરોપના ગેલિસિયા (હાલનું યુક્રેન)માં પોલિશ યહૂદી પરિવારમાં થયો હતો. વર્ષ ૧૮૯૭માં ચાર વર્ષની વયે સેમ રોથનો પરિવાર અમેરિકાના મેનહટનમાં આવીને વસ્યો હતો. નાનકડો સેમ દસ વર્ષે ન્યૂઝ બોય તરીકે કામ કરતો હતો. અહીં ચાર વર્ષ કામ કરીને સેમ બેંકમાં જોડાયો હતો. બાદમાં ફક્ત ૧૬ વર્ષની વયે સેમે 'ન્યૂયોર્ક ગ્લોબ'ના પત્રકાર તરીકે કામ શરૂ કર્યું હતું. આ નોકરી વખતે સેમ લેખન અને પ્રકાશન કરતા શીખ્યો હતો. આ દરમિયાન સેમને કોલમ્બિયા યુનિવર્સિટીમાં અભ્યાસ માટે એક વર્ષની સ્કોલરશિપ મળી હતી. અભ્યાસ પૂરો કરીને તેણે બુક સ્ટોર શરૂ કર્યો હતો અને યુવાન વયે જ 'બ્યુ' મેગેઝન ચાલુ કર્યું હતું.

5 comments:

 1. वाह... बहु उम्दा लेख --

  ReplyDelete
 2. Loved this article.
  I enjoyed each word of it.

  ReplyDelete
 3. he broke the rules.. made new rules...

  ReplyDelete
 4. Thanks a lot Raju, Parul, Laxmi and Sandeep... Keep Reading, Keep Sharing :-)

  ReplyDelete