02 November, 2015

‘સરસ્વતીચંદ્ર’નો અનુવાદ: ૧૨૮ વર્ષ પછી થયેલું મહાકાર્ય


જે નવલકથા ગાંધીજીએ ધ્યાનથી વાંચીને છાતી ગજ ગજ ફૂલી જાય એવી નોંધ કરી હોય, જે નવલકથા વિશે 'દર્શક' મનુભાઈ પંચોળી કહ્યું હોય કે, ''ભારતના ઉજવણી પર્વમાં ગુજરાત પાસે આપવા જેવી બે ભેટ છે, એક મહાત્મા ગાંધી અને બીજી આ નવલકથા'', જે નવલકથાને ધુરંધર કવિ ન્હાનાલાલે વિશ્વ સાહિત્યની સર્વકાલીન મહાન વિભૂતીઓ જ્હોન વુલ્ફગાંગ વોન ગોથે (જર્મન કવિ) અને વિક્ટર હ્યુગો (ફ્રેંચ નવલકથાકાર, નાટયકાર અને કવિ)ની સાહિત્ય કૃતિઓ સાથે સરખાવી હોય, જે નવલકથા ૧૯મી સદીના ગુજરાતનો ઐતિહાસિક દસ્તાવેજ ગણાતી હોય, જે નવલકથા ગુજરાતના સર્વકાલીન એકથી દસ મહાન પુસ્તકોની યાદીમાં અચૂક સ્થાન પામતી હોય, જે નવલકથા ગુજરાતી સાહિત્યની પહેલી આધુનિક નવલકથા ગણાતી હોય, જે ગુજરાતી નવલકથાની ગણના ૧૯મી સદીના ભારતના કોઈ પણ ભાષામાં લખાયેલા શ્રેષ્ઠ પુસ્તકમાં થતી હોય- એવી મહાન નવલકથા 'સરસ્વતીચંદ્ર'નો પહેલો 'સંપૂર્ણ અંગ્રેજી અનુવાદ' કરીને વિશ્વ સમક્ષ વહેંચવામાં 'ગુજરાતે' ૧૨૮ વર્ષ લાંબો સમય લઈ લીધો છે.

જાણીતા ગાંધીવાદી વિચારક અને સાબરમતી આશ્રમના ડિરેક્ટર ત્રિદિપ સુહૃદે આઠ વર્ષની સતત અને સખત મહેનત કરીને આ અત્યંત કપરું કામ પૂરું કર્યું છે. સરસ્વતીચંદ્રના અંગ્રેજી અનુવાદનો પહેલો ભાગ પ્રકાશિત થઈ ગયો છે, જ્યારે બાકીના ત્રણ ભાગ આગામી દોઢ વર્ષમાં વાચકોના હાથમાં પ્રકાશિત થશે. ૧૯મી સદીમાં લખાયેલી આ નવલકથામાં કુટુંબ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, જીવનમાં ધર્મનું મહત્ત્વ અને ધર્મ થકી વ્યક્તિગત-સામાજિક મુક્તિની વાત આલેખાઈ છે. ભારતમાં અસહિષ્ણુતા, વાડાબંધી, ભ્રષ્ટાચાર અને કુશાસન સતત વધી રહ્યું છે ત્યારે 'સરસ્વતીચંદ્ર'નો અંગ્રેજી અનુવાદ પ્રસિદ્ધ થયો એ અનોખો યોગાનુયોગ છે. હા, દરેક કાળમાં આ પ્રકારની મુશ્કેલીઓ હોય છે એ વાત ખરી પણ એની સામે બૌદ્ધિકોનો આક્રોશ 'ક્લાસિકલ ફોર્મ'માં પ્રગટ થવો જરૂરી છે. આ આક્રોશ લેખનથી લઈને ચિત્ર, નાટક અને ફિલ્મ સહિતની કોઈ પણ કળાના સ્વરૂપમાં હોઈ શકે છે. જો આક્રોશ પણ ‘ગણતરીપૂર્વક’ વ્યક્ત કરાય કે પછી આક્રોશના નામે પૂર્વગ્રહયુક્ત ઝેર જ ઓકવામાં આવે તો સમાજ પર તેની અસર નહીંવત થાય છે. જોકે, દીર્ઘદૃષ્ટા ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ આવા તમામ નકારાત્મક પરિબળોથી સલામત અંતર રાખીને ઘૂઘવતો આક્રોશ વ્યક્ત કરવા કુલ ચાર ભાગમાં 'સરસ્વતીચંદ્ર' જેવી મહાનવલકથા લખી હતી.

અંગ્રેજીમાં અનુવાદિત ‘સરસ્વતીચંદ્ર’ ભાગ-1નું કવર

‘સરસ્વતીચંદ્ર’નો પહેલો ભાગ 'બુદ્ધિધનનો કારભાર' ઈસ. ૧૮૮૭માં પ્રગટ થયો ત્યારે ગોવર્ધનરામની ઉંમર હતી, ફક્ત ૩૨ વર્ષ. એ પછી ઈસ. ૧૮૯૩માં 'ગુણસુંદરીનું કુટુંબજાળ' (હા, ગુણસુંદરીનું-'ની' નહીં.)૧૮૯૭માં 'રત્નનગરીનું રાજ્યતંત્ર' અને ૧૯૦૧માં 'સરસ્વતીનું મનોરાજ્ય' એમ દોઢ દાયકાના કાળખંડમાં ગોવર્ધનરામે એક ક્લાસિક ગુજરાતી નવલકથા પૂરી કરી. આ નવલકથા વિશે ખુદ ગોવર્ધનરામે એક રસપ્રદ વાત કરતા કહ્યું છે કે, હું તો ફક્ત નિબંધ લખવા માગતો હતો... જો  ગોવર્ધનરામ ફક્ત એક નિબંધ લખવા માગતા હતા તો આટલું બધું શું લખી નાંખ્યું? પહેલા ભાગની વાર્તા ઈસ. ૧૮૮૭ની આસપાસના કાળખંડમાં શરૂ થાય છે. એટલે કે, એ ગુજરાતી સમાજ ઈસ. ૧૮૫૭નું આઝાદીનું આંદોલન જોઈ ચૂક્યો હોય છે. રાજા-રજાવાડા ખતમ થઈ રહ્યા હોય છે અને યુનિવર્સિટી શિક્ષણની શરૂઆત થઈ ગઈ હોય છે. આ બધી જ વાત એક બ્રાહ્મણ પરિવારની આસપાસ ગૂંથાયેલી છે. આ ભાગમાં સત્તાનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ થાય ત્યારે મૂલ્યોનું સંપૂર્ણપણે ધોવાણ કેવી રીતે થાય છે એ વાત કહેવાઈ છે. બીજા ભાગની વાર્તા આધુનિક-શિક્ષિત ગુજરાતી પરિવારની આસપાસ ફરે છે, જેમાં શિક્ષિત દંપત્તિના વિચારો શિક્ષણના કારણે કેવી રીતે બદલાય છે એ વાત છે. આ ઉપરાંત તેમાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં વ્યક્તિની અંગત આઝાદી છીનવાઈ જાય છે કે પછી વ્યક્તિને સુરક્ષા મળે છે?- એ મુદ્દો પણ છેડાયો છે. આ ભાગમાં ગોવર્ધનરામ આવી વાતો કરતા કરતા મોડર્ન-સ્ટાઈલિશ લાઈફ સ્ટાઈલ વિશે પણ ઘણું બધું કહેતા જાય છે.

નવલકથા ત્રીજા ભાગથી નવું રૂપ ધારણ કરે છે. અહીં ગોવર્ધનરામ રાજ્ય વ્યવસ્થા કેવી હોવી જોઈએ એની વાત કરીને 'રાજધર્મ'ની ઊંડી છણાવટ કરે છે. આ ભાગમાં વાચકને 'મહાભારત'નું પ્રતિબિંબ જોવા મળે છે. આટલું લખ્યા પછીયે ગોવર્ધનરામને ઘણું બધું કહેવું છે એટલે તેઓ ચોથો ભાગ પણ લખે છે. આ ભાગમાં તેઓ સમાજ માટે ધર્મની જરૂર કેટલી હોઈ શકે એ વાત કરે છે. અહીં તેઓ સમાજનો પુનરોદ્ધાર કરવા ધર્મ કેટલો ઉપયોગી નીવડી શકે? તેમજ આધુનિક જીવનમાં સંન્યાસી જીવનનું મહત્ત્વ શું?- એવા સવાલો ઊભા કરીને તેના જવાબ આપે છે. આ ઉપરાંત તેઓ આધુનિક સાધુ જીવનની કલ્પના કરે છે, જેમાં સ્ત્રીઓની હાજરી સામે વાંધો નથી. આ ભાગમાં તેઓ સાબિત કરે છે કે, ધર્મની ગેરહાજરીમાં સમાજનો પુનરોદ્ધાર શક્ય નથી. આ સાથે જ ચોથો ભાગ અને 'સરસ્વતીચંદ્ર' નવલકથા પણ પૂરી થાય છે. ધર્મની હાજરીનો અર્થ અહીં ઘણો વિશાળ છે. સમાજમાં ધર્મની હાજરીનો અર્થ આખો સમાજ ધર્મભીરુ અને ચરિત્રવાન હોય- એવો પણ થાય છે. જો સમાજ જ ઉચ્ચ નીતિમૂલ્યો ધરાવતો હોય તો સત્તા પણ સતત સાવચેત રહે અને સત્તા પણ સુશાસન માટે સતત પ્રયત્નશીલ રહે. જોકે, નવલકથા વાંચતી વખતે દરેક વખતે નવા નવા અર્થો મળતા જાય છે. એટલે જ આનંદશંકર ધ્રુવે 'સરસ્વતીચંદ્ર'ને 'કલિયુગનું પુરાણ' કહી છે.

ગોવર્ધનરામ ત્રિપાઠી

આ નવલકથામાં ગોવર્ધનરામ આદર્શ કુટુંબ, સમાજ, રાજ્ય અને ધર્મ એમ ચારેય વ્યવસ્થાની સમજ આપવા ભર્તુહરિ, કાલિદાસ, ભવભૂતિ, ભગવદ્ ગીતા, મહાભારત, પંચતંત્રના સંસ્કૃતપ્રચુર અવતરણોની સાથે વિલિયમ શેક્સપિયર, ઓલિવર ગોલ્ડસ્મિથની નવલકથાઓ, નાટકો તેમજ વિલિયમ વર્ડ્સવર્થ, જ્હોન કિટ્સ, વિલિયમ કૂપર અને પર્સી શેલીની કવિતાઓ જેવા ક્લાસિક પશ્ચિમી સાહિત્યના પણ ઉલ્લેખો કરતા જાય છે. એ રીતે પશ્ચિમી સાહિત્યના તત્કાલીન ગુજરાતી સાહિત્ય પરના પ્રભાવને સમજવા પણ આ કૃતિ મહત્વની છે. ૧૯મી સદીમાં જન્મેલી અને પશ્ચિમી સંસ્કૃતિથી વાકેફ ગાંધીજી સહિતના અનેક હસ્તીઓએ 'સરસ્વતીચંદ્ર' વિશે અભિપ્રાયો આપ્યા હતા. મહાદેવ દેસાઈની ૨૫મી માર્ચ, ૧૯૩૨ની ડાયરીમાં ગાંધીજીએ 'સરસ્વતીચંદ્ર' વિશે આપેલા અભિપ્રાયની નોંધ છે. ગાંધીજીએ નવલકથા વાંચીને કહ્યું હતું કે, ''પહેલા ભાગમાં એમણે પોતાની બધી જ કળા ઠાલવી દીધી છે. આ વાર્તા સૌંદર્યરસથી ભરપૂર છે. પાત્રાલેખન બેજોડ છે. બીજામાં હિંદુ સમાજ સરસ રીતે આલેખાયો છે, ત્રીજામાં એમની કળા વધુ ઊંડી ગઈ છે અને તેઓ જે કંઈ આપવા માગતા હતા એ ચોથા ભાગમાં ઠાલવી દીધું છે.''

૧૯મી સદીના ગુજરાતી સમાજ પર 'સરસ્વતીચંદ્ર'એ ઘેરી છાપ છોડી હતી એ વાતમાં કોઈ શંકા નથી. આ કૃતિ અંગ્રેજીમાં નહીં હોવા છતાં વર્ષ ૧૯૬૮માં ગોવિંદ સરૈયાએ મનીષ અને નૂતનને લઈને 'સરસ્વતીચંદ્ર' ફિલ્મ બનાવી હતી, જેને બેસ્ટ સિનેમેટોગ્રાફી અને બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. આ કારણોસર 'સરસ્વતીચંદ્ર' નવલકથા ગુજરાત બહાર પણ થોડી ઘણી જાણીતી હશે એવું માની શકાય.  ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં 'સરસ્વતીચંદ્ર'ના પાઠ આવે છે એવી જ રીતે, દિલ્હી અને કોલકાતામાં પણ તે ભણાવાઈ રહી છે. જો નવલકથા અંગ્રેજી કે બીજી ભાષામાં ભાષામાં અનુવાદિત નથી થઈ તો ભણાવાઈ છે કેવી રીતે? રસપ્રદ વાત એ છે કે, આ બંને રાજ્યોમાં 'સરસ્વતીચંદ્ર' ભણાવવા 'સ્ક્રેપ બુક્સ- ભાગ-૧,,'નો ઉપયોગ થઈ રહ્યો છે. આ સ્ક્રેપ બુક એટલે ગોવર્ધનરામે ઈસ. ૧૮૮૮થી ૧૯૦૬ દરમિયાન અંગ્રેજીમાં લખેલી રોજનીશી. આ સ્ક્રેપ બુકનો પહેલો ભાગ વર્ષ ૧૯૫૭માં અને બાકીના બે ભાગ ૧૯૫૯માં પ્રકાશિત થયા હતા.

જોકે, અત્યારના વિદ્યાર્થીઓ કે નવલકથા રસિયાઓને ૨,૨૦૦ પાનાંમાં ફેલાયેલી, ૧૫૦ પાત્રો ધરાવતી, સંસ્કૃતપ્રચુર ગુજરાતીમાં સામાજિક નિસબત સાથે લખાયેલી અને ક્લાસિક સંસ્કૃત-પશ્ચિમી સાહિત્યકૃતિઓનું શિક્ષણ આપતી જતી 'સરસ્વતીચંદ્ર' નવલકથા ધીમી અને કંટાળાજનક લાગી શકે છે! પરંતુ ૧૨૮ વર્ષ પહેલાં લખાયેલી આ કૃતિને એ જમાનાના ગુજરાતી, ભારતીય અને વિશ્વ સાહિત્યના સંદર્ભમાં મૂલવવાની હોય. વળી, આ કૃતિમાં ગોવર્ધનરામે સમાજની વિવિધ મુશ્કેલીઓને ઝીલીને એક 'આદર્શ સમાજ'ની રચના કેવી રીતે થઈ શકે એ કહેવાનો પ્રયાસ કર્યો છે. ઈસ. ૧૮૭૩માં ગોવર્ધનરામે માત્ર ૧૮ વર્ષની ઉંમરે અંગ્રેજીમાં ભાષણ આપવાના હેતુથી બે લેખ લખ્યા હતા. આ લેખના શીર્ષક હતાઃ 'ઈઝ ધેર એની ક્રિયેટર ઓફ ધ યુનિવર્સ?' અને 'ધ સ્ટેટ ઓફ હિંદુ સોસાયટી ઈન બોમ્બે પ્રેસિડેન્સી'. ગોવર્ધનરામની વિદ્વતાનો આ નાનકડો પુરાવો છે. 

એ રીતે આ નવલકથા એક માઇલસ્ટોન છે, ગુજરાતની અંગ્રેજી માધ્યમમાં ભણતી નવી પેઢી અને વિશ્વભરના વાચકો સુધી ‘સરસ્વતીચંદ્ર’ને પહોંચાડવા અંગ્રેજી અનુવાદની અનિવાર્યતા વિશે હવે વધુ કહેવાની જરૂર ખરી

સાહિત્ય પ્રજાથી જીવે છે, અકાદમીથી નહીં!

ત્રિદિપ સુહૃદ
'સરસ્વતીચંદ્ર'નો અંગ્રેજીમાં અનુવાદ કરનારા ત્રિદિપ સુહૃદે આ પુસ્તક ફક્ત દસ વર્ષની ઉંમરે વાંચ્યું હતું. આ પુસ્તકનો અને ગુજરાતી સાહિત્યનો પરિચય તેમને તેમની માતાએ કરાવ્યો હતો. આ અનુવાદ કરતા પહેલાં પણ ત્રિદિપ સુહૃદ આ કૃતિ અનેકવાર વાંચી ચૂક્યા છે. આટલી મહાન કૃતિનો અત્યાર સુધી અનુવાદ કેમ ના થયો એ અંગે તેઓ કહે છે કે, ૧૨૮ વર્ષમાં 'સરસ્વતીચંદ્ર'ના પાંચેક વાર અનુવાદ થઈ જવા જોઈતા હતા. ગાંધી સાહિત્યનો અંગ્રેજીમાં ભરપૂર અનુવાદ થયો છે કારણ કે, ગાંધીની આસપાસ એવા પ્રતિબદ્ધ લોકો હતા, જેમને ગાંધીની વાત વિશ્વને પહોંચાડવી હતી. વળી, એ વખતના સાક્ષરો એકથી વધારે ભાષામાં ઊંડો રસ લેતા હતા. આજે હિન્દી, બંગાળી, મરાઠી, કન્નડ, મલયાલમ અને તમિલ જેવી ભાષાઓનું સાહિત્ય અંગ્રેજીમાં અનુવાદિત થઈને વિશ્વ સમક્ષ મૂકાય જ છે પણ ગુજરાતીમાં એવું થતું નથી. એ પ્રક્રિયા અટકી ગઈ છે એમાં કોઈ શંકા નથી. આપણી પાસે અખો, નરસિંહ મહેતા, મેઘાણી અને મુનશીનું ક્લાસિક સાહિત્ય છે પણ એનોય અનુવાદ નથી થયો. મેઘાણીના ૮૮ સુંદર પુસ્તકો છે, જેમાંથી માંડ ત્રણેકનો અંગ્રેજી અનુવાદ થયો છે. ભદ્રંભદ્રજેવી સુંદર હાસ્ય નવલકથા પણ ગુજરાતીઓ પાસે છે પણ એનોય અનુવાદ નથી થયો.

અત્યારે તો અંગ્રેજી માધ્યમની સ્કૂલો વધી રહી છે. ગુજરાતી વિષય તરીકે પણ ભણાવવાનું ઘટી રહ્યું છે તો ભવિષ્યમાં ઉત્તમ ગુજરાતી સાહિત્ય લખાવાનું તો ઠીક એના અનુવાદનું કામ પણ અટકી નહીં જાય? એવી ચિંતાનો જવાબ આપતા ત્રિદિપ સુહૃદ કહે છે કે, અંગ્રેજી માધ્યમમાં ભણીને પણ ગુજરાતી ભાષામાં રસ લઈ શકાય છે. અત્યારે તો ઉત્તમ સાહિત્યના અનુવાદની બહુ જ મોટી તક છે કારણ કે, ગુજરાતનો બહુ જ મોટો વર્ગ વિદેશ જઈને વસ્યો છે અને હજુ થોડા વર્ષો પછી એ લોકોએ પોતાના મૂળિયાને જોવા-જાણવા ઉત્તમ ગુજરાતી પુસ્તકોના અનુવાદનો જ સહારો લેવો પડશે. આજેય બંગાળીઓ પોતાની પાસે જે કંઈ પણ સારું હોય એ તરત જ વિશ્વ સમક્ષ મૂકે છે, ઘણી ભાષાઓમાં આવું સતત થતું હોય છે પણ ગુજરાતીમાં એવું નથી કારણ કે, સાહિત્ય એ સંસ્થાઓ કે અકાદમીઓથી નહીં પણ પ્રજાથી જીવે છે.

6 comments:

  1. very nice piece.. this novel, the concepts of love letter..floated for the first time in gujarati literature had created a lot of waves in the society, and infact delayed the actual printing of the book..

    ReplyDelete
    Replies
    1. Thanks Binita. And thx for updating me also bcz I dont know this novel's printing is delayed. Pls giv me more information if u have.

      Delete

  2. કલસિક લિટરેચર ેટલે જેના વિષે બધા જાણતા હોય પણ કોઈએ વાંચ્યું ન હોય. આજના ગુજરાતમાં જ્યાં ગુજરાતી વાંચવાના ફાંફાં છે ત્યાં કેટલાય સરસ્વતીચંદ્ર વાંચ્યું હશે. વીસમી સદીની શરુઅતમાં વાંચનારા હતા.આજે તેમાંના કેટલા જીવીત હશે? જ્યાં શેક્સ્પીયર ગુજરાતીમાં ભણાવાય છે. તેમાં પાછું ઈંગ્લીશમાં કોણ વાંચવા નવરું છે? અનુવાદ થયો છે અભિનંદન પાત્ર છે. બસ તેથી આગળ કાંઈ નહીં આજે તો રાજ્ય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા પણ બદલાઈ ગઈ છે. ત્યાં તેની ચર્ચાનો પણ અર્થ ખરો?

    ReplyDelete
  3. ક્લાસિક લિટરેચર એટલે એવું કે જેના વિશે બધા જાણતા હોય પણ કોઈએ વાંચ્યું ના હોય, એ અર્ધસત્ય છે. ક્લાસિક સાહિત્ય ક્લાસિક લોકોએ તો વાંચ્યું જ હોય :)))))))))))) અંગ્રેજીની ઢગલાબંધ ક્લાસિક કૃતિઓ ગુજરાતી સહિતની ભાષાઓમાં અનુવાદિત થઈ છે અને એ હજુયે વેચાઈ રહી છે. નવજીવન પ્રેસે પણ કેટલીક ક્લાસિક અંગ્રેજી નવલકથાઓનું પ્રકાશન શરૂ કર્યું છે. હા, વીસમી સદીમાં વાંચનારા 100 ટકા વધારે હતા કારણ કે, સરસ્વતીચંદ્ર જેવી નવલકથાઓ પણ એ વખતે વંચાઈ હતી અને સમાજ પર તેની પ્રચંડ અસર થઈ હતી. સૌથી વધારે પીએચ.ડી. પણ આ જ નવલકથા પર થયું છે. આ બધું હજુયે દાયકાઓ પછી ભણાવાતું જ હશે. શેક્સપિયર પણ અત્યારે ભણાવાય જ છે. પરિવર્તન સંસારનો નિયમ છે એનો અર્થ એ પણ છે કે, જૂનું નવા સ્વરૂપમાં આવે છે. જેમ કે, વિશાલ ભારદ્વાજ શેક્સપિયરના નાટકોના આધારે જ નવી નવી ફિલ્મો લઈને આવે છે. અા બધું વાંચનારો વર્ગ ઓછો થઈ ગયો છે એ વાત ખરી પણ એનો અર્થ એ નથી કે, તેનું મહત્ત્વ ઘટી ગયું છે, અને ઘટી જશે થોડો સમય તો થોડા વર્ષો પછી પાછું વધશે.

    અત્યારે હ્યુમેનિટીઝ જેવી નવી શૈક્ષણિક શાખા વધુ લોકપ્રિય થઈ રહી છે, જેમાં બધું ક્લાસિક જ ભણવાનું હોય છે. વિદેશોમાં તો તે બહુ જ પ્રચલિત છે. આપણા દેશમાં પણ છે એના વિદ્યાર્થીઓ. ત્રિદિપ સુહૃદ પણ હ્યુમેનિટીઝના જ વિદ્યાર્થી છે. (હ્યુમેનિટીઝ વિશે વધુ માહિતી માટે પ્લીઝ ગૂગલિંગ.. ;) ) અને રાજ્ય વ્યવસ્થા કે સમાજ વ્યવસ્થા બદલાઈ ગઈ છે એવું ક્યારેય હોતું જ નથી. મહાભારત-કાળમાં જે હતું એવું અત્યારે છે જ. શેક્સપિયર જે સામાજિક પાખંડ વિશે લખીને ગયો છે એ હજુયે છે જ અને વર્ષો પછીયે હશે જ. સમાજ-રાજ્ય વ્યવસ્થાના પાયાના સિદ્ધાંતો એક હજાર વર્ષ પછીયે નહીં બદલાય. ગોવર્ધનરામે 19મી સદીમાં સમાજવ્યવસ્થાની ચર્ચા કરતી વખતે સંયુક્ત કુટુંબમાં સુરક્ષાની ભાવના મળે છે પણ વ્યક્તિગત સ્વતંત્રતા છીનવાઈ નથી જતી ને?- એવા વિષય પર ચર્ચા કરી હતી. આ તો એક નાનકડું ઉદાહરણ છે, એના ક્લાસિક હોવાનું. ક્લાસિક ક્યારેય અપ્રસ્તુત નથી હોતી. જો પ્રસ્તુત ના હોય તો પણ એ ઈતિહાસ છે, પ્રજાને ઈતિહાસ-બોધ હોવો જ જોઈએ અને એટલે જ એની ચર્ચા થવી જોઈએ.

    ReplyDelete

  4. વિશાલકુમાર, તમે આટલા રસથી જવબ અઅપ્યો તેથી આનંદ થયો. અને અપના જવાબથી બીજા મારા જેવા લોકોને નવું જાણવા મળ્યું.ગુજરાતમાં ગુજરાતી ાપુસ્તકોની સાથે સાથે આંગ્રજી પુસ્તકો પણ વાંચાય ખે. તે જાણ્યુ.અને વાચે ગુજરાતની વાતો કરવાવાળાઓને મેં વધારે વ્ંચ્યા છે. તમારા જેવા નવયુવાન લેખકોએ અને વાચકોએ ગુજરાતનું સાચું ચિતર મારા જેવા આગળ લાવવું જોઈેએ. વિશાલ ભારદ્વાજની ફીલ્મો છી લોકો શેક્સપિયર વાંચવા મ;ડ્યા હશે. એ મેં કદી વિચાર્યું નહોતું ધન્યવાદ. સરું સારું લખતા રહેશો.અમે પરદેશમા
    આપને વાંચતા રહીશું

    ReplyDelete
    Replies
    1. વાંચનારા ઓછા થયા છે એમાં બેમત નથી, પણ ગુજરાતમાં અંગ્રેજી સ્કૂલોની બોલબાલા છે એટલે એ લોકો અંગ્રેજી સાહિત્યથી વધુ વાકેફ છે. ગુજરાતી સ્કૂલો પણ બંધ થઈ રહી છે. આખા અમદાવાદમાં માંડ બે સારી ગુજરાતી સ્કૂલ હશે. ઉપરોક્ત લેખમાં ત્રિદિપ સુહૃદનો જે ઈન્ટરવ્યૂ છે, એમાં બીજો ફકરો ખાસ જુઓ. હવે તો વધારે જરૃર પડશે, અનુવાદોની, સાંસ્કૃતિક આદાનપ્રદાનની. અને, વિશાલ ભારદ્વાજ જેવા ફિલ્મ ડિરેક્ટરોના અંગ્રેજી છાપાઓમાં મોટા ઈન્ટરવ્યૂ છપાય. એમાં એ શેક્સપિયરની રસપ્રદ વાતો કરે. આવા નાના નાના કારણથી પણ નવી અંગ્રેજીમાં ભણતી પેઢી શેક્સપિયરમાં વધુ રસ લેતી થઈ રહી છે. વળી, અમદાવાદમાં પણ હવે તો શેક્સપિયરના નાટકો ભજવાય છે. એટલે કદાચ ક્રોસવર્ડ જેવા સ્ટોરમાં શેક્સપિયરના નાટકો પણ ક્યારેક આઉટ ઓફ સ્ટોક હોય છે... પણ એક વાત નક્કી. આ બધું વાંચનારા ઓછા છે, કદાચ ખરીદનારા વધ્યા હશે ;)

      Delete