06 September, 2017

પ્રાઈવેસી: સ્નોડેનથી ટોઈલેટ સુધી...


કોઈપણ વ્યક્તિના વર્તનનું મહત્ત્વ બીજાને અસરકર્તા હોય તો જ તેનું સમાજ માટે મહત્ત્વ હોવું જોઈએ. એ વર્તનના કોઈ પણ હિસ્સામાં સંપૂર્ણ સ્વતંત્રતાનો ખ્યાલ હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિના સંદર્ભમાં તેનું શરીર અને મગજ વ્યક્તિગત સાર્વભૌમત્વ ધરાવતો પ્રદેશ જ છે...

સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાક જેટલો જ મહત્ત્વનો રાઈટ ટુ પ્રાઈવેસીનો ચુકાદો આપતી વખતે અમેરિકન-બ્રિટીશ તત્ત્વજ્ઞાની જ્હોન સ્ટુઅર્ટ મિલ (૧૮૦૬-૧૮૭૩)નું આ ક્વૉટેબલ ક્વૉટ ટાંક્યું હતું. જ્હોન સ્ટુઅર્ટ મિલ ૧૯મી સદીના 'મોસ્ટ ઈન્ફ્લુએન્શિયલ ફિલોસોફર' ગણાય છે. વ્યક્તિગત સ્વતંત્રતા અને તેનું મહત્ત્વ શું હોઈ શકે એ વિશે તેમણે આપેલા વિચારોનો વૈશ્વિક સ્તરે પ્રભાવ પડ્યો હતો. પ્રાઈવેસી અને ફ્રિડમ ઓફ એક્સપ્રેસન પશ્ચિમી વિદ્વાનોએ આપેલો વિચાર છે અને તેઓ તેને કેટલું મહત્ત્વ આપે છે, એ જ્હોન સ્ટુઅર્ટ મિલનું ક્વૉટ ધ્યાનથી વાંચીને સમજી શકાય એમ છે.

એડવર્ડ સ્નોડેન અને ‘સ્નોડેન’ ફિલ્મનું પોસ્ટર


તમને એડવર્ડ સ્નોડેન યાદ હશે! સ્નોડેને ૨૦૧૩માં ભાંડો ફોડ્યો કે, અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સી 'પ્રિઝમ' પ્રોગ્રામ હેઠળ લાખો અમેરિકનોના કૉલ ડિટેઇલ્સ, ઇ-મેઇલ અને ક્રેડિટ કાર્ડ ડેટા પર ચાંપતી નજર રાખી રહી છે. બસ, ખેલ ખતમ. અમેરિકનોમાં હાહાકાર મચી ગયો. અમેરિકન મીડિયાએ વ્હાઈટ હાઉસના 'ટ્રાયલ' લેવાના શરૂ કરી દીધા. પ્રિઝમ પ્રોગ્રામનો હેતુ અમેરિકનોને સુરક્ષા આપવાનો હતો. આ રીતે જાસૂસી કરીને જ અમેરિકાએ ૯/૧૧ પછી ૪૫ મોટા આતંકવાદી હુમલા નિષ્ફળ બનાવ્યા હતા. સ્નોડેન અમેરિકાની જ જાસૂસી સંસ્થા સીઆઈએનો પૂર્વ અધિકારી હતો. નૈતિક રીતે સ્નોડેને અમેરિકા સાથે 'ગદ્દારી' કરી હતી, પરંતુ અમેરિકનો માટે એ બધાનું કશું જ મહત્ત્વ ન હતું કારણ કે, સરકારે લોકોની પ્રાઈવેસી પર તરાપ મારી હતી.

એ વખતે 'ટાઈમ' જેવા મેગેઝિને એક સર્વેક્ષણ કર્યું, જેમાં ૫૩ ટકા અમેરિકનોએ સ્નોડેનને સજા કરવાની તરફેણ કરી હતી. એ જ રીતે, ૨૭ ટકા લોકો સ્નોડેનને નિર્દોષ માનતા હતા. એ પછી તો ઓલિવર સ્ટોન જેવા ઓસ્કર વિનર ફિલ્મ ડિરેક્ટરે થોડી-ઘણી અડચણો સહન કરીને એડવર્ડ સ્નોડેનની 'સ્નોડેનનામે જ બાયોપિક બનાવી અને સપ્ટેમ્બર ૨૦૧૬માં અમેરિકામાં વટ કે સાથ રિલીઝ પણ કરી. ઓલિવર સ્ટોનની ફિલ્મમાં એક ગદ્દારને 'હીરો' દર્શાવાયો હતો અને છતાં અમેરિકામાં તેમની ફિલ્મોનો પેલા ૫૭ ટકાએ બહિષ્કાર ના કર્યો. એ લોકો ગેસોલિનના કેરબા લઈને થિયેટરો સળગાવવા પણ ના ઉતરી પડ્યા.

જે તે વખતે અમેરિકામાં પણ અનેક લોકોએ સ્નોડેનનો (યોગ્ય રીતે જ) વિરોધ કર્યો હતો, પરંતુ એક અભિપ્રાય સામે બીજો અભિપ્રાય હોઈ શકે છે એ વાત સરેરાશ અમેરિકન ખેલદિલીથી સ્વીકારી શકે છે. સ્નોડેનનો વિરોધ કરતા મોટા ભાગના લોકોએ તેણે ચીન દ્વારા સંચાલિત હોંગકોંગ કે રશિયામાં આશરો લીધો એ સામે વાંધો હતો. વાત પણ સાચી હતી કારણ કે, ચીન કે રશિયા સુરક્ષાના બદલામાં સ્નોડેન પાસેથી અમેરિકન જાસૂસી તંત્રની ગુપ્ત માહિતી ઓકાવી શકે એમ હતા. અમેરિકાના એક મોટા (સ્નોડેનને નિર્દોષ માનતા પેલા ૨૭ ટકા), મજબૂત અને બોલકા વર્ગ માટે સ્નોડેન વ્હિસલ બ્લોઅર, હેક્ટિવિસ્ટિ (હેકર એક્ટિવિસ્ટ) કે હીરો છે. આ વર્ગ માટે અમેરિકાના બંધારણ, સ્વતંત્રતા, અભિવ્યક્તિ, આઝાદી અને ગુપ્તતાના અધિકારથી વિશેષ કશું મહત્ત્વનું નથી. આ ૨૭ ટકાને અમેરિકાના મજબૂત મીડિયાનો પણ આડકતરો લાભ મળે છે કારણ કે, અમેરિકન મીડિયા ઈન્ડસ્ટ્રીમાં (અનેક ખામીઓ છતાં) લોકશાહી, સ્વતંત્રતા, ગુપ્તતા અને વિશ્વ માનવવાદ જેવા સિદ્ધાંતોથી વરેલા મીડિયા હાઉસીસનો દબદબો છે.

હવે આ જ વાત ભારતના સંદર્ભમાં વિચારી જુઓ. સ્નોડેન જેવો કોઈ ભારતીય જાસૂસ સરકારની ગુપ્ત વાતોના વટાણા વેરીને પાકિસ્તાન જતો રહે તો? સ્નોડેન અત્યારે પણ અમેરિકાના 'દુશ્મન' રશિયામાં છે. આ  સરખામણી કરીએ ત્યારે ભારત અને અમેરિકન મીડિયાનો પાયાનો ફર્ક સમજીએ. અમેરિકામાં ફક્ત એક જ ભાષા છે, જ્યારે ભારતમાં ૨૨ સત્તાવાર ભાષા છે. ભારતના વિવિધ રાજ્યોમાં પ્રાદેશિક ભાષાના મીડિયાની બોલબાલા છે. આ મીડિયા જ જુદા જુદા પ્રદેશોની પ્રજાનું માનસ ઘડે છે, જે મોટા ભાગે રાષ્ટ્રવાદ, દેશદાઝ, દેશપ્રેમથી પ્રેરિત હોય છે. આ લાગણીઓ મોટા ભાગે સાચા-ખોટાનું ભાન ભૂલાવી દે છે.

બીજી તરફ, ભારતના અંગ્રેજી મીડિયા પર સ્વાભાવિક રીતે જ પશ્ચિમી વિચારોનો પ્રભાવ છે. એ માટે અંગ્રેજી મીડિયા સાથે સંકળાયેલા લોકોનું પશ્ચિમી (કે અંગ્રેજી) શિક્ષણ જવાબદાર છે. તેમના માટે લોકશાહી, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, સર્વધર્મ સમભાવ અને ગુપ્તતા જેવા મુદ્દા અત્યંત મહત્ત્વના છે. દેશના વિકાસમાં આ બધી વાતોને તેઓ ખાસ મહત્ત્વ આપે છે. આ ફક્ત માહિતી છે, ટીકા નહીં. એટલે જ પ્રાઈવેસી જેવો અત્યંત મહત્ત્વનો મુદ્દો અંગ્રેજી કે એલિટ મીડિયામાં જેટલો ચર્ચાઈ રહ્યો છે એટલો પ્રાદેશિક ભાષાના મીડિયામાં નથી ચર્ચાયો. હા, પ્રાદેશિક ભાષાના રાષ્ટ્રવાદી મીડિયામાં ટ્રિપલ તલાકની ચર્ચા જરૂર થઈ. ચર્ચા જ નહીં, ઊંડી છણાવટ પણ થઈ. પ્રાદેશિક ભાષાનું મીડિયા અનેક મુદ્દે અંગ્રેજી મીડિયાની આકરી ટીકા કેમ કરે છે એ સમજી શકાય એમ છે.

અમેરિકાની જ થિંક ટેંક પ્યૂ રિસર્ચે ૨૦૦૪માં એક સર્વેક્ષણ માટે દુનિયાના ૪૪ દેશના નાગરિકોને સવાલ પૂછ્યો કે, અમેરિકા તમારા કોમ્યુનિકેશન પર નજર રાખે, એ વાત તમને સ્વીકાર્ય છે? પરિણામો ચોંકાવનારા હતા. ગ્રીસમાં ૯૭ ટકા, ચીનમાં ૮૫ ટકા, ઈઝરાયેલમાં ૮૨ ટકા, બાંગ્લાદેશમાં ૭૦ ટકા અને અમેરિકામાં ૪૭ ટકા લોકોને આવી જાસૂસી સ્વીકાર્ય ન હતી, જ્યારે ભારતમાં ફક્ત ૩૩ ટકા લોકોને આ જાસૂસી સામે વાંધો હતો. આ સર્વેક્ષણમાં ભારતથી ઉદાર હોય એવો ફક્ત એક દેશ હતો, નાઈજિરિયા. નાઈજિરિયામાં માંડ ૩૧ ટકા લોકોને અમેરિકન જાસૂસી સામે વાંધો હતો. આ સર્વેક્ષણ ભારત અને નાઈજિરિયા જેવા દેશ-સમાજના સંદર્ભમાં અમેરિકનો માટે અભ્યાસનો વિષય છે. લોકોને પ્રાઈવેસી જેવી બાબતની પણ કંઈ પડી નથી હોતી એ વાત સરેરાશ અમેરિકન સહેલાઈથી સમજી નથી શકતો.

જોકે, બસ, ટ્રેન કે શટલમાં મુસાફરી કરતો ભારતીય આ વાતથી સારી રીતે સમજી જશે. ટ્રેનની મુસાફરીમાં એક કે એકથી વધુ સાથે ફરવા જતા સંયુક્ત પરિવારોનું અવલોકન કરજો. ટ્રેનના એક નાનકડા ડબામાં જ 'ઘર' જેવો માહોલ હશે. આખી ટ્રેન સાંભળે એ રીતે મોટેથી વાતો થતી હશે, નાસ્તા-પાણી, ભોજન થતું હશે અને ગોસિપ પણ થતી હશે! (મોબાઈલ પર પણ જાહેરમાં આ જ રીતે વાતો થતી સાંભળી જ શકાય છે ને?) આ પરિવાર વચ્ચે 'ફસાયેલા' નવપરિણીત યુગલો પ્રાઈવેસી માટે ફાંફા મારતા હશે! યુગલને પ્રાઈવેસી જોઈએ એ વાતનો પરિવારના વડીલોને અહેસાસ સુદ્ધાં નહીં હોય. ગામડાં તો ઠીક, શહેરોમાંય અનેક પરિવારોના યુગલોના આ હાલ હોય છે.

અને હા, એ ટ્રેનના ડબામાં પેલા સંયુક્ત પરિવાર વચ્ચે તમે પણ મુસાફરી કરતા હશો, તો તેઓ તમને કોઈ જ હિચકિચાહટ વગર તમારી જાતિ, ધર્મ, નોકરી-ધંધો, પગાર, સરનામું તેમજ પરણેલા છો કે નહીં વગેરે સહજતાથી પૂછી લેશે. પ્રાઈવેસી કી ઐસીતૈસી. આ રીતે વાતચીત કરવી કે ઘૂસ મારવી એ આપણા સમાજમાં 'આવડત' કે 'કળા' મનાય છે. ઓછાબોલી વ્યક્તિ માટે તો ગુજરાતીમાં 'મેંઢો' (કે મેંઢી) જેવો અપમાનજનક શબ્દ વાપરવામાં આવે છે.

ભારતમાં પાડોશી જાણતો જ હોય છે કે, પેલાને તેની પત્ની સાથે કે પેલીને તેના પતિ સાથે ઝઘડો કેમ થાય છે! પેલી સાસુને વહુ સાથે કેમ બનતું નથી કે પછી પેલા કે પેલીની સગાઈ કેમ તૂટી ગઈ હતી વગેરે. નાના શહેર કે ગામમાંથી મોટા શહેરમાં રહેવા જનારાને પણ પાડોશી સાથે 'ફેમિલી રિલેશન' ના હોય તો સારું નથી લાગતું. એટલે જ ભારતીયો અમેરિકનોની ટીકા કરતા કહે છે કે, 'ત્યાં તો બાજુના બંગલૉમાં કોણ રહે છે એ પણ ખબર ના પડે...' મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં પણ 'પહેલો ભગવાન પાડોશી'નો ખ્યાલ હજુયે પ્રચલિત છે કારણ કે, ઈમર્જન્સીમાં સૌથી પહેલી મદદ પાડોશીની જ મળે છે. ભારતમાં પાડોશીનો ખ્યાલ સામાજિક મદદ કે ટેકાના ખ્યાલ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. જે ભારતીયોને પાડોશી સાથે વાટકી વ્યવહાર ના હોય તેઓ એકલખૂરા કે ઘરકૂકડા ગણાય છે.

જે દેશના રસ્તા પર ખુલ્લેઆમ પેશાબ કે કુદરતી હાજતે જતા હોય એવા દૃશ્યો દેખાતા હોય ત્યાં ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન વર્ગની પ્રાઈવેસીની વ્યાખ્યામાં જમીન-આસમાન જેટલું અંતર છે. આ ત્રણેય વર્ગની પ્રાથમિકતાઓ પણ જુદી છે. આજેય ગ્રામીણ ભારતમાં લોટો લઈને સમૂહમાં કુદરતી હાજતે જવું એ બહુ સામાન્ય બાબત છે. યાદ કરો 'ટોઈલેટ: એક પ્રેમકથા'. આપણે ત્યાં સ્વની શોધ માટે થતી જાત્રા અને હનીમૂન માટે પણ ટોળેટોળા સાથે જાય છે. ટૂંકમાં પ્રાઈવેસી આજેય ભારતમાં એલિટ ક્લાસનો મુદ્દો છે, નહીં કે એક સરેરાશ ભારતીયનો. પ્રાઈવેસી એ ભારતમાં ક્યારેય 'પોપ્યુલર ડિમાન્ડ' નહોતી. જોકે, બહુમતી લોકો હંમેશા સાચા નથી હોતા. આ દેશ કંઈ ખાપ પંચાયતોથી નથી ચાલતો. 

પ્રજાને દિશા આપવા બંધારણ છે. પ્રજા માટે પ્રાઈવેસીનું મહત્ત્વ હોય કે ના હોય, પણ બંધારણ અને સુપ્રીમ કોર્ટ પણ કંઈ ચીજ છે.     

***

ખેર, પ્રાઈવેસીનો અધિકાર તો મળી ગયો, પરંતુ હજુયે ઘણી સ્પષ્ટતાઓ બાકી છે. અભિવ્યક્તિ અને વાણી સ્વાતંત્ર્યના બંધારણીય અધિકારની જેમ પ્રાઈવેસીના અધિકારની પણ કેટલીક મર્યાદા છે. વાણી સ્વાતંત્ર્યની જેમ પ્રાઈવેસીના અધિકાર સાથે પણ સામાજિક બંધનો જોડાયેલા છે. સામાન્ય વ્યક્તિ તો ઠીક, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ પણ વાણી સ્વાતંત્ર્ય હોવા છતાં સ્પષ્ટ મત રજૂ કરી શકતા નથી. કોઈની લાગણી દુભાઈ જાય એવું સત્ય પણ બોલી શકાતું નથી. એવી જ રીતે, પ્રાઈવેસીના અધિકાર સાથે આધાર ડેટા સિવાય પણ ઘણી બધી મહત્ત્વની બાબતો જોડાયેલી છે. જેમ કે, વ્યક્તિનું જાતીય વલણ (સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન), ગર્ભપાત, યુથેનેશિયા (મર્સી કિલિંગ) અને પ્રેસની પ્રાઈવેસી-સ્વતંત્રતા વગેરે. જોકે, સુપ્રીમના ચુકાદા પછી આવા અનેક મુદ્દે જનહિત અરજીઓ દાખલ કરીને કાયદાકીય સુધારા (કે વધુ સ્પષ્ટતા) કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. 

દેર આયે દુરસ્ત આયે લેકિન આઝાદીના 70 વર્ષ પછી પ્રાઈવેસીનો અધિકાર આપવા બદલ થેંક્સ ટુ સુપ્રીમ કોર્ટ.

2 comments:

  1. Well detailed article , Facts aspects and effects of privacy nicely described...

    ReplyDelete