08 March, 2017

ફિયરલેસ નાદિયા: સ્ત્રીશક્તિનું ફિલ્મી પ્રતીક


ભારતનો પહેલો સુપરહીરો હીરોનહીં પણ હીરોઇનહતી. એ અડધી બ્રિટીશ અને અડધી ગ્રીક હતી. એનો વાન ગોરો અને આંખો નીલી હતી. પ્રેમ, સુંદરતા, આનંદ અને કામુકતાની ગ્રીક દેવી એફ્રોડાઇટનું એને વરદાન હતું. એ મજબૂત બાંધાની, આત્મવિશ્વાસુ અને બિંદાસ સ્ત્રી હતી. એ હાથમાં બંદૂક અને કમર પર હંટર રાખતી. ગુંડા-મવાલીઓને એ ચાબુકથી ફટકારતી, બે હાથમાં ઉઠાવીને જમીન પર પટકતી અને ક્યારેક તો ધાંય ધાંય કરીને વીંધી પણ નાંખતી. એ ઊંચી બિલ્ડિંગ પરથી સમરશોટ મારીને ઘોડા પર બેસીને અલોપ થઈ જતી. પંજાબ કા બેટા’, ‘રાજપૂતઅને બહાદુરનામના ઘોડા એના મિત્રો હતા. ટાઇગરનામનો આલ્શેસિયન કૂતરો એનો પડછાયો હતો. અરે, સિંહો પણ એની સાથે નમ્રતાથી વર્તતા. દુનિયા એને હંટરવાલી’, ‘ડાયમંડ ક્વિન’, ‘તૂફાન ક્વિન’, ‘ફાઇટિંગ ક્વિન’, ‘હરિકેન હંસા’, ‘મિસ ફ્રન્ટિયર મેલઅને પંજાબ મેલજેવા નામે ઓળખતી. વો કૌન થી? કહેવાની જરૂર નથી કે, એ ફિયરલેસ નાદિયા હતી.

ફિયરલેસ નાદિયા અને ‘રંગૂન’માં જુલિયાના કિરદારમાં કંગના

વિશાલ ભારદ્વાજની ૨૪મી ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી રંગૂનનું ટ્રેલર જોઈને જ ગપસપ શરૂ થઈ હતી કે, આ ફિલ્મમાં કંગનાનો જુલિયા તરીકેનો કિરદાર ફિયરલેસ નાદિયાથી પ્રેરિત છે. વિશાલ ભારદ્વાજે આ દાવો ફગાવી દીધો છે, પરંતુ વાડિયા મૂવિટોન પ્રા. લિ.ના વારસદારોએ તેમની સામે કોપીરાઇટ ભંગની ફરિયાદ નોંધાવી છે. અભિનેત્રી તરીકે નાદિયાની ફિલ્મ કારકિર્દી વાડિયા મૂવિટોનની ધ પ્રિન્સેસ એન્ડ હંટર’ (૧૯૩૫) નામની એક્શન ફિલ્મથી શરૂ થઈ હતી. એ પછી નાદિયાએ ચાળીસેક એક્શન ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી. ભારતીય ફિલ્મોના ઈતિહાસમાં એકેય અભિનેત્રીના નામે આટલી બધી ફિમેલ લીડફિલ્મો નથી બોલતી. નાદિયાએ જીવનભર વાડિયા મૂવિટોન સાથે કામ કર્યું. આ ફિલ્મ સ્ટુડિયોના સ્થાપકો મૂળ ગુજરાતના સુરતના હતા, એટલે નાદિયાની વાત કરતી વખતે વાડિયા મૂવિટોનનો ઉલ્લેખ ના કરીએ તો વાત અધૂરી ગણાય!

વાડિયા મૂવિટોનનું ટ્રેન સાથેનું લવ અફેર

જમશેદ બોમન હોમી વાડિયા અને હોમી વાડિયા નામના મૂળ સુરતના બે પારસી ભાઈઓએ ૧૯૩૩માં વાડિયા મૂવિટોનની સ્થાપના કરી હતી. ફિલ્મોની દુનિયામાં જમશેદજી જેબીએચ વાડિયાતરીકે ઓળખાતા અને તેમનું નામ ખૂબ આદર સાથે લેવાતું. વાડિયા મૂવિટોન શરૂ કરતા પહેલાં જમશેદજી વસંત લીલા’ (૧૯૨૮) સહિત ૧૧ મૂંગી ફિલ્મો બનાવી ચૂક્યા હતા. આ બધી જ મૂંગી ફિલ્મોનું ડિરેક્શન, ફોટોગ્રાફી અને રાઇટિંગને લગતું ઘણું બધું મહત્ત્વનું કામ વાડિયા બંધુઓ જ સંભાળતા. વર્ષ ૧૯૩૨માં જેબીએચ વાડિયાએ તૂફાન મેઇલનામની મૂંગી એક્શન ફિલ્મ બનાવી હતી, જેનો મોટા ભાગનો હિસ્સો ચાલતી ટ્રેન પર ફિલ્માવાયો હતો. આ ફિલ્મ પછી જ વાડિયા મૂવિટોનનું ટ્રેન સાથેનું લવ અફેરશરૂ થયું.વાડિયા બંધુઓની ફિલ્મોગ્રાફી પર નજર કરતા થોડી રમૂજ થાય છે કે, તેઓ મિસ ફ્રન્ટિયર મેઇલ’ (૧૯૩૬), ‘હરિકેન હંસા’ (૧૯૩૭), ‘તુફાન એક્સપ્રેસ’ (૧૯૩૮) અને પંજાબ મેઇલ’ (૧૯૩૯) અને રિટર્ન ઓફ તુફાન મેઇલ’ (૧૯૪૨) જેવા ધસમસતા શીર્ષકો ધરાવતી ફિલ્મો સાથે એક યા બીજી રીતે સંકળાયેલા હતા. રિટર્ન ઓફ તુફાન મેઇલબનાવવા રણજિત મુવિટોને વાડિયા મુવિટોન સાથે જોડાણ કર્યું હતું. એ રીતે ભારતમાં મૂંગી ફિલ્મોની સિક્વલ બનાવવાનું શ્રેય પણ વાડિયા બંધુઓને જાય છે. ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે, ૧૯૩૦થી ૧૯૩૨ વચ્ચે ભારતમાં ૧,૩૦૦ મૂંગી ફિલ્મ રિલીઝ થઈ, જેમાંથી અડધી ગુજરાતીઓની માલિકીના સ્ટુડિયોમાં બની હતી.

વાડિયા મૂવિટોનની સ્થાપના કર્યા પછી વાડિયા બંધુઓએ ફિલ્મની દુનિયામાં અનેક રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા હતા. જેમ કે, એક પણ ગીત વિનાની ફિલ્મ નૌજવાન’ (૧૯૩૭), દેશના ભાગલા પછી સિંધી ભાષાની પહેલી ફિલ્મ એકતાતેમજ ભારતની પહેલી ટેલિ સિરીઝ હોટેલ તાજ મહલવાડિયા મૂવિટોને બનાવી હતી. દેશની પહેલી અંગ્રેજી ફિલ્મ કોર્ટ ડાન્સર’ (૧૯૪૨) બનાવવાનું ભગીરથ કામ પણ તેમણે જ કર્યું હતું. આ ફિલ્મ હિન્દી અને બંગાળીમાં રાજ નર્તકીનામે બની હતી, જેમાં એક નૃત્યાંગના ચંદ્રક્રિતી નામના રાજાના પ્રેમમાં પડે છે એવી વાર્તા છે. આ રાજાની ભૂમિકા પૃથ્વીરાજ કપૂરે ભજવી હતી. આ ઉપરાંત સુરતના કડોદ નજીક હરિપુરા ગામમાં યોજાયેલી કોંગ્રેસની વાર્ષિક બેઠકની ફૂલલેન્થ ડોક્યુમેન્ટ્રી હરિપુરા કોંગ્રેસપણ વાડિયા મૂવિટોને જ બનાવી હતી.

વાડિયા બંધુઓની પહેલી બોલતીફિલ્મ

વાડિયા મુવિટોનની સ્થાપના કર્યા પછી વાડિયા બંધુઓએ બોલતી (ટૉકી) ફિલ્મ બનાવવાનો ક્રાંતિકારી વિચાર કર્યો. ક્રાંતિકારી એટલા માટે કે, જમશેદજી અને હોમી વાડિયા આ દિશામાં વિચારી રહ્યા હતા ત્યારે અરદેશર ઈરાનીની ભારતની પહેલી બોલતી ફિલ્મ આલમ આરારિલીઝ થયાને માંડ બે વર્ષ થયા હતા. આલમઆરા૧૪મી માર્ચ, ૧૯૩૧ના રોજ રિલીઝ થઈ હતી. જોકે, વેપારી સાહસમાં વાડિયા બંધુઓનો જોટો જડે એમ ન હતો. છેવટે વાડિયા બંધુઓએ વર્ષ ૧૯૩૩માં જેબીએચ વાડિયાએ જ લખેલી વાર્તા પરથી વાડિયા મુવિટોનની પહેલી બોલતી ફિલ્મ લાલ-એ-યમનબનાવી. આ એક એક્શન ફિલ્મ હતી, જેનું ડિરેક્શન જેબીએચ વાડિયાએ અને સિનેમેટોગ્રાફી હોમી વાડિયાએ સંભાળી હતી.

જેબીએચ વાડિયા અને હોમી વાડિયા 

લાલ-એ-યમનમાં બોમન શ્રોફ નામના હીરોએ જબરદસ્ત એક્શન દૃશ્યો ભજવ્યા હતા, પરંતુ એ દૃશ્યોને હેમખેમ પાર પાડવાનો શ્રેય સ્ટંટ ડિરેક્ટર નાદિયાને પણ મળ્યો. આ ફિલ્મની સફળતા પછી વાડિયા મુવિટોને નાદિયાને લઈને વધુ એક એક્શન ફિલ્મ બનાવી, ‘હંટરવાલી’. આ ફિલ્મમાં જાન પૂરી દેવા તેમણે વર્ષ ૧૯૩૫માં રૂ. બે લાખનો ખર્ચ કર્યો હતો, પરંતુ આટલી મોંઘી ફિલ્મ લેવા એકેય ડિસ્ટ્રિબ્યુટર તૈયાર નહોતો. જોકે, વાડિયા બંધુઓએ ગમેતેમ કરીને હંટરવાલીરિલીઝ કરી અને બોક્સ ઓફિસ પર તે બ્લોકબસ્ટર સાબિત થઈ. આ ફિલ્મે તેના બજેટથી પાંચ ગણી કમાણી કરી હતી. ટેક્નોલોજી અને ફોટોગ્રાફી ટેકનિકનો ઉપયોગ કરીને પહેલવહેલી એક્શન ફિલ્મો બનાવવા વાડિયા બંધુઓએ જાતભાતના અખતરા પણ કર્યા હતા. આ કારણસર તેઓ ભારતીય એક્શન ફિલ્મોના પણ પિતામહ્ ગણાય છે. 

હંટરવાલીબનાવતી વખતે નાદિયા તો ઠીક, વાડિયા બંધુઓને પણ અંદાજ ન હતો કે, વિદેશી મૂળ ધરાવતી આ સ્ત્રી ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં ફિયરલેસ નાદિયાઅને હંટરવાલીતરીકે અમર થઈ જવાની છે! હંટરવાલીની સફળતા વટાવવા વાડિયા મુવિટોને એ જ વર્ષે ધ પ્રિન્સેસ એન્ડ ધ હંટરઅને ૧૯૪૩માં હંટરવાલી કી બેટીજેવી ફિલ્મો પણ બનાવી. હંટરવાલીબ્રાન્ડ નેમ બની જતા વાડિયા બંધુઓએ લગભગ દરેક ફિલ્મમાં નાદિયાના હાથમાં હંટર થમાવી દીધી હતી. 

સ્ત્રીસશક્તિકરણ માટે પણ ગેમ ચેન્જર

હંટરવાલીનાદિયાની કારકિર્દી માટે જ નહીં, ફિલ્મો થકી સ્ત્રી સશક્તિકરણનો પવન ફૂંકવામાં પણ ગેમ ચેન્જર સાબિત થઈ. બ્રિટીશ કાળમાં ભારતીય ફિલ્મો-નાટકોમાં સ્ત્રીઓનું પાત્ર પુરુષો ભજવતા અને અભિનય ઈજ્જત વગરનું કામગણાતું. એ સમયે રૂપેરી પડદા પર નાદિયા બોલ્ડકહી શકાય એવા કપડાં પહેરીને આવતી અને સ્ત્રી સમાનતાની હિમાયત કરતી. વાડિયા બંધુઓએ લગભગ બધી જ ફિલ્મમાં નાદિયાને અન્યાય સામે લડતીઅને પુરુષનું આધિપત્ય ફગાવી દેનારીક્રાંતિકારી સ્ત્રી તરીકે રજૂ કરી. એટલું જ નહીં, અનેક ફિલ્મમાં તેમણે નાદિયાના મુખે સ્ત્રી સમાનતાની હિમાયત કરતા સંવાદો પણ મૂક્યા. એ દૃષ્ટિએ ફિલ્મ થકી સ્ત્રીસશક્તિકરણને દિશા આપવામાં જેબીએચ વાડિયાને ખાસ યાદ કરવા પડે.


ગેમ ચેન્જર ફિલ્મ ‘હંટરવાલી’નું પોસ્ટર અને એ ફિલ્મના હીરો જ્હોન કાવસ સાથે નાદિયા

સુરત શહેરના પારસી પરિવારમાં ૧૩મી સપ્ટેમ્બર, ૧૯૦૧ના રોજ જન્મેલા જમશેદજીએ ફર્સ્ટ ક્લાસ બી.એ., એમ.એ. અને પછી એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કર્યો હતો, પરંતુ તેમનું પેશન હતું સિનેમા. યુવાન વયથી જ જમશેદજી ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં પણ સક્રિય હતા. આ દરમિયાન તેઓ વિખ્યાત ક્રાંતિકારી નેતા અને સમાજ સુધારક એમ.એન. રોયના સંપર્કમાં આવ્યા. રોય સાથેની મિત્રતાના કારણે જ જમશેદજીના મનમાં સિનેમા જેવા સબળ માધ્યમથી સામાજિક સુધારાની દિશામાં કંઈક કરવાના વિચાર મજબૂત થયા હતા. રોયના વૈચારિક પ્રભાવના કારણે વાડિયા બંધુઓની ફિલ્મોમાં ફિયરલેસ નાદિયા અજાણતા જ સ્ત્રી ક્રાંતિના પ્રતીક તરીકે ઊભરી હતી.

નાદિયા ભારતીય નહીં, સ્કોટિશ હતી

આઠમી જાન્યુઆરી, ૧૯૦૮ના રોજ સ્કોટિશ પરિવારમાં જન્મેલી નાદિયાનું અસલી નામ મેરી એન ઈવાન્સ હતું. નાદિયાના પિતા હર્બર્ટ ઈવાન્સ ઓસ્ટ્રેલિયામાં બ્રિટીશ લશ્કરમાં ફરજ બજાવતા. વર્ષ ૧૯૧૩માં હર્બર્ટ ઈવાન્સની બદલી ભારત થતાં તેઓ બોમ્બે સ્થાયી ગયા. એ વખતે મેરીની ઉંમર પાંચ વર્ષ હતી. ભારત આવ્યાના બે જ વર્ષમાં હર્બર્ટ ઈવાન્સ પહેલા વિશ્વયુદ્ધમાં જર્મનો સામેના યુદ્ધમાં શહીદ થઈ ગયા. એટલે ઈવાન્સ પરિવાર પેશાવરમાં (હાલ પાકિસ્તાનમાં) સ્થાયી થયો. પેશાવરમાં જ મેરીએ ઘોડેસવારી, શૂટિંગ, જિમ્નાસ્ટિક જેવી કળાઓ શીખી. આ દરમિયાન મેરીએ સર્કસમાં પણ કામ કર્યું અને બેલે ડાન્સ પણ શીખ્યો. વર્ષ ૧૯૨૮માં ઈવાન્સ પરિવાર ફરી મુંબઈ આવ્યો. અહીં મેરીએ સારી નોકરી મેળવવા સ્ટેનો ટાઇપિંગ પર હાથ અજમાવ્યો.

લુગદી સાહિત્યનો મહારથી જ્હોનસ્ટન મેકકલી અને
હોલિવૂડનો લેટેસ્ટ ઝોરો (પર્સનલ ફેવરિટ) એન્ટોનિયો બેન્ડરેસ 

મેરી એન ઈવાન્સને કોઈ ફિલ્મ ડિરેક્ટરે નાદિયા નામ નહોતું આપ્યું, પરંતુ એક ભવિષ્યવેત્તાએ મેરીને કારકિર્દીમાં આગળ વધવું હોય તો એનથી શરૂ થતું નામ અપનાવવાની સલાહ આપી હતી. એટલે મેરીએ પોતાનું જ નવું નામ પાડ્યું, નાદિયા. એ પછી નાદિયાએ પેશાવરમાં અને સર્કસમાં શીખેલી કળાઓને ફિલ્મી પડદે રજૂ કરવામાં જેબીએચ વાડિયા નિમિત્ત બન્યા, પરંતુ નાદિયાને સ્ટારડમ અપાવ્યું હોમી વાડિયાએ.

લાલ-એ-યમનબનાવતી વખતે જેબીએચ વાડિયાએ જ નાદિયાને બ્રેક આપ્યો હતો. હોમી વાડિયાનો જન્મ ૨૨મી મે, ૧૯૧૧ના રોજ થયો હતો. મોટા ભાઈથી તેઓ દસ વર્ષ નાના હતા. મેટ્રિક પછી ભણવાનું છોડીને તેઓ જેબીએચ સાથે ફિલ્મમેકિંગમાં જોડાયા હતા. હોમી વાડિયાના દિમાગમાં યુવાનીથી જ લુગદી સાહિત્યના મહારથી જ્હોન્સ્ટન મેકકલીએ સર્જેલા કાલ્પનિક પાત્ર ઝોરોપરથી ફિલ્મ બનાવવાના વિચારો ઘુમરાતા હતા. વાડિયા મૂવિટોનની અમુક ફિલ્મોમાં માસ્ક, ઓવરકોટ, બૂટ અને હાથમાં તલવાર સાથે સજ્જ ઝોરોની નકલ કરી હોય એવા પાત્રો પણ દેખાયા. જોકે, નાદિયાની એન્ટ્રી થયા પછી હોમી વાડિયાએ ઝોરોના દેખાવમાં થોડો ફેરફાર કરીને નાદિયાને જ માસ્ક, હંટર અને ફૂલ બૂટમાં પેશ કરવાનો અખતરો કર્યો, જેને દર્શકોએ હોંશે હોંશે અપનાવી લીધો.

***

નાદિયા અને હોમી વર્ષ ૧૯૪૦માં જ ગળાડૂબ પ્રેમમાં પડી ચૂક્યા હતા. આ સંબંધને લઈને ફક્ત જમશેદજી હોમીની સાથે હતા. વિદેશી યુવતી સાથે લગ્ન કરવાની વાત કરતા જ વાડિયા પરિવાર બંને ભાઈઓની વિરુદ્ધ થઈ ગયો હતો. વળી, ફિલ્મ મેકિંગને કારકિર્દી તરીકે અપનાવીને પણ વાડિયા બંધુઓ વડીલોની નારાજગી વ્હોરી ચૂક્યા હતા. ખાસ કરીને હોમી વાડિયાના માતા ધૂનમાઈ ખૂબ રૂઢિચુસ્ત હતા. આ સંજોગોમાં હોમી અને નાદિયા લગ્ન કરીને સાથે ન રહી શક્યા, પરંતુ ધૂનબાઈના મૃત્યુ પછી, ૧૯૬૧માં, તેમણે લગ્ન કર્યા. એ વખતે હોમી ૫૦ વર્ષના હતા, જ્યારે નાદિયા ૫૩નાં. હોમીના મૃત્યુના આઠ વર્ષ પહેલાં નવમી જાન્યુઆરી, ૧૯૯૬ના રોજ નાદિયાનું મૃત્યુ થયું. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પહેલી બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ સુપર હીરોઈન, એક્શન સ્ટાર અને સ્ટંટ ડિરેક્ટર તરીકે નાદિયાને ફિલ્મ રસિયા હંમેશા યાદ રાખશે!

No comments:

Post a Comment