15 January, 2018

નૈન સિંઘ : સાંગપોનો નકશો તૈયાર કરનારો ‘સોલો ટ્રાવેલર’


પૌરાણિક વાર્તાઓમાં બ્રહ્મપુત્ર નદીના જન્મ વિશે શું કહેવાયું છે? પુરાણોમાં આ નદીની સૌથી પ્રચલિત વાર્તા કઈ છે? પરશુરામે બ્રહ્મપુત્રમાં સ્નાન કરીને કયું મહા પાપ ધોયું હતું? ગયા અઠવાડિયે આ કોલમમાં એ ત્રણેય પ્રશ્નના જવાબ અપાઈ ગયા. એ લેખમાં બ્રહ્મપુત્રની ભૂલભૂલૈયા જેવી ભૂગોળની પણ વાત કરાઈ. ઈસ. ૧૭૧૫માં ઈટાલિયન પાદરી ઈપોલિતો દેસીદેરી ગોવાથી વાયા સુરત, અમદાવાદ, રાજસ્થાન, કાશ્મીર, લદાખ થઈને તિબેટ પહોંચ્યા એ વાત પણ થઈ ગઈ. દેસીદેરીએ લખેલી ઐતિહાસિક પ્રવાસ ડાયરી અને તેના આધારે તૈયાર થયેલા પુસ્તકો પરથી સાબિત થઈ ગયું છે કે, તેઓ તિબેટના અંતરિયાળ વિસ્તારમાં પહોંચેલા પહેલાં યુરોપિયન હતા. દેસીદેરીનો હેતુ તિબેટમાં જઈને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો હતો, બ્રહ્મપુત્રનું મૂળ શોધવાનો નહીં. પરંતુ દેસીદેરી અજાણતા તો અજાણતા બ્રહ્મપુત્રના મૂળ નજીક પહોંચ્યા હોવાથી આ પ્રદેશમાં થયેલા ખેડાણની વાત આવે ત્યારે ઈતિહાસ તેમને યાદ કરે છે. 

હવે આગળ વાત.

સાહસિક પ્રવાસી નૈન સિંઘ રાવતની એન્ટ્રી

તિબેટના ઉચ્ચપ્રદેશોમાંથી વહેતી સાંગપો નદી  નામચા બારવા અને ગ્યાલા પેરી પર્વતોને ભેદીને પૂર્વ તરફ આગળ વધે છે. બસ, મુશ્કેલી આ જ સ્થળેથી શરૂ થાય છે. ૧૯મી સદીમાં ઉપગ્રહો તો હતા નહીં, એટલે નકશો તૈયાર કરવા મથી રહેલા યુરોપિયન અને સ્થાનિક એક્સપ્લોરર્સને મૂંઝવણ થતી કે, આ મહાકાય પર્વતમાળાઓમાંથી આગળ વધતું વહેણ ક્યાં જાય છે અને કઈ નદીને મળે છે? વળી, આગળ જતા બીજા પણ અનેક વહેણ જોવા મળતા, જેના કારણે મૂંઝવણમાં ઓર વધારો થતો.

નૈન સિંઘનું ગૂગલ ડૂડલ

અમુક નિષ્ણાતો એવું માનતા કે, સાંગપો પૂર્વ તરફ આગળ વધીને મ્યાંમારની ઈરાવદી કે સાલવિન નામની નદીઓને મળે છે. તો એક થિયરી એવી હતી કે, આ પર્વતો ભેદીને સાંગપો દક્ષિણ તરફ વહે છે અને ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે, જ્યાં તે સિઆંગ નામે જાણીતી છે. જોકે, એવું હોય તો બીજો પણ એક સવાલ ઉદ્ભવતો. જો સાંગપો જ બ્રહ્મપુત્ર હોય તો તે ચોક્કસ કયા સ્થળેથી ભારતમાં પ્રવેશે છે? દોઢેક સદી પહેલાં આ વાતનો ચોક્કસ જવાબ કોઈ પાસે ન હતો.

આ દરમિયાન સર્વે ઓફ ઈન્ડિયાએ સાંગપોનો સંપૂર્ણ નકશો તૈયાર કરવાનું નક્કી કર્યું. બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતનું સંપૂર્ણ મેપિંગ અને સર્વેઇંગ કરવા ૧૭૬૭માં સર્વે ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી હતી. આ સંસ્થાને સાંગપોના રૂટનો નકશો તૈયાર કરવા એક સાહસિક, તાલીમબદ્ધ અને ઉત્સાહી યુવાનની ભરતી કરી. એ યુવાન એટલે નૈન સિંઘ રાવત. નૈન સિંઘનો જન્મ ૨૧મી ઓક્ટોબર, ૧૮૩૦ના રોજ ઉત્તરાખંડના કુમાઉની જોહર વેલીના એક નાનકડા ગામમાં થયો હતો. 

૨૧મી ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ ગૂગલે નૈન સિંઘ રાવતના ૧૮૭મા જન્મદિનની ઉજવણી નિમિત્તે ડૂડલ કરીને તેમની કામગીરીને બિરદાવી હતી.

સર્વે ઓફ ઈન્ડિયા અને નૈન સિંઘનો ભેટો

હિમાલયના મિલામ ગ્લેશિયરની તળેટીમાં આવેલી જોહર વેલીમાં જન્મેલો નૈન સિંઘ નાનપણથી જ  તિબેટના અંતરિયાળ વિસ્તારોમાં રઝળપાટ કરતો. નૈન સિંઘ અધવચ્ચે જ અભ્યાસ છોડીને પિતાને કૃષિ અને બીજા વ્યવસાયમાં સાથ આપતો. તેના પિતા બૌદ્ધ ધર્મ અને તિબેટિયન સંસ્કૃતિ પ્રત્યે આકર્ષાયા હતા, જેનો પ્રભાવ નાનકડા નૈન સિંઘ પર પણ પડ્યો હતો. નૈન સિંઘે પિતા સાથે તિબેટના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા અનેક બૌદ્ધ મઠોની મુલાકાત પણ લીધી હતી. એ જમાનામાં તિબેટમાં ભાગ્યે જ કોઈ બહારના વ્યક્તિને અંદર સુધી પ્રવેશવાની મંજૂરી મળતી. જોકે, નૈન સિંઘ નસીબદાર હતો, જે તિબેટમાં રખડપટ્ટી કરીને તિબેટિયન ભાષા અને રીતરિવાજ પણ શીખી ગયો હતો. સ્થાનિક તિબેટિયનો સાથે પણ તેણે સારી એવી મિત્રતા કેળવી હતી. ઉત્તરાખંડમાં ગોરખા અને અન્ય સ્થાનિકોમાં પણ નૈન સિંઘ એક આગળ પડતા સાહસિક વ્યક્તિ તરીકે ઠીક ઠીક જાણીતો થઈ ગયો હતો.

નૈન સિંઘ રાવત

આ દરમિયાન સર્વે ઓફ ઈન્ડિયાએ એડોલ્ફ અને રોબર્ટ શેલેજિનટ્વેઇટ નામના બે સગા જર્મન ભાઈઓને ઉત્તરાખંડમાં હિમાલયન એક્સપ્લોરેશન માટે મોકલ્યા. તેઓ ઉત્તરાખંડમાં રખડપટ્ટી કરી રહ્યા હતા ત્યારે દેબ સિંઘ રાવત નામના એક સ્થાનિકને મળ્યા. દેબ સિંઘે જર્મન ભાઈઓને વધુ એક્સપ્લોરેશન કરવા નૈન સિંઘ રાવત, મણિ સિંઘ રાવત અને દોલ્પા નામની ત્રણ વ્યક્તિની મદદ લેવાનું સૂચન કર્યું. નૈન સિંઘ અને મણિ સિંઘ પિતરાઈ હતા. આ સૂચન સ્વીકારીને શેલેજિનટ્વેટ ભાઈઓએ ૧૮૫૫માં આ ત્રણેય સ્થાનિકની સર્વે ઓફ ઈન્ડિયામાં સત્તાવાર નિમણૂક કરી અને શરૂ થઈ એક અનોખી સાહસયાત્રા.

... અને શરૂ થયો નૈન સિંઘનો અનોખો પ્રવાસ

એ ત્રણેયે હિમાલયન એક્સપ્લોરેશનમાં બ્રિટીશરોને ઘણી મદદ કરી, જેનાથી પ્રભાવિત થઈને ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ૧૮૬૩માં તેઓને દહેરાદૂનની ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વે ઓફિસમાં તાલીમ લેવા મોકલ્યા. નૈન સિંઘ અને તેમના બે સાથીદારે ત્યાં સળંગ બે વર્ષ નોંધો કરવાની, રેકોર્ડ બનાવવાની, વૈજ્ઞાનિક અને બૌદ્ધ પદ્ધતિ પ્રમાણે અંતર માપવાની તેમજ હોકાયંત્ર-સેક્સટન્ટ (જમીન-દરિયામાં ખૂણાની માપણીના આધારે અંતર-ઊંચાઈ માપવાનું સાધન) જેવા વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરવાની તાલીમ લીધી. આકાશમાં તારા જોઈને દિશા નક્કી કરવામાં નિષ્ણાત નૈન સિંઘને વૈજ્ઞાનિક તાલીમ મળતા, એ કળા થોડી વધુ નિખરી. નૈન સિંઘ 'ફાસ્ટ લર્નર' હોવાથી ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વેની ઓફિસમાં ઘણું બધું શીખીની બહાર આવ્યા.

ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ૧૮૦૨માં સ્થાપેલી ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વેનો હેતુ સમગ્ર ભારતીય ઉપખંડની ભૂગોળનો વૈજ્ઞાનિક નકશો તૈયાર કરવાનો હતો. હિમાલયના એવરેસ્ટ, કાંચનજંગા અને કે-૨ જેવા શિખરોની ઊંચાઈ પણ આ જ સંસ્થાએ માપી હતી.

લેહથી લ્હાસા સુધીના નૈન સિંઘના પ્રવાસનો નકશો

ઇસ. ૧૮૬૫માં નૈન સિંઘ, મણિ સિંઘ અને દોલ્પાની તાલીમ પૂરી થઈ, પરંતુ નૈન સિંઘ અને મણિ સિંઘ ઘરે જવાના બદલે સીધા નેપાળ ઉપડ્યા. નૈન સિંઘે હિમાલયની પર્વતમાળાઓ, જંગલો અને નાના-મોટા વહેણો ઓળંગીને કાઠમંડુથી લ્હાસા થઈને માન સરોવર સુધી આશરે બે હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો. આ થકવી દેતા પ્રવાસમાં જંગલી પ્રાણીઓ, ઝેરી જીવો, ખોરાક-પાણીનો પુરવઠો અને વાતાવરણને લગતી અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો હોવાથી ‘એકથી ભલા બે’ હતા, પરંતુ મણિ સિંઘે આ યાત્રા અધવચ્ચે જ છોડી દીધી. તેઓ ભારત તિબેટ સરહદે પહોંચતા જ ભારત પાછા આવી ગયા.

જોકે, નૈન સિંઘ એકલા હોવા છતાં હિંમત ના હાર્યા અને એકલપંડે પ્રવાસ (સોલો ટ્રાવેલ) કરીને માન સરોવર સુધી જઈને વાયા પશ્ચિમ તિબેટ ભારત આવ્યા. નૈન સિંઘ પાછા આવ્યા ત્યારે તેમની પાસે નેપાળથી તિબેટ જતા સમગ્ર રસ્તાની, લ્હાસાની ઊંચાઈની તેમજ સાંગપો નદીની બહુ જ મોટા રૂટની વૈજ્ઞાનિક માહિતી તૈયાર હતી.

નૈન સિંઘ રાવત જેનું નામ, જેમને ચૈન ન હતું

નૈન સિંઘે ૧૮૬૫માં શરૂ કરેલી પહેલી યાત્રા ચોક્કસ ક્યારે પૂરી થઈ એ વિશે જાણકારી નથી, પરંતુ ૧૮૬૭માં પશ્ચિમ તિબેટમાં ફરી એકવાર પ્રવાસ કરીને તેમણે થોક જાલુંગ નામની સોનાની ખાણ શોધી કાઢી હતી. નૈન સિંઘે જોયું કે, સ્થાનિકો જમીનની સપાટી ઉપરછલ્લી ખોદીને સોનું કાઢી રહ્યા છે. તિબેટિયનો જમીનમાં ઊંડા ખાડા કરીને સોનું નહોતા કાઢતા કારણ કે, તિબેટિયન સંસ્કૃતિમાં પૃથ્વીમાં ઊંડા ખાડા કરવા એ ગુનો છે. જો ફળદ્રુપ જમીનો છે, તો જ માણસનું અસ્તિત્વ છે એવું તેઓ માને છે.

ટૂંકમાં થોક જાલુંગમાં સોનું ધરબાયેલું છે એ વાત સ્થાનિકો જાણતા જ હતા, પરંતુ નૈન સિંઘે તૈયાર કરેલા નકશા પછી બહારની દુનિયાને ત્યાં સોનાની ખાણ હોવાની જાણકારી મળી. આ પ્રવાસો પછીયે નૈન સિંઘ થાક્યા ન હતા. સાંગપોના વધુ કેટલાક રૂટનો નકશો તૈયાર કરવા તેમણે ૧૮૭૩માં ફરી એકવાર લેહથી લ્હાસા સુધીનો પ્રવાસ શરૂ કર્યો. આ બંને સ્થળ વચ્ચેનું સીધી લીટીમાં અંતર ૧૩૭૦ કિલોમીટર છે, પરંતુ પર્વતીય પ્રદેશોમાં આ આંકડો વધી જાય. જોકે, નૈન સિંઘે બે જ વર્ષમાં આ અંતર કાપી નાંખ્યું અને સાંગપોના વધુ કેટલાક રૂટનો નકશો તૈયાર કર્યો.


નૈન સિંઘની યાદમાં ભારત સરકારે બહાર પાડેલી ટિકિટ 

આ મહાન સિદ્ધિ બદલ રોયલ જિયોગ્રાફિક સોસાયટીએ ૧૮૬૮માં સોનાનું ક્રોનોમીટર આપીને નૈન સિંઘનું સન્માન કર્યું હતું. ક્રોનોમીટર એટલે તાપમાનની અસર ના થાય એવું સમય માપવાનું સાધન. રોયલ જિયોગ્રાફિક સોસાયટીએ ૧૮૭૭માં નૈન સિંઘને પેટ્રન્સ મેડલથી પણ નવાજ્યા. પેરિસની સોસાયટી ઓફ જિયોગ્રાફર્સે પણ નૈન સિંઘને સુંદર ઘડિયાળ ભેટમાં આપી હતી, જ્યારે ભારત સરકારે બે ગામની જમીન ભેટમાં આપીને તેમની સિદ્ધિને બિરદાવી હતી. ૨૭મી જૂન ૨૦૦૪ના રોજ ભારત સરકારે નૈન સિંઘની યાદમાં એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.

નૈન સિંઘ ઘડપણમાં ઉત્તરપ્રદેશના મોરાદાબાદમાં સ્થાયી થયા અને ત્યાં જ પહેલી ફેબ્રુઆરી, ૧૮૮૨ના રોજ કોલેરાથી મૃત્યુ પામ્યા.       

***

નૈન સિંઘે સાંગપો નદીના બહુ જ મોટા હિસ્સાનો વૈજ્ઞાનિક નકશો તૈયાર કર્યો એ વાત ખરી, પરંતુ સાંગપો એ જ સિઆંગ અને સિઆંગ એ જ બ્રહ્મપુત્ર નદી છે એ વાતની વૈજ્ઞાનિક સત્યતા ચકાસવાની હજુ બાકી હતી. એ માટે બ્રહ્મપુત્ર નદીનો આખેઆખો વૈજ્ઞાનિક નકશો તૈયાર થાય એ જરૂરી હતું. નૈન સિંઘ રાવતનું એ અધૂરું કામ ભારતના જ એક સાહસિક પ્રવાસીએ પૂરું કર્યું. 

એ કોણએ સાહસકથા વાંચો અહીં.

2 comments:

  1. મજેદાર માહિતીથી ભરપૂર લેખ બદલ આભાર...

    ReplyDelete