09 July, 2013

ડાયનોસોરના પીંછા કેવા રંગના હતા?


છેલ્લાં ઘણાં સમયથી વિજ્ઞાનીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર વિચરતા પક્ષીઓ અને નોન-એવિયન ડાયનોસોરનો રંગ કેવો હતો? આ માટે વિજ્ઞાનીઓ કરોડો વર્ષ પહેલાં જમીનમાં ધરબાઈ ગયેલા અશ્મિઓનું વિશ્લેષણ કરીને તેમનો રંગ કેવો હતો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકા અને યુરોપના દેશોના વિજ્ઞાનીઓ આ દિશામાં કેમ સંશોધનો કરી રહ્યા છે એ હકીકતો પણ ખૂબ રસપ્રદ છે. જો આપણે પૃથ્વી પર કરોડો વર્ષ અસ્તિત્વ ધરાવતા હતા તેવા નોન-એવિયન ડાયનોસોર અને પ્રાચીન પક્ષીઓનો મૂળ રંગ કેવો હતો તે જાણી શકીએ તો ઘણાં બધાં રહસ્યો પરથી પડદો ઉંચકાય એમ છે. જેમ કે, અશ્મિઓના રૂપમાં મળેલા પીંછા પર સંશોધનો કરવાથી આપણે પક્ષીના સમગ્ર શરીર અને પીંછા પર થયેલી રાસાયણિક પ્રક્રિયાને જાણી શકીશું. આ રાસાયણિક પ્રક્રિયાને સચોટ રીતે સમજી લેવામાં આવે તો આપણે એ જાણી શકીશું કે, કરોડો વર્ષ પહેલાંના પક્ષીઓ અને નોન-એવિયન ડાયનોસોરનો રંગ અને તેમની ભાત (Pattern) કેવી હતી. એટલું જ નહીં,  આ રાસાયણિક પ્રક્રિયાની મદદથી વિજ્ઞાન રંગોને પણ વધુ સારી રીતે સમજી શકશે એવી વિજ્ઞાનીઓને આશા છે.

પ્રયોગની શરૂઆત અને સમજ

આ દિશામાં સંશોધનો કરી રહેલા પેલેન્ટોલોજિસ્ટ (અશ્મિ વિજ્ઞાનીઓ) આર્કાઈઓપ્ટેરિક્સ અને નોન-એવિયન ડાયનોસોરના અશ્મિઓ પર સંશોધનો કરી રહ્યા છે. એટલે પહેલાં આ બંને શબ્દો વિશે જાણકારી મેળવીએ. આર્કાઈઓપ્ટેરિક્સ એ બીજું કંઈ નહીં પણ વિજ્ઞાને અત્યાર સુધી મળેલા પુરાવાના આધારે કલ્પેલું સૌથી પ્રાચીન પક્ષી છે. વર્ષ 1874-75માં જર્મનીના બ્લૂમબર્ગ શહેરમાં જેકોબ નિમેયર નામના ખેડૂતને આર્કાઈઓપ્ટેરિક્સના અશ્મિ મળ્યા હતા. આ ખેડૂતે ગાયો ખરીદવા માટે તે અશ્મિઓ વેચી દીધા હતા. હાલ આ અશ્મિ જર્મનીના હુમ્બોલ્ટ મ્યુઝિયમમાં સચવાયા છે. આ અશ્મિ મળ્યા બાદ જ વિજ્ઞાનીઓને જાણવા મળ્યું હતું કે, ડાયનોસોર અને પક્ષી વચ્ચે કંઈક સંબંધ છે. બાદમાં અશ્મિ વિજ્ઞાનીઓએ વિવિધ અશ્મિઓ પરથી સાબિત કર્યું હતું કે, કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર પાંખો અને પીંછા ધરાવતા દસ હજારથી પણ વધુ જાતિના ડાયનોસોર વિચરતા હતા. આ જાતિના ડાયનોસોર વૈજ્ઞાનિક ભાષામાં નોન-એવિયન તરીકે ઓળખાય છે. જે સજીવો પાંખ અને પીંછા ધરાવતા હોવા છતાં ઉડી શકતા ના હોય અથવા તો મર્યાદિત ઉડાન ભરવા જ સક્ષમ હોય તેને નોન-એવિયનની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

જર્મનીમાંથી મળેલું આર્કાઈઓપ્ટેરિક્સનું અશ્મિ 

અશ્મિ વિજ્ઞાનીઓને આશા છે કે, નજીકના ભવિષ્યમાં તેઓ આર્કાઈઓપ્ટેરિક્સ અને નોન-એવિયન ડાયનોસોરના અશ્મિઓનો અત્યાધુનિક પદ્ધતિઓથી અભ્યાસ કરીને ઘણાં બધા રહસ્યો ઉકેલી નાંખશે. નોન-એવિયન ડાયનોસોરના પીંછાના અશ્મિઓનો અભ્યાસ કરવા સૌથી પહેલાં સંશોધકો અત્યાધુનિક ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપની મદદથી તેનું સંપૂર્ણ માળખું કેવું હતું તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પદ્ધતિની મદદથી સંશોધકો અંદાજ લગાવી શક્યા છે કે, કરોડો વર્ષ પહેલાંના જંગલી પક્ષીઓના શરીર પર કયા કયા રંગ હશે. આ પદ્ધતિની મદદથી જ સંશોધકો તેમનું ‘મેલેનોસોમ’ કેવું હશે એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. મેલેનોસોમ એક જૈવિક કોષમાં રહેલું એક તત્ત્વ છે, જેમાં મેલેનીન હોય છે. મેલેનીન એ સજીવોમાં જોવા મળતું સૌથી સામાન્ય રંગદ્રવ્ય છે, જે પ્રકાશના અણુઓને શોષી શકે છે. એટલે કે, સજીવનો રંગ કેવો છે તેનો આધાર આ પ્રક્રિયા પર પણ રહેલો છે.

જો વિજ્ઞાન અશ્મિઓની મદદથી મેલેનોસોમને ઊંડાણપૂર્વક જાણી શકે તો આપણે લાખો વર્ષ પહેલાંના પ્રાણીઓ કે પક્ષીઓ પર કેટલા રંગો હતા અને તેમના શરીર પર કેવી ભાત હતી તે આપણે જાણી શકીએ. હાલ પૃથ્વી પરના તમામ સજીવોનો રંગ જુદો જુદો જ છે. એવી જ રીતે, કરોડો વર્ષ પહેલાંના પશુ-પક્ષીઓ પણ જુદા જુદા રંગના જ હશે અને અને તેમના શરીર પરની ભાત પણ અલગ અલગ હશે. જેમ કે, વાઘ કે દીપડાના શરીર પરના ચટાપટા કે ઝીબ્રાના શરીરની ભાત ચોક્કસ પ્રક્રિયાને જ આભારી છે. હાથીનો રંગ કાળો અને મોરનો રંગ પચરંગી હોવા પાછળ પણ અમુક રાસાયણિક પ્રક્રિયાઓ જ જવાબદાર છે. અત્યારે વિજ્ઞાનીઓ ફક્ત એટલું જ જાણે છે કે, કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર રહેતા તમામ પ્રાણીઓ અને પક્ષીઓ પણ રંગ અને ભાતને લઈને જોરદાર વૈવિધ્ય ધરાવતા હતા. પરંતુ હજુ સુધી આપણે એ નથી જાણી શક્યા કે, જો અત્યારે પૃથ્વી પર વિચરતા પશુ-પંખીઓ આટલા વૈવિધ્યસભર છે, તો કરોડો વર્ષ પહેલાંના પશુ-પંખીઓ કેવા હશે! હોલિવૂડની ફિલ્મોમાં દર્શાવાતા ડાયનોસોર વૈજ્ઞાનિકોએ કરેલી કલ્પનાના આધારે ડિઝાઈન કરાયા છે, પરંતુ આ મુદ્દે વિજ્ઞાનીઓ ખાતરીપૂર્વક કંઈ કહી શકે એમ નથી. 

અત્યાધુનિક પદ્ધતિની મદદ

અશ્મિ પર સંશોધન કરતી વખતે વિજ્ઞાનીઓનું સૌથી પહેલું લક્ષ્ય અશ્મિમાંથી મહત્તમ માહિતી ભેગી કરવાનું હોય છે. જોકે, આ વાતને લઈને તેઓ ક્યારેય સંતોષી હોતા નથી. બીજી તરફ, આ હેતુ પાર પાડવા માટે અન્ય શાખાના વિજ્ઞાનીઓની મદદથી અશ્મિ પર સંશોધનો કરવાની અત્યાધુનિક ટેક્નોલોજી વિકસાવવાના પણ પ્રયાસ થતા રહે છે. આવા સંશોધનો કરવા જ વિજ્ઞાનીઓએ અત્યાધુનિક ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ શોધ્યા હતા. આ સાધનોની મદદથી જ અશ્મિ વિજ્ઞાનીઓ અશ્મિના એક-એક નેનોમીટર જેટલું કદ ધરાવતા ભાગનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે. એક નેનોમીટરનું કદ આશરે એક મિલિમીટરના દસ લાખમાં ભાગ જેટલું હોય છે. આ સાધનની મદદથી જ વિજ્ઞાનીઓ પક્ષીના પીંછાના અશ્મિઓની રાસાયણિક પ્રક્રિયા સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.

માઈક્રોરેપ્ટર જાતિના ડાયનોસોરના અશ્મિ. સફેદ
એરો  માઈક્રોરેપ્ટર પીંછા દર્શાવી રહ્યા છે. 

અશ્મિઓનો અભ્યાસ કરવા માટે વિજ્ઞાનીઓએ સિન્ક્રોટ્રોન પાર્ટિકલ એક્સેલેટર નામના સાધનની પણ મદદ લીધી હતી. આ સાધનની મદદથી અશ્મિઓમાં રહેલા ઘટક તત્ત્વો શોધી શકાય છે અને તેનો સંપૂર્ણ નકશો પણ તૈયાર કરી શકાય છે. આ પદ્ધતિ પર સંશોધકોને બહુ આશા છે. કારણ કે, આ તેની મદદથી જ તેઓ જાણી શકશે કે, પક્ષીઓના પીંછા જેવા નરમ કોષોમાં સડો થાય ત્યારે તેના મૂળભૂત તત્ત્વો સચવાઈ જાય છે. જેમ કે, તાંબુ. જેમ કે, પીંછામાં લાલ રંગ માટે તાંબુ જવાબદાર હોય છે. એટલે કે, આ અશ્મિમાંથી તાંબુ મળે તો એવું કહી શકાય કે, પીંછા લાલ રંગના હતા અથવા તો તેમાં લાલ રંગ પણ હતો. આમ આ રાસાયણિક પ્રક્રિયા સંપૂર્ણ રીતે સમજાઈ જાય તો વિજ્ઞાનીઓ કરોડો વર્ષ પહેલાંના નોન-એવિયન ડાયનોસોરની આબેહૂબ ડિઝાઈન કરવા સક્ષમ છે. ટૂંકમાં, જો વિજ્ઞાનીઓ પીંછામાં થયેલી રાસાયણિક પ્રક્રિયા અને મેલનોસોમ વિશે જાણી લે તો આ પદ્ધતિની મદદથી પશુ-પક્ષીઓના રંગ અને તેમના શરીર પરની ભાત કેવી હોઈ શકે તેનો અંદાજ લગાવી શકાય એમ છે.

વિજ્ઞાનની મર્યાદા અને યુવી પદ્ધતિ

તાજેતરમાં જ અશ્મિ વિજ્ઞાનીઓનું એક જૂથ તમામ પ્રયોગો પછી એવા તારણ પર આવ્યું છે કે, પૃથ્વી પરના પહેલા પક્ષી ગણાતા ‘આર્કાઇઓપ્ટેરિક્સ’ના પીંછાની ધાર અને તેના ટેરવા પર ઘેરો રંગ હશે. કારણ કે, આ પ્રકારના પક્ષીઓમાં સામાન્ય રીતે આવું જ જોવા મળતું હોય છે. જ્યારે પક્ષીઓના પીંછાના પાછળના ભાગના રંગદ્રવ્યોમાં થોડો ફેરફાર થયો હોય છે અને તેના કારણે ત્યાં સફેદ રંગ હોય છે. આ પ્રક્રિયાને ઊંડાણપૂર્વક સમજવા માટે સંશોધકોએ સમગ્ર અશ્મિનું સ્કેનિંગ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું છે કે, પીંછાના કેટલાક અશ્મિમાં સ્પષ્ટ રંગ દેખાય છે, જ્યારે કેટલાક અશ્મિ પરથી રંગનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. મુશ્કેલી એ છે કે, ખડકોમાં દટાયેલા હાડકાનો રંગ લગભગ એ ખડક જેવો જ થઈ ગયો હોય છે. આ ઉપરાંત કુદરતી પ્રકાશમાં માણસ પાસે મર્યાદિત દૃષ્ટિ છે, એટલે માનવ આંખ રંગને સંપૂર્ણ જોઈ શકતી નથી. માનવ આંખ સામાન્ય તરંગ લંબાઈ અને અલ્ટ્રાવાયોલેટ તરંગોમાં જે કંઈ જુએ છે તેમાં બહુ મોટો તફાવત હોય છે.

અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાં દેખાતા આર્કાઈઓપ્ટેરિક્સના અશ્મિ

આશરે છેલ્લાં 100 વર્ષથી અશ્મિ વિજ્ઞાનીઓ અલ્ટ્રાવાયોલેટ કિરણો હેઠળ જ અશ્મિઓનો અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી આ જ અભ્યાસ વધુ શક્તિશાળી અને બજારમાં સરળતાથી ઉપલબ્ધ યુવી બલ્બ હેઠળ કરાઈ રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે, આ પદ્ધતિની મદદથી અશ્મિ વિજ્ઞાનીઓને અત્યાર સુધી ક્યારેય જાણવા ન મળ્યા હોય એવા તથ્યો જાણવા મળ્યા છે. વિજ્ઞાનીઓએ તો ત્યાં સુધી દાવો કર્યો છે કે, અમે અલ્ટ્રાવાયોલેટની મદદથી ચામડી, પીંછા, ભીંગડાની ભાત, ચાંચ, પંજા, નહોર, ચહેરાનો સંપૂર્ણ આકાર તેમજ હાથ-પગના સ્નાયુઓની પણ ઊંડી માહિતી મેળવી શક્યા છીએ. હવે વિજ્ઞાનીઓને આશા છે કે, યુવી અને અન્ય અત્યાધુનિક પદ્ધતિઓની મદદથી તેઓ ખૂબ નજીકના ભવિષ્યમાં નોન-એવિયન ડાયનોસોરની આબેહૂબ ડિઝાઈન તૈયાર કરી શકશે.

નોંધઃ પહેલી બે તસવીર વિકિપીડિયાની છે અને છેલ્લી ગૂગલ પરથી લીધી છે. 

1 comment:

  1. રોમાંચકારી માહિતી છે.

    ReplyDelete