10 April, 2017

મેહેર બાબા, ગાંધીજી અને એક ખોવાયેલું પુસ્તક


મેહેર બાબાએ કરેલા એક મહાન પ્રયોગને સમજવાની દરકાર સુદ્ધા ના કરાઈ. તેમણે અતિ ઉન્માદી અને પાગલોને શોધવા આખા દેશમાં રઝળપાટ કરી હતી કારણ કે, એ લોકો ઈશ્વરની સૌથી વધારે નજીક હોય છે. પાગલોને ફક્ત તેમની સમજશક્તિને ફરી એકવાર ઝકઝોરી શકે એવા વ્યક્તિની જ જરૂર હોય છે. એ પછી તેઓ પણ ગુરુ બની શકે છે...

દરેક ગુરુએ એ કક્ષાએ પહોંચતા પહેલાં પાગલ બનવું પડે છે. તેણે જબરદસ્ત પાગલપનમાંથી પસાર થવું પડે છે. જોકે, દરેક પાગલો કંઈ ગુરુ નથી હોતા. જો પાગલ એક પાગલ તરીકે જ મૃત્યુ પામે તો એ પણ ચોક્કસ ઇશ્વરને મળે છે, પરંતુ બીજા લોકોને ઇશ્વર સુધી પહોંચવામાં મદદ નથી કરી શકતો...

જો કોઈ પાગલ પ્રબુદ્ધ માણસના શરણે હોય તો તે કહેવાતા ડાહ્યા માણસ કરતા વધારે ઝડપથી આત્મજ્ઞાન ઝડપથી મેળવી શકે છે. આ પૂર્વની પરંપરા છે, જેને એક વ્યક્તિએ પુન: જીવિત કરી અને એ વ્યક્તિ એટલે મેહેર બાબા...

આ ખૂબ જ વિચિત્ર દુનિયા છે. અહીં મહાન કામની કદર ના પણ થાય! કોઈને મેહેર બાબાના કામથી હેરાની જ ના થઈ. મધર ટેરેસાને નોબેલ પુરસ્કાર મળ્યો કારણ કે તેમણે ગરીબ અને અનાથ બાળકોની સેવા કરી, પરંતુ કોઈએ મેહેર બાબાને નોબેલ પુરસ્કાર આપવાનું ના વિચાર્યું, જેમણે ખરેખર મહાન કામ કર્યું હતું. આવી વ્યક્તિઓ સદીઓમાં એક પાકતી હોય છે...

***  

મેહેર બાબા વિશે આ અભિપ્રાયો ક્રાંતિકારી વિચારક ઓશો રજનીશે આપ્યા હતા. ઓશો અનેક પ્રવચનોમાં પોતાના અનુયાયીઓને મેહેર બાબાએ કરેલા આધ્યાત્મિક પ્રયોગો કેટલા મૂલ્યવાન છે એ સમજાવતા. મેહેર બાબા આઝાદીની લડતના કાળમાં થઈ ગયેલા ગૂઢ રહસ્યવાદી પરંપરાના આધ્યાત્મિક ગુરુ હતા. ૭૪ વર્ષના આયુષ્યમાં મેહેર બાબાએ ચાર દાયકાથી પણ વધુ સમય સુધી મૌન પાળ્યું હતું. મેહેર બાબા વિશે ભારતીયો ઘણી ઓછી જાણકારી ધરાવે છે, પરંતુ એક સમયે અમેરિકા-યુરોપની હાઈ સોસાયટી તેમજ કંઈક અંશે પાગલપનમાં જીવન વ્યતિત કરતા પોપ સિંગર, રોક સ્ટાર, મ્યુઝિશિયન અને હોલિવૂડ સ્ટાર્સમાં તેમણે પ્રચંડ લોકપ્રિયતા મેળવી હતી. જોકે ભારતમાં મેહેર બાબાનું જીવન, તેમણે કરેલા આધ્યાત્મિક પ્રયોગો અને ગૂઢ આધ્યાત્મિક વિચારોની ઐતિહાસિક દૃષ્ટિએ પણ મૂલવણી નથી થઈ, જે આપણી ઈતિહાસ પ્રત્યેની ઘોર ઉદાસીનતા દર્શાવે છે.

૧૯ વર્ષની વયે જ આધ્યાત્મિક અનુભૂતિ

આજેય ભારતમાં ગુજરાત સહિત અમેરિકા, યુરોપના અનેક દેશો, ઓસ્ટ્રેલિયા, રશિયા, ચીન, જાપાન, કોરિયા, ઈઝરાયેલ અને ઈરાન જેવા દેશોમાં પણ મેહેર બાબાના અનુયાયીઓ છે. ગુજરાતી ભાષામાં પણ મેહેર બાબાની પ્રાર્થનાઓ છે. મેહેર બાબાના અનુયાયીઓ દૃઢપણે માને છે કે, મેહેર બાબાને પૃથ્વી પર પાંચ અવતારી પુરુષોએ મોકલ્યા હતા. આ પાંચ 'અવતાર' એટલે ૧. પૂણેના હજરત બાબાજાન ૨. શિરડીના સાંઇ બાબા ૩. સાકોરીના ઉપાસની મહારાજ ૪. નાગપુરના હઝરત તાજુદ્દીન બાબા અને ૫. કેડગાંવના નારાયણ મહારાજ. ગીતામાં કહેવાયું છે કે, યદા યદા હિ ધર્મસ્ય, ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્. આ કારણસર એવી માન્યતા અસ્તિત્વમાં આવી છે કે, સમયાંતરે ભારતભૂમિ પર ખુદ ઈશ્વર અવતાર ધારણ કરીને આવે છે. એ થિયરી પ્રમાણે મેહેર બાબાના અનુયાયીઓ તેમને આવા જ એક અવતારી પુરુષ ગણે છે.

મેહેર બાબા, ચાર અવતારી પુરુષ અને બાબાના અંતિમ દર્શન

૨૫મી ફેબ્રુઆરી, ૧૮૯૪ના રોજ પૂણેના પારસી પરિવારમાં જન્મેલા મેહેર બાબાનું મૂળ નામ હતું, મેરવાન શેરિયાર ઇરાની. ૧૯ વર્ષની વયે જ આધ્યાત્મિક અનુભૂતિ થતા મેરવાન સળંગ સાત વર્ષ દેશભરમાં રઝળપાટ કરીને ઉપરોક્ત પાંચેય અવતારી પુરુષો, સંતો અને ફકીરોને મળ્યા. મેરવાનના એ વર્ષો 'બુદ્ધત્વ'ની પ્રાપ્તિ સાથે સરખાવાય છે. એ પછી તેમણે મેહેર બાબા નામ ધારણ કરીને ૨૭ વર્ષની ઉંમરે પોતાને અવતારી પુરુષ જાહેર કર્યા. ૧૦મી જુલાઈ, ૧૯૨૫ના રોજ મેહેર બાબાએ મૌન પાળવાનું શરૂ કર્યું, જે ૩૧મી જાન્યુઆરી, ૧૯૬૯ના રોજ તેમના મૃત્યુ સુધી ચાલ્યું. મૌન કાળમાં તેઓ આલ્ફાબેટ બોર્ડ અને ખાસ પ્રકારના હાવભાવથી સંવાદ કરતા.

મેહેર બાબા અને ગાંધીજીની મુલાકાત

વર્ષ ૧૯૩૧માં મેહેર બાબા એસ.એસ. રજપૂતાના સ્ટીમરમાં બેસીને પહેલીવાર પશ્ચિમી દેશોના પ્રવાસે નીકળ્યા. એ જ વહાણમાં ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન જઈ રહ્યા હતા. આ દરમિયાન મેહેર બાબા અને ગાંધીજીની એકથી વધુ વખત મુલાકાત થઈ. તેઓની સૌથી પહેલી મુલાકાત વિશે 'મહાદેવભાઈની ડાયરી' અને 'મેહેર બાબાનું જીવનચરિત્ર' પુસ્તકોમાં ઉલ્લેખ મળે છે. 'મહાદેવભાઈની ડાયરી'માંથી જાણવા મળે છે કે, જમશેદ મહેતાએ ગાંધીજીને તાર કરીને મેહેર બાબાને ખાસ મળવાનું સૂચન કર્યું હતું. (જમશેદ મહેતા કરાચીસ્થિત ગાંધીજીના સાથીદાર હતા. તેઓ કરાચીના પહેલા ચૂંટાયેલા મેયર હતા. અત્યારે પણ પાકિસ્તાનમાં તેઓ 'મેકર ઓફ મોડર્ન કરાચી' તરીકે જાણીતા છે.) આ સૂચનને પગલે આઠમી સપ્ટેમ્બર, ૧૯૩૧ના રોજ મહાદેવ દેસાઈ ગાંધીજીને મેહેર બાબાની કેબિન પર મળવા લઈ ગયા. એ વખતે પણ બાબાએ ગાંધીજી સાથે મૂળાક્ષરવાળા પાટિયા પર આંગળી મૂકીને વાતો કરી. ગાંધીજી અને મેહેર બાબા વચ્ચે શું વાત થઈ, એ વિશે વાંચો મહાદેવભાઈના જ શબ્દોમાં.

એસ.એસ. રજપૂતાના સ્ટીમરના સનડેક પર આરામની મુદ્રામાં ગાંધીજી 

''... એમણે બાપુની સત્યની ભક્તિ વિશે બહુ વખાણ કર્યા. તમે તમારી દેશસેવામાં પણ ભગવાન જોવા ઈચ્છો છો એ વિશે શંકા નથી, એમ જણાવ્યું. પણ સલાહ એ આપી કે, તમે જવાબદારી ના લો તો સારું. ગરીબના દુ:ખની પણ જવાબદારી તમારે ન લેવી.''

બાપુ : લઉં છું અને નથી લેતો. ન લઉં તો પાખંડી ગણાઉં.

બાબા : પણ તમને પાખંડનો શેનો ડર હોય?

બાપુ : પણ જગતને માટે તો, મારે, મને, પાખંડી ગણવાનો અધિકાર હોવો જ જોઈએ. બાકી મારા મન સાથે તો ભગવાન સાથે લડી લઉં છું કે, 'ભગવાન તુ જાણે, ગાળો પડે તે પણ તારા ઉપર, અને વખાણ થાય તે પણ તારા.'

બાબા : બરોબર છે. મારી ભલામણ છે કે વિલાયતથી આવીને કામ કરવાનું છોડી એકાંતમાં બેસી જાઓ.  અને એકાંત લો ત્યારે મારે ત્યાં આવજો.

બાપુ : એવો સમય આવશે તો જરૂર આવીશ. એ સમય આવે ત્યારે બોલવાની જરૂર ન પડે, આવી રીતે ઈશારા કરવાની કે મૂળાક્ષરની પાટી ઊભી કરી તેના આંકડા બતાવવાની પણ જરૂર ન રહે. એકાંતમાં બેસી જવાની સ્થિતિ આપોઆપ આવી જશે. ઈશ્વર જ એ માર્ગ સુઝાડશે, જેમ હંમેશા માર્ગ સુઝાડયા કીધો છે. તો પછી જ્યાં હોઉં ત્યાં હું નાચીશ...

ગાંધીજીને વાંચવા અપાયેલું એ પુસ્તક

મેહેર બાબા અને ગાંધીજીની પહેલી મુલાકાત દરમિયાન બીજી પણ એક મહત્ત્વની ઘટના બની. બાબાએ ગાંધીજીને એક પુસ્તક વાંચવા આપ્યું, જે તેમણે મહારાષ્ટ્રના અહેમદનગર નજીક સ્થાપેલા આશ્રમમાં ૧૯૨૫-૨૬ દરમિયાન લખ્યું હતું. ઓક્ટોબર ૧૯૨૫માં મેહેર બાબાએ તેમના અનુયાયીઓને ચાર ફૂટ પહોળું અને સાત ફૂટ લાંબુ એક ટેબલ બનાવવાનું કહ્યું. આ ટેબલને બાબા 'ટેબલ કેબિન' કહેતા. આ ટેબલ કેબિનમાં એક વર્ષ સુધી બેસીને બાબાએ એ પુસ્તક લખ્યું હતું. વર્ષ ૧૯૨૭માં તેમણે જાહેરાત કરી કે, આ પુસ્તક ભવિષ્યમાં વેદ, અવેસ્તા, બાઇબલ અને કુરાનની જેમ વિશ્વભરમાં ઓળખાશે, જેનો દરેક ધર્મ-જાતિના લોકો સ્વીકાર કરશે. આ મહાન કામ પૂરું થઈ ગયા પછી હું લખવાનું બંધ કરી દઈશ...

મેહેરાબાદનું એ ટેબલ કેબિન, જેમાં બેસીને બાબાએ એ પુસ્તક લખ્યું હતું

મેહેર બાબાની સાથે રહેતા અંગત અનુયાયીઓની ટુકડીને આ પુસ્તક વાંચવાની પરવાનગી હતી. આ ટુકડીને તેઓ 'મંડળી' કહેતા. એસ.એસ. રજપૂતાના સ્ટીમરમાં ઇંગ્લેન્ડ જતી વખતે મેહેર બાબા કાળા રંગની પેટીમાં મૂકીને આ પુસ્તક સાથે લઇ ગયા હતા. 'મહાદેવભાઈની ડાયરી'માં નોંધ છે કે, મેહેર બાબાએ ગાંધીજીને એ પુસ્તક સાથેની પેટી આપી હતી, પરંતુ એની ચાવી ખોવાઈ ગઈ હતી. તેથી ગાંધીજીએ એ પેટી તોડાવીને પુસ્તક વાંચવાની બાબાને ખાતરી આપી. મેહેર બાબાના અનુયાયીઓનું કહેવું છે કે, બાબાએ ગાંધીજી સિવાય કોઈને એ પુસ્તક વાંચવા આપ્યું ન હતું. એ પુસ્તકમાં ગાંધીજીના વિવિધ સવાલો, શંકાઓનું સમાધાન હતું.

ઇંગ્લેન્ડમાં થોડો સમય વીતાવ્યા પછી મેહેર બાબા ૨૦મી મે, ૧૯૩૨ના રોજ પહેલીવાર અમેરિકા ગયા ત્યારે પણ એ પુસ્તક સાથે જ લઈ ગયા હતા. એનો અર્થ એ કે, ગાંધીજીએ એ પુસ્તક પાછું આપી દીધું હતું.

અને પુસ્તક અચાનક ગાયબ થઈ ગયું

અમેરિકાથી ભારત પરત ફર્યા પછી મેહેર બાબાએ એ પુસ્તક મુંબઈની એક બેંકના લોકરમાં મૂકાવી દીધું, જ્યાં તે સળંગ ૨૧ વર્ષ સુધી રખાયું. આ દરમિયાન બાબાએ રામજૂ અબ્દુલ્લા નામના એક અનુયાયીને એ પુસ્તક બેંકમાંથી પાછું લઈ આવવા કહ્યું. એ પછી પુસ્તક આશ્રમમાં આવ્યું ય ખરું, પણ ૧૯૫૮માં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું. મેહેર બાબાના મૃત્યુના છ દિવસ પહેલાં, ૨૫મી જાન્યુઆરી ૧૯૬૯ના રોજ એરચ જેસ્સાવાલાએ બાબાને એ પુસ્તક ક્યાં છે એ વિશે સવાલ પૂછ્યો હતો, જેના જવાબમાં બાબાએ કહ્યું હતું કે, ''એ સારા હાથમાં છે.'' જેસ્સાવાલા નવ વર્ષની ઉંમરથી જ બાબાની મંડળીમાં જોડાઈ ગયા હતા. બાબાએ મૌન લઈને ઈશારાથી વાત કરવાનું ચાલુ કર્યા પછી જેસ્સાવાલા તેમના દુભાષિયા તરીકે કામ કરતા હતા. 


ઇન્ફિનિટ ઇન્ટેલિજન્સ અને ઇન ગોડ્સ હેન્ડ પુસ્તકો

બાબાના મૃત્યુના થોડા દિવસ પછી, ૧૯૬૯માં, મેહેરાબાદ આશ્રમના એક રૂમમાંથી ૨૫૫ પાનાંનું હાથથી લખાયેલું પુસ્તક મળ્યું, પરંતુ એ બાબાના અક્ષરો ન હતા. આ ઘટનાના વર્ષો પછી, ૧૯૯૮માં, મેહેર બાબાના અક્ષરોમાં લખાયેલું ૩૯ પાનાનું એક નાનકડું પુસ્તક મળી આવ્યું. આશ્ચર્યની વાત એ છે કે, એ પુસ્તક અને ૧૯૬૯માં મળેલા ૨૫૫ પાનાના પુસ્તકમાં ઘણી સમાનતા હતા. એટલે એવું પણ મનાયું કે, કોઈએ બાબાએ લખેલા પુસ્તકનું વિસ્તૃત સમજૂતી આપીને સારા અક્ષરોમાં લખવાનો પ્રયાસ કર્યો હશે! શેરિયાર પ્રેસ દ્વારા વર્ષ ૨૦૦૦માં એ ૩૯ પાનાના પુસ્તકનું 'ઈન ગોડ્સ હેન્ડ' નામે અને ૧૯૬૯માં મળેલા ૨૫૫ પાનાના પુસ્તકનું 'ઇન્ફિનિટ ઇન્ટેલિજન્સ' નામે પ્રકાશન કરાયું હતું.

***

આજેય કોઈ ખાતરીપૂર્વક કહી શકે એમ નથી કે, મેહેર બાબાએ ટેબલ નીચે બેસીને લખ્યું હતું એ પુસ્તક એટલે પેલું ૩૯ પાનાનું પુસ્તક. જો એવું હોય તો કહી શકાય કે, મેહેર બાબાએ ગાંધીજીને વાંચવા આપ્યું હતું એ પુસ્તક 'ઈન ગોડ્સ હેન્ડ'ની હસ્તપ્રત જ હતી. ખેર, એવા કોઈ જ પુરાવા નહીં હોવાથી આ પુસ્તક આજેય 'ખોવાયેલું' જ ગણાય છે.

આ રહસ્યમય ઘટના સાથે સંકળાયેલા અનેક સવાલો ઇતિહાસમાં જ દફન થઈ ગયા છે. જેમ કે, મેહેર બાબાએ લખેલા ૩૯ પાનાના પુસ્તકની સમજૂતી આપવાનો પ્રયાસ કોણે કર્યો હતો? ગાંધીજીએ કાળા રંગની પેટી તોડાવીને એ પુસ્તક વાંચવાની મેહેર બાબાને ખાતરી આપી, પરંતુ એ પછી ગાંધીજીએ એવું કર્યું હતું ખરું? એસ.એસ. રજપૂતાના સ્ટીમર પર ગાંધીજી અને મેહેર બાબા એકથી વધુ વખત મળ્યા હતા, ત્યારે તેઓ બંને વચ્ચે એ પુસ્તક વિશે વાત થઈ હતી?

ગાંધી સાહિત્ય કે મેહેર બાબા વિશે લખાયેલા સાહિત્યમાં આ અંગે કોઈ જ ઠોસ જાણકારી મળતી નથી!

5 comments:

  1. યુનિક આર્ટિકલ.. ભાગ્યે જ બહાર આવેલી વિગતો... એક્સક્લુસીવ માહિતી..

    ReplyDelete
  2. Vishalji...I wish to contact you....how did u get this information? Very few know about Meher Baba in Gujarat...

    ReplyDelete
    Replies
    1. Yeah. you can contact on vishnubharatiya@gmail.com

      Delete