20 June, 2016

સાલેમન ગાનેમન, જુલાબ ગુલાબ અને આસમાની સુલતાની


તમે રોજ સવારે જે છાપું વાંચો છો એને અખબાર પણ કહેવાય છે. આ અખબારશબ્દ કેવી રીતે આવ્યો? જવાબ છે, ફારસી શબ્દ ખબરપરથી. ઈરાનની રાષ્ટ્રભાષા ફારસી છે અને ત્યાં અખબાર માટે ખબર-નામઃશબ્દ વપરાય છે.

આપણે થોડા સમયથી અનામતશબ્દ પણ ખૂબ વાંચીએ-સાંભળીએ છીએ. આપણા દેશમાં પીએચ.ડી.ના વિષયો જોતા કોઈ વિદ્યાર્થી ‘અનામત આંદોલન વખતે ગુજરાતી અખબારોમાં અનામત શબ્દના ઉપયોગનું તુલનાત્મક અધ્યયન’ જેવા વિષયમાં ડૉક્ટરેટની થઈ જાય તો પણ નવાઈ નહીં! ખેર, ‘અનામતશબ્દ ફારસી શબ્દ અમાનતપરથી આવ્યો છે, જેનો અર્થ વિશ્વાસુ હોવું, વિશ્વાસુપણું, થાપણ, સંભાળ માટે સોંપેલી વસ્તુ એવો થાય છે. અનામત આંદોલન વખતે ગુજરાતમાં અફરાતફરીનો માહોલ હતો. આપણે આ અફરાતફરીશબ્દથી પણ પરિચિત છીએ! આ શબ્દનું મૂળ પણ ફારસી શબ્દ ‘ઈફરાતો તફરીતમાં મળે છે. ફારસીમાં ફરત્ એટલે હદથી વધી જવું અને તફરીતએટલે પ્રમાણ કરતાં ઓછું થઈ જવું. આ બંને શબ્દને ભેગા કરીને ઈફરાતો તફરીતશબ્દ આવ્યો. જે રોજિંદા જીવનની સમસ્યાઓના બે અંતિમ છેડા બતાવવા એટલે કે ઊથલપાથલ, દોડધામ, ગભરાટ, ગોટાળો કે અવ્યવસ્થાના અર્થમાં વપરાય છે. આવી રીતે ગુજરાતીમાં શબ્દ મળ્યો, અફરાતફરી.

ગુજરાતીમાં આસમાની સુલતાનીશબ્દનો અર્થ ઘણી વાર ખોટી રીતે વપરાય છે. સાર્થ જોડણીકોશ પ્રમાણે આ શબ્દનો અર્થ ચડતીપડતી’, ‘અણધારી આફતકે કોપએવો થાય છે. તેનું મૂળ પણ ફારસીમાં છે. આસમાની એટલે આસમાનને લગતું અને સુલતાની એટલે સુલતાનને લગતું. અણધારી આફત બે જણ થકી જ આવે. એક આકાશમાંથી અને બીજી સુલતાન તરફથી. એના પરથી આવ્યો આસમાની સુલતાની એટલે કે અણધારી આફત.

‘ફારસી શબ્દોનો સાર્થ વ્યુત્પત્તિ કોશ’- ભાગ-૧થી ૪માં ગુજરાતી અને ફારસીના ફ્યૂઝનની આવી જાતભાતની માહિતી મળે છે. ડૉ. છોટુભાઈ રણછોડજી નાયકે મહામહેનતે તૈયાર કરેલો આ મહામૂલો ગ્રંથ ગુજરાત યુનિવર્સિટીએ પ્રકાશિત કર્યો છે.  

***

ભારતની તમામ ભાષા-સંસ્કૃતિમાં ફારસી ભાષાની સૌથી વધારે અસર ગુજરાતી ભાષા પર છે. ઈતિહાસવિદો કહે છે કે, આર્યો મધ્ય એશિયામાં એટલે કે અત્યારના કઝાકસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા દેશોમાંથી ભ્રમણ કરીને ઈરાન પહોંચ્યા હતા. એ જ વખતે આર્યોએ ઋગ્વેદની રચનાની શરૂઆત કરી દીધી હતી. એ પછી તેઓ ઈરાન તરફથી ભારત તરફ આવ્યા. એટલે જ એવું કહેવાય છે કે, ઋગ્વેદનો અમુક ભાગ ઈરાનમાં રચાયો હતો. ઈરાનમાં આર્યોની ભાષા અવેસ્તાહતી. આ શબ્દનું મૂળ પણ વિદ્અથવા વેદછે. વેદ એટલે જાણવું. અવેસ્તા અને ઋગ્વેદ એ બંને શબ્દનો અર્થ જ્ઞાનપણ થાય છે. આ જ કારણસર ગુજરાતી અને ફારસીમાં એવા અનેક શબ્દો છે, જે બંને ભાષામાં એક જ અર્થમાં વપરાય છે. એક જ અર્થ એ વાત પર અહીં એટલે ભાર મૂક્યો છે કે, બે ભાષા એકબીજામાં ધીમે ધીમે ભળતી હોય ત્યારે એવા ઘણાં શબ્દો અસ્તિત્વમાં આવે છેજેના અર્થ બંને ભાષામાં ક્યારેક જુદા જુદા પણ થતા હોય છે.




જેમ કે, અરબસ્તાનમાં જુલાબ કે જુલ્લાબનો અર્થ ‘ગુલાબના ફૂલોનો અર્ક’ એવો થાય છે. એટલે ઈરાનમાં ગુલાબમાંથી બનેલા શરબત માટે પણ ‘જુલાબ’ શબ્દ વપરાય છે. આ શબ્દ ગુજરાતમાં આવ્યો ત્યારે તેનો અર્થ ગુલાબના રસની પ્રકૃતિના કારણે બદલાઈ ગયો. ગુલાબનું પાણી રેચક એટલે કે પેટ સાફ કરે એવું હોવાથી ગુજરાતી ભાષામાં જુલાબશબ્દનો ઉપયોગ ઝાડા થઈ જાય એવી દવાના અર્થમાં થવા લાગ્યો. આજે જુલાબ’ અને ‘ગુલાબનું શરબત’ એ શબ્દો કેટલા વિરોધાભાસી લાગે છે!

ભારત અને ગુજરાતમાં આરબ, મુસ્લિમ અને પારસી સંસ્કૃતિ જેમ જેમ ભળતી ગઈ તેમ તેમ તેમણે એકબીજાની ભાષામાં નવા નવા શબ્દો ઉમેર્યા. આ પ્રકારનું સાંસ્કૃતિક આદાનપ્રદાન થાય ત્યારે શબ્દોના અર્થની સાથે તેના ઉચ્ચારણો પણ બદલાઈ જતા હોય છે.

એવો જ એક બીજો શબ્દ છે, ‘કેરબો’. કોઈ ગુજરાતીને પૂછવામાં આવે કે કેરબોએટલે શું? તો એ કહેશે કે, કેરબો એટલે નાના ઢાંકણાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો, જે મોટા ભાગે કાળા રંગનો હોય! જોકે, સાર્થ જોડણીકોશ પ્રમાણે કેરબોનો અર્થ એક નાચ, કારવો, એમાં ગવાતું ગાયન, એનો રાગ એવો અપાયો છે. શું કેરબાને કેબ્રે ડાન્સસાથે કોઈ સંબંધ હશે? સાર્થ જોડણીકોશમાં ફારસી વ્યુત્પત્તિ પ્રમાણે કેરબોનો અર્થ સુગંધી ગુંદર જેવો એક પદાર્થ (તેના પારા ફકીરો રાખે છે), એમ્બર એવો અપાયો છે.

હવે જોઈએ ફારસીમાં આ શબ્દનું મૂળ ક્યાં છે. ફારસીમાં કહરુબાનામનો શબ્દ છે. કહએટલે સૂકું ઘાસ, તણખલું અને રુબાએટલે ખેંચ, આકર્ષણ. એટલે કે, એક પ્રકારનો સૂકો ગુંદર કે જેને કાપડ જેવી વસ્તુ ઉપર ઘસીને તણખલા નજીક મૂકવામાં આવે તો તેને ખેંચે છે. બાળકોને ખરાબ નજરથી બચાવવા અપાતા એક પદાર્થ માટે પણ ફારસીમાં કહરુબા શબ્દ છે. આ પદાર્થ બાળકોને ગળામાં કે કાંડા પર બાંધીને પહેરાવાતો!

***

ગુજરાતી ભાષામાં અનેક ફારસી શબ્દો એટલા રૂઢ છે કે, આજે ખ્યાલ પણ ના આવે કે આ શબ્દનું મૂળ ઈરાન, ગ્રીસ કે અરબસ્તાનમાં છે! શબ્દો એક ભાષામાંથી બીજી ભાષામાં પ્રવેશે એનો દિલચસ્પ ઈતિહાસ હોય છે. હા, દિલચસ્પ પણ ફારસી શબ્દ છે. ફારસી શબ્દ ચસ્પનો અર્થ ચોંટી રહેવું, વળગી રહેવું, દિલ ચોંટાડી રાખનાર, દિલને ગમે એવું કે મનોહર એવો થાય છે. દિલચસ્પશબ્દનો ઉપયોગ ફારસી કે ઉર્દૂમાં આજે થતો નથી, પરંતુ ગુજરાતી અને હિન્દીમાં દિલચસ્પ’ શબ્દ વપરાય છે. ગુજરાતીમાં તો દિલચસ્પમાં પ્રત્યય જોડીને આવ્યો, દિલચસ્પી. શોખ, રુચિ કે રસ જેવા શબ્દો માટે દિલચસ્પીશબ્દ વપરાય છે.

સાર્થ જોડણીકોશ પ્રમાણે, ‘અફલાતૂનશબ્દનો ગુજરાતી અર્થ સુંદર, શ્રેષ્ઠ તેમજ ગ્રીસનો મહાન તત્ત્વજ્ઞાની પ્લેટોએવો પણ થાય છે. ટૂંકમાં ગ્રીસમાંથી શ્રેષ્ઠતમ્ હોય એ માટે અરબી, ફારસીમાં વપરાતો પ્લેટોશબ્દ પ્લાટુ, પ્લાટુનમાંથી અપભ્રંશ થઈને આજનો અફલાતૂનથઈ ગયો.

તમે દાઉદખાનીઘઉં વિશે પણ સાંભળ્યું હશે! આજેય ગુજરાત સહિત ભારતના તમામ અનાજ બજારમાં દાઉદખાની ઘઉં સૌથી મોંઘા હોય છે. આ શબ્દનું મૂળ પણ દિલચસ્પ છે. ઈ.સ. ૧૭૬૦થી ૧૮૦૬માં ઈજિપ્તમાં શાહઆલમ નામનો બાદશાહ થઈ ગયો. એના કાળમાં દાઉદખાન નામનો એક માણસ ઈજિપ્તમાંથી ઊંચી જાતના ઘઉં ભારત લાવ્યો. એ સમયથી એ ઘઉંનું નામ પડ્યું, દાઉદખાની.
 
તમે લખતી વખતે જે ફકરો પાડો છો તેનો ફારસી અર્થ પીઠ તોડવી કે બરડો તોડવો એવો થાય છે. એનો ગુજરાતી અર્થ કંડિકા અને અંગ્રેજીમાં પેરેગ્રાફ થાય છે. એટલે કે, વાત બદલાય ત્યાંથી વાક્યનો પ્રવાહ તોડવામાં આવે એ. રૂમાલ પણ ફારસી શબ્દ છે, જેનો અર્થ ઘસવુંકે ગુંદવુંથાય છે. ફારસીમાં રૂનો અર્થ ચહેરો માલનો અર્થ ‘જરૂરી ચીજ’ અને ‘ઘસવું’ કે ‘સાફ કરવું’ એવો પણ થાય છે. એ પરથી આવ્યો રૂમાલ.

ગનીમત છે કે, આવા આદાનપ્રદાનથી ગુજરાતી હજુયે વધુને વધુ સમૃદ્ધ થઈ રહી છે. સાર્થ જોડણીકોશમાં જણાવ્યા પ્રમાણે, ગનીમત એટલે સદભાગ્ય, ઈશ્વરકૃપા. આ ગનીમત અરબી શબ્દ ગનેમમાંથી આવ્યો.  અરબીમાં ગનેમએટલે મફતમાં મેળવેલું, લૂંટનો માલ વગેરે. ગનેમશબ્દનો ફારસી અર્થ ‘પરિશ્રમ વિના ઓચિંતો મળેલો માલ’ એવો છે. પ્રાચીન અરબસ્તાનમાં લૂંટના ઇનામ તરીકે ગનમમળતા. અરબીમાં ગનમએટલે બકરો. એના ઉપરથી અરબીમાં લૂંટનો માલ એટલે ગનીમત એટલે કે ઈશ્વરની કૃપા. પાછળથી આ શબ્દ એટલો બધો પ્રચલિત થયો કે, આરબો પ્રવાસે જાય ત્યારે વિદાય આપતી વખતે તેમના સ્વજનો કહેતા કે, સાલેમન ગાનેમન. એટલે કે, સલામત આવજો અને લૂંટી લાવજો.

***

ફારસીમાં ગ્રીક, અરબી અને તૂર્કી શબ્દો અને એ બધું જ ગુજરાતીમાં આવ્યું એ પાછળ રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનો જવાબદાર છે.

ઈ.સ. પૂર્વે ૩૩૧માં સિકંદરે ઈરાન જીતી લીધું અને ઈ.સ. ૨૨૬ સુધી લગભગ ૫૫૦ વર્ષ રાજ કર્યું. આ દરમિયાન ઈરાનની સ્થાનિક પાહલવી ભાષામાં ગ્રીક ભાષા ભળતી ગઈ. ઈ.સ. ૬૪૧માં ગ્રીક શાસનનો અંત આવ્યો અને આરબોનું શાસન શરૂ થયું. આરબોના મજબૂત રાજના કારણે પાહલવી ભાષાનું વ્યાપક અરબીકરણ થયું. ઈ.સ. ૬૬૧થી ૭૫૦ સુધી આરબોની ખિલાફતને ખતમ કરી ઈરાનનું શાસન અબ્બાસી ખલીફાઓએ સંભાળ્યું. આ ખલીફાઓએ તેમની ફોજમાં હજારો તુર્કોની ભરતી કરી. આ દરમિયાન ગઝનવી અને સલજૂક વંશના તુર્કી શાસનકાળમાં ઈરાની અને તુર્કી સંસ્કૃતિ-ભાષા એકબીજામાં ભળ્યા. છેવટે ૧૧મી સદીથી ઈરાનમાં આજની ફારસી અસ્તિત્વમાં આવી.

આરબોના ત્રાસથી ઈરાનના જરથોસ્તીઓ એટલે કે પારસીઓ ગુજરાતમાં આવ્યા એ જાણીતી વાત છે. જોકે, પારસીઓની સંખ્યા જૂજ હતી. વળી, તેઓ કિનારાના પ્રદેશ પર જ રહેતા હતા એટલે ગુજરાતી ભાષા પર તેમનો પ્રભાવ નહોતો, પરંતુ ભારતમાં આવેલા મુસ્લિમ શાસકો ઈરાનથી આવ્યા હતા. આ રીતે ઈસ્લામિક શાસન વખતે ભારતીય સંસ્કૃતિમાં ફારસી ભળતી ગઈ. ઈ.સ. ૧,૩૦૦માં અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત જીત્યું ત્યારથી અહીં ફારસીનો પ્રચાર વધ્યો. બે સદી સુધી દિલ્હીના સુલતાનો સલ્તનત ચલાવતા રહ્યા. એ પછી લગભગ પોણા બસો વર્ષ મોગલ બાદશાહોએ શાસન કર્યું, જે ગુજરાત સહિતના પ્રદેશોમાં સૂબેદારોની મદદથી શાસન કરતા. મોગલ સલ્તનત નબળી પડતા તેની અંધાધૂંધીનો લાભ લઈ અનેક સૂબેદારો સ્વતંત્ર નવાબો થઈ ગયા. આ નવાબો અને તેમના સૈનિકો સાથે ગુજરાતમાં ફારસી પણ વસી ગઈ. આ દરમિયાન નવાબો ઈરાન અને અરબસ્તાનથી મુસ્લિમ સંતોને મજહબના પ્રચાર માટે આમંત્રિત કરતા. આ સંતોની ધર્મ ઉપદેશની ભાષા પણ ફારસી રહેતી. એ પછી ગાંધી યુગના વિવિધ આંદોલનોમાં જુસ્સો અને જોમ ધરાવતા ફારસી શબ્દોનો પ્રચંડ ઉપયોગ થયો.

આઝાદી કાળ પછી હિન્દી સિનેમાની લોકપ્રિયતાનો એક યુગ શરૂ થયો. એ યુગમાં હિન્દી ફિલ્મોના સંવાદો અને ખાસ કરીને ગીતોમાં ફારસી શબ્દોનો એટલો બધો ઉપયોગ થયો કે, આજેય એ શબ્દો મૂળ હિન્દી કે ઉર્દૂના લાગે. આ બંને ભાષાની ગુજરાતી સાહિત્ય પર પણ અસર પડી. આવી રીતે અનેક ફારસી શબ્દો સાર્થ જોડણીકોશમાં પણ સમાઈ ગયા.

સ્રોત : ફારસી શબ્દોનો સાર્થ વ્યુત્પત્તિ કોશ (ભાગ-૧થી ૪), લેખક- ડૉ. છોટુભાઈ રણછોડજી નાયક, પ્રકાશન- ગુજરાત યુનિવર્સિટી અને સાર્થ ગુજરાતી જોડણીકોશ, પ્રકાશક- પિયૂષ શાહ, કાર્યકારી કુલસચિવ, ગૂજરાત વિદ્યાપીઠ. 

20 comments:

  1. સરસ લેખ છે. વર્ષો પુર્વે કદાચ 'નવનીત સમર્પણ'માં આવતાં વ્યુપતિ અને શબ્દો વિષેના લેખોમાં વાંચ્યાનું યાદ છે કે, રૂ+માલ એટલે રૂ=ચહેરો અને માલ=સાફ કરવું, ઘસવું......એવો જ બીજો એક શબ્દ છે આબરૂ. આબ એટલે પાણી અને રૂ એટલે ચહેરો. આબરૂ જાય એટલે ચહેરો નિસ્તેજ થઇ જાય. આ મારી કોમેંટ એક વાંચક તરીકે લેવી, એવી વિનંતી......એમ.જી.

    ReplyDelete
    Replies
    1. ખૂબ આભાર એમજી. હું સારી રીતે કરાયેલી બધી જ કમેન્ટ વાચક તરીકે જ લઉં છું ;) હંમેશાં કમેન્ટ કરવા બદલ ઉલટાનો તમારો બેવડો આભાર.

      Delete
  2. ઘણું નવું જાણવા મળ્યું, સરસ લેખ, વિશાલભાઈ

    ReplyDelete
    Replies
    1. Thanks shailendra, Hietesh and Pravinbhai. Keep Reading :)

      Delete
  3. સરસ લેખ. બહુ ગમ્યો . અહીં ટાંક્યો...
    https://sureshbjani.wordpress.com/2017/09/14/farsi/

    ReplyDelete
  4. વાહ! મજા આવી ગઈ.શબ્દોની વ્યુત્પત્તિ ખરેખર સુંદર વિષય છે.૪ પુસ્તકોનો સેટ છે એટલે કદાચ મોંઘો હશે? કિંમત જણાવવામાં આવી નથી.મહેકમ,મામલતદાર,ઈનામદાર,વજીફ્દાર,ફોજદાર,જમાદાર,હવાલદાર,જશન,સુરાહી,જેવા શબ્દો પણ ફારસી માંથી આવ્યા હશે એમ લાગે છે.ગુજરાતના ગામો ના નામોની વ્યુત્પત્તિ વિષે પણ આપને જો માહિતી હોય તો જણાવશો.મને એમાં પણ રસ છે.

    ReplyDelete
    Replies
    1. સાહેબ, આ કોશમાં બધી જ માહિતી છે. લેખમાં બધું જ સમાવવું શક્ય નથી. ગુજરાત યુનિવર્સિટીએ આ છેલ્લીવાર પ્રકાશિત કરીને આ સેટ વેચાણમાં મૂક્યો ત્યારે મેં ખરીદી લીધો હતો... કિંમત તો યાદ નથી પણ બહુ જ સસ્તા હતા...

      Delete
    2. mane aa kitaab ni copy ya xerox mali sake chhe.

      Delete
  5. વિશાલભાઇ, એક ખુબ જ વપરાતો શબ્દ 'સાલમુબારક.' રુઆબ,ખુશ્બુ ,ખેરિયત, વગેરે

    ReplyDelete
  6. hello, વિશાલભાઈ , આ પુસ્તક ક્યાં મળશે? વિદ્યાપીઠ ના સ્ટોરમાં તો તપાસ કરી પણ નથી ત્યાં. આપનો સંપર્ક કરવાની કોશિષ કરી પણ ના શક્ય બન્યું. મારું મેઈલ આઈ ડી 21divyesh@naman2107 એની પર આ પુસ્તક ક્યાં મળશે એ જણાવશો please

    ReplyDelete
    Replies
    1. આ પુસ્તકના પ્રકાશન વિશે લેખમાં છેલ્લે માહિતી આપી છે. યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં પણ ઉપલબ્ધ છે.

      Delete
    2. મારે પણ આ પુસ્તક ખરીદવું છે, તો ક્યાં મળે છે મને પણ આની જાણકારી આપજો પ્લીઝ મારું ઈ મેલ zaboortour@gmail.com

      Delete
  7. આ કિતાબ ક્યાં થી મળી શકે, ખરેખર ખુબ સારી કિતાબ છે. પ્લીઝ મને કોન્ટેક નંબર આપો કોઈની પાસે હોય તો કિતાબ ખરીદી કરવા માટે.

    ReplyDelete
  8. આ પુસ્તક ઘણી તપાસ કરાવ્યા બાદ પણ ક્યાં નથી મળતી તો આ પુસ્તક ક્યાં થી મળશે પ્લીઝ જણાવો. મારું ઈ-મેલ
    zaboortour@gmail.com

    ReplyDelete
  9. બીજા લોકોએ પણ આ પુસ્તકમાં રસ દાખવ્યો હતો. ઉપરોક્ત કમેન્ટ્સમાં મેં જવાબ આપ્યો છે કે, આ એક પુસ્તક નથી, પરંતુ ચાર પુસ્તકનો સંપુટ છે, જે યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં ઉપલબ્ધ છે. આ લેખના અંતે તેના વિશે તમામ માહિતી આપી છે. વિદ્યાપીઠના સ્ટોરમાં કદાચ આ પુસ્તક ના હોઈ શકે, પરંતુ વિદ્યાપીઠની લાઈબ્રેરીમાં ઉપલબ્ધ છે.

    ReplyDelete
  10. આ 4 પુસ્તક વેચાણ થી આ પુસ્તક વિદ્યાપીઠ ની લયબ્રેરી માં થી મળી શકે છે. થઇ શકે તો મને કોન્ટેક નંમ્બર આપી શકો છો.

    ReplyDelete