15 February, 2016

ઈસ્લામિક સ્ટેટ કેવી રીતે અલ કાયદાથી વધુ ખૂંખાર બન્યું?


હવે ભારતમાંથી પણ 'ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ કે શકમંદો ઝડપાયા' એ મતલબના અહેવાલો દર બીજા દિવસે ચમકી રહ્યા છે. થોડા દિવસ પહેલાં આઈ.એસ. પાસે તાલીમ લઈને સીરિયાથી પાછા આવેલા ચાર અમદાવાદી યુવકોના પણ સમાચાર હતા. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી પણ આઈ.એસ. સાથે સંપર્કો ધરાવતા વીસેક યુવાનોની પૂછપરછ કરી રહી છે. પાકિસ્તાનમાં આઈ.એસ.ના આતંકવાદીઓની સંખ્યા ૫૦૦એ પહોંચી ગઈ હોવાનું આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ કહી રહી છે. પાકિસ્તાનના આતંકવાદી જૂથો પણ આઈ.એસ. સાથે જોડાઈ રહ્યા છે. હવે તેઓ દક્ષિણ એશિયામાં ભારત અને ચીન સહિતના પ્રદેશ પર કબજો કરવા ઈચ્છે છે. શું આ પ્રકારના અહેવાલોનો અર્થ એ છે કે, ભારતમાં આઈ.એસ.નું જોખમ વધી રહ્યું છે?

શિક્ષિત યુવાનો આઈ.એસ. સાથે તાલીમ લઈને આવે એનો અર્થ શું છે?- એ ભારત સરકાર પણ સારી રીતે સમજે છે. એટલે જ ગૃહ મંત્રાલયે અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયાની જેમ આઈ.એસ. પાસે તાલીમ લઈને આવેલા યુવાનોની અટકાયત કરી તેમને ફરી મુખ્યધારામાં કેમ લાવવા એની વ્યૂહરચના ઘડી છે. યુનાઇટેડ નેશન્સના અહેવાલ પ્રમાણે, વૈશ્વિક સ્તરે આઈ.એસ.ની તાકાત વધી રહી હોવાના સૌથી મોટા બે કારણ છે. એક, આખેઆખા બીજા આતંકવાદી સંગઠનોને સફળતાપૂર્વક પોતાનામાં ભેળવી દેવા અને બીજું, વિદેશી આતંકવાદીઓની સતત ભરતી. આઈ.એસ. પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા અમેરિકન, યુરોપિયન અને આફ્રિકનની સંખ્યા સતત વધી રહી છે. આઈ.એસ. પાસે ૧૦૦ દેશના કુલ ૨૨ હજાર સભ્યો છે, જે આખી દુનિયામાં તેનો પ્રચારપ્રસાર કરી રહ્યા છે... આ પહેલાં વિશ્વએ ક્યારેય આવું કોસ્મોપોલિટન આતંકવાદી સંગઠન જોયું નથી. આઈ.એસ.ની સફળતાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, ખોટા હેતુ માટે લોકો જેટલા સહેલાઈથી ભેગા થાય છે, એટલા સહેલાઈથી સારા હેતુ માટે લોકો ભેગા નથી થતાં.

આઈ.એસ. વિશ્વના અનેક આતંકવાદી સંગઠનોને પોતાનામાં ભેળવીને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત થઈ રહ્યું છે. આ પ્રક્રિયા હજુયે ચાલુ છે. જેમ કે, આફ્રિકાનું સૌથી ખૂંખાર બોકો હરામ સંગઠન એક સમયે ફક્ત નાઇજિરિયામાં સક્રિય હતું, પરંતુ હવે તેણે પણ આઈ.એસ. સાથે હાથ મિલાવ્યા છે. હવે બોકો હરામ પણ આફ્રિકાના વિવિધ દેશોના રાજદૂતાવાસો પર હુમલા કરવા સક્ષમ છે. આફ્રિકાના જે પ્રવાસન સ્થળોએ વિદેશીઓની વસતી વધારે હોય ત્યાં પણ બોકો હરામે આતંક મચાવ્યો છે. આ સિવાય અલ કાયદા, ખલીફા ઈસ્લામિયા મિન્દાનિયો, ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઉઝબેકિસ્તાન, અન્સાર અલ શરિયા અને અબુ સય્યાફ જેવા જૂથો પણ આઈ.એસ. સાથે જોડાયા છે. એક સમયે આ બધા જ આતંકવાદી જૂથોની તાકાત સ્થાનિક સ્તરે મર્યાદિત હતી, પરંતુ હવે તેઓ રાતોરાત આંતરરાષ્ટ્રીય સ્તરે જોખમી બની ગયા છે. આઈ.એસ.એ આવી જ રીતે તેનો ગઢ યુરોપ અને એશિયા સુધી વિસ્તાર્યો છે. આ સ્થિતિમાં ભારતમાં સક્રિય પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી જૂથો પણ આઈ.એસ.ની મદદથી વધુ મજબૂતાઈ હાંસલ કરી શકે છે.  આઈ.એસ.ની સફળતાના પાયામાં તેની હિટલર જેવી મજબૂત પ્રોપેગેન્ડા સિસ્ટમ છે, જેની ચુંગાલમાં શિક્ષિત મુસ્લિમો જ નહીં પણ પશ્ચિમી દેશોના નાગરિકો પણ આવી રહ્યા છે. ભારતમાં અલ કાયદા ઈન ધ ઈન્ડિયન સબ-કોન્ટિનેન્ટ (એક્યુઆઈએસ) નામની અલ કાયદાની શાખા સક્રિય છે, જેનો મુખ્ય હેતુ ભારતસ્થિત વિદેશીઓ પર હુમલો કરવાનો છે. આ જૂથે પણ આઈ.એસ. સાથે હાથ મિલાવ્યા છે. વર્ષ ૨૦૦૧માં અલ કાયદાએ અમેરિકાની શાન સમા ટ્વિન ટાવર પર હુમલો કર્યો એ પછી અમેરિકાએ અલ કાયદાના તમામ ગઢ ધમરોળી નાંખ્યા હતા. અમેરિકાની આ લડાઈનો ભારતને પણ આડકતરો લાભ મળ્યો હતો, પરંતુ અત્યારની સ્થિતિ અલગ છે. આ જૂથ પાસે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાંમારમાં ભાંગફોડ કરવા માટે ૩૦૦ સભ્ય છે. આ તમામ દેશોમાં સક્રિય આતંકવાદી જૂથોના યુવાનો સતત આઈ.એસ.માં ભરતી થઈ રહ્યા છે. 

અલ કાયદા પણ આંતરરાષ્ટ્રીય સ્તરનું જ આતંકવાદી સંગઠન હતું, પરંતુ વિશ્વના અનેક ખૂંખાર આતંકવાદી જૂથોને પોતાની સાથે સફળતાપૂર્વક જોડવાની આઈ.એસ. જેવી તેની પાસે ક્ષમતા ન હતી. આ ઉપરાંત આઈ.એસ.ની આર્થિક શક્તિ પણ અલ કાયદાથી ઘણી વધારે છે. અલ કાયદાનું સંચાલન તાલીબાનોએ કબજે કરેલા પ્રદેશોમાંથી મળતી આવકમાંથી થતું હતું. જેમ કે, તાલીબાનો અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી ધરાવતા વિસ્તારોમાંથી સૌથી વધારે કમાણી કરતા હતા. આ અફીણ વેચવા અલ કાયદાએ અમેરિકા, લેટિન અમેરિકા અને યુરોપના ડ્રગ્સ માફિયા સાથે પણ મજબૂત નેટવર્ક બનાવ્યું હતું. જોકે, આઈ.એસ. પાસે અફીણ કરતા અનેકગણો વધારે ઉપજાઉ ગણાય એવો ઓઈલનો ધંધો છે. ઈરાક અને સીરિયાના ઓઈલ સમૃદ્ધ વિસ્તારોમાં આઈ.એસ.નો કબજો છે, જેની આવકમાંથી તેણે આ બંને દેશમાં 'સરકાર' રચી છે. આઈ.એસ.એ તાલીબાનોની જેમ તોરા બોરાની ગુફાઓમાં બેસીને આતંક મચાવવામાં સંતોષ નથી માન્યો પણ તે ખૂબ જ લાંબા ગાળાનું વિચારીને આગળ વધી રહ્યું છે.

ઓઈલ અને આતંકવાદના રાજકારણને લીધે આઈ.એસ.ની કોકડું એટલું બધું ગૂંચવાયું છે કે તેને ઉકેલવું બહુ અઘરું થઈ ગયું છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે, આઈ.એસ.નું લશ્કર ક્યાં લડી રહ્યું છે એ ખબર જ નથી પડતી. આ વાત થોડી વિગતે સમજીએ. આઈ.એસ.ને સાઉદી અરેબિયા, કતાર અને તુર્કીમાંથી પણ મદદ મળી રહી છે કારણ કે, તેઓ શિયા મુસ્લિમોની બહુમતી ધરાવતા ઈરાનનો પ્રભાવ ઘટાડવા માગે છે. એટલે કે ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધમાં આઈ.એસ. મહત્ત્વની ભૂમિકા ભજવીને 'રાજ' કરી રહ્યું છે. હાલમાં જ અમેરિકન થિંક ટેન્ક કાઉન્સિલ ઈન ફોરેન રિલેશન્સના અહેવાલમાં જણાવાયું હતું કે, વર્ષ ૧૯૬૦થી સાઉદી અરેબિયાએ સુન્નીઓની 'ભલાઈ' માટે ૧૦૦ કરોડ ડોલરનું દાન કર્યું છે. પાકિસ્તાનની ૨૪ હજાર મદરેસા પણ આ નાણાંથી ધમધમે છે, જેમાં શિયા મુસ્લિમો વિરુદ્ધ પણ ઝેર ઓકવામાં આવે છે. અહીં એક રસપ્રદ સરખામણી કરીએ. આ પહેલાં સોવિયત યુનિયને સામ્યવાદનો પ્રચાર કરવા વર્ષ ૧૯૨૦થી છેક ૧૯૯૧ સુધી સાત અબજ ડોલર ખર્ચ્યા હતા. આઈ.એસ.એ ઈરાક અને સીરિયા સહિતના દેશોમાંથી લૂંટફાટ કરીને શસ્ત્રો મેળવ્યા છે. આ શસ્ત્રોનો ભંડાર ખાલી થઈ જશે તો પણ આઈ.એસ.નો પ્રભાવ નજીકના ભવિષ્યમાં ઓછો નહીં થાય.

આઈ.એસ. સારી રીતે જાણે છે કે દરેક આતંકવાદીને હાઈટેક શસ્ત્રો આપવા શક્ય નથી. એટલે જ આઈ.એસ. તેના આતંકવાદીઓને કાર બોમ્બ, સુસાઇડ બોમ્બર અને ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ બનાવવાની અને તેનો ઉપયોગ કરવાની તાલીમ આપે છે. આઈ.એસ. વધુમાં વધુ દસ આતંકવાદીની મદદથી કરી શકાય એવા પેરિસ કે મુંબઈ જેવા હુમલા કરે છે, જેમાં ઓછા ખર્ચે વધુ નુકસાન પહોંચાડીને પોતાનો પ્રભાવ સાબિત કરી શકાય છે. આઈ.એસ. તેની આવકનો બહુ મોટો હિસ્સો બ્રેઇન વૉશિંગ અને ટેક્નોલોજીની મદદથી પ્રોપેગેન્ડા કરવા પાછળ પણ ખર્ચે છે. દુનિયાભરના યુવાનોને આકર્ષવા તેઓ ટ્વિટર અને ફેસબુક જેવા માધ્યમોનો ઉપયોગ કરે છે. હાલમાં જ ટ્વિટરે આઈ.એસ. સાથે જોડાયેલા હોય એવા ૧.૨૫ લાખ એકાઉન્ટ ડિલિટ કર્યા હતા. આ સ્થિતિ સાબિત કરે છે કે, ઈસ્લામિક આતંકવાદ હજુ બહુ લાંબા સમય સુધી ચાલવાનો છે.

ભારતમાં આઈ.એસ.ના જોખમ મુદ્દે ગૃહ મંત્રાલયનું કહેવું છે કે, ભારતીય સુરક્ષા એજન્સીઓ કોઈ પણ પ્રકારના જોખમનો સામનો કરવા સક્ષમ છે... જો આવું હોય તો સારી વાત છે. ફક્ત સુરક્ષા જવાનોનું નૈતિક બળ ટકાવી રાખવા માટે આવા નિવેદનો કરવા જરૂરી છે, પરંતુ આ સાથે ઠોસ કામગીરી કરવાનો સમય થઈ ગયો છે. પઠાણકોટ એરબેઝમાં છ આતંકવાદીને મારવા માટે આપણા સાત એલિટ કમાન્ડોઝ શહીદ થઈ ગયા હતા એ ઘટના હજુ તાજી જ છે. ભારત અને પાકિસ્તાનની નેતાગીરી શાંતિવાર્તા અને વાટાઘાટો માટે ધીમે પણ મક્કમ રીતે આગળ વધી રહી છે. આ સ્થિતિમાં ભારતમાં આતંકવાદી હુમલા વધશે અને પાકિસ્તાન પણ તેનાથી બચી નહીં શકે એવો સુરક્ષા નિષ્ણાતો દાવો કરી રહ્યા છે. પેશાવરની કોલેજ પર થયેલો હુમલો તેનું તાજું ઉદાહરણ છે.

એટલે હાલ પૂરતું ભારતે પણ કાઉન્ટર ટેરરિઝમ, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા તેમજ અમેરિકા-રશિયાની જેમ સ્પેશિયલ ફોર્સ જેવી તમામ સુરક્ષા એજન્સીઓની મદદથી સાંસ્કૃતિક લડાઈની ગાડી પૂરપાટ દોડાવ્યા વિના બીજો કોઈ વિકલ્પ નથી.  

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે. 

No comments:

Post a Comment