11 November, 2015

બાળકો પરના બળાત્કાર કેવી રીતે અટકાવી શકાય?


વર્ષ ૧૯૨૬માં અમદાવાદ ટેક્સ્ટાઈલ ઉદ્યોગના મહારથી અંબાલાલ સારાભાઈએ મિલોના કમ્પાઉન્ડમાં રખડતા ૬૦ જેટલા કૂતરાને મરાવી દીધા હતા. શેઠ અંબાલાલ જેવી વ્યક્તિ વગરવિચાર્યે આવું કૃત્ય તો કરે નહીં એટલે તેમણે કૂતરા મારવાની મંજૂરી આપતા પહેલાં ગાંધીજી સાથે ચર્ચા કરી હતી. આ કૂતરાઓનો ત્રાસ વધી ગયો હોવાથી ગાંધીજીએ જ તેમને આ કામની મંજૂરી આપી હતી. આમ છતાં, કૂતરા મરાવ્યા પછી અંબાલાલને સ્વાભાવિક રીતે જ જોરદાર પસ્તાવો થયો એટલે તેઓ ફરી એકવાર ગાંધીજીને મળવા ગયા. જોકે, 'અહિંસાના પૂજારી' એવા ગાંધીજી પછીયે પોતાની વાતને વળગી રહ્યા. એટલું જ નહીં, વર્ષ ૧૯૨૬માં 'યંગ ઈન્ડિયા'માં ગાંધીજીએ રખડતા કૂતરાના નાશને મંજૂરી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાયદાનું સમર્થન પણ કર્યું. જે ગાંધીજીના જન્મદિવસને દુનિયા 'આંતરરાષ્ટ્રીય અહિંસા દિન' તરીકે ઊજવે છે તેમણે શેઠ અંબાલાલને આપેલી મંજૂરી આજેય એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટ માટે ચર્ચા અને વિવાદનો મુદ્દો બની શકે છે. તો પણ આ વાત ગાંધીજીએ સમજી-વિચારીને જ કરી હશે એમાં કોઈ શંકા નથી.

***

નાઉ કટ ટુ ઓક્ટોબર ૨૦૧૫.

દિલ્હીમાં અઢી અને પાંચ વર્ષની બે બાળકી પર બળાત્કારો થયા. આ ઘટના પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લાગ જોઈને તરત જ મોદી સરકાર સામે રાજકીય નિવેદનો ફટકારવાનું શરૂ કર્યું હતું. કેજરીવાલનું કહેવું હતું કે, દિલ્હી પોલીસનો કંટ્રોલ અમને સોંપો પછી જુઓ...  કેજરીવાલ એવું કહેવા માગતા હતા કે, મારી પાસે પોલીસ હશે તો બળાત્કારો જ નહીં થાય? ખરેખર એવું શક્ય જ નથી. શહેરના દરેકે દરેક બાળકને તો જ્યાં લૉ એન્ડ ઓર્ડર જડબેસલાક છે એવા દેશોમાંય સુરક્ષા આપવી શક્ય નથી. એ માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપથી લઈને કડકમાં કડક કાયદા-કાનૂન બનાવવા જ પડે. આ મુદ્દે કેજરીવાલ સરકાર રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત હતી ત્યાં જ બે બાળકીઓના બળાત્કારોના સમાચારો પર છોટા રાજન, બિહાર ચૂંટણીની બેલગામ નિવેદનબાજી અને લેખકોની એવોર્ડ વાપસીના 'હાઈ ન્યૂઝ વેલ્યૂ' ધરાવતા સમાચારોએ કબજો લઈ લીધો.

...પણ આ ચર્ચા બંધ થયાના થોડા જ દિવસમાં મદ્રાસ હાઈકોર્ટના ચિફ જસ્ટિસ એન. કિરુબકરમે એક બ્રિટીશરના બાળક પરના જાતીય શોષણના કેસમાં 'બાળકોના બળાત્કારીઓ'ને નપુંસક બનાવી દેવાનું સૂચન કરતા ફરી એકવાર બાળકો પર થતા બળાત્કારોનો મુદ્દો સપાટી પર આવ્યો છે. આ ચુકાદો આપતી વખતે કિરુબકરમે નોંધ્યું છે કે, ''બાળકો પરના બળાત્કારો અટકાવવા હું બળાત્કારીઓને નપુંસક બનાવવાનું સૂચન કરું છું. આ પ્રકારના કાયદા 'જાદુઈ પરિણામો' આપી શકે છે. અત્યારના જૂના કાયદા આ દુષણને અટકાવવા પૂરતા કડક નથી. રસાયણોની મદદથી આવા બળાત્કારીઓને નપુંસક બનાવી દેવાના કાયદા અમેરિકા સહિતના અનેક વિકસિત દેશોએ સ્વીકાર્યા છે. અત્યારેય બાળકોના જાતીય શોષણ સામે રક્ષણ આપતા કાયદા છે અને આપણે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ-૨૦૧૨ પણ બનાવ્યો છે. તો પણ વર્ષ ૨૦૧૨માં ૩૮,૧૭૨ બાળકો સામે જાતીય હિંસા આચરાયાના કિસ્સા નોંધાયા હતા, જ્યારે ૨૦૧૪માં આ આંકડો વધીને ૮૯,૪૨૩એ પહોંચી ગયો છે...'' જસ્ટિસ એન. કિરુબકરમે ચુકાદો આપતી વખતે દિલ્હીની બે બાળકીઓના બળાત્કારની ઘટનાને પણ યાદ કરી હતી અને આ ઘટનાઓને 'લોહીથી લથબથ અને ભયાવહ' ગણાવી હતી.બાળકોના બળાત્કારીઓને નપુંસક બનાવવાનું સૂચન એન. કિરુબકરમે લાગણીમાં આવી જઈને નહીં પણ વિવિધ તર્કના આધારે જ કર્યું હતું. આમ છતાં, આ સૂચનને વિવાદાસ્પદ કહીને ભૂલાવી દેવાનો પ્રયાસ થયો હતો. જો ગાંધીજીએ ત્રાસ ફેલાવતા કૂતરા મારવાની મંજૂરી આપી હતી તો પછી બાળકો પર આટલું જઘન્ય, હલકું અને ક્રૂર કૃત્ય કરનારા બળાત્કારીઓને નપુંસક બનાવી દેવામાં શું વાંધો હોવો જોઈએ? એવી કલ્પના નહીં કરતા કે, બળાત્કારી પર આરોપ સાબિત થાય એટલે તેને હિંસક રીતે નપુંસક બનાવી દેવાતો હશે! જે દેશોમાં આવા કાયદા છે ત્યાં બળાત્કારીને પીડા ના થાય એવી કેમિકલની મદદથી આ કામ પાર પડાય છે. આ ઓપરેશન પછી વ્યક્તિના મન પર સેક્સના વિચારો બળાત્કારો કરવા પ્રેરાય એટલા હાવી થઈ શકતા નથી. આ પ્રકારના 'અહિંસક' કાયદાનો વિરોધીઓનું કહેવું છે કે, શું આપણે 'આંખના બદલામાં આંખ' લે એવા સમાજની રચના કરવી છે?, આવી સજા કરવાથી બળાત્કારો ઓછા થઈ જશે?, શું આપણે આવા ગુના અટકાવવા સામાજિક શિક્ષણ અને જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ નહીં કરવો જોઈએ? આ દલીલો કરનારાને એટલું જ કહેવાનું કે, દિલ્હીના બહુચર્ચિત સામૂહિક બળાત્કાર કેસ પછી ઘણાં કાયદાકીય સુધારા થયા છે. શું આ સુધારાનો લાભ મહિલાઓને નથી મળ્યો? અને કાયદાથી ગુનાખોરી નહીં અટકે એ દલીલ પણ અર્ધસત્ય અને છેતરામણી છે. કાયદા હોવા છતાં વધતી જતી ગુનાખોરીના આંકડા આપી દેવાથી આ દલીલ સાચી નથી ઠરતી. એનો અર્થ એ નથી કે કાયદાકીય સુધારા કરવાના જ નહીં અથવા કડક કાયદા હોવા જ ના જોઈએ. લોકો જેવા હોય એવા કાયદા બનાવવા જ પડે.

રહી વાત શિક્ષણ અને સામાજિક જનજાગૃતિની- તો અમેરિકા, યુરોપિયન દેશો અને જાપાન, દક્ષિણ કોરિયા જેવા વિકસિત દેશોમાં પણ શિક્ષણનું સ્તર ખૂબ જ ઊંચું છે. ભારતમાં પણ સદીઓથી શિક્ષણ અપાય જ છે. આમ છતાં, આવા કિસ્સા વધી રહ્યા છે એટલે જ આ દેશોએ પણ બાળકોના બળાત્કારીઓને નપુંસક બનાવવાના કાયદા સ્વીકાર્યા છે, સ્વીકારવા પડ્યા છે. ડેનમાર્ક, નોર્વે, સ્વિડન જેવા સ્કેન્ડેનેવિયન દેશો તેમજ સ્વિત્ઝર્લેન્ડ, લક્ઝમબર્ગ, સિંગાપોર અને જાપાન જેવા દેશોમાં આ પ્રકારની ગુનાખોરીનું પ્રમાણ ઓછું છે, તો ત્યાં કદાચ આવા કાયદાની જરૂર ના હોય. એનો અર્થ એ નથી કે, આપણે પણ એમની અક્કલ વિનાની નકલ કરવાની. વિશ્વના સૌથી વધુ વિકસિત દેશોમાં સ્થાન ધરાવતો દક્ષિણ કોરિયા એશિયાનો પહેલો દેશ છે, જેણે વર્ષ ૨૦૧૧માં બાળકોના બળાત્કારીઓને નપુંસક બનાવવાનો કાયદો બનાવ્યો છે. અમેરિકાના સાત રાજ્યમાં આવા કાયદા છે અને બીજા રાજ્યોમાં પણ આ કાયદાની માગ થઈ રહી છે. ઈન્ડોનેશિયામાં ટૂંક જ સમયમાં આવો કાયદો અમલી થવાનો છે. પોર્ટુગલમાં ખુદ બળાત્કારીને નપુંસક બની જવાનો વિકલ્પ અપાય છે. એટલે કે, તેની મરજી વિરુદ્ધ નહીં પણ જો તે ઈચ્છે તો તેને નપુંસક બનાવી દેવાય છે. ઈઝરાયેલ કે આર્જેન્ટિનામાં જે તે ગુનાની ક્રૂરતાને ધ્યાનમાં રાખીને નપુંસક બનાવવાની સજા અપાય છે.

બાળકો સાથે આવું કૃત્ય થાય ત્યારે ફરિયાદ કરશો તો ન્યાય ચોક્કસ મળશે અને બળાત્કારીનો ગુનો સાબિત થતા જ તેને આકરામાં આકરી સજા ફટકારાશે એવો સંદેશ આપવા પણ અત્યારના કાયદામાં ધરખમ સુધારા જરૂરી છે. નવી દિલ્હીમાં જ દર અઠવાડિયે ૧૨ વર્ષથી ઓછી ઉંમરના સરેરાશ ચાર બાળક (છોકરા-છોકરી બંને) પર બળાત્કાર થાય છે, જેમાં એક, બે અને ત્રણ વર્ષની બાળકીઓ પણ સામેલ હોય છે. વળી, આ તો પોલીસ ચોપડે નોંધાતા આંકડા છે. દિલ્હીમાં એક અઠવાડિયામાં બે બાળકી પર બળાત્કારના હોબાળા પછી અરવિંદ કેજરીવાલ સરકારે કેટલાક રાષ્ટ્રીય અખબારોમાં જાહેરખબર આપીને બાળકોના બળાત્કારીઓને સજા આપવા જનમત માગ્યો છે. આ જાહેરખબરમાં પહેલો જ સવાલ એ છે કે, શું બાળકો સાથે જઘન્ય અપરાધ કરનારાને ઓછામાં ઓછી 'આજીવન કારાવાસ' કે 'ફાંસી' થવી જોઈએ? આ જાહેરખબરમાં બળાત્કાર જેવા ગુનામાં બાળ-ગુનેગારની ઉંમર ૧૮ વર્ષથી ઘટાડીને ૧૫ વર્ષ કરવા અંગે પણ સૂચન મંગાયું છે. જો ૧૨-૧૪ વર્ષનો સ્કૂલે જતો હટ્ટોકટ્ટો બચ્ચો કોઈ બાળકી સાથે આવું કૃત્ય કરે તો તેને બાળ-ગુનેગાર કેવી રીતે માની શકાય? દિલ્હી સરકારે આપેલી જાહેરખબર જ સાબિત કરે છે કે, અરવિંદ કેજરીવાલને પણ કડક કાયદા બદલવા 'જનસમર્થન' જોઈએ છે.

બળાત્કાર એ બળાત્કાર છે એની સરખામણી ના થઈ શકે પણ મહિલા અને બાળક પરના બળાત્કારના ગુનાના કેટલાક પાયાના તફાવત સમજવા જરૂરી છે. સ્ત્રીઓ પરના બળાત્કારમાં તે હિંમત દાખવીને પોલીસ-અદાલતમાં ન્યાય માટે જઈ શકે છે, જ્યારે દસ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર બળાત્કારના કિસ્સામાં તેઓ  ફરિયાદ સુદ્ધાં નથી કરી શકતા. મોટા ભાગના કિસ્સામાં બાળકો ખૂબ જ ડરી ગયા હોય છે. આ કારણોસર પોલીસ અને અદાલતે અપહરણ થયું હોય તો તેના પુરાવા, બાળક પર આચરાયેલી દેખીતી હિંસા અને ફોરેન્સિક રિપોર્ટના આધારે બળાત્કારી સામે કેસ કરવો પડે છે. બળાત્કાર પછી સ્ત્રીને જીવનભર ઘોર અપમાન અને અન્યાયનો ડંખ રહી જાય છે. અનેક કિસ્સામાં પરિવારજનો પણ 'યુવતી જ ગુનેગાર' હોય એવું વર્તન કરે છે. આ સ્થિતિમાં બળાત્કારીઓ (અને એસિડ ફેંકનારા પણ) પુરાવાના અભાવે છૂટી જઈને કોર્ટ રૂમમાંથી હસતા હસતા બહાર આવે ત્યારે યુવતીની સ્થિતિ શું હોય એ સમજાવવા ગમે તેવા શબ્દો ઓછા પડે! એવી જ રીતે, બાળકે કોઈ વ્યક્તિ સામે આવી ફરિયાદ કરી હોય તો ખુદ માતાપિતા ‘એ તો મસ્તી’ કરતા હશે એવું કહીને બાળકને વાત ભૂલાવવાનો પ્રયાસ કરે છે. આવી વ્યક્તિ બાળક સામે છૂટથી હરીફરી રહી હોય અને આ બાળક સિવાય કોઈ આ વાત જાણતું ના હોય એવું પણ હોઈ શકે છે. બળાત્કાર કે ખૂબ લાંબા સમય સુધી થયેલા જાતીય શોષણના કારણે બાળકના કુમળા માનસને ભયાનક માનસિક આઘાત લાગ્યો હોય છે.

આ મુશ્કેલીના મૂળમાં પણ કડક કાયદાનો અભાવ સૌથી મોટું પરિબળ છે. પોલીસ-અદાલતના શરણે જઈને પણ ન્યાય મળવાની શક્યતા નહીંવત હોવાથી જ માતા-પિતા ફરિયાદ કરતા ખચકાય છે. સમાજના ડર અને બાળકનું ભવિષ્ય બગડશે એવું મન મનાવીને પણ ફરિયાદ નથી થતી. બળાત્કારીને સજા જ ના થઇ હોય ત્યારે બાળકની ઉંમર જેમ જેમ વધે તેમ તેમ માનસિક આઘાતમાંથી બહાર આવવાના બદલે વધુને વધુ અન્યાય, અપમાન અને જબરદસ્ત આક્રોશની લાગણીથી પીડાય એવી શક્યતા અનેકગણી વધારે હોય છે. આ સ્થિતિ એક નવા 'ગુનેગાર'ને જન્મ આપી શકે છે. વર્ષ ૨૦૧૪માં ૮૯,૪૨૩ બાળકો જાતીય શોષણનો ભોગ બન્યા પણ તેમાંથી ન્યાય કેટલાને મળ્યો કે મળશે? કદાચ એટલે જ જાતીય શોષણનો ભોગ બનેલા બાળકો માટે કામ કરતી ગોવાની 'સ્ટોપ ચાઈલ્ડ એબ્યુસ નાઉ' જેવી સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ જસ્ટિસ એન. કિરુબકરમના સૂચનને આવકાર્યું છે. 

છેલ્લાં એક દાયકામાં બાળકો પરના બળાત્કારમાં ૩૩૬ ટકાનો વધારો થયો હોવા છતાં કડક કાયદા બનાવવા દિલ્હીના સામૂહિક બળાત્કાર જેવી કોઈ ઘટનાની રાહ જોવાઈ રહી હોય એ હદે તંત્ર ઉદાસીન છે!

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે.

No comments:

Post a Comment