23 April, 2017

મેહેર બાબા : ઓસ્કરથી ગ્રેમી એવોર્ડ વિજેતાઓ સુધી


આ કોલમમાં પાંચમી એપ્રિલે મેહેર બાબાએ ગાંધીજીને વાંચવા આપેલું પુસ્તક રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું છે અને હજુ સુધી મળ્યું નથી એ વિશે વાત થઈ. હવે મેહેર બાબા વૈશ્વિક સ્તરે પ્રચંડ લોકપ્રિયતા કેવી રીતે પામ્યા એ વિશે વાત કરીએ.

૧૧મી સપ્ટેમ્બર, ૧૯૩૧ના રોજ સવારે આઠ વાગ્યે એસ.એસ. રજપૂતાના સ્ટીમર ઇંગ્લેન્ડના માર્સેલ્સ બંદરે લાંગર્યું. 'મેહેર બાબાનું જીવનચરિત્ર' પુસ્તકમાં નોંધ છે કે, ''મેહેર બાબા અને તેમની મંડળી માર્સેલ્સથી ટ્રેનમાં બેસીને લંડનના વિક્ટોરિયા સ્ટેશને પહોંચ્યા ત્યારે ગાંધીજીને જોવા ત્યાં હજારો લોકો ભેગા થયા હતા.''  આ જ સ્થળેથી મેહેર બાબા અને ગાંધીજી છૂટા પડ્યા. માર્સેલ્સમાં મેહેર બાબાને લેવા મેરેડીથ સ્ટાર નામના ગૂઢવાદી કવિ આવ્યા હતા. તેઓ ૩૦મી જૂન, ૧૯૨૮ના રોજ હરિયાણાના ટોકામાં મેહેર બાબાને મળ્યા હતા. એ પછી મેહેરાબાદના આશ્રમમાં પણ તેમણે થોડો સમય વીતાવ્યો અને વર્ષ ૧૯૨૯માં ઇંગ્લેન્ડ પરત જઇને નોર્થ ડેવનમાં મેહેર બાબાની પ્રેરણાથી ધ્યાન આશ્રમ શરૂ કર્યો.

પશ્ચિમી દેશોને મેહેર બાબાની ઓળખાણ કરાવવાનું તેમજ યુરોપના ગૂઢવાદીઓમાં મેહેર બાબાનો પ્રચાર-પ્રસાર કરવાનું શ્રેય મેરેડીથ સ્ટારને જાય છે. જોકે, મેહેર બાબા સાથે થોડો વખત રહ્યા પછી અત્યંત કડક સ્વભાવના મેરેડીથ સ્ટારને તેમની સાથે વાંકુ પડ્યું. ડિસેમ્બર ૧૯૩૨માં તેમણે બાબાને પત્ર લખીને કહ્યું હતું કે,  ''મને મારા ૪૦૦ પાઉન્ડ પાછા આપો અથવા અધ્યાત્મિક અનુભૂતિ કરાવો. નહીં તો હું તમને છોડીને જતો રહીશ અને તમે પ્રપંચી છો એવો પર્દાફાશ કરીશ...'' આ પત્ર લખ્યાના દોઢ વર્ષ પછી મેરેડીથ સ્ટારે નોર્થ ડેવનનો આશ્રમ વિખેરી નાંખ્યો. આ વાતની નોંધ 'મેહેર પ્રભુ: લોર્ડ મેહેર, ધ બાયોગ્રાફી ઓફ અવતાર ઓફ ધ એજ, મેહેર બાબા' જેવું લાંબુલચક નામ ધરાવતા મેહેર બાબાના જીવનચરિત્રમાં પણ છે, જે બાબાના અનુયાયી વીરસિંઘ કલચુરીએ આલેખ્યું છે.

હોલિવૂડ સ્ટાર્સ સાથે બાબાની મુલાકાત

ઇંગ્લેન્ડમાં આશરે એકાદ વર્ષ દરેક ક્ષેત્રની હસ્તીઓને મળ્યા પછી મેહેર બાબા ૨૦મી મે, ૧૯૩૨ના રોજ દરિયાઈ મુસાફરી કરીને પહેલીવાર અમેરિકા પહોંચ્યા. ત્યાં બાબાએ બ્રિટીશ અભિનેતા અને કોરિયોગ્રાફર ક્વિટિન ટોડની મદદથી 'મેસેજ ટુ અમેરિકા' શીર્ષક હેઠળ એક હજાર શબ્દોમાં નિવેદન જારી કર્યું. આ નિવેદનમાં બાબાએ મૌન અંગે જણાવ્યું કે, ''હું બોલીશ ત્યારે મારો અસલી સંદેશ દુનિયા સાંભળશે અને તેનો સ્વીકાર થશે.'' બાબાએ વર્ષ ૧૯૩૪માં હોલિવૂડના ઓપન એમ્ફિથિયેટર 'હોલિવૂડ બાઉલ'માં એક કાર્યક્રમ યોજીને મૌન તોડવાની જાહેરાત પણ કરી. જોકે, બાદમાં અચાનક આ યોજના પડતી મૂકીને કહ્યું કે, ‘‘હજુ એ સમય આવ્યો નથી.’’ આવું કહીને બાબા કેનેડાથી દરિયાઇ મુસાફરી કરીને હોંગકોંગ જવા નીકળી ગયા.

 (ક્લોક વાઈઝ) મેરેડીથ સ્ટાર અને મેહેર બાબા, ભાઉ કલચુરી અને મેહેર બાબા.
હોલિવૂડમાં ક્વિન્ટિન ટોડ અને તલ્લુલાહ બેંકહેડ સાથે વચ્ચે મેહેર બાબા.

અમેરિકામાં મેહેર બાબાની મુલાકાત ત્રણ ઓસ્કર સહિત અનેક એવોર્ડ જીતનારા હોલિવૂડ સ્ટાર ગેરી કૂપર સાથે થઈ. એ મુલાકાત વખતે કૂપર ધુરંધર અભિનેતા જરૂર હતો, પરંતુ હજુ ઓસ્કર જીત્યો ન હતો. ભારતમાં પણ ફિલ્મ ક્ષેત્રની હસ્તીઓ મેહેર બાબાથી પ્રભાવિત હોવાના ઉલ્લેખો મળે છે. કદાચ મેહેર બાબા પારસી હોવાથી તેમજ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પારસીઓ મોટા પ્રમાણમાં હોવાથી એવું હોઈ શકે! રસપ્રદ વાત એ છે કે, ભારતની પહેલી બોલતી ફિલ્મ 'આલમ આરા'ના ડિરેક્ટર અરદેશર ઇરાની પણ બાબાના અનુયાયી હતા. અમેરિકામાં મેહેર બાબા આલફ્રેડ હિચકોકની ફિલ્મ 'લાઇફબોટ' ફેઇમ એક્ટ્રેસ તલ્લુલાહ બેંકહેડ, ફ્રેન્કેન્સ્ટાઇન સિરીઝની ફિલ્મોથી જાણીતા થયેલા બ્રિટીશ એક્ટર બોરિસ કાર્લોફ, હોલિવૂડનો પહેલો પશ્ચિમ અમેરિકન સુપરસ્ટાર ટોમી મિક્સ, ફ્રેંચ એક્ટર મોરિસ શેવાલિયર અને જર્મન-અમેરિકન એક્ટર-ડિરેક્ટર અર્નેસ્ટ લુબિક (કહેવાતા ઉચ્ચ વર્ણના લોકો પર સેક્સી સ્ટાઇલમાં વ્યંગ કરતી ફિલ્મો માટે આજેય 'લુબિક્સ ટચ' જેવો રૂઢિપ્રયોગ થાય છે) જેવી હસ્તીઓને મળ્યા.

વ્હાઇટ હાઉસ જેવું મહત્ત્વ ધરાવતો બંગલૉ

હોલિવૂડ સ્ટાર દંપતિ ડગ્લાસ ફેરબેન્ક અને મેરી પિકફોર્ડ પણ મેહેર બાબાના અનુયાયી હતા. આ દંપતિએ મેહેર બાબાને હોલિવૂડમાં લોકપ્રિય બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફેરબેન્ક હોલિવૂડ સ્ટાર બનતા પહેલા નામચીન લશ્કરી અધિકારી રહી ચૂક્યા હતા. દ્વિતિય વિશ્વયુદ્ધમાં અમેરિકન પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટે ફેરબેન્કને દક્ષિણ અમેરિકામાં નેવલ ઓફિસર તરીકે સ્પેશિયલ ડ્યૂટી સોંપી હતી. લશ્કરી સેવા બદલ છ મેડલ જીતનારા ફેરબેન્કે ૧૦૦થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. રૂડયાર્ડ કિપલિંગની કવિતા 'ગૂંગા દિન' પરથી એ જ નામે ૧૯૩૯માં રિલીઝ થયેલી ફિલ્મમાં પણ ફેરબેન્કે મુખ્ય ભૂમિકામાં હતા. અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં રિલીઝ થયેલી 'ગૂંગા દિન' બોક્સ ઓફિસ પર સુપરહીટ સાબિત થઈ હતી.


બેવરલી હિલ્સમાં આવેલા પિકફેર બંગલૉમાં ડગ્લાસ ફેરબેન્ક અને મેરી પિકફોર્ડ

ફેરબેન્કની પત્ની મેરી પિકફોર્ડ પણ હોલિવૂડ સ્ટાર હતી, જેના નામે ૧૦૦થી પણ વધુ ફિલ્મો બોલે છે. હોલિવૂડનું અત્યંત પ્રભાવશાળી ગણાતું આ દંપતિ કેલિફોર્નિયાના બેવરલી હિલ્સમાં ૧૮ એકરમાં ફેલાયેલા ૨૫ બેડરૂમ ધરાવતા 'પિકફેર' બંગલૉમાં રહેતું. 'લાઈફ' મેગેઝિને પિકફેર બંગલૉને 'વ્હાઈટ હાઉસથી થોડુંક જ ઓછું મહત્ત્વ' ધરાવતા સ્થળ તરીકે નવાજ્યું હતું કારણ કે, ત્યાં ફિલ્મ, રાજકારણ અને લશ્કરી ક્ષેત્રની હસ્તીઓનો મેળાવડો જામતો. ડગ્લાસ ફેરબેન્ક અને મેરી પિકફોર્ડે પહેલી જૂન, ૧૯૩૨ના રોજ પિકફેર બંગલૉમાં મેહેર બાબા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં બાબાએ હોલિવૂડને સંદેશ આપ્યો.

અમેરિકામાં મેહેર બાબા બે વર્ષ સુધી આવી હાઈ પ્રોફાઈલ હસ્તીઓ સાથે ગાઢ સંપર્કમાં રહ્યા. એ પછી તેઓ છેક ૧૯૫૦માં અમેરિકાની બીજી મુલાકાતે આવ્યા. એ વખતે અનેક લોકો તેમને ડ્રગ્સનો નશો અને આધ્યાત્મિક અનુભૂતિ વિશે સવાલો કરતા. આ લોકોને મેહેર બાબાએ આધ્યાત્મિક અનુભૂતિ અને ડ્રગ્સ લીધા પછી થતા ચિત્તભ્રમ વચ્ચેનો ભેદ સમજાવ્યો. વર્ષ ૧૯૬૨માં તેમણે 'ગોડ ઇન ધ પિલ' શીર્ષક ધરાવતા એક લેખમાં એલએસડી સહિતના ડ્રગ્સથી થતા શારીરિક અને માનસિક નુકસાનની વાત કરી તેમજ નશાખોરી આધ્યાત્મિક અનુભૂતિમાં પણ બાધારૂપ છે એવું સમજાવ્યું. મેહેર બાબાના આ ડ્રગ્સ વિરોધી સંદેશનો હોલિવૂડ અને મ્યુઝિકની દુનિયામાં પ્રચંડ પ્રભાવ પડ્યો.

'ડોન્ટ વરી, બી હેપ્પી'નું સર્જન

ભારત પરત ફરીને મેહેર બાબાએ દેશીવિદેશી મંડળીજનો સાથે બ્લૂ રંગની બસમાં બેસીને દેશભરમાં આધ્યાત્મિક પ્રવાસ કર્યો. આ પ્રવાસેથી પરત ફર્યા ત્યારે અનેક અખબારોને તેને 'કૌભાંડ' ગણાવ્યું, જેની નોંધ વીરસિંઘ કલચુરીએ લખેલા બાબાના જીવનચરિત્રમાં પણ છે. વર્ષ ૧૯૫૦માં મેહેર બાબાએ અમેરિકાના સાઉથ કેરોલિના અને ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ધ્યાન આશ્રમો શરૂ કર્યા. આ દરમિયાન ૧૯૬૭માં 'ધ હુ' રોકબેન્ડના બ્રિટીશ ગાયકસંગીતકાર અને ગીતકાર પીટ ટાઉન્સહેન્ડે બાબા વિશે સાંભળ્યું. આ દિગ્ગજ સંગીતકારે ૧૯૬૯માં 'ટોમી' નામનું આલબમ બનાવીને મેહેર બાબાને સમર્પિત કર્યું. 'ધ હુ'ના સભ્યોએ ૧૯૭૧માં બાબાને સંપૂર્ણ સમર્પિત 'બાબા ઓ'રિયલી' નામનું ગીત પણ બનાવ્યું.

(ક્લોક વાઈઝ ) ગ્રેમી એવોર્ડ વિનર ધુરંધર મ્યુઝિશિયન, સિંગર, ગિટારિસ્ટ પીટ ટાઉન્સહેન્ડ,
મેલેની સાફ્કા અને ‘ડોન્ટ વરી બી હેપ્પી’ના સર્જક બોબી મેકફેરિન 

એ પછીયે ટાઉન્સહેન્ડે મેહેર બાબાને ધ્યાનમાં રાખીને રાખીને હેપ્પી બર્થડે, આઈ એમ, હુ કેમ ફર્સ્ટ અને વિથ લવ જેવા ગીતો લખ્યા અને રેકોર્ડ પણ કર્યા. રોક, પાવર પોપ અને જેઝની દુનિયામાં ટાઉન્સહેન્ડની ગણના વિશ્વના અત્યંત પ્રતિભાશાળી સંગીતકારોમાં થાય છે. વિશ્વના ટોપ ૫૦ ગિટારિસ્ટમાં પણ ટાઉન્સહેન્ડનું નામ અચૂક મૂકાય છે. વર્ષ ૨૦૦૧માં લાઈફ ટાઈમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડ મળ્યો એ પહેલાં ટાઉન્સહેન્ડ દુનિયાભરમાં માન-અકરામ કમાઇ ચૂક્યા હતા. વિખ્યાત ફોક અને કંટ્રી મ્યુઝિશિયન, સિંગર મેલેની સાફકાએ પણ બાબા માટે 'મેહેર બાબા લાઇવ્સ અગેઇન' ગીત રેકોર્ડ કર્યું હતું. વર્ષ ૧૯૮૮માં બોબી મેકફેરિને બાબાથી પ્રભાવિત થઈને 'ડોન્ટ વરી બી હેપ્પી' નામનું ગીત રેકોર્ડ કર્યું. આ ગીતે પણ ગ્રેમી એવોર્ડ જીત્યો અને લાંબા સમય સુધી યુએસ પોપ હીટમાં નંબર વન રહ્યું. 'ડોન્ટ વરી બી હેપ્પી' એ મેહેર બાબાનો તકિયા કલામ હતો, જે તેમના પોસ્ટર્સ, કાર્ડ્સમાં અચૂક વાંચવા મળે છે.

***

દુનિયાભરમાં બાબાની લોકપ્રિયતા વધવાના કારણે અનેક વિદેશી પત્રકારો પણ બાબાને મળવા આવતા અને તેમની ટીકા પણ કરતા. પોલ બ્રન્ટન પણ આવા જ એક પત્રકાર હતા, જે આખા ભારતના આધ્યાત્મિક ગુરુઓને મળ્યા હતા. બ્રન્ટને નોંધ્યું હતું કે, બાબા અનેક વખત યુદ્ધોની આગાહી કરીને વિશ્વના અંતનો દિવસ જાહેર કરતા અને દરેક વખતે તારીખો બદલી નાંખતા. મેહેર બાબાને એક વખત આધ્યાત્મિક અનુભૂતિ થઈ હશે, એનાથી વિશેષ કશું જ નહીં.

જોકે, મેહેર બાબાના અનુયાયીઓને આ બાબતોથી કોઈ ફર્ક નથી પડતો. અહેમદનગર નજીક સ્થાપેલા મહેરાબાદના આશ્રમમાં આજેય મેહેર બાબાની સ્મૃતિઓ જીવંત છે. મેહેર બાબા જે ઘરમાં રહેતા તે 'મેહેરાઝાદ'ને મ્યુઝિયમમાં પરિવર્તિત કરી દેવાયું છે. પાણીની અછત ધરાવતો આ વિસ્તાર બાબાના અનુયાયીઓએ દત્તક લીધો છે. મેહેરાઝાદની દીવાલો પર બાબાની તસવીરો, તેમની પથારી, જૂની ચીજવસ્તુઓ તેમજ જે બ્લૂ બસમાં તેમણે ભારતભ્રમણ કર્યું હતું એ બધું જ એવું ને એવું સચવાયેલું છે. મેહેર બાબાનું તત્ત્વજ્ઞાન 'ડિસ્કર્સ' અને 'ગોડ સ્પિક્સ' નામના પુસ્તકોમાં (ગુજરાતી સહિત દરેક જાણીતી ભાષામાં) ઉપલબ્ધ છે.

મેહેર બાબા અને મેહેરા ઇરાનીનું વિવાદાસ્પદ પ્રકરણ

રાધાકૃષ્ણના અંદાજમાં
મેહેર બાબા અને મેહેરા ઈરાની
મેહેર બાબાની વાત કરતી વખતે મેહેરા દેવીનો ઉલ્લેખ કરવો જ પડે. મેહેર બાબા સાકોરીના ઉપાસની મહારાજના આશ્રમમાં રહેતા હતા ત્યારે ૧૫મી ઓક્ટોબર, ૧૯૨૨ના રોજ મેહેરા ઇરાનીની મુલાકાત બાબા સાથે થઈ. એ વખતે મેહેરા ઇરાનીની ઉંમર ફક્ત ૧૫ વર્ષ હતી અને તેઓ માતા સાથે બાબાને મળવા આવ્યા હતા. આ મુલાકાતના બે વર્ષ પછી, ૧૯૨૪માં, મેહેરા ઇરાની મેહેરાબાદમાં બાબાની આશ્રમ મંડળીમાં જોડાઈને મેહેરા દેવી બની ગયા. મેહેર બાબા મેહેરાને 'પૃથ્વી પરનો સૌથી પવિત્ર આત્મા' કહેતા. બાબા તેમને 'રાધા' તરીકે પણ સંબોધતા અને તેઓ બંને કૃષ્ણ-રાધા જેવા કપડાં પહેરીને તસવીરો પણ પડાવતા. આશ્રમમાં મેહેરાને સ્પર્શવાનો, સાંભળવાનો અને જોવાનો બાબા સિવાય કોઈને અધિકાર ન હતો. આશ્રમમાં મેહેરા દેવીનું નામ પણ કોઈ બોલી ન શકતું. મેહેરા દેવીની વાત કરવા મેહેર બાબાએ મંડળીજનોને 'મિસિસ હિટલર' અને 'મિસિસ ચર્ચિલ' જેવા કોડનેમ બોલવાનો આદેશ આપ્યો હતો. ડેવિડ ફેન્સ્ટર નામના લેખકે બાબા અને મેહેરા ઇરાનીના સંબંધ વિશે સંપૂર્ણ છણાવટ કરીને 'મેહેરા-મેહેર : એ ડિવાઇન રોમાન્સ' નામનું પુસ્તક પણ લખ્યું છે. 

આ પ્રકારના માહોલમાં મેહેર બાબા અને મેહેરા દેવીના સંબંધને લઈને આશ્રમમાં ચણભણ થવી સ્વાભાવિક હતી. મેહેરા દેવીનું કુટુંબ પારસી સમાજમાં નામના ધરાવતું. અનેક અગ્રણી પારસીઓએ માતા-પુત્રીના મેહેર બાબાના સંબંધ સામે વાંધો ઉઠાવ્યો હતો. મેહેરાના કાકા કર્નલ મેરવાન સોરાબ ઇરાનીને તો તેમના પરિવારની સ્ત્રીઓ પર મેહેર બાબાના પ્રભાવ સામે સખત વાંધો હતો. તેમણે મેહેર બાબાને પારસી સમાજનું કલંક તેમજ દંભી, પ્રપંચી સાબિત કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું.

No comments:

Post a Comment