02 June, 2014

લશ્કરી શાસન અને ભ્રષ્ટ નેતાગીરી વચ્ચે અટવાતું થાઈલેન્ડ


એશિયાનું પ્રવાસન કેન્દ્ર ગણાતું બેંગકોક આજકાલ વિશેષ કારણોસર ચર્ચામાં છે. થાઈલેન્ડના લશ્કરે રોયલ થાઈ આર્મ્ડ ફોર્સીસના કમાન્ડર પ્રાયુથ ચાન-ઓચાની આગેવાનીમાં હંગામી સરકાર સામે બળવો કરીને રાજધાની બેંગકોકનો કંટ્રોલ પોતાની પાસે લઈ લીધો છે. એ દિવસે જનરલ પ્રાયુથ ચાન-ઓચાએ મીડિયા સામે આવીને જાહેરાત કરી હતી કે, લશ્કર માટે દેશનો કંટ્રોલ લેવો જરૂરીથઈ ગયો છે. આ સાથે જ થાઈલેન્ડમાં પાંચથી વધુ લોકોના ભેગા થવા પર, ટેલિવિઝન-રેડિયો અને અખબારોનો સંપૂર્ણ કાબૂ પણ લશ્કરના હાથમાં છે. આંતરરાષ્ટ્રીય મીડિયા અને ઈન્ટરનેટ પર પણ રાતોરાત સેન્સરશિપ લાગી ગઈ છે. લશ્કરી શાસને હાલ પૂરતી શાળા-કોલેજો પણ બંધ કરાવી દીધી છે અને રાત્રિના દસથી સવારના પાંચ વાગ્યા સુધી કડક કર્ફ્યૂ લાદી દીધો છે.

થાઈલેન્ડમાં રાજકીય અસ્થિરતા કંઈ નવી વાત નથી. વર્ષ 1932માં થાઈલેન્ડમાં રાજાશાહીનો અંત આવ્યો ત્યારથી અત્યાર સુધી બાર સફળઅને સાત નિષ્ફળ લશ્કરી બળવા થઈ ચૂક્યા છે, એક-બે વાર નહીં પણ સત્તર વાર બંધારણો બદલાઈ ચૂક્યા છે અને થાઈલેન્ડની પ્રજા અત્યાર સુધી 28 વડાપ્રધાનો જોઈ ચૂકી છે. જોકે, જનરલ પ્રાયુથ ચાન-ઓચાએ થાઈલેન્ડમાં લશ્કરી શાસન સ્થાપવા માટે સજ્જડ તૈયારી કરી હતી. લોકશાહીની તરફદારી કરવાની મથામણ કરે એવા 200 જેટલા રાજકારણીઓ, અધ્યાપકો અને લેખકોને પણ લશ્કરની કડક નિગરાની હેઠળ છે, જેમાં પૂર્વ વડાપ્રધાન યિંગલક શિનાવાત્રાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશના ખૂણેખૂણામાં જ્યાં પણ લશ્કરી શાસનનો વિરોધ થઈ રહ્યો છે ત્યાં સૈનિકો તેને ક્રૂરતાપૂર્વક ડામી રહ્યા છે. જોકે, જનરલ પ્રાયુથ ચાન-ઓચાનું કહેવું છે કે, “રાજકીય અસ્થિરતાના કારણે બેંગકોક સહિત દેશના અનેક વિસ્તારોમાં નિર્દોષો મરી રહ્યા છે અને નાગરિકોની સંપત્તિને સતત નુકસાન થઈ રહ્યું છે. તેથી સત્તાનું સુકાન અમે લઈ લીધું છે. તમે બિલકુલ ગભરાઓ નહીં, અને તમારું જીવન આરામથી આગળ વધારો...


જનરલ પ્રાયુથ ચાન-ઓચા

જનરલ પ્રાયુથ ચાન-ઓચાએ દેશ સરળતાથી ચાલી શકે એ માટે વર્ષ 2007માં જાહેર કરેલું બંધારણ રદબાતલ કરી દીધું છે, પરંતુ આ બંધારણમાંથી રાજાશાહીનો ભાગ એમ જ રાખ્યો છે. નવાઈની વાત તો એ છે કે, આજે પણ થાઈલેન્ડના લશ્કર પર રાજપરિવારના સભ્યોનો મજબૂત પ્રભાવ છે. હવે, જનરલ પોતે જ ધ નેશનલ પીસ એન્ડ ઓર્ડર મેઈન્ટેઇનિંગ કાઉન્સિલ જેવું છેતરામણું નામ ધરાવતી સંસ્થાના વડા છે. લશ્કરી શાસને કરેલી જાહેરાત મુજબ, આ સંસ્થાના વડા જનરલ હોવા છતાં દેશની સંસદ અને ન્યાયાલયો પહેલાની જેમ જ કામ કરશે. સ્વાભાવિક રીતે જ થાઈલેન્ડમાં લોકશાહીનું ખુલ્લેઆમ ચીરહરણ થયું છે અને અમેરિકા સહિતના દેશોના પેટમાં તેલ રેડાયું છે. જોકે, થાઈલેન્ડમાં લશ્કરી બળવા માટે તેના શાસકો જ સીધી કે આડકતરી રીતે જવાબદાર રહ્યા છે અને આ વખતે પણ કંઈક આવી જ સ્થિતિ હતી.

આ લશ્કરી બળવા પહેલાં સાતમી મે, 2014ના રોજ કોન્સ્ટિટ્યુશનલ કોર્ટ ઓફ થાઈલેન્ડે ફ્યૂ થાઈ પાર્ટીના યિંગલક શિનાવાત્રાને વડાપ્રધાનપદેથી ઉતરી જવા હુકમ કર્યો હતો. આમ તો, ડિસેમ્બર, 2014માં જ યિંગલક શિનાવાત્રાએ સંસદ બરખાસ્ત કરી દઈને ચૂંટણીઓ જાહેર કરી દીધી હતી, પરંતુ તેઓ ચૂંટણીઓ યોજવા વિરોધ પક્ષને મનાવી શક્યા ન હતા. ત્યારથી થાઈલેન્ડમાં હંગામી ધોરણે સરકાર ચાલી રહી હતી.  યિંગલક શિનાવાત્રા વર્ષ 2011ની ચૂંટણીમાં ગરીબી હટાવો, કોર્પોરેટ ઈન્કમ ટેક્સમાં ઘટાડો અને રાષ્ટ્રવાદની ભેળસેળનો આક્રમક ચૂંટણી પ્રચાર કરીને સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવ્યા હતા. જોકે, સત્તામાં આવ્યા એજ વર્ષે યિંગલક શિનાવાત્રા સત્તાનો દુરુપયોગ કરીને નેશનલ સિક્યોરિટી ચિફની બદલી તેમજ ઉચ્ચ સરકારી હોદ્દા પર સગા-સંબંધીની નિમણૂક કરવા બદલ ગુનેગાર ઠર્યા હતા. છેક વર્ષ 2001થી વડાપ્રધાન યિંગલક શિનાવાત્રા અને તેમના ભાઈ થાકસિન શિનાવાત્રા થાઈલેન્ડમાં એકહથ્થું શાસન ભોગવી રહ્યા છે. થાકસિન શિનાવાત્રા થાઈલેન્ડના અત્યંત સફળ ઉદ્યોગપતિઓ પૈકીના એક છે, જે થાઈલેન્ડની સૌથી સફળ મોબાઈલ ઓપરેટર કંપની એડવાન્સ્ડ ઈન્ફો સર્વિસના કર્તાહર્તા છે.

યિંગલક શિનાવાત્રા

થાકસિન શિનાવાત્રા

થાકસિન શિનાવાત્રાએ પોતાની આર્થિક તાકાતના જોરે વર્ષ 1998માં થાઈ રાક થાઈ નામનો રાજકીય પક્ષ રચ્યો હતો અને વર્ષ 2001થી 2006 સુધી તેઓ થાઈલેન્ડના વડાપ્રધાન રહ્યા હતા. જોકે, વર્ષ 2006માં થાઈલેન્ડના લશ્કરે તેમને પદભ્રષ્ટ કર્યા અને ત્યારથી તેઓ દુબઈમાં સ્વઈચ્છાથી દેશવટો ભોગવી રહ્યા છે. યિંગલક શિનાવાત્રા પર વિરોધ પક્ષોનો ગંભીર આરોપ છે કે, હકીકતમાં થાઈલેન્ડની સરકાર યિંગલકના ભાઈ થાકસિન જ દુબઈમા બેઠા બેઠા ચલાવી રહ્યા છે. થાકસિન શિનાવાત્રાએ પણ પોતાના શાસનમાં સગાવાદ અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું હતું. થાકસિન શિનાવાત્રાએ થાઈલેન્ડમાં સસ્તા ભાવે જમીનો ખરીદવામાં પત્નીને ભરપૂર મદદ કરી હતી. આ મુદ્દે થાઈલેન્ડની સર્વોચ્ચ અદાલતના ક્રિમિનલ ડિવિઝન ફોર હોલ્ડર્સ ઓફ પોલિટિકલ પોઝિશને તેમને બે વર્ષની સખત જેલની સજા ફટકારી છે. હવે જ્યારે આ પૂર્વ વડાપ્રધાન થાઈલેન્ડ પરત ફરશે ત્યારે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ચુકાદા પછી પણ તેઓ વર્ષ 2008માં થાઈલેન્ડની ટૂંકી મુલાકાત લઈને, લોકશાહીના ધજિયા ઉડાવીને દુબઈ પરત ફર્યા હતા.

ખેર, લશ્કરી બળવાના આ બધા જ કારણો પછીયે અમેરિકા સહિતના દેશોએ સાચી રીતે જ જાહેર કર્યું છે કે, કોઈ પણ સંજોગોમાં લશ્કરી બળવાને ન્યાયી ના ઠેરવી શકાય. જનરલ પ્રાયુથ ચાન-ઓચાના તરફદારો કહે છે કે, થાઈલેન્ડનું શેરબજાર પહેલાંની જેમ જ ચાલુ છે અને નાગરિકોને પણ તમામ સુવિધા મળી રહી છે. પરંતુ આ લખાય છે ત્યાં સુધીમાં થાઈલેન્ડમાં લશ્કરી શાસનનો વિરોધ કરતા 28 નાગરિકો માર્યા ગયા છે અને સાતસોથી પણ વધુ લોકો ઘાયલ થયા છે. યુનાઈટેડ નેશન્સના માનવાધિકાર વિભાગે થાઈલેન્ડને નાગરિકોના મૂળભૂત સુરક્ષા અધિકારો જાળવાવાની વિનંતી કરી છે. વિશ્વના અનેક દેશોએ તેમના નાગરિકોને થાઈલેન્ડના પ્રવાસે હોય તો સાચવીને પાછા આવી જવાની સલાહ આપી છે. બીજી તરફ, લશ્કરે દેશમાં શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કાર્યકારી વડાપ્રધાન નિવાત્થામરોન્ગ બુનસોન્ગફાસિયન અને તેમના મંત્રીઓને નિયમિત રીતે અહેવાલો આપતા રહેવાનો હુકમ કર્યો છે.

થાઈલેન્ડના ગરીબ અને પછાત વિસ્તારોમાં યિંગલક શિનાવાત્રા અને તેમનો પક્ષ ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ બેંગકોક જેવા વિકસિત શહેરો અને દક્ષિણ થાઈલેન્ડનો શિક્ષિત અને મધ્યમ વર્ગ યિંગલક અને થાકસિનને ભ્રષ્ટ શાસન માટે દોષી ઠેરવે છે. થાઈલેન્ડમાં રેડ શર્ટતરીકે ઓળખાતા યુનાઈટેડ ફ્રન્ટ અગેઈન્સ્ટ ડિક્ટેટરશિપના કાર્યકરો હવે નાગરિકોને લશ્કરી શાસન સામે બળવો કરવા એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, થાઈલેન્ડવાસીઓની કમનસીબી એ છે કે લોકશાહીનું મ્હોરું પહેરીને ફરતા આ રેડ શર્ટ કાર્યકરો પૂર્વ ભ્રષ્ટ વડાપ્રધાન થાકસિન શિનાવાત્રાના પીઠ્ઠુઓ છે. થાઈલેન્ડની આવી વિચિત્ર રાજકીય સ્થિતિ જોઈને રાજકીય વિશ્લેષકો પણ કહી શકતા નથી કે, આ બળવો હવે કઈ રાજકીય દિશા પકડશે?

No comments:

Post a Comment