દેશમાં કેરી પકવતા રાજ્યોની વાત આવે એટલે બધા જ રાજ્યોની વાત થાય છે,
પરંતુ ગોવાની વાત ક્યારેય
નથી થતી. વિશ્વના કુલ કેરી ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૪૦ ટકાથી પણ વધારે છે,
જ્યારે ભારતના કુલ કેરી
ઉત્પાદનમાં ૨૪ ટકા સાથે સૌથી વધુ હિસ્સો ઉત્તરપ્રદેશનો છે. એ પછી આંધ્રપ્રદેશ
(૨૨.૧૪) કર્ણાટક (૧૧.૭૧), બિહાર (૮.૭૯), ગુજરાત (૬) અને તમિલનાડુ (૫.૦૯)નો નંબર આવે છે પણ ગોવાનું
ક્યાંય નામ નથી કારણ કે, દેશના કુલ કેરી ઉત્પાદનમાં તેનો હિસ્સો પાંચ ટકાથી પણ ઓછો
છે! જોકે, ગોવામાં ભલે કેરીનો ટનબંધ પાક નથી ઉતરતો પણ પશ્ચિમ ઘાટના નકશામાં 'પાતળી લીટી' જેવા આ રાજ્યમાં ૧૦૦થી પણ વધારે જાતની કેરી પાકે છે. દેશની
સૌથી મીઠી, રસાળ, સુગંધીદાર, મોંઘી અને સૌથી વધારે નિકાસ થતી કેરી આલ્ફોન્સો એટલે કે હાફૂસ પણ ગોવાની જ
વતની છે.
ગુજરાતમાં કેરીની સિઝનમાં છાપા, ટીવી અને રસ્તા પર ઠેર ઠેર જાહેરખબરો જોવા મળે છે કે,
સૌરાષ્ટ્રની પ્રખ્યાત
કેસર અને હાફૂસ કેરી અહીં મળે છે. ગુજરાતમાં પણ હાફૂસ,
રાજાપુરી,
વનરાજ,
નીલમ,
જમાદાર,
નીલમ,
દશેહરી અને લંગરા જેવી
કેરીનો પાક લેવાય છે પણ ગુજરાતની એક્સક્લુસિવ કેરી ફક્ત કેસર છે,
બીજી એકેય નહીં. મિનિસ્ટ્રી
ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સંચાલિત ચેન્નાઈની જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન
રજિસ્ટ્રીએ ૨૦૧૧માં 'ગીર કેસર'ને 'જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ' આપ્યું હતું. કોઈ સ્થળ સાથે જોડાયેલી એક્સક્લુસિવ
ચીજવસ્તુને જીઆઈ ટેગ અપાય છે. જેમ કે, પાટણના પટોળા અને દાર્જિલિંગની ચા. કેસર પણ ગીરની
એક્સક્લુસિવ પ્રોડક્ટ છે એટલે તેને પણ જીઆઈ ટેગ મળ્યું છે. વર્ષ ૧૯૩૧માં જૂનાગઢના
વજીર સાલેભાઈએ ગિરનારની તળેટીમાં આવેલા લાલ દૂરી ફાર્મમાં ૭૫ આંબા કલમ કર્યા હતા. આ
આંબાની ત્રણેક વર્ષ લાડકા બાળકની જેમ માવજત કરાઈ અને ૧૯૩૪માં તેના પર ફળ પણ આવી
ગયા. આ કેરી સૌથી પહેલાં જૂનાગઢના નવાબ રસૂલ ખાનજીને મોકલાઈ. આ કેરીના સ્વાદ,
સુગંધ અને રંગથી
પ્રભાવિત થઈને નવાબ બોલ્યા કે, આ તો કેસર છે. બસ, ત્યારથી એ કેરી 'ગીર કેસર' તરીકે ઓળખાય છે.
ગીરની અસલી કેસર |
હાલ જૂનાગઢ અને અમરેલીના કુલ ૨૦ હજાર હેક્ટરમાં કેસરનો પાક લેવાય છે,
પરંતુ એક સમયે ગીર
અભયારણ્યની આસપાસ પાકતી કેરી જ 'ગીર કેસર' ગણાતી. કેસર ગુજરાતની છે એ તો જાણીતી વાત છે પણ હાફૂસ એ
પોર્ટુગીઝોની દેન છે. નેશનલ હોર્ટિકલ્ચરના બોર્ડની વેબસાઈટ પર પણ હાફૂસ પકવતા
રાજ્યોમાં ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિલનાડુનું નામ નોંધાયેલું છે પણ ગોવાનો ઉલ્લેખ નથી. આ વર્ષે
મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં અને દેવગઢ તાલુકામાં પાકતી હાફૂસને પણ જીઆઈ ટેગ
અપાયું. દેશમાં સૌથી વધારે જીઆઈ ટેગ પણ કેરીને જ મળેલા છે કારણ કે,
કેરી પ્રાદેશિક અભિમાનસાથે જોડાયેલું ફળ છે. જેમ કે, મહારાષ્ટ્રની મરાઠાવાડા કેસર, ઉત્તરપ્રદેશની મલિહાબાદી દશેહરી,
કર્ણાટકની એપ્પેમિડી,
આંધ્રપ્રદેશની
બાંગ્લાપલ્લી તેમજ પશ્ચિમ બંગાળની લક્ષ્મણ ભોગ, હિમસાગર અને ફઝલી એમ ત્રણ જાતની કેરીને જીઆઈ ટેગ અપાયા છે.
એટલે કે, આ બધી જ કેરીની જેમ રત્નાગીરી અને દેવગઢનું નામ પણ હાફૂસ સાથે જોડાઈ ગયું અને ગોવા રહી ગયું.
આલ્ફોન્સો કેરીનું નામ જ પોર્ટુગલના લશ્કરી સેનાપતિ આફોસો દ અલ્બુકર્કના નામ
પરથી પડ્યું છે. સમયાંતરે 'આલ્ફોન્સો' અપભ્રંશ થઈને હાફૂસ થઈ ગયું. આ હાફૂસ પણ અપભ્રંશ શબ્દ છે.
સાર્થ જોડણીકોશ અને ભગવદ્ગોમંડળમાં 'આફૂસ' શબ્દ છે, 'હાફૂસ' નહીં. આ બંને ગ્રંથમાં 'આફૂસ' શબ્દની વ્યુત્પત્તિ આલ્ફોન્સો પરથી થઈ હોવાની નોંધ છે. ભગવદ્ગોમંડળમાં
નોંધ્યા પ્રમાણે, પોર્ટુગલનો ઓલ્ફોન્સો નામનો વહાણવટી બ્રાઝિલમાંથી આંબાની કલમ હિંદુસ્તાનમાં
લાવ્યો હતો, તે જાતના કલમી આંબા અને તેની કેરી આલ્ફોન્સો કહેવાય છે... આફૂસનો એક બીજો પણ
અર્થ થાય છે, મુરતિયાની અછત. હાફૂસ શબ્દનો ઉચ્ચાર અને અર્થ મરાઠી અને ગુજરાતી ભાષામાં આવ્યો
એ પછી બદલાઈ ગયો. પણ આ બંને ભાષામાં આલ્ફોન્સો શબ્દ આવ્યો કેવી રીતે?
જરા વિગતે વાત કરીએ.
![]() |
ફાઇબરલેસ આલ્ફોન્સો ઉર્ફે આફૂસ ઉર્ફે હાફૂસ ;) |
ભારતમાં તો હજારો વર્ષોથી કેરીઓ થતી જ હતી. રામાયણ,
મહાભારતથી લઈને
બૌદ્ધ-જૈન ગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં પણ કેરીના અનેક ઉલ્લેખો મળે છે. જોકે,
આજની કેરીઓની અનેક જાતો
સદીઓના જનીનિક ફેરફારો પછી પેદા થઈ છે. પોર્ટુગલના રાજા મેન્યુઅલ પહેલાના સેનાપતિ
આફોસો દ અલ્બુકર્કે ઈસ. ૧૫૧૦માં ગોવામાં શાસન સ્થાપ્યું ત્યારથી ભારતમાં દેશી
કેરીઓ સાથેના જનીનિક ફેરફારો શરૂ થયા. પોર્ટુગીઝોના શાસનકાળમાં ભારત અને યુરોપનું
સાંસ્કૃતિક આદાનપ્રદાન શરૂ થયું. પોર્ટુગીઝોએ વનસ્પતિ શાસ્ત્રમાં સારું એવું કાઠું
કાઢ્યું હતું અને તેમના થકી જ ભારતમાં યુરોપિયન આંબા તેમજ આંબા કલમ કરવાની વૈજ્ઞાનિક
પદ્ધતિઓ આવી. ઈસ. ૧૫૬૩માં પોર્ટુગીઝ-યહૂદી રસાયણશાસ્ત્રી ગાર્સિયા દ ઓર્ટાએ પણ
ભારતની મુલાકાત લીધી. ઓર્ટા ઈતિહાસમાં તબીબ, પ્રકૃતિશાસ્ત્રી અને ઉષ્ણકટિબંધીય (ટ્રોપિકલ) દવાઓના
પિતામહ્ તરીકે ઓળખાય છે. દવાઓનું સંશોધન કરવાના હેતુથી ઓર્ટાએ ઉષ્ણકટિબંધીય ફળો પર
ઊંડુ સંશોધન કર્યું હતું. કેરી અંગે ઓર્ટાએ લખ્યું હતું કે,
યુરોપના બધા જ ફળો કરતા
કેરી ચડિયાતી છે... ઈસ. ૧૮૫૫માં પોર્ટુગીઝોએ ઓર્ટાની યાદમાં ગોવાના પણજીમાં ભવ્ય
બગીચો બંધાવ્યો હતો, જે આજે પણજી મ્યુનિસિપલ ગાર્ડન તરીકે વધારે જાણીતો છે.
પોર્ટુગલોના શાસનને પગલે ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં યુરોપિયન સંસ્કૃતિ વિકસી રહી હતી. આ
દરમિયાન ઈસ. ૧૫૫૬માં મોગલ વંશના રાજા અકબરે રાજગાદી સંભાળી. અકબર પણ કેરીનો રસિયો
હતો અને તે જાણતો હતો કે, પોર્ટુગીઝોએ જાતભાતના ફળોનો પાક લેવામાં મહારત હાંસલ કરી
છે. અકબરે પોતાના દરબારમાં પોર્ટુગીઝોને આવકાર્યા અને આંબા કલમ કરવાની વૈજ્ઞાનિક
પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું. બિહારના દરભંગામાં અકબરે એક લાખ આંબા કલમ કરાવ્યા હતા,
જે આજે લાખી બાગ તરીકે
ઓળખાય છે. ત્યાર પછી ૧૬૨૮થી ૧૬૫૮ સુધી અકબરના પ્રપૌત્ર શાહજહાં (જહાંગીરનો
પુત્ર)ના શાસનકાળમાં પણ કેરીની બોલબાબા રહી. શાહજહાંએ મુમતાઝની યાદમાં તાજમહેલ
બનાવ્યા સિવાય પણ એક મહત્ત્વનું કામ કર્યું હતું. શાહજહાંએ એ જમાનામાં
મહારાષ્ટ્ર-ગોવાના ઉનાળુ ફળોને દિલ્હી સુધી લાવવા ખાસ ફાસ્ટ ટ્રેક રૂટ તૈયાર
કરાવ્યો હતો.
![]() |
આફોસો દ અલ્બુકર્ક (ક્લોક વાઈઝ), પોર્ટુગલની રાજધાની લિસ્બનની ઈન્સ્ટિટ્યુટ ઓફ હાઈજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિન સેન્ટર બહાર ગાર્સિયા દ ઓર્ટાનું પૂતળું અને મોગલવંશનો ઈટાલિનય હકીમ નિકોલા માનુસી |
મોગલ વંશના રાજાઓએ અનેક વિદેશી નિષ્ણાતોને પણ પોતાના દરબારમાં સ્થાન આપ્યું
હતું, જેમાંના
એક હતા નિકોલા માનુસી. મોગલ કાળમાં માનુસીએ તબીબ, ઈતિહાસકાર, લેખક અને સાહસિક પ્રવાસી તરીકે નામના મેળવી હતી. ઈસ.
૧૬૫૩માં માનુસીએ નોંધ્યું હતું કે, ''દુનિયાની શ્રેષ્ઠ કેરીઓ ગોવામાં પાકે છે. અહીંની કેરીઓને
તેના રંગ, સુગંધ અને સ્વાદ પ્રમાણે જુદી પણ પડાય છે. મેં અહીંની અનેક કેરીઓ ખાધી છે,
જેનો સ્વાદ યુરોપના પિચ,
નાસપતિ અને સફરજન જેવો
છે. આમાંની અનેક કેરીઓ તમે બ્રેડ સાથે કે બ્રેડ વગર ખાઈ શકો છો. જો કેરી વધુ
ખાવાની ઈચ્છા હોય તો પણ કંઈ નુકસાન થતું નથી...'' આ રીતે અનેક યુરોપિયન પ્રવાસીઓ થકી ભારતીય કેરીઓ
દુનિયાભરમાં જાણીતી થઈ. પોર્ટુગીઝો માટે ગોવાની કેરીને રાજકીય સાધન બની ગઈ હતી. પોર્ટુગીઝ
અને મોગલ રાજાઓ, વેપારીઓ અને સેનાપતિઓ એકબીજાને કેરી મોકલાવીને કડવાશ દૂર કરતા. આજેય
ભારત-પાકિસ્તાનના રાજકારણીઓ એકબીજાને પોતપોતાના પ્રદેશની કેરીઓ મોકલાવે છે,
જે પરંપરા આટલી જૂની છે.
મોગલોના કેરી પ્રેમના કારણે ઈસ. ૧૭૯૨ સુધી ગોવાની આલ્ફોન્સો કેરીની ઉત્તર ભારત,
મહારાષ્ટ્ર,
દિલ્હી અને ગુજરાતમાં
આયાત શરૂ થઈ ગઈ હતી. જોકે, પૂણેમાં ફરજ બજાવતા પોર્ટુગીઝ અધિકારીઓએ આલ્ફોન્સોની
નિકાસને ગંભીરતાથી લીધી અને ગોવાના ગવર્નરને પત્ર લખીને જણાવ્યું કે,
ગોવાની આલ્ફોન્સોનો
સ્વાદ, સુગંધ
અને રંગ જાળવી રાખવો હોય તો તેની બેફામ નિકાસ અટકવી જોઈએ. ગોવાની આલ્ફોન્સોનું
મૂલ્ય જાળવી રાખવું હોય તો તેને દુર્લભ જ રહેવા દેવું જોઈએ... આ પ્રકારની ભલામણોની
પોર્ટુગીઝો પર ધારી અસર થઈ અને નિકાસમાં રૂકાવટ આવી. એટલે આલ્ફાન્સો માટેનો જઠરાગ્નિ
સંતોષવા પેશ્વાઓએ કોંકણમાં હજારો આલ્ફોન્સો આંબા કલમ કર્યા. કોંકણની આલ્ફોન્સો કેરીઓ સ્થાનિક વાતાવરણ અને કલમ પદ્ધતિના કારણે ગોવાની આલ્ફોન્સો કરતા સ્હેજ અલગ
પડી, પરંતુ
આ કેરીઓ પણ સ્વાદિષ્ટ અને આલ્ફોન્સોની જેમ રેસાવિહિન (ફાઇબરલેસ) જ હતી. આ રીતે
મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના દરિયા કિનારાનો ૭૨૦ કિલોમીટર લાંબા કોંકણ પટ્ટામાં આલ્ફોન્સોનો પાક લેવાનું શરૂ થયું. દક્ષિણ ગુજરાતના નવસારી,
વલસાડ જેવા વિસ્તારોમાં
પણ આલ્ફોન્સો વાયા કોંકણ પહોંચી. એ પછી આલ્ફોન્સો શબ્દ મરાઠી અને ગુજરાતી ભાષામાં પણ
આવ્યો, પરંતુ સમયાંતરે અપભ્રંશ થઈને ‘આફૂસ’ અને 'હાફૂસ' થઈ ગયો.
આશ્ચર્યની વાત છે કે, પશ્ચિમ બંગાળ અને ઓડિશા 'રસગુલ્લા તો અમે શોધ્યા' એવો દાવો કરીને જીઆઈ ટેગ મુદ્દે લડાઈ કરી શકે છે,
પરંતુ મહારાષ્ટ્રના બે
વિસ્તારને હાફૂસનું જીઆઈ ટેગ અપાયું હોવા છતાં ગોવાના લોકો પોતાની મસ્તીમાં ગૂલ
છે. એનું કારણ કદાચ ગોવા પાસે હાફૂસ સિવાય પણ બીજી ૯૯ જાતની કેરીઓ છે,
એ હોઈ શકે! ગોવા પાસે
સ્વાદમાં બેજોડ એવી મોન્સેરેટ, માલકુરદા અને કોલેકો જેવી કેરીઓ છે. કોંકણી ભાષામાં
મોન્સેરેટ મુસરત, માલકુરાડા માનકુરંદ અને કોલેકો કુલાસ થઈ ગઈ. જુદી જુદી ભાષા,
લિપિ અને સંસ્કૃતિ
વચ્ચેના આદાનપ્રદાન પછી શબ્દોના ઉચ્ચાર અને અર્થ પણ બદલાઈ જતા હોય છે. ફર્નાન્ડિન,
હિલારિયો,
બિશોપ,
ઝેવિયર અને મલગેશ પણ
ગોવાની જાણીતી કેરીઓ છે. આ એકેય કેરીને હાફૂસની જેમ ઓળખ ભૂંસાઈ જવાનો ખતરો નથી
કારણ કે, આ કેરીઓને હાફૂસની જેમ હાઇબ્રિડ કરીને લાંબો સમય સુધી બગડે નહીં એવી રીતે પકવી
શકાતી નથી.
વેલ, ગોવા પાસે બિચ અને બિયર સિવાય પણ ઘણું બધું છે અને એ છે,
તેનું ફૂડ કલ્ચર. યુરોપ
સાથેના પ્રચંડ સાંસ્કૃતિક આદાનપ્રદાનને પગલે ગોવા ખાણીપીણીનો રસાળ ઈતિહાસ ધરાવે છે
અને કેરીની તો વાત જ કંઈક ઓર છે!
Nice article Vishal..hardly available details on Alfonzo...good job...
ReplyDeleteYeah dude. Keep Reading, Keep Eating ;)
Delete