02 December, 2015

પ્રથમ વિશ્વયુદ્ધનું સૌથી ‘મોંઘું’ સાબિત થયેલું મોત


એ માણસ જે કામ કરી રહ્યો હતો એ હજુ અધૂરા છે... વિશ્વ યુદ્ધમાં કોઈ એક મૃત્યુની વાત કરીએ તો તેનું મોત માનવજાત માટે સૌથી મોંઘું સાબિત થયું છે... આઈઝેક એસિમોવ નામના વિખ્યાત રશિયન અમેરિકન લેખકે ખૂબ નાની વયે 
મૃત્યુ પામનારા એક યુવક વિશે આ શબ્દો કહ્યા હતા. આઈઝેક એસિમોવ ટૂંકમાં એવું કહેવા માગતા હતા કે, એ માણસના મોતથી આખી માણસજાતે સૌથી વધારે નુકસાન ભોગવવું પડ્યું છે... કોણ હતો એ યુવક કે જેના મોતને એસિમોવ જેવા ધુરંધર લેખક પ્રથમ વિશ્વ યુદ્ધનું સૌથી મોંઘું મોત ગણાવતા હતા? એસિમોવે તો ત્યાં સુધી કહ્યું હતું કે, જો આ યુવક આટલી નાની ઉંમરે મર્યો ના હોત તો વર્ષ ૧૯૧૬નું ભૌતિક શાસ્ત્રનો નોબલ પુરસ્કાર તેને જ મળત... વર્ષ ૧૯૩૦થી ૧૯૯૨ સુધીના સમયગાળામાં સાયન્સ ફિક્શન, સોશિયલ સાયન્સ ફિક્શન, ફેન્ટસી અને મિસ્ટરીઝ જેવા જોનરમાં ૫૦૦થી પણ વધારે પુસ્તક અને ૯૦ હજાર જેટલા પત્રો લખનારા એસિમોવે એ યુવક માટે આવા શબ્દો કેમ કહ્યા હશે? કોણ હતો એ યુવક અને તે કેવી રીતે મૃત્યુ પામ્યો હતો?

હેનરી મોસલી

આઈઝેક એસિમોવે એક્સ રેની દુનિયામાં અત્યંત મહત્ત્વના સંશોધનો કરનારા યુવા વિજ્ઞાની હેનરી ગ્વિન જેફરીઝ મોસલી માટે આ શબ્દો કહ્યા હતા. વિજ્ઞાન જગતમાં તે ફક્ત હેનરી મોસલી જેવા ટૂંકા નામે જાણીતા છે. હેનરી મોસલી ભૌતિક અને રસાયણશાસ્ત્રમાં જબરદસ્ત પ્રદાન કરીને ફક્ત ૨૭ વર્ષની વયે પ્રથમ વિશ્વ યુદ્ધમાં માર્યા ગયા હતા. ન્યુક્લિયર ફિઝિક્સના ભિષ્મ પિતામહ્ ગણાતા મૂળ ન્યૂઝીલેન્ડના બ્રિટીશ ભૌતિક શાસ્ત્રી અર્નેસ્ટ રુથરફોર્ડે પણ હેનરી મોસલી વિશે કહ્યું હતું કેજો તેને વધુ બે વર્ષ કામ કરવાની તક મળી હોત તો તેને નોબલ પુરસ્કાર મળવાનો હતો... રુથરફોર્ડે આલ્ફા-બીટા રેડિયોએક્ટિવિટીપ્રોટોન અને એટમિક ન્યુક્લિયસ (આણ્વિક બીજ) જેવી મહત્ત્વની શોધો કરી છે. જોકેહેનરી મોસલીના પ્રયોગો-સંશોધનોના આધારે ચાર ભૌતિક શાસ્ત્રીએ સંશોધનો આગળ વધાર્યા હતા અને એ ચારેયને નોબલ પુરસ્કાર મળ્યા હતા.

આ વિશ્લેષણ પરથી જ સાબિત થાય છે કે, જો હેનરી મોસલી કમોતે મર્યા ના હોત તો તેમને પણ ભૌતિકશાસ્ત્રનું નોબલ મળી જાત!

ફક્ત ૪૦ મહિનામાં ક્રાંતિકારી સંશોધનો

વર્ષ ૧૯૧૨થી હેનરી મોસલીએ ક્રિસ્ટલ્સના કિરણોના વિવર્તનની પદ્ધતિની મદદથી જુદા જુદા તત્ત્વોના એક્સ રે સ્પેક્ટ્રા (વર્ણપટ)ને માપવા-સમજવાનું શરૂ કર્યું હતું. એક્સ રે સ્પેક્ટ્રોસ્કોપીનો એ પહેલો ઉપયોગ હતો, જેનો સંપૂર્ણ શ્રેય હેનરી મોસલીને જાય છે. નરી આંખે જોઈ શકાય એવા પ્રકાશના કિરણો પ્રિઝમની મદદથી તેમની તરંગ લંબાઈ પ્રમાણે કેવી રીતે વિખેરાય છે એ સમજવાનું વિજ્ઞાન એટલે એક્સ રે  સ્પેક્ટ્રોસ્કોપી. આ શોધના કારણે વિજ્ઞાન જગત એક્સ રે ક્રિસ્ટલોગ્રાફીની દિશામાં આગળ વધી શક્યું હતું. એક્સ રે ક્રિસ્ટલોગ્રાફી એટલે કોઈ પણ ક્રિસ્ટલ (એટલે કે મીઠું, હીરો, પથ્થર વગેરે)નો પરમાણુ આંક અને પરમાણુ માળખું સમજવાનું વિજ્ઞાન. જેમ કે, સોનાનો પરમાણુ આંક ૭૯ છે. આ પદ્ધતિ શોધાઈ એ પછી જ વિજ્ઞાનજગતે રસાયણશાસ્ત્રના આધારે નહીં પણ ભૌતિકશાસ્ત્રના આધારે વિવિધ પરમાણુનો આંક અને તેનું માળખું સમજવાનું શરૂ કર્યું હતું. આ પદ્ધતિના આધારે જ પીરિયોડિક ટેબલમાં વચ્ચે વચ્ચે જે તત્ત્વો ખૂટતા હતા તે શોધી શકાયા હતા.

આજે વિજ્ઞાનના દુનિયાભરના વિદ્યાર્થીઓને જે તૈયાર પીરિયોડિક ટેબલનો અભ્યાસ કરે છે, એની રચના હેનરી મોસલીના કારણે થઈ શકી છે. આ શોધ પહેલાં પીરિયોડિક ટેબલમાં વિવિધ તત્ત્વોની ગોઠવણી તેમનું એટમિક માસ (અણુના દળ)ના આધારે તેમજ થોડીઘણી મનસ્વી રીતે કરાઈ હતી. હેનરી મોસલીએ એક્સ રેની તરંગ લંબાઈ અને જુદા જુદા તત્ત્વોના પરમાણુ આંક વચ્ચે ચોક્કસ ગાણિતિક સંબંધ છે, એ વાત સાબિત કરી આપી હતી. એક્સ રે ટયૂબમાં આ જ પદ્ધતિનો ઉપયોગ થાય છે, જે વિજ્ઞાન જગતમાં 'મોસલી'ઝ લૉ' તરીકે ઓળખાય છે. 

મોસલીની આ શોધોના આધારે વર્ષ ૧૯૧૪માં જર્મનીના મેક્સ વોન લૂ નામના ભૌતિકશાસ્ત્રીને ક્રિસ્ટલ્સ મદદથી એક્સ રેની તરંગ લંબાઈમાં કેવી રીતે બદલાવ આવે છે એ પ્રયોગો કર્યા હતા, જે એક્સ રે સ્પેક્ટ્રોસ્કોપીના વિકાસની દિશામાં મહત્ત્વનું પગલું હતું. અત્યારે મેડિકલ અને સુરક્ષા ઉપકરણોમાં એક્સ રેનો જે ઉપયોગ થાય છે એ આ પ્રકારની શોધોને આભારી છે. એ પછી વર્ષ ૧૯૧૫માં સર વિલિયમ હેનરી બ્રેગ અને તેમના પુત્ર સર વિલિયમ લોરેન્સ બ્રેગ નામના ભૌતિકશાસ્ત્રીઓએ એક્સ રેની મદદથી ક્રિસ્ટલ્સનું માળખું કેવી રીતે નક્કી કરી શકાય એવા 'ઊલટા પ્રયોગો' (એટલે કે ક્રિસ્ટલ્સની મદદથી એક્સ રેનું સંશોધન નહીં પણ એક્સ રેની મદદથી ક્રિસ્ટલ્સનું સંશોધન) કરીને વિજ્ઞાન જગત સમક્ષ નવી શોધો મૂકી હતી. આ શોધ બદલ પિતા-પુત્રને વર્ષ ૧૯૧૫નું ભૌતિકશાસ્ત્રનું નોબલ એનાયત થયું હતું. એક્સ રે સ્પેક્ટ્રોસ્કોપીના આધારે જ ચાર્લ્સ બાર્કલા નામના બ્રિટીશ ભૌતિકશાસ્ત્રીએ જુદા જુદા તત્ત્વોમાં (ખાસ કરીને ધાતુ) એક્સ રેનું આવર્તન કેવી રીતે થાય છે એની શોધ કરી હતી. આ શોધ બદલ વર્ષ ૧૯૧૭માં બાર્કલાને ભૌતિકશાસ્ત્રનું નોબલ મળ્યું હતું.

પીરિયોડિક ટેબલ

આ દરમિયાન સ્વિડિશ ભૌતિકશાસ્ત્રી કાર્લ સિગ્બામે એક્સ રે સ્પેક્ટ્રોસ્કોપીની દિશામાં વધુ સંશોધનો આગળ ધપાવ્યા હતા, જે માટે તેમને પણ વર્ષ ૧૯૨૪માં ભૌતિક શાસ્ત્રનું નોબલ મળ્યું હતું. ભૌતિક શાસ્ત્રમાં વર્ષ ૧૯૧૪, ૧૯૧૫, ૧૯૧૭ અને ૧૯૨૭માં અપાયેલા નોબલ પુરસ્કાર પરથી જ સાબિત થાય છે કે, ૧૦મી ઓગસ્ટ, ૧૯૧૫ના રોજ હેનરી મોસલી કમોતે મર્યો ના હોત તો તેને પણ ભૌતિકશાસ્ત્રનું નોબલ મળ્યું હોત! હેનરી મોસલીની સિદ્ધિનું મહત્વ સમજવા ટેકનિકલી બહુ ઊંડા ના ઉતરીએ તો પણ એટલું તો સમજી જ શકાય છે કે, આ ચારેય નોબલ પુરસ્કાર વિજેતા વિજ્ઞાનીઓના સંશોધનોનો દરવાજો હેનરી મોસલીએ જ ખોલી આપ્યો હતો.

આશ્ચર્યની વાત એ છે કે, હેનરી મોસલીએ આ તમામ સિદ્ધિ ફક્ત ૪૦ મહિનાની સંશોધન કારકિર્દીમાં મેળવી હતી.


કારકિર્દી કરતા સંશોધનમાં વધુ રસ

હેનરી મોસલીએ વર્ષ ૧૯૧૦માં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં બેચલર કર્યું હતું. બાદમાં તેઓ માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં સર અર્નેસ્ટ રુથરફોર્ડના જુનિયર આસિસ્ટન્ટ તરીકે જોડાઈ ગયા હતા. અહીં તેમને અન્ય વિદ્યાર્થીઓને ભણાવવાની ડયૂટી સોંપાઈ હતીજે કામ તેમને ખાસ પસંદ નહોતું કારણ કેમોસલી કોઈ પણ સંજોગોમાં ભૌતિકશાસ્ત્રના સંશોધનો આગળ ધપાવવા માગતા હતા. બાદમાં રુથરફોર્ડે તેમને ફેલોશિપ ઓફર કરીને ગ્રેજ્યુએટ રિસર્ચ આસિસ્ટન્ટની ડયૂટી આપી હતી. જોકેમોસલીએ નવેમ્બર ૨૦૧૩માં માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં સંશોધન માટે લેબોરેટરી મળે છે પણ સંશોધનોમાં સહકાર નથી મળતો એવું અનુભવીને રાજીનામું આપી દીધું હતું. એ પછી મોસલીએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જઈને ફરી એકવાર સંશોધન કાર્યો આગળ ધપાવવાનો નિર્ણય કર્યો હતો.

હેનરી મોસલી કમોતે કેવી રીતે મર્યા?

પેરિસ હુમલા પછી જી-૨૦ સમિટમાં ભેગા થયેલા વિકસિત દેશોના નેતાઓ આતંકવાદીઓને પાઠ ભણાવવાની વાતો કરતા હતા એ તુર્કીમાં જ હેનરી મોસલીનું મૃત્યુ થયું હતું. ૨૮મી જુલાઈ, ૧૯૧૪ના રોજ આખા પશ્ચિમ યુરોપમાં પ્રથમ વિશ્વ યુદ્ધની ઘોષણા થઈ ગઈ હતી. એ વખતે હેનરી મોસલી ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભૌતિક અને રસાયણશાસ્ત્રમાં સંશોધન કરી રહ્યા હતા. જોકે યુદ્ધની જાહેરાત થતાં જ તેમની નિમણૂક બ્રિટીશ આર્મીના રોયલ એન્જિનિયર્સ યુનિટમાં વોલન્ટિયર તરીકે કરવામાં આવી હતી. એપ્રિલ ૧૯૧૫માં હેનરી મોસલીને તુર્કીના ગલીપોલી પ્રાંતમાં ટેલિકોમ્યુનિકેશન ઓફિસર તરીકેનું કામ સોંપાયું હતું. તેઓ ટેલિફોન પર મિલિટરી કોમ્યુનિકેશન કરી રહ્યા હતા ત્યારે જ એક તુર્કીશ સ્નાઈપરે તેમને માથામાં ગોળી મારીને વીંધી નાંખ્યા હતા. ૧૦મી ઓગસ્ટ, ૧૯૧૫ના રોજ મોસલીનું મૃત્યુ થયું ત્યારે તેમની ઉંમર ફક્ત ૨૭ વર્ષ હતી.

હેનરી મોસલીનો જન્મ ૨૩મી નવેમ્બર, ૧૮૮૭ના રોજ ઈંગ્લેન્ડના વેમાઉથમાં થયો હતો. હજુ એક દિવસ પહેલાં જ વિજ્ઞાન જગતે હેનરી મોસલીની ૧૨૮મી જન્મજયંતિની ઉજવણી કરી છે. આ મહાન યુવા વિજ્ઞાનીના મોતના પ્રત્યાઘાત એટલા પ્રચંડ હતા કે, તેના મૃત્યુ પછી બ્રિટીશ સરકારે રોયલ સર્વિસ હેઠળ કોઈ 'આશાસ્પદ ભેજાં'નો લશ્કરી કામમાં ઉપયોગ નહીં કરવાનો નિર્ણય કર્યો હતો.

ખેર, આ ઘટના પછી વિકસિત દેશોએ વિજ્ઞાનીઓનો યુદ્ધમાં ઉપયોગ નહીં કરવાનો નિર્ણય કર્યો અને સંશોધનો પાછળ જબરદસ્ત રોકાણ કર્યું. વિકસિત દેશોએ વિજ્ઞાન પાછળ જંગી ખર્ચ કર્યો એટલે જ વિજ્ઞાનીઓ રડાર, પ્રોગ્રામેબલ કમ્પ્યુટર, ઓટોમેટિક વૉર ટેન્ક્સ, વ્હિકલ્સ અને અન્ય હથિયારો વિકસાવી શક્યા, જેનો ઉપયોગ વિશ્વ સત્તાઓએ દ્વિતિય વિશ્વ યુદ્ધમાં કર્યો. આ વિધિની વક્રતા ના કહેવાય તો શું કહેવાય?

2 comments:


  1. VishalKumar, I am happy that you wrote this article. I have studied Nuclear Physics. Dr.C>V> Raman of India, was also notable scientist who created Raman effect" with Spectrophotometer .Many of my research was done by using Spectrophotometer Again nice article. Keep it up.

    ReplyDelete
    Replies
    1. Thx a lott for continuous reading and motivate me.

      Delete