28 February, 2016

અમેરિકાએ લાદેનની લાલચમાં મુંબઈનો ભોગ લીધો હતો


અલ કાયદાએ વર્ષ ૧૯૯૮માં આફ્રિકાના બે દેશ ટાન્ઝાનિયા અને કેન્યાના અમેરિકન રાજદૂતાવાસો પર ટ્રક બોમ્બથી હુમલા કર્યા, જેમાં ૨૦૦થી વધારે લોકોના મોત થયા હતા. એ સમયે વિશ્વભરમાં અમેરિકન રાજદૂતાવાસો અને પ્રવાસીઓને લક્ષ્યાંક બનાવાતા હતા. અમેરિકા જાણતું હતું કે, આ બધી ઘટનાઓ પાછળ અલ કાયદાની સંડોવણી છે, પરંતુ એ વખતે અમેરિકન ઈન્ટેલિજન્સ ઓસામા બિન લાદેન અને તેના નેટવર્ક વિશે ખાસ કશું જાણતું ન હતું. વ્હાઈટ હાઉસ અને પેન્ટાગોનના ઉચ્ચ અધિકારીઓ સખત તણાવમાં હતા કારણ કે, વિશ્વમાં રોજેરોજ ક્યાંકને ક્યાંક અમેરિકનોને ફૂંકી મરાતા હતા. આ સ્થિતિમાં હેડલીએ અમેરિકાને ઓફર કરી કે, હું તમને જેહાદની દુનિયામાં લઈ જઈશ. જો તમે આ ઓફર સ્વીકારશો તો જ લાદેન સુધી પહોંચી શકશો અને અલ કાયદાના નેટવર્કના મૂળિયા જાણી શકશો...

છેવટે આ વખતે પણ અમેરિકન ઈન્ટેલિજન્સ અધિકારીઓએ હેડલીની ઓફર સ્વીકારી લીધી અને તે ફરી એકવાર છૂટી ગયો.

હેડલીની ઓફર પછી સર્જાયું, ૯/૧૧

હેડલીએ ઓફર કરતા તો કરી દીધી પણ આ કામ અત્યંત અઘરું હતું. આ દરમિયાન ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ અલ કાયદાના ૧૯ ફિદાયીનોએ ચાર પેસેન્જર પ્લેનનું અપહરણ કરીને અમેરિકા પર ખૌફનાક  હુમલો કર્યો. આતંકવાદીઓએ બે પ્લેનની મદદથી વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બંને ટાવર ફૂંકી માર્યા, એક પ્લેનથી અમેરિકાની શાન સમા સંરક્ષણ ખાતાના હેડક્વાર્ટર પેન્ટાગોનનું એક ટાવર ફૂંકી માર્યું અને એક પ્લેનથી વ્હાઈટ હાઉસ પર હુમલાનો પ્રયાસ કર્યો. આ ઓપરેશનમાં ફક્ત વ્હાઈટ હાઉસ પરનો હુમલો નિષ્ફળ રહ્યો. ૯/૧૧ તરીકે જાણીતી આ ઘટનામાં છ હજાર લોકોના મોત થયા હતા, જેમાં પેન્ટાગોનના ૧૨૫ અધિકારી, ૫૫ મિલિટરી પર્સોનલ, ૭૨ લૉ એન્ફોર્સમેન્ટ અધિકારીઓ અને ૩૪૩ ફાયર ફાઇટર્સ પણ સામેલ હતા. આ હુમલાએ અમેરિકાનો અહંકાર ચકનાચૂર કરી નાંખ્યો હતો.

એડ્રિયન લેવી અને કેથરિન સ્કોટ ક્લાર્કનું પુસ્તક અને તાજ હોટેલ પરનો હુમલો


હેડલી છેક વર્ષ ૧૯૯૮માં અમેરિકાને જેહાદની દુનિયામાં લઈ જઈ લાદેન સુધી પહોંચવાની લાલચ આપી છૂટી ગયો હતો, પરંતુ ૯/૧૧ના પાંચ વર્ષ પછીયે એટલે કે વર્ષ ૨૦૦૬ સુધી તે કશું જ કરી શક્યો ન હતો. હવે હેડલીની જાનને ખતરો હતો. અમેરિકન ઈન્ટેલિજન્સના શાંત, ખૂંખાર અને ચબરાક અધિકારીઓ આકુળવ્યાકુળ થઈ ગયા હતા. હેડલીને આર્થિક મદદ કરીને આગળ વધવામાં મદદ કરનારા અધિકારીઓ પણ બેચેન હતા. હવે તેઓ હેડલીનું કાસળ કાઢી નાંખવાની ફિરાકમાં હતા.

એક યોગાનુયોગે હેડલીને બચાવી લીધો

વર્ષ ૨૦૦૬ સુધી હેડલી કશું જ કરી ના શક્યો પણ અમેરિકાથી ૧૩ હજાર કિલોમીટર દૂર પાકિસ્તાનમાં એ જ વર્ષે અગાઉ જણાવ્યું હતું એમ લાલ મસ્જિદની ઘટના બની. આ ઘટના પછી લશ્કર એ તૈયબા ખતમ થઈ રહ્યું હતું. એક તરફ, તૈયબા પર પાકિસ્તાની લશ્કર અને આઈએસઆઈનું ભારત પર મોટો હુમલો કરવાનું દબાણ હતું અને બીજી તરફ, અમેરિકન ઈન્ટેલિજન્સના કેટલાક અધિકારીઓમાં લાદેનને ઝબ્બે કરવાની 'અંગત મહત્ત્વાકાંક્ષા' બળવત્તર થઈ ગઈ હતી. આ એક ખતરનાક યોગાનુયોગ હતો.

આ સ્થિતિમાં (યાદ રાખો, વર્ષ ૨૦૦૬માં) હેડલીએ જેહાદની દુનિયામાં ઘૂસવા તૈયબાને એક ઓફર કરી. તેણે તૈયબાના આકાઓને કહ્યું કે, ભારતમાં એક મોટો હુમલો કરવા તમે મારો 'ઘૂસણખોર' તરીકે ઉપયોગ કેમ નથી કરતા? જોકે, શરૂઆતમાં તૈયબાને હેડલીની ક્ષમતા અને તેના ઈરાદા વિશે શંકા હતી, પરંતુ ભારતમાં મોટો હુમલો કરવા હેડલીનું મહત્ત્વ સમજતા તૈયબાને વાર ના લાગી. હેડલી અડધો પાકિસ્તાની અને અડધો અમેરિકન હતો. અમેરિકન પાસપોર્ટ ધરાવતો હતો. વળી, ઉર્દૂનો અચ્છો જાણકાર અને અમેરિકન ઉચ્ચારોમાં અંગ્રેજી બોલતો ગોરો પુરુષ હતો. સૌથી મહત્ત્વની વાત એ હતી કે, હેડલી જાતને જોખમમાં મૂકીને ભારત પર હુમલો કરાવવા આતુર હતો. આ ઓફરની સાથે જ મુંબઈ હુમલાના કાવતરાની શરૂઆત થઈ ગઈ હતી.

એવું નહોતું કે, આ બધું વ્હાઈટ હાઉસની સીધી દેખરેખ હેઠળ થતું હતું પણ ૯/૧૧ પછી વ્હાઈટ હાઉસે અમેરિકન ઈન્ટેલિજન્સના અનેક અધિકારીઓને વધારે પડતી છૂટછાટો આપી હતી.

મુંબઈ હુમલાની યોજના શરૂ કરાઈ

તૈયબાએ ભારતીયોની સાથે વિશ્વભરના પ્રવાસીઓ પણ હોય એવા સ્થળે હુમલો કરવાનો નિર્ણય લીધો. આ કારણસર હેડલીએ તૈયબાના સૂચનોને આધારે મુંબઈની તાજ હોટેલ અને તેની આસપાસના સ્થળોની રેકી કરવાનું શરૂ કર્યું. તાજ હોટેલ નજીક નરીમાન હાઉસ પણ હતું, જે મહારાષ્ટ્રના યહૂદીઓની સામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર સ્થાન છે. આ સ્થળોની રેકી કરવા હેડલીએ મુંબઈની સાત અને દિલ્હીની એક વાર મુલાકાત લીધી હતી. મુંબઈમાં તેણે શ્રીમંત મિત્રો પણ બનાવ્યા હતા. મુંબઈ વિશે તેને ઊંડું જ્ઞાાન હતું. શિવસેનાના ઉદ્ભવ અને મુસ્લિમ માફિયાઓના ઇતિહાસનું પણ તેને સંપૂર્ણ જ્ઞાાન હતું.

બીજી તરફતૈયબાના કમાન્ડરોએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગરીબ-પછાત વિસ્તારોમાંથી ૩૨ યુવકને પસંદ કર્યા. કસાબ પણ ઓકારા નામના આવા જ અત્યંત ગરીબ-પછાત નગરનો રહેવાસી હતો, જ્યાં પોલીસ અને ન્યાયતંત્ર જેવું કશું છે જ નહીં. આતંકની દુનિયામાં આ શહેર ઓકારા નહીં પણ 'બ્લેસ્ડ સિટી' તરીકે ઓળખાય છે કારણ કે, અહીંથી આત્મઘાતી હુમલાખોરો મળી રહે છે. અહીં સામાજિક કલ્યાણના કામ પણ તૈયબા જેવા જૂથોની સ્વૈચ્છિક સંસ્થાઓ જ કરે છે.

જોકે, ભારત પર હુમલાની તાલીમ શરૂ થતાં જ કેટલાક યુવકો ડરી ગયા અને છેલ્લે ફક્ત વીસ યુવક બચ્યા. આ બધા જ એવા યુવકો હતા, જે અનાથ હતા, કોઈના માતા-પિતા છૂટા પડી ગયા હતા, કોઈના પિતા મૃત્યુ પામ્યા હતા, કોઈ પરિવારથી વિખૂટા પડી ગયા હતા અથવા તો તેમના પરિવારો અત્યંત અભણ-અબુધ હતા.

આતંકીઓને પીઓકેમાં તાલીમ અપાઈ હતી

આ યુવકોને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદમાં આવેલી ચેલ્લા બાંદી પર્વતમાળામાં તાલીમ અપાઈ હતી. કાશ્મીર વેલીમાં ભારત સામે લડવા અહીં પહેલેથી જ બેઝ કેમ્પ ધમધમતો હતો. અહીં યુવકોને તંબૂ ફાળવાયા અને તેમના નામ દૂર કરીને નંબર આપી દેવાયા. હવે તેઓ તૈયબાના 'રોબોટ' હતા. અહીં તેઓ લશ્કરી અને આધ્યાત્મિક તાલીમ લેતા હતા. તૈયબાના કમાન્ડરો તેમજ પાકિસ્તાની લશ્કર અને આઈએસઆઈના ચુનંદા અધિકારીઓ સિવાય કોઈ જાણતું ન હતું કે, આ યુવકો મુંબઈ શહેર પર ક્યારે અને કેવી રીતે હુમલો કરશે. ખુદ યુવકોને પણ ખબર ન હતી કે, તેઓ મુંબઈ પર હુમલાની તાલીમ લઈ રહ્યા છે. તેઓ ફક્ત એટલું જ જાણતા હતા કે, આ એક ફિદાયીન હુમલો હશે!

આ યુવકોને બિલ્ડિંગમાં ઘૂસવાની, ગાદલાનો કવચ તરીકે ઉપયોગ કરવાની, એકબીજાને બચાવીને આગળ વધવાની, આછા પ્રકાશમાં ફક્ત સિગ્નલથી વાત કરવાની, નકશા સમજવાની તેમજ ભૂખ-તરસમાં ટકી રહેવાની તાલીમ અપાઈ હતી. બાદમાં તમામને સ્વિમિંગની આકરી તાલીમ આપવા મુઝફ્ફરાબાદમાં ઓલિમ્પિક સ્ટાઇલનો મહાકાય સ્વિમિંગ પુલ પણ તૈયાર કરાયો હતો કારણ કે, મુંબઈ હુમલામાં મરીન ટ્રેઇનિંગનું તત્ત્વ ઉમેરાઇ ગયું હતું. જોકે, આ પુલમાં ફિલ્ટર સિસ્ટમ નહીં હોવાથી તેનું પાણી કાળુ થઈ ગયું હતું. આ કારણોસર યુવકોને વહેતા પાણીની કેનાલોમાં મરીન ટ્રેઇનિંગ અપાઇ હતી.

આઘાતજનક વાત તો એ છે કે, ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓ પીઓકેમાં બાજનજર રાખતી હોવાના દાવા કરે છે. જોકે, 'મુંબઈ પર હુમલો થઈ શકે છે' એવી 'ચોક્કસ માહિતી' પણ અમેરિકન ઈન્ટેલિજન્સ જ ભારતને આપતું હતું, પરંતુ વર્ષ ૨૦૦૬ એનું પ્રમાણ ઘટી ગયું અને તેઓ મોટા ભાગે 'એલર્ટ' આપીને સંતોષ માનતા હતા. અમેરિકાએ જવાબદારીમાંથી છટકવા આ કારસો રચ્યો હતો.

આખરે, તૈયબાએ હેડલીની મદદથી મુંબઈની તાજ પર હુમલો કરવાની તારીખ નક્કી કરી અને વીસમાંથી દસ ચુનંદા યુવકોને મુંબઈ મિશન માટે રવાના કરાયા. એ પછી શું થયું એ લોહિયાળ ઈતિહાસથી આપણે વાકેફ છીએ. આ ઘટના પછી ભારતના કેટલાક બાહોશ ઈન્ટેલિજન્સ અધિકારીઓએ અમેરિકન ઈન્ટેલિજન્સને ફોન કરીને સખત નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તમે અમારી સાથે ગદ્દારી કરી. લાદેનને પકડવાની લાલચમાં તમે મુંબઈનો ભોગ લીધો... 

એ વખતે અમેરિકાનો જવાબ હતોઃ અમે તો તમને ચેતવ્યા જ હતા...

હુમલામાં ભારતીયોની પણ સંડોવણી હતી

હેડલીના પાકિસ્તાન સ્થિત હેન્ડલર મેજર ઇકબાલ નામના આઈએસઆઈના એક 'ગુપ્ત વ્યક્તિ'એ ભારતીય લશ્કરના ટ્રેઇનિંગ મેન્યુઅલના આધારે આતંકવાદીઓનો તાલીમ કાર્યક્રમ સંભાળ્યો હતો. આ પ્રકારના મેન્યુઅલમાં લશ્કરની નબળાઈ વિશે પણ વિસ્તૃત માહિતી હોય છે. મુંબઈ પર હુમલો કરવા ભારતીય સુરક્ષા નેટવર્કની એક વ્યક્તિએ જ આઈએસઆઈને આ મેન્યુઅલ પહોંચાડ્યું હતું. આ વ્યક્તિને આઈએસઆઈએ 'હની બી' એવું કોડનેમ આપ્યું હતું. મુંબઈથી પણ કેટલાક લોકોએ તૈયબાને જરૂરી માહિતી આપી હતી, જેમને તૈયબાએ 'ચુહા' કોડનેમ આપ્યું હતું.

ભારત સરકારે મુંબઈ હુમલાનો આ 'લોકલ એન્ગલ' શોધવા રામ પ્રધાન કમિશન ઓફ ઈન્કવાયરીની રચના કરી હતી, જે આજેય 'હની બી' કે 'ચુહા'ને શોધી શક્યું નથી.

***

આ તમામ માહિતી 'ધ સીજ : ૬૮ અવર્સ ઈનસાઈડ ધ તાજ હોટેલ' નામના પુસ્તકમાં મળે છે. એડ્રિયન લેવી અને કેથરિન સ્કોટ ક્લાર્ક નામના પત્રકાર-લેખક દંપત્તિએ ૧૫ દેશ અને પાંચ ખંડમાં રઝળપાટ કરીને મજબૂત પુરાવા સાથે આ પુસ્તક લખ્યું છે. આ પુસ્તક લખવા તેઓ ભારત-પાકિસ્તાન-અમેરિકાના ઈન્ટેલિજન્સ અધિકારીઓ અને પોલીસ, આઈએસઆઈના હેન્ડલરો, તૈયબાના કમાન્ડરો અને મૃતક આતંકવાદીઓના સ્વજનોને પણ મળ્યા હતા. આ ઉપરાંત તેમણે અમેરિકન ઈન્ટેલિજન્સ, હેડલી તેમજ હેડલી-તૈયબાના ફોન કૉલ, ઈ-મેઈલ ઈન્ટરસેપ્ટ અને લખાણો સહિતના પુરાવાનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો.

એક ટેલિવિઝન ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યૂમાં એડ્રિયનને પૂછાયું હતું કે, તમે પુસ્તક લખવા આ જ વિષય કેમ પસંદ કર્યો? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ૯/૧૧ પછી અમેરિકાએ ઊંડુ વિશ્લેષણ કરીને ૬૦૦ પાનાંનો દળદાર રિપોર્ટ તૈયાર કર્યો હતો. બ્રિટનમાં પણ ૭/૭ પછી હજારો પાનાંનો રિપોર્ટ બનાવાયો. નેશનલ આર્કાઈવ્સમાં જઈને કોઈ પણ વ્યક્તિ તેનો અભ્યાસ કરી શકે છે. ૯/૧૧ પછી અમેરિકામાં અનેક સુંદર પુસ્તકો લખાયા, જ્યારે મુંબઈની ૨૬/૧૧ ઘટના પછી પ્રધાન સમિતિએ તૈયાર કરેલો રિપોર્ટ ફક્ત ૬૪ પાનાંનો છે. આ રિપોર્ટમાં ઈન્ટેલિજન્સ, મિલિટરી કે પોલીસ અધિકારીઓ, એનએસજી, રાજકારણીઓનો ઈન્ટરવ્યુ સુદ્ધાં નથી. જે લોકો મૃત્યુ પામ્યા, બચી ગયા, શહીદ થયા, તાજનો સ્ટાફ, અન્ય મહેમાનો અને સુરક્ષાકર્મીઓની પૂરેપૂરી વાત એમાં છે જ નહીં. ૬૪ પાનાંની માહિતી આપીને તમે કહી શકો કે, આ મુંબઈ હુમલાની સ્ટોરી છે? છેવટે અમે જ આ વિષય પર એક સારું પુસ્તક લખવાનું વિચાર્યું...  

***

શિકાગોની જેલમાં ૩૫ વર્ષની જેલની સજા ભોગવી રહેલા હેડલીની ભારત વીડિયો કોન્ફરન્સિંગથી જુબાની લે, અમેરિકા ભારતને પૂછપરછની મંજૂરી આપે કે હેડલીની કબૂલાતોથી પાકિસ્તાન ભોંઠપ અનુભવે- શું આ ભારત સરકારની બહુ મોટી સફળતા છેતમને શું લાગે છે?

નોંધઃ આ લેખનો ભાગ-1 વાંચવા અહીં ક્લિક કરો.

2 comments:

  1. એકદમ એક્સક્લુસિવ માહિતી સાથેનો આર્ટિકલ..

    ReplyDelete
  2. સંદીપ ખૂબ આભાર... કીપ વર્થ રીડિંગ, કીપ શેરિંગ... :)

    ReplyDelete