20 February, 2017

ભારતની એકતાનું પ્રતીકઃ એમ્બેસેડર


ગુજરાતીમાં કહેવત છે કે, બાર ગામે બોલી બદલાય. એમાં કોઈએ ફેરફાર કરીને કહ્યું કે, બાર કિલોમીટરે બસ બદલાય. અત્યારે બાર ગામે બોલી કે બસ નથી બદલાતી પણ ભારતના જુદા જુદા પ્રદેશોની વૈવિધ્યતાનો પરિચય આપવા આવી કહેવતો બની હશે! આ તો બદલાઇ જાય છે એની વાત થઇ પણ આટલા વૈવિધ્યસભર દેશમાં હજારો કિલોમીટર પછીયે એક ચીજ નહોતી બદલાતી, અને એ હતી એમ્બેસેડર.

હા, એ જ એમ્બેસેડર કાર જેણે સળંગ છ દાયકાથી પણ વધુ સમય સુધી કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કોલકાતા સુધીના રસ્તા પર રાજ કર્યું હતું. આજેય આ કાર દેશના ખૂણેખૂણામાં લોકોની કાર, પીપલ્સ કાર, નેતા લોગ કી ગાડી, પોલિટિશિયન્સ કાર, લાલ બત્તીવાલી ગાડી, ક્વિન ઓફ ઈન્ડિયન રોડ, ભારતની રોલ્સ રોય, ઈન્ડિયન ટેક્સી અને એમ્બી જેવા હુલામણા નામે ઓળખાય છે. ભારતભ્રમણ કરવા આવેલા હજારો વિદેશી ટ્રાવેલરો પણ પોતાના ટ્રાવેલોગમાં દેશના ખૂણેખૂણામાં જોવા મળતી એમ્બેસેડરની રસપ્રદ નોંધ લેતા હોય છે.




કદાચ વિશ્વની કોઈ કારે એમ્બેસેડર જેટલી લાંબી અને ઉતાર-ચઢાવ ધરાવતી મુસાફરી કરી નહીં હોય! વર્ષ ૧૯૮૩માં ભારતની બીજી એક આઇકોનિક કાર મારુતિ ૮૦૦ના પ્રવેશ પછી એમ્બેસેડર કારનું વેચાણ થોડું ઘટયું. જોકે, મારુતિ ૮૦૦ જેવી 'સ્ટાઇલિશ અને ફેન્સી' કારની જબરદસ્ત લોકપ્રિયતા વચ્ચેય ભારતની સૌથી વધારે વેચાતી કાર એમ્બેસેડર જ હતી. મારુતિ સુઝુકીએ સળંગ ૩૦ વર્ષ મારુતિ ૮૦૦નું ઉત્પાદન કર્યું અને ધૂમ વેચાણ પણ કર્યું. છેવટે ૨૦૧૪માં મારુતિ ૮૦૦નું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કરાયો. યોગાનુયોગે એ જ વર્ષે હિંદુસ્તાન મોટર્સે પણ એમ્બેસેડરનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય લેવાયો ત્યારે એમ્બેસેડરના નામે ભારતની સૌથી લાંબા સમય સુધી ઉત્પાદિત કારનો વિક્રમ સ્થપાઇ ચૂક્યો હતો.

સી. કે. બિરલા જૂથની એક સમયની કલગી સમાન કંપની હિંદુસ્તાન મોટર્સે ૧૯૫૮થી ૨૦૧૪ સુધી સતત ૫૬ વર્ષ એમ્બેસેડરનું ઉત્પાદન કર્યું. 'કાર એટલે એમ્બેસેડર' જેવી ઝળહળતી સફળતા મેળવનારી આ ક્લાસિક કારને ગુજરાત સાથે ખાસ નાતો છે. વર્ષ ૧૯૪૨ પછીના અરસામાં હિંદુસ્તાન મોટર્સે એમ્બેસેડર કારનું ઉત્પાદન કરવા ગુજરાતના ઓખા બંદરે નાનકડો પ્લાન્ટ નાંખ્યો હતો. પ્લાન્ટમાં જ એમ્બેસેડરના પહેલવહેલા મોડેલનું ઉત્પાદન થયું હતું. એ પછી કંપનીને વિશાળ જગ્યા જોઇતી હોવાથી ૧૯૪૮માં ઓખા પ્લાન્ટ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ઉત્તરપરામાં ખસેડી દેવાયો.

ગુલામ ભારતની એક કંપનીએ મેડ ઇન ઇન્ડિયા કાર બનાવવાનું સપનું જોયું ત્યારે કોઈને કલ્પના સુદ્ધાં નહોતી કે, એક બ્રિટીશ કારના મોડેલ પર ડિઝાઈન કરાયેલી એમ્બેસેડરને ફિલ્મી સુપરસ્ટાર જેવી સફળતા મળશે! પહેલી એમ્બેસેડર 'મેડ ઇન ઇન્ડિયા' રૂર હતી પણ તેને બ્રિટનની મોરિસ ઓક્સફર્ડ કંપનીની કારના આધારે ડિઝાઈન કરાઈ હતી. વર્ષ ૧૯૪૨માં બિરલા જૂથે હિંદુસ્તાન મોટર્સની સ્થાપના કરીને બ્રિટીશ ઓટોમોબાઇલ જાયન્ટ મોરિસ ઓક્સફર્ડની ટેક્નોલોજી અને કાર મોડેલના આધારે એમ્બેસેડરનું ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો હતો. મોરિસ ઓક્સફર્ડ કંપનીએ સિરીઝ ટુ- લેન્ડમાસ્ટર નામની કાર બનાવી હતી, જેને ભારતના પ્લાન્ટમાં થોડા ફેરફાર સાથે સિરીઝ-થ્રી એમ્બેસેડર નામ હેઠળ રજૂ કરાઈ. એ પછી તો નજીવા ફેરફારો સાથે એમ્બેસેડરના નોવા, આઈએસઝેડ, ગ્રાન્ડ, એવિગો અને એન્કોર સહિત અનેક મોડેલ ભારતના રસ્તાઓ પર આવી ગયા, પરંતુ એ બધા જ મોડેલમાં એમ્બેસેડરનો મૂળ દેખાવ ના બદલાય એનું પૂરતું ધ્યાન રખાયું હતું.

બ્રિટનની મોરિસ ઓક્સફર્ડ સિરીઝની કાર અને એમ્બેસેડર ક્લાસિક

અટલ બિહારી વાજપેઇ સુધીના તમામ વડાપ્રધાનો, મંત્રીઓ, રાજદૂતો અને ઉચ્ચ સરકારી અમલદારોને 'સરકારી કાર' તરીકે એમ્બેસેડર જ ફાળવાતી. મજબૂત બોડી અને ૧૫ ઈંચના વ્હિલ ધરાવતી એમ્બેસેડર આખા ભારતના કોઇ પણ પ્રદેશમાં સરળતાથી દોવા સક્ષમ હતી. ઠંડી, ગરમી, વરસાદ કે ખાડા-ટેકરાની તેના એન્જિન પર નહીંવત અસર થતી. આ ઉપરાંત ખૂબ જ ઓછા બજેટમાં બુલેટપ્રૂફ કારમાં પણ પરિવર્તિત થઈ શકતી. આર્થિક ભીંસનો સામનો કરી રહેલી ભારત સરકારને એમ્બેસેડર કાર અત્યંત પ્રિય હોવાના સૌથી મહત્ત્વના કારણો આ હતા. હિંદુસ્તાન મોટર્સ દ્વારા ઉત્પાદિત ૧૬ ટકા જેટલી કારની ખરીદી પણ ભારત સરકાર જ ખરીદી લેતી. આજેય ભારતમાં સત્તા અને ઉચ્ચ હોદ્દાના પ્રતીક તરીકે એમ્બેસેડર ગાઢ રીતે સંકળાયેલી છે. ભારતની હિન્દી સહિતની અનેક ભાષાની ફિલ્મોમાં સત્તાના પ્રતીક તરીકે હજારો વાર એમ્બેસેડરનો ઉપયોગ થઈ ચૂક્યો છે.

એમ્બેસેડર ભારતની પહેલી ડીઝલ કાર પણ છે. કદાચ એટલે જ ટેક્સી તરીકે એમ્બેસેડરને જોરદાર સફળતા મળી હતી. એમ્બેસેડર લોકપ્રિય ટેક્સી હોવાથી સામાન્ય માણસ સાથે પણ તે લાગણીના તંતુએ જોડાયેલી છે. બજાજ સ્કૂટર જેવું સ્કૂટર નહીં એવું સાબિત કરવા મજાકમાં કહેવાતું કે, નમાવો એટલે ચાલુ, ક્યાંક રસ્તામાં અટકીએ નહીં. એવી જ રીતે, એમ્બેસેડર કાર માટે પણ એવું કહેવાતું કે, ધક્કા મારો એટલે ચાલુ અને પાણી નાંખો એટલે એન્જિન ઠંડુ. રસ્તામાં ક્યાંક અટકીએ નહીં એવી કાર એટલે એમ્બેસેડર. ભારતના કોઇ અંતરિયાળ વિસ્તારનો મિકેનિક પણ રિપેર કરી શકે એવી કાર એટલે એમ્બેસેડર. આજેય ભારતમાં હજારો એવા મિકેનિક છે, જેમણે ડ્રાઇવરની જરૂરિયાત પ્રમાણે નટ-બોલ્ટ ખોલીને એમ્બેસેડરમાં ફેરફાર કરી આપે છે. ભારતીય ઓટોમોબાઇલ એન્જિનિયરિંગનું પ્રતીક કોઈ હોય તો તે એમ્બેસેડર જ હોઈ શકે!

જોકે પહેલી એપ્રિલ, ૨૦૧૧ના રોજ ભારત સરકારે હવાનું પ્રદૂષણ ઘટાડવા દેશના ૧૧ મોટા શહેરોમાં 'ભારત સ્ટેજ એમિસન સ્ટાન્ડર્ડ્સ' જાહેર કર્યા. આ નિયમો પ્રમાણે નિયત મર્યાદા કરતા વધારે ધુમાડા ઓકતી કારને પ્રતિબંધિત જાહેર કરાઈ હતી, જેથી જૂનીપુરાણી એમ્બેસેડર પર પણ આડકતરો પ્રતિબંધ મૂકાઇ ગયો. આ કાયદો આવતા જ હિંદુસ્તાન મોટર્સે વાયુ પ્રદૂષણને લગતા નવા નીતિનિયમોને અનુરૂપ ટેક્નોલોજીના આધારે એમ્બેસેડરનું ઉત્પાદન શરૂ કર્યું. એટલું જ નહીં, વર્ષ ૨૦૧૩માં ગ્લોબલ ઓટોમોટિવ પ્રોગ્રામ- ટોપ ગિયર દ્વારા એમ્બેસેડરે વિશ્વની સર્વશ્રેષ્ઠ ટેક્સીનો એવોર્ડ પણ મેળવ્યો. રસપ્રદ વાત એ છે કે, આ સ્પર્ધામાં એમ્બેસેડર સાથે અમેરિકા, જર્મની, બ્રિટન, રશિયા, મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોની ટેક્સી પણ સામેલ હતી.



નેવુંના દાયકામાં પી.વી. નરસિંહરાવની સરકારે લાયસન્સ રાજ ખતમ કરીને ઉદારીકરણ શરૂ કરતા એમ્બેસેડરના વળતા પાણી શરૂ થયા. મારુતિ સુઝુકીની મારુતિ ૮૦૦ સાથે સ્પર્ધા કરી રહેલી એમ્બસેેડરે હોન્ડા, ટોયોટો અને હ્યુન્ડાઇ જેવી અનેક ઓટોમોબાઇલ કંપનીઓ સાથે પણ ગળાકાપ સ્પર્ધા કરવાની આવી. આ પ્રકારની સ્થિતિમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇએ ૧૯૯૮થી એમ્બેસેડરના બદલે બીએમડબલ્યુ એસયુવી (સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ)નો ઉપયોગ શરૂ કરવાનો આદેશ કર્યો અને એમ્બેસેડરને છેલ્લો ફટકો વાગ્યો. એ પછી તો અનેક સિનિયર મંત્રીઓ, રાજદૂતો અને ઉચ્ચ અમલદારોને પણ બીએમડબલ્યુ એસયુવી ફાળવાઇ. આજેય નાના શહેરોમાં  સરકારી કાર તરીકે એમ્બેસેડર જોવા મળે છે, પરંતુ વેચાણ સંપૂર્ણ બંધ થઈ ગયું છે. 

વર્ષ ૧૯૫૮માં એમ્બેસેડર માંડ રૂ. ૧૪ હજારમાં મળતી હતી, જ્યારે ૨૦૧૪માં તેની કિંમત રૂ. ૫.૨૨ લાખે પહોંચી ગઈ હતી. જોકે, એ વર્ષોમાં એમ્બેસેડર જેવા ભાવમાં વધુ 'મોડર્ન' અને સારું માઇલેજ આપતી અનેક કાર બજારમાં મોજુદ હતી. વર્ષ ૨૦૧૪માં એમ્બેસેડરનું વેચાણ ઘટીને ૨,૨૦૦ પહોંચી ગયું હતું, જેથી હિંદુસ્તાન મોટર્સ માટે પ્રતિ મોડેલ પડતર કિંમત વધતી જતી હતી. છેવટે સી.કે. બિરલા જૂથે ૧૧મી ફેબુ્રઆરી, ૨૦૧૭ના રોજ ફક્ત રૂ. ૮૦ કરોડમાં 'એમ્બેસેડર બ્રાન્ડ' ફ્રેન્ચ ઓટો જાયન્ટ પ્યૂજોને વેચી દીધી. જોકે, એમ્બેસેડર પ્રેમીઓ એટલો સંતોષ લઇ શકે છે કે, મારુતિ ૮૦૦ જેવી રીતે મારુતિ અલ્ટોના રૂપમાં ભારતના રસ્તા પર ફરે છે. એવી જ રીતે, એમ્બેસેડર પણ નજીકના વર્ષોમાં નવા રંગરૂપમાં દેખાશે! કારણ કે, પ્યૂજોએ સી. કે. બિરલા જૂથ સાથે તમિલનાડુમાં કાર પ્લાન્ટ શરૂ કરીને ભારતના ઓટોમાર્કેટમાં રિ-એન્ટ્રી કરવાના પણ કરાર કર્યા છે.

ઉદારીકરણ પહેલાં વર્ષો સુધી ભારતીય કંપનીઓને સરકારનું 'રક્ષણ' મળ્યું હતું. એટલું જ નહીં, લાયસન્સ રાજના દિવસોમાં હિંદુસ્તાન મોટર્સ જેવી અનેક કંપનીઓ ઈજારાશાહી ભોગવતી હતી, એ વાત ખરી. પરંતુ એક આલા દરજ્જાની કાર તરીકે એમ્બેસેડરને કરોડો ભારતીયો હંમેશા યાદ રાખશે!

નોંધઃ પ્રતીકાત્મક તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

No comments:

Post a Comment