23 August, 2017

લદાખ : યે દિલ માંગે નો મોર ટુરિસ્ટ્સ


લદાખ સર્ચ કરતા જ ગૂગલ ૦.૮૭ સેકન્ડમાં જ ૧.૩૦ કરોડ રિઝલ્ટ્સ બતાવે છે. આ બધા જ રિઝલ્ટ્સ લદાખ ટુર પેકેજ, બજેટ ટ્રાવેલ, લદાખ કેવી રીતે પહોંચવું, હોટેલ, સાઇટ સીઇંગ, ટ્રેકિંગ, ફોટોગ્રાફીબાઇક રાઇડિંગ, સાયકલિંગ અને ઈકો ટુરિઝમ વગેરેના લગતા છે. ભારત સરકારના પ્રવાસન મંત્રાલયે શરૂ કરેલા અભિયાનની ટેગ લાઇન છે, અતિથિ દેવો ભવ. પરંતુ જમ્મુ કાશ્મીરના ૮૬,૯૦૪ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા લદાખમાં વધુને વધુ અતિથિ વિનાશ નોંતરી શકે છે. હિમાચલ પ્રદેશમાં કુલુ, મનાલી અને સિમલા જેવા અત્યંત સુંદર સ્થળોએ બેજવાબદાર પ્રવાસીઓનો પ્રવાહ વધ્યો એ પછી તેના શું હાલ થયા એ આપણે જાણીએ છીએ. હિમાચલના અનેક સુંદર વિસ્તારોમાં જળ, જમીન અને વાયુ પ્રદૂષણે માઝા મૂકી છે. અનેક સ્થળે કચરો અને પ્લાસ્ટિકના ઢગ ખડકાય છે, પરંતુ તેનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ થતો નથી. મનાલીમાંથી વહેતી બિયાસ નદીના કાંઠે ઊભેલો પ્રવાસી ફેફસામાં ઊંડો શ્વાસ ભરી શકતો નથી કારણ કે, નદી કિનારાના વાતાવરણમાં માથું ફાટી જાય એવી દુર્ગંધના હવાઈ કિલ્લા બંધાયેલા છે.

કેન્દ્રિય પ્રવાસન મંત્રાલયે લદાખમાં પ્રવાસીઓ આકર્ષવા ૨૦૧૦માં અભિયાન શરૂ કર્યું હતું. કાગળ પર તો આ અભિયાનને બહુ મોટી સફળતા મળી છે, પણ જરા બીજી આંકડાકીય વિગતો પર પણ નજર કરીએ. લદાખમાં ૧૯૭૪માં વર્ષે માંડ ૫૨૭ પ્રવાસી આવ્યા હતા, જ્યારે સરકારી સ્ટાઈલના અભિયાન પછી ૨૦૧૬માં આ આંકડો બે લાખ, ૩૦ હજારને પાર થઈ ગયો છે. હવે લદાખમાં મોજશોખ કરીને પર્યાવરણનો કચ્ચરઘાણ કાઢતા પ્રવાસીઓ માટે બધી જ સુવિધા ઉપલબ્ધ છે. વર્ષ ૧૯૮૪માં આખા લદાખમાં માંડ ૨૪ હોટેલ હતી અને અત્યારે ૬૭૦ છે. આ ૬૭૦ હોટેલમાંથી આશરે ૬૦ ટકા હોટેલ એકલા લેહમાં જ છે. જેટલી વધારે હોટેલ્સ એટલા વધારે બાથરૂમ અને ટોઈલેટ. લદાખ જમીનથી ૯,૮૦૦ ફૂટની ઊંચાઈએ છે અને ત્યાં પાણીની જબરદસ્ત તંગી છે.




જોકે, પ્રવાસીઓ વધવાથી લદાખના લોકોને રોજગારી પણ મળી છે. આ કારણથી પ્રવાસન વિભાગ ખુશખુશાલ છે. જેમ કે, લેહમાં આશરે ૩૦ હજારની વસતી છે, જેમાંના ૭૫ ટકા લોકોને હોટેલ-ગેસ્ટ હાઉસમાંથી જ રોજીરોટી મળી જાય છે. આ લોકોએ પોતપોતાના મકાનો, જમીનો પર જ 'રૂ' આપવાનો ધંધો શરૂ કરી દીધો છે. આપણી મુશ્કેલી જ આ છે. દેશમાં ચારધામ યાત્રા કરનારા વધ્યા પછી કેદારનાથમાં પણ નદી કિનારાની જમીન પર આડેધડ બાંધકામો કરી દેવાયા હતા. સરકારને પણ આવક હતી તેથી કોઈ વાંધો લેતું ન હતું. એ પછી ઉત્તરાખંડમાં પૂર આવ્યું અને 'દેવભૂમિ'ના કેવા હાલ કર્યા એ આપણે જાણીએ છીએ. આ તાજા ઈતિહાસમાંથી પણ આપણે કોઈ બોધપાઠ લીધો નથી.

લદાખની મુશ્કેલી કેદારનાથથી થોડી અલગ છે પણ મૂળ પ્રશ્ન પ્રવાસનના કારણે પર્યાવરણ પર ભારણ વધી રહ્યું છે, એ જ છે. લદાખમાં પણ વગરવિચાર્યે કરેલા પ્રવાસીઓ આકર્ષવાના અભિયાનના કારણે બેજવાબદાર ધંધાદારીઓ ફૂટી નીકળ્યા છે. લોકોને તો રોજગારી જોઈએ, જે તેમણે આપમેળે મેળવી લીધી. સરકાર યોગ્ય દિશા-માર્ગ ચીંધવામાં નિષ્ફળ ગઈ. હવે શું? હવે જળ, જમીન અને વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. પાણીની જોરદાર અછત છે અને ખેતીના ભાગનું પાણી પણ પ્રવાસનના કારણે છૂ થઈ જાય છે. લદાખની હોટેલોના પાણીની જરૂરિયાત સંતોષવા જમીન નીચેનું પાણી ખેંચવામાં આવે છે, જેથી ભૂગર્ભ જળની સપાટી નીચી જઈ રહી છે. આઘાતજનક વાત એ છે કે, પર્યાવરણીય દૃષ્ટિએ સંવેદનશીલ ગણાતા લદાખ જેવા હિમાલયન વિસ્તારમાં હજુયે બોરવેલ ખોદવાના નીતિનિયમો લાગુ કરાયા નથી.

લદાખના ટૂર ઓપરેટરોએ આ મુશ્કેલીઓનો ઉપાય આપતા રજૂઆત કરી છે કે, જમ્મુ-કાશ્મીર સરકારે બધા જ પ્રવાસીઓ પાસેથી પર્યાવરણ વેરો ઉઘરાવવો જોઈએ! બોલો, છે ને સરકારી ઉપાય. આ ઉપાય અમલમાં મૂકાશે તો ખતરનાક સાબિત થશે કારણ કે, એકવાર સરકારને પર્યાવરણ વેરાની આવક મળશે તો ટૂર ઓપરેટરોના ગોરખધંધાને ઉની આંચ પણ નહીં આવે. તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ. દેશની આર્થિક, નાણાકીય, વિદેશ અને લશ્કરી નીતિની જેમ પ્રવાસન નીતિ પણ અત્યંત સમજણપૂર્વક તૈયાર થયેલી હોવી જોઈએ. આ નીતિમાં પર્યાવરણની સાથે સાંસ્કૃતિક અને સામાજિક પાસાંનો પણ વિચાર થયેલો હોવો જોઈએ.

જમ્મુ કાશ્મીરમાં આવેલું લદાખ આગવી સંસ્કૃતિ ધરાવે છે. આશરે એકાદ હજાર વર્ષથી લદાખ પર બૌદ્ધ પરંપરાનો પ્રભાવ રહ્યો છે. લદાખમાં પ્રાચીન સમયમાં બંધાયેલા બૌદ્ધ મઠ આવેલા છે. એટલે લદાખ સદીઓથી બૌદ્ધ શ્રદ્ધાળુઓને આકર્ષી રહ્યું છે. જોકે, ૧૯૭૦માં લદાખ સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાયું ત્યારથી ત્યાં સ્વની ખોજ માટે આવતા પ્રવાસીઓ કરતા 'વેફર ટુરિસ્ટ્સ'ની સંખ્યા વધી ગઈ. શરૂઆતમાં તો વાંધો ના આવ્યો, પરંતુ છેલ્લાં બે દાયકાથી લદાખના પર્યાવરણની ઘોર ખોદાવાની શરૂ થઈ.

લદાખ ઈકોલોજિકલ ડેવપલમેન્ટ ગ્રૂપના આંકડા પ્રમાણે, એક લદાખી રોજનું સરેરાશ ૨૧ લિટર પાણી વાપરે છે, જ્યારે એક પ્રવાસીને સરેરાશ ૭૫ લિટર પાણી જોઈએ છે. ટૂર ઓપરેટરોનું વલણ તો 'વર મરો, કન્યા મરો પણ મારું તરભાણું ભરો' પ્રકારનો છે. લદાખમાં આશરે બે લાખ, ૭૫ હજારની વસતી છે, જ્યારે અહીં વર્ષે માંડ દસ સેન્ટિમીટર વરસાદ પડે છે. વળી, લદાખનું મોટા ભાગનું વરસાદી પાણી બરફના સ્વરૂપમાં હોય છે. આમ છતાં, અત્યાર સુધી લદાખમાં પાણીની અછત ન હતી કારણ કે, અહીંના લોકો હજારો વર્ષ જૂની પદ્ધતિથી બનાવેલી નહેરોમાંથી પાણી મેળવી લેતા. આ નહેરો નાના-મોટા ગ્લેશિયરો સાથે જોડાયેલી હોય છે, જેનો બરફ પીગળે એટલે દરેક ઘરની પાણીની જરૂરિયાત સંતોષાઈ જાય. લદાખમાં આ નહેરો 'ટોકપો' તરીકે ઓળખાય છે.

કુદરત માણસજાતની જરૂરિયાત સંતોષી શકે છે, પરંતુ લાલચ નહીં. અત્યાર સુધી જે કામ આટલું સરળ હતું તે હવે ઘણું અઘરું થઈ ગયું છે. પ્રવાસીઓ વધ્યા પછી એકલા લેહને જ રોજનું ૩૦ લાખ લિટર પાણી જોઈએ છે. આ પાણી મુખ્યત્વે ત્રણ સ્રોતમાંથી મેળવાય છે. સીધેસીધુ સિંધુ નદીમાંથી, બોરવેલોમાંથી અને નાની નાની નહેરોમાંથી. આ નહેરોમાં નદીઓ કે ગ્લેશિયરોનું જ પાણી હોય છે. હજુ ડિસેમ્બર ૨૦૧૬ સુધી લેહની માંડ ૫૦ ટકા વસતીને સીધું નળ વાટે પાણી મળતું હતું. એ પણ દિવસના ફક્ત બે જ કલાક. હવે પ્રવાસન વધ્યું હોવાથી ૨૪ કલાક નળમાં જ પાણી અપાય એવી માગ થઈ રહી છે. એક સમયે લદાખના ખેડૂતોની જરૂરિયાત ગ્લેશિયરના પાણીથી પૂરી થઈ જતી હતી, પરંતુ હવે તેમને પણ પાણીના ફાંફા છે.

ક્લાઇમેટ ચેન્જના કારણે હિમાલય વિસ્તારોમાં ગ્લેશિયર પીગળવાનો સમય અને વહેણ બદલાઈ ગયા છે. દુર્ગમ સ્થળોએ આવેલા ગ્લેશિયરોનું પાણી ખૂબ જ ઝડપથી સિંધુ ખીણમાં વહી જાય છે. સોનમ વાંગચુક નામના ઈનોવેટર લદાખના પાણીની જરૂરિયાત સંતોષવા આઈસ સ્તૂપના આઈડિયા પર સફળતાપૂર્વક કામ શરૂ કર્યું છે. 'થ્રી ઈડિયટ્સ' ફિલ્મમાં ફૂનસૂક વાંગડુનું પાત્ર તેમના પરથી જ પ્રેરિત હતું. આઈસ સ્તૂપ કૃત્રિમ ગ્લેશિયર છે. શિયાળામાં બરફ પડે ત્યારે આ પ્રકારના કૃત્રિમ ગ્લેશિયર બનાવી દેવાય અને ઉનાળામાં પાઈપલાઈનની મદદથી તે ગ્લેશિયરનું પાણી જરૂર પડે ત્યાં લઈ જઈ શકાય. આ આઈડિયા માટે ડિસેમ્બર ૨૦૧૬માં સોનમ વાંગચુકને રોલેક્સ એવોર્ડ મળ્યો ત્યારે આ કોલમમાં આઈસ સ્તૂપ વિશે વિગતવાર લખ્યું હતું.

આ પ્રકારના કૃત્રિમ ગ્લેશિયરથી લદાખના અનેક વિસ્તારોમાં પાણીની જરૂરિયાત સંતોષી શકાય એમ છે, પરંતુ અઠવાડિયાના સાતેય દિવસ અને ૨૪ કલાક પાણીનો અવિરત પ્રવાહ આવતો હોય ત્યાં જ કૃત્રિમ ગ્લેશિયર બનાવી શકાય છે. આ તેની મર્યાદા છે. લદાખમાં પ્રવાસન અને પાણીનો પ્રશ્ન બીજી પણ એક દૃષ્ટિએ વિચારવા જેવો છે. ભારતીય સેનાનો આશરે એક લાખ અધિકારીઓ, જવાનોનો સ્ટાફ પણ લદાખમાં ફરજ બજાવી રહ્યો છે. ચીન અને પાકિસ્તાન બંને દેશની રીતે ભારત માટે લદાખ વ્યૂહાત્મક રીતે પણ મહત્ત્વનો વિસ્તાર છે. સરકારે ગમે તેવા વિપરિત સંજોગોમાં પણ ભારતીય સેનાની પાણીની જરૂરિયાત સંતોષવાની છે. કદાચ એટલે જ પર્યાવરણવિદો એક દાયકાથી લદાખના બેફામ પ્રવાસન મુદ્દે સરકારને ચેતવી રહ્યા છે.

પ્રવાસનમાં ફક્ત આંકડાકીય વિગતો પર નજર ના કરવાની હોય. પ્રવાસન પણ સસ્ટેઇનેબલ એટલે કે ટકાઉ હોવું જોઈએ. આગામી પેઢીઓ માટે પણ લદાખ જેવા સ્થળોની સુંદરતા જળવાઈ રહે એ આપણી ફરજ છે. હોટેલના નળમાંથી પાણી ટપકતું ના હોય કે હોટેલ સંચાલકો કચરો-ગટરનું પાણી સીધું નદીઓમાં ના ઠાલવતા હોય એ જવાબદારી સરકારની જેમ પ્રવાસીઓની પણ છે. આ કામમાં સરકારે નેચર ટ્રાવેલર્સની મદદ લેવા યોજના ઘડવી જોઈએ.

અફાટ કુદરતી સૌંદર્ય ધરાવતા લદાખમાં સરકારે પ્રવાસીઓના આંકડા કરતા એડવેન્ચર, નેચર અને ઈકો ટુરિઝમ પર વધુ ભાર મૂકવો જોઈએ. પહાડી વિસ્તારોમાં આવેલા સર્પાકાર રસ્તાના કારણે 'લેન્ડ ઓફ હાઈ પાસીસ' તરીકે ઓળખાતા લદાખમાં તો તેની ઉજ્જવળ તકો પણ રહેલી છે. દેશની સુરક્ષાની દૃષ્ટિએ પણ આ ડહાપણભર્યો નિર્ણય સાબિત થાય એમ છે!

2 comments:

  1. બહુ સાચો ચિતાર અઅપવા બદલ અઅભાર. તમારી કલમ પણ મસ્ત છે. દોસ્ત.

    ReplyDelete
    Replies
    1. Thank You Sir for always motivational words for greenhorn writer like me :)

      Delete