23 August, 2017

મુલ્ક કે દુશ્મન કહેલાતે હૈ, જબ હમ કરતે હૈ ફરિયાદ


૨૫ મી માર્ચ, ૧૯૬૯થી ૨૦મી ડિસેમ્બર ૧૯૬૯. આ સમયગાળામાં પાકિસ્તાનમાં યાહ્યા ખાનનું ખૌફનાક લશ્કરી શાસન હતું. આ ગાળામાં એક દિવસ રાવલપિંડીના મરી નામના સુંદર હિલ સ્ટેશન પર ભવ્ય મુશાયરાનું આયોજન કરાયું હતું. પાકિસ્તાનના દિગ્ગજ કવિઓ, શાયરો અને ગઝલકારો પોતાની રચનાઓ સાંભળવા ખાસ રાવલપિંડી આવ્યા હતા. રાવલપિંડી એટલે પાકિસ્તાની લશ્કર અને આઈએસઆઈનું વડું મથક. રાવલપિંડીની હવામાં લશ્કરી બેન્ડની ડણક ગૂંજી રહી હતી. મુશાયરાના સ્ટેજની પાછળ કોઈ સર્જકની નહીં પણ યાહ્યા ખાનની તસવીર લગાવાઈ હતી. યાહ્યા ખાનના શાસનમાં અખબારોએ શું છાપવું, લેખકોએ શું લખવું, કોલમકારોએ પ્રજાને કેવી રીતે ભરમાવવા અને કવિઓએ કેવી કવિતા કરવી, એ બધું જ પાકિસ્તાની લશ્કર નક્કી કરતું.

મુશાયરામાં એક યુવાન કવિ પણ હાજર હતો. એ કવિ સ્ટેજ પર આવ્યો એ પહેલાં અનેક શાયરો-ગઝલકારો પોતાની રચનાઓ રજૂ કરીને વાહવાહી મેળવી ચૂક્યા હતા. લશ્કરી અધિકારીઓના ઈશારે એ યુવા કવિને કવિતા સંભળાવવા સૌથી છેલ્લે થોડો ઘણો સમય અપાયો હતો. મુશાયરો હોવા છતાં ગજબની શાંતિ હતી, વાતાવરણ ભારેખમ હતું. જાણે યાહ્યાખાનના ખૌફથી પાંદડું પણ હલતું ન હતું. જોકે, પેલા મસ્ત કવિએ તો સ્ટેજ પર યાહ્યા ખાનની તસવીર સામે ખુમારીભરી નજર નાંખીને થોડા ઘોઘરા અને જિંદાદિલ અવાજમાં એક શેર લલકાર્યો.     

હબીબ જાલિબ

તુમસે પહેલે વો જો શખ્સ યહાં તખ્ત નશીં થા
ઉસે ભી અપના ખુદા હોને કા ઇતના હી યકીં થા
કોઈ ઠહરા હો જો કિ લોગો કો બતાઓ
વો કહાં હૈ, કે જિન્હે નાઝ અપને તઇં થા.     

આ શેર લલકારનાર કવિ એટલે જીવનભર લશ્કરી શાસનનો વિરોધ કરીને લોકશાહીનું સમર્થન કરનારા હબીબ જાલિબ. આ શેરની પહેલી લીટી તો સમજાય એવી છે, પણ બીજી લીટીમાં જાલિબ કહે છે કે, એવો કયો સરમુખત્યાર છે જે લાંબો સમય ટક્યો છે. હોય તો કહો. જેમને પોતાના પર નાઝ હતા એ બધા ખોવાઈ ગયા, જોઈ લો. યાહ્યા ખાનની તસવીર ધરાવતા સ્ટેજ પરથી ગોફણની જેમ વછૂટેલો આ શેર ગૂંજતા જ લશ્કરના ચાંપલૂસ કવિઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો અને સ્વાભાવિક રીતે જ 'મુશાયરો પૂરો થઈ ગયો છે' એવું જાહેર કરી દેવાયું. કોઈ દોઢડાહ્યા કવિએ જાલિબને કહ્યું પણ ખરું કે, યે સબ કહેને કા યે મૌકા નહીં થા. ત્યારે જાલિબે જવાબ આપ્યો કે, મેં મૌકાપરસ્ત (તકવાદી) નહીં હું.

જાલિબે પાકિસ્તાનના અત્યંત મજબૂત લશ્કરી શાસકોના દૌરમાં કલમથી ક્રાંતિની ચિનગારી જીવિત રાખી હતી. જાલિબ જે કંઈ લખતા તે સામાન્ય લોકોના હોઠ પર રમવા લાગતું. એટલે જ મૂરીના મુશાયરામાં યાહ્યા ખાનની ટીમે જાલિબને દિલાવર ફિગારની કવિતાઓ પૂરી થઈ જાય એ પછી બોલવાની તક અપાઈ હતી. ફિગાર પાકિસ્તાનના અત્યંત લોકપ્રિય ઉર્દૂ કવિ અને હાસ્યકાર હતા. લશ્કરી અધિકારીઓને એમ હતું કે, ફિગાર કાવ્યપઠન કરીને જબરદસ્ત જમાવટ કરી દેશે એ પછી જાલિબની કવિતાઓમાં કોઈને રસ નહીં પડે. વળી, અયુબ ખાનના શાસનમાં જાલિબ સીધાદોર થઈ જ ગયા છે, એટલે વાંધો નથી. હવે તેઓ ગમે તેવી કવિતાઓ લલકારે તો પણ કશું જોખમ નથી. જોકે, જાલિબે આ બધી ધારણા ખોટી પાડી.

યાહ્યા ખાનની ટીમના આ અનુમાનો પાછળ કેટલાક કારણો જવાબદાર હતા. વાત એમ હતી કે, મૂરીના મુશાયરામાં જાલિબને આશરે દસ વર્ષ પછી કાવ્યપઠનની તક મળી હતી. પાકિસ્તાનમાં યાહ્યા ખાને ફક્ત ત્રણ વર્ષ રાજ કર્યું, પરંતુ એ પહેલાં ૧૯૫૮થી ૧૯૬૯ દરમિયાન જનરલ અયુબ ખાન પાકિસ્તાનમાં જુલમી શાસન કરી ચૂક્યા હતા. અયુબ ખાને દસ વર્ષના શાસનમાં જાલિબને વારંવાર જેલમાં ધકેલીને ખૂબ જ પજવ્યા હતા. આટલું ઓછું હોય તેમ અયુબ ખાને જાલિબ પર દસ વર્ષનો પ્રતિબંધ પણ ફરમાવ્યો હતો. એટલે યાહ્યા ખાનનું શાસન શરૂ થયું ત્યાં સુધી તો મોટા ભાગના લેખકો-કવિઓ લશ્કરી શાસનની દેખરેખ હેઠળ સર્જન કરવા ટેવાઈ ગયા હતા. એ બધા જ સર્જકો સમજી-વિચારીને લખતા, બોલતા અથવા ચૂપ રહેતા.



જોકે, જાલિબે તો દસ વર્ષના પ્રતિબંધ પછીયે એ જ જૂના અંદાજમાં ક્રાંતિકારી કવિતાઓ લલકારતા હતા. યાહ્યા ખાન પહેલાં જાલિબની આગઝરતી કલમનો સૌથી વધુ લાભ અયુબ ખાનને મળ્યો હતો. ભારત-પાકિસ્તાનના ભાગલાને એકાદ દાયકા જેટલો સમય થયો હતો ત્યાં ઓક્ટોબર ૧૯૫૮માં અયુબ ખાને પાકિસ્તાનનું સુકાન સંભાળ્યું. લશ્કરી અધિકારીમાંથી રાજકારણી બનેલા અયુબ ખાને જાહેર કર્યું કે, પાકિસ્તાનની પ્રજા લોકશાહી માટે પરિપક્વ નથી એટલે આપણે કાર્યવાહક પ્રમુખ ચૂંટી લેવા જોઈએ. કહેવાની જરૂર નથી કે, અયુબ ખાન લશ્કરી શાસનને સુંદર કપડાં પહેરાવીને લોકશાહીનું ગળું ઘોંટવાની તૈયારી કરી રહ્યા હતા. અને હા, અયુબ ખાન એટલે પાકિસ્તાનના પહેલા મિલિટરી શાસક, ફાઈવ સ્ટાર રેન્ક આર્મી જનરલ અને ફિલ્ડ માર્શલનું બિરુદ મેળવનારા પાકિસ્તાનના એકમાત્ર લશ્કરી અધિકારી. 

એ પછી અયુબ ખાને નવું લશ્કરી બંધારણ પણ જાહેર કર્યું. આ ઘટનાથી વ્યથિત થઈને જાલિબે 'દસ્તૂર' (બંધારણ) નામની મશહૂર નજમ (કવિતાનો અરબી પ્રકાર) લખી, જે પાકિસ્તાનના રાષ્ટ્રગીત જેટલી જ મશહૂર છે. વાંચો શરૂઆતના શબ્દો.

દીપ જિસકા મહલ્લાત હી મેં જલે,
ચંદ લોગો કિ ખુશિયો કો લેકર ચલે
વો જો સાયેં મેં હર મસલહત કે પલે
એસે દસ્તૂર કો સુબ્હે બેનૂર કો
મૈં નહીં માનતા, મૈ નહીં માનતા...

આ કવિતામાં જાલિબ ફક્ત મહેલોમાં દીવો પ્રગટાવવા આતુર શાસકો સામે બળાપો કાઢે છે. થોડા ઘણાં લોકોનું વિચારીને આગળ વધતા શાસકો સામે જાલિબને રોષ છે. તેઓ કહે છે કે, સ્વાર્થ અને અંગત હિતોના પડછાયામાં સુરક્ષિત છે એવા લોકોએ ઘડેલા બંધારણની અંધારી સવારને (સુબ્હે બેનૂર, નૂર વિનાની) હું નથી માનતો. આ શબ્દો પછીની કડીમાં જાલિબ અયુબ ખાનને સીધો પડકાર ફેંકે છે...

મૈં ભી ખાયફ નહીં તખ્ત એ દાર સે
મૈં ભી મન્સૂર હું કહ દો અગિયાર સે
ક્યૂં ડરાતે હો જિન્દો કિ દીવાર સે
જુલ્મ કિ બાત કો, જેહલ કિ રાત કો
મૈં નહીં માનતા, મૈં નહીં માનતા...



જાલિબ કહે છે કે, હું ફાંસીના ફંદાથી નથી ડરતો. બધા જ દુશ્મનોને કહી દો કે હું પણ વિજયી છું. મને જેલની દીવાલોથી કેમ ડરાવો છો. જુલમો સિતમથી કે અવગણનાઓના અંધકારને હું નથી માનતો... આ કવિતા આજેય પાકિસ્તાન-બાંગ્લાદેશના લોકશાહીના સમર્થકોનો અવાજ છે. પ્રજાને હિંમત અને દિશા આપવા શબ્દો ખૂટી જાય ત્યારે બૌદ્ધિકો પણ જાલિબની કવિતાઓ વાંચે છે. એક કવિ માટે આ નાનાસૂનો એવોર્ડ છે? 'દસ્તૂર' નજમમાં જાલિબે લીટીએ લીટીએ ચિનગારીઓ ગૂંથી છે. જાલિબ જાહેરમાં આ નજમ ગાતા ત્યારે લોકોના રૂંવાડા ઊભા થઈ જતા. જાલિબનો એ જિંદાદિલ અવાજ યૂ ટ્યૂબ પર સાંભળી શકાય છે.

સાહિત્યના નોબલ પુરસ્કાર માટે ચાર વાર નોમિનેટ થનારા  પાકિસ્તાનના ઉર્દૂ-પંજાબી કવિ ફૈઝ અહેમદ ફૈઝ કહેતા કે, પાકિસ્તાનનો એક જ કવિ છે, જે ખરેખર લોકોનો કવિ છે અને એ છે, હબીબ જાલિબ. 'મૈં નહીં માનતા' કવિતા લોક જીભે ચઢી ગઈ એના બીજા જ વર્ષે, ૧૯૫૯માં, પણ જાલિબે અયુબ ખાનને બરાબરના ઠમઠોર્યા હતા. અયુબ ખાનના રાજમાં પાકિસ્તાન રાઈટર્સ ગિલ્ડ પણ સત્તાની સાથે હતું અને જાલિબ જેવા થોડાઘણાં કવિઓ એકલા પડી ગયા હતા. આ દરમિયાન રાવલપિંડી રેડિયો પર એક મુશાયરો પ્રસારિત થયો. મુશાયરામાં મોટા ભાગના કવિઓએ ઈશ્ક-મહોબ્બતની વાતો કરી, પાકિસ્તાન સરકારના ભરપેટ વખાણ કર્યા અને પ્રજાને ઘેનમાં રાખવામાં સરમુખત્યાર સરકારને મદદ કરી. સાહિત્યકારોની આ નાપાક હરકતથી અયુબ ખાન ચૈનથી સૂઈ શકતા હતા. જોકે, આ મુશાયરામાં એક ભૂલ થઈ હતી. આયોજકોએ જાલિબને પણ બોલાવ્યા હતા.

જાલિબે તો લશ્કરની માર્ગદર્શિકાની ઐસીતૈસી કરીને અયુબ ખાનના હત્યાકાંડ, દહેશતના માહોલ અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યમાં નહીં માનતી સરકારના ધજિયા ઊડાવતો શેર રજૂ કર્યો.

કહીં ગેસ કા ધુંઆ હૈ, કહીં ગોલિયો કિ બારિશ
શબ-એ-અહદ-એ-કમનિગાહી તુજે કિસ તરહ સુનાએ

અયુબ ખાન અને યાહ્યા ખાન 

પહેલી લીટીમાં જાલિબ પાકિસ્તાનની સ્થિતિનો ચિતાર આપે છે અને પછી કહે છે કે, રાત્રિના અંધકારમાં કરેલા દૃઢ સંકલ્પો આ વક્રબુદ્ધિ ધરાવનારા લોકોને કેવી રીતે સંભળાવું... સ્વાભાવિક રીતે જ આ શેર પાકિસ્તાનની પ્રજાએ સાંભળી લીધા પછી અયુબ ખાનના લશ્કરના હોશકોશ ઊડી ગયા. રેડિયો સ્ટેશન ડિરેક્ટરને સજા થઈ અને જાલિબને પણ જેલમાં મોકલી દેવાયા. અયુબ ખાન હિંસાચાર છુપાવવા માટે મૂડીવાદના બહુ મોટા સમર્થક તરીકે ઊભરી રહ્યા હતા. આમ છતાં, લશ્કરી શાસનમાં મોંઘવારી કાબૂમાં આવતી ન હતી. પાકિસ્તાનનો આમ આદમી પરેશાન હતો અને પાંચ-પચીસ પરિવારો વધુ ધનવાન થઈ રહ્યા હતા. એટલે જાલિબે દેશના સદ્ર (સર્વોચ્ચ) વડા અયુબ ખાનને સંબોધીને ધારદાર વ્યંગ કર્યો. 

વાંચો એ ધારદાર વ્યંગબાણોની નાનકડી ઝલક... 


બીસ ઘરાને હૈ આબાદ
ઓર કરોડો હૈ નાશાદ
સદ્ર અય્યુબ જિંદાબાદ
આજ ભી હમ પર જારી હૈ
સદિયોં કે બેદાદ
સદ્ર અય્યુબ જિંદાબાદ

બીસ રૂપિયા મન આટા 
ઈસ પર ભી હૈ સન્નાટા
ગૌહર, સહગલ આદમજી
બને હૈ બિરલા ઔર ટાટા
મુલ્ક કે દુશ્મન કહેલાતે હૈ
જબ હમ કરતે હૈ ફરિયાદ
સદ્ર અય્યુબ જિંદાબાદ

કયો સરમુખત્યાર આવા વ્યંગ સહન કરી શકે? જાલિબ ફરી જેલમાં ધકેલાયા. રાજકારણીઓના એક હાંકોટાથી ડરી જતા પત્રકારો, કોલમકારો અને ફિલ્મકારો માટે જાલિબ પ્રેરણાનો ધસમસતો સ્રોત છે. શબ્દોની તાકાત શું હોઈ શકે એ જાલિબે સાબિત કરી બતાવ્યું હતું. કેટલાક લોકો નાનપણમાં પુસ્તકોમાં ભણાવાયેલી નૈતિકતા અને સિદ્ધાંતોને સાચા માની લે છે. કોઈ તેમને ગમે તેટલી 'પ્રેક્ટિકલબનવાની સલાહો આપે, પરંતુ તેમને ફર્ક નથી પડતો. સત્યનિષ્ઠા સામે મોત પણ આવી જાય તો આ પ્રકારના લોકો પીછેહટ નથી કરતા. જાલિબ તેમાંના એક હતા. જોકે, જાલિબે ફરી એકવાર જેલમાંથી બહાર આવીને જુલમની સત્તા સામે કવિતા લખી.

એ પછી શું થયું? વાંચો ૨૩મી ઓગસ્ટના અંકમાં.

નોંધઃ પહેલા વીડિયોમાં ખુદ જાલિબ ‘દસ્તૂર’ નજમ લલકારે છે, જ્યારે બીજા વીડિયોમાં પાકિસ્તાનના જાણીતા લાલ બેન્ડના ગાયક અમર રશીદ ‘દસ્તૂર’ લલકારી રહ્યા છે... આ લેખનો ભાગ-2.

2 comments:


  1. સંજોગો કેવા ? ૧૩મી સપ્ટેમ્બર ૧૯૬૯ ની વ્હેલી સવારે હું કરાંચી એર પોર્ટ પર આંટા મારતો હતો. અમારું એર ફ્રાન્સનું પ્લેન ત્યાં રોકાયું હતું અને કરાંચીના એરપોર્ટના ખૂબસુરત ગાર્ડનમાં હું ફર્યો હતો,

    ReplyDelete