શું તમે તમારા પેટની
ટ્રીટમેન્ટ કરાવવા ઈચ્છો છો? શું તમારી
પાસે સમય નથી? શું તમને ઘરથી દૂરના પેટ સલૂનમાં જવાનો કંટાળો
આવે છે?
ચિંતા ના કરો... ફક્ત
અમને આ નંબર પર કૉલ કરો. અમારા પેટ સ્પેશિયાલિસ્ટ તમારા ઘરે આવીને તમારા વ્હાલા
શ્વાનની તમે ઈચ્છો એ ટ્રીટમેન્ટ કરવા પહોંચી જશે.
ફેસબુક સહિતના સોશિયલ
મીડિયા પ્લેટફોર્મ પર દેખાતી આ પ્રકારની એડ્સ સાબિત કરે છે કે, ટેક્નોલોજીના કારણે ભારતમાં ઉચ્ચ અને
મધ્યમ વર્ગની સોશિયો-ઇકોનોમિક લાઇફ સ્ટાઇલમાં ધરખમ પરિવર્તન આવી રહ્યું છે. આજકાલ
મોબાઇલ એપમાં એક 'યસ' કહેતા
જ પેટ સ્પેશિયાલિસ્ટ ઘરે પહોંચી જાય છે. આ સ્પેશિયાલિસ્ટ પાલતુ કૂતરાને શેમ્પૂ કરી આપે છે,
વાળ ટ્રીમ કરી આપે છે, હેર સ્ટાઇલ કરી આપે છે
અને નખ પણ કાપી આપે છે. આ ઉપરાંત પેટને કોઈ શારીરિક-માનસિક તકલીફ હોય તો 'સારા વેટરિનરી ડૉક્ટર'નો સંપર્ક પણ કરાવી આપે છે.
અત્યાર સુધી માણસોના ડૉક્ટરોને જ આવા 'ધંધા'નો લાભ મળતો હતો. આ પ્રકારની પેટ સર્વિસની એક વિઝિટ માટે રૂ. બેથી અઢી હજાર વસૂલાય છે, પરંતુ વક્રોક્તિ (આઇર્ની) જુઓ. આજેય દેશમાં લાખો મજૂરોને
મહિને માંડ અઢી હજાર મળે છે અને એટલામાંથી જ તેઓ ગુજરાન ચલાવે છે અને કદાચ એટલે જ દેશમાં લાખો બાળકો રાત્રે ભૂખ્યા સૂઇ જાય છે અને કુપોષણના કારણે કમોતે
મરે છે.
મુંબઈ,
દિલ્હી કે બેંગલુરુના અનેક પરિવારો પાસે પાલતુ કૂતરાને લઈને સલૂનમાં જવાનો
સમય નથી. તેઓ નથી ઈચ્છતા ટ્રાફિકમાં સમય બગાડીને તેઓ પેટ સલૂનમાં પહોંચે અને ત્યાં
જઈને પણ તેમણે પોતાના વ્હાલા ડોગીની ટ્રીટમેન્ટ માટે રાહ જોવી પડે. આ દેશમાં બધે જ લાઇનો લાગેલી હોય છે અને પેટ સલુન પણ
તેમાંથી બાકાત નથી. સ્માર્ટફોનનો ઉપયોગ વધવાના
કારણે શહેરોમાં હોમ સર્વિસ આપવાના માર્કેટિંગની તરાહ ધરમૂળથી બદલાઈ ગઈ છે. હજુ તો
ભારતમાં માંડ ૧૪ ટકા લોકો પાસે સ્માર્ટફોન છે અને એમાંય સ્માર્ટફોનમાં ઈન્ટરનેટનો
ઉપયોગ કરનારા લોકોની સંખ્યા તો બહુ ઓછી છે. મોટા ભાગના લોકો ફેસબુક અને ટ્વિટર
જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સનો ઉપયોગ કરવા, નવી
નોકરી શોધવા કે ઓનલાઈન શોપિંગ કરવા માટે જ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે, પરંતુ મોબાઇલ
એપ્લિકેશન (બોલે તો, એપ્સ) મોટા શહેરોમાં
રહેતા અનેક પરિવારોના જીવનનું અભિન્ન અંગ છે.
સોશિયલ મીડિયામાં પેટ
સર્વિસ સિવાય પ્લમ્બરિંગ, સુથારી કામ,
કડિયા કામ, લુહારીકામ, કચરા-પોતા,
નોકરાણી કે રસોઇયાની જરૂરિયાત,
વૉલ પેઇન્ટ, પડદાનું ફિટિંગ તેમજ કાર-એર
કંડિશન્ડ-બારીઓ-સોફાસેટનું સફાઈ કામ જેવી જાતભાતની સર્વિસ આપતી એડ્સ વાંચવા મળે
છે. આ પ્રકારની કંપનીઓ વચ્ચે એર કન્ડિશન્ડ, માઈક્રોવેવ,
રેફ્રિજરેટર અને ટેલિવિઝનની રીપેરિંગની સર્વિસ આપવામાં પણ ગળાકાપ સ્પર્ધા થાય છે. છેલ્લાં અમુક વર્ષોમાં મુંબઈ,
દિલ્હી અને બેંગલુરુ જેવા શહેરોમાં તો હોમ સર્વિસ આપતી ઓનલાઈન
કંપનીઓનો રાફડો ફાટ્યો
છે. જેક ઓન બ્લોક,
મિ. રાઈટ, ઝિમ્બર, ગેટ
માય પ્યૂન, હેમર એન્ડ મોપ, હાઉસ જોય,
ટાસ્ક બોબ, ઈઝી ફિક્સ.કોમ અને અર્બન કેપ જેવી
મોબાઇલ એપ્લિકેશન આ જ
પ્રકારની સર્વિસ આપી રહી છે.
અરે,
તમારી પાસે ફોર્મ લેવા જવાનો કે ભરવા જવાનો સમય નથી, લેબોરેટરીમાંથી
રિપોર્ટ તૈયાર થઈ ગયો
છે પણ લેવા જવાનો
સમય નથી કે પછી ઘરના
માળિયામાં સાફસફાઈ કરવાનો કંટાળો આવે છે- તો પણ આ કંપનીઓ તમારી સેવામાં હાજર છે. આ
પ્રકારની હોમ સર્વિસનો ચાર્જ પણ રૂ. ૩૦૦થી લઈને ત્રીસ હજાર સુધીનો હોય
છે. દિવાળી જેવા તહેવારોમાં
ઘરની સાફસફાઇનો મહિમા હતો, પરંતુ હવે એવું નથી. આજકાલ લાખો પરિવારો દિવાળીની
રજાઓમાં વેકેશન કરવા ઉપડી જાય છે કારણ કે, આખું વર્ષ નોકરીમાંથી ઊંચા નથી આવતા. મુંબઈ
અને દિલ્હી જેવા શહેરોમાં કામવાળી બાઈ કે રામલા ગમે ત્યારે નોકરી છોડીને જતા રહે
છે એવી અનેક લોકોને ફરિયાદ હોય છે. રાજકારણીઓ, બિઝનેસમેન
તેમજ ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારોથી માંડીને ઓફિસ, ફેક્ટરી
માલિકોને પણ નાનું-મોટું કામ કરનારાની ભારે અછત હોય છે. હોમ સર્વિસ કંપનીઓ વેબસાઇટ
અને મોબાઇલ એપ્લિકેશન પર આ પ્રકારના 'દુ:ખી ગ્રાહકો'ને શોધી
શોધીને સર્વિસ આપે છે.
ચીનમાં ૨૦૧૨માં એક
અબજ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હતા, પરંતુ
ભારતમાં હજુયે કુલ વસતીના માંડ દસેક ટકા એક્ટિવ ઇન્ટરનેટ યુઝર્સ છે. આ ઉપરાંત માંડ
ત્રીસેક ટકા લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને તેમાંય સ્માર્ટફોનનો 'સ્માર્ટ' ઉપયોગ કરનારા એક્ચ્યુઅલ યુઝર્સ કેટલા?
આ બધા ચોક્કસ આંકડા ના મળે પણ એટલો અંદાજ તો મળે જ કે, ભારતમાં ઈન્ટરનેટ અને સ્માર્ટફોન ખૂબ ઝડપથી સોશિયો-ઇકોનોમિક ચેન્જ લાવી રહ્યા છે. આ
પહેલાં પણ ભારતમાં હોમ સર્વિસ આપતી નાની-મોટી કંપનીઓ હતી જ,
પરંતુ અત્યારની કંપનીઓ પાસે માર્કેટિંગ માટે ઈન્ટરનેટ નામનું
બ્રહ્માસ્ત્ર છે. કોઈ પણ પ્રકારની હોમ સર્વિસ ઇચ્છતો ગ્રાહક પણ ઈન્ટરનેટ યુઝર છે.
ઈન્ટરનેટ પર માર્કેટિંગ કરવાના કારણે સામાન્ય હોમ સર્વિસ આપતી કંપનીઓનો વ્યાપ
પહેલાની નાની કંપનીઓ કરતા અનેક ગણો મોટો થઈ ગયો છે. આ કંપનીઓ પહેલાની કંપનીઓ કરતા
ઈનોવેટિવ અને સ્માર્ટ છે. જેમ જેમ ઈન્ટરનેટનો વપરાશ વધશે તેમ તેમ હોમ સર્વિસ આપતી
કંપનીઓનું કદ વધતું જશે, એમાં પણ કોઇ શંકા નથી.
શહેરોમાં પ્લમ્બરિંગ,
સુથારી કામ, ફર્નિચર ઇન્સ્ટોલેશન, ઇલેક્ટ્રિકલ ફિટિંગ-રીપેરિંગ, પેસ્ટ કંટ્રોલ અને
ક્લિનિંગ જેવી સર્વિસ
આપતી મોટી કંપનીઓને રોજના ૨૦૦-૩૦૦ ઓર્ડર મળે
છે. આ કંપનીઓ હવે બેથી ત્રણ જ મહિનામાં રોજના એકાદ હજાર ઓર્ડર મળે એ માટે માર્કેટ ખોજી રહી છે. આ સર્વિસ ઇન્ડસ્ટ્રીમાંથી
ભવિષ્યમાં લાખો-કરોડો ડૉલર મળશે એવી આશાએ ઓનલાઇન વેબસાઇટ્સ પણ હોમ
સર્વિસમાં ઝંપલાવવા થનગની રહી છે. ઓનલાઈન શોપિંગની માર્કેટ કિંગ ગણાતી એમેઝોને પણ
અમેરિકાના અનેક શહેરોમાં હોમ સર્વિસ બિઝનેસમાં ઝંપલાવ્યું છે. એક અંદાજ પ્રમાણે,
ભારતમાં હોમ સર્વિસનું બજાર ૧૫ અબજ ડોલરનું છે. આ શક્યતાઓ જોતા
એમેઝોન જેવી કંપનીઓ ભારતમાં હોમ સર્વિસ ક્ષેત્રે ના ઝંપલાવે તો જ નવાઈ!
અમુક માર્કેટ રિસર્ચ
પ્રમાણે, ભારતના ૧૮ મોટા શહેરોના આશરે
પાંચ હજાર ઘરોમાં રોજેરોજ પ્લમ્બરિંગ, સુથારી કામ અને
ઈલેક્ટ્રિકલ સર્વિસની જરૂર પડે છે. જો આ દરેક ઘરમાંથી ફક્ત રૂ. ૫૦૦ની કમાણી કરવા મળે તો
પણ કંપની રોજનો રૂ.
૨૫ લાખનો વકરો કરી શકે. આ
ઉપરાંત ભારતના બધા જ શહેરોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે અને તેથી હોમ
સર્વિસને તેની પણ મદદ મળી રહે એમ છે. આઈઆઈટી અને આઈઆઈએમના વિદ્યાર્થીઓ પણ પોતાની
તગડા પગારવાળી નોકરીઓ છોડીને હોમ સર્વિસ સ્ટાર્ટ-અપમાં કૂદી રહ્યા છે. જેમ કે,
અર્બન ક્લેપ કંપની શરૂ કરનારા વરુણ ખેતાન,
રાઘવ ચંદ્રા અને અભિરાજ ભાલ જેવા આઈઆઈટી-આઈઆઈએમના વિદ્યાર્થીઓનો
પગાર આઠ આંકડામાં હતો, પરંતુ આ ત્રણેય યુવાનોએ અર્બન ક્લેપ કંપની શરૂ કરી. આ કંપની હોમ
ડેકોરેશનથી લઈને લગ્નની ફોટોગ્રાફી અને બાળકોના જન્મ દિવસની ઉજવણીનું આયોજન કરવા
સુધીની સર્વિસ આપે
છે.
એવી જ રીતે,
સરથ વત્સ બેંગલુરુ ગયા ત્યારે તેમણે જોયું કે, આટલા મોટા શહેરમાં પ્લબમ્બર અને સુથારી કામ માટે માણસો શોધવા અઘરા પડે છે.
આ વિચારમાંથી જ 'જેક ઓન ધ બ્લોક' કંપનીની શરૂઆત થઈ હતી. પશ્ચિમી દેશોમાં
બે દાયકા પહેલાં આ પ્રકારની સેવા આપતી કંપનીઓની શરૂઆત થઈ ગઈ હતી. વિશ્વમાં સૌથી વધારે યુવાનો ભારતમાં છે અને એટલે
જ લગ્નો પણ ભારતમાં જ સૌથી વધારે થાય છે. આ સંજોગોમાં દેશમાં વર્કિંગ કપલની સંખ્યા
પણ સતત વધી રહી છે. અન્ય શહેરોમાં નોકરી કરવા સ્થાયી થયેલા વર્કિંગ કપલ પાસે સમયનો
સતત અભાવ હોય છે. આવા કપલ અવિશ્વસનિય લોકો ઘરમાં આવે એવું નથી ઈચ્છતા,
પરંતુ હોમ સર્વિસ આપતી કંપનીઓ સુરક્ષાની ખાતરી આપતી હોવાથી તેઓ થોડા
વધુ પૈસા ખર્ચતા ખચકાતા નથી. હોમ સર્વિસ કંપનીઓ દાવો કરતી હોય છે કે, તેઓ પોલીસ વેરિફિકેશન પછી જ માણસોની ભરતી કરે છે. આ ઉપરાંત કંપનીમાં તેમને
બેઝિક એટિકેટ અને અંગ્રેજી બોલવાની પણ તાલીમ અપાય છે.
જોકે,
હોમ સર્વિસમાં નકલબાજી કરીને ધંધામાં આવનારા ઊંધે માથે પછડાયાના પણ
દાખલા છે. ઈન્ટરનેટના જમાનામાં નકલબાજીની નહીં,
આઈડિયાઝ અને સ્મૂથ ઇમ્પિમેન્ટેશનની બોલબાલા છે. આઈડિયાઝ
ચંગા તો ખિસ્સેમેં ધંધા. અત્યાર
સુધી ભારતમાં ઇન્ટરનેટ સ્પિડના પ્રશ્નો હતા અને સ્માર્ટફોનનો સ્માર્ટ ઉપયોગ થતો
નહોતો, પરંતુ હવે સમય બદલાઇ રહ્યો છે. હવે પછીના નિયો-ઇન્ટરનેટ યુગમાં મેન્યુફેક્ચરિંગની સાથે સર્વિસ ઈન્ડસ્ટ્રીનું
ભવિષ્ય પણ ઉજ્જવળ છે.
ન્યાં કણે તો હમજ્યા - પેટની પીડાના સ્પેશિયાલિસ્ટ!
ReplyDeleteહા! ગાય કૂતરાને રોટલી નાંખનાર સમાજમાં પરિવર્તનની હવા !!!
મૂળે તો આ હંધીય પેટની જ પીડા ને !
Deleteતમારા આ ખાંખાખોળા બહ ગમ્યા !
ReplyDeleteયૂનિક સર્વિસનું બજાર ગજબ વિસ્તરી રહ્યું છે.
ReplyDelete