10 July, 2017

ડાયાબિટીસ અમીરોનો નહીં, આમ આદમીનો રોગ


એક સમયે ડાયાબિટીસ ઉર્ફે મધુપ્રમેહ દુુનિયાભરમાં રાજરોગ તરીકે ઓળખાતો કારણ કે, આ રોગ સામાન્ય રીતે સુખસુવિધામાં રહેતા સંપન્ન લોકોને જ થતો. જોકે, ઔદ્યોગિક ક્રાંતિ પછી આરામની નોકરીઓ વધી, બેઠાડું જીવન જીવનારા લોકો વધ્યા, સમૃદ્ધિ વધી, લાઈફ ફાસ્ટ થઈ, ફાસ્ટ ફૂડ-કોકાકોલા યુગ શરૂ થયો, તણાવ વધ્યો અને મેંદો-ખાંડ આધારિત વાનગીઓએ સામાન્ય માણસના ડાયટ પર રીતસરનું આક્રમણ થયું. આ બધા જ પરિબળોના કારણે આજે આખી દુનિયા ડાયાબિટીસના અજગરી ભરડામાં આવી ગઈ છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે અત્યાર સુધીનું દેશનું સૌથી મોટું સર્વેક્ષણ કરીને સાબિત કર્યું છે કે, ભારતના શહેરો તો ઠીક, ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડાયાબિટીસ ફક્ત અમીરોનો રોગ નથી રહ્યો, બલકે મધ્યમ વર્ગ અને ગરીબોમાં તેનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. આ સંસ્થાએ પહેલીવાર ઉત્તર પૂર્વીય રાજ્યોના ડાયાબિટીસના દર્દીઓના આંકડા પણ રજૂ કર્યા છે. ભારતની જેમ અમેરિકા, યુરોપિયન દેશો તેમજ તેલ સમૃદ્ધ ખાડી દેશોમાં પણ ડાયાબિટીસ અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ દેશો તો ઘણી મજબૂત હેલ્થકેર સિસ્ટમ ધરાવે છે અને છતાં ડાયાબિટીસથી ગભરાય છે. કેમ? કારણ કે, કોઈ પણ દેશના આર્થિક અને સામાજિક માળખાને નુકસાન પહોંચાડવા ડાયાબિટીસ કાફી છે. એ વિશે વાત કરતા પહેલાં ડાયાબિટીસની આંકડાકીય વિગતો પર નજર કરીએ.



ટકાવારીની દૃષ્ટિએ એક લાખની વસતી સામે ડાયાબિટીસના સૌથી વધારે દર્દી ફિનલેન્ડ, સ્વિડન, સાઉદી અરેબિયા, નોર્વે અને યુકે જેવા અતિ સમૃદ્ધ દેશોમાં છે, પરંતુ સંખ્યાની રીતે ડાયાબિટીસના સૌથી વધારે દર્દીઓ ધરાવતા પહેલાં ત્રણ દેશ ચીન, ભારત અને અમેરિકા છે. વર્ષ ૧૯૮૦માં ચીનમાં ડાયાબિટીસના બે કરોડ, ૪૦ લાખ દર્દી હતા, જે ૨૦૧૪માં વધીને ૧૦ કરોડ, ૨૯ લાખે પહોંચી ગયા છે. ચીન પણ ભારતની જેમ વસતી વધારો અને બેફામ ઔદ્યોગિકીરણની મદદથી વિકાસના રાહ પર દોડવાની મજબૂરીથી પીડાઈ રહ્યું છે. ચીની ભોજન તો પરંપરાગત ઔષધીય જ્ઞાનના આધારે વિકસ્યું છે. ચીની વાનગીઓમાં ચરબી પણ પ્રમાણમાં ઓછી હોય છે. આમ છતાં, ઔદ્યોગિક ક્રાંતિની આડઅસરના કારણે ચીન ડાયાબિટીસના સૌથી વધારે દર્દી ધરાવતો દેશ બની ગયો છે. ભારતની સ્થિતિ પણ કંઈક આવી જ છે. વર્ષ ૧૯૮૦માં ભારતમાં ડાયાબિટીસના એક કરોડ, ૧૯ લાખ દર્દી હતા, જ્યારે હાલ છ કરોડ, ૪૫ લાખથી પણ વધુ ભારતીયો ડાયાબિટીસનો કાયમી ભોગ બની ગયા છે.

હવે આ આંકડા કેમ ગંભીર છે એ વિશે વાત કરીએ. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના અહેવાલ પ્રમાણે, વિશ્વમાં દર છ સેકન્ડે એક માણસ ડાયાબિટીસ અથવા ડાયાબિટીસના કારણે થતાં રોગથી મૃત્યુ પામે છે. એક અંદાજ પ્રમાણે મધ્યમ આવક ધરાવતા પરિવારમાં એક વ્યક્તિ ડાયાબિટીસનો ભોગ બને તો આવકનો આશરે ૨૦થી ૨૫ ટકા હિસ્સો સારવાર પાછળ ખર્ચાઈ જાય છે. જો પરિવારમાં ડાયાબિટીસ ધરાવતું બાળક જન્મે તો ૩૫ ટકા જેટલી આવક તેની સારવાર પાછળ ખર્ચાઈ જાય છે. એક વ્યક્તિ ડાયાબિટીસની સળંગ પાંચ વર્ષ સારવાર કરાવે તો રૂ. દોઢેક લાખ અને સારવાર દસ વર્ષ ચાલે તો રૂ. ચારેક લાખનો ખર્ચ થઈ જાય છે. આ આંકડા દેશના શહેરી અને ગ્રામ્ય વિસ્તારની સરેરાશ પ્રમાણે નક્કી કરાયા છે, જે વિસ્તાર પ્રમાણે જુદા જુદા હોઈ શકે છે. કહેવાનો અર્થ એ છે કે, ડાયાબિટીસ જેવો રોગ પરિવારની કમર તોડી નાંખે છે. એકલા અમેરિકામાં જ ડાયાબિટીસની સારવાર પાછળ થતો કુલ ખર્ચ ૨૪૫ અબજ ડૉલર છે.

ડાયાબિટીસના કારણે કિડની ફેઇલ્યોર, હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક, હાયપર ટેન્શન અને આંખની દૃષ્ટિ નબળી થઈ જવાની સંભાવના પણ ઘણી વધી જાય છે. ડાયાબિટીસના દર્દીઓને બીજા રોગમાંથી સાજા થતા પણ થોડો વધુ સમય લાગે છે કારણ કે, તેઓને સામાન્ય દર્દી કરતા થોડી વધુ સાવચેતીથી સારવાર આપવી પડે છે. ડાયાબિટીસના કેટલાક પાયાના લક્ષણોના કારણે દર્દીઓએ સામાજિક ભેદભાવ પણ સહન કરવો પડે છે. જેમ કે, વારંવાર પેશાબે જવું, ધૂંધળું દેખાવું, બોલવામાં ગરબડ થવી, વારંવાર મૂંઝવણ થવી અને ઝડપથી થાકી જવું. આ લક્ષણોના કારણે ડાયાબિટીસના દર્દીઓના સામાજિક સંબંધો અને કારકિર્દી પર નકારાત્મક અસર પડી શકે છે! ભારત તો ઠીક, અમેરિકા અને યુરોપના વિકસિત દેશોમાં પણ ડાયાબિટીસના દર્દીઓએ સમાજના નકારાત્મક વલણના કારણે માનસિક ભાર હેઠળ રહેવું પડતું હોવાના દાખલા નોંધાય છે અને એમાંય સ્ત્રીઓએ તો વધારે ભોગવવાનું આવે છે.

એંશીના દાયકાથી અત્યાર સુધી ભારતીય સ્ત્રીઓમાં ડાયાબિટીસનું પ્રમાણ ૮૦ ટકા વધ્યું છે, પરંતુ આ રોગ ધરાવતી સ્ત્રીઓએ કેવો મનોવૈજ્ઞાનિક ભાર સહન કરવો પડતો હશે એ મુદ્દે ભારતમાં ખાસ કોઈ સર્વેક્ષણો થયા નથી. ભારતમાં ગર્ભકાળ વખતે ડાયાબિટીસનો ભોગ બનતી સ્ત્રીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ડાયાબિટીસ લઈને જન્મી રહેલા બાળકોનો દર પણ ધીમે ધીમે વધી રહ્યો છે. અત્યારે ભારતમાં ૧૫ વર્ષથી ઓછી ઉંમરના એક લાખથી પણ વધારે બાળકો ટાઈપ-૧ ડાયાબિટીસ ધરાવતા હોવાનો અંદાજ છે. ડાયાબિટીસ બે પ્રકારના હોય છે. ટાઈપ-૧ અને ટાઈપ-૨.

સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન નામનું હોર્મોન પૂરતા પ્રમાણમાં પેદા ના થાય ત્યારે વ્યક્તિ ટાઈપ-૧ ડાયાબિટીસનો ભોગ બને છે. શરીર ઈન્સ્યુલિનની મદદથી લોહીમાં રહેલું ગ્લુકોઝ ઓગાળીને કાર્બોહાઇડ્રેટ, ચરબી અને પ્રોટીનનું સંતુલન જાળવી રાખે છે. આ સિસ્ટમ ખોરવાય એટલે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય અને ડાયાબિટીસ થાય છે. આ વાત તો મેડિકલ સાયન્સ જાણે છે, પરંતુ આ સિસ્ટમ કેમ ખોરવાય છે એ હજુ સુધી વિજ્ઞાાન નથી જાણતું. ડાયાબિટીસને જડમૂળમાંથી નિર્મૂળ કરી નાંખે એવી દવા શોધવા એ જાણવું જરૂરી છે. મેડિકલ સાયન્સને શંકા છે કે, વારસામાં મળતી કોઈ જનીનિક ખામીના કારણે આ રોગ થતો હોઈ શકે! એ જનીનો ઓળખવા માટેના સંશોધનો ચાલુ જ છે. ડાયાબિટીસ ટાઈપ-૧ની કોઈ દવા નથી. આ રોગ ફક્ત ઈન્સ્યુલિન થેરેપી અને ડાયાબિટીક ડાયેટ જેવા નુસખાથી વકરતો અટકાવી શકાય છે. જોકે, શરીરને બહારથી ઈન્સ્યુલિન આપવાના કારણે અનેક દર્દીઓમાં કુદરતી રીતે ગ્લુકોઝ બનવાની સિસ્ટમમાં ભંગાણ પડે છે. આવું થાય ત્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જોઈએ એના કરતા પણ ઘટી જાય છે અને ડાયાબિટીસનો દર્દી લૉ બ્લડ પ્રેશરનો પણ ભોગ બને છે.  

હવે ડાયાબિટીસ ટાઈટ-૨ની વાત કરીએ. સ્વાદુપિંડમાં પેદા થતાં ઈન્સ્યુલિનનો શરીર યોગ્ય રીતે ઉપયોગ ના કરી શકે ત્યારે પણ લોહીમાં ગ્લુકોઝ-સુગરનું પ્રમાણ વધી જાય છે. આ રોગ ડાયાબિટીસ ટાઈપ-૨ તરીકે ઓળખાય છે. ટાઈપ-૨ ડાયાબિટીસ ચયાપચયની પ્રક્રિયા ખોરવાઈ (મેટાબોલિક ડિસઓર્ડર) જવાના કારણે થતો રોગ છે. થોડા વર્ષો પહેલાં ટાઈપ-૨ ડાયાબિટીસ ફક્ત પુખ્તવયના લોકોમાં જ જોવા મળતો, પરંતુ હવે આ બિમારી બાળકોમાં પણ દેખાવા લાગી છે. દુનિયામાં મોટા ભાગના ડાયાબિટીસના દર્દીઓ ટાઈપ-૨ ડાયાબિટીસ ધરાવે છે. આ રોગ પોષકણયુક્ત આહાર, કસરત અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને કાબૂમાં લઈ શકાય છે. અરે, જડમૂળથી નીકળી ગયો હોય એવા પણ દાખલા નોંધાયા છે.

દુનિયામાં ૧૯૬૦ પછી મેદસ્વીપણા અને ટાઈપ-૨ ડાયાબિટીસથી પીડાતા લોકોની સંખ્યા સમાંતરે વધી છે. અમેરિકા અને યુરોપના વિકસિત દેશોની વાત તો અલગ છે, પરંતુ ભારતમાં તો આ સ્થિતિમાંય તેલ-મરીમસાલા અને ખાંડથી ભરપૂર વાનગીઓ તેમજ સોફ્ટ ડ્રિંક્સનું વેચાણ પણ સતત વધી રહ્યું છે. આ પ્રકારના ખાદ્યોમાં કેલરી ઊંચી અને પોષક દ્રવ્યો ઓછા હોય છે. વળી, ભારતમાં યુવાનોની વસતી વધારે હોવા છતાં, અમેરિકા અને યુરોપિયન દેશોથી ઉલટું, સ્પોર્ટ્સ અને ફિટનેસ કલ્ચરનો સંપૂર્ણ અભાવ છે. વસતીના પ્રમાણમાં મેદાનો અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સંખ્યા પણ નહીં બરાબર છે. આ સ્થિતિમાં મોટા ભાગના યુવાનો બાળપણથી જ ક્વૉલિટી ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ અને હાર્ડકોર ફિઝિકલ એક્ટિવિટીથી વંચિત રહી જાય છે.

કોઈ પણ રોગ સામે લડવા દવા જેટલી જ જરૂ'અવરેનેસ'ની પણ છે. ભારતમાં મેલેરિયા, કોલેરા, એઇડ્સ, ટીબી, ડેન્ગ્યૂ, ચિકનગુનિયાથી બચવા માટે સરકારે નાના-મોટા અભિયાનો છેડીને જાહેર આરોગ્યની સ્થિતિ સુધારવાના સફળ પ્રયાસ કર્યા જ છે, પરંતુ ડાયાબિટીસને લઈને લોકો જાગૃત થાય એ માટે સરકારી રાહે રાષ્ટ્રીય સ્તરનું અભિયાન નથી છેડાયું. છેલ્લાં એકાદ દાયકામાં જે કોઈ નાના-મોટા અભિયાનો થયા છે એ અપૂરતા છે, તેની પહોંચ ઓછી છે અને એ પ્રયાસો ખાનગી ધોરણે અને સ્વૈચ્છિક સંસ્થાઓએ કર્યા છે, સરકારે નહીં. કેરળમાં તો ડાયાબિટીસ સામે લડવા ફેટ ટેક્સ લાગુ કરાયો હતો. યુકેમાં પણ સરકારે ડાયાબિટીસને કાબૂમાં લેવા ગળી વાનગીઓ અને પીણાં પર સુગર ટેક્સ ઝીંક્યો છે, પરંતુ ભારતમાં આ પ્રકારના કરવેરા ઝીંકવાથી જાહેર આરોગ્યમાં સુધારો થશે એવું માનવું અઘરું છે.

હાલ વિશ્વમાં ડાયાબિટીસના કુલ ૪૨.૨૦ કરોડ દર્દી છે, જેમાંથી અડધાથી વધુ તો ચીન, ભારત, અમેરિકા, બ્રાઝિલ અને ઈન્ડોનેશિયામાં જ છે. બીજો પણ એક યોગાનુયોગ જુઓ. દુનિયામાં સૌથી વધારે શેરડી પકવતા ટોપ-૧૦ દેશોમાં પણ આ પાંચેય દેશોનો સમાવેશ થાય છે. આ તમામ દેશોમાં ખાંડ સસ્તી છે, સરળ રીતે ઉપલબ્ધ છે અને ખાંડથી ભરપૂર વાનગીઓની બોલબાલા છે. મેડિકલ સાયન્સ કહે છે કે, માનવ શરીરને ખાંડની જરૂર જ નથી.

તો પછી માણસજાતના ડાયેટ પર ખાંડનું આક્રમણ થયું કેવી રીતે? એ વાત ફરી ક્યારેક.

No comments:

Post a Comment