03 November, 2016

પર્યટક અને પ્રવાસી વચ્ચે શું ફર્ક છે?


આપણે પ્રવાસ કેમ કરીએ છીએ? કારણ કે, આપણે પ્રવાસેથી પાછા આવીને જીવનને નવી દૃષ્ટિથી જોતા શીખીએ. જીવનના નવા રંગ-ઉમંગ ઓળખતા શીખીએ. એવી જ રીતે, જ્યાં જઈએ છીએ ત્યાંના લોકો આપણને નવી દૃષ્ટિથી જુએ એ પ્રવાસનો હેતુ હોય છે. પ્રવાસ એટલે નવું શીખવું. પ્રવાસેથી પાછા આવીને જ્યાં અટક્યા હતા, ત્યાંથી જ ફરી જીવન શરૂ કરવું એ ‘પ્રવાસ’ નથી.

ધંધા-વેપાર અને નોકરીના કારણે વ્યસ્તતા વધી હોવાથી તહેવારોની રજાઓમાં પ્રવાસે જતા રહેવાનું ચલણ દેશભરમાં વધ્યું છે. હા, દેશમાં સૌથી વધારે પ્રવાસ ગુજરાતીઓ કરે છે પણ એક સરેરાશ ગુજરાતી સામાન્ય પર્યટક (ટુરિસ્ટ) છે, પ્રવાસી (ટ્રાવેલર) નહીં. પર્યટનમાં મોજશોખ અને સુવિધા મળી રહે છે, જ્યારે પ્રવાસમાં શરીરને કષ્ટ પડે છે, થોડું સાહસ કરવું પડે છે અને ભાવશે-ફાવશે-ચાલશે વાત જીવનમાં ઉતારવી પડે છે. દસ દિવસમાં ૧૫ સ્થળો જોઈ નાંખવા, કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળોએ હોટેલની ચાર દીવાલ વચ્ચે આરામ ફરમાવવો, હોટેલ ફૂડ ખાવું અને ઘરે પાછા આવી જવું એ પર્યટન છે, મોજશોખ અને જલસા છે. સ્કુબા ડાઈવિંગ, બંજી જમ્પિંગ અને પેરા ગ્લાઈડિંગ જેવી એડવેન્ચર સ્પોર્ટ્સમાં સાહસ જરૂર છે પણ પ્રવાસનું તત્ત્વ નથી. લક્ઝરી અને નેચર ટ્રાવેલ વચ્ચે આ પાયાનો ફર્ક છે. 




અસલી પ્રવાસીમાં કુતુહલ ઠાંસી ઠાંસીને ભર્યું હોય છે. પ્રવાસન સ્થળે શક્ય હોય ત્યાં સ્થાનિકના ઘરે રોકાવું, લગ્નપ્રસંગો હોય તો ત્યાં પહોંચી જવું, ઐતિહાસિક સ્થળો અને મ્યુઝિયમોમાં રસ ના હોય તો પણ થોડો રસ લેવો, સ્થાનિક બજારો-પુસ્તકાલયો, ખાણીપીણી બજારોમાં રખડપટ્ટી કરવી, સ્થાનિક છાપા ફંફોળીને સંગીત જલસો, કવિ સંમેલન કે નાટકો હોય તો એ જોવા પહોંચી જવું અને નેશનલ પાર્ક જેવા કુદરતી સ્થળો હોય તો ત્યાં પણ સમય વીતાવવો એ અસલી પ્રવાસ છે. 

એની વે, લક્ઝરી ટ્રાવેલમાં કશું ખોટું નથી પણ અહીં વાત કરવી છે નેચર ટ્રાવેલની. જો તમે વર્ષેદહાડે એક-બે વાર નાનું મોટું વેકેશન લેતા હોવ તો એકાદવાર નેચર ટ્રાવેલનો વિકલ્પ અપનાવવા જેવો છે. જંગલો અને વેરાન સ્થળોએ માઉન્ટેઇનિયરિંગ, ટ્રેકિંગ, હાઇકિંગ અને ટ્રેઇલ વૉકિંગ કરીને પહોંચવું અને ત્યાં જઈને પોતાની જાતને ક્વૉલિટી ટાઈમ આપવો, શરીરને કષ્ટ આપીને નવા જ સ્થળને બેઝ કેમ્પ બનાવીને ત્યાં બે-ત્રણ દિવસ જાતે રાંધેલી ખીચડી ખાવી અને બીજાને (પરાણે) ખવડાવવી, હિલ સ્ટેશન પર કોઈ હોટેલમાં સ્ટે કરીને રોજ વહેલી સવારે કે સાંજે બસ એમ જ લાં...બી લટાર મારવા નીકળી જવું, શહેરની આસપાસના વેટલેન્ડમાં બર્ડ વૉચિંગ, ઈન્સેક્ટ (જીવજંતુ) સફારીનું પ્લાનિંગ કરવું અને ફોટોગ્રાફી કરવી કે પછી ફિટનેસ હોય તો બેકપેકિંગ કરીને મોટરબાઈક કે સાયકલ પર ક્યાંક ઉપડી જવું એ નેચર ટ્રાવેલ છે. આ પ્રકારનો પ્રવાસ જીવનના અઘરામાં અઘરા પાઠ પણ સહેલાઈથી શીખવી દે છે.

કેવા પાઠ?

* * *

હાંફતા હાંફતા પણ આગળ વધતા રહો

જીવન એટલે સફર. આ સફર ફક્ત બહારની નહીં, અંદરની પણ છે. આંતરખોજ કરવામાં પ્રવાસ અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે જ તો હિંદુ ધર્મ-સંસ્કૃતિમાં પ્રવાસનો ખ્યાલ તીર્થાટન સાથે સંકળાયેલો છે. ભારતમાં અનેક ભગવાનોના ધામ પહાડો ઉપર અને નદીઓ કિનારે છે. આ તીર્થસ્થાનોની મુલાકાતને આત્માની નજીક જવા સાથે સાંકળવામાં આવી છે. નેચર ટ્રાવેલ પણ આપણને પહેલાં શારીરિક કષ્ટ અને પછી માનસિક તૃપ્તિનો અનુભવ કરાવે છે. પર્વતો અને જંગલો આપણને પોકારી પોકારીને કહે છે કે, ગમે તે થાય જીવન અટકવાનું નથી, એટલે બસ ચાલતા રહો. જીવન સ્પ્રિન્ટ નહીં મરેથોન છે. હાંફતા હાંફતા પણ આગળ વધો, નહીં તો શું આવ્યા અને શું ગયા! માણસને આગળ લઈ જતી સફરની મજા જ કંઈક ઓર છે. ક્યારેક સફરમાં જે આનંદ લૂંટ્યો હોય છે એવો મંજિલે પહોંચ્યા પછી પણ નહીં મળે, એટલે અટક્યા વિના આગળ વધો.

લોથપોથ થઈ જાઓ એટલી ઝડપ ના કરો

મંજિલ નજીક દેખાતા જ આપણે ક્યારેક વધારે પડતા આનંદ-ખુશીમાં દિલોદિમાગ પરનો કાબૂ ગુમાવી દઈએ છીએ! નેચર ટ્રાવેલ આપણને શીખવે છે કે, બસ હવે મંજિલે પહોંચી ગયા એવું લાગે તો પણ ઝડપ કરીને તેને છીનવવાની કોશિષ ના કરો. જે પર્વતનું શિખર નજીક દેખાઈ રહ્યું છે એ દૂર પણ હોઈ શકે છે. જીવનમાં ઘણીવાર આવા ભ્રમ થતા હોય છે. એટલે જ કારણ વિના ઉતાવળ કરીને કેલરી ના વેડફો. વળી, જીવનનો આનંદ લેવા બહુ ઉતાવળ પણ ના કરો, આસપાસની સૃષ્ટિને માણતા માણતા મજાથી આગળ વધો. વધારે ઝડપથી મજા જ ખોવાઈ જાય અને લક્ષ્યાંક પણ હાંસલ ના થાય, એવું થઈ શકે છે. સો, બી કેરફૂલ. જીવનનું પણ એવું જ છે. એટલે જ પોતાની ક્ષમતા અને આવડતની કડવી વાસ્તવિકતાને સારી રીતે ઓળખીને આગળ વધો, નહીં તો લોથપોથ થઈને પડી જશો અને પ્રવાસ અધૂરો રહી જશે. આખરે મહત્ત્વ મંજિલે પહોંચવાનું છે, દર વખતે કોણ પહેલા પહોંચ્યું એનું મહત્ત્વ નથી હોતું!

જોખમ લો, પણ જરૂર કરતા વધારે નહીં

નેચર ટ્રાવેલ સૌથી મહત્ત્વનો પાઠ એ શીખવે છે કે, જોખમ લેશો તો જ આગળ વધશો, પણ બિનજરૂરી જોખમ લેશો તો ઊંધે માથે પટકાશો. લાઈફ હોય કે બિઝનેસ, બધી જ બાબતમાં ‘સંતુલનનો નિયમ’ લાગુ પડે છે. પર્વતો અને જંગલો પ્રવાસીને અહેસાસ કરાવે છે કે, વિના કારણે જોખમ લઈશ તો ઘાયલ થઈશ, અને ઘાયલ થઈશ તો બીજા માટે ભારરૂપ થઈ જઈશ. આ છુપો ડર પ્રવાસીને જાતની સંભાળ રાખતા શીખવે છે. એટલું જ નહીં, પ્રવાસીને ખબર પડી જાય છે કે, મારો સાથીદાર જ નહીં, રસ્તે પડેલી ધૂળ પણ કામની છે. વારંવારના આ અનુભવ પછી દરેક વ્યક્તિ આત્મવિશ્વાસથી બીજાની સંભાળ લેતો થઈ જાય છે, અને પછી તો બીજાને સતત મદદ કરીને આત્મસંતોષ અનુભવવા આતુર રહે છે. જો બધા સાથે છે તો જ ખુશીઓ વહેંચીને આનંદ બેવડો કરી શકીશું એવું તે સમજવા માંડે છે. આ રીતે નેચર ટ્રાવેલમાં આડકતરી રીતે ટીમ બિલ્ડિંગ અને લીડરશિપના પાઠ પણ શીખવા મળે છે, જેનો ક્યારેક તો પ્રવાસીને અહેસાસ સુદ્ધાં નથી થતો.

ધ્યેય નક્કી કરી લીધા પછી ફોકસ્ડ રહો

ધ્યેય તો ઘણાં રાખતા હોય છે પણ ફોકસ્ડ અને કોન્સન્ટ્રેટ રહે એ જીતે છે. નેચર ટ્રાવેલ શીખવે છે કે, એકવાર જીવનમાં કંઈક નક્કી કરી લો પછી એ સિદ્ધ કરવામાં અનેક અડચણો આવશે. અહીંથી લદ્દાખ મોટરબાઈક પર જવાનો વિચાર ખૂબ જ રોમેન્ટિક છે, પણ ૫૦૦-૧૦૦ કિલોમીટરના ડ્રાઇવિંગ પછી ખ્યાલ આવવા લાગે છે કે, પ્રવાસ કરવો એટલે શું અને અસલી પ્રવાસી કોને કહેવાય! એટલે જ ક્યાંક જવાનું નક્કી કર્યા પછી માર્ગમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે તો પણ ઢીલા ના પડો. શક્તિ બાવડામાં જ નહીં, દિલોદિમાગમાં પણ હોય છે. આ શક્તિને આપણે સંકલ્પશક્તિ-મનોબળ-વિલપાવર, આત્મવિશ્વાસ-સેલ્ફકોન્ફિડન્સ અને જુસ્સો-હામ-પેશન જેવા નામે ઓળખીએ છીએ.

એક વાત યાદ રાખો, તમે જે હાંસલ કરવા જઈ રહ્યા છો એ બધા સિદ્ધ નથી કરી શકતા. શું તમે એ મેળવવા હજુ થોડી વધારે મહેનત ના કરી શકો? શું તમે હજુ વધારે ફોકસ્ડ ના રહી શકો? પોતાનો ફોટો પાડવા ઘરેથી બે-ચાર હજાર કિલોમીટર દૂર જઈને પાછો આવે એવા પર્યટકો તો ઘણાં છે, પણ તમે જે મેળવવાના છો એ દરેકના બસની વાત નથી. આ પાયાનો વિચાર જીવનમાં આગળ વધવામાં પણ જરૂરી છે.

મહાન લોકો પણ જન્મજાત એક્સપર્ટ નથી હોતા

માઉન્ટેઇનિયરિંગ, ટ્રેકિંગ, હાઇકિંગ, કેમ્પિંગ કે બાઇકિંગ જેવા શબ્દોથી ગભરાવાની જરૂર નથી. સૌથી પહેલી વાત તો એ કે, નેચર ટ્રાવેલ માટે આમાંથી એકેય સ્પોર્ટમાં એક્સપર્ટાઈઝ જરૂરી નથી. આ બધું કરવામાં  ફિટનેસ સાથ ના આપતી હોય તો, ફિટનેસ બનાવી શકાય છે. જો એ પણ શક્ય ના હોય તો પણ કુદરતના સાનિધ્યમાં અલગારી રખડપટ્ટી અને ફેમિલિ કેમ્પિંગ તો કરી જ શકાય છે. જે લોકોએ અત્યાર સુધી પેકેજ્ડ ટુરમાં જલસા કર્યા હોય કે ફક્ત તીર્થાટન કર્યું હોય એવા સિનિયર સિટીઝન્સે પણ ગભરાવાની જરૂર નથી. ગિરનાર, અંબાજી, પાલીતાણા, વૈષ્ણૌદેવી કે સમેતશિખરે જઈને ભગવાનને મળી આવતા ‘વડીલો’એ તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. ટૂંકમાં દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે નેચર ટ્રાવેલ કરી શકે છે. બર્ડ વૉચિંગ કે જંગલ કેમ્પિંગ કરવા જબરદસ્ત સ્ટેમિના અને એક્સપર્ટાઈઝની નહીં, ઈચ્છાશક્તિની જરૂર છે. યૂથ હોસ્ટેલ જેવી સંસ્થાઓ વર્ષોથી નેચર એક્ટિવિટી પ્રમોટ કરવા આવા હટકે પ્રવાસોનું આયોજન કરે જ છે.

* * *

તીર્થધામોના સ્ટિરિયોટાઈપ અને બોરિંગ પ્રવાસ સામે આ વિકલ્પ એકવાર અપનાવી જોજો. વ્યક્તિ 'જાત્રા' કરીને પાછો આવે તો પણ ત્યાંનો ત્યાં જ હોય છે. એટલે કે, કશું જ મેળવ્યા વિના પાછો આવી જાય છે. તીર્થસ્થાનોમાં સત્તા માટે રાજકારણ ખેલતા સ્વાર્થી સાધુ-સંતો, ગંદકી, અરાજકતા, ધક્કામુક્કી અને એના કારણે થતા મોત- એ બધું જોતા પ્રવાસનો હેતુ જ સિદ્ધ ના થાય એમાં નવાઈ ના લાગવી જોઈએ. કદાચ એટલે જ નેચર ટ્રાવેલમાં પ્રવાસી કુદરત, સર્વશક્તિમાન, પરમાત્મા કે ઈશ્વરનો વધુ આત્મીય અનુભવ કરે છે. આપણા દેશમાં પેકેજ ટુરમાં મજા લૂંટતા પ્રવાસીઓએ તો ઠીક, તીર્થાટન કરતા શ્રદ્ધાળુઓએ પણ કુદરતી સ્થળોને ઉકરડા બનાવવાનું મહાપાપ કર્યું છે. આપણે ધર્મ, સંસ્કૃતિ, તીર્થધામ અને ભગવાનના નામે પણ કુદરતને સાચવી નથી શક્યા. આ કોની નિષ્ફળતા કહેવાય? ધર્મની, ભગવાનની, સાધુ-સંતોની કે કાયદા-કાનૂનની?

આગામી પેઢીમાં કુદરત-પર્યાવરણ માટે ખરો પ્રેમ અને અનુકંપા જાગે એ માટે નેચર ટ્રાવેલને વધુને વધુ પ્રોત્સાહન આપવાનું સૌથી મહત્ત્વનું કારણ આ છે. જો એમાં સફળતા મળે તો કદાચ કુદરત અને આપણે- બંને બચી જઈએ!

ચીનના વિખ્યાત તત્વજ્ઞાની લાઓ ત્સેએ કહ્યું હતું કે, 'હજારો માઈલની સફર એક નાનકડા ડગલાથી શરૂ થાય છે.'

તો, હવે તમે રજાઓમાં ક્યાં જવાનું વિચારો છો?

***

ભારત નેચર ટ્રાવેલનું હબ કેમ હોવું જોઈએ?

ભારત તો નેચર કે બેકપેક ટ્રાવેલનું હબ હોવું જોઈએ કારણ કે, આપણી પાસે પર્વતોનો ભીષ્મ એવો હિમાલય છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશથી માંડીને છેક પશ્ચિમ બંગાળ સુધી હિમાલયના પર્વતો અને જંગલોના અનેક રૂપ જોવા મળે છે. ઉત્તરપ્રદેશ પાસે ગઢવાલ હિમાલય અને શિવાલિકની પહાડીઓ છે. દક્ષિણ ભારતના તમિલનાડુ પાસે નીલગીરી, તેલંગાણા પાસે દખ્ખણની પહાડીઓ અને આંધ્રપ્રદેશ-ઓડિશા પાસે મહેન્દ્ર પર્વતમાળા છે. ગુજરાત પાસે તો પર્વતોનો આખેઆખો ગુલદસ્તો છે. ગુજરાતમાં દાદુ પર્વત ગિરનાર છે. સાપુતારાની પર્વતમાળા પૂર્વ ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પૂર્વ છત્તીસગઢ સુધી ફેલાયેલી છે. દેશની સૌથી જૂની અરવલ્લીની પર્વતમાળા પણ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને છેક દિલ્હી સુધી ૬૯૨ કિલોમીટરમાં ફેલાયેલી છે. દક્ષિણ ગુજરાતમાં તાપી કિનારે અને મહારાષ્ટ્રની સરહદેથી શરૂ થતી સહ્યાદ્રીની પર્વતમાળા મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ એમ પાંચ રાજ્યમાં ૧,૬૦૦ કિલોમીટરનો વિસ્તારમાં મારી-તમારી વાટ નીરખતી ઊભી છે. પર્વતોના આ વૈવિધ્યના કારણે ભારત પાસે પહાડી વિસ્તારના જંગલોથી લઈને દરિયા કિનારાના જંગલોનું અદ્ભુત વૈવિધ્ય છે. માઉન્ટેઇનિયરિંગ સાથે સંકળાયેલી બધી જ એડવેન્ચર સ્પોર્ટ્સની મજા એ છે કે, તેમાં પ્રવાસનું તત્ત્વ સમાયેલું છે.

8 comments:

  1. Happy to see u have highlighted pilgrimage place in respect to one being near to nature, very few have understood this rest associate it with place to wash sins.

    ReplyDelete
  2. સુંદર લેખ. પ્રવાસી બનવાની મજા જ કોઈ ઓર છે. જે અનુભવે તે જ જાણે.

    ReplyDelete
  3. Wahhh superb
    Really enjoyed reading
    Pl. Share your experiences and detail of places to visit

    ReplyDelete
  4. Good that you covered this topic... i am tired now to explain ppl the difference between tourist and traveler ... there is no itinerary for traveler but the tourists do have .. nicely written.. you could have add few testimonials of good travelers/tourists :-)

    ReplyDelete
    Replies
    1. Thanks. Yeah, But enough words :) Will add next time. (Y)

      Delete