07 January, 2015

આતંકવાદના ચક્રવ્યૂહમાં ફસાયેલું પાકિસ્તાન


પાકિસ્તાનના પેશાવરની આર્મી પબ્લિક સ્કૂલમાં તહેરિક એ તાલિબાન-પાકિસ્તાને ૧૩૨ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા ના હોત તો પાકિસ્તાને ઝાકી ઉર રહેમાન લખવીને વધુ ત્રણ મહિના જેલમાં મોકલ્યો હોત? શું લખવીના જામીનનો ભારતે પ્રચંડ વિરોધ કર્યો એટલે પાકિસ્તાને લખવી પર રાતોરાત નવો કેસ કરીને તેને જેલમાં મોકલવાની હિંમત કરી હતી? પેશાવરની સ્કૂલના હત્યાકાંડ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું હતું કે, અમે જાહેર કરીએ છીએ કે સારા અને ખરાબ તાલિબાનો જેવું કશું હોતું નથી. અમે છેલ્લો આતંકવાદી મરશે નહીં ત્યાં સુધી આતંકવાદ સામેની લડાઈ ચાલુ રાખીશું. શું પાકિસ્તાનને રાતોરાત આતંકવાદ એ આતંકવાદ છે એવું જ્ઞાન થઈ ગયું છે? કદાચ નવાઝ શરીફ આતંકવાદનો ખાત્મો ઈચ્છે એમ માની લઈએ તો પણ શું પાકિસ્તાન સરકાર આતંકવાદ સામેની લડાઈ પૂરા જોશથી શરૂ કરી શકશે? શું પાકિસ્તાન ભારતને લાભ થાય એવી આતંકવાદ સામેની ખરી લડાઈ શરૂ કરી શકે? આવા તમામ અઘરા સવાલોનો સીધોસાદો જવાબ છે, ના.

આ સવાલોના જવાબો શોધવા જરા ઊંડે ઉતરીએ. તહેરિક એ તાલિબાન-પાકિસ્તાન અફઘાનિસ્તાનની ઉત્તર-પશ્ચિમ સરહદે અર્ધ-સ્વાયત્ત આદિવાસી વિસ્તારોમાં મજબૂત બેઝ ધરાવે છે. આ જૂથનો મુખ્ય હેતુ પાકિસ્તાનમાં શરિયત કાનૂન લાગુ કરવાનો, પાકિસ્તાન સરકારનો સહકાર ના મળે તો તમામ હથકંડા અજમાવીને સરકારનો પ્રતિકાર કરતા રહેવાનો તેમજ તાલિબાની જૂથો વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરી રહેલા પાકિસ્તાન-નાટોના લશ્કર સામે લડતા રહેવાનો છે. તહેરિક એ તાલિબાન-પાકિસ્તાનના પ્રવક્તા મુહમ્મદ ઓમર ખોરાસાનીએ પેશાવર સ્કૂલના હત્યાકાંડની જવાબદારી સ્વીકારીને કહ્યું હતું કે, ''પાકિસ્તાની લશ્કરે વર્ષ ૨૦૧૪માં ઉત્તર વજિરિસ્તાનમાં તાલિબાનો વિરુદ્ધ શરૂ કરેલા ઓપરેશન 'ઝર્બ એ અઝ્બ' (શાર્પ એન્ડ કટિંગ એટેક્સ)નો અમે સખત વિરોધ કરીએ છીએ. અમે સ્કૂલને નિશાન બનાવી છે કારણ કે, લશ્કર પણ અમારા પરિવારોને નિશાન બનાવે છે. અમે ઈચ્છીએ છીએ કે, તેઓ પણ અમારા જેવું દુઃખ અનુભવે...''

ઝાકી ઉર રહેમાન લખવી (વચ્ચે) અને હિઝ્બ ઉલ મુજાહિદ્દીનનો
વડો (જમણે) સૈયદ સલાહુદ્દીન

આ નિવેદન પછી જ નવાઝ શરીફે 'સારા અને ખરાબ તાલિબાન'વાળું નિવેદન કરવું પડયું હતું. કારણ કે, ઓપરેશન ઝર્બ એ અઝ્બના ઘણાં સમય પહેલાં સુધી પાકિસ્તાનમાં રાજકીય, લશ્કરી અને પ્રજાકીય વર્તુળમાં તાલિબાનો સામે વ્યાપક પ્રમાણમાં સહાનુભૂતિ હતી. પાકિસ્તાનનો સરેરાશ નાગરિક માનતો હતો કે, કાશ્મીરની આઝાદી માટે લડનારા તેમજ અમેરિકા જેવા દેશોના લશ્કરો સામે લડતા તાલિબાનો સારા, પણ પાકિસ્તાનમાં હુમલા કરતા તાલિબાનો ખરાબ. જોકે, મે ૨૦૧૧માં અમેરિકાએ પાકિસ્તાનના એબોટાબાદમાં ઓસામા બિન લાદેનનો ખાત્મો કર્યા પછી તાલિબાનોએ પાકિસ્તાનની પણ શેહશરમ રાખવાનું છોડી દીધું હતું. લાદેનના મોતના ઘણાં સમય પહેલાથી અમેરિકાએ આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન માટે પાકિસ્તાન પર ધોંસ વધારી હતી, જે આજે પણ યથાવત્ છે. આ સ્થિતિમાં અમેરિકા તરફથી મળતી આર્થિક મદદની લાલચે પણ પાકિસ્તાને તાલિબાની જૂથો પર હુમલો નહીં કરવાની 'ગોઠવણ' અશક્ય બની ગઈ છે.

ભારતમાં આતંકવાદની 'નિકાસ' બેરોકટોક ચાલુ રાખવા પાકિસ્તાનને અમેરિકા સાથે સીધેસીધી દુશ્મની પોસાય એમ નથી. પાકિસ્તાને દેખાડા ખાતર પણ અમેરિકા અને નાટોના લશ્કરને પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર આતંકવાદી જૂથો વિરુદ્ધની લશ્કરી કાર્યવાહીમાં સાથ આપવો પડે છે. આ સંજોગોમાં આતંકવાદી જૂથો પાકિસ્તાન સરકારને ભીંસમાં લેવા સતત હુમલા કર્યા કરે છે. છેલ્લાં ઘણાં સમયથી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા રોજિંદી ઘટના બની ગઈ છે, જેનાથી પાકિસ્તાન સરકાર અને લશ્કર પણ ત્રાહિમામ પોકારી ગયા છે. જોકે, આઠમી જૂન, ૨૦૧૪ના રોજ દસ આતંકવાદીઓએ કરાચીના ઝીણા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઓટોમેટિક વેપન, રોકેટ લોન્ચર, સુસાઈડ વેસ્ટ અને ગ્રેનેડ જેવા હથિયારોથી કરેલો હુમલો આતંકવાદી જૂથો માટે ઘાતક સાબિત થયો. આ ઘટનામાં ૩૬ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ હુમલો ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઉઝબેકિસ્તાન ચળવળમાં સંકળાયેલા મૂળ ઉઝબેક આતંકવાદીઓએ કર્યો હતો, જે તમામ તહેરિક એ તાલિબાનના સભ્યો હતા. તહેરિક એ તાલિબાને આ હુમલાની સત્તાવાર જવાબદારી પણ સ્વીકારી હતી.

આ હુમલાના અઠવાડિયા પછી ૧૫મી જૂન, ૨૦૧૪ના રોજ પાકિસ્તાને અફઘાનિસ્તાન સરહદે ઉત્તર વજિરિસ્તાનમાં (અર્ધ સ્વાયત્ત આદિવાસી વિસ્તારનો હિસ્સો) ઓપરેશન ઝર્બ એ અઝ્બ હેઠળ આક્રમક હવાઈ હુમલા કરીને તહેરિક એ તાલિબાન-પાકિસ્તાન, લશ્કર એ જ્હાંગ્વી, જુન્દુલ્લાહ, અલ કાયદા, ઈસ્ટ તુર્કમેનિસ્તાન ઈસ્લામિક મુવમેન્ટ, ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઉઝબેકિસ્તાન અને હક્કાની નેટવર્કના ૧૦૫ આતંકવાદીઓનો સફાયો કરી નાંખ્યો હતો. પાકિસ્તાનની વિવિધ લશ્કરી પાંખના ૩૦ હજાર સૈનિકોથી શરૂ કરાયેલા ઝર્બ એ અઝ્બ ઓપરેશનનો મુખ્ય હેતુ ઉત્તર વજિરિસ્તાનના તમામ વિદેશી અને પાકિસ્તાની આતંકવાદી જૂથોનો સફાયો કરવાનો છે. આ ઓપરેશનને પાકિસ્તાનના રાજકીય, લશ્કરી અને પ્રજાકીય વર્તુળોમાંથી જોરદાર આવકાર મળ્યો હતો. પાકિસ્તાનના બે સૌથી મોટા અને મજબૂત ધામક સંગઠન ઓલ પાકિસ્તાન ઉલેમા કાઉન્સિલ અને કાઉન્સિલ ઓફ ઈસ્લામિક આઈડિયોલોજીએ પણ આતંકવાદ વિરુદ્ધ જેહાદનો ફતવો બહાર પાડયો છે. પાકિસ્તાની લશ્કર દાવા પ્રમાણે, આ ઓપરેશન હેઠળ ઉત્તર વજિરિસ્તાનમાંથી ૯૦ ટકા આતંકવાદીઓનો સફાયો કરી દેવાયો છે. આ ઓપરેશનના વિરોધમાં જ તહેરિક એ તાલિબાને પેશાવરની આર્મી પબ્લિક સ્કૂલ પર હુમલો કર્યો હતો.

પાકિસ્તાને ભારતની બરબાદી માટે ઊભા કરેલા આતંકવાદી જૂથો આજે તેના જ માટે કેવી રીતે માથાનો દુઃખાવો બની ગયા છે એનું આ નાનકડું ઉદાહરણ છે. ઓપરેશન ઝર્બ એ અઝ્બને પાકિસ્તાનમાં વ્યાપક પ્રતિસાદ મળવાનું કારણ પાકિસ્તાનની ધરતી પર સતત થઈ રહેલા હુમલા છે. આ હુમલામાં સામાન્ય નાગરિકોથી લઈને સૈનિકોના મોત થતા રહે છે. પેશાવર સ્કૂલ પરના હુમલા પછી નવાઝ શરીફે સારા કે ખરાબ આતંકવાદી વચ્ચે કોઈ ભેદ ના હોય એમ નહીં, પણ સારા કે ખરાબ તાલિબાન વચ્ચે કોઈ ભેદભાવ નહીં હોવાની વાત કરી હતી. પાકિસ્તાન માટે ઝાકી ઉર રહેમાન લખવી આજે પણ સારો આતંકવાદી જ છે કારણ કે, લખવી તો લશ્કર એ તૈયબાનો આતંકવાદી છે અને પાકિસ્તાનમાં બેઠા બેઠા કાશ્મીરની આઝાદી માટે ચળવળ કરતો 'લડવૈયો' છે. લશ્કર એ તૈયબાનો મુખ્ય હેતુ જ કાશ્મીરને ભારત પાસેથી 'આઝાદ' કરાવવાનો છે. આ જૂથ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં પાકિસ્તાની લશ્કરની મદદથી બેરોકટોક તાલીમ કેમ્પ ચલાવી શકે છે. લશ્કર એ તૈયબા સમગ્ર દક્ષિણ એશિયામાં ઈસ્લામિક શાસન સ્થાપવાનો લાંબા ગાળાનો હેતુ પણ ધરાવે છે.

ભારત સહિત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, રશિયા, યુરોપિયન યુનિયન, યુ.કે. અને પાકિસ્તાને પણ લશ્કર એ તૈયબા પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, આ પ્રતિબંધ પણ પાકિસ્તાને દેખાડા ખાતર મૂકવો પડયો છે. ભારત અને અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોના મતે, પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ લશ્કર એ તૈયબાને તમામ મદદ કરે છે. લખવીએ મુંબઈ હુમલામાં ભાગ લેવા બદલ પાકિસ્તાનસ્થિત અજમલ કસાબના પરિવારને ખુલ્લેઆમ રૂ. દોઢ લાખ ચૂકવ્યા હતા. મુંબઈ હુમલા બાદ જીવિત પકડાયેલા કસાબની ઓન-રેકોર્ડ કબૂલાતો પછી પાકિસ્તાન સરકાર ભારે ભીંસમાં આવી હતી. બીજી તરફ, લશ્કર એ તૈયબા સામે કાયદેસરની કાર્યવાહી કરવા પાકિસ્તાન પર અમેરિકાનું ભારે દબાણ હતું. પરિણામે સાતમી ડિસેમ્બર, ૨૦૦૮ના રોજ પાકિસ્તાને મુઝફ્ફરાબાદ નજીક પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં લશ્કર એ તૈયબાના તાલીમ કેમ્પ પર દરોડા પાડીને લખવી સહિત ૧૨ આતંકવાદીની ધરપકડ કરી હતી. જોકે, પાકિસ્તાન સરકારે પોતાના કોઈ પણ નાગરિકને ભારતને સોંપવાની ઘસીને ના પાડતા કહ્યું હતું કે, મુંબઈ હુમલામાં સામેલ લોકો સામે પાકિસ્તાન જ કાર્યવાહી કરાશે. છેવટે ૨૫મી નવેમ્બર, ૨૦૦૯ના રોજ પાકિસ્તાની એન્ટિ-ટેરરિઝમ કોર્ટે મુંબઈ હુમલાના કાવતરામાં સામેલ લખવી સહિત કુલ સાત લોકો સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી પરંતુ આ બધું જ ફક્ત દેખાડા ખાતર હતું એ ખૂબ ઝડપથી સાબિત થઈ ગયું.

કારણ કે, રાવલપિંડી મધ્યસ્થ જેલમાં લખવી માટે ખાસ લક્ઝુરિયસ સેલ ઊભો કરાયો હતો. અહીં તેના માટે ટેલિવિઝન અને અખબારોની પણ સુવિધા હતી. આ જેલમાંથી લખવી ઈચ્છે ત્યારે પોતાના પરિવારજનો અને મિત્રોને મળવા બહાર જઈ શકતો. એવી જ રીતે, કોઈ પણ વ્યક્તિ લખવીને બેરોકટોક મળવા પણ આવી શકતી, જેમાં અનેક લોકો આતંકવાદી જૂથો સાથે સંકળાયેલા હતા. એવું પણ કહેવાય છે કે, તેઓ લખવી પાસે આતંકવાદી પ્રવૃત્તિને લગતા સલાહસૂચન લેવા પણ આવતા હતા. લખવી જેલમાં હતો ત્યારે એક બાળકનો બાપ પણ બન્યો હતો. છેવટે છ વર્ષ પછી ૧૮મી ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ પાકિસ્તાનની એન્ટિ-ટેરરઝિમ કોર્ટે મુંબઈ હુમલામાં લખવીની સામેલગીરીના પુરાવાના અભાવે તેને નિર્દોષ છોડી મૂકવાનો ચુકાદો આપ્યો. આ ચુકાદાના બે દિવસ પહેલાં જ પેશાવરની સ્કૂલ પર હુમલાનો બનાવ બન્યો હોવાથી પાકિસ્તાને મજબૂરીમાં લખવીને ફરી એકવાર જેલમાં મોકલવો પડયો છે. હાલ, લખવી પાકિસ્તાન સરકારની કાયદેસરની કાર્યવાહીનો સામનો કરી રહ્યો હશે કે પહેલાંની જેમ જેલમાં બેઠા બેઠા જલસા કરતો હશે? કદાચ લખવીને હવે જલસા નહીં હોય, એવી શંકા કરવી પણ કેટલી યોગ્ય છે?

ખેર, પાકિસ્તાનના આતંકવાદ સામેના યુદ્ધના ધોરણો બેવડા હોવાથી ભારતમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો સહેલાઈથી અંત આવે એ શક્ય જ નથી. પાકિસ્તાનના રાજકીય પક્ષોએ સત્તામાં ટકી રહેવા માટે કાશ્મીર મુદ્દો સળગતો રાખવો પડે છે. લખવી તો એક પ્યાદું માત્ર છે, જે પાકિસ્તાનની ભારત સામે આતંકવાદના માર્ગે લડતા રહેવાની વ્યૂહનીતિમાં ભેરવાઈ ગયું છે. આજે પણ પાકિસ્તાને ઉછરેલા આવા હજારો લખવીઓ પાકિસ્તાનમાં ભારત વિરુદ્ધ સક્રિય છે, જેમની સામે લશ્કરી કાર્યવાહી કરવામાં આવે તો તેઓ પણ તહેરિક એ તાલિબાન જેવો હત્યાકાંડ સર્જી શકે છે. નજીકના ભવિષ્યમાં પાકિસ્તાન આતંકના આ ચક્રવ્યૂહમાંથી બહાર આવે એવી કોઈ શક્યતા નથી.

1 comment:

  1. માત્ર પાકિસ્તાનમાં જ નહીં.. ભારતમાં પણ કેટલાક લખવીઓ છે, જે પાકિસ્તાન માટે કામ કરે છે..

    ReplyDelete