04 March, 2018

ખેડૂતોની આત્મહત્યાઓ માટે ભ્રષ્ટ બેંકો પણ જવાબદાર


ચાણક્યએ ચોથી સદીમાં 'અર્થશાસ્ત્ર' ગ્રંથમાં લખ્યું છે કે, જેવી રીતે માછલીઓ કેટલું પાણી પીએ છે એ જાણી ના શકાય. એવી જ રીતે, કર ઉઘરાવતા અધિકારીઓ કેટલો ભ્રષ્ટાચાર કરે છે એ જાણવું અશક્ય છે.

સદીઓ પહેલાં ચાણક્યે કરેલી આ વાત ભારતની ભ્રષ્ટ સરકારી બેંકોને પણ લાગુ પડે છે. બેંકોના ભ્રષ્ટ સરકારી બાબુઓ લોન તો બધાને આપે છે પણ પઠાણી ઉઘરાણી ફક્ત આમ આદમી અને ખેડૂતો પાસે જ કરે છે. વિજય માલ્યાઓ અને નીરવ મોદીઓ બિંદાસ દેશ છોડીને ભાગી જાય છે, વિદેશમાં બેશરમીથી જલસા કરે છે, પહેલાં બેંકો પાસેથી દાદાગીરી-છેતરપિંડીથી લોન લે છે અને પછી 'પૈસા નહીં મળે, થાય તે કરી લેજો' જેવી ધમકી પણ આપે છે, પરંતુ સામાન્ય માણસે કે ખેડૂતોએ દેવું થાય તો આત્મહત્યા કરવાનો જ વારો આવે છે. 

વિખ્યાત અમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટે એકવાર કહ્યું હતું કે, બેંક એટલે એવી જગ્યા જે હવામાન સારું હોય ત્યારે છત્રી ખરીદવાની લોન આપે અને વરસાદ પડે ત્યારે પાછી લઈ લે. આ વાત પણ આમ આદમીને જ લાગુ પડે છે. વરસાદ ના પડતો હોય તો પણ ધનવાનોને છત્રીઓ આપવા આપણી સરકારી બેંકો હાજરાહુજુર જ છે. ભારતમાં બેંકિંગ સહિતની કોઈ પણ સરકારી સિસ્ટમના મોટા ભાગના સરકારી બાબુઓ સત્તા અને ધનના ચરણોમાં આળોટતા હોય છે, જ્યારે અભણ ખેડૂતો એકા લાખની લોન લેવા જાય ત્યારે સરકારી બાબુઓ જાતભાતના કાગળિયા માંગીને તેમની પાસે ત્રણેક હજાર રૂપિયાનો ખર્ચ કરાવી દે છે. જરા વિચારો. એક નાના ખેડૂતને લોન મળે છે તેના ત્રણ ટકા લોન મળતા પહેલા જ ખર્ચાઈ જાય છે. એ પણ કદાચ ઉધારી કરીને લાવ્યો હોય છે. સરકારને સલાહસૂચન આપતા નિષ્ણાતો તો આ આંકડો ક્યારેક દસ ટકાથી પણ વધારે હોવાની રજૂઆતો કરી ચૂક્યા છે.




આ આંકડામાં સરકારી કર્મચારીઓ-અધિકારીઓને ચૂકવાતું કમિશન પણ આવી ગયું. અહીં જમીનો બતાવીને ખેડૂત થયેલા રાજકારણીઓ અને સેલિબ્રિટી ખેડૂતોની નહીં પણ અસલી ખેડૂતોની વાત થઈ રહી છે. ખેડૂતોની આત્મહત્યાના જુદા જુદા સ્ટેટિસ્ટિક્સ પર નજર કરતા ખબર પડે છે કે, આત્મહત્યાઓ ક્યારેય જમીન માલિકો નહીં પણ નાના ખેડૂતો અને ખેતમજૂરો જ કરે છે. એમાંય ગ્રામીણ ભારતમાં વસતા ગરીબના હાલ શહેરોમાં વસતા ગરીબો કરતા અનેકગણા વધારે બદતર છે. જાવેદ અખ્તરે એક શેરમાં બહુ મોટી વાત કરી દીધી છે. તેઓ કહે છે કે, ‘‘ઊંચી ઇમારતો સે મકાં મેરા ઘિર ગયા, કુછ લોગ મેરે હિસ્સે કા સૂરજ ભી ખા ગયે.’’ બિલકુલ આવી જ રીતે, વિજય માલ્યાઓ અને નીરવ મોદીઓ એક ખેડૂતને મળનારો હિસ્સો હજમ કરી જાય છે અને ઓડકાર પણ ખાતા નથી. 

આજેય ગ્રામીણ ભારતનો ૪૯ ટકા વર્ક ફોર્સ સીધી અને આડતરી રીતે કૃષિ અર્થતંત્રમાંથી રોજગારી મેળવે છે, પરંતુ જીડીપીમાં કૃષિનો હિસ્સો માંડ ૧૭ ટકા છે. કૃષિ અર્થતંત્રની હાલત હજુ વધારે ખરાબ કરવામાં કરવામાં સરકારી બેંકોનો ભ્રષ્ટાચાર આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યો છે. એટલે ખેડૂતોની આત્મહત્યા માટે પણ સરકારી બેંકોના ભ્રષ્ટાચારને પણ જવાબદાર ઠેરવી જ શકાય. બેંકો પાસેથી લોન લઈને છેતરપિંડીના મહાકૌભાંડો બહાર આવે છે ત્યારે દલીલ કરાય છે કે, આ પ્રકારના કિસ્સા એકલદોકલ છે, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે, છેલ્લાં પાંચ જ વર્ષમાં સરકારી બેંકોને નહીં ચૂકવાયેલી લોનની રકમ રૂ. ૬૧ હજાર કરોડે પહોંચી ગઈ છે. સરકારી બેંકોની નોન પર્ફોર્મિંગ એસેટ્સ (કે બેડ લોન્સ) સતત વધી રહી છે. બેંકોની આટલી મોટી રકમ કોણ હજમ કરી ગયું? તમારા મારા જેવા સામાન્ય લોકો નહીં પણ કોર્પોરેટ્સ. કરોડપતિઓને ગમે તેમ કરીને લોન છૂટી કરી આપવામાં ભ્રષ્ટ બેંકરોનો સાથ હોય છે અને લોન ચોરોને ભગાડી દેવામાં રાજકારણીઓનો સાથ હોય છે. ભારતને પછાત અને ભ્રષ્ટ દેશ રાખવામાં રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને સરકારી બાબુઓનું નેક્સસ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકની લોન આપવા બધા જ સરકારી બાબુઓને કમિશન આપ્યું હતું અને જે વચ્ચે પડ્યા તેમને ધમકાવીને ચૂપ કરી દીધા હતા. વિકસિત દેશોમાં બેંકોની બાગડોર સરકારી બાબુઓ નહીં પણ બેંકિંગ સિસ્ટમને સારી રીતે સમજતા બેંકરોના હાથમાં છે, જ્યારે આપણી સરકારી બેંકો પર સૂટબૂટમાં મહાલતા કમિશનબાજોનો કબજો છે. એટલે આજેય એક સરેરાશ ભારતીય એવું જ માને છે કે, બેંકો (અને બધા સરકારી વિભાગો) તો રાજકારણીઓ કે કરોડપતિઓના ખિસ્સામાં છે. ઓળખાણ જ સૌથી મોટી ખાણ છે. આ પ્રકારની નકારાત્મકતામાંથી એક સરેરાશ મધ્યમ વર્ગીય માણસના મનમાં એ વાત ઘર કરી ગઈ છે કે, રાજકારણીઓ અને સરકારી બાબુઓ કૌભાંડી છે અને ફક્ત આપણા પૈસે જલસા કરે છે. એટલે અમે ટેક્સ શેનો ભરીએ? ભારતીયો માટે ટેક્સ ચોરી એ ભ્રષ્ટાચાર નહીં પણ આવડત છે. આમેય, દેશમાં માંડ બે-ત્રણ ટકા નોકરિયાત વર્ગ જ ટેક્સ ભરે છે. કૃષિની આવક પર ટેક્સ નથી પણ તેના લાભ છેવાડા સુધી પહોંચ્યા નથી. ટૂંકમાં, આજેય ભારતનું કર માળખું જટિલ અને ખામીયુક્ત છે.

બેંકોની વાત પર પાછા ફરીએ. ઈન્દિરા ગાંધીએ ૧૯૬૯માં બેંકોનું સરકારીકરણ કર્યું ત્યારે પણ એ જ દલીલ કરાઈ હતી કે, કૃષિની આવક પર ટેક્સ નહીં હોવા છતાં ગ્રામીણ ભારતના ગરીબને તેના લાભ મળતા જ નથી. છેવટે ઈન્દિરા ગાંધીએ બેંકોનું સરકારીકરણ કર્યું. ખેર, એ નિર્ણય જે તે સમયે બરાબર હશે, પરંતુ સરકારી બેંકો પર 'સરકાર'નો પગદંડો મજબૂત બનતા ભ્રષ્ટાચાર પણ વધ્યો. ઈન્દિરા ગાંધીએ જે હેતુ માટે બેંકોનું સરકારીકરણ કર્યું તેના ફાયદા સામાન્ય માણસાને મળ્યા-ના મળ્યાં ત્યાં સુધીમાં તો સરકારી બેંકોના મેનેજમેન્ટમાં રાજકારણીઓ અને ભ્રષ્ટ સરકારી બાબુઓનો પંજો ફેલાઈ ચૂક્યો હતો. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ૧૯૯૧માં વડાપ્રધાન નરસિમ્હા રાવ અને નાણા મંત્રી મનમોહન સિંહે આર્થિક સુધારાના ભાગરૂપે બીજી પણ અનેક બેંકો શરૂ કરવા લાયસન્સ આપીને સરકારી બેંકોનું એકહથ્થું શાસન કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો.

જોકે, હથકંડાથી પણ સરકારી બેંકોના માથાના દુ:ખાવાનો સંપૂર્ણ ઈલાજ ના થયો. દેશના બહુ મોટા ગ્રામીણ વર્ગને ફાયદો પહોંચાડવામાં પણ સરકારી બેંકો સરેઆમ નિષ્ફળ ગઈ. ઓલ ઈન્ડિયા ડેબ્ટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટના આંકડા કહે છે કે, ખેડૂતોમાં જોખમી સ્રોતો પાસેથી ઉધારી લેવાનું, લોનો લેવાનું પ્રમાણ ઘણું વધી ગયું છે. આ જોખમી એટલે આજના શાહુકારો. એવી પણ દલીલ છે કે, શાહુકારો પાસેથી લોન લેવાનું પ્રમાણ વધ્યું હોવાથી ખેડૂતોમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે કારણ કે, આ લોકો ખેડૂતો પાસેથી પઠાણી ઉઘરાણી કરે છે, બેંકો નહીં. જોકે, એ દલીલ પણ અર્ધસત્ય છે. સરકારી બેંકો ખેડૂતોને લોન આપવામાં નિષ્ફળ ગઈ એટલે જ ખેડૂતો જોખમી સ્રોતો પાસે ઉધારી કરવા ગયા ને?

બીજા એક આંકડા પર નજર કરીએ. નેવુંના દાયકાના અંતમાં આર્થિક ઉદારવાદની શરૂઆત થઈ ત્યારે ગામડામાં વસતા ૧૩,૬૬૫ નાગરિકો દીઠ એક બેંક હતી. ત્યાર પછી ૨૦૦૪માં સરકારે કૃષિ ક્ષેત્રની લોન બેવડી કરવાની જાહેરાત કરી, પરંતુ ત્યાં સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત સરકારી બેંકોની ૯૦૦ શાખા બંધ થઈ ગઈ હતી. એ પછી યુપીએ સરકારે ૨૦૦૪થી ૨૦૧૨ વચ્ચે વિવિધ બેંકોની ૫૭૧૦ ગ્રામ્ય શાખા શરૂ કરી, તો ત્યાં સુધીમાં એક બેંકદીઠ ગ્રામીણ વસતી ૧૫ હજારે પહોંચી ગઈ હતી. કદાચ ગ્રામીણ ભારતને વધુને વધુ બેંકોની નહીં પણ અસરકારક બેંકોની વધારે જરૂર છે. ગ્રામીણ વિસ્તારોમાં સરકારી બેંકો નિષ્ફળ જવાનું કારણ પણ જાડી ચામડીના સરકારી બેંકરો જ છે. બેંકોના ઉચ્ચ સરકારી અધિકારીઓથી લઈને સામાન્ય કર્મચારી સુધી કોઈને ગામડામાં બેંકિંગ સિસ્ટમ મજબૂત કરવામાં રસ નથી. તેમને શહેરોમાં બેસીને ફક્ત મલાઈ ખાવી છે.

આજેય દેશમાં ત્રણ ચતુર્થાંશ લોકો પાસે ખૂબ જ ઓછી જમીન છે, જે નાના ખેડૂતો તરીકે ઓળખાય છે. આ લોકોને ખેતી માટે માંડ બે લાખની લોન જોઈતી હોય છે. ભારતમાં ટીપિકલ એગ્રિકલ્ચરલ લોનની મહત્તમ મર્યાદા આટલી જ છે. જોકે ૧૯૯૦ પછી તો એ રકમ પણ અડધી થઈ ગઈ છે. તમને નવાઈ લાગશે. ખેડૂતોય આ લોન લેવા તૈયાર નથી. બીજી તરફ, સરકારી બેંકો સિવાયના સ્રોતમાંથી અપાતી કૃષિ લોન ૧૯૯૦માં ૫.૭ ટકા હતી, જે ૨૦૧૧માં ૧૭.૭ ટકાએ પહોંચી ગઈ છે. ટૂંકમાં બેંકિંગ સિસ્ટમનો પ્રભાવ ગ્રામીણ ભારતમાં દિનપ્રતિદિન ઘટી રહ્યો છે. ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ એમ ચારેય રાજ્યોના ખેડૂતોને ૨૦૧૦માં અપાયેલી લોન કરતા છત્તીસગઢ અને દિલ્હીના ખેડૂતોને અપાયેલી લોનનો આંકડો વધારે હતો. દિલ્હીમાં ખેડૂતો? ટૂંકમાં જે વ્યક્તિ કાયદા પ્રમાણે ખેડૂતની વ્યાખ્યામાં ફિટ બેસે તેને ફક્ત લક્ષ્યાંકો પૂરો કરવા માટે લોન આપી દેવાય છે. આમ, ખરી જરૂરિયાત ધરાવતા ખેડૂતોને કૃષિ લોનનો લાભ જ નથી મળતો.

એવી જ રીતે, ૧૨ એકર જમીનની માલિકી ધરાવતો ખેડૂત જમીનોના કાગળિયાના રજૂ કરીને રૂ. એક લાખની લોન લઈ લે છે. આટલી લોન લેવા માટે ખેડૂતે બે એકરથી વધારે જમીન દર્શાવવી ના પડે. ટૂંકમાં, એક મોટો ખેડૂત બેંક રેકોર્ડ પર ફક્ત બે એકર જમીનની માલિકી દર્શાવીને લોન લઈ જાય છે. કાયદાકીય રીતે તે ગુનો નથી બનતો, પણ ૧૨ એકર જમીનનો માલિક બેંકના ચોપડે પોતાને નાનો ખેડૂત દર્શાવીને હકીકતમાં જે નાનો ખેડૂત છે, તેના હિસ્સાનું ખાઈ જાય છે. આ બધી જ મુશ્કેલીઓ માટે અનેક નિષ્ણાતો બેંકો સહિત તમામ સરકારી કંપનીઓના સંપૂર્ણ ખાનગીકરણનો વિકલ્પ રજૂ કરે છે કારણ કે, કેમેય કરીને સરકારી કંપનીઓમાં ભ્રષ્ટાચાર ઓછો થતો નથી. સરકારી કંપનીઓનું સંચાલન સારી રીતે થતું નથી અને એ માટે રાજકારણીઓની દખલગીરીથી માંડીને સરકારી બાબુઓની સરકારી માનસિકતા જેવા અનેક કારણો જવાબદાર હોઇ શકે છે.

હાલ, સરકારના જુદા જુદા મંત્રાલયો પાસે ૨૯૦ કંપની છે, જેમાંની ૨૩૪ સક્રિય કંપનીઓમાં પ્રજાના રૂ. ૧૭ લાખ કરોડનું રોકાણ છે. આ બધી કંપનીઓનું કુલ ઉત્પાદન માંડ રૂ. ૨૦ લાખ કરોડ છે, જ્યારે ૭૧ કંપની ખોટમાં ચાલે છે. આ બધી કંપનીઓનો કુલ નફો રૂ. દોઢ લાખ કરોડની આસપાસ છે. એટલે કે, કુલ રોકાણના માંડ છ-સાત ટકા. એવી જ રીતે, આ કંપનીઓની કુલ ખોટ રૂ. સવા લાખ કરોડ જેટલી છે. આ ખોટમાં સરકારી બેંકોની નોન પર્ફોર્મિંગ એસેટ્સ કે બેડ લોન્સ ઉમેરો તો આંકડા ઘણે ઊંચે જાય. તેની સામે પ્રાઈવેટ બેંકોનું મેનેજમેન્ટ પ્રોફેશનલ બેંકરો કરે છે. એકલી એચડીએફસી બેંકનું મૂલ્ય એક ડઝન સરકારી બેંકોના કુલ મૂલ્ય જેટલું છે. જો એક પ્રાઈવેટ બેંક જડબેસલાક મેનેજમેન્ટ કરીને આગળ વધી શકે તો સરકારી બેંક કેમ નહીં? સરકારી બેંકોને ફક્ત ‘સરકારી લેબલ’નો ફાયદો મળે છે.

સરકારી બેંકોની ભરતીમાં પણ સરેઆમ ભ્રષ્ટાચાર થાય છે. આ પ્રકારની માથે પડેલી, માથાનો દુ:ખાવો બની ગયેલી અને દેશના વિકાસમાં ખાસ કોઈ યોગદાન નહીં આપનારી બેંકોનું ખાનગીકરણ થવું જ જોઈએ. ભ્રષ્ટ સિસ્ટમના કારણે થતી ખેડૂતોની આત્મહત્યાઓ હકીકતમાં હત્યા જ છે અને એ માટે ભ્રષ્ટ બેંકરો, રાજકારણીઓ અને મોટા ખેડૂતો સહિત બધા જ જવાબદાર છે.

1 comment:

  1. साची वात छे। बेन्कनी एनपीए-फ्रोड लोननो फुग्गो कदाच रघुरां राजनना काळमां ज फूटी जात। तेमणे बेन्कोने पोतानी एनपीए-फ्रोड जाहेर करवा ताकीद करी हती, अने बेन्को धीमे धीमे एनपीए-फ्रोड जाहेर करवा हती, एक साथे जाहेरातमां बेन्किंग व्यवस्थाने मोटो फटको पडे तेम हतुं। बेन्कमां क्राईसीस सर्जाई हती ने केश फ्लो तथा नफो बताववा बेन्को मरणीया बनी हती। बधा वच्चे नोटबंधी आवी ने रोकड उपाड मर्यादा मुकाता बेन्को केशथी छलकाई। एटले वात बे-अेक वर्ष विसारे पडी। वच्चे राजन जता रह्या अने बेन्को ना सुधरी, परिणाम आपणी सामे छे। गरीबोना रुपिया कौभांडी आखला चरी जाय, पछी खेडूतो बिचारा लटकी जाय। संवेदनशील सरकार आ मुद्दा भूलावी कोई बीजा मुद्दा संवेदना व्यक्त करवा शोधे छे। हर शाख (branch) पे उल्लुं बैठा है।

    ReplyDelete