28 June, 2016

ઉડતા જાસૂસ: કલ, આજ ઓર કલ


એક સમયે ફક્ત લશ્કરી કે અન્ય હેતુથી વિકસાવેલી ટેક્નોલોજી સામાન્ય માણસના જીવનમાં એટલી ધસમસતી આવે છે કે પછી એને લગતા કાયદા-કાનૂન બનાવવા સરકારે રીતસરનું દોડવું પડે છે. આ વાતનું સૌથી તાજું ઉદાહરણ કોઈ હોય તો તે છે, ડ્રોન ટેક્નોલોજી. નજીકના ભૂતકાળનું આવુ વધુ એક ઉદાહરણ આપવું હોય તો સ્માર્ટફોનનું આપી શકાય. સ્માર્ટફોનથી ઘણાં મહત્ત્વના કામ થઈ શકે છે પણ કોઈને કલ્પનાય નહોતી કે, સ્માર્ટફોનનો સૌથી વધારે ઉપયોગ સેલ્ફી લેવા માટે થશે અને દુનિયાના અનેક દેશોએ બીજા અનેક કાયદાકાનૂનની સાથે સેલ્ફી માટે પણ નીતિનિયમો બનાવવા પડશે! ડ્રોન સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. સુરક્ષાના કારણસર ભારતમાં ડ્રોન ઉડાડવું ગેરકાયદે હોવા છતાં દેશમાં હજારો લોકો ડ્રોનની માલિકી ધરાવે છે. ભારતમાં મોટા ભાગના લોકોએ ડ્રોન ઓનલાઈન ખરીદ્યા છે. હજુ એપ્રિલ ૨૦૧૬માં જ ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશને ડ્રોનને લગતી ડ્રાફ્ટ (ફાઈનલ નહીં) પોલિસી જાહેર કરી છે, જે અંતર્ગત તમે ડ્રોનની માલિકી ધરાવતા હોવ તો તેનો યુનિક આઈડેન્ટિફિકેશન નંબર મેળવવો જરૂરી છે.

ટેકનિકલ ભાષામાં ડ્રોન વિમાનો ‘અનમેન્ડ એરિયલ વ્હિકલ’ તરીકે ઓળખાય છે. બિનફળદ્રુપ ઈંડામાંથી જન્મેલી, ખૂબ અવાજ કરતી, કદરૂપી ડ્રોન’ નામની નર માખીઓના નામ પરથી આ વિમાનો ‘ડ્રોન’ નામે જાણીતા થયા છે. હવે અનમેન્ડ એરિયલ વ્હિકલ દુનિયાભરમાં ડ્રોન’ તરીકે જ ઓળખાય છે. હજુ ગઈ કાલ સુધી લશ્કરમાં સરહદે દેખરેખ રાખવા, જાસૂસી કરવા કે કામચલાઉ નકશા બનાવવા ડ્રોનનો ઉપયોગ થતો હતો. આજે દુનિયાના અનેક દેશોમાં પોલીસ, ફિલ્મમેકરો, ફોટોગ્રાફરો, રોડ કે રેલવે કન્સ્ટ્રક્શન સાઈટ્સ પર કામ કરતા એન્જિનિયરો તેમજ કૃષિ અને ખાણકામ ક્ષેત્રે ડેટા ભેગા કરવા સર્વેયરો પણ ડ્રોનનો મોટા પાયે ઉપયોગ કરે છે. કાલે એવું પણ થઈ શકે છે કે, ઓનલાઈન ઓર્ડર કરેલું પુસ્તક આપવા તમારા ઘરે કોઈ માણસ નહીં પણ ડ્રોન આવે!



વિશ્વની સૌથી મોટી ઈલેક્ટ્રોનિક કોમર્સ કંપની એમેઝોનના ભેજાબાજ સીઈઓ જેફ બેઝોસે વર્ષ ૨૦૧૩માં જ ડિલિવરી કરવા માણસ નહીં પણ ડ્રોન જશે એ વિચાર રજૂ કર્યો હતો. એ વખતે અનેક લોકોએ બેઝોસની વાત હળવેકથી લઈને ઉડાવી દીધી હતી. બેઝોસે હજુ તો આ વિચાર રજૂ કર્યો હતો ત્યાં એપ્રિલ ૨૦૧૬થી જાપાનમાં ટ્રાયલ બેઝ પર ડ્રોન ડિલિવરી કરવાનું શરૂ થઈ ગયું છે. આ તો જાપાનની વાત છે, ભારતમાં પણ ડ્રોનની ડ્રાફ્ટ પોલિસી જાહેર થઈ એનો અર્થ એ છે કે, અહીં પણ ડ્રોનના ખૂબ ઝડપથી સારા દિવસો આવશે! એક સમયે હવાઈ તુક્કા જેવી લાગતી ટેક્નોલોજી ક્યારે આપણા જીવનનો હિસ્સો બની જાય છે એનો અહેસાસ સુદ્ધાં થતો નથી એટલે ડ્રોન ટેક્નોલોજી વિશે પણ આવી આશા રાખી શકાય.

અત્યારે બેંગલુરુમાં નેશનલ ડિઝાઈન એન્ડ રિસર્ચ ફોરમ નામની સંસ્થા ૪૦ કિલોગ્રામ સુધીના આઈસબોક્સ  ૧૫૦ કિલોમીટર દૂર સુધી ડિલિવરી કરી શકે એવા ડ્રોન વિકસાવી રહી છે. કેમ? જો આવું ડ્રોન બની જાય તો બરફમાં મૂકેલા માનવ અંગો ટ્રાન્સપ્લાન્ટના હેતુથી એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં પહોંચાડી શકાય. અત્યારે કોઈ દર્દીનો જીવ બચાવવા એકમાંથી બીજી હોસ્પિટલમાંથી માનવ અંગ પહોંચાડવું હોય તો ડૉક્ટરોનો જીવ સતત અદ્ધર રહે છે. હોસ્પિટલ મેનેજમેન્ટે ટ્રાફિક પોલીસની મદદ લેવી પડે છે. આ મુશ્કેલીઓના કારણે એવી સુવિધાનો ઉપયોગ પણ ખૂબ જ મર્યાદિત છે, પરંતુ ૪૦ કિલોગ્રામ સુધીનું વજન લઈને ૧૫૦ કિલોમીટર દૂર જઈ શકે એવા ડ્રોન હોય તો આ તમામ મુશ્કેલીઓનો જ અંત આવી જાય! આવા હેતુથી વિકસાવાઈ રહેલા ડ્રોન માટે તબીબો પાસે પણ સૂચનો મંગાવાયા હતા, જેથી તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝાઈન તૈયાર કરી શકાય. જો નેશનલ ડિઝાઈન એન્ડ રિસર્ચ ફોરમ આવા ડ્રોન વિકસાવવામાં સફળ થશે તો મેડિકલ ઈમર્જન્સી ક્ષેત્રે એ ક્રાંતિકારી ઘટના હશે!

ભારતમાં છેલ્લાં પાંચેક વર્ષમાં જ સુરક્ષા અને દેખરેખ સિવાયના હેતુથી ડ્રોનનો ઉપયોગ કરવાનું પ્રમાણ વધ્યું છે. પ્રધાનમંત્રી બીમા ફસલ યોજનામાં દરેક ખેડૂતને વીમાનો યોગ્ય લાભ મળી રહે એ માટે જમીનો માપવાનું કામ ડ્રોનની મદદથી કરાયું હતું, એ જાણીતી વાત છે. આ વખતે તો ઉત્તરાખંડ સરકારે હરિદ્વારના અર્ધ કુંભ મેળામાં આવતી ભીડનું મેનેજમેન્ટ કરવા ડ્રોન તૈનાત કર્યા હતા. આ કામ પ્રાઈવેટ કંપનીના ડ્રોન એક્સપર્ટ્સને સોંપાયું હતું. ભારતના મંદિરો અને ધાર્મિક મેળાવડામાં દોડધામ થતાં મોટા પાયે જાનહાનિ થાય છે. આ મુશ્કેલીનો અંત લાવવા પણ ડ્રોન ટેક્નોલોજી અસરકારક નીવડી શકે એમ છે. હાલ દેશના ૧૩ નેશનલ પાર્કમાં શિકારીઓ પર બાજનજરરાખવા પણ ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે. મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વનો અભ્યાસ કરવા દહેરાદૂનની વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયાએ વર્ષ ૨૦૧૪માં વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ સાથે જોડાણ કર્યું હતું. માટે તેઓ ૪૦ કિલોમીટરના વિસ્તારમાં ભ્રમણ કરી શકે એવા ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે.

ભારતમાં જંગલોના ડેટા ભેગા કરવાનું મોટા ભાગનું કામ મેન્યુઅલી વધારે થાય છે. માટે જંગલોમાં રઝળપાટ પણ કરવી પડે છે. વળી, કેન્દ્રિય જંગલ ખાતામાં નિષ્ણાતો અને ક્લેરિકલ સ્ટાફની સખત અછત છે. આ સ્થિતિમાં મેન્યુઅલી થતા કામમાં ડ્રોન ટેક્નોલોજી ઘણી મદદરૂપ થાય છે. ભારત સરકારની જાણીતી કંપની ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ગેઈલ)એ તેની મધ્યપ્રદેશની ગેસ પાઈપલાઈનની ડ્રોનથી દેખરેખ રાખવા ટેન્ડર બહાર પાડ્યા હતા. બેંગલુરુની એક કંપનીએ નદીઓ, જળાશયો અને તળાવોમાં જમા થઈ જતી શેવાળનો કયાસ કાઢવા માટે ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. દેશમાં તમામ ક્ષેત્રમાં ચોક્કસ આંકડા, વિગતો અને ભૌગોલિક સ્થિતિની માહિતી જાણવા પણ ડ્રોન જ ઉપયોગી નીવડવાના છે. કદાચ એટલે જ માર્ક ઝુકરબર્ગે ભારતના ગામે ગામ ઈન્ટરનેટ પહોંચાડવા ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું વિચાર્યું હતું. 

હવે ક્રિકેટ મેચની લાઈવ એરિયલ ફોટોગ્રાફી માટે પણ ડ્રોનનો ઉપયોગ વધ્યો છે. ડ્રોન સહેલાઈથી ઉપલબ્ધ હોવાથી અત્યારે અનેક કંપનીઓ એરિયલ ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી અને ઈન્ડસ્ટ્રિયલ સર્વેની સર્વિસ આપે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વખતે ઈમર્જન્સી રિસ્પોન્સ આપીને લોકોના જીવ બચાવવા સરકાર પણ ડ્રોન કંપનીઓની સર્વિસ લે છે. આ કંપનીઓ ડ્રોનની મદદથી નિશ્ચિત સમયમાં ડેટા ગેધરિંગથી માંડીને એરિયલ સર્વેની પણ સર્વિસ આપે છે, જેના માટે તેઓ પ્રતિ દિન રૂ. ૫૦ હજાર સુધીનો ચાર્જ વસૂલે છે. આ પ્રકારની કંપનીઓમાં સ્વાભાવિક રીતે જ રિમોટ કંટ્રોલથી ડ્રોન ઉડાડવાના નિષ્ણાતોની જરૂર પડે. આમ, ડ્રોન ટેક્નોલોજીનો વ્યાપ વધશે તો રોજગારીનું પણ સર્જન થશે!

છેલ્લાં પાંચેક વર્ષમાં આવેલી હિન્દી અને દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ એરિયલ ફોટોગ્રાફી માટે ડ્રોનનો મોટા પાયે ઉપયોગ થયો છે. એક સમયે એરિયલ શોટ્સ લેવા હેલિકોપ્ટરોનો ઉપયોગ કરાતો, જેમાં જોખમ પણ વધારે રહેતું. જોકે, હવે ડ્રોનથી એનાથી પણ વધારે સારી અને સસ્તી એરિયલ ફોટોગ્રાફી થઈ શકે છે. થોડા સમય પહેલાં આવેલી તમાશામાં સિનેમેટોગ્રાફર રવિ વર્મને સંખ્યાબંધ શોટ્સ ડ્રોનથી લીધા હતા. નજીકના ભવિષ્યમાં ભારતમાં ડ્રોનનો ઉપયોગ ખૂબ જ વધશે એવું માનવાનું સૌથી મહત્ત્વનું કારણ છે, સસ્તી ટેક્નોલોજી. ડ્રોનમાં હાઈટેક સેન્સર્સની જરૂર નથી, તેનાથી બહુ જ મોટા વિસ્તારમાં સસ્તામાં કામ થઈ જાય છે. વળી, મેન્યુઅલી કામ કરીએ તેના કરતા ડ્રોનથી થયેલું કામ વધારે ચોક્કસ હોય છે. જેમ કે, જમીન-ખેતરોની માપણીનું કામ.

જોકે, કોમર્શિયલ હેતુથી ડ્રોનનો ઉપયોગ કરતી કંપનીઓએ સ્થાનિક પોલીસ અને બીજા વિભાગોની મંજૂરી લેવી પડે છે. આ કંપનીઓ લિગલી બિઝનેસમાં હોવાથી આવી મંજૂરી લઈ લે છે, પરંતુ ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવેલા ડ્રોન વધુ ઊંચાઈએ ઉડી શકતા નહીં હોવાથી આવી મંજૂરી લેવાની જરૂર હોતી નથી. ડીજીસીએની નવી માર્ગદર્શિકા પ્રમાણે, જમીનથી ૨૦૦ ફૂટ ઊંચે ઊડતા ડ્રોનની જ મંજૂરી લેવી પડે છે. એટલું જ નહીં, શોખથી ઉડાડવામાં આવતા ડ્રોનને ચોક્કસ નીતિનિયમો અંતર્ગત કાયદેસરતા આપવાનું પણ વિચારાઈ રહ્યું છે.

એક સમયે આ ઉડતા જાસૂસની શોધ એકસાથે આટલા બધા ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે એવી કોઈએ કલ્પના સુદ્ધાં નહોતી કરી!

2 comments: