17 November, 2018

નવા વર્ષે કરાતા રિઝોલ્યુશનનું મનોવિજ્ઞાન


હિંદુ સંસ્કૃતિમાં દિવાળી પછીનો દિવસ નવા વર્ષ તરીકે ઊજવાય છે. હિંદુ પંચાગ પ્રમાણે, કારતક સુદ એકમથી થતું નવું વર્ષ ગુજરાતીમાં બેસતું વર્ષ તરીકે પણ ઓળખાય છે. ગુજરાતી સંસ્કૃતિમાં કોઈ પણ મહિનાનો પહેલો દિવસ 'બેસતો મહિનો’ ગણાય છે એવી જ રીતે, નવું વર્ષ એટલે બેસતું વર્ષ. આપણું રોજિંદુ કામકાજ ગ્રેગોરિયન કેલેન્ડર એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર પ્રમાણે ચાલે છે, પરંતુ વિક્રમ સંવત પ્રમાણે નવા વર્ષની ઉજવણીનું મહત્ત્વ આજેય જીવંત છે. આપણે ન્યૂ યરમાં સદીઓ જૂની પરંપરાઓ ભૂલતા નથી અને બેસતા વર્ષને ન્યૂ યર સ્ટાઈલમાં ઊજવીએ છીએ.

આ જ તો છે, સાંસ્કૃતિક આદાનપ્રદાન. આ જ પ્રકારના આદાનપ્રદાનને પગલે આજની યુવા પેઢી બેસતા વર્ષે પશ્ચિમી દેશોના યુવાનોની જેમ ન્યૂ યર રિઝોલ્યુશન ઉર્ફ સંકલ્પ લે છે. ખેર, નવા વર્ષે લીધેલા સંકલ્પો ક્યારેક બે-ત્રણ મહિનામાં તો ક્યારેક ગણતરીના દિવસોમાં તૂટી જતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, વિજ્ઞાનીઓના મતે સંકલ્પ લેનારા લોકો હંમેશાં દુ:ખી હોય છે. ઊલટાનું કોઈ પણ પ્રકારના સંકલ્પ નહીં રાખનારા વધારે સુખી હોય છે. આ પ્રકારના લોકો કંઈ જ વિચાર્યા વિના ફક્ત તેમનું કામ કરતા રહે છે.




વળી, સંકલ્પ રાખીને સફળ થનારા લોકોને જોઈને પણ તેઓ પોતાનામાં કોઈ પરિવર્તન નથી કરતા. આ વાતની સાબિતી આપતા એક નહીં અનેક સર્વેક્ષણો થઈ ચૂક્યા છે. આ સર્વેક્ષણોનું તારણ એ જ છે કે, નવા વર્ષે સંકલ્પો લેવાનો અર્થ છે, જાતને સજા કરવી. હા, જાતને સુધારવા માટે કોઈ નિર્ણય લેવો એ ખૂબ જ સારી વાત છે, પરંતુ આવા કોઈ નિર્ણયને સંકલ્પનું લેબલ મારવામાં આવે છે ત્યારે નિષ્ફળ જવાની તક અનેકગણી વધી જાય છે. સંકલ્પોનો વૈજ્ઞાનિક અભ્યાસ સૌથી પહેલાં 'સંકલ્પની ફેશન'ને જન્મ આપનારા અમેરિકામાં જ થયો હતો. આ પ્રકારનો અભ્યાસ કરવા સંશોધકોએ 'નવા વર્ષે ખર્ચ ઘટાડીશ'થી માંડીને 'સિગારેટ ઓછી કરીશ કે બંધ કરીશ' વગેરે જેવા સંકલ્પને ચાર કેટેગરીમાં વહેંચ્યા હતા.

આ ચાર કેટેગરીમાં મની (બચત કરીશ), હેલ્થ (નિયમિત જોગિંગ કરીશ), સેલ્ફ ઈમ્પ્રુવમેન્ટ (પોતાને વધુ સમય આપીશ) અને રિલેશનશિપ ઈમ્પ્રુવમેન્ટ (પત્ની-બાળકોને વધુ સમય આપીશ)નો સમાવેશ કરાયો હતો. આ ચારેય કેટેગરીમાં લગભગ દરેક પ્રકારના  સંકલ્પ આવી જાય છે. આપણામાંથી અનેક લોકો નવા વર્ષે આ ચાર કેટેગરીમાંથી જ કોઈને કોઈ સંકલ્પ લે છે, પરંતુ તેઓ મોટા ભાગે નિષ્ફળ જ જાય છે અને નવા વર્ષે ફરી એ જ સંકલ્પ લે છે. હવે આપણે એ સમજીએ કે સંકલ્પો લેનારા મોટા ભાગે નિષ્ફળ કેમ જાય છે?

સુષુપ્ત મગજ પર વિપરિત અસર

નવા વર્ષે લીધેલા મોટા ભાગના સંકલ્પો બ્લેક અથવા વ્હાઈટ હોય છે. એટલે કે હું સિગારેટ પીવાની ઓછી કરી દઈશ એના બદલે એવો સંકલ્પ લેવાય છે કે, હું નવા વર્ષે સિગારેટ પીવાનું બંધ કરી દઈશ. આ પ્રકારના સંકલ્પને સંશોધકો 'વ્હાઈટ' સંકલ્પ કહે છે. એવી જ રીતે, સિગારેટ પીવાની ઓછી કરીશ તે 'ગ્રે' સંકલ્પ કહી શકાય. વ્હાઈટ સંકલ્પ રાખનારાની નિષ્ફળ જવાની સંભાવના વધારે હોય છે. કદાચ તેમણે સિગારેટ નહીં પીવાના બદલે સિગારેટ ઓછી પીવાનો સંકલ્પ રાખ્યો હોત તો તેઓ નિષ્ફળ ના જાત. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ આ ખૂબ જ મહત્ત્વની વાત છે કારણ કે, આપણે સંકલ્પ લઈને નિષ્ફળ જઈએ છીએ ત્યારે આપણું સુષુપ્ત (સબકોન્સિયસ) મગજ પણ એ વાત દોહરાવે છે કે, હું નિષ્ફળ ગયો. કદાચ આ જ કારણસર વારંવાર સંકલ્પ લેનારા વહેલા થાકી જાય છે.

બીજી એક રસપ્રદ વાત. સંકલ્પ લેનારા જાતને છેતરવામાં પાવરધા હોય છે. હકીકતમાં તેઓ અંદરથી સમજી ગયા હોય છે કે, સંકલ્પ લેવા કરતા વર્તન સુધારવું અને જાત પર કાબૂ રાખવો જરૂરી છે, પરંતુ તેઓ એવું કરી શકતા નથી અને નવા વર્ષે સંકલ્પ કરીને થોડો દંભ કરી લે છે. આ ઉપરાંત મનોવિજ્ઞાનીઓના મતે, સંકલ્પ લઈને નિષ્ફળ જવા કરતા સંકલ્પ લીધા વિના નિષ્ફળ જવું વધુ સારું. જેમ કે, હું છ મહિનામાં વીસ કિલો વજન ઉતારીશ એવો સંકલ્પ કરવાના બદલે પોષણયુક્ત આહાર લેવો અને નિયમિત જોગિંગ કરવા જવું વધુ સારું.

ટૂંકમાં, જીવનમાં સુખી થવા શિસ્તબદ્ધ જીવન જીવવાનો પ્રયાસ કરવો વધુ હિતાવહ છે. જો તમે નિયમિત જોગિંગ કરશો અને ક્યારેક ફાસ્ટફૂડ ખાઈ લેશો તો પણ તમને અપરાધભાવ (ગિલ્ટ) સહન નહીં કરવો પડે. બરાબર ને?

લાગણીથી નહીં, ચોક્કસ સંકલ્પ લો

સંકલ્પો વિશે ઘણાં સંશોધનો કરાયા, જેમાં એક મહત્ત્વનું તારણ નીકળ્યું છે. નવું વર્ષ કે બેસતું વર્ષ તો ઠીક છે. જીવનમાં કોઈ પણ ધ્યેય હાંસલ કરવા કોઈ પણ સમયે ચોક્કસ ચોક્કસ સંકલ્પ લેનારી વ્યક્તિ વધુ સફળ થાય છે. ટૂંકમાં, ચોક્કસ ધ્યેય રાખીને આગળ વધનારા સફળ થતા જ હોય છે, પરંતુ કેટલાક કામ એવા પણ હોય છે જેમાં આપણે નિષ્ફળ જઈએ તો પણ તે કામ કરવાનું બંધ નથી કરતા.

જેમ કે, આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માગતો વિદ્યાર્થી એકવાર એન્ટ્રન્સ ટેસ્ટમાં નિષ્ફળ જાય તો તેનો અર્થ એ નથી કે, તે બીજી વાર ટેસ્ટ નહીં આપે. બિઝનેસ સ્કૂલમાં કે મોટા ભાગની કોર્પોરેટ જોબ્સમાં 'રિયલ ગોલ્સ' એચિવ કરવાનું શીખવવામાં આવે છે. આ પ્રકારના ધ્યેય સ્પેસિફિક (ચોક્કસ), મેઝરેબલ (કયાસ કાઢી શકાય એવા), એક્શનેબલ (પાર પાડી શકાય એવા), રિયાલિસ્ટિક (વાસ્તવિક) અને ટાઈમ બેઝ્ડ (સમયને અનુરૂપ) હોય છે. આ ટાઈમ બેઝ્ડ એટલે શું ખબર પડી? કોઈ પ્રીમિયમ ઈન્સ્ટિટ્યૂટની એન્ટ્રન્સ ટેસ્ટમાં પાસ ના થતા હોઈએ તો તેની પાછળ જિંદગીનો મહામૂલો સમય બગાડ્યે ના રખાય! સફળ  થવા માટે આપણને આપણી શક્તિની સાથે મર્યાદાઓ શું છે તેનું પણ ભાન હોવું જોઈએ. અમુક વાર વાસ્તવિકતાનો સ્વીકાર કરવામાં પણ સફળતા છુપાયેલી હોય છે.

મનોવિજ્ઞાનીઓનું કહેવું છે કે, સામાન્ય માણસે નવા વર્ષે બિહેવિયર બેઝ્ડ (વર્તન આધારિત) સંકલ્પ લેવા જોઈએ, નહીં કે ગોલ બેઝ્ડ (ધ્યેય આધારિત). જેમ કે, આઈઆઈટીમાં જવા ઈચ્છતા વિદ્યાર્થીએ પોતાની ક્ષમતાનો કયાસ કાઢીને નક્કી કરી લેવું જોઈએ કે, તેણે પાસ થવા કેટલા કલાક મહેનત કરવી પડે એમ છે. બાદમાં રોજેરોજ એટલા કલાક અભ્યાસ કરવાનો સંકલ્પ રાખી લેવો જોઈએ. આ પ્રકારનું વર્તન કરીને આપણે પોતાની જાતને પ્રોત્સાહિત કરી શકીએ છીએ. એવી જ રીતે, માર્કેટિંગમાં કામ કરતો એક્ઝિક્યુટિવ આર્થિક  સ્થિતિ સુધારવા પોતાની ખામીઓ શોધીને પર્ફોર્મન્સ સુધારવાનો સંકલ્પ રાખશે તો તેની સફળ થવાની તકો વધી જશે. સંશોધકોએ આ પ્રકારના ધ્યેયને ચોક્કસ અને વાસ્તવિક ગણે છે. પરંતુ 'હું એક વર્ષમાં આટલું બેંક બેલેન્સ ઊભું કરીશ' એવા સંકલ્પમાં વાસ્તવિકતા ઓછી અને લાગણી વધારે હોય છે.

ધ્યેય પાર પાડવા સંશોધકોએ રોજ રાત્રે સૂતા પહેલાં પોતાને સંકલ્પ યાદ અપાવવાની વાત પર પણ ભાર મૂક્યો છે. જેમ કે, રોજ રાત્રે જાતને સવાલ પૂછો કે, શું આજે મેં મારા સંકલ્પને અનુરૂપ વર્તન કર્યું? અને આ સવાલનો જવાબ પણ લખો. ફક્ત આટલું કરવાથી કોઈ પણ વ્યક્તિ જીવનમાં શિસ્ત લાવી શકે છે.

સંકલ્પો સાથે સંકળાયેલી બાબતોનું ધ્યાન રાખો

આપણે કોઈ પણ સંકલ્પ લઈએ છીએ ત્યારે તેની સાથે બીજી પણ ઘણી બાબતો સંકળાયેલી હોય છે. જો આપણે વજન ઉતારવાનો સંકલ્પ રાખીએ તો તેની સાથે કસરત, ફાસ્ટ ફૂડ ખાવાની આદતો અને સ્વાદપ્રિયતા જેવી અનેક બાબતો સંકળાયેલી હોય, જ્યારે કેટલાક મુદ્દા એવા હોય છે જેમાં આખા વર્ષ દરમિયાન તમે શું કર્યું તેના પર તેની સફળતા-નિષ્ફળતાનો આધાર હોય. એક વર્ષમાં ચોક્કસ બચત ભેગી કરવા માટે આખું વર્ષ થોડી થોડી બચત કરવી પડે. એ માટે વધારાના ખર્ચ પર કાપ પણ મૂકવો પડે અને કદાચ બીજી વ્યક્તિઓને પણ કરકસર કરવાનું શીખવવું પડે. સેલ્ફ ઈમ્પ્રુવમેન્ટ કેટેગરીમાં આવતા વિવિધ સંકલ્પમાં પણ વર્તન સુધારવાની જરૂરિયાત ઘણી વધારે હોય. આ પ્રકારના સંકલ્પમાં જાત સાથે ઢીલ બિલકુલ ના ચાલે.

એટલે જ સંકલ્પને સફળતાપૂર્વક પાર પાડવા એક યાદી બનાવવી જોઈએ અને દિવસમાં એકાદ વાર તેના પર નજર કરી લેવી જોઈએ. જોકે, એકાદ દિવસ સંકલ્પ પાળવામાં નિષ્ફળ જઈએ એનો અર્થ એ નથી કે, આપણો સંકલ્પ પણ નિષ્ફળ. કારણ કે, વર્તનમાં સુધારો રોજિંદી પ્રેક્ટિસ પછી જ આવે છે. સંબંધોમાં પણ આવી જ રીતે સુધારો કરી શકાય છે કારણ કે, સંબંધો સુધારવા માટે લીધેલા સંકલ્પ હંમેશાં વર્તન આધારિત હોય છે. આ પ્રકારના સંકલ્પમાં આપણે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે, કોઈ પણ વ્યક્તિ માટે બીજાના વર્તનને કાબૂમાં રાખવા કરતા પોતાની જાત પર કાબૂ રાખવો વધુ સહેલો છે. જેમ કે, ઓફિસમાં બોસ બીજા લોકોને કાબૂમાં ચોક્કસ રાખી શકે છે, પરંતુ પોતાના વર્તનમાં સુધારો લાવીને પોતાને તો ઠીક બીજાને પણ વધુ સારી રીતે કાબૂમાં રાખી શકશે. ટૂંકમાં, જો તમે સંબંધ આધારિત સંકલ્પમાં સફળતા મેળવવા માગતા હશો તો તમારે સૌથી પહેલાં પોતાની જ ખામીઓ શોધવી પડશે.

આવી અનેક બાબતોનો વિચાર કરીને એવું કહી શકાય કે, લાંબા કે ટૂંકા ગાળાના ધ્યેય પૂરા કરવા માટે વર્તનમાં સુધારો કરવો જરૂરી છે.

સંકલ્પોમાં નિષ્ફળતા મળ્યા પછી શું કરવું?

દુનિયાભરમાં થયેલા અનેક સર્વેક્ષણો પછી માલુમ પડ્યું છે કે, નવા વર્ષે ઉત્સાહથી સંકલ્પ લઈને નિષ્ફળ જનારા લોકો થોડા કે લાંબા સમય સુધી તણાવ અનુભવે છે, પરંતુ સંશોધકો તેને વૈજ્ઞાનિક રીતે સમજાવતા કહે છે કે, જો તમને સંકલ્પ સિદ્ધ કરવામાં વારંવાર નિષ્ફળતા મળી હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી.

સૌથી પહેલાં સંકલ્પમાં સફળ થવા વર્તનમાં શું ફેરફાર કરવો જરૂરી છે તે નક્કી કરો અને પછી તેનો અમલ કરવાનો પ્રયાસ કરો. આદતો બદલવા માટે મજબૂત મનોબળ રાખો અને સાથે એ પણ યાદ રાખો કે, બહુ હઠીલી આદતો બદલતા સમય પણ લાગી શકે છે. આદતો બદલવાથી વર્તન સુધરશે અને વર્તન સુધારવાથી સફળતા મળશે. સફળતા મેળવવા શું કરવું પડે એ વાત પોતાને યાદ અપાવતા રહો. ફક્ત આટલું કરવાથી સુષુપ્ત મનમાં નકારાત્મકતા નહીં આવે અને મનોબળ વધુને વધુ મજબૂત થતું જશે. 

1 comment: