Showing posts with label Russia. Show all posts
Showing posts with label Russia. Show all posts

08 November, 2017

ફેસબૂક અને ફેક ન્યૂઝ : ધંધા હૈ પર ગંદા હૈ યે...


ફેસબૂક અને વૉટ્સએપ જેવા સોશિયલ મીડિયા માધ્યમોના જમાના પહેલાં 'ન્યૂઝ'નો અર્થ ફક્ત 'સમાચાર' થતો હતો, પરંતુ હવે બીજા પણ એક ન્યૂઝ લોકપ્રિયતા મેળવી રહ્યા છે અને એ છે, ફેક ન્યૂઝ. આ પ્રકારના ન્યૂઝનો ફેલાવો કરવાનું સૌથી ઉત્તમ હથિયાર એટલે સોશિયલ મીડિયા. ભારતમાં ફેસબૂક અને વૉટ્સએપ સૌથી વધારે લોકપ્રિય છે. ટ્વિટર પર શબ્દોની મર્યાદા છે, પરંતુ ફેસબૂક-વૉટ્સએપ પર લાંબા લખાણો લખીને એકસાથે લાખો લોકોને પહોંચાડી શકાય છે. ટ્વિટર એલિટ ક્લાસનું પ્લેટફોર્મ છે, પરંતુ ફેસબૂક-વૉટ્સએપની પહોંચ મધ્યમ વર્ગ અને ગરીબો સુધી પણ છે. ફેસબૂક કે બીજા કોઈ પણ સોશિયલ મીડિયામાં વહેતા સમાચારોની જનમાનસ પર કેટલી અસર થાય છે અને મતપેટી પર તેની કેવી અસર પડે છે- એ ચોક્સાઇપૂર્વક ના જાણી શકાય, પરંતુ આ માધ્યમો થકી ફેલાવાતી ખોટી માહિતીના કારણે મતપેટી પર અસર પડે છે એ વાતમાં કોઈ શંકા નથી. આઈઆરઆઈએસ નામનું રિસર્ચ ફાઉન્ડેશન તેમજ ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના સંયુક્ત અભ્યાસમાં પણ આ વાત સાબિત કરી ચૂક્યા છે.

સોશિયલ મીડિયા યુવા પેઢી સિવાયના પણ લાખો લોકોના જીવનનું અભિન્ન અંગ છે. આપણી લોકસભાની ચૂંટણીઓ હોય કે અમેરિકા, ફ્રાંસ અને જર્મનીની ચૂંટણીઓ- આ બધામાં ફેસબૂકે અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાથી ફેક ન્યૂઝ સામે પણ સવાલ ઊઠવા સ્વાભાવિક છે. અમેરિકન પ્રમુખપદની ચૂંટણી વખતે જ આ વિવાદની શરૂઆત થઈ ગઈ હતી. અમેરિકામાં વર્ષ ૨૦૧૬ના અંતમાં પ્રમુખપદની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલતો હતો ત્યારે ફેસબૂકની હીટ્સ ૧૭ ટકા વધી હતી. ફેસબૂકને આ ઓનલાઈન ટ્રાફિક ફેક કે મરચું-મીઠું ભભરાવીને તૈયાર કરેલી અંશતઃ ફેક માહિતીના કારણે મળ્યો હતો, જેના કારણે ફેસબૂકની આવક બે જ મહિનામાં ૪૭ ટકા વધી હતી. ટૂંકમાં, ફેસબૂકને ફેક માહિતીમાંથી પણ કરોડો ડોલરનો નફો થયો હતો.



આ વિવાદમાં ફેસબૂક એવો મુદ્દો ઉઠાવી શકે છે કે, અમારું તો કામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આપવાનું છે. જો કોઈ આ પ્લેટફોર્મ પર ખોટા સમાચારો ફેલાવે તો ફેસબૂક શું કરે? પરંતુ અમેરિકા અને યુરોપિયન દેશોમાં ફેસબૂક પર આવતી માહિતીની વિશ્વસનિયતા સામે સવાલ ઉઠ્યા પછી ખુદ માર્ક ઝકરબર્ગે ફેસબૂકના બચાવમાં મેદાનમાં ઉતરવું પડ્યું હતું કારણ કે, આ મુદ્દો સીધો ફેસબૂકની આવક સાથે સંકળાયેલો છે. ગયા મહિને બરાક ઓબામાએ પણ ઝકરબર્ગને ફેક ન્યૂઝ મુદ્દે ચેતવણી આપી હતી. એ પછી ઝકરબર્ગે ફેક ન્યૂઝને ગંભીરતાથી લેવાનું આશ્વાસન પણ આપ્યું, પરંતુ અનેક વખત ડાહ્યાડમરા નિવેદનો કર્યા પછી ફેસબૂક ફેક ન્યૂઝને કાબૂમાં રાખવાની વાત સિફતપૂર્વક ભૂલાવી દે છે.

એકવાર ફેસબૂકે એવી પણ દલીલ કરી હતી કે, ચૂંટણીની વાત કરીએ તો આ પ્લેટફોર્મ ઉપર ફેક કન્ટેન્ટનો હિસ્સો ખૂબ ઓછો છે અને તેના કારણે મતદારો પ્રભાવિત ના થઈ શકે. મતદાર તો વ્યક્ગિત ગમા-અણગમા અને અનુભવના આધારે જ કોને મત આપવો એ નક્કી કરતો હોય છે. જોકે, ફેસબૂકની આ દલીલ ફક્ત અંશતઃ સાચી છે. ભલે કન્ટેન્ટ ઓછું હોય પણ ચૂંટણી વખતે ફેક ન્યૂઝનો એકધારો મારો ચાલતો હોય ત્યારે મતદારો પ્રભાવિત થઈ શકે છે. સાક્ષરતાનો ઊંચો દર ધરાવતા અમેરિકા અને બીજા યુરોપિયન દેશોને પણ ફેસબૂકના ફેક ન્યૂઝની ચિંતા હોય તો ભારત જેવા દેશ માટે આ ફિકર કરવી જ પડે. એક સમયે ચૂંટણી પ્રચારનો અર્થ જાહેર સભાઓ, રેલીઓ, ગલીએ-ગલીએ નાનકડી સભાઓને સંબોધન કરવું અને કાર્યકરો સાથે ખુલ્લી ટ્રક કે કારમાં બેસીને પોતાને મત આપવાની અપીલ કરવી એવો થતો હતો. હવે એવું નથી. લોકસભાની તો ઠીક, કોર્પોરેશનોની ચૂંટણી પણ ગલીઓની દીવાલો પરથી ફેસબૂક વૉલ પર આવી ગઈ છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધ્યા પછી રાજકીય પક્ષો પણ ચૂંટણી પ્રચાર માટે પણ સોશિયલ મીડિયા કે સાયબર આર્મી રાખે છે, રાખવું પડે છે.

ફ્રાંસની ચૂંટણી વખતે અમેરિકા-ભારત જેવા દેશોના અનુભવ પરથી ફ્રેંચ સરકારે પણ ફેસબૂકના ફેક ન્યૂઝને ઓળખવા દસ સૂચન કર્યા હતા. ફ્રેંચ સરકારે તટસ્થ મતદાન થાય એ માટે સોશિયલ મીડિયામાં આવતી માહિતીને ક્રોસ ચેક કરવાની પ્રજાને પણ અપીલ કરી હતી. કદાચ આ પ્રકારના પગલાંથી ફ્રાંસની ચૂંટણીમાં જમણેરી (કે જૂનવાણી?) વિચારો ધરાવતા નેતાઓ બહુ ફાવ્યા ન હતા. એવી જ રીતે, જર્મનીમાં પણ રૂઢિચુસ્ત વિચારો ધરાવતા પક્ષોએ ૮૦ ટકા ચૂંટણી પ્રચાર કરવા ફેસબૂક પર જ કર્યો હતો, જ્યારે વીસ ટકામાં બીજા બધા જ માધ્યમો હતા. આ વિવાદો પછી ફેસબૂકે બ્રિટનની ફૂલ ફેક્ટ અને બીજી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા ફર્સ્ટ ડ્રાફ્ટ સાથે મળીને સાચી માહિતીને ઓળખી કાઢવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. અત્યાર સુધી ફેસબૂક ફિચર્ડ (સ્પોન્સર્ડ) આર્ટિકલ્સમાં આપેલી માહિતીની ખરાઈ કરતું ન હતું, પરંતુ હવે કરે છે. આ પ્રકારના આર્ટિકલ્સ પણ ત્રણેક તબક્કામાંથી પસાર થયા પછી જ ફેસબૂક પર પ્રકાશિત કરાય છે. જોકે, આ પ્રકારની ચકાસણી ફક્ત અંગ્રેજી ભાષામાં લખાયેલી માહિતીની જ થાય છે.

ફેસબૂકે એવો પણ નિયમ બનાવ્યો છે કે, જે ફેસબૂક એકાઉન્ટ સતત ખોટી માહિતી ફેલાવતું હશે તેમાં જાહેરાતો મૂકવાની મંજૂરી નહીં અપાય. ફેસબૂક માનતું હતું કે, જાહેરાતો નહીં મળે એટલે ખોટી માહિતી  પણ અપલોડ થતી ઓછી થઈ જશે, પરંતુ રાજકીય પક્ષોને અથવા જેમને ખોટી માહિતી કોઈ પણ ભોગે ફેલાવવી છે તેમને તો કમાણીની જરૂર જ નથી. તેઓ માટે ચૂંટણીમાં મહત્તમ બેઠકો જીતવી એ જ સૌથી મોટી કમાણી છે. રાજકીય પક્ષો તો એક પેજ બંધ કરાય તો બીજું શરૂ કરશે અને ફેસબૂક કોઈને પેજ બનાવતું રોકી શકે એમ નથી. એકવાર તો ઝકરબર્ગે જાહેરમાં જ કબૂલ્યું હતું કે, 'ફેક ન્યૂઝને કાબુમાં લેવાનો અમારી પાસે કોઈ ઉપાય નથી.'

હવે સવાલ છે કે, ફેક ન્યૂઝ માટે ફેસબૂકને જ કેમ નિશાન બનાવાય છે? આ સવાલનો સીધોસાદો જવાબ એ છે કે, ફેસબૂક પર જ સૌથી વધારે ફેક ન્યૂઝ આવે છે. ફેસબૂક યુઝર એકસાથે પાંચ હજાર ફેસબૂક યુઝર સાથે ફ્રેન્ડશિપ કરી શકે છે એ તેનું સૌથી સબળું પાસું છે અને એટલે ફેક ન્યૂઝની બાબતમાં સૌથી ખતરનાક પાસું પણ એ જ છે. વળી, આ પાંચ હજાર લોકો તમામ ફેસબૂક પોસ્ટ રિ-શેર કરી શકે છે. એટલું જ નહીં, મોબાઈલ એપના કારણે યુઝર્સ ફેસબૂકની માહિતીને કોપી-પેસ્ટ કરીને વૉટ્સએપમાં પણ સહેલાઈથી વહેતી કરે છે. ફેક ન્યૂઝ રોકવા કામ કરતા નિષ્ણાતોનો દાવો છે કે, ફેસબૂક ફેક ન્યૂઝ પર કાબૂ રાખી શકે છે, પરંતુ એમ કરવામાં ફેસબૂકના 'ધંધા' પર અસર પડી શકે એમ છે. ફેસબૂક જાણી જોઈને ફેક ન્યૂઝને સંપૂર્ણપણે બંધ કરવા નથી ઈચ્છતું. જો ફેસબૂક દ્વારા બહુ આકરા પગલાં ભરવામાં આવે તો કદાચ કરોડો યુઝર્સ ગુમાવવા પડે, યુઝર્સ ઘટે તો ટ્રાફિક ઘટે અને ટ્રાફિક ઘટે તો એડવર્ટાઝિંગની આવક પણ ઘટે. એટલે જ તો આટલા સમયથી વિવાદ થતાં હોવા છતાં ઝકરબર્ગના પેટનું પાણીય નથી હલતું. અમુક અહેવાલો પછી તો એવી પણ છાપ ઉપસી છે કે, ઝકરબર્ગ હોમ કન્ટ્રી અમેરિકાને પણ ગાંઠતા નથી.

જેમ કે, અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટનને મ્હાત આપવા ટ્રમ્પની ટીમે ફેસબૂકનો આક્રમક ઉપયોગ કર્યો હતો. અમેરિકન મીડિયાએ તો ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પછી કેટલાક અહેવાલો ટાંકીને એવો પણ દાવો કર્યો હતો કે, ટ્રમ્પની તરફેણમાં અમેરિકન મતદારોને રીઝવવા અને હિલેરી ક્લિન્ટનને વધુમાં વધુ બદનામ કરવા રશિયન પ્રમુખ પુતિને પણ સક્રિય ભાગ ભજવ્યો હતો. આ પ્રકારના સમાચારો ફેલાવવા ટ્રમ્પ અને પુતિને ફેસબૂકનો પણ મોટા પાયે ઉપયોગ કર્યો હતો. અમેરિકન લોકશાહી માટે આઘાતજનક સમાચાર હતા. આટલું ઓછું હોય તેમ એવું પણ બહાર આવ્યું કે, અમેરિકન પ્રમુખપદની ચૂંટણી વખતે એક રશિયન કંપનીએ અસંખ્ય જાહેરાતો આપી હતી અને એ બધી જ ફેક ફેસબૂક એકાઉન્ટ સાથે જોડાયેલી હતી. આ જાહેરાતોએ અમેરિકન મતદારોનું માનસ પ્રભાવિત કર્યું હતું. આ આક્ષેપો પછી ફેસબૂકે અમેરિકન ચૂંટણી વખતે રશિયન કંપનીએ આપેલી ઓનલાઈન જાહેરખબરોની વિગતોનો સંપૂર્ણ અહેવાલ અમેરિકન કોંગ્રેસને સોંપવો પડ્યો હતો, પરંતુ એ દિશામાં રહસ્યમય રીતે ઢીલી તપાસ થઈ રહી છે. રશિયા સાથે મળીને કરાયેલા આ કથિત કૌભાંડની તપાસ કરવાની અમેરિકામાં હજુયે માંગ થઈ રહી છે.

વેલ, ચૂંટણીઓમાં ફેસબૂક પર ફેલાવાતા ફેક ન્યૂઝ મુદ્દે ઝકરબર્ગ અનેક નિવેદનો કરી ચૂક્યા છે અને જાહેરમાં માફી પણ માગી ચૂક્યા છે. રાજકીય જાહેરખબરોમાં વધુ પારદર્શકતા લાવવા ઝકરબર્ગે નવી ફેસબૂક પોલિસી પણ જાહેર કરી છે, પરંતુ ફેક ન્યૂઝ રોકવા માટે ફેસબૂકે કદાચ બહુ મોટી આવક ગુમાવવી પડે એમ છે. એ માટે ઝકરબર્ગ કોઈ કાળે તૈયાર ના થાય. તો ફેક ન્યૂઝની અસર ઓછી કરવાનો ઉપાય શું?

ફેસબૂક જ ને. બીજું શું? 

નોંધઃ આ રેફરન્સ ધરાવતા બીજા લેખો વાંચવા નીચેના લેબલ્સ પર ક્લિક કરો... 

02 January, 2017

રાઉડી રશિયા, અવળચંડુ અમેરિકા


રશિયાએ હેકિંગ કરીને ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી જીતાડવામાં મદદ કરી હતી એ પ્રકારના સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)ના અહેવાલનો વિવાદ વધુને વધુ રહસ્યમય બની રહ્યો છે. શું રશિયાના મસ્ક્યુલર પ્રમુખ વ્લાદિમિર પુતિને રશિયન ઈન્ટેલિજન્સ સિસ્ટમ એટલી મજબૂત કરી દીધી છે કે, તેઓ અમેરિકા જેવા અભેદ્ય દેશમાં હેકિંગ કરીને પ્રમુખપદની ચૂંટણીના પરિણામો પર અસર પાડી શકે? અમેરિકન જાસૂસી સંસ્થા સીઆઈએએ દાવો કર્યો છે કે, અમેરિકન પ્રમુખપદની ચૂંટણી રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ જીતે એ માટે પુતિને અંગત રસ લીધો હતો. રશિયન હેકિંગના અમારી પાસે મજબૂત પુરાવા છે. રશિયાએ હિલેરી ક્લિન્ટનના ઈ-મેઇલ હેક કરીને વિકિલિક્સને સોંપી દીધા હતા, જે જાહેર થઈ જવાથી ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિન્ટન વિરુદ્ધ જોરદાર હવા ઊભી થઈ હતી.  

જોકે, સીઆઈએ જેને મજબૂત પુરાવા કહી રહ્યું છે એ હજુયે વિવાદાસ્પદ છે. આમ છતાં, સીઆઈએએ  યુએસ કોંગ્રેસને અહેવાલ સુપરત કર્યા પછી અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ જગત જમાદારની અદામાં કહ્યું છે કે, “વી નીડ ટુ ટેક એક્શન, એન્ડ વી વિલ.સીઆઈએના જે અહેવાલના આધારે ઓબામા રશિયા સામે પગલાં લેવાની વાત કરે છે, એવા અહેવાલો સીઆઈએ દર છ મહિને યુએસ કોંગ્રેસમાં રજૂ કરે છે. ઓબામાના નિવેદન પછી વિકિલિક્સ ફેમ જુલિયન અસાંજેએ પણ ઓબામાને ચોપડાવી છે કે, જો રશિયાએ અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં હેકિંગ કર્યું હોય તો પુરાવા આપો અને એ પુરાવા વિકિલિક્સ પર અપલોડ કરો, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય!

નવેમ્બર ર00૮માં રશિયન ઈન્ટેલિજન્સ એજન્સીની મુલાકાત વખતે પિસ્તોલ ટેસ્ટ કરતા પુતિન  

ખરેખર વાત એમ છે કે, અમેરિકાના પગ તળે રેલો આવ્યો એટલે તેઓ રશિયન હેકિંગને લઈને આટલી કાગારોળ મચાવી રહ્યા છે. રશિયાએ હેકિંગ કરીને ટ્રમ્પને જીતાડવામાં મદદ કરી હતી કે નહીં, અને કરી હતી તો તેની ચૂંટણીના પરિણામો પર શું અસર થઈ એ અમેરિકા માટે મહત્ત્વનો મુદ્દો છે, દુનિયા માટે નહીં. આ એજ અમેરિકા છે, જેમણે સીઆઈએની મદદથી દુનિયાના અનેક દેશોની ચૂંટણીના પરિણામો બદલવાનો પ્રયાસ કર્યો છે. ચૂંટણીઓ તો ઠીક, નાના-મોટા દેશને ડરાવવા, ધમકાવવા અને આક્રમણો કરવા પણ અમેરિકાએ સીઆઈએના અમેરિકન કોંગ્રેસે જ તૈયાર કરાવેલાઅહેવાલોનો બેફામ ઉપયોગ કર્યો છે. એટલે જ રશિયાએ હેકિંગ કરીને ટ્રમ્પને જીતાડવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા એવા સીઆઈએના અહેવાલ પછી ટ્રમ્પે જબરદસ્ત વનલાઈનર ફટકારતા કહ્યું હતું કે, આ એજ સીઆઈએ છે, જેણે ઈરાકમાં સદ્દામ હુસૈન પાસે સામૂહિક સંહારના બાયોલોજિકલ શસ્ત્રો હોવાનો અહેવાલ આપ્યો હતો...

અત્યારે દુનિયાભરમાં ચંચુપાત કરવાની પરંપરાનું પોસ્ટર બોય અમેરિકા છે. અમેરિકાએ છુપાઈને નહીં, પણ પોતાની વિદેશ નીતિના ભાગરૂપે જ બીજા દેશની ચૂંટણીઓ પર પ્રભાવ પાડવાનો પ્રયાસ કરે છે. દ્વિતિય વિશ્વ યુદ્ધ પછી અમેરિકાએ સાત દેશની સરકાર ઉથલાવવા માટે સીઆઈએનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. ઈરાન અમેરિકાનું પરંપરાગત દુશ્મન ગણાય છે. આ જ કારણસર વર્ષ ૧૯૫૩માં અમેરિકાએ બ્રિટન સાથે મળીને ઈરાનના લોકશાહી રીતે ચૂંટાયેલા વડાપ્રધાન મોહમ્મદ મોસદેહની સરકાર ઉથલાવી દીધી હતી. મોસદેહનો વાંક ફક્ત એટલો જ હતો કે, તેઓ બ્રિટીશ એંગ્લો-ઈરાનિયન ઓઈલનામની કંપનીનું રાષ્ટ્રીયકરણ  કર્યું હતું. બ્રિટન સ્વભાવિક રીતે કંપની પર સ્થાનિક સરકારનો કાબૂ નહોતુ ઈચ્છતું. એટલે બ્રિટને અમેરિકન પ્રમુખ  ડ્વાઈટ આઈઝનહોવરની મદદથી ઈરાનમાં બળવો કરાવ્યો હતો. આજે એ કંપની બ્રિટીશ પેટ્રોલિયમ (બીપી) તરીકે દુનિયાભરમાં જાણીતી છે.

હિલેરી ક્લિન્ટનના ઈ-મેઇલ હેક કરીને જાહેર કરી દેવાથી ટ્રમ્પને જીતવામાં મદદ મળી? આ સવાલનો જવાબ કદાચ ક્યારેય ના મળી શકે, પરંતુ ઈરાનમાં બળવો કરાવીને સીઆઈએએ કેવી રીતે મોસદેહને ઉથલાવી દીધા હતા એના પુરાવા મોજુદ છે. સીઆઈએ પાસે આજે પણ એ અહેવાલ સચવાયેલો છે, જેનું શીર્ષક છે : કેમ્પેઇન ટુ ઈન્સ્ટૉલ એ પ્રો-વેસ્ટર્ન ગવર્મેન્ટ ઈન ઈરાન.આ અહેવાલમાં એવી પણ સ્પષ્ટતા કરાઈ છે કે, અમારા અભિયાનો હેતુ બિલકુલ કાયદેસરનો હતો તેમજ મોસદેહને સત્તા પરથી ઉથલાવીને પશ્ચિમ તરફી ઉમેદવારને સત્તા સોંપવાની પદ્ધતિ બિલકુલ યોગ્ય જ હતી...

બ્રિટન માનતું હતું કે, બ્રિટીશ એંગ્લો-ઈરાનિયન ઓઈલકંપનીનું રાષ્ટ્રીયકરણ થવાથી આપણને વ્યૂહાત્મક અને આર્થિક દૃષ્ટિએ નુકસાન થશે, પરંતુ અમેરિકાને આ મુદ્દે ન્હાવા નીચોવાનો ય સંબંધ ન હતો. આમ છતાં, આઈઝનહોવરે બ્રિટન સાથેની દોસ્તી નિભાવવા સીઆઈએને કામે લગાડીને ઈરાનની સત્તા ઉથલાવી દીધી. એ પછી અમેરિકા-બ્રિટને પશ્ચિમી દેશોના પીઠ્ઠુ ફઝુલ્લા ઝાહેદીને વડાપ્રધાન બનાવી દીધા. આ દરમિયાન ઈરાનના રાજા તરીકે અમેરિકા અને બ્રિટનની કઠપૂતળી એવા મોહમ્મદ રેઝા પાહલવીનું શાસન હતું. અમેરિકા ભારત સહિત અનેક દેશોમાં માનવાધિકાર ભંગની ચિંતા કરે છે, પરંતુ પાહલવીનો માનવાધિકાર રેકોર્ડ કેટલો લોહિયાળ છે, એ વાત અમેરિકા અને બ્રિટન સિફતપૂર્વક ભૂલી ગયા હતા. પાહલવીની દમનકારી નીતિઓના કારણે જ ઈરાનની પ્રજાએ બળવો કરીને ૧૧મી ફેબ્રુઆરી, ૧૯૭૯ના રોજ ઈરાનના શાહમોહમ્મદ રેઝા પાહલવીનું શાસન ફગાવી દીધું હતું.

આ સિવાય પણ અનેક દેશો છે, જેના સાર્વભૌમત્વ સાથે અમેરિકા ખુલ્લેઆમ ચેડાં કરી ચૂક્યું છે. ૧૯૫૪માં ગ્વાટેમાલામાં, ૧૯૬૦માં કોંગોમાં, ૧૯૬૧માં ડોમિનિકન રિપબ્લિકમાં, ૧૯૬૩માં દક્ષિણ વિયેતનામમાં, ૧૯૬૪માં બ્રાઝિલમાં અને ૧૯૭૩માં ચિલીમાં સત્તાઓ ઉથલાવી ચૂક્યું છે. આ બધું તો ઈન્ટેલિજન્સની મદદથી કરાયું છે, પરંતુ વિયેતનામ, ઈરાક અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં તો અમેરિકાએ સીધી લશ્કરની મદદથી જ ચંચુપાત કરી છે. પોતાની કઠપૂતળી નહીં બનનારા અનેક દેશના નેતાઓની હત્યા કરાવવામાં પણ અમેરિકાએ સીઆઈએનો બેફામ ઉપયોગ કર્યો છે. હાલમાં જ અવસાન પામનારા ક્યુબાના નેતા ફિડેલ કાસ્ટ્રોની હત્યા કરાવવા સીઆઈએએ ૬૩૮ વખત પ્રયાસ કર્યા હતા. આ પ્રકારના કાવતરા પાર પાડતી વખતે સીઆઈએ ગુનેગારો, માફિયા અને વધારે શેતાન નેતાઓનો સાથ લેતા ખચકાતું નથી.

ભારતમાં ડેવિડ કોલમેન હેડલીના તમામ ઓપરેશનોની અમેરિકાની દેખરેખ હેઠળ જ થયા હતા. એટલું જ નહીં, અમેરિકાએ જ ઓસામા બિન લાદેનને શોધવાની લાલચમાં હેડલીને ભારત આવવા દીધો હતો. ભારત વિરોધી ખૂંખાર આતંકવાદી સંગઠને લશ્કર એ તૈયબાનો વિશ્વાસ જીતવા હેડલીએ તેમને મુંબઈની તાજ હોટેલ પર હુમલામાં પણ મદદ કરી હતી. સીઆઈએના કેટલાક અધિકારીઓ આ વાત સારી રીતે જાણતા હતા, પરંતુ લાદેનને પકડવાની કે ઠાર મારવાની લાલચમાં તેમણે હેડલીને મોટોથવા દીધો હતો. ટૂંકમાં, અમેરિકાએ લાદેનની લાલચમાં મુંબઈનો ભોગ લીધો હતો. આ ગપગોળા કે અનુમાનો નથી, પરંતુ એડ્રિયન લેવી અને કેથરિન સ્કોટ ક્લાર્ક નામના લેખક દંપત્તિએ ‘ધ સિજ: ૬૮ અવર્સ ઈનસાઈડ ધ તાજહોટેલ’ નામના પુસ્તકમાં મજબૂત પુરાવા આપીને કરેલો ઘટસ્ફોટ છે.

અમેરિકાએ રશિયાને ઠેકાણે પાડવા લાદેનનો ‘ઉછેર’ કર્યો અને લાદેનને મારવા હેડલીને મોટો થવા દીધો. ત્યાર બાદ લાદેન નામની ઘટનાનો કેવી રીતે અંત આવ્યો એ આપણે સારી રીતે જાણીએ છીએ. રસપ્રદ વાત એ છે કે, એક સમયે અમેરિકાએ ઈરાકમાં સદ્દામ હુસૈનને યોગ્ય રીતે વિકસવાદીધો હતો કારણ કે, સદ્દામના હરીફ એવા અબ્દેલ કરીમ કાસી નામનો ઈરાકી નેતા અમેરિકા અને બીજા પશ્ચિમી દેશો માટે વધારે મોટો ખતરો હતા. એવું નથી કે, આ અમેરિકા અને ઈસ્લામિક દેશો સામેની લડાઈ છે. આ લડાઈ અમેરિકા-યુરોપ વિરુદ્ધ આફ્રિકા-એશિયાની પણ નથી. આ સ્વાર્થની લડાઈ છે. અનેક ઈસ્લામિક દેશો તેમજ આફ્રિકન-એશિયન દેશો પણ અમેરિકા સાથેના આવા અનેક પાપમાં પૂરતી ભાગીદારી ધરાવે છે.

વર્ષ ૨૦૧૪માં રશિયાએ યુક્રેનના ઓટોનોમસ રિપબ્લિક ઓફ ક્રિમીઆ નામના વિસ્તાર પર કબજો કરી લીધો હતો, પરંતુ યુક્રેનના લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રમુખ વિક્ટર યાનુકોવિચ અત્યારે રશિયાની સાથે છે. રશિયાનું કહેવું છે કેયુક્રેનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા યાનુકોવિચે જ અમને વિનંતી કરી હતી... બોલો, ટૂંકમાં યાનુકોવિચ રશિયાની કઠપૂતળી છે, પરંતુ અમેરિકાની ‘સ્ટોરી હવે શરૂ થાય છે. યાનુકોવિચની સત્તા ઉથલાવવા અમેરિકા હિટલરના સમર્થક એવા નાઝીઓને મદદ કરી રહ્યું હતું. જો નાઝી વિચારધારા ધરાવતો પક્ષ ફરી ઊભો થાય તો તેના શું પરિણામો આવે એવું કશું જ વિચાર્યા વિના અમેરિકાએ આ કારસ્તાન કરી રહ્યું હતું. ફક્ત સ્વાર્થ ખાતર. આજેય દુનિયાના ૩૫ દેશ એવા છે, જેના કટ્ટરવાદી વિચારકો, ડ્રગ માફિયા અને આતંકવાદી સંગઠનોને અમેરિકા ભરપૂર મદદ કરે છે. (એની વિગતે ચર્ચા ફરી ક્યારેક).

રશિયનો હેકિંગ કરી ગયા એનાથી પણ વધારે અમેરિકાને એ વાત ખૂંચી રહી છે કે, રશિયા ફરી એકવાર સુપરપાવર જેવું વર્તન કરી રહ્યું છે. રશિયા સીરિયાથી લઈને યુક્રેન સુધી રાઉડીની જેમ વર્તી રહ્યું છે, પણ અવળચંડા અમેરિકાને એ મંજૂર નથી. અમેરિકાને ડર છે કે, સુપરપાવરની દોડમાંથી ફેંકાઈ ગયેલા રશિયાને સોવિયેત યુનિયન યુગનું ગૌરવ પાછું અપાવવામાં પુતિન સફળ થઈ જશે તો?

23 December, 2015

રશિયા નામના અજગરની શીતનિદ્રા પૂરી થઈ ગઈ છે?


જે સજીવો વાતાવરણ અનુકૂળ ના થાય ત્યાં સુધી બિલકુલ નિષ્ક્રિય થઈને સુષુપ્તાવસ્થામાં જતા રહે એ સ્થિતિને હાઈબરનેશન પીરિયડ એટલે કે શીતનિદ્રા કાળ કહે છે. સોવિયત યુનિયનથી લઈને અત્યારના રશિયાનું સરવૈયું જોતા એવું લાગે છે કે, લાંબી શીતનિદ્રા ભોગવ્યા પછી રશિયા ફરી એકવાર સક્રિય થઈ રહ્યું છે. સોવિયત યુનિયનના ભાગલા અને એ પછી સુપરપાવરની દોડમાંથી ફેંકાઈ ગયાનું અપમાન સહન કરી ચૂકેલા રશિયાની ઈસ્લામિક સ્ટેટ સામેની આક્રમક કાર્યવાહી દર્શાવે છે કે, રશિયાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાની બરાબરી કરી પોતાનું વજન વધારવાની ચાનક ચઢી છે. આ સ્થિતિ રશિયાના જૂના મિત્ર ભારત માટે પણ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની છે કારણ કે, વાજપેઈ કાળથી ભારતે રશિયા સાથેના સંબંધો જાળવી રાખીને અમેરિકા સાથે પણ એક નવો અધ્યાય લખવાની શરૂઆત કરી દીધી હતી. ભારત-રશિયાના ઊંડા વ્યૂહાત્મક સંબંધોના કારણે જ અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો છેક નેવુંના દાયકા સુધી વધારે મજબૂતહતા. છેલ્લાં ત્રણ દાયકામાં આ ચારેય દેશો વચ્ચેના સંબંધોમાં આહિસ્તા આહિસ્તા જે બદલાવ આવ્યો છે એ ખૂબ જ રસપ્રદ છે.

હવેના યુદ્ધો હથિયારોની સાથે વ્યૂહાત્મક નીતિઓ અને વેપારી નીતિઓથી પણ લડાઈ રહ્યા છે. ૨૧મી સદીમાં એક ગોળી છોડ્યા વિના પણ કોઈ દેશની ખાનાખરાબી કરવાના સંજોગો ઊભા કરી શકાય છે. હજુ થોડા સમય પહેલાં જ રશિયાએ આવો જ માર ખાધો હોવાથી ઈસ્લામિક સ્ટેટ સામેની લડાઈ અત્યંત આક્રમકતાથી લડી રહ્યું છે. આ વાત ટૂંકમાં સમજીએ. વર્ષ ૨૦૧૪ના અંતમાં રશિયાનો રૂબલ સતત ધોવાઈ રહ્યો હતો. એવું લાગતું હતું કે, રશિયાના હાલ સોવિયત યુનિયન જેવા થશે. રૂબલનું ધોવાણ થવાનું એકમાત્ર કારણ ક્રૂડ ઓઈલના સતત નીચા જઈ રહેલા ભાવ હતા. ક્રૂડનું અર્થતંત્ર અત્યંત જટિલ છે. ક્રૂડના ભાવ નીચા જાય ત્યારે ભારત જેવા ક્રૂડની જંગી આયાત કરતા દેશને ફાયદો થાય છે પણ રશિયા જેવા અનેક દેશોનું અર્થતંત્ર ડામાડોળ થઈ જાય છે. જે ખાડી દેશોનું અર્થતંત્ર જ ક્રૂડ પર નિર્ભર છે ત્યાં ક્રૂડનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું હોવાથી ક્રૂડના ભાવ ઘટી રહ્યા હતા. આમ છતાં, અમેરિકાએ ફક્ત રશિયાનું અર્થતંત્ર ડામાડોળ કરવા પોતે પણ ક્રૂડનું જંગી ઉત્પાદન ચાલુ રાખ્યું, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધારે ઘટે અને રશિયાની સ્થિતિ વધારે ખરાબ થાય. ક્રૂડનું ઉત્પાદન કરવા અમેરિકાને ખાસ કોઈ આર્થિક નુકસાન નહોતું જતું. એને ફક્ત રશિયાને હેરાન કરવામાં રસ હતો.

વ્લાદિમીર પુતિન

હવે મહત્ત્વનો સવાલ એ છે કે, અમેરિકાને અચાનક રશિયા સામે શું વાંધો પડ્યો? વાત એમ હતી કેયુક્રેનની પૂર્વ અને ઉ. પૂર્વીય સરહદે રશિયા છે, જ્યારે દક્ષિણ પૂર્વે ઓટોનોમસ રિપબ્લિક ઓફ ક્રિમિયા છે. સોવિયત યુનિયનના પ્રમુખ નિકિતા ખુશ્ચોવે વર્ષ ૧૯૫૪માં કેટલાક કરારો કરીને ક્રિમિયાનો હવાલો યુક્રેનને સોંપી દીધો હતો. હાલના ક્રિમિયામાં ૫૮ ટકાથી વધારે વસતી રશિયનોની છે અને બાકીની પ્રજામાં યુક્રેનિયનો સહિતની લઘુમતીઓનો સમાવેશ થાય છે. આ લઘુમતીઓને સતત રશિયનોની દાદાગીરી સહન કરવી પડે છે. અહીં મોટા ભાગના રશિયનો ક્રિમિયાને આજેય રશિયાનો હિસ્સો મનાવવા આતુર છે. ક્રિમિયાના રશિયન સમર્થકો અને યુક્રેન સાથે જ જોડાઈ રહેવા માગતા લોકો વચ્ચે અહીં સંઘર્ષ ચાલતો રહે છે. આ સંઘર્ષ વખતે રશિયા રશિયનોની સુરક્ષાનું બહાનું આગળ ધરીને લશ્કરી કાર્યવાહી કરતું રહે છે. ફેબ્રુઆરી-માર્ચ ૨૦૧૪માં તો રશિયાએ આવા બહાના આગળ ધરીને આખેઆખા ક્રિમિયા પર જ કબજો કરી લીધો. એટલું જ નહીં, રશિયન સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે યુક્રેનમાં પણ લશ્કર ખડકી દીધું. રશિયાનું કહેવું હતું કે, અમને યુક્રેનના પ્રમુખે જ તેમના દેશની કાયદો અને વ્યવસ્થા સ્થિતિ જાળવવા વિનંતી કરી છે...

આ વાત જગત જમાદાર અમેરિકા અને યુરોપિયન દેશોથી સહન ના થઈ અને તેણે મિત્રરાષ્ટ્રો સાથે મળીને રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદી દીધા. અમેરિકા સ્પષ્ટપણે માને છે કે, વિશ્વના દરેક દેશમાં લોકશાહી, માનવાધિકાર અને વાણી સ્વાતંત્ર્ય જેવા મૂલ્યોની રક્ષા કરવાનો 'હિંસક' અધિકાર ફક્ત તેને જ છે. યુક્રેન મુદ્દે રશિયાએ અમેરિકાના અહંકાર પર ઘા કર્યો હતો. એટલે અમેરિકાએ પણ ક્રૂડ ઓઈલ અર્થતંત્રના આટાપાટાનો લાભ લઈને રશિયાને થોડો સમય ધૂળ ચાટતું કરી દીધું હતું. એ અપમાન સહન કર્યા પછી રશિયાએ લાલઘૂમ થઈને ક્રૂડ ઓઈલના ભાવ સતત નીચા જવા બદલ અમેરિકાને ખુલ્લેઆમ જવાબદાર પણ ઠેરવ્યું હતું. આ દરમિયાન એવા યોગાનુયોગ સર્જાયા કે, રશિયા નામના અજગરને આળસ ખંખેરવાની બહુ મોટી તક મળી ગઈ. સૌથી પહેલી ઘટના રશિયાનું ઈજિપ્તથી સેન્ટ પિટ્સબર્ગ જઈ રહેલું પ્લેન ઈસ્લામિક સ્ટેટે તોડી પાડ્યું એ હતી. આ પ્લેન પોતે જ ફૂંકી માર્યું છે એવો ઈસ્લામિક સ્ટેટે દાવો પણ કર્યો, જે આડેધડ હુમલા કરવા રશિયા માટે બહુ મહત્ત્વનો હતો. બીજી ઘટના હતી પેરિસ પર થયેલો આતંકવાદી હુમલો, જ્યારે ત્રીજી અને સૌથી મહત્ત્વની વાત ઈસ્લામિક સ્ટેટનો ગઢ સીરિયા છે, એ હતી.

ઈરાન અને સીરિયા છેલ્લાં ઘણાં સમયથી અમેરિકાની નીતિઓના વિરોધી રહ્યા છે. આ તકનો લાભ લઈને રશિયાએ બહુ વર્ષો પહેલાં આ બંને દેશો સાથે મજબૂત દોસ્તી કરી લીધી હતી. આ સ્થિતિ રશિયા માટે 'ભાવતું હતું અને વૈદે કહ્યું' સમાન હતી. હવે રશિયા સીરિયાના પ્રમુખ બશર અલ અસદની મંજૂરીથી ઈસ્લામિક સ્ટેટના અડ્ડા ધમરોળી રહ્યું છે. આ વાત અમેરિકા અને યુરોપિયન દેશોને ખૂંચે છે પણ પેરિસ હુમલા પછી ઈસ્લામિક સ્ટેટ એટલે કે આતંકવાદ સામેની લડાઈમાં અજાણતા જ એક નવી ધરી સર્જાઈ હોવાથી અમેરિકા સહિતના દેશો રશિયાનો સજ્જડ વિરોધ કરી શકતા નથી. રશિયા અત્યાધુનિક એરક્રાફ્ટથી ઈસ્લામિક સ્ટેટ પ્રભાવિત વિસ્તારોમાં હવાઈ હુમલા કરી રહ્યું છે. એટલું જ નહીં, રશિયાએ ભૂમધ્ય મહાસાગરમાં સબમરિન ખડકીને મિસાઈલો પણ ઝીંકી રહ્યું છે. અમેરિકા અને યુરોપના કેટલાક દેશો કોરસ ગાન કરી રહ્યા છે કે, રશિયા ઈસ્લામિક સ્ટેટનો ખાત્મો બોલાવવાના નામે સીરિયન પ્રમુખના વિરોધીઓને પણ ખતમ કરી રહ્યું છે. રશિયા તેના અત્યાધુનિક હથિયારો પશ્ચિમને બતાવવા આવા હુમલા કરી રહ્યું છે...

જોકે, આ બધા આરોપો વચ્ચે દ્વિતિય વિશ્વયુદ્ધ પછી પહેલીવાર વિશ્વમાં અત્યાધુનિક હથિયારોનો આટલા મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. ઈસ્લામિક સ્ટેટ સામેની કાર્યવાહીમાં રશિયાએ સમજી વિચારીને ગેંગલીડરની ભૂમિકા અપનાવી છે. સીરિયામાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ હોવાથી ખરેખર શું રંધાઈ રહ્યું છે એ પણ અમેરિકા અને યુરોપિયન દેશો કળી શકતા નથી. આમ, ઈસ્લામિક સ્ટેટ સામેની અત્યંત આક્રમક લડાઈના મૂળમાં યુક્રેન કટોકટી વખતે જે પલિતો ચંપાયો હતો એ પણ જવાબદાર છે. ઈસ્લામિક સ્ટેટનો ખાત્મો કરવા નીકળેલા રશિયન જેટને તૂર્કીએ તોડી પાડ્યું ત્યારે પણ રશિયાનું વલણ 'સુપરપાવર' જેવું હતું. રશિયાએ કહ્યું હતું કે, અમે કોઈ પણ સંજોગોમાં 'આ કૃત્ય કરનારાને' માફ નહીં કરીએ...

બીજી તરફ, અમેરિકાના તમામ વિરોધી અને મિત્ર રાષ્ટ્રો સાથે પણ રશિયા વ્યૂહાત્મક સંબંધ આગળ વધારી રહ્યું છે. ઈસ્લામિક સ્ટેટ સામે યુદ્ધ છેડતા પહેલાં રશિયા અણુ ઊર્જા આધારિત યોજના પૂરી કરવામાં ઈરાનને મદદ કરી ચૂક્યું હતું. એ પહેલાં આખા મધ્ય પૂર્વમાં અણુ ઊર્જા આધારિત પ્લાન્ટ ન હતો. ઈરાન સામેના અમેરિકાના આર્થિક પ્રતિબંધોનો રશિયા સતત વિરોધ કરે છે. ઈરાન, સીરિયા અમેરિકા પાસેથી નહીં પણ રશિયા પાસેથી શસ્ત્રો ખરીદી રહ્યા છે. રશિયાએ ચીન, જાપાન અને કોરિયા સાથેના સંબંધોમાં પણ નવી ઊંચાઈ હાંસલ કરી છે. ચીન-રશિયાએ ક્રૂડના વેપાર માટે સાઇબેરિયન ઓઈલ પાઈપલાઈન પ્રોજેક્ટ પૂરો કર્યો છે. રશિયાના સંબંધ ભારત સાથે પણ એવા જ છે, જેવા નહેરુકાળમાં હતા. આજેય સંરક્ષણથી લઈને અવકાશ ટેક્નોલોજીમાં ભારત-રશિયા પરસ્પર સહકાર આપી રહ્યા છે.

આ આખાય 'ફિલ્મી' ઘટનાક્રમોમાં સૌથી મહત્ત્વની ભૂમિકા રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનની છે. પુતિને રશિયન જાસૂસી સંસ્થા કેજીબીમાં ૧૬ વર્ષ કામ કર્યા પછી વર્ષ ૧૯૯૧માં રાજકારણમાં ઝંપલાવ્યું હતું. વર્ષ ૧૯૯૬માં પુતિને બોરિસ યેલત્સિન સાથે કામ શરૂ કર્યું હતું અને વર્ષ ૧૯૯૯માં યેલત્સિને અચાનક રાજીનામું આપતા તેઓ કાર્યકારી પ્રમુખ બન્યા હતા. પુતિને સ્થાનિક સ્તરે બધા જ બળવાખોરોને ચૂપ કરીને લોકપ્રિયતા પણ હાંસલ કરી છે. આજે તેઓ રશિયાનો પર્યાય બની ગયા છે. દર થોડા દિવસે વિશ્વભરના અખબારોમાં પુતિનના છરહરા બદનની તસવીરો છપાય છે, જેમાં તેઓ જુડોના દાવ ખેલતા, જંગલમાં રઝળપાટ કરતા કે આઈસ હોકી ખેલતા નજરે પડે છે.

પુતિનની છેલ્લાં બે દાયકાની વિદેશ નીતિ પરથી એવું અનુમાન લગાવી શકાય કે, કેજીબીના પૂર્વ જાસૂસ રશિયાને 'સોવિયેત યુનિયન કાળ'નું ગૌરવ પાછું અપાવવા આતુર છે. પુતિન રશિયાને સુપરપાવર બનાવીને અંકલ સેમને પછાડીને રશિયાના મહાન નેતાથઈ જવાની છુપી મહત્ત્વાકાંક્ષા સેવતા હોય તો પણ નવાઈ નહીં.

12 March, 2014

યુક્રેન કટોકટીઃ શીતયુદ્ધનો ડર અસ્થાને છે


યુક્રેનમાં સર્જાયેલા રાજકીય સંકટ વિશે ભારતે પહેલીવાર પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું છે કે, “રશિયાને ક્રિમીઆમાં રસ લેવાનો કાયદેસરનો હક્ક છે.” આ દરમિયાન ભારતે યુક્રેનમાં રહેતા પાંચેક હજાર ભારતીયો વિશે પણ ચિંતા વ્યક્ત કરી છે, પણ રશિયા મુદ્દે મગનું નામ મરી નથી પાડ્યું. યુક્રેનમાં વસતા પાંચ હજાર ભારતીયોમાં ચારેક હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રશિયન લશ્કરે યુક્રેનના ઓટોનોમસ રિપબ્લિક ઓફ ક્રિમીઆ નામના વિસ્તાર પર કબજો કર્યો ન હતો ત્યાં સુધી સરેરાશ ભારતીય યુક્રેન વિશે ખાસ કંઈ જાણતો ન હતો. રશિયાના આ લશ્કરી પગલાંથી અમેરિકા અને યુરોપના દેશોને આંચકો લાગ્યો છે અને ધારણા પ્રમાણે જ તેઓ લશ્કરી કાર્યવાહી અટકાવવા રશિયા પર દબાણ કરી રહ્યા છે. પશ્ચિમી દેશો રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો મૂકવાની ધમકી આપી રહ્યા છે પણ રશિયાનું વલણ જોતા એવું લાગે છે કે આ બધી વાતો રશિયાએ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી બહાર કાઢી નાંખી છે. આ સ્થિતિમાં વિશ્વમાં ફરી એકવાર શીતયુદ્ધના મંડાણ થશે એવી ગર્ભિત ચેતવણી ઉચ્ચારાઈ રહી છે.

જોકે, હાલના રશિયાની આર્થિક સ્થિતિ તેને અમેરિકા સામે શીતયુદ્ધમાં ઉતરવા દે એ અશક્ય છે. આ મુદ્દે વાત કરતા પહેલાં રશિયા અને યુક્રેન વચ્ચેની મુશ્કેલીની શરૂઆત કેવી રીતે થઈ એ જાણવું જરૂરી છે. યુક્રેનની પૂર્વ અને ઉત્તરપૂર્વીય સરહદો રશિયા સાથે વહેંચાયેલી છે, જ્યારે પશ્ચિમે બેલારુસ, પોલેન્ડ, સ્લોવેકિયા અને હંગેરી જેવા નાનકડા યુરોપિયન દેશો છે. યુક્રેનની દક્ષિણ-પૂર્વે ઓટોનોમસ રિપબ્લિક ઓફ ક્રિમીઆ નામનો વિસ્તાર છે. આ વિસ્તારમાં રશિયન લોકોની સુરક્ષાને લઈને રશિયા યુક્રેનની આંતરિક બાબતોમાં દખલગીરી કરે છે. ક્રિમીઆના કારણે રશિયા અને યુક્રેનના સંબંધો તણાવગ્રસ્ત રહે છે. ક્રિમીઆ પેનિન્સુલા (દ્વીપકલ્પ) તરીકે ઓળખાતો આ વિસ્તાર દરિયાઈ સરહદો પર મજબૂત વર્ચસ્વ રાખવા ભૌગોલિક રીતે ખૂબ જ મહત્ત્વનો છે. આ વિસ્તારમાંથી રશિયા ભૂમધ્ય સમુદ્ર, એટલાન્ટિક સમુદ્ર અને કાળો સમુદ્ર એમ ત્રણેય તરફ નજર રાખી શકે છે.

રશિયા, યુક્રેન અને ક્રિમીઆની સરહદો દર્શાવતો નકશો

વર્ષ 1954માં સોવિયેત સંઘના પ્રમુખ નિકિતા ખુશ્ચોવે કેટલાક કરારો હેઠળ ક્રિમીઆનો હવાલો યુક્રેનને સોંપી દીધો હતો. સોવિયેત સંઘના વિઘટન વખતે ક્રિમીઆમાં રશિયનોની બહુમતી હોવા છતાં એ વિસ્તાર યુક્રેનનો જ હિસ્સો રહ્યો. અત્યારે ક્રિમીઆમાં 58 ટકાથી વધુ વસતી રશિયનોની અને 25 ટકા વસતી યુક્રેનિયનોની છે, જ્યારે ક્રિમીઆના મૂળ ટાટાર લોકોની વસતી માંડ 12 ટકા છે. આ લઘુમતી પ્રજાને મોટે ભાગે રશિયનોની દાદાગીરી સહન કરવી પડે છે. આજે પણ ક્રિમીઆમાં રશિયનોનો બહુ મોટો વર્ગ ક્રિમીઆને રશિયાનો હિસ્સો ગણાવવા આતુર છે. વર્ષ 1944માં જોસેફ સ્ટાલિનના હુકમને પગલે લાખો ટાટારોએ ક્રિમીઆ છોડીને સામૂહિક રીતે મધ્ય એશિયા તરફ સ્થળાંતર કરવું પડ્યું હતું. આ દરમિયાન સોવિયેત સંઘના સમર્થકોએ ટાટારોની સામૂહિક હત્યા કરી હોવાનું કહેવાય છે. ક્રિમીઆમાં રશિયાના સમર્થકો અને યુક્રેન સાથે જોડાઈ રહેવા માગતા ક્રિમીઆના લોકો વચ્ચે નાનો-મોટો સંઘર્ષ ચાલતો રહે છે. આ વખતે પણ રશિયન સરકારે રશિયનોની સુરક્ષાનું બહાનું આગળ ધરીને ક્રિમીઆની આંતરિક બાબતોમાં દખલગીરી કરીને યુક્રેન સરકારને બાનમાં લેવાની કોશિષ કરી હતી.

રશિયાનું કહેવું છે કે, “યુક્રેનમાં શાંતિ અને કાયદાની વ્યવસ્થા જાળવી રાખવા માટે યુક્રેનના પ્રમુખ વિક્ટર યાનુકોવિચે જ અમને વિનંતી કરી હતી.” જે દેશનો વડાપ્રધાન પોતાના દેશના લશ્કર કે અનામત દળોની મદદ લેવાના બદલે પાડોશી દેશ જોડે લશ્કરી મદદ લે તેના પર શંકા થવી સ્વાભાવિક છે. આ કારણોસર જ વિક્ટર યાનુકોવિચ રશિયાની કઠપૂતળી છે એવું જાહેર થઈ ગયું અને તેમણે દેશ છોડીને ભાગી જવું પડ્યું છે. વિક્ટર યાનુકોવિચ હજુ પણ પોતાને યુક્રેનના કાયદેસરના પ્રમુખ ગણાવી રહ્યા છે અને તેમને રશિયાનું પણ સમર્થન છે. રશિયા હજુ પણ એક જ વાતનું રટણ કરી રહ્યું છે કે, યુક્રેનમાં જ્યાં સુધી રાજકીય સ્થિરતા નહીં સ્થપાય ત્યાં સુધી રશિયન દળો ત્યાં જ રહેશે.

એક સમયે રશિયાની જાસૂસી સંસ્થા કેજીબીના વડાનો હોદ્દો શોભાવી ચૂકેલા રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન સામ્રાજ્યવાદી નીતિઓના કારણે કુખ્યાત છે. રશિયા તો ઠીક પાડોશી દેશોમાં પણ પોતાને કટ્ટર રાષ્ટ્રવાદી અને સોવિયેત સંઘ વખતની ‘રશિયન ગ્લોરી’ના પુરસ્કર્તા તરીકે ઓળખાવામાં વ્લાદિમિર પુતિન બિલકુલ નાનમ નથી અનુભવતા. એકવાર તેમણે જાહેર મંચ પરથી જ કહ્યું હતું કે, સોવિયેત સંઘ વખતના જે દેશો રશિયા સાથે જોડાવવા ઈચ્છતા હોય તેને પ્રોત્સાહિત કરવા એ રશિયાની ફરજ છે. નવાઈની વાત તો એ છે કે 16મી માર્ચ, 2014ના રોજ ક્રિમીઆએ એક રેફરન્ડમ (લોકમત)નું પણ આયોજન કરી દીધું છે, જે અંતર્ગત ક્રિમીઆએ રશિયન ફેડરેશનમાં જોડાવવું છે કે યુક્રેનનો જ હિસ્સો બન્યા રહેવું છે એ નિર્ણય કરવો પડશે.

વ્લાદિમિર પુતિન

રશિયા જેવો સામ્રાજ્યવાદી દેશ પાડોશી દેશ સાથે લશ્કરી કાર્યવાહી કરે અને અમેરિકા કે યુરોપિયન દેશોના પેટમાં તેલ ના રેડાય તો જ નવાઈ. અમેરિકાની સાથે બ્રિટન, ફ્રાંસ, જર્મની, ઈટાલી, પોલેન્ડ, કેનેડા અને યુરોપિયન દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાકાનૂન તોડવા બદલ રશિયન સરકારની ઝાટકણી કરી છે. પરંતુ ભારત અને ચીને સ્વાભાવિક રીતે જ રશિયાને ભાંડવાના બદલે યુક્રેનની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને રશિયાની લશ્કરી કાર્યવાહી મુદ્દે અસ્પષ્ટ નિવેદનો આપ્યા છે. અમેરિકાએ રશિયનોને વિઝા આપવા અંગે કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા છે, પરંતુ આર્થિક પ્રતિબંધો મૂકવાની ફક્ત ધમકીઓ અપાઈ રહી છે. અમેરિકા અને રશિયા વચ્ચે શીતયુદ્ધ થવાના એંધાણ હોય એમ અમેરિકા અને યુરોપના દેશો ભારતને રશિયા પ્રત્યે તેનું વલણ સ્પષ્ટ કરવાનું કહી રહ્યા છે, પરંતુ ભારતે લાંબા ગાળાનો વિચાર કરીને પોતાનું ‘અસ્પષ્ટ વલણ’ જાહેર કરી દીધું છે.

હાલના વૈશ્વિક સંજોગોમાં અમેરિકા અને રશિયા વચ્ચે શીતયુદ્ધનો ડર જ અસ્થાને છે, પણ ભારતે અમેરિકા કે રશિયા સાથેના વેપારી અને વ્યૂહાત્મક સંબંધો જાળવી રાખવા જરૂરી છે. આજના રશિયાનું અર્થતંત્ર શેરબજાર પર નિર્ભર છે. રશિયાનો વિકાસ દર આમ પણ ઘણો જ મંદ છે અને વ્લાદિમિર પુતિન સહિતના તમામ રશિયન નેતાઓ પર રશિયાને ફરી એકવાર બેઠું કરવાનું દબાણ છે. રશિયાએ યુક્રેનમાં કરેલી મિલિટરી કાર્યવાહીના કારણે આરટીએસ નામે ઓળખાતો રશિયન શેરબજારનો ઈન્ડેક્સ 12 ટકા જેટલો ગબડી ગયો હતો. આ આંક ગબડવાના કારણે રશિયાને 60 બિલિયન ડૉલર જેટલું નુકસાન થયું હતું, જેનું મૂલ્ય સોચી ઓલિમ્પિકમાં કરેલા ખર્ચ કરતા પણ વધારે ગણાય. અમેરિકાના વૉશિંગ્ટનસ્થિત આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે, આરટીએસમાં 12 ટકાનું જંગી ગાબડું પડ્યા પછી રશિયાએ યુક્રેનમાં મિલિટરી કાર્યવાહી પર કાબૂ રાખવા માટે મન મનાવી લીધું હોવાનું પણ કહેવાય છે.

સોવિયેત સંઘના યુગમાં શેરબજારની કોઈ પરવા કરાઈ ન હતી. સોવિયેત યુગની નિષ્ફળતા પાછળ તેના આર્થિક વિચારોની સંકુચિતતા પણ એક મોટું પરિબળ હતું. એ વખતની લડાઈ મૂડીવાદ વિરુદ્ધ સામ્યવાદની હતી, જ્યારે અત્યારે એવું નથી. રશિયાનો ઈતિહાસ કહે છે કે, સોવિયેત સંઘના તત્કાલીન પ્રમુખ મિખાઈલ ગોર્બાચોવ સોવિયેત અર્થશાસ્ત્રીઓથી પ્રભાવિત હતા અને તેમણે પણ ગોર્બાચોવને ચેતવણી આપી હતી કે, જો સોવિયેત સંઘમાં ખૂબ ઝડપથી આર્થિક સુધારાને વેગ આપવામાં નહીં આવે અને વૈશ્વિક અર્થતંત્ર સાથે કદમ મિલાવવામાં નહીં આવે તો સોવિયેત અર્થતંત્રનું કદ દક્ષિણ કોરિયા કરતા પણ નાનું થઈ જશે. વર્ષ 1917માં રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થઈ ત્યારથી શેરબજારોની હાલત કફોડી હતી, પણ વર્ષ 1990માં મિખાઈવ ગોર્બાચોવે મોસ્કોમાં પદ્ધતિસરના સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરીને વિદેશી મૂડીરોકાણ આકર્ષવાના પ્રયાસ શરૂ કર્યા હતા. સોવિયેત સંઘમાં વિશ્વ વેપારને લઈને પણ ખાસ કોઈ મુશ્કેલી ન હોવાથી અમેરિકા સાથેનું શીતયુદ્ધ પ્રમાણમાં સરળ હતું.

છેક વર્ષ 1985 સુધી રશિયાનો વિદેશી વેપાર કુલ ઘરેલુ ઉત્પાદનના માંડ ચાર ટકા જેટલો હતો અને એ વેપાર પણ પૂર્વીય યુરોપના નાના નાના સામ્યવાદી દેશો પૂરતો મર્યાદિત હતો. જ્યારે આજે રશિયાનું અર્થતંત્ર એવી અનેક મહાકાય કંપનીઓ પર નિર્ભર છે, જેના મોટા ભાગના શેર રશિયન ફેડરેશન પાસે છે અને આ કંપનીઓના શેરોનું ટ્રેડિંગ બ્રિટન, અમેરિકા અને જર્મની અને ફ્રાંસના શેરબજારોમાં થાય છે. રશિયાની ઊર્જા ક્ષેત્રની ગેઝપ્રોમ પણ આવી જ એક કંપની છે, જેના અડધાથી પણ વધારે શેરહોલ્ડર અમેરિકન છે. રશિયાની આવી અનેક કંપનીઓ અને બેંકો વૈશ્વિક અર્થતંત્ર સાથે જોડાયેલી છે. ફોર્બ્સની યાદી પ્રમાણે, આજે રશિયામાં 111 બિલિયોનેર છે, પણ સોવિયેત સંઘમાં આર્થિક રીતે આટલા મજબૂત લોકોની સંખ્યા જૂજ હતી. બિલિયોનેરોની સંખ્યાની દૃષ્ટિએ રશિયાનો ક્રમ અમેરિકા અને ચીન પછી ત્રીજો છે. અનેક રશિયન બિલિયોનેર વ્લાદિમિર પુતિન સાથે અંગત સંબંધ ધરાવે છે. અમેરિકાના વિઝા પ્રતિબંધોનું સૌથી વધુ નુકસાન આ લોકોને જ થઈ રહ્યું છે અને તેઓ તરફથી પણ પુતિન પર દબાણ ના આવે એવું શક્ય જ નથી.

આવી સ્થિતિમાં શીતયુદ્ધની કોઈ શક્યતા જ નથી. સોવિયેત સંઘ વખતે કદાચ વૈશ્વિક અર્થતંત્રનો મુદ્દો એટલું મહત્ત્વ ધરાવતો ન હતો, પરંતુ આજનું વિશ્વ ઘણું આગળ નીકળી ગયું છે. આજના યુદ્ધોમાં અર્થતંત્રનું તત્ત્વ સર્વોપરી છે અને વેપારી સંબંધો જાળવી રાખવા એ મોટા ભાગના દેશોની મજબૂરી છે. વળી, રશિયાની અડધાથી પણ વધારે નિકાસ યુરોપમાં થાય છે. આ નિકાસનો ત્રીજો ભાગ ઓઈલ અને ગેસનો છે, જેમાંથી રશિયા તગડી કમાણી કરે છે. જો યુરોપ રશિયા પાસેથી ઓઈલ કે ગેસ ખરીદવાનું બંધ કરી દે તો પણ રશિયાને 100 બિલિયન ડૉલરનું નુકસાન થઈ શકે છે અને આ નિર્ણય રશિયાના અર્થતંત્ર માટે જીવલેણ નીવડી શકે છે. યુક્રેન મુદ્દે જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કલે કહ્યું હતું એમ વ્લાદિમિર પુતિન કદાચ ‘બીજી દુનિયામાં જીવે’ છે, પણ એ વાતમાં કોઈ શંકા નથી કે, પુતિન યુક્રેન તરફના પોતાના વલણમાં કોઈ ફેરફાર ના કરે તો પણ અમેરિકા અને રશિયાનું શીતયુદ્ધ શરૂ થવાની કોઈ શક્યતા નથી.

13 February, 2014

ઈતિહાસનો સૌથી વિવાદાસ્પદ સોચી વિન્ટર ઓલિમ્પિક

રશિયાના સોચી શહેરમાં સાતમી ફેબ્રુઆરીથી શરૂ થયેલો વિન્ટર ઓલિમ્પિક ધારણા કરતા વધુ વિવાદાસ્પદ રહ્યો છે. સોચી શહેરમાં ઓલિમ્પિક શરૂ થવાનો હતો પહેલાં ભ્રષ્ટાચાર, સમલૈંગિક એથ્લેટના માનવાધિકારો, ઓલિમ્પિક દરમિયાન સમલૈંગિકોના અધિકારોની તરફેણ કરતા જૂથોની દેખાવ કરવાની ધમકી તેમજ રશિયા અને તેના પાડોશી દેશોના આતંકવાદી જૂથોની ધમકી જેવા કારણોસર પહેલેથી વિવાદમાં હતો. બધા વિવાદો વચ્ચે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને ખુલ્લા મૂકેલા ઓલિમ્પિક ઓપનિંગ સેરેમનીમાં થયેલા કેટલાક ગોટાળાંએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. જોકેઆંતરરાષ્ટ્રીય સંબંધોના જાણકારોએ તો ત્યાં સુધી કહી દીધું છે કે, રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને પોતાને પ્રોજેક્ટ કરવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે શક્તિ પ્રદર્શન કરવા ઓલિમ્પિક મંચનો દુરુપયોગ કર્યો છે.

વર્ષ 1991માં યુએસએસઆરનું વિભાજન થયું પછી રશિયામાં પહેલીવાર વિન્ટર ઓલિમ્પિક યોજાયો છે. વર્ષ 1980માં રશિયાના મોસ્કો શહેરમાં સમર ઓલિમ્પિકનું આયોજન કરાયું હતું. 23મી ફેબ્રુઆરીએ પૂરા થનારા 22માં વિન્ટર ઓલિમ્પિકમાં ફિગર સ્કેટિંગ, સ્કેટિંગ, સ્કિઇંગ અને સ્નો બોર્ડ જેવી કુલ 15 રમતોના 98 ઇવેન્ટ યોજાવાનું ચાલુ થઈ ગયું છે. સોચી વિન્ટર ઓલિમ્પિક પર પહેલેથી રાજકીય રંગ લાગી ગયો છે અને 23મી ફેબ્રુઆરીએ પૂર્ણાહુતિ સમારંભ યોજાશે ત્યાં સુધી તેની ગણના અત્યાર સુધીના સૌથીપોલિટિકલ ઓલિમ્પિકતરીકે થઈ ગઈ હશે. સોચી ઓલિમ્પિકની ગણના અત્યાર સુધીના સૌથી ખર્ચાળ ઓલિમ્પિક તરીકે પણ થાય છે. સોચી ઓલિમ્પિકનું શરૂઆતનું બજેટ 12 બિલિયન યુએસ ડૉલર હતું, પરંતુ ઓલિમ્પિકનો ખર્ચ વધીને 51 બિલિયન અમેરિકન ડૉલર થઈ ગયો છે. સોચી ઓલિમ્પિકે વર્ષ 2008ના બેજિંગનો ખર્ચ 44 બિલિયન યુએસ ડૉલર થયો હતો, જેનો રેકોર્ડ સોચી વિન્ટર ઓલિમ્પિકે તોડી નાંખ્યો છે.

સોચી વિન્ટર ઓલિમ્પિકનું ભવ્ય ઓલિમ્પિક વિલેજ

ઓપનિંગ સેરેમનીમાં કરાયેલી આતશબાજીનું એક દૃશ્ય  

સોચી ઓલિમ્પિકના આયોજકોએ દુનિયા સામે વટ પાડી દેવા માટે હાઈ-ફાઈ ઓલિમ્પિક વિલેજ, ટેલિકોમ્યુનિકેશન, વીજળી અને ટ્રાન્સપોર્ટેશન સહિતના માળખા પાછળ બેફામ ખર્ચ કર્યો છે. જોકે, હાઈફાઈ ઓપનિંગ સેરેમનીમાં સૌથી પહેલો ગોટાળો ઓલિમ્પિક રિંગને લઈને સર્જાયો હતો. સોચી ઓલિમ્પિકના આયોજકોએ એવું આયોજન કર્યું હતું કે, વિશ્વના પાંચ ખંડોનું પ્રતિનિધિત્વ કરતી ડિઝાઈનર ઓલિમ્પિક રિંગને ફાયરવર્ક્સની મદદથી સ્ટેજ લાવવામાં આવશે, જે ધીમે ધીમે મૂળ આકારમાં આવીને એકબીજા સાથે જોડાઈ જશે. પરંતુ તેમાંની એક રિંગ મૂળ આકારમાં આવતી નથી. વિશ્વ સામે વટ પાડી દેવા આતુર રશિયાનો ગંભીર છબરડો જોઈને ઓલિમ્પિક વિલેજમાં હાજર લોકો રીતસરના ડઘાઈ ગયા હતા. ઓપનિંગ સેરેમનીનું જીવંત પ્રસારણ કરતી રશિયાની સરકારી ચેનલરોસિયા-1’ છબરડાના ફૂટેજ કટ કરવા પડ્યા હતા. રશિયાએ કબૂલ્યું છે કે, સ્ટેજ મેનેજરે પાયરોટેક્નિક્સ (આતશબાજીથી કલા-કારીગરી બતાવવાની પદ્ધતિ) પરનો કમાન્ડ ગુમાવી દેવાના કારણે છબરડો થયો હતો.

ઉપરાંત ઓલિમ્પિક ટોર્ચ લઈને આવેલા લોકોમાં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા પર વંશીય ટિપ્પણી કરનારી ફિગર સ્કેટર એથ્લેટ ઈરિના રોડનિનાનો પણ સમાવેશ થતો હતો. ઈરિનાએ સપ્ટેમ્બર, 2013માં ટ્વિટર પર બરાક ઓબામા અને મિશેલ ઓબામાની એક મોર્ફ્ડ તસવીર અપલોડ કરી હતી. એવું કહેવાય છે કે, તસવીરમાંકેળાના ભૂખ્યાઓબામાની સરખામણી પ્રતીકાત્મક રીતે વાંદરા સાથે કરાઈ હતી. અંગે ટ્વિટર પર વિરોધ થતા રોડનિનાએ કહ્યું હતું કે, “ફ્રિડમ ઓફ સ્પિચ એટલે ફ્રિડમ ઓફ સ્પિચ, તમે તમારું સંભાળો.” એવી રીતે, રશિયામાં સમલૈંગિક વિરુદ્ધ કાયદો છે અને રશિયન પોલીસ સમલૈંગિકોના અધિકારો માટે લડતા દેખાવો કરતા લોકો સામે ખૂબ કડક હાથે કામ લે છે. રશિયન સરકારે રૂઢિચુસ્તોની ખફગી નહીં વ્હોરવાના આશયથી સમલૈંગિકો વિરુદ્ધ કાયદો બનાવ્યો છે વાત સોચી ઓલિમ્પિકમાં સાબિત થઈ ગઈ છે. કારણ કે, ઓલિમ્પિક ઓપનિંગ સેરેમનીમાં લિના કટિના અને જુલિયા વોલ્કોવાએનોટ ગોન્ના ગેટ યુએસનામનું ગીત હાથમાં હાથ પરોવીને ગાયું હતું. બંને ગાયિકાઓએ સ્ટેજ પર લેસ્બિયન હોવાનો અભિનય કરીને ગીત રજૂ કર્યું હતું.

ઓલિમ્પિક રિંગનો છબરડો 

ઓબામાના વિવાદાસ્પદ મોર્ફ્ડ પિક્ચરની ટ્વિટ

વિવાદાસ્પદ ટ્વિટ કરનારી ઈરિના રોડનિના
ઓપનિંગ સેરેમનીમાં વાંચન કરી રહેલા બ્રિટિશ ક્વિન

સોચી વિન્ટર ઓલિમ્પિક શરૂ થવાનો હતો એના ઘણાં સમય પહેલાંથી સમલૈંગિકોના હક્કો અને માનવાધિકારો મુદ્દે આંતરરાષ્ટ્રીય તખ્તા પર રાજકારણ રમાવાનું શરૂ થઈ ગયું હતું. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ સમલૈંગિકોના અધિકારો મુદ્દે સોચીમાં હાજરી આપવાનું ટાળીને ફક્ત એક પ્રતિનિધિમંડળ મોકલીને સંતોષ માન્યો હતો. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કલ અને બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરૂન સહિત વિશ્વના કેટલાક દેશોએ સોચીમાં કોઈને કોઈ કારણોસર હાજરી નહીં આપીને રશિયાને નીચું દેખાડવાનો પ્રયાસ કર્યો છે. બ્રિટનના પ્રિન્સેસ એને ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપી હતી, પરંતુ તેઓ સ્ટેજ પરના કાર્યક્રમનો આનંદ લેવાના બદલે પુસ્તક વાંચતા નજરે પડ્યા હતા. જોકે, સોચી ઓલિમ્પિકમાં યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી જનરલ બાન કી મૂન તેમજ ચીન, જાપાન સહિતના કુલ 66 દેશના વડાએ હાજરી આપી હતી.

સોચી વિન્ટર ઓલિમ્પિકમાં અનેક છબરડાં થયા તો થયા જ છે, એની સાથે ઓલિમ્પિક વિલેજમાં એથ્લેટ અને પત્રકારો માટેનું આયોજન પણ અત્યંત અણઘડ હતું. પરિણામે વિવિધ દેશોના એથ્લેટ અને પત્રકારોએ ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સની મદદથી જાતભાતના નિવેદનો અને પિક્ચર અપલોડ કરીને રશિયાની પરેશાનીમાં વધારો કર્યો છે. ઓલિમ્પિક વિલેજમાં અધૂરુ બાંધકામ કરાયેલી હોટેલો, સિંક લિકેજ, ઊભરાતી ગટરો, ખાણીપીણીમાં જીવડાંની ફરિયાદો કરી રહ્યા છે. પરંતુ સોચી વિન્ટર ઓલિમ્પિકના આયોજકો મોટા ભાગની હોટેલના રૂમમાં વ્લાદિમિર પુતિનની તસવીર મૂકવાનું નથી ભૂલ્યા. એવી રીતે, આંતરરાષ્ટ્રીય મીડિયા જૂથોના કેટલાક પત્રકારોના રૂમમાં પીવાનું પાણી અને ઈન્ટરનેટ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી. હોટેલ રૂમના સિંકમાં જે પાણી આવે છે તેનાથી મ્હોં નહીં ધોવાની હોટેલ મેનેજર સલાહ આપી રહ્યા છે. કારણ કે, તેમાં કોઈજોખમી રસાયણોહોઈ શકે છે. સોચી ઓલિમ્પિક વિલેજ સાફસૂથરું દેખાય માટે રખડતાં કૂતરાઓને ઝેર અપાયું છે, જેની ઓલિમ્પિક વિલેજમાં લાશો પડેલી દેખાઈ રહી છે. મુદ્દે આયોજકો એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટોનો પણ વિરોધ સહન કરી રહ્યા છે. રખડતા પશુઓને ઝેર આપવાની મંજૂરી ખુદ વ્લાદિમિર પુતિને આપી હોવાના અહેવાલોના કારણે પુતિન સામે પણ તેઓ રોષે ભરાયા છે.

મધમાં મધમાખીની ટ્વિટ 

એથ્લેટના રૂમમાં પુતિનની તસવીરો 

પુતિનની ગર્લફ્રેન્ડ  એલિના ટોર્ચબેરરની ભૂમિકામાં 

આવી ફરિયાદોથી સ્વાભાવિક રીતે ઉહાપોહ મચી ગયો છે. સીએનએન જેવા પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મીડિયા જૂથે પણ ફરિયાદ કરી છે કે, તેઓએ પાંચ મહિના પોતાના પત્રકારો માટે રૂમ બુક કરાવ્યા હોવા છતાં તેમને પ્રાથમિક સુવિધાઓ મળી નથી. રશિયન મીડિયાના મતે, તેમના દેશને વિશ્વ સમક્ષ નીચો દેખાડવા માટે પશ્ચિમી દેશોના પત્રકારો દરેક વાતને બઢાવી ચઢાવીને રજૂ કરી રહ્યા છે. રશિયાએ ખૂબ મહેનતથી ચાળીસ હજાર બેઠકો ધરાવતું સ્ટેડિયમ તૈયાર કર્યું છે. આટલું મોટું આયોજન કરાઈ રહ્યું હોય ત્યારે તે બિલકુલ ખામી ના રહે શક્ય નથી. રશિયન મીડિયાની વાતમાં સત્યનો અંશ જરૂર છે. વાતમાં કોઈ શંકા નથી કે અમેરિકા અને યુરોપના દેશો રશિયાને નીચું દેખાડવાના ભરપૂર પ્રયાસ કર્યા છે. પરંતુ સામે પક્ષે ઓલિમ્પિક જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના રમતગમત સમારંભમાં રશિયાએ ગોટાળાની હારમાળા સર્જીને બીજા દેશોને રાજકારણ ખેલવાની તક આપી છે.

પશ્ચિમી મીડિયાના સમાચારોથી ઉશ્કેરાઈને રશિયાના નાયબ વડાપ્રધાન દમિત્રિ કોઝાકે દલીલ કરી છે કે, અમારી પાસે હોટેલના રૂમમાં ભાંગફોડ કરાયાના સર્વેઇલન્સ ફૂટેજ છે. લોકો પાણીના નળ બંધ કર્યા વિના હોટેલ રૂમ છોડીને જતા રહે છે... ખેર, નાયબ વડાપ્રધાનની દલીલ પછીપ્રાઈવેસીમાટે અત્યંત સંવેદનશીલ અમેરિકન અને યુરોપિયનો ભડક્યા હતા. છેવટે દમિત્રિ કોઝાકના પ્રવક્તાએ વૉલ સ્ટ્રીટ જર્નલ સમક્ષ ફેરવી તોળ્યું હતું કે, “...નાયબ વડાપ્રધાનથી ભૂલથી બોલી ગયા છે. હોટેલ રૂમમાં અમે સર્વેઇલન્સ કેમેરા નથી લગાવ્યા.”

રશિયાએ ભવ્યાતિભવ્ય ઓપનિંગ સેરેમની યોજીને વિશ્વને કંઈક બતાવી દેવાનો પ્રયાસ જરૂર કર્યો છે, પણ આટઆટલા છબરડાં પછીય એ પ્રયાસ કઢંગો સાબિત થયો છે. યુરોપિયન મીડિયા પણ રશિયાને વિશ્વ સમક્ષ નીચું પાડવા સોચી વિન્ટર ઓલિમ્પિકની નાની ભૂલોને પણ બઢાવી-ચઢાવીને રજૂ કરી રહ્યું છે અને સોચી ઓલિમ્પિકનેપુતિન્સ ઓલિમ્પિકનું બિરુદ પણ આપી દીધું છે. ઓપનિંગ સેરેમની વખતે ટેનિસ ખેલાડી મારિયા શારાપોવા ઓલિમ્પિક ટોર્ચ લઈને સ્ટેડિયમમાં પ્રવેશે છે અને ભૂતપૂર્વ જિમ્નાસ્ટ એલિના કાબેએવાને સોંપે છે. એલિના એક સમયે પુતિનની ગર્લફ્રેન્ડ હતી હજુ તેઓ એલિના પ્રત્યે કુણી લાગણી ધરાવે છે, એવા અહેવાલો વિશ્વભરના માધ્યમોમાં ચમક્યા હતા. આ તમામ સમાચારોના તાણાવાણા જોડ્યા પછી એટલું ચોક્કસ કહી શકાય કે, વ્લાદિમિર પુતિને દુનિયાને કંઈક બતાવી દેવાના નશામાં ગંભીર ભૂલો કરી છે અને સોચી વિન્ટર ઓલિમ્પિકને અત્યાર સુધીનો સૌથીપોલિટિકલ ઓલિમ્પિકસાબિત કરી દીધો છે

નોંધઃ તમામ તસવીરો ઈન્ટરનેટ પરથી લીધી છે.