26 November, 2015

‘સ્લો’ ફૂડ ખાઓ, પર્યાવરણ બચાવો


આ વર્ષની યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ૩૦મી નવેમ્બરથી ૧૧મી ડિસેમ્બર દરમિયાન ફ્રાંસના પેરિસમાં યોજાવાની છે. આ બેઠક યોજાઈ એના થોડા જ દિવસ પહેલાં - ત્રીજી નવેમ્બરથી મેઘાલયની રાજધાની શિલોંગમાં પાંચ દિવસનો 'સ્લો ફૂડ મુવમેન્ટ' કાર્યક્રમ યોજાઈ ગયો. દુનિયાના બધા જ દેશોના પ્રતિનિધિઓ જ્યાં ભેગા થઈને વૈશ્વિક તાપમાન બે ડિગ્રી સુધી ઘટાડવાની 'વાતો' કરવાના છે, એ જ પેરિસ શહેરમાં વર્ષ ૧૯૮૦માં આ ચળવળ શરૂ થઈ હતી.  દુનિયાના કરોડો લોકોની ખાણી-પીણીની આદતો વૈશ્વિક પર્યાવરણ પર કેવી અસર કરે છે એ વાતની સમજ આપવા કાર્લો પેત્રિનીએ આ ચળવળ શરૂ કરી હતી. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની વાત કરતી વખતે આપણે ઔદ્યોગિકીકરણ તેમજ ખનીજ તેલ અને તેની આડપેદાશોના બેફામ ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરીએ છીએ પણ ખાણીપીણીને તો યાદ પણ નથી કરતા. આ ચળવળનો હેતુ લોકોને આ વાત યાદ કરાવીને પર્યાવરણ પ્રત્યે થોડા જાગૃત કરવાનો છે.

આપણે જ્યારે હોટેલ-રેસ્ટોરન્ટમાં જમીએ છીએ ત્યારે ટેબલ પર પડેલી એ પ્લેટ તમારા સુધી પહોંચતા પહેલાં પર્યાવરણને કેટલું નુકસાન કરી ચૂકી હોય છે એવું આપણે ક્યારેય વિચારતા નથી. એવું નથી કે, આ સંસ્થા બધાના ધંધાપાણી બંધ કરાવી દેવા માગે છે પણ એનો હેતુ લોકોને 'કોન્શિયસ કન્ઝપ્શન' એટલે કે 'સભાનપણે ઉપભોગ' કરતા કરવાનો છે. આ માટે તો ભારતીય સંસ્કૃતિ જગજાહેર છે પણ લોકોને ઢંઢોળવા સ્લો ફૂડ મુવમેન્ટ પર્યાવરણના નુકસાનને કેન્દ્રમાં રાખીને વિચારો રજૂ કરે છે. આ સંસ્થાની શરૂઆત ફૂડ ચેઈન મેકડોનાલ્ડના વિરોધમાંથી થઈ હતી એટલે લોકો સ્લો ફૂડને મેકડોનાલ્ડ વિરોધી સંસ્થા માની લે છે. ખરેખર સ્લો ફૂડ મુવમેન્ટ તમામ પ્રકારના ફાસ્ટ ફૂડ-ફાસ્ટ લાઈફનો વિરોધ કરે છે કારણ કે, ફાસ્ટ ફૂડ, મૉલ શોપિંગ કલ્ચરમાં લોકો પોતાની પરંપરાગત ખાણી-પીણીની આદતો ભૂલતા જાય છે. આ જ કારણથી દુનિયાના અનેક દેશોમાં પરંપરાગત વાનગીઓ અને તે બનાવવાની કળા ભૂલાતી જાય છે. સ્લો ફૂડ મુવમેન્ટ દરેક દેશના 'ઈન્ડિજિનિયસ ટેરા માદ્રે' યુનિટની મદદથી આવા ઈવેન્ટ કરે છે અને લોકોને આરોગ્ય અને પર્યાવરણની દૃષ્ટિએ સ્લો ફૂડનું મહત્ત્વ સમજાવે છે. ટેરા માદ્રેનો અર્થ 'ધરતી માતા' થાય છે.

કાર્લો પેત્રિની

દરેક દેશના શહેરોથી લઈને અંતરિયાળ વિસ્તારોમાં લોકોની ખાણી-પીણીની આદતોની માહિતી મેળવવા અને લોકો સુધી પહોંચાડવા સ્લો ફૂડ મુવમેન્ટે ઈન્ડિજિનિયસ ટેરા માદ્રે નેટવર્ક ઊભું કર્યું છે. સ્વૈચ્છિક સંસ્થાઓ અને કાર્યકર્તાઓની મદદથી સ્લો ફૂડ મુવમેન્ટ આ પ્રકારના યુનિટ ઊભા કરીને સાડા ત્રણ દાયકામાં ૧૬૦ દેશમાં પહોંચી ગઈ છે. મેઘાલયમાં યોજાયેલો સ્લો ફૂડ ઈવેન્ટ પણ ઈન્ડિજિનિયસ ટેરા માદ્રે-ઈન્ડિયાએ યોજ્યો હતો, જેમાં ૪૧ ગામોને ભાગીદાર બનાવાયા હતા. મેઘાલય હાઉસમાં યોજાયેલા આ પાંચ દિવસના કાર્યક્રમમાં જિનેટિકલી મોડિફાઈડ બિયારણો, ટકાઉ વિકાસ, પાણી પર સમાન અધિકાર અને વૈશ્વિકરણના કારણે પરંપરાગત ખાદ્ય સંસ્કૃતિને થયેલી અસરો જેવા વિષયો પર એક એકથી ચડિયાતા સેમિનારો યોજાયા હતા. અમદાવાદની 'સૃષ્ટિ' સંસ્થા પણ દર વર્ષે 'વિસરાતી વાનગીઓનો મેળો' નામે અફલાતૂન ઈવેન્ટ યોજે છે, જેનો હેતુ ભૂલાઈ રહેલી વાનગીઓને ફરી એકવાર જાણીતી કરવાનો અને તે કેટલી પૌષ્ટિક છે એનો પ્રચાર કરવાનો છે.

આપણે જે પ્રકારની આહારની રીત અપનાવી છે કે ધીમે ધીમે અપનાવી રહ્યા છીએ તેનાથી દુનિયાના બીજા કરોડો લોકોને શું ભોગવવું પડે છે એવી પણ આ ઈવેન્ટમાં સમજ અપાય છે. ખેતરમાં પાકતા અનાજના એક એક દાણા પાછળ સૂર્યપ્રકાશ, પાણી, વીજળી અને ખાતરના રૂપમાં મહત્ત્વના કુદરતી સ્રોતો ખર્ચાયા હોય છે. આપણે જ્યારે થાળીમાં એંઠું મૂકીએ છીએ ત્યારે અન્નના દાણાની સાથે આવા ઘણાં બધા કુદરતી સ્રોતોનો પણ બગાડ કરતા હોઈએ છીએ. યુનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશને વર્ષ ૨૦૧૩માં પહેલીવાર અન્નના બગાડથી પર્યાવરણને કેટલું નુકસાન થાય એનું સાયન્ટિફિક એનાલિસિસ કરીને 'ફૂડ વેસ્ટેજ ફૂટપ્રિન્ટ: ઈમ્પેક્ટ ઓન નેચલ રિસોર્સીસ' નામનો એક અહેવાલ જારી કર્યો હતો. આ અહેવાલ પ્રમાણે, દર વર્ષે આપણે ૧.૩ અબજ ટન અન્નનો બગાડ કરીએ છીએ અને આટલા અન્નનો બગાડ હવામાં ૩.૩ અબજ ટન કાર્બન ડાયોક્સાઈડ ભળવા બરાબર છે. એટલે આપણી થાળીમાંથી અન્નનો એક દાણો ગટરમાં જાય છે ત્યારે આપણે પર્યાવરણને થતાં નુકસાનમાં યથાશક્તિ ફાળો આપતા હોઈએ છીએ. આઘાતજનક વાત તો એ છે કે, આ ગણતરીમાં માછલી જેવા દરિયાઈ ખોરાકનો તો સમાવેશ પણ નહોતો કરાયો.

આ પ્રકારનો બગાડ જેમની પાસે જેમની ખરીદશક્તિ વધારે છે એ લોકો સૌથી વધારે કરે છે. મોટી હોટેલો-રેસ્ટોરન્ટોમાં જ સૌથી વધારે અન્નનો બગાડ થાય છે. જે દેશમાં એક બાજુ ભૂખથી લોકો મરતા હોય અને બીજી બાજુ લાખો ટન અનાજ બગડી જતું હોય એ દેશ માટે સ્લો ફૂડ મુવમેન્ટનો પ્રચાર થવો આ રીતે પણ ખાસ જરૂરી છે. ભારત જેવા દેશમાં સ્લો ફૂડ મુવમેન્ટ બીજી પણ એક રીતે ખૂબ મહત્વની છે. દેશમાં હરિયાળી ક્રાંતિ થયા પછી આપણે વધારે લોકો સુધી અન્ન પહોંચાડી શક્યા છીએ. આ માટે રાસાયણિક ખાતરો અને વિદેશી બિયારણોનો બેફામ ઉપયોગ કર્યો છે. રાસાયણિક ખાતર કેટલો બધો પાક આપે છે એવો પ્રચાર તો કર્યો પણ એનો સભાનપણે ઉપયોગ ના થાય તો કેવા પરિણામો ભોગવવા પડશે એ તો વિચાર્યું જ નહીં. હરિયાળી ક્રાંતિ પછી પંજાબે દેશની 'કેન્સર કેપિટલ'નું બિરુદ મેળવ્યું છે, જેના માટે એન્ડોસલ્ફેન અને ડીડીટી જેવી જંતુનાશક દવાઓ પણ જવાબદાર હોવાનું સાબિત થઈ ચૂક્યું છે. વિદેશી બિયારણોના ઉપયોગથી આપણા અનાજ, કઠોળ, શાકભાજી અને ફળોના વૈવિધ્યને પણ જોરદાર ફટકો પડયો છે.

નેશનલ બ્યુરો ઓફ પ્લાન્ટ જિનેટિક રિસોર્સના આંકડા પ્રમાણે, ૧૬૭ ધાન્યો, ૩૨૦ જંગલી ધાન્યો અને ગાય-બળદ સહિતના સંખ્યાબંધ પ્રાણીઓની પ્રજાતિનું જન્મસ્થાન ભારત છે. આ તો ભારતીય કૃષિ વૈવિધ્યની નાનકડી ઝલક છે. હવે વાંચો. જનીનીક એટલે કે જુદા જુદા અનાજ-ફળોની જિનેટિકલ ડાઇવર્સિટી કેવી છે! જેમ કે, ભારતમાં ચોખાની જ ૫૦ હજાર જાત છે અને એક હજારથી પણ વધારે જાતની તો કેરી છે. દેશના અનેક રાજ્યોમાં એક જ પ્રકારનો પાક જુદી જુદી ઋતુમાં લેવાય છે. આ કારણસર તેની જાત બદલાઈ જાય છે. જેમ કે, ચોખા એટલે ચોખા પણ તેનો પાક જુદી ઋતુમાં, જુદી રીતે લેવાયો હોય તો તેની જાત બદલાઈ જાય. દક્ષિણના રાજ્યોમાં હજારો વર્ષોથી જુદી જુદી જાતના ચોખાનો પાક લેવાય છે. એટલે કે, આ બધી જાતોનો જન્મ લેબોરેટરીમાં નહીં પણ ઉત્ક્રાંતિકાળમાં માણસનો 'વિકાસ' થયો એવી રીતે થયો છે. કેરળ કે ઓરિસ્સામાં સંખ્યાબંધ જાતના ચોખાનો પાક લેવાય છે એવી જ રીતે, મધ્યપ્રદેશ અને તમિલનાડુ બાજરાની અનેક જાત માટે જાણીતું છે. હરિયાળી 'ક્રાંતિ' વખતે જંતુનાશકોનો એટલો બેફામ ઉપયોગ થયો છે કે, જુદી જુદી કૃષિ પેદાશોની અનેક જાતો લુપ્ત થઈ ગઈ છે. જંતુનાશકોથી જમીનની ગુણવત્તા પણ સમયાંતરે ઘટી જાય છે. જે કૃષિ પેદાશે જમીન-વાતાવરણ સાથે તાલમેલ સાધી લીધો હોય એ જમીન જ ના રહે તો એ જાતિનો નાશ જ થાય ને!

હવે તો આપણી પાસે બીટી કોટનના વાવેતર પછી પાક કેવી રીતે નિષ્ફળ ગયા અને ખેડૂતોને આત્મહત્યા કરવા મજબૂર કર્યા એના પણ પુરાવા છે. આ રીતે કાર્લો પેત્રિનીની સ્લો ફૂડ મુવમેન્ટમાં દમ છે. પૂર્વ ભારતના અનેક પ્રદેશોમાં હિમાલયના કારણે સમગ્ર વાતાવરણ ભારે અનિશ્ચિત છે. એટલે જ ત્યાં હજારો વર્ષોના ઉત્ક્રાંતિકાળમાંથી પસાર થયેલા પાક ટકી જતા હતા પણ અત્યારના 'રોકડિયા પાક' નિષ્ફળ જાય છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગોવા જેવા રાજ્યોને પણ આ વાત લાગુ પડે છે. સ્લો ફૂડનો અર્થ ફાસ્ટ ફૂડના વિરોધથી ઘણો વિશાળ છે. સ્લો ફૂડની વ્યાખ્યામાં પરંપરાગત વાનગીઓથી લઈને પરંપરાગત કૃષિ પદ્ધતિ સુધીની ઘણી મોટી વાતો સમાવી લેવાઈ છે. સ્લો ફૂડ એટલે આપણા અને પર્યાવરણના એમ બંનેના આરોગ્ય માટે સારું હોય એવું અન્ન.

આ વર્ષે પહેલીવાર ભારતમાં સ્લો ફૂડ મુવમેન્ટ ઈવેન્ટ યોજાયો હતો. આપણી આહાર સંસ્કૃતિ, આપણા ખેડૂતો, આપણું પર્યાવરણ અને આપણા આરોગ્ય માટે પણ આ મુવમેન્ટને આપણે વધાવી લેવી જોઈએ.

3 comments:

  1. સ્નેહી વિશાલભાઈ,આપની રિસર્ચને સલામ.અને આટલો ઊંડાણમાં માહિતી પ્રચૂર લેખ લખવા માટે જ હું તો તમને પી.એચ.ડી.ની ડિગ્રી આપી દઉં બગાડ અને પર્યાવરણનો મને સ્હેજે ખ્યાલ નહોતો.મારા અભિનંદન.આવું જ લખતા રહેશો.

    ReplyDelete
  2. આપનાં લખાણો અહીંતહીં જોવા મળતાં ત્યારે મારા અલ્પ વાચનમાં તેને સમાવી લેતો. આજે 'ઓપિનિયન' તરફથી આવેલો ખીચડી વિશેનો લેખ રસપૂર્વક વાંચીને આપના બ્લોગ પર પહોંચ્યો ને અનેક વિષયોનું રોચક વાચન એમાં પથરાયેલું જોઇને ખૂબ ખુશ થયો. ખાદ્ય અને ખાદ્યસંસ્કૃતિ મારા પણ ઉત્કટ રસનો વિષય તેથી આપના એ વિશેનાં રસદાયક લખાણોએ ખેંચ્યો. હવે બ્લોગ પર લટાર માર્યા કરીશ.

    ReplyDelete
  3. હરનીશભાઈ અને જયંતભાઈ, મારો ઉત્સાહ વધારવા બદલ આપ બંને વડીલોનો હૃદયથી આભાર...

    ReplyDelete