07 November, 2014

ગૂગલમાં સુંદર પિચાઈના 'જમ્પ'નું રહસ્ય


ગૂગલના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ એલન યુસ્ટેસે ૨૪મી ઓક્ટોબરે જમીનથી ૧,૩૫,૯૦૮ ફૂટની ઊંચાઈએથી કૂદકો મારીને ડેરડેવિલ ફેલિક્સ બોમ્બગાર્ટનરનો વિશ્વ વિક્રમ તોડવાની અનોખી સિદ્ધિ નોંધાવી છે. ગયા વર્ષે ફેલિક્સે ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને જમીનથી ૧,૩૫,૮૯૦ ફૂટની ઊંચાઈએથી જમીન પર કૂદકો મારીને વિશ્વને ચોંકાવી દીધું હતું, પરંતુ કમ્પ્યુટર સાયન્ટિસ્ટ એલને ફેલિક્સ જેવા પ્રોફેશનલ સ્કાય ડાઈવર અને બેઝ જમ્પરનો વિશ્વ વિક્રમ તોડે- એ વધારે મોટું આશ્ચર્ય છે. વળી, એલને આ વિશ્વ વિક્રમ ૫૮ વર્ષની ઉંમરે કર્યો છે, જ્યારે ફેલિક્સે આ પરાક્રમ ૪૩ વર્ષે કર્યું હતું. અહીં આ સરખામણી ગૂગલના વર્ક કલ્ચર તરફ ઈશારો કરવા કરી છે. ગૂગલના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ એલન યુસ્ટેસે પોતાના 'અભ્યાસક્રમ'ની બહાર જઈને નોંધાવેલી સિદ્ધિ વિશે ગૂગલના અન્ય એક કમ્પ્યુર સાયન્ટિસ્ટ સુંદર પિચાઈએ ગૂગલ પ્લસ પર લખ્યું હતું કે, ''અવકાશમાંથી જમ્પ મારવાની તેમજ આવા જમ્પની વચ્ચે ઓફિસ મીટિંગ મેનેજ કરવાની સિદ્ધિ બદલ અભિનંદન.'' એ જ દિવસે એટલે કે ૨૪મી ઓક્ટોબરે ગૂગલે સમગ્ર પ્રોડક્ટ ડિવિઝનના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સુંદર પિચાઈની નિમણૂક કરીને તેમને મહાકાય 'જમ્પ' આપ્યો હતો. 

ગૂગલના એક એક્ઝિક્યુટિવે આકાશમાંથી જમ્પ મારવાની સિદ્ધિ નોંધાવી હતી, તો ભારતીય મૂળના બીજા એક એક્ઝિક્યુટિવે કમ્પ્યુટર સાયન્ટિસ્ટ તરીકેની કારકિર્દીમાં મહાકાય 'જમ્પ' માર્યો હતો. ૪૨ વર્ષીય સુંદરરાજન પિચાઈ આઈટી સર્કિટમાં સુંદર પિચાઈ નામે ઓળખાય છે. વર્ષ ૨૦૦૪માં ગૂગલમાં જોડાયા પછી તેઓ ગૂગલ ક્રોમ, એન્ડ્રોઈડ અને વેબ એપ ટીમના વાઈસ પ્રેસિડેન્ટ બન્યા હતા, પરંતુ હવે તેઓ ગૂગલ પ્રોડક્ટ ડિવિઝનના વાઈસ પ્રેસિડેન્ટ છે. થોડા વર્ષો પહેલાં પ્રોડક્ટની વ્યાખ્યા કોસ્મેટિક્સ, ઈલેક્ટ્રોનિક્સ કે હોમ એપ્લાયન્સ સુધી સીમિત હતી. આ બધી જ પ્રોડક્ટનું થ્રીડી ચિત્ર દોરવું શક્ય હતું, પરંતુ પિચાઈ જેના વડા છે તે ગૂગલ પ્રોડક્ટ ડિવિઝનમાં એક પણ પ્રોડક્ટને થ્રીડી રૂપ આપવું શક્ય નથી. હવે સુંદર પિચાઈ ગૂગલ સર્ચ, મેપ્સ, પ્લસ, ડ્રાઈવ, કોમર્સ, એડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ક્રોમ, એન્ડ્રોઈડ અને એપના પણ વડા છે. ગૂગલના તમામ છ ટોપ એક્ઝિક્યુટિવ હવે પિચાઈને રિપોર્ટ કરશે, જે પહેલાં ગૂગલના સહ-સ્થાપક લેરી પેજની નીચે કામ કરતા હતા.

ઈનોવેટિવ પ્રોજેક્ટને ગતિ અપાશે

ગૂગલ જેવી અત્યંત સફળ કંપનીનો લગભગ બધો જ મહત્ત્વનો કારભાર કંપનીના ૪૨ વર્ષીય એક્ઝિક્યુટિવને આપી દેવા પાછળ એક જ કારણ છે, બિઝનેસ. ગૂગલે યૂ ટ્યૂબ સિવાયની તમામ જવાબદારી પિચાઈને સોંપી દીધી છે. હવે ગૂગલમાં પિચાઈનું સ્થાન લેરી પેજ પછી બીજા ક્રમે છે. લેરી પેજે લાંબા ગાળાની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો છે. કોઈ પણ કંપનીની સફળતા પાછળ ઈનોવેશનની ભૂમિકા અત્યંત મહત્ત્વની હોય છે અને આઈટી કંપનીઓને આ વાત થોડી વધારે લાગુ પડે છે. આઈટી ક્ષેત્રે સતત ઈનોવેશન કરીને ક્રાંતિ કરવાનો શ્રેય કોઈને આપવો હોય તો તે ગૂગલને આપવો પડે. આઈટી પ્રોડક્ટને સતત માર્કેટિંગ કરીને વેચવી અઘરી હોવાથી તેમાં ઈનોવેશનનું મહત્ત્વ ઘણું વધારે છે. હાલના સંજોગોમાં ગૂગલની કોઈ પ્રોડક્ટમાં મોટા ઈનોવેશનને અવકાશ નથી અને એટલે નજીકના ભવિષ્યમાં ગૂગલમાં ઈનોવેશનની પ્રક્રિયા મંદ પડી શકે છે.

સુંદર પિચાઈ

આ કારણોસર લેરી પેજે તમામ જવાબદારી પિચાઈને સોંપીને પોતે ગૂગલના વિવિધ પ્રોજેક્ટના બિઝનેસ એન્ડ ઓપરેશન, ફાઈનાન્સ, કોર્પોરેટ ડેવલપમેન્ટ, એડ સેલ્સ, લિગલ અને ગૂગલ એક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીના અન્ય એક સ્થાપક સર્ગેઈ બ્રિને તો ઘણાં સમય પહેલાં જ રોજિંદા મેનેજમેન્ટમાંથી નિવૃત્તિ લઈને ઈનોવેટિવ પ્રોડક્ટ્સ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હાલ તેઓ ગૂગલ એક્સ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કંપની ગૂગલ ગ્લાસ અને ગૂગલ સમાર્ટ લેન્સ જેવી અત્યાધુનિક પ્રોડક્ટ વિકસાવવા માગે છે. ગૂગલના સ્થાપકો સર્ગેઈ બ્રિન અને લેરી પેજની ગેરહાજરીમાં ગૂગલ પ્રોડક્ટ ડિવિઝન સુંદર પિચાઈને સોંપાયું એ આઈટી વિશ્વની ઘણી મહત્ત્વની ઘટના છે. પિચાઈએ આઈઆઈટી-ખરગપુરમાંથી બેચલર ઓફ ટેકનોલોજીની પદવી લઈને અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવસટીમાંથી માસ્ટર ઓફ સાયન્સ અને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની વોર્ટન બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ પણ કર્યું છે. પિચાઈ પાસે શૈક્ષણિક લાયકાત તો છે જ, પરંતુ પિચાઈ પાસે ટેકનિકલ જ્ઞાન, લોકોને કેવી પ્રોડક્ટ ગમશે એની સમજ તેમજ ઉદ્યોગસાહસિકતાનું 'કિલર કોમ્બિનેશન' છે.

એન્ડ્રોઈડ અને ક્રોમની સફળતા

સ્માર્ટફોન યુઝર્સને ધ્યાનમાં રાખીને પિચાઈએ જી-મેઈલમાં પ્રાઈમરી, પ્રમોશન અને સોશિયલ એમ ત્રણ ઈનબોક્સ ડિઝાઈન કર્યા ત્યારે તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. છેલ્લાં કેટલાક વર્ષોમાં પિચાઈએ જી-મેઈલમાં અનરીડ, સ્ટાર્ડ અને ઈમ્પોર્ટન્ટ સહિત ઘણાં લોકપ્રિય ફિચર ઉમેરીને ગૂગલની મેઈલ સવસ લોકપ્રિય બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોઈ પણ નવી સર્વિસને લઈને યુઝર્સ કેવી પ્રતિક્રિયા આપશે એના પર આઈટી પ્રોડક્ટની સફળતાનો મદાર હોય છે. પિચાઈ ગૂગલમાં જોડાયા ત્યારથી તેઓ અન્ય જવાબદારીઓની સાથે એન્ડ્રોઈડ, ક્રોમ અને મેપ્સને વિકસાવવા મથામણ કરી રહ્યા હતા. ઈન્ટરનેટ એક્સપ્લોરર અને મોઝિલા ફાયરફોક્સની બોલબાલા હતી ત્યારે પિચાઈ આ બંને બ્રાઉઝરમાં ગૂગલ ટૂલબાર  પણ સંભાળી રહ્યા હતા. ગૂગલ ટૂલબારના કારણે ગૂગલ સર્ચના ટ્રાફિકમાં ઘણો વધારો નોંધાયો ત્યારે ગૂગલને લાગ્યું કે, ગૂગલનું પોતાનું બ્રાઉઝર હોવું એ નફાનો ધંધો સાબિત થઈ શકે છે. છેવટે વર્ષ ૨૦૦૮માં પિચાઈએ ગૂગલ ક્રોમ લોન્ચ કર્યું અને ગૂગલે એન્ડ્રોઈડ ડેવપલમેન્ટની જવાબદારી પણ પિચાઈને સોંપી દીધી. એન્ડ્રોઈડ અને ક્રોમની સફળતાના કારણે જ આઈટી વિશ્વમાં પિચાઈનું માનપાન વધી ગયું હતું.

આ દરમિયાન માર્ચ, ૨૦૧૩માં લેરી પેજે જાહેરમાં કહ્યું હતું કે, પિચાઈ ગૂગલમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ ક્રોમ બ્રાઉઝર, ઓપરેટિંગ સિસ્ટમ અને એપ બિઝનેસ સંભાળી રહ્યા છે અને તેથી તેઓ એન્ડી રૂબિનના પેંગડામાં પગ મૂકી શકે એટલા સક્ષમ છે... પેજના આ નિવેદન પછી સ્વાભાવિક રીતે જ પિચાઈ લાઈમલાઈટમાં આવ્યા હતા. પેજે જેમની સાથે પિચાઈની સરખામણી કરી એ એન્ડી રૂબિને મોબાઈલ સોફ્ટવેર કંપની સ્થાપીને એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી હતી. વર્ષ ૨૦૦૫માં ગૂગલે આ કંપની ખરીદી ત્યારથી તેઓ ગૂગલ સાથે સંકળાયેલા છે. બીજી તરફ, એ વખતે સુંદર પિચાઈનું નામ માઈક્રોસોફ્ટના સીઈઓ તરીકે ચર્ચાઈ રહ્યું હોવાથી લેરી પેજના નિવેદનને વધુ ગંભીરતાથી લેવાયું અને એવું અર્થઘટન કરાયું કે, ગૂગલ સુંદર પિચાઈને કોઈ પણ ભોગે રોકવા માગે છે. જોકે, માઈક્રોસોફ્ટના સીઈઓ તરીકે ફેબ્રુઆરી ૨૦૧૪માં બીજા એક ભારતીય મૂળના એન્જિનિયર સત્ય નડેલાની પસંદગી કરાઈ હતી. એ પહેલાં ટ્વિટરે પણ તેના પ્રોડક્ટ હેડ તરીકે પિચાઈને લેવાનો પ્રયાસ કર્યા હતા, જે ગૂગલે સફળ થવા દીધા ન હતા.

ભારત આઈટી કંપનીઓની 'લોલીપોપ'

ભારતમાં આઈટી બિઝનેસની અપાર સંભાવનાઓના આંકડા જોઈને આઈટી કંપનીઓ બાળક લોલીપોપ જોઈને આકર્ષાય એમ ભારત તરફ આકર્ષાય છે. હજુ ૧૫મી સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ સુંદર પિચાઈ ગૂગલના સસ્તા એન્ડ્રોઈડ વન સ્માર્ટફોન લોન્ચ કરવા ભારતમાં હતા, જે એક મહત્ત્વની તવારીખ છે. કારણ કે, પર્સનલ કમ્પ્યુટિંગના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ગ્લોબલ ટેકનોલોજી કંપનીએ પહેલાં ભારતમાં અને પછી અન્ય દેશોમાં પોતાની પ્રોડક્ટ લોન્ચ કરી હતી. એક અંદાજ પ્રમાણે, વર્ષ ૨૦૧૭ સુધી ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા ૫૦ કરોડે પહોંચી જશે. ભારતમાં સ્માર્ટફોન, કમ્પ્યુટર, લેપટોપ અને ટેબલેટનું વેચાણ વધવાની સાથે શિક્ષણ, કોમ્યુનિકેશન અને શોપિંગ માટે ઈન્ટરનેટનો ઉપયોગ સતત વધી રહ્યો છે. જોકે, વિશ્વના કુલ સ્માર્ટફોન યુઝર્સમાંથી એન્ડ્રોઈડનો હિસ્સો ૮૪.૭ ટકા, એપલનો ૧૧.૭ ટકા અને વિન્ડોઝનો ફક્ત ૨.૫ ટકા છે. આમ છતાં, ગૂગલ એન્ડ્રોઈડના એક પછી એક સ્માર્ટ વર્ઝન લોન્ચ કરીને મૂળિયા મજબૂત કરી રહ્યું છે. કિટકેટ પછી ગૂગલે સિક્યોરિટી અને બેટરી લાઈફને ધ્યાનમાં રાખીને વધુ સ્માર્ટ એવું લોલીપોપ વર્ઝન લોન્ચ કર્યું છે.

ગૂગલ જાણે છે કે, વિશ્વના ૮૦ ટકાથી પણ વધુ સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ પહેલેથી ઈજારો ભોગવતું હોવાથી યુઝર્સને 'લોલીપોપ' બતાવવી પ્રમાણમાં સરળ છે. આ સ્થિતિ પારખીને ગૂગલે લાંબા ગાળે નફાકારક સાબિત થાય એવા પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે. માઈક્રોસોફ્ટ અને એપલે પણ મોબાઈલ, ક્લાઉડ કમ્પ્યુટિંગની સાથે સ્માર્ટ વોચ, સ્માર્ટ ટેલિવિઝન અને સ્માર્ટ કારના સંશોધનો માટે જંગી બજેટ ફાળવ્યા છે. આ સંજોગોમાં ગૂગલે અન્ય કંપનીઓ સાથે જોડાણો કરીને કંપનીને અત્યારથી જ અત્યંત મજબૂત કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. વોટ્સએપ અને નેસ્ટ જેવી કંપનીઓને સારી ડીલથી ખરીદવામાં પિચાઈએ જ ગૂગલને મદદ કરી હતી. સેમસંગે ગેલેક્સી નોટ-૩માં 'મેગેઝિન યુએક્સ' લોન્ચ કર્યું ત્યારે ગૂગલ અને સેમસંગે કરેલા સોદામાં પણ પિચાઈએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આમ, પિચાઈ એક સારા 'બિઝનેસ નેગોશિયેટર' પણ છે. એશિયા અને ખાસ કરીને ભારતના બજારને સમજવા માઈક્રોસોફ્ટ પાસે સત્ય નડેલા છે, તો ગૂગલ પાસે હવે સુંદર પિચાઈ છે. 

કદાચ એટલે જ ગૂગલ ઈનકોર્પોરેશન સમગ્ર પ્રોડ્કટ ડિવિઝન એક યુવાન એન્જિનિયરને સોંપીને ઈનોવેટિવ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આત્મવિશ્વાસ બતાવી શકી છે.

5 comments:

  1. MNC DRAW ATTENTION TO OUR INDIAN TECHNOCRATS...NICE ARTICLE

    ReplyDelete
  2. ગૂગલ વિના ઇન્ટરનેટ પર સર્ચ શક્ય જ નથી એવું કહેવું અતિશયોક્તિ નહીં કહેવાય... ગૂગલના નામથી કોઈ પણ નેટિઝન અવગત ન હોય તે શક્ય જ નથી.. આમ છતાં રોજ-રોજ અને દિવસમાં અનેકવાર ગૂગલ યૂઝ કરવા છતાં ગૂગલ વિશે લોકોને ઝાઝી કોઈ માહિતી હોતી નથી. અરે ત્યાં સુધી કે સ્માર્ટફોનની એપ્લિકેશન યૂઝ કરતી વખતે પણ ખ્યાલ નથી આવતો કે એ એપ ગૂગલને આભારી છે... ગૂગલ વિશે આટલી સુંદર અને સરસ માહિતી કાબિલેદાદ છે.. વળી, રજૂઆત પણ ખૂબ જ સરળ અને તર્કબદ્ધ રીતે લખાયેલો આર્ટિકલ.. બ્રેવો મેન.. સુપર્બ આર્ટિકલ... આટલી માહિતી કોઈ એક લેખમાં, એ પણ ગુજરાતીમાં.. મળવી અતિશય મુશ્કેલ છે. ઇંગ્લિશમાં પણ કોઈ એક જ લેખમાં આટલી માહિતી.. મુશ્કેલ જ છે.. ગુડ વન દોસ્ત.....

    ReplyDelete
  3. Yeah... When I wrote about tech or science or any other hardcore issues, I tried my best to write as possible as simple article.

    ReplyDelete
  4. The article is awesome... you gave so clear cut picture of IT Industry and ITinions...

    ReplyDelete