28 December, 2020

...અને બે-ત્રણ મિનિટમાં જ મારી આખી લાઈફ રિવાઈન્ડ થઈ ગઈ!


વરસાદના કારણે સર્જાયેલા વિઘ્નમાં કોઈ ટ્રેકરને ભાન ન હતું કે, બીજાને શું મુશ્કેલી પડી રહી છે. બધા જાણે જીવ બચાવીને ભાગતા હતા. જોકે, હું ગર્વથી કહી શકું છું કે, એ અત્યંત કપરા રૂટમાં બીજાનો વિચાર કરીને આગળ વધ્યા હતા, એ ત્રણેય ગુજરાતી હતા  

***

ગડસરથી સતસર જતી વખતે વરસાદમાં થોડું પલળ્યા પછી હું ઠંડીથી થોડો ધ્રુજી રહ્યો હતો. હજુ થોડા સમય પહેલા સુધી મને અંદાજ ન હતો કે, રેઈનકોટ સાથે નહીં રાખીને મેં બહુ જ મોટી ભૂલ કરી છે, પરંતુ થોડી વાર પછી બર્ફીલા પવન સાથેના વરસાદનો અનુભવ થતાં જ મારા શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. મારી પાસે રેઈનકોટ નથી એ વિચારથી જ હું અંદરથી હલબલી ગયો હતો. 

જોકે, મારી પાસે એક વિન્ડચીટર હતું, વરસાદ અને હિમાલયની બર્ફીલી હવાથી બચવા મેં વિન્ડચીટર તો પહેરી લીધું પણ વરસાદનું જોર વધતા ખબર પડી કે, વિન્ડચીટર પાણી રોકી શકે એમ નથી. એટલે મેં ટ્રેકર દોસ્ત નીશીતનું બીજું એક વિન્ડચીટર પણ પહેરી લીધું. એ રેઈનકોટમાં સજ્જ હતો એટલે તેણે મને તેની રેઈન શીટ પણ આપી દીધી. રેઈન શીટ બે હાથથી પકડી રાખવી પડે. ખડકાળ ઢોળાવ પર ચઢાણ કરતી વખતે મારા બે હાથ રેઈન શીટના કારણે બંધાઈ ગયા હતા. હિમાલયના સૂસવાટા મારતા વરસાદી પવનમાં રેઈન શીટ હું માંડ સીધી રાખી શકતો હતો. 



હિમાલયની પથરાળ ટેકરીઓ પાર કરીને દેખાયેલા અલ્પાઈન લેક

આ સ્થિતિમાં ચાલવાનું શરૂ કર્યાના એકાદ કલાકમાં જ સામે એક પર્વત દેખાયો. બહુ ઊંચો નહીં પણ પહોળાઈમાં ખૂબ જ વિસ્તરેલો. હિમાલયના આવા નાનકડા ખડકાળ વિસ્તારોમાંથી આગળ વધવાના રૂટ ક્યારેક ખૂબ મુશ્કેલ પણ હોય. ક્યાંક ટેકરી ઓળંગવાની આવે તો ક્યાંક પાતળી હવાના કારણે હોશ ઊડી જાય એવું ચઢાણ પણ આવે. ટ્રેકર્સ માટે એ પહાડ ક્રોસ કરવો માંડ એકાદ કલાકનું કામ હતું, પરંતુ વરસાદના કારણે આખો પહાડ ચીકણો થઈ ગયો હતો. હિમાલય વોલ્કેનિક રોકમાંથી બનેલો લાવાકૃત પહાડ નથી, પરંતુ પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને આવેલા મહાકાય પથ્થર, રેતી અને કાંકરામાંથી બનેલો જળકૃત એટલે કે સેડિમેન્ટરી રોક છે. આવા પહાડના ઢોળાવો વરસાદ પડ્યા પછી ખૂબ જ ચીકણા થઈ જાય. એમાંય અમારા રૂટ પર ગાય, ઘોડા અને ઘેંટા-બકરા જેવા પશુઓનું મળમૂત્ર પથરાયેલું હતું, જે પાણીના ધીમા પ્રવાહના કારણે આખી ટેકરી પર વિસ્તર્યું હતું. આખો ઢોળાવ વધુ ચીકણો થઈ ગયો હતો. રસ્તામાં મળેલા એક કાશ્મીરીએ અમને કહ્યું પણ ખરું, ‘ભાઈ, જરા સમ્હલ કે ચલના, પૂરી પહાડી ગ્રીસ જૈસી ચિકની હો ગઈ હૈ...’

બધા જ ટ્રેકર્સ ઝડપથી એ પહાડી ઓળંગવા ઝઝૂમી રહ્યા હતા, જેમાં 66 વર્ષીય વૃદ્ધ અબ્બાસભાઈ અને સિનિયર સિટિઝન દંપતિ સાળુકે અંકલ અને આંટી પણ હતા. વરસાદ પડતો હોવાથી બધા જ ટ્રેકરનું એક જ લક્ષ્ય હતું, ઝડપથી પહાડી ઓળંગીને નીચે ઉતરી જાઓ. ચઢાણ કરતી વખતે બીજા ટ્રેકરના શ્વાસ સંભળાય એટલી ચીર શાંતિ પથરાઈ ગઈ હતી. સતત બોલબોલ કરતી કોલેજિયન છોકરીઓનો પણ અવાજ આવતો બંધ થઈ ગયો હતો. હિમાલયના ભવ્ય કોતરોમાંથી ફક્ત હવા, વરસાદ અને ઝરણાંનો અવાજ પડઘાઈ રહ્યો હતો. અમારા જેવા ફિટ ટ્રેકર્સ પણ હક્કાબક્કા થઈને ‘ગ્રીસ જૈસી ચિકની પહાડી’ પર ચઢવા બે હાથનો પણ બે પગની જેમ ઉપયોગ કરતા હતા. 

એક પણ ટ્રેકર ઉપર જોતો સુદ્ધા ન હતો. બધાની નજર ચીકણી જમીન પર ક્યાં ડગલું મૂકવું તેના પર મંડરાયેલી હતી. ચઢાણ અઘરું હોવાથી મેં રેઈન શીટ ફોલ્ડ કરીને રકસેક બેલ્ટમાં ભરાવી દીધી હતી. હું વરસાદમાં પલળી રહ્યો હતો. અમારા ઢીંચણ સુધીના પેન્ટ કાદવ કીચડથી ખરડાઈ ગયા હતા. ચીકણી માટીમાં ડગલું ભરવા પગનો પંજો પણ સહેલાઈથી ઊઠતો ન હતો. પાતળી હવાના કારણે શૂઝના તળિયે ચોંટતો કાદવ-કીચડ પણ વજનદાર લાગતો હતો. ઊંચાઈવાળા વિસ્તારોમાં પાતળી હવાના કારણે માણસ તૂટી કેમ જાય છે, તેનો સાક્ષાત અનુભવ થઈ રહ્યો હતો. એ સ્થિતિમાં પણ હું બે ઘડી થંભ્યો, અને, વરસાદમાં સ્નાન કરી રહેલા મહર્ષિ હિમાલયનું એ દૃશ્ય નજરોમાં કેદ કરી લીધું. 

અમે આગળ વધી રહ્યા હતા ત્યાં જ સામે બીજી એક સીધી ટેકરી દેખાઈ. તેની તળેટીમાં જઈને મેં ઉપર નજર કરી. એ સ્થળ સ્વર્ગીય સુંદરતા ધરાવતું હતું. વરસાદના કારણે ટેકરી પર નાની-મોટી અનેક જળધારાઓ જીવંત થઈ ગઈ હતી. જાણે ટેકરીને લપેટાઈ ગયેલું ઓક્ટોપસ. અમારે એ જળધારાઓની સામે ઉપર ચઢવાનું હતું. એ બહુ અઘરું ન હતું કારણ કે, બે ધારાની વચ્ચેથી નીકળવા ઘણી જગ્યા હતી. જોકે, ઝરણાના રૂટ પર નાના કાંકરાથી માંડીને મહાકાય પથરા ગોઠવાયેલા હતા. એક-બે વાર મોટા પથ્થર પર પગ મૂક્યા પછી ખબર પડી કે, આ મહાકાય પથ્થરો તો જાણે કોઈની રાહ જોઈને જ બેઠા છે. જો તેમને ચીકણી જમીન પર થોડું પ્રોત્સાહન મળે તો સીધા નીચે ગબડી શકે છે. 


વરસાદી વાદળો ઘેરાતા જ અમે યાદગીરી માટે થોડી ક્લિક્સ કરીને કેમેરા બેગ પેક કરી દીધી.

જો એ વખતે પાછળ કોઈ ટ્રેકર ચઢતો હોય તો તેનો જીવ જોખમાઈ શકે. આ બાબતનું ધ્યાન રાખીને અમે ઉપર ચઢવાનું શરૂ કર્યું, પરંતુ સાળુકે આંટી અને અબ્બાસભાઈ માટે ચઢવું લગભગ અશક્ય હતું. સાળુકે અંકલ તો આંટીથી ક્યાંય આગળ પહોંચી હતા. અમારો માંડ 19 વર્ષનો ગાઈડ અશફાક દૂરના એક રૂટ પર ટોવેલનું દોરડું બનાવીને એક-બે છોકરીઓને ઉપર ખેંચી રહ્યો હતો. વરસાદના કારણે સર્જાયેલા વિઘ્નમાં મારા અને નીશીત સિવાય એક પણ ટ્રેકરને ભાન ન હતું કે, બીજા ટ્રેકરને શું મુશ્કેલી પડી રહી છે. બધા જાણે પોતપોતાનો જીવ બચાવીને ભાગી રહ્યા હતા. હું પણ બીજા ટ્રેકર્સ ગયા એ રૂટ પરથી મારા ગાઈડ સાથે આગળ વધી શકું એમ હતો, પરંતુ મેં મનોમન સાળુકે આંટીને ટેકરી ક્રોસ કરાવવાનું વિચારી લીધું. 

આ નિર્ણય લેવાનું બીજું એક કારણ હતું, મારો દોસ્ત મેહુલ. અમે કાશ્મીર ગ્રેટ લેક્સ ટ્રેક માટે અમદાવાદથી જ સાથે હતા. મેહુલને ટ્રેકના પહેલા જ દિવસે નીચનાઈ કેમ્પથી વિષ્ણુસર કેમ્પ સુધી જતા પગમાં મચકોડ આવી હતી. એટલે મેહુલે પણ ઝરણાવાળા રૂટ પર જ આવવું પડે એમ હતું. નીશીત અને બીજા બે ટ્રેકર પણ એ રૂટ પર હતા. આગળની ટેકરી ઓળંગતી વખતે હું ખાસ્સો પલળ્યો હોવાથી થોડો ડરી ગયો હતો. હું ગમે ત્યારે હાયપોથર્મિયાનો શિકાર થઈ શકું એમ હતો. હિમાલયમાં ટ્રેકિંગ કરતી વખતે સૌથી મોટો ભય એ જ હોય છે. હાયપોથર્મિયામાં શરીરનું તાપમાન જોખમી રીતે નીચું જતું રહે, જેના કારણે ધબકારા અચાનક ઘટી જવા, અશક્તિ, બેચેની, મૂંઝવણ, માનસિક સંતુલન રાખવામાં તકલીફ પડવી, કશું યાદ ના રહેવું, ઘેન ચઢવું અને બોલવામાં તકલીફ પડવી જેવા લક્ષણો અનુભવાય. એ સ્થિતિમાં એક જ ઉપાય છે, મેન્ટલી અને ઈમોશનલ રીતે મજબૂત રહેવું. 

આ ટ્રેકમાં હું શરૂઆતથી જ ફિઝિકલી, મેન્ટલી અને ઈમોશનલી ફિટ મહેસૂસ કરતો હતો. મારામાં આવેલા સુપરનેચરલ પાવર માટે બે કારણ જવાબદાર હતા. પહેલું, હિમાલયની ભવ્યાતિભવ્ય સુંદરતા જોઈને મારામાં ગજબની શક્તિનો સંચાર થયો હતો. જે સ્થળે દરેક કાશ્મીરી પણ જઈ શકતો નથી એ સુંદર સરોવરો જોયા પછી હું મારી જાતને ખૂબ નસીબદાર સમજતો હતો. બીજું કારણ એ હતું કે, હું શારીરિક-માનસિક રીતે થાકી ગયેલી કોઈ પણ વ્યક્તિને સાથે લઈને આગળ જતો હતો. કદાચ તેના કારણે મને ભારોભાર ઊર્જા મળી રહી હતી. આ બાબત અનુભવ વિના સમજાય એમ નથી. હું સારી રીતે જાણતો હતો કે, ટ્રેકિંગ કે ઈવન જાત્રા વખતે બીજાને સાથે રાખીને અને મદદ કરીને આગળ વધવાથી આપણને પણ ચમત્કારિક શક્તિ મળે છે.

ટ્રેકિંગ એ ટીમ વર્ક છે. ટ્રેક સૌથી પહેલા કોણે પૂરો કર્યો, એ મહત્ત્વનું નથી હોતું. તમે કેટલા લોકોને ટ્રેક પૂરો કરવામાં મદદ કરી એ પણ એટલું જ મહત્ત્વનું છે. આ બાબત ટ્રેક વખતે જેમની ફિટનેસ જળવાઈ રહે છે એમને લાગુ પડે છે. જે લોકો ટ્રેકમાં અધવચ્ચે જ લથડી ગયા હોય અને માંડ આગળ વધતા હોય તેમણે ફક્ત એટલું જ વિચારવાનું હોય કે, આપણે બીજા ટ્રેકર્સ માટે બને એટલા ઓછા બોજારૂપ બનીએ. નીશીતને વાયરલ ઈન્ફેક્શન હતું, મેહુલ પણ પગની મચકોડના કારણે ઢીલો પડી ગયો હતો અને મારી પાસે રેઈનકોટ ન હતો. આમ છતાં, અમે ત્રણેય અને બીજા એક-બે ટ્રેકરે સાળુકે આંટી અને અબ્બાસભાઈને સાથે રાખીને ઝરણાવાળી ટેકરી ક્રોસ કરી. હું ગર્વથી કહી શકું છું કે, એ અત્યંત કપરા રૂટમાં બીજાનો વિચાર કરીને આગળ ગયા હતા, એ ત્રણેય ગુજરાતી યુવાનો હતા. 



વરસાદ પછી દેખાયેલી હિમાલયન લિઝાર્ડ,  ગ્લેશિયર વૉટર લઈને પહાડ પરથી ધસમસતા નીચે ઉતરી રહેલા ઝરણાં અને અમે ધીમે ધીમે પાર કરેલા અફાટ મેદાનો. 

ઝરણાવાળી ટેકરી ઓળંગ્યા પછીયે અમારે સપાટ મેદાન સુધી પહોંચવા આશરે બે કલાક સુધી અત્યંત ચીકણી નાની નાની કેડીઓ પર ચાલવાનું આવ્યું. વરસાદ હજુયે ધીમી ધારે વરસી રહ્યો હતો, પરંતુ સાંજ નજીક આવતી હોવાથી ઠંડીનું જોર વધવા લાગ્યું. મેં ફરી એકવાર મારી રેઈન શીટ પકડી લીધી. કેડીઓ પર ચાલતી વખતે શારીરિક અને માનસિક સંતુલન જાળવવાની સાથે મારે તોફાની પવનમાં રેઈન શીટ સીધી રાખવા પણ મહેનત કરવી પડતી. રેઈન શીટ પકડી રાખવાના કારણે મારા હાથ પણ સતત પલળી રહ્યા હતા અને મારી આંગળીઓ સુન્ન પડી ગઈ હતી. 

આ સ્થિતિમાં ઘણું ચાલ્યા પછી હિમાલયના ઊંચા પહાડો વચ્ચે એક વિશાળ મેદાન દેખાયું. તેની ક્ષિતિજ પર પહાડોની પાછળ દૂર દૂર સુધી પહાડો અને તેની પાછળ આકાશમાં રૂના ઢગલા જેવા વાદળો દેખાઈ રહ્યા હતા. હિમાલયની છીંકણી અને સફેદ રંગની નાની નાની ડુંગરીઓની ટોચ એ વાદળોમાં ખૂંપી ગઈ હતી. મને ખૂબ જ ઠંડી લાગી રહી હતી. કકડીને ભૂખ પણ લાગી હતી, પરંતુ સૂસવાટા મારતા પવનના કારણે બ્રેક લઈને રકસેકમાંથી ચોકલેટ્સ કાઢવાના પણ હોશ ન હતા. જીવનું જોખમ હોવાથી બસ એક જ ધૂન હતી, વરસાદ બંધ ના થાય ત્યાં સુધી ચાલતા રહેવું અને ઝડપથી બેઝ કેમ્પ પર પહોંચી જવું. બધા જ ટ્રેકર દેખાતા બંધ થઈ ગયા હતા કારણ કે, મેહુલ લેગ ઈન્જરીના કારણે ધીમે ચાલતો હતો અને તેથી મેં પણ સ્પિડ ઘટાડી દીધી હતી. હું અને મેહુલ લગભગ સાથે ચાલતા હતા, પરંતુ થોડી વાર પછી મેં સ્પિડ વધારવાનું અને મેહુલ આઈ રેન્જમાં રહે એ રીતે તેનાથી આગળ રહેવાનું નક્કી કર્યું. 

થોડી વાર પછી હું મેહુલથી આશરે પોણો કિલોમીટર આગળ હતો, પરંતુ તેને સહેલાઈથી જોઈ શકતો હતો. ઠંડીથી બચવા મારે એ રીતે ચાલવું જરૂરી હતું. લીલા ઘાસના એ વિશાળ મેદાનમાં કરોડો પથ્થરો વિખરાયેલા હતા. જોકે, આડશ લઈને બર્ફીલા પવન અને વરસાદથી બચી શકાય એટલા કદનો એક પણ પથ્થર દેખાતો ન હતો. વૃક્ષો પણ દૂર દૂર માંડ દેખાતા હતા. આ પ્રકારની સ્થિતિમાં ફિઝિકલી અને મેન્ટલી ફિટ રહેવા ઈમોશન્સને કાબુમાં રાખવા અત્યંત જરૂરી હોય છે. મને એ ખબર હોવા છતાં હું ધીરજ ગુમાવી રહ્યો હતો. 

છેવટે મેં થાકીપાકીને વરસતા વરસાદમાં ઊભા રહેવાનું નક્કી કર્યું. ઠંડા પાણીના મારના કારણે મારા મસલ્સ જકડાઈ ગયા હતા. હું ઈમોશનલી બ્રેક થઈ રહ્યો હતો. છેવટે અચાનક જ હું એક નાનકડા પથ્થર પર બેસી ગયો. થોડી ક્ષણોમાં તો વિચાર પણ કરી લીધો કે, બસ હવે અહીં જ મરીશ. એ પથ્થરની થોડી આડશ લઈને હું બર્ફીલી હવાથી બચવા ફાંફા મારતો હતો. મેં આંખ બંધ કરીને મારા પરિવાર અને દોસ્તોને યાદ કર્યા. આ ટ્રેક શરૂ થયો એ પહેલા મેં બેઝકેમ્પ પરથી મારા પરિવારજનો સહિત કેટલાક સાથે વાત કરી લીધી હતી કારણ કે, અહીંના ઊંચાઈવાળા દુર્ગમ વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક તો ક્યાંથી હોય!હિમાલયની વાદીઓમાંથી મને એ 'છેલ્લી' વાતોના પડઘા સંભળાઈ રહ્યા હતા. એટલામાં તો મને ખૂબ જ નજીકથી મોત દેખાયું અને એ બે-ત્રણ મિનિટમાં જ મારી આખી લાઈફ રિવાઈન્ડ થઈ ગઈ. 

એટલામાં જ મેહુલ આવી પહોંચ્યો અને તેને જોતા જ હું એલર્ટ થઈ ગયો. 

એ પછી શું થયું? 

વાંચો આવતા અંકે...

નોંધઃ આ સીરિઝનો ભાગ-1 વાંચો અહીં...

No comments:

Post a Comment