14 May, 2018

ચક્કા, પલપ્પાલમ, કટહલ, ફણસ ઉર્ફ જેકફ્રૂટ


ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફણસ, કેરળમાં ચક્કા, તમિલનાડુમાં પલપ્પાલમ, બંગાળમાં એન્કર, આસામમાં કોથોલ, મેઘાલયમાં તેબ્રોંગ અને ઉત્તર ભારતમાં કટહલ તરીકે ઓળખાતું જેકફ્રૂટ ભારતનું સૌથી 'વંચિત' ફળ કહી શકાય.

વંચિત એટલા માટે કે, દુનિયામાં ફણસનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે. આશરે ૧૪ લાખ ટન. ફણસની ખેતી ખૂબ જ ઓછા ખર્ચે થાય છે. ઓછું પાણી તો ઠીક, દુકાળ પડે તો પણ ફણસનું વૃક્ષ ફળો આપે છે. ભારતના મોટા ભાગના મુખ્ય પાક 'વેધર સેન્સિટિવ' છે. વાતાવરણમાં ફેરફાર થતા જ પાક નિષ્ફળ જાય છે પણ ફણસનો પાક ક્યારેય નિષ્ફળ જતો જ નથી. ફણસ જીવાત સામે પણ સહેલાઈથી ટકી શકે છે એટલે તેને જંતુનાશકોની જરૂર પડતી નથી. ફણસને રાસાયણિક ખાતરોની પણ જરૂર પડતી નથી. એ રીતે ફણસ ૧૦૦ ટકા ઓર્ગેનિક ફળ છે. આ ઉપરાંત ફણસમાં ભરપૂર પોષક દ્રવ્યો છે. ડાયાબિટીસમાં પણ તે લાભ પહોંચાડે છે. કોલેસ્ટ્રોલ ઘટાડતું હોવાથી હૃદયરોગની શક્યતા ઘટાડે છે. ૧૦૦ ગ્રામ ફણસમાંથી માંડ ૯૫ કેલરી મળે છે. ફણસ પોષક દ્રવ્યોથી ભરપૂર લૉ કેલરી ફૂડ છે. તે શરીરને પૂરતું પોષણ આપીને વજન ઘટાડવામાં મદદ કરતું સુપરફૂડ છે.

આમ છતાં, ભારતમાં પાકતા ૧૪ લાખ ટનમાંથી ૭૦ ટકા ફણસ કચરામાં જતા રહે છે. આઘાતજનક ના કહેવાય? પાણીની અછત વચ્ચે ખેતી કરીને આજે પણ ભૂખમરો અને કુપોષણને સહન કરી રહેલા દેશને આ પોસાય ખરું?

એ વિશે વાત કરતા પહેલાં ફણસ વિશે થોડી જાણકારી. 

કેરળના 'ચક્કા'ને જેકફ્રૂટ નામ કેમ મળ્યું?  

ફણસ વૃક્ષ પર પાકતું દુનિયાનું સૌથી મોટું ફળ છે. તેનું વૃક્ષ દર વર્ષે ૧૦૦થી ૨૦૦ ફળ આપે છે. આવા એક ફળનું વજન ૩૫ કિલો સુધીનું પણ હોઇ શકે છે. નાળિયેરની જેમ ફણસના વૃક્ષનો પણ દરેક ભાગ કામમાં આવે છે. ફણસનું લાકડું ફર્નિચર બનાવવા ઉત્તમ છે, તેના પાંદડાનો દવા તરીકે ઉપયોગ થઈ શકે છે અને પોષકદ્રવ્યોથી ભરપૂર તેના બીજને શેકીને ખાઈ શકાય છે. ફણસ કાચું કે પાકું ખાઈ શકાય છે પણ કમનસીબે દેશના કરોડો લોકોએ ફણસ ચાખ્યું સુદ્ધાં નથી હોતું. ભારતીય ઉપખંડમાં છ હજાર વર્ષથી ફણસની ખેતી થતી હોવાના પુરાતત્ત્વીય પુરાવા છે, પરંતુ છેક ૨૦૧૨ સુધી સરકારના લાગતા-વળગતા વિભાગો પાસે ફણસ વિશે પૂરતી જાણકારી ન હતી. સેન્ટ્રલ બાયોટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ અને બેંગલુરુની એગ્રિકલ્ચર સાયન્સ યુનિવર્સિટીએ ૨૦૧૨માં એક સર્વે કર્યો ત્યારે ખબર પડી કે, ભારતમાં ફણસની ૧૦૫ જાત થાય છે.



ફણસ નીચાણવાળા ઉષ્ણકટિબંધીય વાતાવરણમાં પાકતું ફળ હોવાથી દક્ષિણ ભારતમાં તેનો પાક વધુ ઉતરે છે. ભારતમાં જ નહીં, વિશ્વમાં ફણસનું સૌથી વધુ ઉત્પાદન કેરળમાં થાય છે. મલયાલમ ભાષામાં ફણસ 'ચક્કા' નામે ઓળખાય છે. પોર્ટુગીઝો ૧૪૯૮માં ભારતમાં વેપાર કરવા આવ્યા ત્યારે કેરળના કાલિકટ અને મલબારમાં ઉતર્યા હતા. એ વખતે પોર્ટુગીઝ વેપારીઓ પણ ચક્કાના સંપર્કમાં આવ્યા. જોકે, પોર્ટુગીઝોએ કરેલા પ્રવાસ વર્ણનોમાં ચક્કાનો ઉલ્લેખ 'જક્કા' તરીકે કર્યો. એટલે પોર્ટુગલમાં અને પછી અન્ય દેશોમાં ફણસ પહેલાં 'જક્કા ફ્રૂટ' અને ત્યાર પછી અપભ્રંશ થઈને 'જેકફ્રૂટ' થઇ ગયું.

દેશભરમાં ફણસની આશરે ૨૦૦ પ્રકારની પરંપરાગત વાનગીઓ નોંધાયેલી છે. દરેક રાજ્યની ભાષા અને સ્થાનિક બોલીઓમાં પણ ફણસના આગવા નામ છે. આ વાત જ સાબિત કરે છે કે, ભારતીય સંસ્કૃતિમાં ફણસના મૂળિયા ખૂબ જ ઊંડા છે.

...અને કેરળે ફણસને 'સ્ટેટ ફ્રૂટ' જાહેર કર્યું

ફણસ તેના આરોગ્યપ્રદ ગુણોના કારણે ફાઈવ સ્ટાર હોટેલો સુધી પહોંચી ગયું છે. તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને મેઘાલય સહિતના અનેક રાજ્યોમાં ઓછે-વત્તે અંશે ફણસનું ઉત્પાદન થાય છે અને જુદી જુદી વાનગીઓના સ્વરૂપમાં ખવાય પણ છે. જોકે, આટલા જંગી ઉત્પાદનના પ્રમાણમાં ફણસનો વપરાશ નહીંવત છે. જો ફણસનું વેપારી ધોરણે ઉત્પાદન કરીને યોગ્ય માર્કેટિંગ કરવામાં આવે તો કુપોષણ, ભૂખમરા જેવા દુષણો સામે લડી શકાય. એટલું જ નહીં, ઓછો વરસાદ આપતા પ્રદેશોમાં ફણસની ખેતીને પ્રોત્સાહન આપીને ખેડૂતોને લાભ થાય એવા પગલાં પણ લઇ શકાય.



મેઘાલયમાં દર વર્ષે સરેરાશ રૂ. ૩૦૦-૪૦૦ કરોડના ફણસ કચરામાં પધરાવી દેવાય છે અને બીજી બાજુ ઉત્તર-પૂર્વીય રાજ્યોના આદિવાસીઓ ભૂખમરો-કુપોષણનો સતત ભોગ બની રહ્યા છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને કેરળે ૨૧મી માર્ચ, ૨૦૧૮ના રોજ જેકફ્રૂટને 'સ્ટેટ ફ્રૂટ' જાહેર કર્યું છે. તમિલનાડુનું સ્ટેટ ફ્રૂટ પણ ફણસ છે. બાંગલાદેશ અને શ્રીલંકાનું તો 'નેશનલ ફ્રૂટ' ફણસ છે. હવે કેરળ સરકારે ફણસના અર્થતંત્રને ધ્યાનમાં રાખીને એક ફૂડ પ્રોસેસિંગ યુનિટ બનાવ્યું છે, જેમાં ફણસમાંથી 'રેડી ટુ ઈટ' અને 'રેડી ટુ કૂક' ચીજવસ્તુ બનાવવામાં આવે છે.

કેરળ વિધાનસભામાં આપેલી માહિતી પ્રમાણે, ફણસનું યોગ્ય માર્કેટિંગ કરીને બગાડ અટકાવવામાં આવે તો ખેડૂતો-વેપારીઓને વર્ષે રૂ. ૧૫ હજાર કરોડની આવક થઈ શકે! આ માટે કેરળે જેકફ્રૂટ પ્રમોશનલ કાઉન્સિલની  પણ રચના કરી છે. આ કાઉન્સિલ ત્રણ દિશામાં કામ કરી રહી છે. ૧. ફણસના આરોગ્યલક્ષી ગુણો વિશે જાગૃતિનો ફેલાવો ૨. મુખ્ય વાનગી સિવાય પણ ફણસમાંથી જુદી જુદી ચીજવસ્તુ બનાવીને તેની લોકપ્રિયતા વધારવાના સંશોધનોને પ્રોત્સાહન. જેમ કે, જેકફ્રૂટ ચિપ્સ, જામ, અથાણું, જ્યૂસ, હલવો વગેરે. ૩. ફણસની ખેતીમાંથી ખેડૂતો-વેપારીઓને મહત્તમ લાભ થાય એ દિશામાં કામ કરવાનું.

અત્યાર સુધી દેશભરમાં ફણસની ઉપેક્ષા કેમ?

ભારતમાં છ હજાર વર્ષનો સમૃદ્ધ ઈતિહાસ ધરાવતું હોવા છતાં ફણસ જ્યાં પાકે છે ત્યાં પણ રોજિંદા ભોજનમાં સ્થાન કેમ ના પામ્યું? આજેય દુનિયામાં ફણસનું સૌથી વધુ ઉત્પાદન ભારત કરે છે ત્યારે આ સવાલ થવો સ્વાભાવિક છે. ફણસને કોઈએ ગંભીરતાથી નહીં લીધું હોવાના અનેક કારણો છે.




દક્ષિણ ભારતમાં ફણસનું જંગી ઉત્પાદન ભલે થતું, પણ એ છૂટુછવાયું છે. ખેડૂતો વેપારી ધોરણે ફણસનો પાક લઈને ગુજરાન ચલાવી ના શકે. એકલું કેરળ દિલ્હીમાં દર વર્ષે આશરે ૫૦ હજાર ટન ફણસ પહોંચાડે છે. વચેટિયાઓ ખેડૂતો પાસેથી પ્રતિ ફણસ રૂ. પાંચથી દસના ભાવે હજારો ટન ફણસ ખરીદી લે છે, જે દિલ્હીમાં રૂ. ૩૦ સુધીના ભાવે વેચાય છે. આ કારણસર ખેડૂતો ફણસની એક્સક્લુસિવ ખેતી નથી કરતા પણ ખેતરોના કિનારે ફણસના વૃક્ષો ઊગાડી દે છે. આ ઉપરાંત ફણસની વાવણી મહેનત માંગી છે. ફણસને કાપવું, છીલવું અને પછી તેમાંથી કોઈ વાનગી બનાવવા માટે પણ ખાસ આવડત અને સમય જોઈએ. બહુ ઓછા લોકો પાસે આ આવડત હોય છે. પ્રેક્ટિસ ના હોય તો ફણસને રાંધવામાં કલાકો નીકળી જાય. ફાસ્ટ લાઇફમાં આટલો બધો સમય કોણ કાઢે?

આજકાલ ફાઈવસ્ટાર હોટેલના મેન્યૂમાં ફણસની વાનગીઓ જોવા મળતી હોવાથી અનેક લોકો તેને અમીરોનું ફળ કહે છે, અને, જ્યાં તે પાકે છે ત્યાંના લોકો તેને ગરીબોનું ફળ સમજે છે. આ પ્રકારના સામાજિક વલણે ફણસને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે. આરોગ્યની દૃષ્ટિએ ફણસ કેરી  કે સંતરા જેવા ટ્રોપિકલ ફળો કરતા અનેકગણું વધારે ગુણવાન છે, પરંતુ તેનું કદ તેના માટે શ્રાપ છે. એક સંપૂર્ણ પાકેલું ફણસ પાંચ-દસ કિલોનું હોઇ શકે, પરંતુ તે ઝડપથી બગડી જાય છે. એક નાનકડો પરિવાર એક દિવસમાં આખું ફણસ ખાઈ જાય એ શક્ય જ નથી. એટલે તેની છૂટક ખરીદી બહુ ઓછી થાય છે. શાકાહાર પ્રભાવિત વિસ્તારોમાં ફણસ તેના સ્વાદના કારણે 'માંસ' જેવું ફળ ગણાય છે. ઇસ. ૧૩૦૦માં  થઇ ગયેલા અમીર ખુસરોના સાહિત્યમાં પણ ફણસનો ઉલ્લેખ મળે છે. એ કાળના સાહિત્યમાં કેટલાક વિદ્વાનોએ ફણસના સ્વાદની સરખામણી ઘેંટાના આંતરડા સાથે કરી હતી કારણ કે, એ ખાવામાં ખૂબ મીઠા હોય છે.

આ બધા જ કારણસર ધીમે ધીમે ફણસની મુખ્ય આહારમાંથી બાદબાકી થઇ ગઇ હોઇ શકે!

દુનિયાના બીજા દેશો શું કરી રહ્યા છે?

ભારતની જેમ ચીન, મલેશિયા, વિયેતનામ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, મ્યાંમાર અને શ્રીલંકા જેવા દેશોમાં પણ ફણસ હજારો વર્ષ જૂનો ઈતિહાસ ધરાવે છે. આજેય દક્ષિણ પૂર્વ એશિયાના અનેક વિસ્તારોમાં ફણસના લાકડામાંથી બનાવેલી બુદ્ધની મૂર્તિઓ જોવા મળે છે. જંગલોમાં રહેતા બૌદ્ધ સાધુઓ શરીર પર આછા બદામી રંગનું પહેરણ નાંખે છે. એ કપડાને રંગવા માટે ફણસના વૃક્ષના થડમાંથી રંગ બનાવાયો હોય છે.



દક્ષિણ પૂર્વના દેશોમાં પણ ભારતની જેમ ફણસની વર્ષો સુધી ઉપેક્ષા કરાઈ હતી. ચીને ૧૯૯૨માં ફણસનું મહત્ત્વ સમજીને રસ્તાની આસપાસ ફણસ ઊગાડવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું હતું, જે હજુયે ચાલુ છે. વિયેતનામે પંદરેક વર્ષ પહેલાં ખેડૂતોને ફણસની ખેતીના આર્થિક ફાયદા સમજાવવા જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. આજે ત્યાં ૫૦ હજાર હેક્ટરમાં ફણસનું ઉત્પાદન થાય છે. ફિલિપાઇન્સે જેકફ્રૂટ પ્રોસેસિંગ યુનિટમાં મદદરૂપ થઈ શકે એવી ટેક્નોલોજીના સંશોધન માટે જંગી રોકાણ કર્યું છે. આ દેશોમાંથી પ્રેરણા લઇને મલેશિયા, કંબોડિયા અને શ્રીલંકા પણ ફણસનું વેપારી ધોરણે ઉત્પાદન કરવા ખેડૂતોને આક્રમક રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે. શ્રીલંકામાં કૃષિ વિભાગ હેઠળની સંસ્થાઓ તો ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓ, છૂટક શાકભાજી-ફળોનું વેચાણ કરતા ફેરિયાઓ અને નાના ઉદ્યોગસાહસિકોને ફણસમાંથી બીજી ચીજવસ્તુઓ બનાવવાની તાલીમ પણ આપે છે. શ્રીલંકામાં અત્યારે ડઝનેક નાની કંપનીઓ છે, જે જેકફ્રૂટ પ્રોડક્ટ્સની નિકાસ કરીને હજારો લોકોને રોજગારી પણ આપે છે.     

ભૂખમરો અને કુપોષણની થિયરીને સમજાવતા અનેક ફૂડ એક્સપર્ટ્સ દૃઢપણે માને છે કે, કેરી-કેળા અને દ્રાક્ષની જેમ ફણસને પણ ફ્રૂટ ચેઇનમાં સમાવેશ કરવાનો આ યોગ્ય સમય છે કારણ કે, ફણસ ઘઉં કે ચોખા જેવા સ્ટાર્ચ આધારિત મુખ્ય આહારનું પણ સ્થાન લઇ શકે એટલું સક્ષમ છે. ફણસ ખરા અર્થમાં 'કલ્પવૃક્ષ' છે. નાનકડા શ્રીલંકાના વિજ્ઞાનીઓ, સમાજશાસ્ત્રીઓ અને કર્મશીલો આત્મવિશ્વાસથી કહે છે કે, હવે દુકાળ પડશે તો પણ અમારો દેશ ભૂખે નહીં મરે.

શું ભારત આવું ના કહી શકે?

3 comments: