30 January, 2017

માતા હરિ : ૧૦૦ વર્ષ પહેલાં થયેલું એન્કાઉન્ટર


માતા હરિ. આવું છેતરામણું નામ વાંચતા કે સાંભળતા લાગે કે, માતા હરિ જરૂર કોઈ દિવ્ય આત્મા ધરાવતી સ્ત્રી, દેવી કે સાધ્વી હોવી જોઈએ! આશરે ૧૦૦ વર્ષ પહેલાં ૧૭મી ઓક્ટોબર, ૧૯૧૭ના રોજ ફ્રાંસે ૪૧ વર્ષીય માતા હરિને ગોળીઓથી વીંધી નાંખવાની સજા આપી ત્યારે કોઈને વિશ્વાસ નહોતો થતો કે, માતા હરિ જેવી સીધીસાદી નૃત્યાંગના વિચક્ષણ બુદ્ધિ ધરાવતી જર્મન જાસૂસ હતી! જોકે, એ આરોપ હતો, જે આજ સુધી સંતોષજનક રીતે સાબિત થઈ શક્યો નથી. તેના પર આરોપ હતો કે, તેણે જર્મનીને આપેલી માહિતીના કારણે ૫૦ હજાર સૈનિકોના મોત થયા હતા. માતા હરિની જિંદગીની આસપાસ એટલા બધા રહસ્યો વીંટળાયેલા છે કે, આજેય લોકો તેને મહાન જાસૂસ સમજે છે અને એટલે તેના મોતને લઈને પણ જાતભાતની થિયરીઓ વહ્યા કરે છે. માતા હરિના જીવન પર બનેલી પાંચેક ફિલ્મો, ડોક્યુમેન્ટ્રી, નાટકો અને અનેક પુસ્તકોના કારણે આ પ્રકારની થિયરીઓને હજુયે હવા મળી રહી છે.

જોકે, ઓક્ટોબર ૨૦૦૧માં માતા હરિ ફાઉન્ડેશને બ્રિટીશ જાસૂસી સંસ્થા એમઆઈ-૫ના દસ્તાવેજો જાહેર કરીને સાબિત કર્યું હતું કે, માતા હરિએ જર્મનીને કે ફ્રાંસને આપેલી માહિતી 'નકામી' હતી. માતા હરિ પર આટલો મોટો આરોપ મૂકવો એ ખૂબ જ મોટો અન્યાય છે. મૃત્યુના આટલા વર્ષો પછીયે તેને આ આરોપમાંથી મુક્ત કરવી જ જોઈએ

કોણ હતી માતા હરિ?

પ્રેમી માટે 'જોખમી' શરત સ્વીકારી

૨૮મી જુલાઈ, ૧૯૧૪ના રોજ પહેલું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું હતું, પરંતુ નેધરલેન્ડે યુદ્ધમાં તટસ્થ રહેવાની જાહેરાત કરી હતી. માતા હરિ ડચ નાગરિક હતી એટલે વિશ્વ યુદ્ધ વખતે યુરોપના કોઈ પણ દેશમાં સરળતાથી પ્રવેશી શકતી. તે વાયા સ્પેન, બ્રિટનથી વારંવાર ફ્રાંસ અને નેધરલેન્ડમાં આવનજાવન કરતી. વળી, માતા હરિ અનેક દેશોમાં શક્તિશાળી નેતાઓ અને લશ્કરી અધિકારીઓ સાથે અંતરંગ સંબંધો ધરાવતી હતી. આ જ કારણસર બ્રિટન-ફ્રાંસ અને જર્મનીના જાસૂસો તેને લઈને થોડા સાવચેત હતા. એ દિવસોમાં માતા હરિ કેપ્ટન વદિમ માસ્લો નામના ૨૫ વર્ષીય રશિયન પાયલોટના પ્રેમમાં પણ હતી. માસ્લો ફ્રાંસમાં ફરજ બજાવતા ૫૦ હજાર રશિયન સૈનિકોના ખૂંખાર લશ્કરનો સૈનિક હતો. રશિયાએ ફ્રાંસને મદદ કરવા એ લશ્કર મોકલ્યું હતું.

માતા હરિ

ફ્રાંસના ઉચ્ચ લશ્કરી અધિકારીઓ અને જાસૂસો કોઈ પણ ભોગે જર્મનીને વધુને વધુ નુકસાન પહોંચાડવા કાવાદાવા કરી રહ્યા હતા. આ દરમિયાન વર્ષ ૧૯૧૬માં જર્મનો સાથે થયેલા એક ફાઈટર પ્લેન યુદ્ધમાં વદિમ માસ્લોએ દૃષ્ટિ ગુમાવી દીધી. માસ્લો પેરિસ નજીકના કોઈ મિલિટરી બેઝ પરની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો ત્યારે માતા હરિએ પ્રેમીને મળવાની મંજૂરી માગવા ગઈમાતા હરિને જોતા જ બેઝ પરના ચબરાક ફ્રેન્ચ લશ્કરી અધિકારીનું મગજ કામે લાગ્યું. ફ્રાંસનો એ લશ્કરી અધિકારી જાણતો હતો કે, માતા હરિ જર્મનીના પ્રભાવશાળી નેતાઓ અને ઉચ્ચ લશ્કરી અધિકારીઓને આંગળીના ઈશારે નચાવી શકે છે. એટલે તેણે માતા હરિ સામે શરત મૂકી કે, તુ જર્મનોની જાસૂસી કરવા તૈયાર થાય તો જ તને વદિમ માસ્લો સાથે જવાની મંજૂરી આપું. માતા હરિએ પૈસા માટે નહીં પણ પ્રેમી માટે આ શરત સ્વીકારી લીધી.

પરંતુ માતા હરિ રાજકારણ અને લશ્કરની દુનિયામાં આટલો પ્રભાવ કેમ ધરાવતી હતી?


એ એશિયાઈ નહીં, ડચ સ્ત્રી હતી

આ સવાલનો જવાબ મેળવતા પહેલાં માતા હરિના પૂર્વ જીવન વિશે જાણવું જરૂરી છે. 'માતા હરિ' જેવા નામના કારણે યુરોપમાં અનેક લોકો એવું માનતા કે, તેના નજીકના સગામાં કોઈ એશિયાઇ કે મધ્ય પૂર્વીય દેશ સાથે સંબંધ ધરાવતું હશે, પરંતુ એવું નહોતું

માર્ગારેટા ગિરતુઇડા નામ ધરાવતી એ સ્ત્રી મૂળ નેધરલેન્ડની હતી. માર્ગારેટાનો જન્મ સાતમી ઓગસ્ટ, ૧૮૭૬ના રોજ ઝેલે અટક ધરાવતા ડચ પરિવારમાં થયો હતો. એટલે સ્કૂલ-કોલેજમાં તે માર્ગારેટા ઝેલે તરીકે ઓળખાતી. માર્ગારેટના પિતા એડમ ઝેલે હેટ શૉપના માલિક હતા અને તેમણે રોકાણો કરીને ઓઈલ ઉદ્યોગમાં પણ કાઠું કાઢ્યું હતું. એટલે માર્ગારેટાનું ૧૨ વર્ષ સુધીનું જીવન અત્યંત વૈભવમાં વિત્યું, પરંતુ માર્ગારેટાએ કિશોરાવસ્થામાં પ્રવેશ કર્યો ત્યારે વર્ષ ૧૮૮૯માં એડમ ઝેલેએ દેવાળુ ફૂંક્યું. એ પછી ૧૮૯૧માં એડમ ઝેલે અને માર્ગારેટાની માતા આંજે ઝેલેએ છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડાના ત્રણ વર્ષ પછી માર્ગારેટાની માતાનું અવસાન થયું અને તેના પિતાએ પણ બીજા લગ્ન કરી લીધા. ઝેલે દંપતિના ચાર સંતાનમાં માર્ગારેટા સૌથી મોટી હતી, પરંતુ માતાના અવસાન પછી આખો પરિવાર વિખેરાઈ ગયો.

આ સ્થિતિમાં માર્ગારેટને મિ. વિસેર નામની એક વ્યક્તિ મળી, જેમણે માર્ગારેટાને કિન્ડરગાર્ટનમાં શિક્ષકની નોકરી અપાવી. આ દરમિયાન સ્કૂલના હેડમાસ્તરે માર્ગારેટા સાથે ફ્લર્ટિંગ શરૂ કર્યું અને નોકરી ગઈ માર્ગારેટાની. બેકાર થઈ ગયા પછી માર્ગારેટા કાકાના ઘરે નેધરલેન્ડના વિખ્યાત હેગ શહેરમાં રહેવા જતી રહી.

માર્ગારેટા 'માતા હરિ' કેવી રીતે બની?

માર્ગારેટાએ હેગના સ્થાનિક અખબારમાં એક લગ્નવિષયક જાહેરખબર જોઈ, જેમાં જણાવાયું હતું કે ડચ ઈસ્ટ ઈન્ડિઝ (હાલનું ઈન્ડોનેશિયા)માં ફરજ બજાવતા ડચ કોલોનિયલ આર્મી કેપ્ટન રૂડોલ્ફ મેકલિયોડને લગ્ન માટે ડચ મૂળની યોગ્ય યુવતી જોઈએ છે. આ જાહેરખબર થકી માર્ગારેટાએ ૧૯ વર્ષની વયે તેનાથી ૨૦ વર્ષ મોટા આર્મી કેપ્ટન રૂડોલ્ફ મેકલિયોડ સાથે ઘરસંસાર માંડ્યો. આ લગ્નથી માર્ગારેટા રાતોરાત મોભાદાર લશ્કરી પરિવારો અને બ્રિટીશ રાજના નેજા હેઠળ અન્ય દેશમાં ફરજ બજાવતા ઉચ્ચ લશ્કરી અધિકારીઓના સંપર્કમાં આવી. જોકે, સ્વતંત્ર મિજાજી માર્ગારેટ પર સખત મિજાજી કેપ્ટન રૂડોલ્ફ મેકલિયોડનું ભારે વર્ચસ્વ હતું. માર્ગારેટા ૨૨ વર્ષની વયે બે સંતાનની માતા હતી, પરંતુ મેકલિયોડ દારૂ પીને માર્ગારેટાની વારંવાર મારઝૂડ કરતો.


માતા હરિનો પતિ રૂડોલ્ડ મેકલિયોડ અને તેમના બે સંતાન લુઈ અને નોર્મન

છિન્નભિન્ન લગ્નજીવનથી કંટાળેલી માર્ગારેટાને ઈન્ડોનેશિયામાં કોઈ ઓળખતું નહોતું, પરંતુ એક ડચ  લશ્કરી અધિકારી આશરો આપવા રાજી થઈ જતા માર્ગારેટા પતિની ચુંગાલમાંથી મુક્ત થઈ ગઈ. માર્ગારેટા ત્યાં રહીને બીજે મન પરોવવા એક ડાન્સ કંપનીમાં જોડાઈ. અહીં માર્ગારેટાએ મહિનાઓ સુધી ઉચ્ચ દરજ્જાની નૃત્યાંગનાની તાલીમ લઈને પોતાના માટે એક નવું જ નામ પસંદ કર્યું, માતા હરિ. ઈન્ડોનેશિયાની મલય ભાષામાં માતા હરિનો અર્થ 'દિવસની આંખ' એટલે કે 'સૂર્ય' થાય છે. માર્ગારેટાએ સૌથી પહેલીવાર વર્ષ ૧૮૯૭માં ઈન્ડોનેશિયાથી નેધરલેન્ડ તેના સગાવ્હાલાને લખેલા પત્રોમાં આ નામ વિશે માહિતી આપી હતી.

આ દરમિયાન માર્ગારેટાના બંને બાળકો સિફિલિસમાં પટકાયા, જેમાં એકનું મૃત્યુ થઈ ગયું. એવું કહેવાય છે કે, કદાચ મેકલિયોડના દુશ્મનોએ બંને બાળકોના ભોજનમાં ઝેર આપ્યું હતું.

સર્કસમાં હોર્સ ગર્લ અને પછી સ્ટ્રીપ ડાન્સર

પતિની મારઝૂડ અને એક સંતાનના મોત પછી હૃદયભગ્ન થયેલી માર્ગારેટા વર્ષ ૧૯૦૩માં ૨૭ વર્ષની વયે પેરિસ આવી ગઈ. અહીં તે સિંગલ મધર તરીકે એક બાળક પણ ઉછેરી રહી હતી, પરંતુ પેરિસ જેવા શહેરમાં જીવન વિતાવવા માર્ગારેટાને તેનો પતિ ફૂટી કોડી પણ આપતો ન હતો. જોકે, સ્ટેજ પર નૃત્ય કરીને મનોરંજન કરવામાં મહારત હાંસલ કરનારી માર્ગારેટાને પેરિસની એક સર્કસ કંપનીમાં હોર્સ ગર્લ તરીકેનું કામ મળી ગયું. જ્વેલરી બ્રા અને ચળકદાર લેંઘો પહેરીને ઘોડા પર જાતભાતના કરતબ બતાવવાનું કામ કરીને તે થોડી કમાણી કરી લેતી, પરંતુ 'મેકલિયોડ' જેવી ડચ અટકવાળી આ છોકરીને પેરિસમાં બહુ સફળતા ના મળી. માર્ગારેટાએ થોડો સમય પેરિસના કલાકારોની નગ્ન મોડેલ તરીકે પણ કામ કર્યું.


માતા હરિની ૧૯૦૬માં ક્લિક કરાયેલી બોલ્ડ તસવીરો

આ બે નોકરીના અનુભવ પછી વર્ષ ૧૯૦૫માં ૨૯ વર્ષની વયે માર્ગારેટાએ પેરિસની વિખ્યાત ક્લબમાં એક્ઝોટિક ડાન્સર તરીકે કારકિર્દી શરૂ કરી. માર્ગારેટા મેકલિયોડે તેનું નામ-અટક બધું જ ફગાવી દીધું અને તેની પસંદગીનું એશિયાઇ છાંટ ધરાવતું 'માતા હરિ' નામ અપનાવી લીધું. આ જ નામ સાથે ૧૩મી માર્ચ, ૧૯૦૫ના રોજ માતા હરિએ પેરિસના એશિયાઇ કળાના સૌથી મોટા મ્યુઝિયમ ગુઇમેતમાં સ્ટ્રીપ ડાન્સર જેવું પર્ફોર્મન્સ આપ્યું અને રાતોરાત પ્રસિદ્ધિ મેળવી. ફ્રાંસ અને જર્મનીના અખબારો માટે માતા હરિ 'વિદેશી' હતી. તેઓ માતા હરિને ઊંચી અને મજબૂત, જાદુઈ નૃત્ય કરતી, જંગલી પશુ જેવી ચબરાક અને નૃત્ય કરતી વખતે જેનું એક એક અંગ ગતિ કરે છે એવી ઉપમાઓ આપતા. માતા હરિ તેની સુંદરતાના કારણે નહીં, પણ તેની કોન્ફિડન્ટ પર્સનાલિટી અને સેક્સ અપીલના કારણે વધુ લોકપ્રિય હતી.  

માતા હરિએ એવો પણ ઢોંગ કર્યો કે, હું મૂળ જાવાની છું, પરંતુ નાનપણથી ભારતના પવિત્ર નૃત્યો શીખી રહી છું. માતા હરિ જેવા નામ અને થોડા જૂઠે એવો જાદુ કર્યો કે, યુરોપના અનેક કળા વિવેચકોએ તેના ડાન્સ શૉના લાંબા-લાંબા વર્ણનો છાપ્યા. હવે તો માતા હરિને એમિલ ગુઇમેત નામના એક ઉદ્યોગપતિનો સાથ મળી ગયો હતો. છેવટે વર્ષ ૧૯૦૬માં માર્ગારેટ અને રૂડોલ્ફ મેકલિયોડના છૂટાછેડા થઈ ગયા.

માતા હરિના પતિએ ગુઇમેત સાથેની નગ્ન અને અર્ધનગ્ન તસવીરોનો ઉપયોગ કરીને તેમના એકમાત્ર સંતાનની કસ્ટડી પણ મેળવી લીધી. હવે પેરિસમાં એકલવાયું જીવન વીતાવતી માતા હરિ અંદરથી દુ:ખી અને ઉપરથી બિંદાસ હતી.

માતા હરિ 'મહાન મહિલા જાસૂસ' હતી?

પહેલા વિશ્વ યુદ્ધ વખતે બ્રિટન, ફ્રાંસ, રશિયા સહિતના ૧૧ દેશ સામે જર્મની, ઓસ્ટ્રિયા, ઓટ્ટોમન સામ્રાજ્ય અને બલ્ગેરિયાએ ભેગા થઈને મોરચો માંડ્યો હતો. યુદ્ધની સ્થિતિ અગાઉ માતા હરિએ ફ્રાંસ અને જર્મનીમાં અનેક ડાન્સ શૉ કર્યા, જેના કારણે બંને દેશના શક્તિશાળી નેતાઓ અને લશ્કરી અધિકારીઓમાં તે લોકપ્રિય હતીએ વખતે માતા હરિના જીવનમાં પેલો વદિમ માસ્લો નામનો રશિયન સૈનિક આવી ગયો હતો. બ્રિટીશ અને ફ્રેન્ચ જાસૂસો આ વાત જાણતા હતા, જેથી તેઓ માતા હરિનો ઉપયોગ કરીને જર્મનીને જોરદાર નુકસાન પહોંચાડવા આતુર હતા. જોકે, મુશ્કેલી એ હતી કે, સામા પક્ષે જર્મની પણ માતા હરિનો ઉપયોગ કરીને બ્રિટન અને ફ્રાંસને નુકસાન પહોંચાડવાનું વિચારતા હતા. 

આ દરમિયાન વર્ષ ૧૯૧૬માં માતા હરિ માસ્લોને મળવાના ચક્કરમાં સ્પેનના માદ્રિડ શહેરમાં ફરજ બજાવતા જર્મન લશ્કરી અધિકારી મેજર આર્નોલ્ડ કાલેને મળી. આર્નોલ્ડ કાલે માતા હરિની મુલાકાત જર્મનીના ઉચ્ચ લશ્કરી અધિકારી સાથે કરાવવાનો હતો. તેઓ ઈચ્છતા હતા કે, માતા હરિ તેમના માટે જાસૂસી કરેઆ દરમિયાન મેજર કાલેએ બર્લિન રેડિયો સ્ટેશનને કોડ લેન્ગ્વેજમાં એક સંદેશ આપ્યો કે, જર્મન જાસૂસ એચ-૨૧ દ્વારા ઘણી મદદ મળી. આ સંદેશ ફ્રાંસના જાસૂસોએ આંતરી લીધો અને આ કોડ લેન્ગ્વેજ ઉકેલીને તેઓ એવા તારણ પર આવ્યા કે, એચ-૨૧ એટલે માતા હરિ.

પછી શું? ફ્રાંસે ૧૩મી ફેબ્રુઆરી૧૯૧૭ના રોજ પેરિસની એક ભવ્ય હોટેલમાંથી માતા હરિની ધરપકડ કરી. ફ્રાંસ લશ્કર અને ગુપ્તચર તંત્રે રજૂઆત કરી કે, માતા હરિ જર્મન જાસૂસ હતી. તેણે પહોંચાડેલી માહિતીના કારણે ૫૦ હજાર સૈનિકના મોત થયા હતા. આ આરોપના કારણે જ મીડિયાએ માતા હરિને 'મહાન જાસૂસ' તરીકે ચગાવી મૂકી. હકીકત એ હતી કે, માતા હરિએ જર્મનીને ફ્રેન્ચ નેતાઓ અને લશ્કરી અધિકારીઓની અંતરંગ વાતો અને સેક્સ કૌભાંડોની 'નકામી' માહિતી આપી હતી.

એવું કહેવાય છે કે, આવી નકામી માહિતી મેળવીને ગુસ્સે થયેલા જર્મનોએ જ માતા હરિને ફ્રાંસની જાસૂસી કરવાના કેસમાં ફસાવી દીધી હતી. આ કેસની સુનવણી વખતે માતા હરિએ એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે, તેણે હંમેશા ફ્રેન્ચ લશ્કરને મદદ કરી હતી, પરંતુ આવું કરતા ફ્રાંસે પણ માતા હરિ પર 'ડબલ એજન્ટ'નો આરોપ મૂકી દીધો હતો.

***

માતા હરિના મૃત્યુના ૧૦૦ વર્ષમાં થયેલા અનેક સંશોધનો પરથી એવું સાબિત થઈ ગયું છે કે, માતા હરિએ પ્રેમી વદિમ માસ્લોને મળવાની લાલચમાં અથવા કોઈ મોટી મુશ્કેલીથી બચવા માટે જર્મની અને ફ્રાંસના લશ્કરી અધિકારીઓ વચ્ચે 'સંતુલન' રાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ વ્યવહારુપણું જ તેના માટે મોત બનીને આવ્યું હતું. ફ્રાંસે માતા હરિને જાસૂસી કાંડમાં સંડોવી દીધી હતી અને પછી તેનું ઠંડા કલેજે 'એન્કાઉન્ટર' કરવાનો હુકમ કર્યો હતો.

છેવટે આરોપો, પ્રતિ-આરોપો અને સુનવણીઓના દોર પછી ૧૫મી ઓક્ટોબર, ૧૯૧૭એ ફ્રેન્ચ ફાયરિંગ સ્ક્વૉડે માતા હરિને ગોળીઓથી વીંધીને મૃત્યુદંડ આપ્યો હતો. માતા હરિએ મોતનો સામનો કરતી વખતે આંખો પર કાળી પટ્ટી પહેરવાની ઘસીને ના પાડી દીધી હતી. જીવનની આખરી ક્ષણોમાં પણ તે એક ઉચ્ચ દરજ્જાની નર્તકીની જેમ સજીધજીને આવી હતી અને છાતીમાં ગોળીઓ ઝીલતા પહેલાં તેણે ફાયરિંગ સ્ક્વૉડને પણ ફ્લાઇંગ કિસ આપી હતી.

1 comment: