Showing posts with label Travel. Show all posts
Showing posts with label Travel. Show all posts

19 January, 2021

સેનાની એક પોસ્ટ દેખાઈ અને અમારી જાન બચી ગઈ


કાશ્મીર ખીણમાં ઈન્ડિયન આર્મીની પોસ્ટ નજીક પહોંચો ત્યારે પૂછવામાં આવે એટલું જ બોલો, આઈડી માંગે તો બતાવો, બહુ ફ્રેન્ડ્લી થવાની કોશિષ ના કરો. એ વાત કરે તો ઠીક છે, નહીં તો સલામ મારીને ચાલતી પકડો અને કેમેરા ભૂલથીયે ના કાઢો...

***

મેહુલને જોતા જ હું એલર્ટ થઈ ગયો કારણ કે, તેની સામે હું મજબૂત દેખાવા માંગતો હતો. મારી નકારાત્મક અસર બીજા પર થાય એવી સ્થિતિ હું સર્જવા નહોતો માંગતો. મેં મેહુલને કહ્યું, બહુ ઠંડી લાગે છે યાર, અને ભૂખ પણ લાગી છે. ચલ, અહીં તો ચોકલેટ્સ ખાઈ જ લઈએ. આટલું બોલીને મેં રકસેકમાંથી હાઈ કેલરી હોમ મેડ ચોકલેટ્સ કાઢી. એ ચોકલેટ્સ પણ મેહુલની વાઈફે જ બનાવી હતી. ચોકલેટ્સ ખાઈને ફરી અમે ચાલવાનું ચાલુ કર્યું. રણપ્રદેશ જેવા એ લીલાછમ અફાટ મેદાનનો અંત હજુયે નજીક દેખાતો ન હતો. અમને ખબર હતી કે, આ રૂટ પર ઈન્ડિયન આર્મીની પોસ્ટ આવશે. એટલે અમારી નજર દૂર દૂર સુધી ત્રિરંગો શોધી રહી હતી, પરંતુ વરસાદ, ધુમ્મસ અને થાકના કારણે અમે માનસિક સંતુલન સાધીને દૂર સુધી જોઈ પણ શકતા ન હતા.

આ સ્થિતિમાં અમે હારી-થાકીને ચાલતા હતા, ત્યાં જ અચાનક ઈન્ડિયન આર્મીની એક પોસ્ટ દેખાઈ. એ પોસ્ટ જાણે અમારો રસ્તો રોકવા જ જમીનમાંથી બહાર આવી હોય એવો અમને અનુભવ થયો. અમારામાં સ્ફૂર્તિ આવી અને અમે ઝડપથી પોસ્ટ સુધી પહોંચી ગયા. પોસ્ટ બહાર ભારતીય સેનાનો એક જવાન ઊભો હતો. તેણે અમને કહ્યું, ‘કમ ઓન, આજા આજા, અંદર આજા...’ સામાન્ય રીતે, કાશ્મીર વેલી એરિયામાં તહેનાત ભારતીય સેનાનો એકેય જવાન ટ્રેકર્સ કે લોકલ્સ સાથે ફ્રેન્ડ્લી બિહેવ નથી કરતો. ટ્રેકર્સને પણ સલાહ અપાય છે કે, ઈન્ડિયન આર્મીની પોસ્ટ નજીક પહોંચો ત્યારે તમને પૂછવામાં આવે એટલું જ બોલો, આઈડી માંગે તો બતાવી દો, બહુ ફ્રેન્ડ્લી થવાની કોશિષ ના કરો, એ કંઈ વાત કરે તો ઠીક છે, નહીં તો સલામ મારીને ચાલતી પકડો અને કેમેરા કાઢીને ફોટોગ્રાફ્સ તો ભૂલથીયે ક્લિક ના કરો...

આ સલાહ મને બરાબર યાદ હતી. જોકે, અહીં તો જવાન સામેથી અમને અંદર બોલાવી રહ્યો હતો. અમારી હાલત જોઈને કદાચ તેને દયા આવી હશે! એ જવાનનું આમંત્રણ મળતા જ અમે સીધા પોસ્ટમાં ઘૂસ્યા. અંદર નજર કરતા જ ખબર પડી કે, ત્યાં અમારા ગાઇડ અશફાકની સાથે રાહુલ, નિશી અને લક્ષ્મીનાથને પણ અંદર ઊભા રહેવાની મંજૂરી અપાઈ છે. એ બધા અમારા ગ્રૂપના જ ટ્રેકર હતા. એ જ લોકોએ પેલા જવાનને કહ્યું હતું કે, બીજા બે ટ્રેકર પાછળ આવી રહ્યા છે. આશરે ચાર બાય ચાર ફૂટની એ પોસ્ટમાં એક જવાન સહિત અમે સાત જણાં ઊભા હતા અને છતાં ઠંડીથી થર થર કાંપી રહ્યા હતા. અમારો સુપરફિટ કાશ્મીરી ગાઈડ અશફાક પણ તેમાંથી બાકાત ન  હતો.



હિમાલયના લીલાછમ અફાટ મેદાનો અને તેના સરોવરોના સૌંદર્યને ઘૂંટડે ઘૂંટડે માણીને આગળ વધી રહેલા ટ્રેકર્સ.  

એ વખતે બીજો એક જવાન આર્મી પોસ્ટ નજીક બનાવેલી ખોલીમાંથી એક બોટલ લઈ આવ્યો. ના, તમે વિચારો છો એવું ન હતું. એ કેરોસીનની બોટલ હતી. તે ખાસ અમારા માટે કેરોસીન લેવા પોસ્ટની સામે બનાવેલા એક બંકર જેવા સ્ટોરમાં ગયો હતો. એ કેરોસીનથી એક જવાને પ્રાયમસ સળગાવ્યો અને અમારા બધાની વચ્ચે મૂક્યો. નાનકડી ખોલીમાં ભડભડ જ્વાળાઓ ફેંકી રહેલા પ્રાયમસની આસપાસ સાત-આઠ જણા ઊભા હોવા છતાં અમે સખત અને સતત ધ્રુજતા હતા. અમે પ્રાયમસની આગમાં હાથ નાંખતા હતા ત્યારે એક જવાને અમને ટોક્યા પણ ખરા. છેવટે અશફાકે બધા જ ટ્રેકરને નજીક આવવાનું કહી પોતાનું જેકેટ કાઢ્યું અને તેનાથી બધાના માથા કવર કરીને ગરમી આપવાનો પ્રયાસ કર્યો. થોડીવાર પછી અમે રાહત અનુભવી અને બહાર વરસાદ પણ બંધ થઈ ગયો હતો.

ત્યાં જ એક જવાને કહ્યું, ‘અભી આપ નીકલ જાઓ, બારિશ ભી રૂક ગઈ હૈ. જલદી સે બેઝ કેમ્પ તક કા ડિસ્ટન્સ કવર કર લો.’ અમે બધા જ અત્યંત ઈમોશનલ થઈ ગયા હતા. જવાનોનો કેવી રીતે આભાર માનવો એ ખબર પડતી ન હતી. બધાની આંખ ભીની હતી. ત્યાં જ રાહુલ નામનો એક કોલેજિયન જવાનના પગમાં જ પડી ગયો. વરસાદના કારણે અનેક ટ્રેકરની ધીરજ ખૂટી ગઈ હતી. રાહુલ પણ તેમાંનો જ એક હતો. હિમાલયની હાડમારીઓમાં તેણે માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. જોકે, જવાને તેને તરત જ ઊભો કરીને કહ્યું કે, ‘અરે યાર, હમે શરમાઓ મત. જાઓ ચલો અબ આગે નીકલો. બારિશ રૂક ગઈ હૈ...’

અમે પણ પોસ્ટમાંથી જવાનોનો આભાર માની ફરી એકવાર ચાલવાનું શરૂ કર્યું. આશરે દોઢ-બે કલાકની થકવી નાંખતી સફર પછીયે બેઝ કેમ્પ દેખાતો ન હતો. હવે મારી સાથે રાહુલ અને નિશી હતા, જ્યારે બાકીના ટ્રેકર પાછળ હતા. આ દરમિયાન રસ્તામાં અમને લોકલ કાશ્મીરી ટ્રેકર્સનું એક ગ્રૂપ મળ્યું, એ બધા પણ ડેરા-તંબૂ સાથે લઈને ટ્રેક કરવા જ નીકળ્યા હતા. અમારી સાથે થોડી વાતચીત કર્યા પછી એ ગ્રૂપમાંના એક યુવકે મને પૂછ્યું ‘સુબહ સે બારિશ મેં નીકલે હો તો ભૂખ લગી હોગી, સહી ના?’ મેં કહ્યું, ‘હા. બહોત ભૂખ લગી હૈ, લેકિન હમે પહેલે બેઝ કેમ્પ તક પહુંચના હૈ. હમારે પાસ પિછલે બેઝ કેમ્પ કા પેક ફૂડ ભી હૈ, લેકિન ઠંડ કી વજહ સે વો અબ ખાને લાયક નહીં રહા’

આ વાત સાંભળીને તેણે હસીને કહ્યું ‘હમારે પાસ થોડા ખાના હૈ. બહોત નહીં હૈ, લેકિન જિતના ભી હૈ વો મિલ બાંટ કે ખાયેંગે.’ આટલું બોલીને તેમણે રકસેકમાંથી ડ્રાયફ્રૂટ્સ અને ચોકલેટ્સ કાઢીને અમને ઓફર કર્યા. તેમણે જે કંઈ અમને આપ્યું એ અમે હાથમાં લીધું, પરંતુ આ શું? હું, રાહુલ કે નિશી ડ્રાયફ્રૂટ્સ આંગળીમાં પકડીને ખાઈ પણ ના શક્યા. ચોકલેટનું રેપર પણ નીકળતું ન હતું કારણ કે, સતત ઠંડા પાણીના મારના કારણે અમારી આંગળીઓ થીજીને કડક થઈ ગઈ હતી અને કોણીથી હાથ વળવામાં પણ મુશ્કેલી પડતી હતી. અમે હથેળીઓ ઘસવાનું ચાલુ કર્યું અને થોડી વાર પછી એકબીજાને ખવડાવ્યું. કેલરી લઈને અમે ફરી ઝડપથી ચાલવાનું શરૂ કર્યું. ત્યાં થોડી વારમાં બીજી એક મુશ્કેલી આવી. અમે માંડ થોડા આગળ વધ્યા ત્યાં અમારા જ ગ્રૂપની નિકીતા નામની એક ટ્રેકર રસ્તામાં મળી. ખડકાળ જમીનમાં માનસિક સંતુલન નહીં રહેવાના કારણે તેના દાંત વચ્ચે જીભ આવી ગઈ હતી. એ વખતે અમારા ગાઈડે તેને ખભા પર ઊચકીને થોડો રસ્તો પાર કરાવ્યો.


રસ્તામાં દેખાયેલા અખરોટના વૃક્ષો (ઈનસેટ તસવીરમાં લીલા કોચલામાં દેખાતું અખરોટ), જ્યારે બીજી તસવીરોમાં હિમાલયના ઝરણાંનું પાણી પીને તરસ છીપાવતો હું.

એ પછીનું કામ અમારા ટીનએજર ગાઇડ અશફાકે સંભાળી લીધું. અમારા ગ્રૂપના બધા જ ટ્રેકરને સહીસલામત બેઝ કેમ્પ સુધી પહોંચાડવામાં અશફાકનો રોલ ખૂબ જ મહત્ત્વનો હતો. હું તેને બહુ સવાલો પૂછતો. આ ઉપરાંત હું તેને તકલીફ ના પડે એનું ધ્યાન રાખતો કારણ કે, તેણે મેહુલને ટ્રેક પૂરો કરવામાં પણ ખૂબ મદદ કરી હતી. અમારી ઉંમરમાં ઘણો ફર્ક હતો, પરંતુ અમારી દોસ્તી જામી ગઈ હતી. પહાડો પર એ મારો ‘પાર્ટનર ઈન ક્રાઈમ’ હતો. એક અઘરા રૂટ પર અશફાકે એક સિનિયર સિટીઝનને પીઠ પર ઊંચકીને રસ્તો ક્રોસ કરાવ્યો હતો. તેઓ પાછા જઈ શકે એમ નહીં હોવાથી અશફાકે એ નિર્ણય લીધો હતો. એકવાર તેણે મને વાતવાતમાં કહ્યું હતું કે, મેરા કામ કિસી કો ઉઠા કે ટ્રેક પૂરા કરાના નહીં હૈ, ગાઈડ કા કામ સિર્ફ આગે આગે ચલકે ટ્રેકર્સ કો રાસ્તા દિખાના ઓર છોટી-મોટી હેલ્પ કરના હૈ. ફિર ભી, કોઈ ઈન્સાન પીછે છુટના નહીં ચાહિયે, હમારી જિમ્મેવારી હૈ, સબકો સાથ લેકે ચલને કી. યહી તો ઈન્સાનિયત હૈ...

અશફાક ડૉક્ટર બનવા માંગતો હતો અને ફક્ત પોકેટ મની માટે ટ્રેકિંગ ગાઈડ તરીકે કામ કરતો હતો. જોકે, તેને સારા માઉન્ટેઇનિયર બનવાની પણ લાલચ હતી. એટલે તેણે આ કામ પસંદ કર્યું હતું. આશરે 12 કિલોમીટરનો ટ્રેક કરીને અમે 11860 ફૂટની ઊંચાઈએ આવેલા સતસર બેઝ કેમ્પ પહોંચ્યા ત્યાં સુધી અશફાક સાથે ઘણી વાતો થઈ. સતસરમાં અમારા કેમ્પ લીડર ભાવનગરના એક ગુજરાતી હતા, રાવલ સાહેબ. એ દિવસે મારા દોસ્ત નીશિતને ગુલાબજાંબુ ખાવાની ઈચ્છા થયા કરતી હતી, અને, રાવલ સાહેબે ટ્રેકર્સ માટે ખરેખર ગુલાબજાંબુ બનાવડાવ્યા હતા. ધેટ વોઝ મોસ્ટ શૉકિંગ મોમેન્ટ ઓફ હૉલ ટ્રેક.

તમે સમજી શકો છો, અમે કેટલા ખુશ થયા હોઈશું! થાકેલા-પાકેલા અને ભૂખ્યા ડાંસ ટ્રેકર્સને રાવલ સાહેબે ગુલાબજાંબુ બનાવ્યા હોવાની વાત કરી ત્યારે કોઈ બે ઘડી માની પણ નહોતું શક્યું કે, હિમાલયમાં આટલી ઊંચાઈ પર અમને ગરમાગરમ ગુલાબજાંબુ ખાવા મળશે! કોઇ ટ્રેકરનો અવાજ પણ આવ્યો કે, ‘આને કહેવાય ગુજરાતી...’ દરેક ટ્રેકરને ફક્ત બે ગુલાબજાંબુ અપાયા. મને પહેલા ક્યારેય ગુલાબજાંબુ આટલા બધા ટેસ્ટી નહોતા લાગ્યા. એ દિવસે અમે ભીના કપડાં બદલીને ડિનર લીધું અને સ્લિપિંગ બેગમાં ઘૂસીને ઘસઘસાટ સૂઈ ગયા. સવારે વહેલા ઊઠતા જ અમે ઝડપથી સવારના કામ પતાવ્યા.

સાતમા દિવસે અમારે 12 કિલોમીટરનો ટ્રેક કરીને 11482 ફૂટ ઊંચાઈએ આવેલા ગંગાબલ પહોંચવાનું હતું. ગંગાબલ અને નંદકોલ તળાવ સંયુક્ત રીતે ગંગાબલ તરીકે વધુ જાણીતા છે. આ જોડિયા સરોવર 16,870 ફિટ ઊંચા હરમુખ પર્વતની તળેટીમાં આવેલા છે. હરમુખ અપભ્રંશ શબ્દ છે. તેનું મૂળ નામ છે ‘હરમુકુટ’, એટલે કે ‘હરિનો, ભગવાન શિવનો મુકુટ’. સ્થાનિકો એમ પણ કહે છે કે, ‘ઈસકા મુખ હર તરફ સે દિખતા હૈ, ઇસલિયે ઇસકા નામ હૈ, હરમુખ. હરમુખની તળેટીમાં સાક્ષાત શિવજીના ચરણોમાં આશરો મળ્યો હોય એવી અનુભૂતિ થાય છે. કાશ્મીરી હિંદુઓની માન્યતા પ્રમાણે, હરમુખમાં જ શિવજીનો વાસ છે. ગંગાબલ અને નંદકોલ પહોંચવા ટ્રેકર્સ 13,428 ફૂટ ઊંચાઈએ આવેલો ઝાક પાસ ક્રોસ કરે ત્યારે હરમુખની ગોદમાં આવેલા આ બે સુંદર સરોવર એકસાથે જોવા મળે છે.




ગંગાબલ-નંદકોલ નામના જોડિયા સરોવરો અને અમારો બેઝ કેમ્પ. ત્યાંથી હિમાલયની તળેટી
તરફ નીચે ઉતરતી વખતે દેખાયેલા પાલતુ પશુઓ અને અંતરિયાળ વિસ્તારોમાં દેખાયેલા મકાનો.


ગંગાબલ નંદકોલથી થોડું મોટું સરોવર છે, જેને ગ્લેશિયર્સ અને વરસાદ થકી પાણી મળે છે. ગંગાબલ નાની નાની ધારાઓ થકી નંદકોલને પાણી આપે છે, જ્યારે નંદકોલ વાંગથ નાલા તરીકે ઓળખાતા એક કુદરતી વહેણને પાણી આપે છે અને એ વહેણમાંથી એક મહાકાય નદીનું સર્જન થાય છે, સિંધ. સિંધ નદી નજીકથી પસાર થતી વખતે ગુજ્જર જાતિના વણઝારા પશુપાલકો અને તેમના ઘરો પણ જોવા મળે છે, જે ભારતથી લઈને છેક અફઘાનિસ્તાન સુધી ફેલાયેલા છે.

કાશ્મીર ગ્રેટ લેક્સમાં ગંગાબલ છેલ્લો બેઝ કેમ્પ છે. એ દિવસે ટ્રેકર્સ સામાન્ય રીતે મોડા સૂએ છે અને કેમ્પ પર ગીત-સંગીત, અંતાક્ષરીની રમઝટ જામે છે. આટઆટલી મુશ્કેલીઓ પછી પણ એવું થાય છે કે, અહીંથી ક્યારેય પાછા જવાનું જ ના હોય તો કેવું! હિમાલયની ગોદમાં ગાઢ નિદ્રાની લક્ઝરી માણવાનો એ છેલ્લો દિવસ હતો. એ વિચારથી મન ખિન્ન થઇ ગયું હતું. આઠમા દિવસની વહેલી સવારે ટેન્ટની બહાર આવીને હું હિમાલયને મનમાં ને મનમાં શાંતચિત્તે કહું છું કે, હું આવીશ, ફરી એકવાર, તને મળવા. એ દિવસે હું થોડા ભારે મન સાથે હું તૈયાર થયો.

આઠમા દિવસે અમે હિમાલયની તળેટીમાં આવેલા નારંગ ગામ પહોંચવા દસ કિલોમીટરનો ટ્રેક શરૂ કર્યો. નારંગ જતી વખતે હિમાલયની દુર્ગમ, રહસ્યમય અને હવે પોતીકી લાગી રહેલી વાદીઓ આહિસ્તા આહિસ્તા પાછળ છૂટતી જતી હતી. પાંચ-છ કિલોમીટરનું અંતર કાપ્યા પછી ચારો કરવા આવેલા ઢોર દેખાવાનું શરૂ થયું. એ પછી એકલદોકલ પશુપાલકો, દુકાનો, નાનકડા ગામ, રસ્તામાં પડેલા ફૂડ પેકેટના પાઉચ અને પ્લાસ્ટિકની બોટલો દેખાવાનું શરૂ થયું. બધા જ ટ્રેકર્સ ધીમે ધીમે નારંગ પહોંચ્યા. નારંગમાં અમે જુદી જુદી કારમાં બેસીને સોનમર્ગ બેઝ કેમ્પ જવા રવાના થયા. એ વખતે કારમાં પેલું ગીત વાગતું હતું:

બિચ રાહ મેં દિલવર, બિછડ જાયે કહીં હમ અગર

ઓર સુની સી લગે તુમ્હેં, જીવન કિ યે ડગર

હમ લોટ આયેંગે, તુમ યૂંહી બુલાતે રહેના

કભી અલવિદા ના કહેના... 

સંપૂર્ણ.

નોંધ: આ સીરિઝનો ભાગ-1 અને ભાગ-2 

28 December, 2020

...અને બે-ત્રણ મિનિટમાં જ મારી આખી લાઈફ રિવાઈન્ડ થઈ ગઈ!


વરસાદના કારણે સર્જાયેલા વિઘ્નમાં કોઈ ટ્રેકરને ભાન ન હતું કે, બીજાને શું મુશ્કેલી પડી રહી છે. બધા જાણે જીવ બચાવીને ભાગતા હતા. જોકે, હું ગર્વથી કહી શકું છું કે, એ અત્યંત કપરા રૂટમાં બીજાનો વિચાર કરીને આગળ વધ્યા હતા, એ ત્રણેય ગુજરાતી હતા  

***

ગડસરથી સતસર જતી વખતે વરસાદમાં થોડું પલળ્યા પછી હું ઠંડીથી થોડો ધ્રુજી રહ્યો હતો. હજુ થોડા સમય પહેલા સુધી મને અંદાજ ન હતો કે, રેઈનકોટ સાથે નહીં રાખીને મેં બહુ જ મોટી ભૂલ કરી છે, પરંતુ થોડી વાર પછી બર્ફીલા પવન સાથેના વરસાદનો અનુભવ થતાં જ મારા શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. મારી પાસે રેઈનકોટ નથી એ વિચારથી જ હું અંદરથી હલબલી ગયો હતો. 

જોકે, મારી પાસે એક વિન્ડચીટર હતું, વરસાદ અને હિમાલયની બર્ફીલી હવાથી બચવા મેં વિન્ડચીટર તો પહેરી લીધું પણ વરસાદનું જોર વધતા ખબર પડી કે, વિન્ડચીટર પાણી રોકી શકે એમ નથી. એટલે મેં ટ્રેકર દોસ્ત નીશીતનું બીજું એક વિન્ડચીટર પણ પહેરી લીધું. એ રેઈનકોટમાં સજ્જ હતો એટલે તેણે મને તેની રેઈન શીટ પણ આપી દીધી. રેઈન શીટ બે હાથથી પકડી રાખવી પડે. ખડકાળ ઢોળાવ પર ચઢાણ કરતી વખતે મારા બે હાથ રેઈન શીટના કારણે બંધાઈ ગયા હતા. હિમાલયના સૂસવાટા મારતા વરસાદી પવનમાં રેઈન શીટ હું માંડ સીધી રાખી શકતો હતો. 



હિમાલયની પથરાળ ટેકરીઓ પાર કરીને દેખાયેલા અલ્પાઈન લેક

આ સ્થિતિમાં ચાલવાનું શરૂ કર્યાના એકાદ કલાકમાં જ સામે એક પર્વત દેખાયો. બહુ ઊંચો નહીં પણ પહોળાઈમાં ખૂબ જ વિસ્તરેલો. હિમાલયના આવા નાનકડા ખડકાળ વિસ્તારોમાંથી આગળ વધવાના રૂટ ક્યારેક ખૂબ મુશ્કેલ પણ હોય. ક્યાંક ટેકરી ઓળંગવાની આવે તો ક્યાંક પાતળી હવાના કારણે હોશ ઊડી જાય એવું ચઢાણ પણ આવે. ટ્રેકર્સ માટે એ પહાડ ક્રોસ કરવો માંડ એકાદ કલાકનું કામ હતું, પરંતુ વરસાદના કારણે આખો પહાડ ચીકણો થઈ ગયો હતો. હિમાલય વોલ્કેનિક રોકમાંથી બનેલો લાવાકૃત પહાડ નથી, પરંતુ પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને આવેલા મહાકાય પથ્થર, રેતી અને કાંકરામાંથી બનેલો જળકૃત એટલે કે સેડિમેન્ટરી રોક છે. આવા પહાડના ઢોળાવો વરસાદ પડ્યા પછી ખૂબ જ ચીકણા થઈ જાય. એમાંય અમારા રૂટ પર ગાય, ઘોડા અને ઘેંટા-બકરા જેવા પશુઓનું મળમૂત્ર પથરાયેલું હતું, જે પાણીના ધીમા પ્રવાહના કારણે આખી ટેકરી પર વિસ્તર્યું હતું. આખો ઢોળાવ વધુ ચીકણો થઈ ગયો હતો. રસ્તામાં મળેલા એક કાશ્મીરીએ અમને કહ્યું પણ ખરું, ‘ભાઈ, જરા સમ્હલ કે ચલના, પૂરી પહાડી ગ્રીસ જૈસી ચિકની હો ગઈ હૈ...’

બધા જ ટ્રેકર્સ ઝડપથી એ પહાડી ઓળંગવા ઝઝૂમી રહ્યા હતા, જેમાં 66 વર્ષીય વૃદ્ધ અબ્બાસભાઈ અને સિનિયર સિટિઝન દંપતિ સાળુકે અંકલ અને આંટી પણ હતા. વરસાદ પડતો હોવાથી બધા જ ટ્રેકરનું એક જ લક્ષ્ય હતું, ઝડપથી પહાડી ઓળંગીને નીચે ઉતરી જાઓ. ચઢાણ કરતી વખતે બીજા ટ્રેકરના શ્વાસ સંભળાય એટલી ચીર શાંતિ પથરાઈ ગઈ હતી. સતત બોલબોલ કરતી કોલેજિયન છોકરીઓનો પણ અવાજ આવતો બંધ થઈ ગયો હતો. હિમાલયના ભવ્ય કોતરોમાંથી ફક્ત હવા, વરસાદ અને ઝરણાંનો અવાજ પડઘાઈ રહ્યો હતો. અમારા જેવા ફિટ ટ્રેકર્સ પણ હક્કાબક્કા થઈને ‘ગ્રીસ જૈસી ચિકની પહાડી’ પર ચઢવા બે હાથનો પણ બે પગની જેમ ઉપયોગ કરતા હતા. 

એક પણ ટ્રેકર ઉપર જોતો સુદ્ધા ન હતો. બધાની નજર ચીકણી જમીન પર ક્યાં ડગલું મૂકવું તેના પર મંડરાયેલી હતી. ચઢાણ અઘરું હોવાથી મેં રેઈન શીટ ફોલ્ડ કરીને રકસેક બેલ્ટમાં ભરાવી દીધી હતી. હું વરસાદમાં પલળી રહ્યો હતો. અમારા ઢીંચણ સુધીના પેન્ટ કાદવ કીચડથી ખરડાઈ ગયા હતા. ચીકણી માટીમાં ડગલું ભરવા પગનો પંજો પણ સહેલાઈથી ઊઠતો ન હતો. પાતળી હવાના કારણે શૂઝના તળિયે ચોંટતો કાદવ-કીચડ પણ વજનદાર લાગતો હતો. ઊંચાઈવાળા વિસ્તારોમાં પાતળી હવાના કારણે માણસ તૂટી કેમ જાય છે, તેનો સાક્ષાત અનુભવ થઈ રહ્યો હતો. એ સ્થિતિમાં પણ હું બે ઘડી થંભ્યો, અને, વરસાદમાં સ્નાન કરી રહેલા મહર્ષિ હિમાલયનું એ દૃશ્ય નજરોમાં કેદ કરી લીધું. 

અમે આગળ વધી રહ્યા હતા ત્યાં જ સામે બીજી એક સીધી ટેકરી દેખાઈ. તેની તળેટીમાં જઈને મેં ઉપર નજર કરી. એ સ્થળ સ્વર્ગીય સુંદરતા ધરાવતું હતું. વરસાદના કારણે ટેકરી પર નાની-મોટી અનેક જળધારાઓ જીવંત થઈ ગઈ હતી. જાણે ટેકરીને લપેટાઈ ગયેલું ઓક્ટોપસ. અમારે એ જળધારાઓની સામે ઉપર ચઢવાનું હતું. એ બહુ અઘરું ન હતું કારણ કે, બે ધારાની વચ્ચેથી નીકળવા ઘણી જગ્યા હતી. જોકે, ઝરણાના રૂટ પર નાના કાંકરાથી માંડીને મહાકાય પથરા ગોઠવાયેલા હતા. એક-બે વાર મોટા પથ્થર પર પગ મૂક્યા પછી ખબર પડી કે, આ મહાકાય પથ્થરો તો જાણે કોઈની રાહ જોઈને જ બેઠા છે. જો તેમને ચીકણી જમીન પર થોડું પ્રોત્સાહન મળે તો સીધા નીચે ગબડી શકે છે. 


વરસાદી વાદળો ઘેરાતા જ અમે યાદગીરી માટે થોડી ક્લિક્સ કરીને કેમેરા બેગ પેક કરી દીધી.

જો એ વખતે પાછળ કોઈ ટ્રેકર ચઢતો હોય તો તેનો જીવ જોખમાઈ શકે. આ બાબતનું ધ્યાન રાખીને અમે ઉપર ચઢવાનું શરૂ કર્યું, પરંતુ સાળુકે આંટી અને અબ્બાસભાઈ માટે ચઢવું લગભગ અશક્ય હતું. સાળુકે અંકલ તો આંટીથી ક્યાંય આગળ પહોંચી હતા. અમારો માંડ 19 વર્ષનો ગાઈડ અશફાક દૂરના એક રૂટ પર ટોવેલનું દોરડું બનાવીને એક-બે છોકરીઓને ઉપર ખેંચી રહ્યો હતો. વરસાદના કારણે સર્જાયેલા વિઘ્નમાં મારા અને નીશીત સિવાય એક પણ ટ્રેકરને ભાન ન હતું કે, બીજા ટ્રેકરને શું મુશ્કેલી પડી રહી છે. બધા જાણે પોતપોતાનો જીવ બચાવીને ભાગી રહ્યા હતા. હું પણ બીજા ટ્રેકર્સ ગયા એ રૂટ પરથી મારા ગાઈડ સાથે આગળ વધી શકું એમ હતો, પરંતુ મેં મનોમન સાળુકે આંટીને ટેકરી ક્રોસ કરાવવાનું વિચારી લીધું. 

આ નિર્ણય લેવાનું બીજું એક કારણ હતું, મારો દોસ્ત મેહુલ. અમે કાશ્મીર ગ્રેટ લેક્સ ટ્રેક માટે અમદાવાદથી જ સાથે હતા. મેહુલને ટ્રેકના પહેલા જ દિવસે નીચનાઈ કેમ્પથી વિષ્ણુસર કેમ્પ સુધી જતા પગમાં મચકોડ આવી હતી. એટલે મેહુલે પણ ઝરણાવાળા રૂટ પર જ આવવું પડે એમ હતું. નીશીત અને બીજા બે ટ્રેકર પણ એ રૂટ પર હતા. આગળની ટેકરી ઓળંગતી વખતે હું ખાસ્સો પલળ્યો હોવાથી થોડો ડરી ગયો હતો. હું ગમે ત્યારે હાયપોથર્મિયાનો શિકાર થઈ શકું એમ હતો. હિમાલયમાં ટ્રેકિંગ કરતી વખતે સૌથી મોટો ભય એ જ હોય છે. હાયપોથર્મિયામાં શરીરનું તાપમાન જોખમી રીતે નીચું જતું રહે, જેના કારણે ધબકારા અચાનક ઘટી જવા, અશક્તિ, બેચેની, મૂંઝવણ, માનસિક સંતુલન રાખવામાં તકલીફ પડવી, કશું યાદ ના રહેવું, ઘેન ચઢવું અને બોલવામાં તકલીફ પડવી જેવા લક્ષણો અનુભવાય. એ સ્થિતિમાં એક જ ઉપાય છે, મેન્ટલી અને ઈમોશનલ રીતે મજબૂત રહેવું. 

આ ટ્રેકમાં હું શરૂઆતથી જ ફિઝિકલી, મેન્ટલી અને ઈમોશનલી ફિટ મહેસૂસ કરતો હતો. મારામાં આવેલા સુપરનેચરલ પાવર માટે બે કારણ જવાબદાર હતા. પહેલું, હિમાલયની ભવ્યાતિભવ્ય સુંદરતા જોઈને મારામાં ગજબની શક્તિનો સંચાર થયો હતો. જે સ્થળે દરેક કાશ્મીરી પણ જઈ શકતો નથી એ સુંદર સરોવરો જોયા પછી હું મારી જાતને ખૂબ નસીબદાર સમજતો હતો. બીજું કારણ એ હતું કે, હું શારીરિક-માનસિક રીતે થાકી ગયેલી કોઈ પણ વ્યક્તિને સાથે લઈને આગળ જતો હતો. કદાચ તેના કારણે મને ભારોભાર ઊર્જા મળી રહી હતી. આ બાબત અનુભવ વિના સમજાય એમ નથી. હું સારી રીતે જાણતો હતો કે, ટ્રેકિંગ કે ઈવન જાત્રા વખતે બીજાને સાથે રાખીને અને મદદ કરીને આગળ વધવાથી આપણને પણ ચમત્કારિક શક્તિ મળે છે.

ટ્રેકિંગ એ ટીમ વર્ક છે. ટ્રેક સૌથી પહેલા કોણે પૂરો કર્યો, એ મહત્ત્વનું નથી હોતું. તમે કેટલા લોકોને ટ્રેક પૂરો કરવામાં મદદ કરી એ પણ એટલું જ મહત્ત્વનું છે. આ બાબત ટ્રેક વખતે જેમની ફિટનેસ જળવાઈ રહે છે એમને લાગુ પડે છે. જે લોકો ટ્રેકમાં અધવચ્ચે જ લથડી ગયા હોય અને માંડ આગળ વધતા હોય તેમણે ફક્ત એટલું જ વિચારવાનું હોય કે, આપણે બીજા ટ્રેકર્સ માટે બને એટલા ઓછા બોજારૂપ બનીએ. નીશીતને વાયરલ ઈન્ફેક્શન હતું, મેહુલ પણ પગની મચકોડના કારણે ઢીલો પડી ગયો હતો અને મારી પાસે રેઈનકોટ ન હતો. આમ છતાં, અમે ત્રણેય અને બીજા એક-બે ટ્રેકરે સાળુકે આંટી અને અબ્બાસભાઈને સાથે રાખીને ઝરણાવાળી ટેકરી ક્રોસ કરી. હું ગર્વથી કહી શકું છું કે, એ અત્યંત કપરા રૂટમાં બીજાનો વિચાર કરીને આગળ ગયા હતા, એ ત્રણેય ગુજરાતી યુવાનો હતા. 



વરસાદ પછી દેખાયેલી હિમાલયન લિઝાર્ડ,  ગ્લેશિયર વૉટર લઈને પહાડ પરથી ધસમસતા નીચે ઉતરી રહેલા ઝરણાં અને અમે ધીમે ધીમે પાર કરેલા અફાટ મેદાનો. 

ઝરણાવાળી ટેકરી ઓળંગ્યા પછીયે અમારે સપાટ મેદાન સુધી પહોંચવા આશરે બે કલાક સુધી અત્યંત ચીકણી નાની નાની કેડીઓ પર ચાલવાનું આવ્યું. વરસાદ હજુયે ધીમી ધારે વરસી રહ્યો હતો, પરંતુ સાંજ નજીક આવતી હોવાથી ઠંડીનું જોર વધવા લાગ્યું. મેં ફરી એકવાર મારી રેઈન શીટ પકડી લીધી. કેડીઓ પર ચાલતી વખતે શારીરિક અને માનસિક સંતુલન જાળવવાની સાથે મારે તોફાની પવનમાં રેઈન શીટ સીધી રાખવા પણ મહેનત કરવી પડતી. રેઈન શીટ પકડી રાખવાના કારણે મારા હાથ પણ સતત પલળી રહ્યા હતા અને મારી આંગળીઓ સુન્ન પડી ગઈ હતી. 

આ સ્થિતિમાં ઘણું ચાલ્યા પછી હિમાલયના ઊંચા પહાડો વચ્ચે એક વિશાળ મેદાન દેખાયું. તેની ક્ષિતિજ પર પહાડોની પાછળ દૂર દૂર સુધી પહાડો અને તેની પાછળ આકાશમાં રૂના ઢગલા જેવા વાદળો દેખાઈ રહ્યા હતા. હિમાલયની છીંકણી અને સફેદ રંગની નાની નાની ડુંગરીઓની ટોચ એ વાદળોમાં ખૂંપી ગઈ હતી. મને ખૂબ જ ઠંડી લાગી રહી હતી. કકડીને ભૂખ પણ લાગી હતી, પરંતુ સૂસવાટા મારતા પવનના કારણે બ્રેક લઈને રકસેકમાંથી ચોકલેટ્સ કાઢવાના પણ હોશ ન હતા. જીવનું જોખમ હોવાથી બસ એક જ ધૂન હતી, વરસાદ બંધ ના થાય ત્યાં સુધી ચાલતા રહેવું અને ઝડપથી બેઝ કેમ્પ પર પહોંચી જવું. બધા જ ટ્રેકર દેખાતા બંધ થઈ ગયા હતા કારણ કે, મેહુલ લેગ ઈન્જરીના કારણે ધીમે ચાલતો હતો અને તેથી મેં પણ સ્પિડ ઘટાડી દીધી હતી. હું અને મેહુલ લગભગ સાથે ચાલતા હતા, પરંતુ થોડી વાર પછી મેં સ્પિડ વધારવાનું અને મેહુલ આઈ રેન્જમાં રહે એ રીતે તેનાથી આગળ રહેવાનું નક્કી કર્યું. 

થોડી વાર પછી હું મેહુલથી આશરે પોણો કિલોમીટર આગળ હતો, પરંતુ તેને સહેલાઈથી જોઈ શકતો હતો. ઠંડીથી બચવા મારે એ રીતે ચાલવું જરૂરી હતું. લીલા ઘાસના એ વિશાળ મેદાનમાં કરોડો પથ્થરો વિખરાયેલા હતા. જોકે, આડશ લઈને બર્ફીલા પવન અને વરસાદથી બચી શકાય એટલા કદનો એક પણ પથ્થર દેખાતો ન હતો. વૃક્ષો પણ દૂર દૂર માંડ દેખાતા હતા. આ પ્રકારની સ્થિતિમાં ફિઝિકલી અને મેન્ટલી ફિટ રહેવા ઈમોશન્સને કાબુમાં રાખવા અત્યંત જરૂરી હોય છે. મને એ ખબર હોવા છતાં હું ધીરજ ગુમાવી રહ્યો હતો. 

છેવટે મેં થાકીપાકીને વરસતા વરસાદમાં ઊભા રહેવાનું નક્કી કર્યું. ઠંડા પાણીના મારના કારણે મારા મસલ્સ જકડાઈ ગયા હતા. હું ઈમોશનલી બ્રેક થઈ રહ્યો હતો. છેવટે અચાનક જ હું એક નાનકડા પથ્થર પર બેસી ગયો. થોડી ક્ષણોમાં તો વિચાર પણ કરી લીધો કે, બસ હવે અહીં જ મરીશ. એ પથ્થરની થોડી આડશ લઈને હું બર્ફીલી હવાથી બચવા ફાંફા મારતો હતો. મેં આંખ બંધ કરીને મારા પરિવાર અને દોસ્તોને યાદ કર્યા. આ ટ્રેક શરૂ થયો એ પહેલા મેં બેઝકેમ્પ પરથી મારા પરિવારજનો સહિત કેટલાક સાથે વાત કરી લીધી હતી કારણ કે, અહીંના ઊંચાઈવાળા દુર્ગમ વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક તો ક્યાંથી હોય!હિમાલયની વાદીઓમાંથી મને એ 'છેલ્લી' વાતોના પડઘા સંભળાઈ રહ્યા હતા. એટલામાં તો મને ખૂબ જ નજીકથી મોત દેખાયું અને એ બે-ત્રણ મિનિટમાં જ મારી આખી લાઈફ રિવાઈન્ડ થઈ ગઈ. 

એટલામાં જ મેહુલ આવી પહોંચ્યો અને તેને જોતા જ હું એલર્ટ થઈ ગયો. 

એ પછી શું થયું? 

વાંચો આવતા અંકે...

નોંધઃ આ સીરિઝનો ભાગ-1 વાંચો અહીં...

21 December, 2020

કાશ્મીર ગ્રેટ લેક્સ ટ્રેક : ફિટનેસ, માઈન્ડ અને ઈમોશન્સનો એસિડ ટેસ્ટ


હિમાલયની વાદીઓમાં વાતાવરણ ગમે ત્યારે બદલાઈ જાય છે, અને છતાં, મેં બેઝ કેમ્પ પર રેઈનકોટ ભૂલી જવાનું હિમાલયન બ્લન્ડર કર્યું હતું. આ ભૂલ મને બહુ જ ભારે પડવાની હતી. જોકે, જિંદગીમાં કરેલી નાની-મોટી ભૂલો જ રસપ્રદ કહાનીઓને જન્મ આપતી હોય છે. 

***

મેં દુનિયામાં ક્યાંય કાશ્મીર જેવું સૌંદર્ય જોયું નથી. ત્યાં હિમાલયના પહાડો વચ્ચે જતા એવું લાગે છે કે, કાશ્મીર ખીણ તો ખૂબ જ નાની છે અને પહાડો ખૂબ મોટા. કાશ્મીરનું એ દૃશ્ય મહાકાય હિમાલય વચ્ચે મિનિયેચર પેઇન્ટિંગ દોર્યું હોય એવું લાગે છે. એ નજારો ભવ્ય હોય છે. અને હા, ત્યાંના લોકો પણ ખૂબ સુંદર હોય છે... 

કાશ્મીર વિશેનું આ ક્વૉટ જાણીતા લેખક સલમાન રશદીનું છે. આ ક્વૉટનો અક્ષરશઃ અનુભવ કરવો હોય તો કાશ્મીરમાં નહીં પણ કાશ્મીર ખીણના અંતરિયાળ વિસ્તારોમાં રખડપટ્ટી કરવી પડે. કાશ્મીર ખીણ વિશે આતંકથી લઈને તેના સૌંદર્ય વિશે ઘણું બધું વાંચ્યા-સાંભળ્યા પછી મારે પણ ત્યાંના બર્ફીલા પહાડી જંગલોમાં ઓતપ્રોત થઈ જવું હતું. એક પત્રકાર તરીકે કાશ્મીર ખીણની ભૂગોળને નજીકથી સમજવી હતી, ખીણ વિસ્તારમાં રહેતા લોકોને મળવું હતું અને કાશ્મીર ખીણ એક્સપ્લોર કરવી હતી. છેવટે આ કીડાને શાંત કરવા ઓગસ્ટ 2017માં મેં કાશ્મીર ગ્રેટ લેક્સ ટ્રેક કરવાનું નક્કી કર્યું. કાશ્મીરનું અસલી સૌંદર્ય કાશ્મીર ખીણના ‘વર્જિન’ જંગલોમાં પથરાયેલું છે, અને ત્યાં સુધી પહોંચવાનો એક જ રસ્તો છે, બેકપેક તૈયાર કરો અને પહાડ ચઢવા માંડો. થોડા વર્ષો પહેલાં ભારતીય સેના ત્યાં જવાની મંજૂરી નહોતી આપતી, પરંતુ અત્યારે ત્યાં જઈ શકાય છે. 

કાશ્મીર ગ્રેટ લેક્સ સામાન્ય રીતે દસેક દિવસનો ટ્રેક છે પણ એવું કહેવાય છે કે, એ દસ દિવસની યાદો જીવનભર પીછો નથી છોડતી. કાશ્મીર ગ્રેટ લેક્સ ટ્રેક શ્રીનગરથી એંશી કિલોમીટર દૂર ગંદેરબલ જિલ્લામાં સોનબર્ગથી શરૂ થાય છે. અહીંના ઘાસિયા મેદાનો સૂર્યકિરણો ઝીલીને સોના જેવા પીળા રંગની કાશ્મીરી શાલ ઓઢી લે છે. એટલે આ પ્રદેશને નામ મળ્યું ‘સોનમર્ગ’. સોનમર્ગ એટલે સોનાના ઘાસના મેદાનો. વિદેશીઓ સોનમર્ગને ‘મિડોઝ ઓફ ગોલ્ડ’ કહે છે. આજે તો સોનમર્ગ ટુરિસ્ટ હબ છે પણ ચીને સદીઓ પહેલાં જે સિલ્ક રૂટ બનાવ્યો હતો, તે વાયા સોનમર્ગથી ખાડી (ગલ્ફ) દેશો સુધી જતો હતો. સોનમર્ગ તેના ગ્લેશિયર્સના કારણે ભારતીય સેના માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વનું છે. સોનમર્ગનું આવું જ એક સુંદર ગ્લેશિયર એટલે થાજીવાસ. ‘બજરંગી ભાઈજાન’ના મોટા ભાગના પહાડી દૃશ્યોનું શૂટિંગ થાજીવાસમાં થયું હતું. 



સોનમર્ગમાં હિમાલયના પહાડી જંગલોની તળેટીમાં આવેલું યૂથ હોસ્ટેલનું બિલ્ડિંગ, જ્યાં અમારો પહેલો બેઝ કેમ્પ હતો. 

થાજીવાસ પહોંચતા જ અંદાજ આવી જાય છે કે, નીચાણવાળા ટુરિસ્ટ પોઈન્ટ પર આવું અલૌકિક સૌંદર્ય છે તો કાશ્મીર ખીણના ‘અનટચ્ડ’ પ્રદેશો કેવા હશે! ઊનાળામાં પ્રવાસીઓ ટટ્ટુ પર બેસીને થાજીવાસ જાય અને સાંજ સુધીમાં પાછા આવી જાય, પરંતુ ટ્રેકર્સને એક્લિમટાઈઝેશન વૉકના ભાગરૂપે ટ્રેક કરીને થાજીવાસ જવું પડે. એક્લિમટાઈઝ કે એક્લિમેશન એટલે જે તે સ્થળના વાતાવરણ-હવામાનને અનુકૂળ થવાની પ્રક્રિયા. એક્લિમટાઈઝેશન વૉક પછી ટીમ લીડરને દરેક ટ્રેકરની ફિટનેસનો અંદાજ આવી જાય, અને ટ્રેકરને પણ પોતાની ક્ષમતાની ખબર પડી જાય! થાજીવાસ ગયા પછી અનેક લોકો ગ્રેટ લેક્સ જવાનું માંડી વાળે છે. 

હિમાલયમાં ઊંચાઈવાળા વિસ્તારની હવા પાતળી હોય, વાતાવરણ ખૂબ ઠંડુ હોય, દિવસ અને રાતના તાપમાનમાં બહુ મોટો ફેરફાર હોય. આ પ્રકારના વાતાવરણમાં ઉલટી જેવું થવું, માથું દુઃખવું અને થોડું ચાલતા જ શ્વાસ ફૂલવા માંડે વગેરે થાય. એટલે પ્લેન (સપાટ) રીજનમાંથી હાર્શ માઉન્ટેઇન ટેરેઇનમાં હ્યુમન બોડીને સેટ થવા બે દિવસનું એ વૉર્મ અપ સેશન જરૂરી છે. ટ્રેકના પહેલાં બે દિવસ 8,792 ફૂટની ઊંચાઈએ આવેલા સોનમર્ગમાં જ વીતે, જેમાં એક્લિમટાઈઝેશન વૉકથી માંડીને બીજા ટ્રેકર્સ સાથે ઓરિએન્ટેશન હોય. અમારા 27 લોકોના ગ્રૂપમાં 55થી 70 વર્ષની ઉંમરના ચારેક ટ્રેકર પણ સામેલ હતા, જેમાં એક સિનિયર સિટીઝન દંપત્તિ પણ હતું. અમે ત્રીજા દિવસે બેકપેક તૈયાર કરીને સવારે દસ વાગ્યે સોનમર્ગથી 11,948 ફૂટની ઊંચાઈએ આવેલા નીચનાઈ કેમ્પ જવા ટ્રેક શરૂ કર્યો. 

નીચનાઇ જતી વખતે રસ્તામાં પાછું વળીને નીચનાઇ ખીણની ક્ષિતિજ જોઇએ ત્યારે અલૌકિક દૃશ્યો દેખાવાનું શરૂ થઈ ગયું. હિમાલયની તળેટીની ગંદકી અને ત્યાં પડેલા ફૂડ પેકેટ, રેપર્સ, પાણીની બોટલોનું પ્રમાણ ઉપર ચઢતી વખતે ઘટી રહ્યું હતું. આટલા સુંદર સ્થળે પણ પ્લાસ્ટિકનું પ્રદૂષણ જોઈને મને ઘણું દુઃખ થયું. આશરે સાત કલાક નીચનાઇ ખીણ સહિતના વિસ્તારોમાંથી પસાર થઇને અમે સોનમર્ગથી આઠેક કિલોમીટર દૂર આવેલા નીચનાઈ પહોંચ્યા. નીચનાઈ એટલે ગ્રેટ લેક્સનો સૌથી પહેલો હાઈ ઑલ્ટિટ્યુડ બેઝ કેમ્પ. ત્યાં હાઈ ઑલ્ટિટ્યુડની પહેલી રાત્રિ હતી એટલે બધા જ ટ્રેકર ટેન્ટમાં જઈને સ્લિપિંગ બેગમાં ઘૂસીને વહેલા સૂઈ ગયા. એ રાત્રે મોટા ભાગના ટ્રેકર્સે મહિનાઓ પછી અત્યંત ગાઢ નિદ્રાનો અનુભવ કર્યો. 


સોનમર્ગ બેઝકેમ્પથી એક્લિમટાઈઝેશન વૉક શરૂ કરતી વખતે જોવા મળેલું સૌંદર્ય. અહીં રસ્તાની સાથે સાથે
સિંધ નાલા નદી વહે છે અને તેની આસપાસ જવાનોને તાલીમ આપવા ભારતીય સેનાના કેટલાક કેમ્પ પણ છે. 

ચોથા દિવસની વહેલી સવારે ઊઠીને હું ટેન્ટની બહાર આવ્યો ત્યારે એક વિશાળ પહાડ જાણે મારી રાહ જોઈને ઊભો હતો! એ પહાડની વિશાળતા જોઈને મને લાગ્યું કે, તેજથી ફાટફાટ કોઈ ધ્યાનસ્થ ઋષિ મારી રાહ જોઈ રહ્યા છે અને આંખ બંધ કરીને બેઠેલા એ ઋષિએ અનુભવી પણ લીધું કે, હું આવી ગયો છું! હું પણ એ વિશાળ પહાડ સામે પડેલા એક પથ્થર પર થોડી વાર બેસી રહ્યો. બસ એમ જ. એ દિવસે કાશ્મીર ખીણમાં હિમાલયને અત્યંત નજીકથી જોઈને બધા જ ટ્રેકર્સ સ્ફૂર્તિલા અને ખુશખુશાલ દેખાતા હતા. નીચનાઈ કેમ્પમાં અમે દૈનિક ક્રિયાઓ પતાવીને કોફી-ચ્હા, નાશ્તો કર્યો અને લંચ પેક લઈને વિષ્ણુસર જવા ઉપડ્યા. 

વિષ્ણુસર જવા દરિયાઈ સપાટીથી 13,858 ફિટ ઉપર આવેલો નીચનાઈ પાસ ક્રોસ કરવો પડે. આ ટ્રેકની સૌથી પહેલી ચેલેન્જ જ નીચનાઈ પાસ છે. ‘માઉન્ટેઇન પાસ’ એટલે પર્વતમાળાઓની વચ્ચેથી ખીણના કિનારે કિનારે આગળ નીકળતો રસ્તો. આશરે 12 કિલોમીટર ચાલીને નીચનાઈથી વિષ્ણુસર પહોંચતા સાત કલાક લાગે, પરંતુ રસ્તામાં જોવા મળતું કુદરતી સૌંદર્ય ટ્રેકર્સને શારીરિક અને માનસિક રીતે થાકવા નથી દેતું. વિષ્ણુસર બેઝ કેમ્પ પહોંચતા કેમ્પ લીડરે અમારું સ્વાગત કર્યું, ઈન્ટ્રોડક્શન કર્યું અને ધીમેથી કહ્યું ‘પેલી ટેકરીની પાછળ વિષ્ણુસર છે, તમે ત્યાં જઈને સમય વીતાવી શકો છો...’ 

એ શબ્દો સાંભળીને બધામાં અચાનક જ શક્તિ આવી ગઈ. ટ્રેકર્સની નજર ચાર દિવસથી હિમાલયના સુંદર અલ્પાઈન સરોવરો જોવા તરસતી હતી. અમે ખૂબ ઝડપથી ટેકરી ઓળંગીને વિષ્ણુ સરોવરના કિનારે પહોંચ્યા. કેટલાક ટ્રેકર્સ પહેલીવાર અલ્પાઈન ઓલિગોટ્રોફિક લેક જોઈ રહ્યા હતા. અલ્પાઇન લેક એટલે દરિયાઇ સપાટીથી ઉપર બર્ફીલા પહાડો વચ્ચે આવેલા સરોવરો. આ પ્રકારના સરોવરોમાં સૂક્ષ્મ જીવન ખૂબ જ ધીમેથી પનપતું હોય, લીલ-શેવાળ પણ નહીંવત હોય. ઇકોલોજીની ભાષામાં તેને ‘ઓલિગોટ્રોફિક’ કહેવાય. કુદરતી કરામત જુઓ. ઊંચાઈ પર ઓક્સિજન ના હોય પણ અલ્પાઇન ઓલિગોટ્રોફિક લેકના પાણીમાં ઓક્સિજન પ્રચુર માત્રામાં હોય અને તેનું પાણી હાઇ ડ્રિકિંગ ક્વોલિટી ધરાવતું હોય. હિમાલયની નદીઓ અને ઝરણાને આ પ્રકારના ઓક્સિજન પ્રચુર તળાવોમાંથી જ પાણી મળે છે. એટલે જ ઉંચાઈ પર મળતું કુદરતી પાણી પીવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળતી. આ પાણીમાં ટ્રાઉટ જેવી કેટલીક પ્રજાતિની માછલીઓની વસતી પણ વધારે હોય. વિષ્ણુસરમાં પણ બ્રાઉન ટ્રાઉટ નામની માછલીઓ મોટા પ્રમાણમાં છે. 

કાશ્મીર ગ્રેટ લેક્સ ટ્રેકનું સૌથી મોટું આકર્ષણ રસ્તામાં જોવા મળતા પાંચ અલ્પાઇન સરોવર જ છે, જેમાંના કેટલાકનું નામકરણ ભગવાનોના નામ પરથી કરાયું છે. વિષ્ણુ-સર એટલે વિષ્ણુ ભગવાનનું સરોવર. 12,170 ફૂટ ઊંચાઈએ આવેલા વિષ્ણુસર સહિતના બધા જ સરોવરોની સરેરાશ લંબાઇ વધુમાં વધુ એક કિલોમીટર અને લંબાઇ અડધો કિલોમીટર. વર્ષોથી મૌન ધારણ કરીને શાંતિ અનુભવી રહેલા કોઈ રહસ્યમય સંતના ચહેરા જેવા વિષ્ણુસરના શાંત પાણીના મનોમન ઘૂંટડા લેતી વખતે અહેસાસ પણ નથી થતો કે, હિમાલય પર્વતમાળાઓની ટોચ પરથી હરણાની જેમ ફલાંગો મારીને નીચે ઉતરતી નીલમ નદીને વિષ્ણુસરમાંથી જ પાણી મળે છે. કોઇ નદીના મુખ સુધી પહોંચવાનો અનુભવ અલૌકિક હોય છે અને કાશ્મીર ખીણમાં તો આવો ભરપૂર અનુભવ મળે છે. 



પાંચમા દિવસે વહેલી સવારે અમે વિષ્ણુસરથી ગડસર સરોવર જવા નીકળ્યા. ત્યાં પહોંચવા 13,763 હજાર ફૂટની ઊંચાઈએ આવેલો ગડસર પાસ ક્રોસ કરવાનો હતો. ગડસર પાસ પર ચારેક હજાર મીટરની ઊંચાઈએ પહોંચીએ ત્યારે આ ટ્રેકનો સૌથી જોખમી રસ્તો શરૂ થાય, પરંતુ એ જ સ્થળેથી વિષ્ણુસર અને કિશનસર એકસાથે જોઇ શકાય છે. કિશનસર એટલે કૃષ્ણ ભગવાનનું સરોવર. કિશનસરને ગડસર પાસ નજીક આવેલા ગ્લેશિયરમાંથી પાણી મળે છે. કિશનસરની નાનકડી ધારાઓમાંથી જ વિષ્ણુસરનું સર્જન થાય છે. આમ, વિષ્ણુસર અને નીલમ નદીના પાણીનો સ્રોત એક જ છે, કિશનસર. 

કાશ્મીરમાં ઠંડી પડે ત્યારે આ બધા જ અલ્પાઈન લેક થીજી જાય. સામાન્ય લોકો માટે ત્યાં જવું અશક્ય છે, પરંતુ ગરમીના દિવસોમાં સ્થાનિક પશુપાલકો આ સરોવરોની આસપાસના લીલોતરીભર્યા મેદાનોમાં ઘેંટા-બકરા ચરાવતા જોવા મળે છે. ગડસર પાસ ક્રોસ કરીને ગડસર પહોંચતા આશરે દસેક કલાક થઈ જાય. ગડસર 10,777 ફૂટની ઊંચાઈએ આવેલું નયનરમ્ય સરોવર છે. આ સરોવરની આસપાસનો પ્રદેશ રંગબેરંગી જંગલી ફૂલોથી છવાયેલો છે. જાણે કુદરતે ગડસરને આપેલી ફોટોફ્રેમ. આ દૃશ્ય જોઈને મને મોગલ રાજા જહાંગીરના પેલા વિખ્યાત શબ્દો યાદ આવી ગયા, જે તેમણે 17મી સદીમાં કાશ્મીરનું સૌંદર્ય જોઈને જ ઉચ્ચાર્યા હતા. 

ગર ફિરદોસ બાર-રુહે જમીન અસ્ત, હમી અસ્તો, હમી અસ્તો, હમી અસ્તો... 

પૃથ્વી પર ક્યાંય સ્વર્ગ છે તો એ અહીં છે, અહીં છે, અહીં છે... 

ગડસરમાં એક યાદગાર રાત્રિ વીતાવીને છઠ્ઠા દિવસે સવારે આઠેક વાગ્યે અમે સતસર જવા નીકળ્યા. એ દિવસે હિમાલયની વાદીઓમાં સૂરજનું જોર ઓછું હતું અને ધીમે ધીમે વરસાદ પણ વરસી રહ્યો હતો. મારા સિવાય બધા જ ટ્રેકર્સે રેઈનકોટ પહેર્યો હતો. હિમાલયની વાદીઓમાં વાતાવરણ ગમે ત્યારે બદલાઈ જાય છે, અને છતાં, મેં બેઝ કેમ્પ પર રેઈનકોટ ભૂલી જવાનું હિમાલયન બ્લન્ડર કર્યું હતું. આ ભૂલ મને બહુ જ ભારે પડવાની હતી. જોકે, જિંદગીમાં કરેલી નાની-મોટી ભૂલો જ રસપ્રદ કહાનીઓને જન્મ આપતી હોય છે. 

અને, મારી સાથે પણ એવું જ થયું. શું થયું? 

વાંચો આવતા અંકે... 

03 July, 2018

ઈમા કિથિલ : લલ્લુપ-કાબા, નુપી લાન, ફનેક અને મનોરમા


જો બે છોકરા જણતી મા મેડલ જીતી શકે છે, તો તમે બધા પણ આ કરી શકો છો. મારું જ ઉદાહરણ લો અને હંમેશા ઝઝૂમતા રહો...

આ શબ્દો છે, લિજેન્ડરી ફિમેલ બોક્સર મેરી કોમના. બે છોકરાની મા બનીને બોક્સિંગ જેવી ફૂલ કોન્ટેક્ટ ગેમમાં ચેમ્પિયન બનવું એ સ્પોર્ટ્સ હિસ્ટરીની અજોડ ઘટના છે. આજની પેઢી મણિપુરને પાંચ વાર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચનારી મેરી કોમથી ઓળખે છે. મણિપુરમાં સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિમાં ઉછરેલી છોકરીને વિમેન એમ્પાવરમેન્ટ કે મહિલા સશક્તિકરણ શું છે એ ખબર નહીં હોય, પરંતુ તેમનો જિંદગી પ્રત્યેનો અભિગમ મેરી કોમ જેવો જ લડાયક હોય છે.

ઇમા કિથિલ પર હિસ્ટરી ચેનલની શોર્ટ ફિલ્મ



એક સરેરાશ ભારતીય ઉત્તરપૂર્વ ભારતની અનેક જાણીતી બાબતોથી અજાણ હોય છે. આવી જ એક જાણીતી પણ અજાણી વાત એટલે મણિપુરનું ‘ઇમા કિથિલ’. ઇમા કિથિલ ઇમા કિથિલ ફક્ત મહિલાઓ દ્વારા સંચાલિત બજાર છે. મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં આવેલા આ બજારમાં પાંચેક હજાર દુકાનો છે, જે દરેકની દુકાનદાર મહિલા છે. ઇમા કિથિલ મેઇતેઇ કે મણિપુરી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ 'માતાઓનું બજાર' એવો થાય છે. સમગ્ર એશિયામાં ફક્ત મહિલાઓ દ્વારા સંચાલિત આટલું મોટું બજાર જોવા મળતું નથી. અમુક લોકોનો દાવો છે કે, વિશ્વમાં પણ ક્યાંય મણિપુરના ઇમા કિથિલ જેવું બજાર નથી! દુનિયામાં અનેક સ્થળે મહિલાઓ દુકાન પર બેસીને માલસામાન વેચતી હોય એવા બજારો છે, પરંતુ એ બજારમાં પુરુષો પણ હોય છે. ઇમા કિથિલમાં ફક્ત પરિણિત સ્ત્રીઓ જ દુકાનદારી કરી શકે છે. એટલે વિદેશીઓ તેને 'મધર્સ માર્કેટ' તરીકે ઓળખે છે.

કુપ્રથામાંથી આકાર પામ્યું અનોખું 'બજાર'

દુનિયાના બીજા કોઈ પણ બજારથી ઇમા કિથિલ બિલકુલ અલગ છે. ઇમા કિથિલ દાયકાઓથી આકાર લઇ રહેલા સમૃદ્ધ ઇતિહાસના પાયા પર રચાયેલું છે. ઇસ. ૧૫૩૩માં ઇમા કિથિલની શરૂઆત થઇ હતી. આ અનોખા બજારના પાયામાં ગરીબી, ગુલામી, મજબૂરી, બહાદુરી અને શૌર્ય જેવા અનેક રંગ ભળેલા છે. ૧૬મી સદીમાં દેશના અનેક વિસ્તારોની જેમ ઉત્તરપૂર્વ ભારતમાં પણ લલ્લુપ-કાબા ઉર્ફ વેઠિયા મજૂરીનું દુષણ ચરમસીમાએ હતું. સમાજના ઉચ્ચ વર્ગના (વાંચો, ક્રૂર-અનૈતિક ધનિકો) લોકો ગરીબોને 'વેઠ' એટલે કે મજૂરી કરાવવા રીતસરના ગુલામ બનાવતા. આ પ્રકારની મજૂરી કરવામાં ગુલામોનું જીવન વીતી જતું, પરંતુ કમાણી નહીંવત થતી. ' ભગવદ્ગોમંડળ'માં 'વેઠ' શબ્દનો અર્થ જ 'વગર દામનું વૈતરું' અને 'જેમાં કોઈ વળતર ના હોય એવી મહેનત', એવો અપાયો છે. મણિપુરના ગરીબ મેઇતેઇ લોકો પણ આ પ્રકારની વેઠમાંથી બાકાત નહોતા રહી શક્યા.  

મેઇતેઇ સ્ત્રીઓ દ્વારા સંચાલિત ઇમા કિથિલ

મણિપુરના વેઠિયા મજૂરોએ ધનવાનોની જમીન-જાયદાત પર ખેતી અને બીજા કામ કરવા મહિનાઓ સુધી ઘરેથી દૂર રહેવું પડતું. મણિપુરના લડાયક અને ખડતલ પુરુષોનો યુદ્ધોમાં પણ ઉપયોગ કરાતો. આ સ્થિતિમાં તેઓ ક્યારેક મહિનાઓ સુધી ઘરે નહોતા જઇ શકતા. એ વખતે કૌટુંબિક માલિકીની નાની-મોટી જમીન પર ખેતી કરવાનું કામ ઘરની સ્ત્રીઓ સંભાળતી. પુરુષોની ગેરહાજરીમાં મેઇતેઇ સ્ત્રીઓ પશુપાલન કરતી અને કૃષિ ઉત્પાદનો વેચવા બજારમાં પણ જતી. આમ, ઇમા કિથિલને જન્મ આપવામાં લલ્લુપ-કાબા જેવી કુપ્રથાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

મણિપુરના હજારો ઘરોનું ચુલો બાળતું બજાર

એક સમયે વેઠિયા મજૂરોની વિધવા માતાઓ અને પત્નીઓ ગામને પાદરે કૃષિ આધારિત પેદાશો વેચતી, પરંતુ હવે ઇમ્ફાલમાં એક મહાકાય બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગમાં વેચાણ કરવા દરેક મહિલાને નાનકડી જગ્યા ફાળવાય છે. એ જગ્યા બદલ નજીવી રકમ વસૂલાય છે. જેમ કે, થોડા સમય પહેલાં એક મહિનાનું ભાડું ફક્ત ચાળીસ રૂપિયા હતું. આજના આ સંગઠિત બજારમાં કાપડ, ધાતુ, માટી અને વાંસની કલાત્મક ચીજવસ્તુઓ, ફેશનેબલ જ્વેલરી, મસાલા, જડીબુટ્ટીઓ અને ઔષધિઓ, શાકભાજી, ફળો, સૂકા માછલા અને 'મોરોક' ચિલી સહિત ઘણું બધું વેચાય છે. મોરોક મણિપુરની મરચાની જાણીતી જાત છે, જે ભૂત જોલોકિયા, ઘોસ્ટ જોલોકિયા, ઘોસ્ટ પીપર, નાગા જોલોકિયા, રેડ નાગા અને નાગા કિંગ ચિલી જેવા અનેક નામે જાણીતી છે. ૨૦૦૯માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે તેની દુનિયાના સૌથી તીખા મરચા તરીકે નોંધ લીધી હતી.

ઇમા કિથિલનું આજનું બિલ્ડિંગ 

ઇમા કિથિલમાં મહિલાઓએ યુનિયન પણ બનાવ્યું છે. આ યુનિયન બજારનું સંચાલન યોગ્ય રીતે થાય અને કોઈ સ્ત્રીને તકલીફ ના પડે તેનું ધ્યાન રાખે છે. કોઈ પણ મહિલાને નાની-મોટી લોનની જરૂરિયાત પણ ઇમા કિથિલમાંથી પૂરી થઇ જાય છે. મહિલાઓ વધુ માલ ખરીદવા માટે પણ લોન લઇ શકે છે, જે નફો કર્યા પછી યુનિયનને પરત કરી શકાય છે. ઇમા કિથિલના કારણે મણિપુરના અંતરિયાળ વિસ્તારની અનેક મહિલાઓના ઘરનો ચુલો બળે છે. મણિપુરના સ્થાનિક અર્થતંત્રને મજબૂતાઈ આપવામાં પણ ઇમા કિથિલ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
  
બ્રિટીશરો સામેના આંદોલનનું એપિસેન્ટર

ઇમા કિથિલ સાથે આઝાદીકાળની એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના જોડાયેલી છે. બ્રિટીશ રાજ વખતે મણિપુરને અન્યાય થતાં ઇમા કિથિલ આંદોલનના કેન્દ્ર તરીકે ઊભર્યું હતું. વાત એમ હતી કે, બ્રિટીશરોએ ઉત્તરપૂર્વ ભારતમાં મણિપુરની આસપાસ લશ્કરી થાણાં ઊભા કર્યાં હતાં. ત્યાં બ્રિટીશ રાજની સેવામાં તૈનાત બ્રિટીશ સૈનિકોને કરિયાણાની મોટા પાયે જરૂર પડતી. આ જરૂરિયાત પૂરી કરવા બ્રિટીશ અધિકારીઓ મણિપુર સહિતના અનેક પ્રદેશોના મોટા ભાગના ચોખા બ્રિટીશ સૈનિકો માટે રવાના કરી દેતા. મણિપુરના રાજાઓ પણ બ્રિટીશ રાજના રબર સ્ટેમ્પ શાસકો હતા. આ સ્થિતિમાં મણિપુરી સ્ત્રીઓએ ઇમા કિથિલમાં જ બેઠકો, ચર્ચાવિમર્શ અને રેલીઓનું આયોજન કરીને બ્રિટીશરો સામે રણશિંગુ ફૂંક્યું હતું.

ઇમ્ફાલમાં આવેલું  બ્રિટીશરો સામેના આંદોલનની યાદ કરાવતું  સ્મારક 

આ આંદોલનને કચડી નાંખવા બ્રિટીશરોએ ઇમા કિથિલનું બિલ્ડિંગ વેચી કાઢવાની યોજના બનાવી હતી, પરંતુ મણિપુરની મહિલાઓએ બ્રિટીશરોનો ઉગ્ર વિરોધ કર્યો. મણિપુરની મેઇતેઇ ભાષામાં આ આંદોલન 'નુપી લાન' તરીકે ઓળખાય છે, જેનો અર્થ 'સ્ત્રીઓનું યુદ્ધ' એવો થાય છે. એ યુદ્ધમાં મણિપુરની મહિલાઓએ છેલ્લે સુધી હાર નહોતી માની. છેવટે ૧૯૩૯માં બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળતા મણિપુર વૉર ઝોનમાં ફેરવાઇ ગયું, થોડા સમય પછી જાપાને મણિપુરનો કબ્જો કર્યો અને આ આંદોલનનો અંત આવ્યો. મણિપુરના જ નહીં, ભારતના ઈતિહાસમાં સૌથી અનોખા ગણાતા આ આંદોલનને પાઠયપુસ્તકોમાં ભણાવાતું નથી.

મણિપુરની જીવનશૈલીનું અભિન્ન અંગ

ઇમા કિથિલ એક નાનકડા વિસ્તારમાં વિકસેલી સમૃદ્ધ સંસ્કૃતિ છે, જીવન જીવવાની પદ્ધતિ છે. ઇમ્ફાલમાં અંધારુ વહેલું થતું હોવાથી ઇમા કિથિલમાં બીજી પણ એક ખાસ વાત જોવા મળે છે. અહીં અનેક સ્ત્રીઓ માલસામાન બાંધીને ઘરે જતી રહે છે, જ્યારે કેટલીક મહિલાઓ પોતાની દુકાનમાં જ સાંજની રસોઇ બનાવે છે. સ્ત્રીઓ દુકાનમાં જ વાળુ કરી લે છે અને પરિવારના બીજા સભ્યો માટે ઘરે પણ લઇ જાય છે. ઇમા કિથિલ મણિપુરના રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવાહો સાથે અભિન્ન રીતે વણાઇ ગયું હોવાથી મહિલાઓ માટે જ નહીં, મણિપુરી પુરુષો માટે પણ એક 'ઐતિહાસિક બજાર'થી ઘણું વધારે છે.

ફનેકઃ મણિપુરની ગલીઓથી બોલિવૂડ સુધી 

ઇમા કિથિલમાં મણિપુરની જ નહીં, ઉત્તરપૂર્વ ભારતની પરંપરાગત ફેશનનું પણ પ્રતિબિંબ ઝીલાય છે. પૂર્વાંચલ હિમાલયની પર્વતમાળાઓ વચ્ચે આવેલા ઇમ્ફાલની ગલીઓમાં વહેલી સવારથી જ ફનેક અને ઇન્નાફિ પહેરીને ઇમા કિથિલ તરફ જતી સ્ત્રીઓનું સંગીત રેલાવા લાગે છે. ફનેક એટલે ઉત્તરપૂર્વ ભારતમાં સ્ત્રીઓ દ્વારા કમરની નીચે પહેરાતું લુંગી જેવું રંગીન વસ્ત્ર અને ઇન્નાફિ એટલે શાલ. ઇમા કિથિલ પર અનેક સંસ્થાઓએ ડોક્યુમેન્ટ્રી બનાવી છે, અને, હવે નિકિતા કાલા નામના સ્ટાઇલિસ્ટ ફેશન આધારિત ફિલ્મ પણ બનાવી રહ્યા છે. મણિપુરના આ પરંપરાગત પોષાકથી પ્રભાવિત થઇને અનેક ફેશન ડિઝાઇનરો ફનેક અને ઇન્નાફિનું મોડર્ન ફ્યૂઝન પણ કરી ચૂક્યા છે. બોલિવૂડ 'ક્વિન' કંગના રણૌતના કારણે પણ ફનેકની લોકપ્રિયતા વધી છે.

... અને બંદૂકની ગોળીઓને ફનેકથી પડકારાઈ

આ એજ ફનેક છે, જેને 'બખ્તર' બનાવીને મણિપુરની ૧૨ 'ઇમા' (માતા)એ સંપૂર્ણ નગ્ન થઇને ભારતીય સેનાને લલકાર કર્યો હતો કે, 'ઇન્ડિયન આર્મી રેપ અસ... વી ઑલ આર મનોરમા'સ મધર... કિલ અસ, રેપ અસ...' ૧૫મી જુલાઈ, ૨૦૦૪ના એ દિવસે ફાનેક રંગીન નહોતું પણ સફેદ હતું, જેના પર લાલ શબ્દોમાં એ આક્રોશ ચીતરાયો હતો. આ બારેય માતા ૩૨ વર્ષીય મનોરમા નામની યુવતીની હત્યાથી છિન્નભિન્ન થઇ ગઇ હતી. શું થયું હતું, મનોરમા સાથે?

૧૦મી જુલાઈ, ૨૦૦૪ના રોજ ભારતીય સેનાના આસામ રાઇફલ્સ યુનિટના જવાનો મનોરમાને તેના ઇમ્ફાલના ઘરેથી પૂછપરછ માટે લઇ ગયા. મણિપુરમાં આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર એક્ટ (આફસ્પા) હેઠળ ભારતીય સેનાને કારણ આપ્યા વિના કોઈ પણ વ્યક્તિની વૉરંટ વિના ધરપકડ કરવાનો, પૂછપરછ કરવાનો અને ગોળી મારવાનો અધિકાર અપાયો છે. મનોરમાને પણ લઇ ગયા અને બીજા દિવસે, ૧૧મી જુલાઈ, ૨૦૦૪ના રોજ તેનો ચીંથરેહાલ મૃતદેહ મળ્યો. મનોરમાના જનનાંગોમાં ૧૬ ગોળી મરાઈ હતી અને તેના શરીરના અનેક ભાગ પર છરાના ઊંડા ઘા હતા. શબપરીક્ષણમાં માલુમ પડ્યું હતું કે, આ જઘન્ય હત્યા પહેલાં તેના પર અનેકવાર બળાત્કાર ગુજારાયો હતો.

આસામ રાઇફલ્સના હેડ ક્વાર્ટર સામે વિરોધ કરતી મણિપુરી મહિલાઓ, મનોરમા અને
આફસ્પા હટાવવા ૧૬ વર્ષ ઉપવાસ કરીને અહિંસક આંદોલન ચલાવનારા ઇરોમ શર્મિલા

કોઈ પણ સ્ત્રી માટે જાહેરમાં સંપૂર્ણ નગ્ન થવું કેટલું કપરું હોય છે એ સમજી શકાય છે, પરંતુ મનોરમાનો ચીંથરેહાલ મૃતદેહ જોઈને ઇમા કિથિલમાં કામ કરતી ૧૨ માતા માટે નગ્ન થવું સહેલું થઇ ગયું. આ સ્ત્રીઓએ આસામ રાઇફલ્સના હેડ ક્વાર્ટર કાંગ્લા ફોર્ટ સામે પહોંચીને બધા જ કપડાં ઉતાર્યા. એ દિવસે જવાંમર્દો હતપ્રત થઇ ગયા અને બંદૂકો કલાકો સુધી ચૂપ થઇ ગઇ. આ અનોખા વિરોધની તસવીરોના ભારત સહિત દુનિયાભરમાં જબરદસ્ત પ્રત્યાઘાત પડયા, પરંતુ થોડા જ સમયમાં બારેય માતાઓની ધરપકડ થઇ અને ત્રણ મહિના માટે જેલમાં ધકેલી દેવાઇ. એ પછી મણિપુરમાં વિરોધ વંટોળ ફાટી નીકળ્યો અને આસામ રાઇફલ્સે કાંગ્લા ફોર્ટ ખાલી કરવો પડ્યો. ઇમ્ફાલ ખીણના સાત વિસ્તારમાંથી આફસ્પા હટાવાયો, પરંતુ આજેય આ અન્યાયી કાયદો મણિપુરમાં લાગુ છે. આ જ કાયદો હટાવવા મણિપુરના ઇરોમ શર્મિલાએ સતત ૧૬ વર્ષ ઉપવાસ કર્યા હતા. 

જોકે, આજેય નથી આ કાયદો હટ્યો કે નથી મનોરમાના હત્યારા પકડાયા. 

આપણે બસ એટલું જ કહી શકીએ. ઇમા કિથિલ અમર રહો.

***

કેટલીક જરૂરી નોંધઃ- 

- આફસ્પા હટાવવા ઇરોમ શર્મિલાએ પાંચમી નવેમ્બર, ૨૦૦૦ના રોજ ઉપવાસ શરૂ કર્યા. આ દરમિયાન તેમની અનેકવાર ધરપકડ થઇ, નાકમાં ટોટીઓ નાંખી પેટમાં પરાણે ખોરાક નંખાયો, પરંતુ તેમની ભૂખ હડતાળ ચાલુ રહી. છેવટે ૨૬મી જુલાઈ, ૨૦૧૬ના રોજ શર્મિલાએ ભૂખ હડતાળને આટોપી. જોકે, આફસ્પા ના હટ્યો. 

- ઓક્ટોબર ૨૦૧૬માં શર્મિલાએ રાજકીય પક્ષ સ્થાપ્યો, પીપલ્સ રિસર્જન્સ એન્ડ જસ્ટિસ એલાયન્સ. ૨૦૧૭માં થોબુલમાંથી કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઇબોલી સિંઘ સામે ચૂંટણીમાં ઊભા રહ્યા. એ ચૂંટણીમાં ઇબોબી સિંઘના ૧૮,૬૪૯ સામે શર્મિલાને ફક્ત નેવું (૯૦) મત મળ્યા. 

- મણિપુરની પ્રજા માટે વિશ્વની સૌથી લાંબી ભૂખ હડતાળ કરનારા ‘આયર્ન લેડી’ને મણિપુરની જ પ્રજાએ ફગાવી દીધા. કેમ? આફસ્પા હટાવવાની એ અહિંસક લડતમાં મણિપુરીઓને વિશ્વાસ નહોતો રહ્યો? કાશ એવું ના હોય!

- દેશપ્રેમનો અર્થ લશ્કર અને ‘ભારત માતા કી જય’ની નારેબાજીથી ઘણો વધારે છે. સેનાના જવાનો દેશની રક્ષા કરે છે એટલે તેમને ગુનાખોરી કરવાનો હક નથી મળતો. દેશના બીજા વિભાગોની જેમ સેનામાં પણ ભ્રષ્ટાચાર અને બીજા દુષણો છે જ. દેશના કાયદા-કાનૂન બધાને સમાન રીતે લાગુ પડે છે. આવી સીધી સાદી વાત સમજવા રોકેટ સાયન્ટિસ્ટ હોવું જરૂરી નથી. અને હા, મણિપુરના લોકો પણ ભારતીયો જ છે. 

- મણિપુરની ૧૨ મહિલા મનોરમા માટે નગ્ન થઈને વિરોધ કરવા તૈયાર થઇ ત્યારે તેમની મનોસ્થિતિ કેવી હશે? અત્યારે આ મહિલાઓ શું કરી રહી છે? એ ઘટનાને આજે એ મહિલાઓ કેવી રીતે જુએ છે? આશરે ૬૦ વર્ષની આસપાસની આ મહિલાઓની હિંમત જોઈને એક યુવાન સ્ત્રી પણ નગ્ન થઇને વિરોધ કરવા તૈયાર થઇ ગઇ હતી. આ વાત કોઈ સ્ત્રીએ ઘરે નહોતી જણાવી. એ કેટલો હિંમતપૂર્વકનો નિર્ણય હશે, તેની આપણે ફક્ત કલ્પના જ કરી શકીએ. એ દિવસે અમુક સ્ત્રીઓ પતિને પગે લાગીને પણ આવી હતી. 

- આ સામાન્ય મહિલાઓની અસામાન્ય હિંમત વિશે રજેરજની વિગત જાણવી હોય તો એવોર્ડ વિનિંગ મહિલા પત્રકાર ટેરેસા રહેમાનનું પુસ્તક ‘ધ મધર્સ ઓફ મણિપુરઃ ટ્વેલ્વ વિમેન હુ મેડ હિસ્ટરી’ મસ્ટ રીડ છે.