09 October, 2017

ગાંધીજીની ત્રણ વાંદરાની મૂર્તિમાંથી ગાયબ ચોથો વાંદરો


ગાંધીજીને ત્રણ વાંદરાની મૂર્તિ જાપાનીઝ સાધુ નિચિદાત્સુ ફૂજીએ ભેટમાં આપી હતી. એ જાપાનીઝ સાધુ ફૂજી અને ગાંધીજીની મુલાકાત વિશે ગયા અઠવાડિયે આ કોલમમાં વાત કરાઈ હતી. આ સાથે ગાંધીજી અને ફૂજી વચ્ચે થયેલી વાતચીત, બૌદ્ધ ધર્મ વિશે ગાંધીજીની માન્યતા, મહારાષ્ટ્રના સેવાગ્રામ આશ્રમમાં ફૂજી અંતેવાસી બનીને રહ્યા એ તેમજ ભારત-જાપાન સંબંધ મજબૂત કરવામાં ફૂજીનું પ્રદાન જેવા વિવિધ મુદ્દે પણ ચર્ચા થઈ ગઈ. હવે વાત, ગાંધીજીના ત્રણ વાંદરાની.  

ફૂજીએ ગાંધીજીને આપેલા ત્રણ વાંદરા બૌદ્ધ ધર્મનું અત્યંત પ્રાચીન પ્રતીક છે. જાપાનના પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં ખોટું જોવું નહીં, ખોટું સાંભળવું નહીં અને ખોટું બોલવું નહીં, એ સિદ્ધાંત ભારપૂર્વક કહેવાયો છે. 'થ્રી વાઈઝ મન્કીઝ' (ત્રણ ડાહ્યા વાંદરા) કે 'થ્રી મિસ્ટિક એપ્સ' (ત્રણ રહસ્યમય વાંદરા) જેવા નામે ઓળખાતા આ ત્રણેય વાંદરા સંયુક્ત રીતે એ જ સંદેશ આપે છે. એક જ વાનરની મૂર્તિ આ ત્રણેય સંદેશ એકસાથે ના આપી શકે કારણ કે, વાનરને પણ માણસની જેમ બે જ હાથ હોય એવી કલ્પના કરાઈ છે. આ કારણસર ઋષિઓ, ધર્મગુરુઓએ ત્રણ વાંદરાના છ હાથની મદદથી આપણને ઉપરોક્ત ત્રણ સંદેશ આપ્યા! જોકે, ચીનના પ્રાચીન સાહિત્યમાં ચોથો સંદેશ આપતા ચોથા વાંદરાનો પણ ઉલ્લેખ મળે છે. તો પછી એ મૂર્તિમાંથી ચોથો વાંદરો ગયો ક્યાં? આ સવાલનો જવાબ મેળવતા પહેલાં વાંદરાની મૂર્તિનો ઉદ્ભવ કેવી રીતે થયો એ વિશે વાત કરીએ.   

જાપાનના ૧૭મી સદીમાં બંધાયેલા તોશો-ગુ મંદિરના
દરવાજા પર જોવા મળતા ત્રણ વાંદરા 

ભારતમાં જોવા મળતી ત્રણ વાંદરાની મૂર્તિમાં મોટા ભાગે લંગુર નામની પ્રજાતિના વાંદરા હોય છે. લંગુર એટલે ભારતભરમાં જોવા મળતા કાળા મ્હોંવાળા વાંદરા. જોકે, આ મૂર્તિનો ઉદ્ભવ જાપાનમાં થયો હોવાથી તેમાં જોવા મળતા ત્રણ વાંદરા હકીકતમાં જાપાનમાં મોટા પાયે જોવા મળતા લાલ મોંઢાવાળા 'મકાક' છે. મકાક અત્યંત ઠંડા વિસ્તારોમાં રહી શકતા હોવાથી 'સ્નો મન્કી' તરીકે પણ ઓળખાય છે. પ્રાચી જાપાનીઝ સાહિત્યમાં આ ત્રણેય વાંદરાના નામના પણ ઉલ્લેખ છે. હાથથી આંખો બંધ કરનારો વાંદરો 'મિઝારુ' છે, કાન બંધ કરનારો 'કિકાઝારુ' છે અને મ્હોં ઢાંકનારો 'ઇવાઝારુ' છે. જાપાનીઝ ભાષામાં 'ઝારુ'નો અર્થ 'ના કરો' એવો થાય છે. એશિયામાં ચીન, જાપાન સહિતના દેશોમાં બૌદ્ધ ધર્મના પણ અનેક ફાંટા પડ્યા છે. આવા અનેક ધર્મો, સંપ્રદાયોમાં ત્રણ વાંદરા શું સંદેશ આપે છે એ વિશે જુદા જુદા ઉલ્લેખો વાંચવા મળે છે. આ ત્રણેય વાંદરા આધ્યાત્મિક સંદેશ આપવાનું પ્રતીક કેવી રીતે બન્યા એ વિશે ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ અતિ પ્રાચીન ઉલ્લેખો જરૂર મળે છે.

ચીનના તાઓ અને જાપાનના શિન્ટો ધર્મનો પ્રભાવ ધરાવતા કોશિન નામના સંપ્રદાયના દસમી સદીના શિલાલેખોમાં પણ ત્રણ વાંદરાના ચિત્રો જોવા મળે છે. જાપાનની રાજધાની ટોક્યોની આસપાસ કોશિન સંપ્રદાય સાથે સંકળાયેલા અનેક શિલાલેખો આજેય અડીખમ ઊભા છે. જાપાનના નિક્કો શહેરમાં ૧૭મી સદીમાં બંધાયેલા તોશો-ગુ મંદિરના દરવાજાના ઉપરના ભાગમાં પણ ત્રણ વાંદરા કોતરેલા છે. કોતરણી કામ માટે જાણીતું આ મંદિર શિન્ટો ધર્મ સાથે સંકળાયેલું છે. આધુનિક શિન્ટો ધર્મ પર કોન્ફ્યુસિયસ, તાઓ, બૌદ્ધ અને હિંદુ ધર્મની પણ અસર છે, પરંતુ આ ધર્મના  ઉદ્ભવના તાર છેક સાતમી સદી સુધી જાય છે. આજે જાપાનની ૮૦ ટકા વસતી શિન્ટો ધર્મ પાળે છે. નાનકડા જાપાનમાં શિન્ટો ધર્મના ૮૧ હજાર સ્થાનકો છે, જ્યારે શિન્ટો સાધુઓની સંખ્યા ૮૫ હજાર છે. શિન્ટો ધર્મ સાથે સંકળાયેલા અનેક તીર્થસ્થાનોમાં ત્રણ વાંદરાની મૂર્તિ, કોતરણી કે ચિત્રો જોવા મળે છે.

એવું કહેવાય છે કે, કોન્ફ્યુસિયસ ધર્મ સાથે સંકળાયેલા ત્રણ વાંદરા તેન્ડાઈ સાધુઓ થકી જાપાન પહોંચ્યા હતા. મહાયાન બૌદ્ધ સંપ્રદાયના ચાઈનીઝ સાધુઓ સાતમીથી આઠમી સદી વચ્ચે જાપાનમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવા ગયા ત્યારે તેન્ડાઈ ધર્મ અસ્તિત્વમાં આવ્યો હતો. શિન્ટો અને તેન્ડાઈ ધર્મમાં વાનરને ભગવાનનો સંદેશાવાહક મનાયો છે. ચાઈનીઝ કેલેન્ડર પ્રમાણે દર બાર વર્ષે વાનરનું વર્ષ આવે છે. એવી જ રીતે, જાપાનના કોશિન સંપ્રદાયમાં દર ૧૬ વર્ષે વાનરનું વર્ષ ઊજવાય છે. આમ, ચીન-જાપાનની ધાર્મિક પરંપરામાં વાનરને મળેવા મહત્ત્વ પાછળ બૌદ્ધ ધર્મ જવાબદાર છે, જ્યારે બૌદ્ધ ધર્મ પર હિંદુ ધર્મનો પ્રભાવ વર્તાય છે. વાનરની (હનુમાનજી) પૂજા થતી હોય એવા સૌથી પ્રાચીન ઉલ્લેખો હિંદુ ધર્મમાં છે.

પરંપરાગત પોષાકમાં સજ્જ શિન્ટો સંપ્રદાયના સાધુ

હવે પેલા ચોથા વાંદરાની વાત કરીએ. જાપાનીઝ સંસ્કૃતિમાં ત્રણ વાંદરા જે સંદેશ આપે છે, એવા જ સંદેશનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ચીનમાં બીજી સદીમાં લખાયેલા કોન્ફ્યુસિયસ સાહિત્યમાં વાંચવા મળે છે. કોન્ફ્યુસિયસ ધર્મમાં કહેવાયું છે કે, 'જે ઉચિત નથી એ તરફ જુઓ નહીં, જે ઉચિત નથી એ સાંભળો નહીં, જે ઉચિત નથી એ બોલો નહીં અને જે ઉચિત નથી એ કરો નહીં.' આ ચોથો સંદેશ પેલો ચોથો વાંદરો આપે છે. વિશ્વની બીજી કેટલીક સંસ્કૃતિઓમાં પણ આવા ચાર સંદેશનો ઉલ્લેખ મળે છે. હંગેરીના એશિયન ગોલ્ડ મ્યુઝિયમમાં અત્યારે પણ એક ચાર આદિમાનવોની એક સોનાની મૂર્તિ સચવાયેલી છે. આ મૂર્તિ પણ ખોટું નહીં જોવાની, ખોટું નહીં સાંભળવાની, ખોટું નહીં બોલવાની અને ખોટું નહીં કરવાની સલાહ આપે છે.

જાપાનના અમુક તીર્થસ્થાનોમાં પણ ચોથો વાંદરો દર્શાવાયો હોય છે. એવા પણ ઉલ્લેખ મળે છે કે, આ ચોથા વાંદરાનું નામ 'શિઝારુ' છે, જે બે હાથથી ગુપ્તાંગો ઢાંકીને 'દુષ્ટ કામ ના કરો' એવો સંદેશ આપે છે. બીજી એક માન્યતા એ પણ છે કે, આ વાંદરો ‘તમારા આનંદ પ્રમોદનું પ્રદર્શન ના કરો’ એવો સંદેશ આપે છે. હવે સવાલ એ છે કે, મૂર્તિમાંથી આ ચોથો વાંદરો નીકળી કેમ ગયો? એક થિયરી પ્રમાણે, ચોથો વાંદરો શિઝારુ ગુપ્તાંગો છુપાવી રહ્યો છે, જે થોડું વિચિત્ર કે અસામાન્ય લાગી રહ્યું છે. સમય જતાં હિંદુ કે બૌદ્ધ ધર્મગુરુઓને એ અયોગ્ય લાગ્યું હોઈ શકે. આ કારણસર સમય જતાં તેને મૂર્તિમાંથી નીકાળી દેવાયો હશે! શિઝારુ ભૂલાઈ ગયો એની પાછળનું સૌથી પ્રચલિત કારણ આ જ અપાય છે.

બૌદ્ધ ધર્મના પ્રખર અભ્યાસુ ઓશો રજનીશના પ્રવચનોમાં પણ ચોથા વાંદરાની વાત સાંભળવા મળે છે. એકવાર ઓશોએ દાવો કર્યો હતો કે, માણસોને સંદેશ આપતા વાંદરા મૂળ હિંદુ ધર્મની કલ્પના છે. બૌદ્ધ સાધુઓ થકી પ્રતીક ચીન, જાપાન અને પછી સમગ્ર એશિયામાં ફરી વળ્યું. હિંદુ ધર્મમાં કુલ ચાર વાંદરાની કલ્પના છે. પેલા ત્રણ વાંદરા આંખ, કાન અને મ્હોં ઢાંકે છે, જ્યારે ચોથો વાંદરો પોતાના ગુપ્તાંગો ઢાંકે છે. બૌદ્ધ માન્યતા પ્રમાણે, આ ચોથો વાંદરો સંદેશ આપે છે કે, કશું ખોટું ન કરો. જોકે, હિંદુ માન્યતા પ્રમાણે ચોથો વાંદરો કહે છે કે, તમારા આનંદ, ભોગવિલાસને છુપાવીને રાખો. તેનું પ્રદર્શન ના કરો.

ત્રણ નહીં, ચાર વાંદરા

કવાર ઓશોએ હળવા અંદાજમાં કહ્યું હતું કે, એકવાર હું ગાંધીના આશ્રમે ગયો ત્યારે તેમના પુત્ર રામદાસ મને આસપાસની ચીજો બતાવતા હતા. એ વખતે તેમણે મને પેલા ત્રણ વાંદરાની મૂર્તિ પણ બતાવી. એ વખતે મેં રામદાસને પૂછ્યું કે, આ ત્રણ વાંદરામાંથી ચોથો વાંદરો ક્યાં ગયો? ત્યારે રામદાસે જવાબ આપ્યો કે, હજુ સુધી કોઈએ ચોથા વાંદરા વિશે પૂછ્યું નથી. પછી મેં રામદાસને કહ્યું કે, ચોથો વાંદરો ભાગી ગયો હોવો જોઈએ. ઘણી શક્યતાઓ છે. અથવા તો ગાંધીએ જ મૂર્તિમાંથી ચોથો વાંદરો કાપી નાંખ્યો હોવો જોઈએ કારણ કે, ભારતના સંદર્ભમાં એ ચોથો વાંદરો બરાબર ન હતો. એ વાંદરાએ ગુપ્તાંગ છુપાવી રાખ્યા હતા. એ પરાણે બ્રહ્મચર્ય પાળતો હતો. એ પછી એકવાર હું મોરારજી દેસાઈને મળ્યો અને તરત જ તેમને ઓળખી ગયો. આ જ છે, ચોથો વાંદરો...

મેઘાવી વિચારક ઓશોએ રાજકારણથી માંડીને સામાજિક મુદ્દા સમજાવવા ત્રણ વાંદરાની મૂર્તિના અનેક વખત જાતભાતના અર્થઘટન કર્યા હતા. મોરારજી દેસાઈની મજાક કરીને ઓશો ફરી આગળ વાત માંડે છે. વાંચો એમના જ શબ્દોમાં.

ગાંધીજીના ત્રણ વાંદરાના પ્રતીકનું જે કંઈ અર્થઘટન કરાય છે એ મને મંજૂર નથી. માણસજાતના મનોવિજ્ઞા પર નજર કરો ત્યારે આ વાંદરા કંઈક જુદો જ સંદેશ આપતા હોય એવું લાગે છે. કાન બંધ કરીને બેઠેલો પહેલો વાંદરો કહે છે કે, સત્ય ના સાંભળો. જો સત્ય સાંભળશો તો તમારા બધા જ જૂઠા આશ્વાસનો છિન્નભિન્ન થઈ જશે. આંખ બંધ કરીને બેઠેલો બીજો વાંદરો કહે છે કે, સત્ય તરફ નજર સુદ્ધાં ના કરો. નહીં તો તમારો ભગવાન મરી જશે અને તમારા સ્વર્ગ-નર્ક પળવારમાં ગાયબ થઈ જશે. મ્હોં બંધ રાખીને બેઠેલો ત્રીજો વાંદરો સત્ય નહીં બોલવાની સલાહ આપે છે કારણ કે, માણસોના ટોળા સત્ય બોલનારાને ઠપકો આપે છે, યાતનાઓ આપે છે, ઝેર આપે છે, ક્રોસ પર ચડાવી દે છે અને રિબાવી રિબાવીને મારી નાંખે છે. ગુપ્તાંગો છુપાવીને બેઠેલો એટલે કે ગાયબ થઈ ગયેલો ચોથો વાંદરો પણ મહત્ત્વનો સંદેશ આપે છે. એ કહે છે કે, તમારા આનંદ-પ્રમોદનું બિભત્સ પ્રદર્શન ના કરો. તમે સુખી હશો તો લોકો ઈર્ષા કરશે, તમને ખતમ કરી નાંખશે.

ચાર વાંદરાની મૂર્તિ વિશે ઓશોનું આ અર્થઘટન આજે પણ સટીક નથી?

નોંધઃ આ લેખનો ભાગ-1 અહીં

4 comments:

  1. Very few know about the 4th monkey. Thanks for this research.

    ઓશો નું બહુ જાણીતું વચન છે," હું અજ્ઞાન આપું છું."
    અંતરયાત્રામાં સૌથી અગત્યની વાત છે - અજ્ઞાની થાય તે જ જ્ઞાન મેળવી શકે છે.
    Unlearning is much more difficult than learning.

    ReplyDelete
    Replies
    1. વેલ સેઇડ ...."હું નથી જાણતો." ... એમ સ્વીકારવું સહેલું નથી. કોરી સ્લેટ પર જ જલ્દી લખાય ..

      Delete