18 October, 2017

લેન્ડફિલ સાઇટ્સઃ ગાંડા વિકાસનું જીવતુ જાગતું ઉદાહરણ


એનડીએ સરકારના અત્યંત મહત્વના અને મહત્ત્વાકાંક્ષી સ્વચ્છ ભારત અભિયાન હેઠળ પ્રજાને જાહેરમાં કચરો નહીં ફેંકવાની, ઘરમાં જાજરૂ બનાવવાની અને ખુલ્લામાં હાજતે નહીં જવાની સલાહ આપવામાં આવે છે. આજેય પ્રજાને ખુદ વડાપ્રધાને વારંવાર આવી અપીલો કરવી પડે છે. આ બધી બાબતો જરૂરી છે પણ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દરેક નાગરિકને ઓછામાં ઓછો કચરો પેદા કરવાની પણ સલાહ આપવામાં આવે છે. સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા માટે આ પણ અત્યંત મહત્ત્વનો મુદ્દો છે.

કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે વેબસાઇટ પર જાહેર કરેલા આંકડા પર નજર કરતા જણાય છે કે, ભારતમાં વિકાસ ખરેખર ગાંડો થયો છે. દેશમાં વર્ષેદહાડે ૬.૨૦ કરોડ ટન કચરો પેદા થાય છે. ટૂંકમાં મ્યુનિસિપાલિટીઓમાં આટલો નોંધાય છે, નહીં નોંધાતો અને રસ્તા પર પડ્યો રહેતો કચરો તો અલગ! આ ૬.૨૦ કરોડમાંથી એક કરોડ ટન કચરો દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ અને કોલકાતા એમ ફક્ત પાંચ જ શહેરો પેદા કરે છે. એકલા દિલ્હીમાં જ વર્ષે વર્ષે ૩૦.૩ લાખ ટન કચરો ઉત્પન્ન થાય છે. આ જ ગતિથી દિલ્હીવાસીઓ કચરો પેદા કરશે તો એક દાયકા પછી રાજધાનીમાં દર વર્ષે ૧૬.૫૦ કરોડ ટન કચરો પેદા થતો હશે. આટલો કચરો ઠાલવવા દિલ્હીએ ૨૦૩૦ સુધીમાં ૬૫ હજાર હેક્ટરમાં ફેલાયેલી અને દસ મીટરની ઊંચાઈ સુધી કચરો નાંખી શકાય એવી બીજી એક લેન્ડફિલ સાઇટ તૈયાર રાખવી પડે. આખા શહેરનો કચરો નાંખવાના સ્થળને લેન્ડફિલ સાઇટ કે ડમ્પિંગ ગ્રાઉન્ડ કહેવાય. 

અમદાવાદ શહેર માંડ ૪૬,૪૧૬ હેક્ટરમાં ફેલાયેલું છે એટલે આપણે કલ્પના કરી શકીએ છીએ કે, દિલ્હીના કચરાનો નિકાલ કરવા કેવી મજબૂત વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ જોઈએ! દિલ્હી મ્યુનિસિપાલિટી ૬૫ હજાર હેક્ટર લેન્ડફિલ સાઇટ શોધી કાઢે તો તે પણ વીસ વર્ષમાં ભરાઈ જાય. મેગા સિટીમાં બધી જ સુખસુવિધાની સાથે વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પણ જડબેસલાક હોવી સૌથી વધારે રૂરી છે. દેશમાં કચરો નાંખવાનો સૌથી મોટો, આશરે ૪૬૫ હેક્ટરમાં ફેલાયેલો, લેન્ડફિલ એરિયા ચેન્નાઇ પાસે છે. એ પછી ગ્રેટર મુંબઇ (૧૪૦), હૈદરાબાદ (૧૨૧.૫) અને દિલ્હી (૬૬.૪) જેવા શહેરોનો નંબર આવે છે. અત્યારે દેશના બધા જ મોટા શહેરોની લેન્ડફિલ સાઇટ ઓવરફ્લો છે અને તેના કારણે પડતી મુશ્કેલીઓ અપરંપાર છે.



અમદાવાદનો જ દાખલો લઈએ. અમદાવાદની ડમ્પિંગ સાઇટ પીરાણામાં આવેલી છે. ૮૪ હેક્ટરમાં ફેલાયેલી પીરાણા ડમ્પિંગ સાઈટ આશરે ૬૫ હેક્ટર જમીન પર ૧૯૮૦થી કચરો નાંખવામાં આવે છે. છેલ્લી વસતી ગણતરી પ્રમાણે અમદાવાદની વસતી હતી, ૫૫.૭૧ લાખ. આટલા અમદાવાદીઓ રોજનો આશરે ૪,૨૦૦ ટન (૪૨ લાખ કિલો) કચરો ઉત્પન્ન કરે છે. હજુ થોડા વર્ષો પહેલાં રોજનો ૨,૪૦૦ ટન કચરો પેદા થતો હતો, જેમાંથી માંડ ૪૦૦ ટન કચરો પ્રોસેસ થતો અને બાકીનો ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ફેંકી દેવાતો. અત્યારે પીરાણા ડમ્પિંગ ગ્રાઉન્ડની ઊંચાઈ (જમીનની નીચે ખાડો કરીને દાટેલા કચરાથી ટોચ સુધી) ૫૫ મીટર જેટલી થઈ ગઈ છે.

પીરાણા લેન્ડફિલ સાઇટ પર વારંવાર આગ લાગે છે, જેના કારણે હવામાં ઝેરી વાયુઓ ભળે છે. અમદાવાદીઓએ ઔદ્યોગિક ગૃહો, વાહનોની સાથે લેન્ડફિલ સાઇટની આગમાંથી પેદા થતી ઝેરી હવા પણ શ્વાસમાં ભરવી પડે છે. આ આગ બુઝાવવા દર મહિને આશરે ૩૦૦ ટેન્કર પાણીનો વેડફાટ થાય છે. પાણીના કારણે ઝેરી રસાયણો જમીનમાં વધારે ઊંડે સુધી ઉતરે છે અને આસપાસના વિસ્તારના ભૂગર્ભજળને પણ ઝેરી કરે છે. ચોમાસામાં તો પીરાણા નર્કાગારમાં ફેરવાય છે. વરસાદી પાણીના કારણે વધુને વધુ ઝેરી રસાયણો જમીનમાં ઉતરે છે અને કચરાના દુર્ગંધ મારતા ઢગલા રસ્તા પર પડે છે. ભારતના વાતાવરણમાં વીસેક ટકા મિથેન ગેસ પણ લેન્ડફિલ સાઇટમાંથી પેદા થાય છે. ગ્લોબલ વૉર્મિંગમાં મિથેન અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. થોડા સમય પહેલાં ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી કે, પીરાણા ડમ્પિંગ સાઇટ પર 'સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૧૬'નું ઉલ્લંઘન થાય છે.

આ તો એક લેન્ડફિલ સાઇટની વાત થઈ, પરંતુ દેશની લગભગ બધી જ લેન્ડફિલ સાઇટ પર જાહેર આરોગ્ય અને પર્યાવરણ જાળવી રાખવા માટે બનાવેલા નીતિનિયમોનું સરેઆમ ઉલ્લંઘન થાય છે. ગયા મહિને દિલ્હીના ગાઝીપુરમાં ૧૬ માળ ઊંચો કચરાનો ડુંગર પડવાથી વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. થયું એવું કે, કચરાનો ડુંગર નજીકની કેનાલમાં પડ્યો, જેના કારણે રસ્તા પર કાદવ કીચડ ધરાવતા ગંદા પાણીનું પૂર ઊમટ્યું. આ દરમિયાન કેનાલ નજીકથી પસાર થતી એક કાર અને ત્રણ ટુ વ્હિલર સાથે કુલ ચાર લોકો તણાઇ ગયા, જેમાં બેને માંડ બચાવાયા અને બે કમોતે માર્યા ગયા. આ અકસ્માતમાં બે વ્યક્તિની લાશ શોધવા ફાયર ફાઇટર્સ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનોએ ત્રણ કલાક સુધી કેનાલમાં સર્ચ ઓપરેશન કર્યું હતું.

આ તો મ્યુનિસિપાલિટીઓની લેન્ડફિલ સાઇટની વાત થઈ. એ સિવાય પણ શહેરોમાં જ્યાં ને ત્યાં કચરાના ઢગલા કરાયા હોય છે. આ નાના-મોટા ઢગલા પણ લેન્ડફિલ સાઇટ્સના જ સગાવ્હાલા છે. પહેલી ઓક્ટોબરે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં કચરાનો ઢગલો સળગતા ત્યાં બેઠેલી એક ગાય જીવતી સળગી ગઈ. આ ઘટના પછી લોકલાગણી દુભાઈ ગઈ, સ્થાનિકો ભેગા થયા, તંગદિલી વધી અને પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવવો પડ્યો. ગાયના મોતથી ગુસ્સે થયેલા લોકોએ મ્યુનિસિપાલિટી સામે રોષ વ્યક્ત કર્યો. પછી પોલીસે તપાસ શરૂ કરી કે, આગ લાગી કેવી રીતે? કોઈએ આગચંપી કરી હતી કે જાતે જ લાગી હતી? વગેરે.

આ જ કચરાના ઢગલા આપણું પાણી અને હવા ઝેરી બનાવી પર્યાવરણની ઘોર ખોદે છે, આ જ ઢગલામાંથી વારંવાર ત્યજી દેવાયેલા બાળકો મળે છે, આ જ ઢગલામાં કૂતરા માસૂમોને ફાડી ખાય છે અને આ જ ઢગલામાં ગરીબોના બાળકો કૂતરા સાથે ખાવાનું શોધતા શોધતા મોટા થાય છે, પરંતુ ત્યારે નિંભર પ્રજાની લાગણી દુભાતી નથી. જાહેર આરોગ્ય માટે પણ આ બધું જોખમી જ છે, પરંતુ પગ તળે રેલો ના આવે ત્યાં સુધી આપણે જાગીએ જ નહીં એવી પ્રજા છીએ. આપણે વિઝનરી નહીં, ટૂંકી દૃષ્ટિના સ્વાર્થી લોકો છીએ. દેશ એટલે શું? દેશ એટલે ફક્ત હું નહીં, પણ આપણે બધા જ. ફક્ત આટલું સમજીશું તો પણ દેશમાં અમીરો-ગરીબો વચ્ચેની આર્થિક ખાઇ ઘટશે અને દરેક મેગા સિટી સ્માર્ટ અને રહેવાલાયક બનાવી શકીશું. ભારતમાં લેન્ડફિલ સાઇટની આસપાસ ફક્ત ગરીબો નહીં, મધ્યમ વર્ગીય લોકો પણ રહે છે. એ લોકો મ્યુનિસિપાલિટીને કરવેરા ચૂકવે છે અને તેમના ઘરમાં કાયદેરસના વીજ જોડાણો પણ છે, પરંતુ ધાર્મિક લાગણી દુભાય નહીં ત્યાં સુધી તેઓ એક થતા નથી.

પર્યાવરણના નીતિનિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતી લેન્ડફિલ સાઇટ શહેરથી દૂર હોય તો પણ આપણા આરોગ્યને ભારે નુકસાન પહોંચાડે છે, તો આપણે જેનું પાણી પીએ છે એ નદીઓ નજીક લેન્ડફિલ સાઇટ હોય તો શું હાલ થાય? હા, આપણા દેશમાં લેન્ડફિલ સાઇટ ‘પવિત્ર’ નદી નજીક પણ હોઈ શકે છે. કચરો નાંખવાની જગ્યા ખૂટી પડતા ઈસ્ટ દિલ્હી મ્યુનિસિપિલ કોર્પોરેશને પવિત્ર યમુના નદી નજીક લેન્ડફિલ સાઇટ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. સદ્નસીબે 'યમુના જિયે અભિયાન' સંસ્થાએ તેનો વિરોધ કર્યો અને કેસ અદાલતમાં ગયો. જોકે, દિલ્હી કોર્પોરેશનના અધિકારીઓ હજુયે અદાલત અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને એ સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે કે, નવી લેન્ડફિલ સાઇટની ખાસ જરૂર હોવાથી અમને મંજૂરી આપી દો. યમુના કિનારે તો યમુના કિનારે. નિષ્ણાતોનું કહેવું છે કે, દિલ્હીના ત્રણેય કોર્પોરેશન સાથે મળીને સરળતાથી દિલ્હી નજીક લેન્ડફિલ સાઇટ શોધી શકે છે, પરંતુ તેમને 'શોર્ટ કટ' અપનાવવો છે.

આ સ્થિતિમાં આપણી પાસે ફક્ત બે જ મહત્ત્વના ઉપાય છે. ૧. ઓછામાં ઓછો કચરો પેદા કરો અને ૨. સૂકો અને લીલો કચરો જુદો પાડવામાં મ્યુનિસિપાલિટીને મદદ કરો, જેથી વધુને વધુ રિસાયકલિંગ થઈ શકે. દેશભરની મ્યુનિસિપાલિટીઓ ઘરે ઘરેથી સૂકો અને લીલો કચરો ભેગો કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ તેમાં લોકોનો સાથ મળી નથી રહ્યો. આ ઉપરાંત ઓછામાં ઓછો કચરો પેદા કરવામાં પણ પ્રજાનો સહકાર નથી મળી રહ્યો એવી મ્યુનિસિપાલિટીઓ ફરિયાદ કરી ચૂકી છે. ભોજન, શાકભાજી, ફળફળાદિ વગેરે કચરો સહેલાઇથી રિ-સાયકલ થઇ શકે. એ માટે જુદી કચરાપેટી રાખવી જોઈએ. એવી જ રીતે, કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટ તરીકે ઓળખાતો માટી, રેતી, ઢેખારા, સિમેન્ટ, ઢેખારા અને કપચીનો કચરો પણ લેન્ડફિલ સાઇટ સુધી પહોંચવો ના જોઈએ. દેશમાં દર વર્ષે લાખો ટન પ્લાસ્ટિકનો કચરો પણ પેદા થાય છે. આપણે શક્ય એટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં મજબૂત બનાવવામાં સાથ આપી શકીએ. વિકસિત દેશોએ પણ કચરાના નિકાલ માટે ઓછો કચરો પેદા કરવો અને વધુમાં વધુ રિસાયકલિંગ કરવું, એ જ પદ્ધતિ અપનાવી છે કારણ કે, બીજો કોઈ ઉપાય જ નથી. આ સિસ્ટમ વિકસાવવા મ્યુનિસિપાલિટીઓએ પણ ઈનોવેટિવ એટિટ્યુડ અપનાવવાની જરૂર છે.

કર્ણાટકના મૈસુરુનું ઉદાહરણ જુઓ. મૈસુરુ દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંનું એક છે. મૈસુરુમાં આશરે બે હજાર ઘર ધરાવતો કુમ્બરકોપ્પલ નામનો વિસ્તાર છે. અહીંના દરેક ઘરમાં સૂકો અને લીલો કચરો જુદો જ રખાય છે. આ કચરો સ્ત્રી શક્તિ નામની એક સંસ્થાની મહિલા કાર્યકરો ઘરે ઘરે જઇને ભેગો કરી લે છે. આ કામ માટે મહિલાઓને તો પગાર અપાય જ છે, પરંતુ દરેક ઘરને પણ કચરો જુદો પાડવાના કામમાં મદદ કરવા ટોકન ફી અપાય છે. આ પ્રયોગની અસર એવી થઈ કે, હવે કુમ્બરકોપ્પલના બે હજાર ઘરમાંથી ફક્ત પાંચ જ ટકા કચરો લેન્ડફિલ સાઇટ પર જાય છે. બાકીના ૯૫ ટકા રિસાયકલ વેસ્ટને સંસ્થા વેચી દે છે અને નફો કરે છે. આ નફામાંથી તેઓ મહિલા કાર્યકરોના સામાજિક કલ્યાણનું કામ કરે છે. આવા વધુને વધુ પ્રયોગોથી સ્થાનિક લેન્ડફિલ સાઇટનું આયુષ્ય વધી શકે છે, જે પર્યાવરણ માટે અને છેવટે આપણા બધા માટે ફાયદાકારક છે. 

આ પ્રયોગની દેશભરમાં વાહવાહી થઈ છે, પરંતુ આપણે બધા જ આપણો દેશ ચોખ્ખો રાખવા પૈસા લીધા વિના (વાંચો, કોઈ સ્વાર્થ વિના) ઓછો કચરો પેદા કરવામાં કે કચરો જુદો પાડવાની પ્રક્રિયામાં મદદરૂપ ના થઈ શકીએ?

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે 

1 comment: