22 August, 2018

૪૨ને ફાંસી, ૧૧૪ને 'સજા એ કાલાપાની' અને...


ભારતને બ્રિટીશ રાજમાંથી મુક્ત કરાવવા ગદર પાર્ટીના સભ્યોએ અમેરિકાની ધરતી પર ગુપ્ત યોજના  ઘડી હતી. જોકે, થોડા સમયમાં આ કાવતરાનો પર્દાફાશ થઈ ગયો, અને, બ્રિટીશ રાજના દબાણ પછી અમેરિકન સરકારે ૨૦મી નવેમ્બર, ૧૯૧૭ના રોજ ૧૭ ક્રાંતિકારીને જેલની સજા ફટકારી. હિંદુસ્તાનને ગુલામીની જંજીરોમાંથી છોડાવવાનો એ પ્રયાસ નિષ્ફળ રહ્યો, પરંતુ ક્રાંતિકારીઓના એ અભૂતપૂર્વ કારનામાએ ભારતમાં બીજા હજારો ક્રાંતિકારીઓને બ્રિટીશ રાજ સામે શિંગડા ભરાવવાની પ્રેરણા આપી હતી.

ગયા અઠવાડિયે આપણે આ કોલમમાં એ કાવતરું ક્યારે, કેવા સંજોગોમાં, કોણે ઘડ્યું હતું અને એ 'ગુના' બદલ કોને સજા થઈ હતી એ વિશે વિગતે વાત કરી. આજે ઈતિહાસના એ ગૂમનામ પ્રકરણ વિશે બીજી થોડી વાત.

અમેરિકામાં ચાંપેલી આગ ભારત પહોંચી

અમેરિકામાં ઘડેલા કાવતરા પ્રમાણે ગદર પાર્ટીના અનેક અગ્રણી નેતાઓ ભારત આવી ગયા હતા. તેઓ બેઠકો, ભાષણો, સાહિત્ય સર્જન અને તેનું વિતરણ તેમજ પત્રવ્યવહાર કરીને બીજા યુવાનોને પણ બ્રિટીશ રાજ સામે શસ્ત્રો ઊઠાવવાની પ્રેરણા આપતા. આ ઉપરાંત તેમણે કેનેડા, મેક્સિકો, જાપાન, ચીન, સિંગાપોર, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, મલેશિયા અને આફ્રિકન દેશોમાં સ્થાયી થયેલા હજારો ભારતીય યુવાનોને પણ  બ્રિટીશરો સામે યુદ્ધ છેડવા ભારત આવી જવા પ્રોત્સાહિત કરવાનું મહત્ત્વનું કામ કર્યું હતું. આ દરમિયાન ક્રાંતિકારી નેતાઓએ બ્રિટીશ સેનામાં ફરજ બજાવતા ભારતીય સૈનિકોની ઉશ્કેરણી કરવાની યોજના પણ અમલમાં મૂકી હતી. આ ઉશ્કેરણીના કારણે જ બ્રિટીશ સેનાની અનેક છાવણીઓમાં મોટા પાયે ભાંગફોડ થઈ હતી.


સોહન સિંહ ભકના (જમણેથી બીજા) ૧૯૩૮માં ૬૮ વર્ષની ઉંમરે પંજાબના
અમૃતસર રેલવે સ્ટેશન પર બ્રિટીશ પોલીસના હાથે ઝડપાયા ત્યારે 

કરતાર સિંહ સરાભા અને ભગત સિંહ

અમેરિકન કાયદાની છટકબારીઓના કારણે સેન ફ્રાન્સિસ્કોમાં સ્થાયી થયેલા ક્રાંતિકારીઓ ઘણો લાંબો સમય સુધી બચવામાં સફળ રહ્યા, અને, પકડાયા પછી પણ તેમને વધુમાં વધુ બે વર્ષની જેલ થઈ. જોકે, ભારતમાં તો બ્રિટીશરોનું રાજ હતું. અમેરિકન સરકાર ક્રાંતિકારીઓ વિરુદ્ધ પગલાં લે એ પહેલાં બ્રિટીશ પોલીસે ભારતમાં ૨૯૧ 'કાવતરાખોર'ની ધરપકડ કરી લીધી હતી. આ તમામ સામે સંખ્યાબંધ આરોપો મૂકાયા, જેની સુનવણી ૧૯૧૫માં ૧૩થી ૨૪ સપ્ટેમ્બર સુધી કુલ ૧૨ દિવસ ચાલી. તમામ ક્રાંતિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં બ્રિટીશરોએ કોઈ કસર ના છોડી, જેમાં ૨૯૧ ક્રાંતિકારી પૈકી ૪૨ને ફાંસી, ૧૧૪ને આંદામાનની જેલમાં 'સજા એ કાલાપાની' અને ૯૩ને નાની-મોટી જેલની સજા ફટકારાઈ. અમુક લોકો નિર્દોષ પણ છૂટ્યા. આ કેસની તપાસ માટે લાહોરમાં ખાસ પંચ નિમાયું હતું, જેથી આ ઘટના ક્રમ ઈતિહાસમાં ‘લાહોર કોન્સ્પિરેસી કેસ ટ્રાયલ’ તરીકે દર્જ થયેલો છે.

લાહોરમાં ફાંસીની સજા પામનારા ૪૨ ક્રાંતિકારીઓમાં વિષ્ણુ ગણેશ પીંગળે, કરતાર સિંહ સરાભા, હમાર સિંઘ સિઆલકોટી, બક્ષિશ સિંઘ, ભાઈ બલવંત સિંઘ, બાબુ રામ, હરમામ સિંઘ, હાફિઝ અબ્દુલ્લા અને રૂર સિંઘ જેવા અગ્રણી યુવા નેતાઓનો પણ સમાવેશ થતો હતો. આ દરમિયાન બનારસ, સિમલા, દિલ્હી અને ફિરોઝપુરમાં પણ નાના-મોટા કાવતરાનો બ્રિટીશરોએ પર્દાફાશ કર્યો, ધરપકડો કરી અને ક્રાંતિકારીઓને આકરામાં આકરી સજા સંભળાવી. એક થિયરી પ્રમાણે, ગદર પાર્ટીએ ચાંપેલી આગ આખા હિંદુસ્તાનમાં ભડકી ઉઠશે એવા ડરના કારણે જ પંજાબમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ સર્જાયો હતો.

ભગત સિંહ ખિસ્સામાં કોની તસવીર રાખતા?

આ ક્રાંતિકારીઓ સામે લાહોરમાં સુનવણી ચાલતી હતી ત્યારે કરતાર સિંઘ સરાભાએ અદાલતમાં બ્રિટીશ રાજના અન્યાય સામે છટાદાર અને જુસ્સાભેર ભાષામાં આક્રમક રજૂઆતો કરી. એ વખતે તેમની ઉંમર હતી, ફક્ત ૧૯ વર્ષ. તેઓ પણ ગદર પાર્ટીના સભ્યોએ ઘડેલા કાવતરાનો અમલ કરવા સેન ફ્રાન્સિસ્કોથી ભારત પરત ફર્યા હતા. કરતાર સિંઘ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા, પરંતુ દેશભક્તિના રંગે રંગાયેલા એ પંજાબી યુવકે માંડ ૧૭ વર્ષની ઉંમરે અગ્રણી ક્રાંતિકારીઓ સાથે મળીને ગદર પાર્ટીની સ્થાપનામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એ ટીમમાં તેઓ સૌથી નાના હોવાથી ગદર પાર્ટીના પહેલા પ્રમુખ અને સ્થાપક સભ્ય સોહન સિંઘ ભકના તેમને લાડમાં 'બાબા જનરલ' કહેતા હતા. લાહોર પંચની તપાસમાં સોહન સિંઘ ભકનાને પણ ફાંસીની સજા ફટકારાઈ હતી, જે પાછળથી જનમટીપમાં પરિવર્તિત થઈ હતી.
૨૪મી માર્ચ, ૧૯૧૪ના રોજ પ્રસિદ્ધ ‘હિંદુસ્તાન ગદર’ની ઉર્દૂ આવૃત્તિ,
જેની નીચે વાંચી શકાય છેઃ અંગ્રેજી રાજ કા દુશ્મન
૧૯૧૬માં પંજાબી ભાષામાં પ્રકાશિત ‘ગદર દી ગુંજ’

ગદર પાર્ટી દ્વારા 'હિંદુસ્તાન ગદર' નામનું એક અઠવાડિક અખબાર પણ પ્રકાશિત કરાતું. આ અખબારના નામ નીચે એક લટકણિયું મૂકાતું, 'અંગ્રેજી રાજ કા દુશ્મન'. કરતાર સિંઘે કિશોરવયે જ તેની પંજાબી આવૃત્તિનું તંત્રીપદ સંભાળી લીધું હતું, જેમાં તેઓ દેશદાઝથી છલોછલ કવિતાઓ અને લેખો લખતા. આ અખબારમાં નાટ્યાત્મક શૈલીમાં 'ગદર' ઉર્ફે 'ક્રાંતિ'ની જાહેરો ખબર પણ છપાતી. વાંચો એક ઉદાહરણઃ ગદરે ભારતમાં ક્રાંતિ જાહેર કરી છે. જોઈએ છેઃ બહાદુર સૈનિકો. પગારઃ સજા એ મૌત, વળતરઃ શહીદી, પેન્શનઃ આઝાદી અને યુદ્ધનું મેદાનઃ ભારત. હવે ખૂબ ઓછા સમયમાં પેન અને શાહીનું સ્થાન બંદૂકો અને લોહી લેશે... 

ભગત સિંહની ધરપકડ થઈ ત્યારે તેમના ખિસ્સામાંથી કરતાર સિંઘની તસવીર મળી હતી. ભગત સિંઘના માતાએ કહ્યું હતું કે, મારો પુત્ર ઘણીવાર મને એ તસવીર બતાવીને કહેતો કે, વ્હાલી મા, આ જ મારો અસલી હીરો, મિત્ર અને સાથીદાર છે... 'ગદર' અખબારને 'ગેરકાયદે' રીતે દુનિયાભરમાં પહોંચાડવામાં પણ કરતાર સિંઘે જબરદસ્ત આયોજનો કર્યા હતા. 



આ અખબારની ઉર્દૂ
, હિંદી, બંગાળી, પશ્તુ અને ગુજરાતી આવૃત્તિ પણ પ્રસિદ્ધ થતી. 'ગદર'ની ગુજરાતી આવૃત્તિનું સુકાન એક કચ્છી ગુજરાતી ક્રાંતિકારી સંભાળતા હતા. એમનું નામ છગન ખેરાજ વર્મા. કમનસીબે, આજેય આપણી પાસે તેમના વિશે ખાસ કોઈ જાણકારી નથી, પરંતુ જાણીતા ઈતિહાસકાર વિષ્ણુ પંડ્યાએ સખત મહેનત કરીને છગન ખેરાજ વર્મા વિશે ઘણી અધિકૃતિ (એક તસવીર સહિત) માહિતી ભેગી કરી છે. ગદર પાર્ટીના સભ્યો સમાજવાદ, દેશપ્રેમ અને ક્રાંતિકારી સાહિત્યના ફેલાવા માટે ‘ગદર દી ગુંજ’ અને ‘તલવાર’ જેવા ચોપાનિયા-પત્રિકાઓ પણ પ્રસિદ્ધ કરતા હતા. 

ગદર પાર્ટીની રચનામાં ગુજરાતીની ભૂમિકા

અમેરિકામાં ગદર પાર્ટીની સ્થાપના ૧૯૧૩માં થઈ હતી. જોકે, એના ઘણાં સમય પહેલાં વિદેશી ધરતી પર  બ્રિટીશ રાજ વિરોધી સંસ્થાકીય પ્રવૃત્તિ શરૂ થઈ હતી. વિદેશમાં બ્રિટીશ વિરોધી 'રાષ્ટ્રવાદ'નો પાયો નાંખવામાં મૂળ કચ્છના શ્યામજી કૃષ્ણ વર્માનું નામ પહેલી હરોળમાં મૂકવું પડે. ભારતને સ્વરાજ અપાવવાના હેતુથી તેમણે લંડનમાં ૧૯૦૫માં 'ઈન્ડિયન હોમ રૂલ સોસાયટી' સ્થાપી હતી. આ સોસાયટીએ લંડનમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ રહી શકે એ માટે 'ઈન્ડિયા હાઉસ' રૂ કર્યું હતું. શ્યામજી કૃષ્ણ વર્મા 'ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' નામની એક જર્નલ પણ પ્રકાશિત કરતા. તેમની સોસાયટીને મેડમ ભીકાઇજી કામા, દાદાભાઇ નવરોજી, સરદારસિંહ રાવજી રાણા, વીર સાવરકર, વી. એન. ચેટરજી, લાલા હરદયાલ અને મદન લાલ ધીંગરા જેવા અનેક આક્રમક નેતાઓનો સાથ હતો.


શ્યામજી કૃષ્ણ વર્મા અને મદનલાલ ધીંગરા

‘ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ’નો સપ્ટેમ્બર ૧૯૦૮નો અંક, જેના કવરપેજ પર
મદનલાલ ધીંગરા (ક્લોકવાઈઝ), વી. વી. સુબ્રમણ્યમ ઐયર, વીર સાવરકર,
પાંડુરંગ મહાદેવ બાપટ, મોડ ગોન મેકબ્રાઈટ (ક્રાંતિકારી આઈરિશ મહિલા),
એમ.પી. તિરુમાલ આચાર્ય, અનંત લક્ષ્મણ કનહરે અને સી. પી. વેંકટ
જેવા જુવાળવાદી નેતાઓની તસવીર પ્રકાશિત કરાઈ હતી 

સેન ફ્રાન્સિસ્કોમાં આવેલા ગદર પાર્ટીના વડા મથક  યુગાંતર આશ્રમની 
૧૯૫૧માં ટી.એસ. સીબિયા નામના ફોટોગ્રાફરે લીધેલી તસવીર 

ધીંગરાએ લંડનમાં બ્રિટીશ ભારતીય લશ્કરી અધિકારી વિલિયમ હુટ કર્ઝન વેઇલીની હત્યા કરતા સ્કોટલેન્ડ યાર્ડે હોમ રૂલ સોસાયટી સાથે સંકળાયેલા નેતાઓ પર ધોંસ બોલાવી હતી. એ પછી અનેક નેતાઓ ફ્રાંસ અને જર્મની જેવા દેશોમાં જતા રહ્યા. એવું કહેવાય છે કે, ધીંગરાએ કરેલી હત્યા એ ભારતના સ્વાતંત્ર્ય આંદોલનનું પહેલું ક્રાંતિકારી પગલું હતું. આ ઘટના પછી ૧૯૧૦ સુધી હોમ રૂલ સોસાયટીની પ્રવૃત્તિઓનો તબક્કાવાર અંત આવ્યો, પરંતુ એ પહેલાં શ્યામજી કૃષ્ણ વર્માનો ભેટો લાલા હરદયાલ અને અબ્દુલ હાફિઝ મોહમ્મદ બરકતુલ્લાહ જેવા નેતાઓ સાથે થઈ ગયો હતો. બરકતુલ્લાહે તો ઈન્ડિયન હોમ રૂલ સોસાયટીની તર્જ પર ન્યૂ યોર્કમાં પાન આર્યન એસોસિયેશનની પણ સ્થાપના કરી હતી.

એવી જ રીતે, તારકનાથ દાસ ન્યૂ યોર્કમાં 'ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ'ની મિરર ઈમેજ જેવી 'ફ્રી હિંદુસ્તાન' નામની જર્નલ પ્રકાશિત કરતા હતા. શ્યામજી કૃષ્ણ વર્માથી પ્રેરિત આવા અનેક યુવાનો બાદમાં ગદર પાર્ટીના અગ્રણી નેતાઓ તરીકે ઊભર્યા. વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પાસેથી ફંડ ઉઘરાવીને આશરે બત્રીસેક ક્રાંતિકારીઓએ સેન ફ્રાન્સિસ્કોની હિલ સ્ટ્રીટમાં ‘યુગાંતર આશ્રમ’ની સ્થાપના કરીને ગદર પાર્ટીની શરૂઆત કરી હતી. 

***  

ગદર પાર્ટી સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક હતી. ગદરના સભ્યોએ જાહેર કર્યું હતું કે, અમારો ધર્મ ફક્ત એક જ છે, દેશપ્રેમ. આ પાર્ટીના સ્થાપક મંડળમાં મંગુરામ મુગોવાલિયા નામના એક દલિત યુવાન પણ હતા, જે પાછળથી પંજાબના અગ્રણી દલિત નેતા તરીકે લોકપ્રિય થયા હતા. આઝાદીના આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ ઈન્દિરા ગાંધીએ તેમનું સન્માન કરીને પેન્શન જાહેર કર્યું હતું.

ઈતિહાસકારોના મતે, ગદર પાર્ટીએ કરેલા આંદોલનને કોઈ જ એક જ વ્યક્તિ કે સંસ્થાનું કેન્દ્રિય નેતૃત્વ ન હતું. દુનિયાભરમાંથી ભારત આવેલા ક્રાંતિકારીઓ પોતપોતાના જૂથોમાં આક્રમક રીતે સક્રિય જરૂર હતા, પરંતુ તેઓ એક હોવા છતાં તેમની પ્રવૃત્તિઓ એકજૂટ ન હતી. ક્રાંતિકારીઓ દ્વારા કરાતી છુટીછવાઈ ભાંગફોડની બ્રિટીશરો પર ખાસ કોઈ અસર નહોતી થતી. આ ઉપરાંત ગદર આંદોલનના એપિસેન્ટર ગણાતા પંજાબ અને બંગાળ જેવા પ્રદેશોમાં લાખો લોકો બ્રિટીશ રાજની કૃષિલક્ષી નીતિઓથી ખુશ હતા. બ્રિટીશ સેનામાં પણ બ્રિટીશ રાજ તરફી ભારતીય સૈનિકો હતા. આ લોકોએ 'ગદર'ને નિષ્ફળ બનાવવા બ્રિટીશ રાજના જાસૂસો તરીકે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

નોંધઃ આ લેખનો ભાગ-૧ અહીં 

1 comment: