20 February, 2017

મેરે દેશ કી ધરતી લાશે ઉગલે, ઉગલે કિસાન કી મૌતે


આ વર્ષના બજેટમાં કૃષિ ધિરાણો માટેનું ભંડોળ રેકોર્ડ બ્રેક રૂ. દસ લાખ કરોડ સુધી વધારાયું છે. આગામી પાંચ વર્ષમાં સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માગે છે. ગયા વર્ષના બજેટમાં પણ ખેડૂતો માટે રૂ. ૮.૫ લાખ કરોડના ધિરાણોની દરખાસ્ત રજૂ કરાઈ હતી. એ આંકડો એના આગલા વર્ષ કરતા અનેકગણો વધારે હતો. આ આંકડાની સાથે સાથે ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના 'સરકારી' આંકડા પ્રમાણે, વર્ષ ૨૦૧૫માં ૧૨,૬૦૨ ખેડૂતોએ (મહિને એક હજારથી પણ વધુ) આત્મહત્યા કરી હતી, પરંતુ આ આંકડો મોટો હોઈ શકે છે! આ આંકડા સાબિત કરે છે કે, નીતિ વિષયક નિર્ણયો લેવાય અને તેનો અમલ થાય, એ બંને વચ્ચે બહુ જ મોટી ખાઈ છે. 

આઝાદી પછીની અનેક સરકારોએ કૃષિ સુધારા માટે પ્રયાસ કર્યા પણ તેના લાભ 'સાચા ખેડૂતો' સુધી બહુ ઓછા પહોંચ્યા. સાચા ખેડૂતો એટલા માટે કે, સ્કૂલ-કોલેજમાં ભણતો કોઈ વિદ્યાર્થી ક્યારેય એમ નથી કહેતો કે, મારે ખેડૂત બનવું છે પણ છેલ્લાં બે દાયકામાં અનેક ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન, ફિલ્મ સ્ટાર્સ તેમજ રિયલ એસ્ટેટ કે શેરબજારમાં રાતોરાત કરોડપતિ થયેલા જુગાડુ લોકોમાં ખેડૂત બનવાનો ક્રેઝ વ્યાપક હતો. દેશના કોણ જાણે કેટલા નાના અને સીમાંત ખેડૂતોના લાભ આ અમીરો ખાટી ગયા હશે!

યુરોપના અનેક દેશો ખેતીપ્રધાન છે અને વિકસિત છે. એવા પણ દેશો છે જેમણે ઉદ્યોગોની સાથે કૃષિને પૂરતું મહત્ત્વ આપ્યું છે, પરંતુ આ બધા જ દેશો પાસે મજબૂત માળખું છે. આ માળખું ટેકનિકલી 'સિસ્ટમ' તરીકે ઓળખાય છે. આ સિસ્ટમાં કોઈ પણ રાષ્ટ્રીય યોજનાના પ્રોફેશનલ અમલથી માંડીને ભ્રષ્ટાચાર સુધીની વાત આવી જાય. આપણી પાસે આવી મજબૂત સિસ્ટમ નથી. આપણે કોઈ યોજના લશ્કરી શિસ્તથી શરૂ કરી શકતા નથી, કરીએ તો ચોક્કસ સમયમર્યાદામાં પૂરી કરી શકતા નથી, સમયમર્યાદામાં પૂરી કરવાનો પ્રયાસ કરીએ તો ખર્ચ વધી જાય છે અને ક્યારેક ખર્ચના બહાને યોજના અધવચ્ચે જ 'પૂરી' થઈ જાય છે. આ સ્થિતિમાં ભ્રષ્ટાચારનો અજગર પણ મલાઈ ચાટવા લાળ ટપકાવતો બેઠો હોય છે, જે દરેક યોજનાના અમલને નબળો પાડી દે છે.



દેશમાં કૃષિ ધિરાણોનો તોટો નથી, પરંતુ બજેટના છેતરામણા આંકડા પણ સમજવા જેવા છે. એક સર્વેક્ષણમાં ખેડૂતોને પૂછવામાં આવ્યું કે, બજેટમાં આટલા જંગી કૃષિ ધિરાણની દરખાસ્ત કરાઈ તેનો અર્થ શું છે? આ સવાલનો જવાબ આપતા ખેડૂતોએ કહ્યું હતું કે, તેનો અર્થ છે કે અમને આટલી 'નવી' લોન મળશે. જોકે, આ આંકડો કુલ આઉટસ્ટેન્ડિંગનો છે. એટલે કે તેમાં ખેડૂતો દ્વારા નહીં ચૂકવાયેલી લોન, વ્યાજ અને દંડનો પણ સમાવેશ થઈ જાય છે. ભારતમાં કેટલીક લોન તો આઝાદી પહેલાની પણ બાકી બોલે છે. ટૂંકમાં બજેટમાં જે કુલ ધિરાણના આંકડા રજૂ કરાય છે, તેમાં ટેકનિકલ રીતે ખેડૂતોની 'બાકી લોન' પણ બોલતી હોય છે. આર્થિક નિષ્ણાતો અનેક વાર રજૂઆતો કરી ચૂક્યા છે કે, બજેટમાં કૃષિ ધિરાણો જેવા અત્યંત મહત્ત્વના મુદ્દાને સરળ અને પારદર્શક બનાવવામાં આવે. નહીં તો ખેડૂતો આમ જ વિચારતા રહેશે અને પૂરતી માહિતી આપ્યા વિના જાહેર કરેલા આંકડાનો કોઈ અર્થ જ નહીં રહે. ખેડૂતોને એમ જ લાગશે કે, અમારા માટે આટલી મોટી રકમોની જાહેરાત થાય છે, પરંતુ અમને કશું મળતું તો નથી!

આ તો ધિરાણની જાહેરાતોની વાત થઈ પણ આઝાદીના આશરે ૭૦ વર્ષ પછીયે ખેડૂતો માટે કૃષિ ધિરાણ મેળવવું એક સપનું છે. આજેય દેશના લાખો ખેડૂતો અવિશ્વસનિય સ્રોતો પાસેથી ધિરાણ મેળવી રહ્યા છે. આ અવિશ્વસનિય સ્રોતો એટલે ખેડૂતોને હસતા મોંઢે લોન આપનારા દલાલો, જે તગડું વ્યાજ વસૂલીને ખેડૂતોને લોન આપવા તૈયાર હોય છે. આજેય હજારો ખેડૂતો આ લોન કે વ્યાજ નહીં ચૂકવી શકવાના કારણે આત્મહત્યા કરે છે. ઓલ ઈન્ડિયા ડેબ્ટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટના સર્વેક્ષણ પ્રમાણે, છેલ્લાં વીસ વર્ષમાં કૃષિ પરિવારોનું બિનસત્તાવાર સ્રોતો પાસેથી ઉધારી લેવાનું પ્રમાણ બેવડું થઈ ગયું છે. દેશના કુલ દેવામાં પણ કૃષિ પરિવારોનો હિસ્સો  સતત વધી રહ્યો છે.

હવે બીજા કેટલાક આંકડા પર નજર કરીએ. નેવુંના દાયકામાં આર્થિક ઉદારવાદની શરૂઆત થઈ એ પહેલાં પ્રતિ બેંક ગ્રામડાંની વસતી ૧૩,૬૬૫ હતી. આ વસતીને ધ્યાનમાં રાખીને યુપીએ સરકારે ૨૦૦૪માં કૃષિ ધિરાણ બેવડું કરવાની જાહેરાત કરી, પરંતુ એ પહેલાં ગ્રામ્ય વિસ્તારોની ૯૦૦ બેંકોની શાખા બંધ થઈ ગઈ હતી. એ પછી યુપીએ સરકારે વર્ષ ૨૦૦૪થી ૨૦૧૨ વચ્ચે જુદી જુદી બેંકોની ૫,૭૧૦ ગ્રામ્ય શાખા શરૂ કરી, પરંતુ ત્યાં સુધીમાં પ્રતિ બેંક ગ્રામ્ય વસતી ૧૫ હજારે પહોંચી ગઈ હતી. આપણી સરકારો અને બેંકો ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપથી શાખાઓ ખોલી ના શકી એટલે આવું થયું હતુંઆ દરમિયાન આર્થિક નિષ્ણાતોએ બજેટમાં કેન્દ્ર-રાજ્ય સરકાર હેઠળ આવતી સહકારી બેંકોમાં લઘુતમ મૂડીભંડોળનો નિયમ બનાવવાનું સૂચન કર્યું, પરંતુ ધિરાણો વધારવા આવા કોઈ પગલાંની હજુ જાહેરાત કરાઈ નથી.  સહકારી બેંકો દ્વારા કૃષિ ધિરાણો વધે એ માટે બજેટમાં કોઈ જ પ્રયત્નો કરાતા નથી. ખેડૂતોને અપાતા કૃષિ ધિરાણો 'ઓન પેપર' તો વધી રહ્યા છે પણ લેનારા સતત ઘટી રહ્યા છે. દર વર્ષે કૃષિ ધિરાણોના નામે મસમોટી જાહેરાતો થાય છે પરંતુ કૃષિ પરિવારોને વાસ્તવિક રીતે એ ધિરાણો મળતા જ નથી.

ખરેખર તો કેન્દ્ર અને રાજ્ય સરકાર સીધી અને આડકતરી રીતે કેટલા કૃષિ ધિરાણો આપે છે એનું વિશ્લેષણ કરીને જ ધિરાણોનું આયોજન કરવું જોઈએ એવી પણ માગ થઈ રહી છે. રાષ્ટ્રીયકૃત બેંકોના નિવૃત્ત અધિકારીઓની સરકાર દ્વારા રચાયેલી સમિતિ પણ કૃષિ ધિરાણની ગૂંચવાડાભરી માયાજાળ જોઈને આવું સૂચન કરી ચૂકી છે. અહીં સીધા અને આડકતરા ધિરાણોનો અર્થ પણ જાણવા જેવો છે. ખાસ કરીને સીધેસીધું ખેડૂતોને અપાતું કૃષિ ધિરાણ પાક લેવા માટે આપવામાં આવે છે, જ્યારે ખેડૂતોને આડકતરી રીતે મળતા કૃષિ ધિરાણો કૃષિ પ્રવૃત્તિઓને આર્થિક મજબૂતાઈ પૂરી પાડવા માટે અપાય છે.

મુંબઈની ટાટા ઈન્સ્ટિટયુટ ઓફ સોશિયલ સાયન્સના એક અહેવાલમાં કૃષિ ધિરાણોના જુદા જુદા રંગ સમજાવાયા છે. જેમ કે, દેશમાં ત્રણ ચતુર્થાંશ લોકો પાસે ઓછી જમીન છે, જેને સરકારે નાના ખેડૂતો ગણ્યા છે. આ લોકોને ખેતી માટે ફક્ત રૂ. બે લાખ સુધીની લોન જોઈતી હોય છે. ભારતમાં ટીપિકલ એગ્રિકલ્ચરલ લોનની મહત્તમ મર્યાદા આટલી જ છે. જોકે નેવુંના દાયકા પછી આ રકમ ઘટાડાઈ છે. નવાઈની વાત છે કે, ખેડૂતો આ લોન લેવા તૈયાર નથી. કેમ? કારણ કે, ઓછી જમીન ધરાવતા ખેડૂતોને અપાતી લોનનો લાભ મોટા ખેડૂતો લઈ લે છે. કેવી રીતે

૧૨ એકર કે તેથી વધુ જમીનની માલિકી ધરાવતા ખેડૂતો બેંકમાં ફક્ત બે એકર કે ઓછી જમીનના કાગળિયા રજૂ કરે છે અને રૂ. એકાદ લાખની લોન ચાંઉ કરી જાય છે. આવા શ્રીમંત ખેડૂતોને ફક્ત લક્ષ્યાંકો પૂરા કરવા માટે, આકારણી કર્યા વિના જ, લોન આપી દેવાય છે. એવી જ રીતે, થોડી ઘણી જમીન ધરાવતા ખેડૂતો પોતાની જમીનના કાગળિયા રજૂ કરીને રૂ. એકાદ લાખની લોન મેળવી લે છે. આટલી લોન લેવા ખેડૂતે બે એકરથી વધુ જમીન દર્શાવવી નથી પડતી. બેંકો પણ બે એકર જમીનનો રેકોર્ડ નોંધીને ખેડૂતને લોન આપે છે. આ સ્થિતિમાં જમીનવિહોણા ખેડૂતો અને ખેતમજૂરોને ધિરાણનો લાભ કેવી રીતે મળે?

એટલે જ કોર્પોરેટ ક્ષેત્ર તરફથી અપાતી લોન વર્ષ ૧૯૯૦માં ૫.૭ ટકા હતી, જે વર્ષ ૨૦૧૧માં ૧૭.૭ ટકાએ પહોંચીને રૂ. ૨૫ કરોડ થઈ ગઈ. વર્ષ ૨૦૧૦માં ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ એમ ચારેય રાજ્યોના ખેડૂતોને અપાયેલી લોન કરતા છત્તીસગઢ અને દિલ્હીના ખેડૂતોને અપાયેલી લોનનો આંકડો વધારે હતો. સર્વેક્ષણો પ્રમાણે, જે વ્યક્તિ કાયદા પ્રમાણે ખેડૂતની વ્યાખ્યામાં બેસે છે તેને લક્ષ્યાંકો પૂરો કરવા માટે લોન આપી દેવાય છે. સમજ્યા? જ્યાં કૃષિ અર્થતંત્ર ધમધમે છે ત્યાં કરતા દિલ્હીમાં 'ખેડૂતો' વધારે છે. કહેવાનો અર્થ એ છે કે, ફક્ત લક્ષ્યાંકો પૂરા કરવા માટે અપાતી લોનના કારણે સાચા ખેડૂતોને લાભ નથી મળતા. 

બીજો એક મુદ્દો પણ મહત્ત્વનો છે. દેશમાં નાના ખેડૂતો માટે કૃષિ ધિરાણો લેવા પણ મોંઘા સાબિત થઈ રહ્યા છે. કોઈ નાનો ખેડૂત બેંકમાં લોન લેવા જાય ત્યારે વિવિધ દસ્તાવેજો ભેગા રજૂ કરવામાં જ રૂ. ત્રણ હજારથી વધુનો ખર્ચ થઈ જાય છે. એનો અર્થ એ છે કે, નાનો અને સીમાંત ખેડૂતને બેંક રૂ. એક લાખની લોન આપે એ પહેલાં તેના પાસે લોનના ત્રણ ટકા જેટલો ખર્ચ કરાવી દેવાય છે. લોન લેવા માટે ખેડૂત ઉધારી કરવી પડી છે અને બેંકમાં લાંચ પણ આપવી પડે છે. આ પ્રકારની મુશ્કેલીઓ સામે લડવા કોઈ જ ઠોસ પગલાં લેવાતા નથી. એવું કહેવાય છે કે, નાના અને સીમાંત ખેડૂતે રૂ. એક લાખની લોન લેવા, કદાચ લોનના દસ ટકા જેટલો ખર્ચ કરવો પડતો હશે!

ખેર, કૃષિ ધિરાણને લગતા સત્તાવાર આંકડા હંમેશા શંકાસ્પદ હોય છે. દર વર્ષે ખેડૂતોને અપાયેલી લોનના આંકડા જાહેર થાય છે પણ તેના લાભ ખેડૂતો સુધી કેટલા પહોંચ્યા તેનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરાતું નથી. કેટલી જમીન ધરાવતા ખેડૂતોને કેટલી લોન અપાઈ અને તેનાથી તેને શું ફાયદો થયો એ માહિતી મેળવવી વધારે જરૂરી છે.

જ્યાં સુધી સરકારો મસમોટા કૃષિ ધિરાણોની જાહેરાતો કરીને સંતોષના ઓડકાર ખાતી રહેશે, ત્યાં સુધી ખેડૂતો પણ 'ઓહિયા' થતા રહેશે. ખેડૂતોની સતત આત્મહત્યા પાછળનું સૌથી મોટું કારણ આ છે!

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે. 

No comments:

Post a Comment