13 May, 2015

બુરી નજરવાલે તેરા મુંહ કાલા


મહારાષ્ટ્ર સરકારે ગૌહત્યા પર પ્રતિબંધ મૂક્યા પછી ટ્રક પાછળ 'હોર્ન ઓકે પ્લીઝ' સૂત્ર લખવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રકારના પ્રતિબંધ માટે મહારાષ્ટ્ર સરકારે ધ્વનિ પ્રદૂષણનું કારણ રજૂ કર્યું છે. જે દેશના લોકો પર ટ્રાફિકને લગતા સાઈન બોર્ડની અસર થતી ના હોય, તેઓ ટ્રકો પાછળ લખેલા સૂત્રો કે સ્લોગન જોઈને હોર્ન મારતા હોય તો એ ભારતની ટ્રક શણગાર કળા (ડેકોરેટિવ આર્ટ)ની તાકાત કહેવાય. ખરેખર તો ટ્રકો પાછળ લખેલા 'હોર્ન ઓકે પ્લીઝ' જેવા સૂત્રોને ટ્રાફિક નિયમન સાથે ઓછો અને લોક સંસ્કૃતિ સાથે વધુ સંબંધ છે. વિશ્વમાં ખાસ કરીને ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ટ્રકોનો શણગાર અને તેની પાછળ લખવામાં આવતા સૂત્રો એ એશિયન પોપ આર્ટ કલ્ચરનો રસપ્રદ વિષય છે. મહારાષ્ટ્ર સરકારને કદાચ ખ્યાલ નથી કે, આખા દેશમાં કદાચ એવી એક પણ ટ્રક નથી કે જેના પર 'હોર્ન ઓકે પ્લીઝ' નહીં લખ્યું હોય! મહારાષ્ટ્ર સરકારનું વલણ 'ચાલો નવો પ્રતિબંધ મૂકીએ' એ પ્રકારનું છે કારણ કે, દેશના બીજા રાજ્યોની ટ્રકો મહારાષ્ટ્રની સરહદમાં પ્રવેશશે ત્યારે આ નિયમ કેવી રીતે લાગુ પડશે, એ વિશે તંત્રએ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.

આ પ્રતિબંધ પછી મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ કમિશનર મહેશ ઝગાડે ન્યૂઝ ચેનલોના કેમેરા સામે કહી રહ્યા હતા કે, ''આ દિશામાં સાંસ્કૃતિ બદલાવની જરૂર છે અને તે લક્ષ્ય હાંસલ કરવા આ નિર્ણય કરાયો છે. હોર્નથી અવાજનું પ્રદૂષણ વધે છે, જેને આવી રીતે જ ઘટાડી શકાય...'' જોકે, મહારાષ્ટ્ર સરકારે સાંસ્કૃતિક બદલાવ લાવવાના ચક્કરમાં એક સાંસ્કૃતિક ઘટના પર જ પ્રહાર કર્યો છે. કોઈ પણ વિસ્તારની સંસ્કૃતિને નજીકથી જાણવા અને માણવા તેના માર્ગો પર પગપાળા પ્રવાસ પણ કરવો જોઈએ. એવી જ રીતે, કોઈ પણ દેશનું કુદરતી સોંદર્ય માણવા તેમજ તેની સંસ્કૃતિ, સમાજ અને લોકોને વધુ ઊંડાણથી સમજવા તેના હાઈ વે પર પ્રવાસ કરવો જોઈએ. ભારતના હાઈ વે પર લાં...બી મુસાફરી કરવી એ વિશ્વમાં કદાચ સૌથી વધુ રસપ્રદ છે અને એનું એક કારણ છે, ટ્રકોને શણગારવાની કળા અને તેની પાછળ લખેલા સૂત્રો. હાઈ વે પર લાંબી મુસાફરીનો આનંદ લેવો એ પણ એક કળા છે.

'હોર્ન ઓકે પ્લીઝઆવ્યુ ક્યાંથી?

'હોર્ન ઓકે પ્લીઝ' આવ્યુ ક્યાંથી એ કોઈ જાણતું નહીં હોવાથી તેનો જવાબ મેળવવાની મથામણમાં જાતભાતની થિયરી સર્જાઈ છે. આ પ્રશ્નનો સૌથી તાર્કિક જવાબ એવો અપાય છે કે, હાઈ વે પર ટ્રક ડ્રાઈવર સાવચેતીથી ઓવરટેક કરે એ માટે પચાસ-સાઠના દાયકામાં ટ્રક પાછળ 'હોર્ન પ્લીઝ' લખવાની શરૂઆત થઈ હતી. કારની સરખામણીમાં ટ્રકનું કદ મોટું હોય છે અને સામાન્ય રીતે તેમાં જંગી માલસામાન ભરેલો હોય છે. આ સ્થિતિમાં ટ્રક ડ્રાઈવરે અકસ્માત નિવારવા સમજી-વિચારીને ઓવરટેક કરવું જોઈએ એ વાત યાદ અપાવવા ટ્રકો પાછળ આવું સૂત્ર ચિતરાતું હતું. જો 'હોર્ન પ્લીઝ'નો જન્મ આવી રીતે થયો હોય તો વચ્ચે 'ઓકે' શબ્દ ક્યાંથી આવ્યો

‘હોર્ન ઓકે પ્લીઝ’ સહિતના સૂત્રો સાથે ટીપિકલ ટ્રક આર્ટ

ટાટા ઓઈલ મિલ્સ કો.નો ‘ઓકે’ સાબુ

એવું કહેવાય છે કે, 'ઓકે'ને 'હોર્ન પ્લીઝ' શબ્દો સાથે કોઈ સંબંધ નથી. પાછળ આવતી વ્યક્તિ દૂરથી પણ 'હોર્ન પ્લીઝ' વાંચી શકે એ માટે મોટા ભાગની ટ્રકો પાછળ છેક ડાબી બાજુ 'હોર્ન' અને છેક જમણી બાજુ 'પ્લીઝ' લખ્યું હોય છે, પરંતુ 'ઓકે' શબ્દ વચ્ચે લખ્યો હોય છે. આ કારણોસર 'હોર્ન પ્લીઝ' અને 'ઓકે'ને એકબીજાથી અલગ હોય એ થિયરી સાચી હોય એવું માની શકાય.

'ઓકે'ના ઉદ્ભવ વિશે એવી થિયરી અપાય છે કે, આરટીઓના નિયમ પ્રમાણે દરેક ટ્રક તપાસીને પ્રમાણિત કરાયેલી હોવી જરૂરી છે. જે ટ્રક આ પ્રક્રિયામાંથી પસાર થઈ હોય તેના પર 'ઓકે' લખાય છે. જોકે, આરટીઓના એક પણ નિયમ પ્રમાણે આવું લખવું ફરજિયાત નથી. બીજી એક થિયરી પ્રમાણે, દ્વિતિય વિશ્વયુદ્ધ વખતે ડીઝલની અછત સર્જાતા ટ્રકો ચલાવવા કેરોસીનનો ઉપયોગ થતો હતો. કેરોસીનથી ચાલતી ટ્રકોનો અકસ્માત  વધુ ગંભીર રહેતો. આ અકસ્માતો નિવારવા હોર્ન મારવાનું વિનમ્ર સૂચન કરવા 'ઓકે' લખવાની શરૂઆત થઈ હતી. આ શુભેચ્છામાં અકસ્માતોથી બચવા 'યુ આર ઓકે, સો આઈ એમ ઓકે'નો ગુઢાર્થ સામેલ હતો.

બીજી એક થિયરી પ્રમાણે, વર્ષો પહેલાં 'ઓકે'ની નીચે નાનકડો બલ્બ પણ ફિટ કરાતો હતો. ટ્રક ડ્રાઈવરો પાછળ આવતી ટ્રકને 'ઓવરટેક કરવું ઓકે છે અને સામેથી કોઈ વાહન નથી આવી રહ્યું' એવો સંદેશ આપવા આ બલ્બ ચાલુ-બંધ કરતા. જોકે, સિંગલ લેન હાઈ વે વખતે આ પદ્ધતિ અપનાવાતી હતી પણ મલ્ટી-લેન હાઈવે બન્યા પછી 'ઓકે' રહી ગયું અને મેઇન્ટેનન્સના કારણે બલ્બ લુપ્ત થઈ ગયો.

ખેર, આ બધી શંકાસ્પદ થિયરી વચ્ચે 'ઓકે'ના ઉદ્ભવની બીજી પણ એક રસપ્રદ થિયરી છે. આ થિયરી પ્રમાણે, આઝાદી પછી ટાટા મોટર્સ સૌથી મોટા ટ્રક ઉત્પાદક કંપની તરીકે ઊભરી રહી હતી. એ વખતે ટાટા જૂથની બીજી પેટા કંપની ટાટા ઓઈલ મિલ્સ કોર્પોરેશને 'ઓકે' નામનો ન્હાવાનો સાબુ બજારમાં મૂક્યો હતો. આ સાબુનું માર્કેટિંગ કરવા કંપનીએ ટાટાની ટ્રકો પાછળ 'ઓકે' લખવાનું શરૂ કર્યું હતું. આ સાબુનું કુદરતીપણું અને તાજગી દર્શાવવા તેના પર કમળનું ચિહ્ન મૂકીને માર્કેટિંગ કરવામાં આવતું હતું. આજે પણ ભારતના હાઈવે પર હજારો ટ્રકોમાં 'ઓકે'ની સાથે કમળનું ચિહ્ન જોવા મળે છે, જે 'ઓકે' સાબુની થિયરીમાં સત્યનો અંશ હશે એવું માનવા પ્રેરે છે.

જોકે, સમયની સાથે 'ઓકે' સાબુ ભૂલાઈ ગયો પણ 'હોર્ન ઓકે પ્લીઝ' અમર થઈ ગયું કારણ કે, આઝાદી પછી દાયકાઓ સુધી ટ્રક ઉત્પાદનમાં ટાટાનું એકચક્રી સામ્રાજ્ય રહ્યું હતું. જોકે, આજેય ટ્રક ઉત્પાદનમાં ટાટા અગ્રણી કંપનીઓ પૈકીની એક છે. આ કારણોસર ટ્રક પાછળ આ સૂત્ર લખવું વણલિખિત નિયમ બની ગયો હોઈ શકે છે.

પોપ્યુલર આર્ટ કલ્ચરમાં મહત્ત્વ

એશિયન પોપ્યુલર આર્ટ કલ્ચરમાં ટ્રકોની શણગાર કળા અને તેની પાછળ લખવામાં આવતા સૂત્રો એ અત્યંત રસપ્રદ વિષય છે. હાઈ વે પર ટ્રક લઈને લાંબી મુસાફરી કરતા ડ્રાઈવર, ક્લિનરને ટ્રક સાથે એક નાતો જોડાઈ જતો હોય છે. કદાચ આ કારણોસર તેઓ પોતાની ટ્રકને એક દુલ્હનની જેમ સજાવતા હશે! ટ્રકોની સજાવટ માટે ડ્રાઈવરો ઓઈલ પેઈન્ટિંગ, લાઈટિંગ, ચળકતા પતરાં, ફૂમતા, રંગબેરંગી ઊનની દોરીઓ અને કાપડનો ઉપયોગ કરાતો હોય છે. પાકિસ્તાનની લોક સંસ્કૃતિમાં ટ્રકના શણગારનું ભારત કરતા પણ વધારે મહત્ત્વ છે. પાકિસ્તાનમાં ટ્રક ડેકોરેશન ક્ષેત્ર ઘણાં લોકોને રોજગારી આપે છે. પાકિસ્તાનના ટ્રક માલિકો એક ટ્રક સજાવવા ચારથી પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કરે છે.

ભારતીય ટ્રક આર્ટનો નમૂનો 

ટ્રક આર્ટનો પોપ કલ્ચર પર પ્રભાવ

પાકિસ્તાનની ભપદાકાર ટ્રક આર્ટ

આ પ્રકારના ભપકાદાર શણગાર વચ્ચે સૌથી ધ્યાનાકર્ષક બાબત ટ્રક પાછળ લખેલા સૂત્રો હોય છે. આ સૂત્રોમાં પ્રેમ, ગુસ્સો, ધર્મ, તત્ત્વજ્ઞાાન, હાસ્ય અને દેશપ્રેમ જેવા વૈવિધ્યસભર રંગો વ્યક્ત થતા હોઈ શકે છે. 'હોર્ન ઓકે પ્લીઝ' પછી સૌથી વધારે જોવા મળતા સૂત્રોમાં 'મેરા ભારત મહાન', 'યુઝ ડીપર એટ નાઈટ', 'બુરી નજરવાલે તેરા મુંહ કાલા' કે 'મા કા આશીર્વાદ'નો સમાવેશ થાય છે. ભારતમાં આ પ્રકારના સૂત્રો મોટા ભાગે હિન્દી અને અંગ્રેજીમાં લખેલા હોય છે, જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં આવા સૂત્રો મોટા ભાગે ઉર્દૂમાં લખ્યા હોય છે.

'હોર્ન ઓકે પ્લીઝ' સૂત્રે આધુનિક શહેરી સંસ્કૃતિ પર ઘેરી છાપ છોડી છે. આધુનિક કળા વિશ્વ પર નજર કરીએ તો પણ માટીના વાસણો, ઝુમ્મરો, ફાનસ, ચાદર, ઓશિકાના કવર અને ઘર સજાવટની ચીજવસ્તુઓમાં  પણ ટ્રક શણગારની છાંટ જોવા મળે છે. અનેક હોમ વીડિયો, ફિલ્મો, બ્લોગ, પુસ્તકો અને રેસ્ટોરન્ટના નામ પણ 'હોર્ન ઓકે પ્લીઝ'થી પ્રેરિત છે. રાજકોટમાં 'હોર્ન ઓકે પ્લીઝ' નામનો ઢાબા છે. આ ઢાબાની દીવાલોને ટ્રક પાછળ લખ્યા હોય એવા સૂત્રોથી સજાવાઈને ટ્રક અને હાઈ વેની યાદ અપાવે એવો માહોલ ઊભો કરાયો છે. પૂણે, ઈન્દોર અને છેક લંડનમાં પણ 'હોર્ન ઓકે પ્લીઝ' રેસ્ટોરન્ટ છે. વર્ષ ૨૦૦૬માં યુ.કે.માં જુલ સિમોન અને વૈભવ કુમારેશની 'હોર્ન ઓકે પ્લીઝ' નામની હિન્દી એનિમેશન ફિલ્મ રિલીઝ થઈ હતી. વર્ષ ૨૦૦૯માં રાકેશ સારંગની 'હોર્ન ઓકે પ્લીઝ' નામની નાના પાટેકર અભિનિત ફિલ્મ આવી હતી, જેમાં તેઓ ટ્રક ડ્રાઈવરની ભૂમિકામાં છે. શાંતનુ સુમને ભારતીય ટ્રક શણગાર કળાને વિશ્વ સમક્ષ મૂકવા વર્ષ ૨૦૧૨માં 'હોર્ન પ્લીઝ' નામની ડોક્યુમેન્ટ્રી બનાવી હતી. આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલોમાં ઘણી વખણાઈ હતી. 

એ પછી વર્ષ ૨૦૧૪માં અભિષેક ચોબેની 'દેઢ ઈશ્કિયા'માં 'હોર્ન ઓકે પ્લીઝ' પરથી પ્રેરિત એક ગીત હતું, જે હની સિંગ અને સુખવિન્દર સિંગે ગાયું હતું. 'હોર્ન ઓકે પ્લીઝ, મેં આ રિયા હું કિ જા રિયા હું, રિવર્સમેં મુસ્કુરા રિયા હું' જેવા રમૂજી શબ્દો ધરાવતું આ ગીત ગુલઝાર અને વિશાલ ભારદ્વાજ જેવા ધુરંધર સર્જકોએ લખ્યું છે.

મહારાષ્ટ્રના ટ્રક ડ્રાઈવરો આ બધું જાણતા ના હોય એ સમજી શકાય એમ છે. આમ છતાં, મહારાષ્ટ્રના ટ્રક ડ્રાઈવરોએ 'હોર્ન ઓકે પ્લીઝ'ને 'ટાટા બાય બાય' કહેવાની ના પાડી દીધી છે. જો ટ્રક પાછળ લખેલા સૂત્રો ધ્વનિ પ્રદૂષણ કરી શકે એટલા અસરકારક હોય તો હવે મહારાષ્ટ્ર સરકાર 'બુરી નજરવાલે તેરા મુંહ કાલા' સૂત્ર પર પણ પ્રતિબંધ મૂકી દેશે. આ માટેનું કારણ અપાશે કે, આ સૂત્ર રંગભેદને પ્રોત્સાહન આપે છે. 

શું કહો છો?

3 comments:

 1. ‘હોર્ન ઓકે પ્લીઝ’ - દરેક ખટારા પાછળ આ શબ્દો શા માટે લખ્યા હોય છે? - એવો સવાલ તો ઘણાને થતો હશે, પણ શેરલોક હોમ્સ જેવી દૃષ્ટિ રાખીને રસપ્રદ માહિતી, તથ્યો, શોધીને પ્રવાહી શૈલીમાં રજૂ કરવાનો કસબ કાબિલેદાદ છે. પરંપરાના ભાગરૂપે આ શબ્દો ચીતરાવતા ઘણા ટ્રકવાળાઓને પણ આવી માહિતી નહીં હોય. ‘હોર્ન ઓકે પ્લીઝ’ પર પ્રતિબંધની બૂરી નજર મહારાષ્ટ્ર સરકારનું મો કાળું કરી શકે છે. લેખ વાંચતી વખતે રસપ્રદ માહિતીના હાઇવે પર સફર કરતા હોઇએ એવું લાગ્યા કરે. સુપર્બ આર્ટિકલ...

  ReplyDelete
 2. wow you are so good.....!! Always new and true narration ..Vishal Shah keep up the gr8 work !! :)

  ReplyDelete
  Replies
  1. Yess mam :) Thx a lott for ur motivated words... Kep reading, Keep Sharing...

   Delete