07 April, 2016

જંગલ જંગલ બાત ચલી હૈ, પતા ચલા હૈ...


'જંગલ જંગલ બાત ચલી હૈ, પતા ચલા હૈ, ચડ્ડી પહન કે ફૂલ ખિલા હૈ... 

નેવુંના દાયકામાં એક જાપાનીઝ કાર્ટૂન સિરીઝ પરથી બની રહેલી હિન્દી કાર્ટૂન સિરીઝનું ટાઈટલ સોંગ લખવાનું કામ ગુલઝાર સાહેબને સોંપાયું. એ વાર્તા સાંભળીને તેમણે આ શબ્દો ટપકાવ્યાં અને એ ગીત આખા દેશની જીભે ચડી ગયું. બોલો, કહેવાની જરૂર છે કે અહીં 'ધ જંગલ બુક'ના ગીતની વાત થઈ રહી છે? આ ગીતનું સંગીત વિશાલ ભારદ્વાજે આપ્યું હતું. જુલાઈ ૧૯૯૩માં દૂરદર્શન પર બપોરે બાર વાગ્યે આ ગીત સંભળાય એટલે નાના બાળકો જ નહીં, મોટા લોકો પણ ટીવી સામે ગોઠવાઈ જતા. હોલિવૂડમાં બનતી બીજી બાળફિલ્મો કરતા મોગલીની ફિલ્મો ભારતીયોને વધુ અપીલ કરે છે એનું એક મહત્ત્વનું કારણ 'ધ જંગલ બુક'માં આવતા ભારતીય જંગલોના વર્ણન હોઈ શકે! આમ છતાંઅત્યાર સુધી ‘જંગલ બુક’ના આધારે બનેલી ઢગલાબંધ ફિલ્મો અને ટીવી એપિસોડમાં એકેય સંપૂર્ણ ભારતીય નથી. રશિયા અને જાપાન પણ મોગલીની વાર્તાઓના આધારે કાર્ટૂન ફિલ્મો બનાવી ચૂક્યા છે, પણ આપણે નહીં. આ તમામ ફિલ્મોમાં ભારતીય એક્ટર્સ કે વોઈઝ આર્ટિસ્ટ્સનું કામ પણ નહીંવત છે. અત્યાર સુધી ફક્ત ત્રણ જ ફિલ્મમાં મોગલીની ભૂમિકા ભારતીય કલાકારે કરી છે, જેમાંની એક ફિલ્મ છેક ૧૯૪૨માં આવી હતી, બીજી કાલે આવી રહી છે અને ત્રીજી આવતા વર્ષે આવશે.

બે દિવસ પછી રિલીઝ થઈ રહેલી 'ધ જંગલ બુક'નું બજેટ મોગલીની પહેલાંની કોઈ પણ ફિલ્મ કરતા ઘણું વધારે છે. આ ફિલ્મમાં મૂળ ભારતના અમેરિકન બાળક નીલ સેઠીએ મોગલીને જીવંત કર્યો છે, તો વોઈઝ આર્ટિસ્ટ્સ તરીકે નાના પાટેકર (શેરખાન), પ્રિયંકા ચોપરા (કા- અજગર), ઈરફાન ખાન (બાલુ), ઓમ પુરી (બગીરા) અને શેફાલી શાહ (રક્ષા-વરુ) જેવા ધુરંધર કલાકારો છે. આ પહેલાં પણ નાના પાટેક દૂરદર્શનની મોગલી કાર્ટૂન સિરીઝમાં શેરખાનનો અવાજ આપી ચૂક્યા છે. વોલ્ટ ડિઝની પિક્ચર્સ અને ડિરેક્ટર જોન ફાવરુએ બે હજાર છોકરામાંથી ૧૨ વર્ષના નીલની પસંદગી કરી હતી. આ પહેલાં નીલે 'દિવાલી' નામની ફક્ત એક શોર્ટ ફિલ્મમાં કામ કર્યું હતું. મોગલી બન્યા પછી ન્યૂયોર્ક સિટીમાં જન્મેલો અને ત્યાં જ ઉછરેલો નીલ રાતોરાત સ્ટાર છે. જો આપણને નીલની સ્ટોરી ફેસિનેટિંગ લાગતી હોય તો છેક ૧૯૪૨માં ભારતમાં જન્મેલો-મોટો થયેલો એક છોકરો મોગલીની બનીને રાતોરાત હોલિવૂડ સ્ટાર બન્યો હતો અને આજે ભૂલાઈ પણ ગયો, એ કહાનીઈન્ટરેસ્ટિંગ લાગશે!


સાબુ દસ્તગીર

વર્ષ ૧૯૩૪-૩૫ની આસપાસ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ મેકર રોબર્ટ ફ્લાહર્ટી રુડયાર્ડ કિપલિંગની 'ધ જંગલ બુક'ની એક વાર્તા 'તુમાઈ ઓફ ધ એલિફન્ટ્સ' પરથી ફિલ્મ બનાવવા માગતા હતા. એ ફિલ્મ માટે ફ્લાહર્ટી અને તેમનો કેમેરામેન ભારતમાં મૈસુરની આસપાસ લોકેશન શોધવા રઝળપાટ કરતા હતા ત્યારે તેમની નજર 'મોગલી' જેવા એક છોકરા પર પડી. સાબુ દસ્તગીર નામના આ છોકરાને લઈને ફ્લાહર્ટી લંડન ગયા અને વર્ષ ૧૯૩૭માં ‘જંગલ બુક’ સંગ્રહની એક વાર્તા ‘તુમાઈ ઓફ ધ એલિફન્ટ્સ’ના આધારે 'ધ એલિફન્ટ બોય' નામની ફિલ્મ બનાવી. આ ફિલ્મ મેગા હીટ રહી અને ફ્લાહર્ટીને વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો. ફિલ્મની સફળતાના કારણે સાબુ દસ્તગીરને પણ ફાયદો થયો. એ પછી સાબુએ 'ધ ડ્રમ' (૧૯૩૭) અને 'ધ થિફ ઓફ બગદાદ' (૧૯૪૦) જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું. આ ત્રણ ફિલ્મો કર્યા પછી સાબુએ વર્ષ ૧૯૪૨માં 'ધ જંગલ બુક'માં મોગલીની ભૂમિકા ભજવી. આ ફિલ્મ પણ સુપરડુપર હીટ રહી.

આ દરમિયાન બીજા વિશ્વયુદ્ધના કારણે સાબુને બ્રિટીશ ફિલ્મોમાં કામ મળતું બંધ થઈ ગયું, એટલે સાબુ વર્ષ ૧૯૪૪માં અમેરિકા જઈ ત્યાંનો નાગરિક બની ગયો અને હોલિવૂડમાં કામ કરવા લાગ્યો. રસપ્રદ વાત તો એ છે કે, અહીં સાબુ અમેરિકન એરફોર્સમાં જોડાયો અને વર્ષ ૧૯૬૪ સુધી ફિલ્મોમાં પણ કામ કરતો રહ્યો. સાબુ હોલિવૂડમાં ઝળહળતી સફળતા મેળવનારો પહેલો ભારતીય અભિનેતા ગણાય છે. એટલું જ નહીં, અમેરિકા વતી અનેક યુદ્ધ મિશનોમાં ભાગ લઈ સાબુ લશ્કરી કારકિર્દીમાં પણ સફળ રહ્યો હતો. વર્ષ ૧૯૪૦-૫૦ના ગાળામાં સાબુની ગણના અમેરિકા જઈને લખલૂટ પૈસો અને લોકપ્રિયતા મેળવનારા પહેલવહેલા બિન-નિવાસી ભારતીયોમાં થતી હતી. અમેરિકાના સફળ બિન-નિવાસી ભારતીયોના ઈતિહાસમાં સાબુનું નામ સુવર્ણ અક્ષરે કોતરાયેલું છે. યાદ રાખો, એ વખતે એશિયન કલાકારોની ભૂમિકા પણ પશ્ચિમના ગોરા કલાકારો ભજવતા હતા. સાબુને કુદરતી અભિનય ક્ષમતા અને શારીરિક સૌષ્ઠવના કારણે હોલિવૂડમાં માન-સન્માન મળ્યું હતું. જોકે, હોલિવૂડના એક્શન-એડવેન્ચર સ્ટાર ગણાતા સાબુનું વર્ષ ૧૯૬૩માં ફક્ત ૩૯ વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન થયું હતું.

જેમ્સ સ્ટુઅર્ટ અને રોનાલ્ડ રેગન જેવા હોલિવૂડ સ્ટાર સાબુના મિત્રો હતા. રોનાલ્ડ રેગન જાન્યુઆરી ૧૯૮૧માં અમેરિકાના ૪૦મા પ્રમુખ બન્યા હતા અને સતત બે ટર્મ સુધી તેમણે અમેરિકન પ્રમુખપદ સંભાળ્યું હતું. કંઈક એવી જ રીતે, સાબુએ પણ અમેરિકન એરફોર્સ અને ફિલ્મો, એમ બે જુદા જુદા ક્ષેત્રમાં ઝળહળતી સફળતા મેળવી હતી. સાબુએ અમેરિકન એરફોર્સના અનેક મહત્ત્વના યુદ્ધ અભિયાનોમાં ગનમેન તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી હતી. સાબુ પછી બીજો ભારતીય મોગલી આવતા સાત દાયકાથી પણ વધારે સમય વીતી ગયો છે. વર્ષ ૨૦૧૭માં વોલ્ટ ડિઝનીની કટ્ટર હરીફ કંપની વોર્નર બ્રધર્સ 'જંગલ બુકઃ ઓરિજિન્સ' લઈને આવી રહી છે. આ ફિલ્મમાં પણ મોગલીની ભૂમિકા માટે 'લોન સર્વાઈવર' ફેઇમ ભારતીય બાળકલાકાર રોહન ચાંદને સાઇન કરાયો છે.

રુડયાર્ડ કિપલિંગ અને તેમના પિતા જ્હોન લોકવૂડ કિપલિંગ

સર રુડયાર્ડ કિપલિંગની 'ધ જંગલ બુક'માં ભારત અને ભારતીયતા છલકાતી હોવા છતાં આપણે તેના પરથી સફળ ફિલ્મો બનાવી નથી. આજેય કિપલિંગે લખેલી મોગલીની વાર્તાઓ વાંચવાની એટલી જ મજા આવે છે, જેટલી એકાદ સદી પહેલાંના બાળકોને આવી હશે! આમ છતાં, દુનિયામાં સૌથી વધારે ફિલ્મો બનાવવાનું ગૌરવ લેતી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ આવી અનેક ભારતીય વાર્તાઓ પરથી હજુ સુધી ફિલ્મો કે ટીવી સિરીઝ બનાવી નથી, એ ખરેખર આશ્ચર્યની વાત છે. (વીડિયો ગેમ્સની તો વાત જ દૂર છે) મોગલીની વાર્તાઓ કહેતું કિપલિંગનું પહેલું પુસ્તક 'જંગલ બુક' ઇસ. ૧૮૯૪માં પ્રકાશિત થયું હતું. એ વખતે તેમની ઉંમર ફક્ત ૨૯ વર્ષ હતી. આ પુસ્તકને સફળતા મળી એટલે તેમણે એ પછીના વર્ષે 'ધ સેકન્ડ જંગલ બુક' જેવું સીધુસાદું નામ આપીને બીજું એક પુસ્તક લખી નાંખ્યું.

આ વાર્તાઓ તેમણે અમેરિકાના વર્મોન્ટ સ્ટેટમાં ગાળેલા દિવસોમાં લખી હતી. રુડયાર્ડનો જન્મ ૩૦મી ડિસેમ્બર, ૧૯૬૫માં બ્રિટીશ ઈન્ડિયાની બોમ્બે પ્રેસિડેન્સીમાં થયો હતો અને તેમના બાળપણના શરૂઆતના છ વર્ષ બોમ્બેમાં વીત્યા હતા. બોમ્બેમાં નાનકડા રુડયાર્ડની દેખભાળ રાખવા તેમના પિતા જ્હોન લોકવૂડ કિપલિંગે એક પોર્ટુગીઝ આયા અને મીતા નામની એક ભારતીય નોકરાણી રાખી હતી. આ બંને પાસેથી રુડયાર્ડ અને તેમની બહેન એલિસે અનેક વાર્તાઓ સાંભળી હતી. કિપલિંગે કબૂલ્યું છે કે, આ વાર્તાઓ સાંભળીને તેમની કલ્પનાસૃષ્ટિ ખીલી હતી. રુડયાર્ડ કિપલિંગને ગુજરાતના સાપુતારા (અપભ્રંશ શબ્દ, મૂળ નામ સાતપુરા)ના જંગલોમાંથી પણ 'જંગલ બુક'ના વર્ણનો કરવાની પ્રેરણા મળી હતી. 

આ વાત જરા વિગતે કરીએ. ઈસ. ૧૮૮૭માં રોબર્ટ આર્મિટેજ સ્ટર્નડેલ નામના બ્રિટીશ પ્રકૃતિશાસ્ત્રી, લેખક અને બિઝનેસમેને  મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સુધી ફેલાયેલી સાપુતારા પર્વતમાળામાં રઝળપાટ કરીને 'સિઓની એન્ડ કેમ્પ લાઈફ ઓફ સાતપુરા રેન્જ' નામનું સુંદર પુસ્તક લખ્યું હતું. (મધ્યપ્રદેશના સિઓની જિલ્લામાં સિઓની ટેકરીઓ આવેલી છે.) કિપલિંગને વરસાદી જંગલોનું વર્ણન કરવાની પ્રેરણા આ પુસ્તકમાંથી મળી હતી. મોગલીની વાર્તાઓમાં રોયલ બેંગાલ ટાઇગર પણ મહત્ત્વનું પાત્ર છે. એક સમયે આ પ્રજાતિના વાઘ સાપુતારામાં પણ જોવા મળતા હોવાના પુરાવા છે. શું કિપલિંગને શેરખાનનું પાત્ર રચવાની પ્રેરણા આવી રીતે મળી હશે?


રુડયાર્ડ કિપલિંગના મુંબઈના બંગલૉ બહાર નીલ સેઠી

આ સિવાય પણ કિપલિંગે બે અત્યંત મહત્ત્વના પુસ્તકોની પહેલવહેલી આવૃત્તિનો અભ્યાસ કર્યો હોવાની માહિતી મળે છે. એક, તેમના પિતા જ્હોન લોકવૂડ કિપલિંગનું 'ધ બિસ્ટ્સ એન્ડ મેન'. આ પુસ્તકમાં માણસો અને પશુ-પંખીઓના સંબંધનો વિકાસ, હિંદુ સંસ્કૃતિમાં પશુ-પંખીઓનું મહત્ત્વ તેમજ તેના સાથે જોડાયેલા રીતરિવાજોની ઊંડી છણાવટ કરાઈ છે. તેમાં સિનિયર કિપલિંગે એક એકથી ચડિયાતા રેખાચિત્રો દોર્યા છે. બીજું પુસ્તક છે, જ્યોર્જ સેન્ડરસનનું 'થર્ટીન યર્સ એમોંગ ધ વાઈલ્ડ બિસ્ટ્સ ઓફ ઈન્ડિયા'. સેન્ડરસન પ્રિન્સલી સ્ટેટ ઓફ મૈસૂરના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા અને જાણીતા પ્રકૃતિશાસ્ત્રી હતા. ખેતરોના પાકને જંગી નુકસાન પહોંચાડતા જંગલી હાથીઓને પકડીને તેમને કેવી રીતે કાબૂમાં લેવા અને પાળવા એ વિશે તેમણે વૈજ્ઞાનિક પદ્ધતિ વિકસાવી હતી. આ કારણસર બ્રિટીશ ઈન્ડિયામાં તેઓ 'એલિફન્ટ કિંગ' તરીકે જાણીતા હતા. એવું કહેવાય છે કે, કિપલિંગની 'તુમાઈ ઓફ ધ એલિફન્ટ્સ' વાર્તાના પીટરસન સાહેબ એટલે આ જ્યોર્જ સેન્ડરસન. ટૂંકમાં, ‘જંગલ બુક’ના વર્ણનોમાં આવતા ભારતીય જંગલોમાં રુડયાર્ડ ક્યારેય ગયા જ ન હતા! એટલે કે રુડયાર્ડની કલ્પનાશક્તિ પણ ગજબની હતી અને તેમણે વાંચેલા પુસ્તકો પણ આલા દરજ્જાના હતા, જેની મદદથી તેઓ ભારતીય જંગલોના વર્ણનો કર્યા હતા. 

કિપલિંગના મૃત્યુ પછી થયેલા સંશોધનો દરમિયાન તેમણે લખેલી એક નોંધ મળી આવી હતી. આ નોંધ પ્રમાણે કિપલિંગે સૌથી નાની પુત્રી જોસેફાઈન માટે 'ધ જંગલ બુક'ની વાર્તાઓ લખી હતી... જોસેફાઈન ફક્ત છ વર્ષની વયે ન્યુમોનિયાના કારણે મૃત્યુ પામી હતી. આ દરમિયાન કિપલિંગે લખેલો એક પત્ર પણ મળી આવ્યો હતો, જેમાં તેમણે 'ધ જંગલ બુક' વિશે ચોંકાવનારી, પણ નિખાલસ કબૂલાત કરતા કહ્યું છે કે, ''... મેં મારી જાતને અનૈતિક રીતે મદદ કરી હોય એવી પૂરેપૂરી શક્યતા છે, પણ અત્યારે મને કશું યાદ નથી કે મેં કોની વાર્તાઓ ચોરી હતી...''

જોકે, કિપલિંગ પર પ્લેજિયારિઝમ (સાહિત્યચોરી)નો ગંભીર આરોપ મૂકી શકાય કે નહીં એ આજેય ચર્ચાનો વિષય છે. ખેર, વર્ષ ૧૯૦૭માં આ મહાન લેખક નોબલ પુરસ્કાર જીતીને નોબલ જીતનારા પહેલા બ્રિટીશ લેખક બન્યા હતા. કહેવાય છે ને કે, ક્યારેક સત્ય કલ્પના કરતા પણ વધારે રોમાંચક હોય છે.

નોંધઃ તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

No comments:

Post a Comment