Showing posts with label Privacy. Show all posts
Showing posts with label Privacy. Show all posts

17 December, 2018

ફેસબૂકની દુનિયામાં ડીલિટ ડેટાનો પણ ધીકતો ધંધો


ફેસબૂક, ગૂગલ, ટ્વિટર કે એમેઝોન જેવી શૉપિંગ સાઈટ્સ યુઝર્સના ડેટા ચોરી લે છે એ તો જૂની વાત થઈ ગઈ. હવે બીજી એક મુશ્કેલી શરૂ થઈ છે. ઈન્ટરનેટ જગતની ફેસબૂક જેવી તમામ લોકપ્રિય કંપનીઓ યુઝર્સે ડીલિટ કરી દીધેલા ડેટાનો પણ ધીકતો ધંધો કરે છે. આ પ્રકારના ધંધાના પ્રકાર જ ફક્ત જુદા જુદા હોય છે. કમ્પ્યુટરમાં તમે તમારો ડીલિટ કરેલો ડેટા રિસાઇકલ બિનમાં જાય, અને, તમે ત્યાંથી પણ તેને ડીલિટ કરી દો તેનો અર્થ એ થાય કે એ ડેટા હવે હંમેશા માટે નેસ્તનાબૂદ થઈ ગયો. જોકે, આ વાત કમ્પ્યુટર સિસ્ટમ સુધી જ લાગુ પડે છે. જો તમે ફેસબૂક કે ગૂગલ કે ટ્વિટર જેવા કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર સક્રિય હોવ તો આ નિયમ લાગુ પડતા નથી.

દુનિયામાં અનેક આઈટી એન્જિનિયર્સ કે હેકરો સાબિત કરી ચૂક્યા છે કે, તમે સોશિયલ મીડિયામાં ફિડ કરેલો ડેટા ડીલિટ કરી દીધો હોય તો પણ એ જ ડેટા 'ગૂગલિંગ' કરતા બીજી વાર પણ દેખાઈ શકે છે. એરિક સ્મિટ્સ ગૂગલના ચેરમેન હતા ત્યારે એકવાર જાહેરમાં એવું બોલ્યા હતા કે, 'ઈન્ટરનેટની દુનિયામાં ડીલિટના બટનનો અભાવ એ ચિંતાનો વિષય છે.' સ્મિટ્સનું નિવેદન જ સાબિત કરે છે કે, યુઝર્સ ડેટા ડીલિટ કરીને ભ્રમમાં રહે છે. થોડું ઘણું ટેકનિકલ જ્ઞાન ધરાવતો કોઈ પણ યુઝર 'પ્રયોગો' કરીને ફેસબૂક જેવી સાઈટ પરથી ડીલિટ કરેલો ડેટા પાછો લાવી શકે છે. 





આપણે સોશિયલ મીડિયામાં કોઈ પણ વેબસાઈટ પર એકાઉન્ટ બનાવીએ ત્યારે મોટા ભાગે 'પ્રાઈવેસી પોલિસી' વાંચતા નથી. ફેસબૂકની વાંચજો. ફેસબૂકે તેમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, 'અમે ડીલિટ કરેલું કન્ટેન્ટ ચોક્કસ સમય સુધી બેકઅપ કોપી તરીકે સચવાયેલું હોઈ શકે છે...' આ વાક્યમાં ફેસબૂકે 'ચોક્કસ સમય' માટે 'રિઝનેબલ પીરિયડ' શબ્દનો ઉપયોગ કર્યો છે. આ રિઝનેબલ પીરિયડ એટલે કેટલો સમય? આ વાતનો ફોડ પાડવાનું ફેસબૂકને જરૂરી નથી લાગતું. કેટલી ગંભીર વાત છે! સોશિયલ મીડિયાની સૌથી જાયન્ટ કંપની યુઝર્સનો ડેટા ડીલિટ નથી કરતી અને કહેતી પણ નથી કે, એ ડેટા તેમની પાસે ક્યાં સુધી રહેશે! એ ડેટાનું તેઓ શું કરે છે એ પણ આપણને ક્યારેય જાણવા મળતું નથી. જોકે, ફેસબૂક આપણી પર દયા કરતી હોય એમ લખે છે કે, 'જોકે, તમારો ડીલિટ કરેલો ડેટા બીજા માટે ઉપલબ્ધ નથી...'

ટૂંકમાં, ફેસબૂક આડકતરી રીતે એમ કહે છે કે, તમારો ડેટા બીજા નહીં જોઈ શકે પણ અમે તેનો 'ઉપયોગ' કરી શકીએ છીએ. ફેસબૂકની પ્રાઈવેસી પોલિસી કેટલી વિવાદાસ્પદ છે તેનું બીજું એક ઉદાહરણ જોઈએ. ફેસબૂક લખે છે કે, 'યુઝર્સ ફેસબૂક પરથી તેમનો ડેટા ડીલિટ કરે ત્યારે કેટલીક માહિતી અમારા સર્વર પરથી કાયમ માટે ડીલિટ થઈ જાય છે, પરંતુ કેટલીક માહિતી ત્યારે જ ડીલિટ થાય છે જ્યારે તમે તમારું ફેસબૂક એકાઉન્ટ ડીલિટ કરો...

બોલો! કેટલીક માહિતી ડીલિટ નથી થતી તેનો અર્થ શું? કેટલીક એટલે કેટલી? ફેસબૂક કઈ માહિતી ડીલિટ નથી કરતું? આ કોઈ સવાલનો જવાબ આપણો પણ ફેસબૂકને જરૂરી નથી લાગતો. આ વાત પરથી એવી શંકા થાય છે કે, ફેસબૂક યુઝર્સની નહીંવત માહિતી જ ડીલિટ થવા દે છે, જ્યારે મોટા ભાગની માહિતીનો તે કાયમ માટે સંગ્રહ કરી લે છે! ફેસબૂક અહીં નથી અટકતી. એ બિન્દાસ કહે છે કે, કેટલીક માહિતી ત્યારે જ ડીલિટ થાય છે, જ્યારે તમે તમારું એકાઉન્ટ કાયમ માટે ડીલિટ કરો. આ વાત સમજો. ફેસબૂક એકાઉન્ટ કાયમ માટે ડીલિટ કર્યા પછી પણ 'કેટલીક' માહિતી જ ડીલિટ થાય છે. વળી, ફેસબૂક એકાઉન્ટ તાત્કાલિક ડીલિટ થઈ શકતું નથી. તમે ફેસબૂક એકાઉન્ટ ડીલિટ કરો ત્યારે તે થોડા દિવસનો સમય લે છે. આ દરમિયાન યુઝર ફરી લોગ-ઇન કરે તો એકાઉન્ટ ડીલિટ થતું નથી.

પશ્ચિમી દેશોમાં ડેમોક્રેસી, પ્રાઈવેસી અને ફ્રિડમ ઓફ એક્સપ્રેશન જેવા મુદ્દે સોશિયલ મીડિયાને કેન્દ્રમાં રાખીને વિચારવાની ક્યારનીય શરૂઆત થઈ ગઈ છે. ફેસબૂકનો ઉદય થયા પછી પશ્ચિમી મીડિયા સતત એ સવાલ ઉઠાવી રહ્યું છે કે, ફેસબૂક એકાઉન્ટ ડીલિટ કરવાની પ્રક્રિયા આટલી ધીમી કેમ? જોકે, ફેસબૂક પર તેની કોઈ અસર નથી. ફેસબૂક અને બ્રિટનની કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીનું ડેટા ચોરી કૌભાંડ બહાર આવ્યા પછી માર્ક ઝકરબર્ગ પર તવાઈ આવશે એવું લાગ્યું હતું, પરંતુ એવું કશું થયું નથી. ફેસબૂક જેવા પ્લેટફોર્મ પર થર્ડ પાર્ટી ઘૂસણખોરી કરીને યુઝર્સનો ડેટા ચોરે ત્યારે આ મુદ્દો વધારે જટિલ થઈ જાય છે. જેમ કે, ફેસબૂક અને બ્રિટીશ કંપની કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીનું કૌભાંડ. આ કંપનીએ અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રચાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફેસબૂક પર આવી અનેક થર્ડ પાર્ટી ડેટાની લાલચમાં વિચરતી હોય છે. 

કેમ્બ્રિજ એનાલિટિકા ફેસબૂક પર ઓનલાઈન સર્વે અને એપ સર્વિસ આપીને શું કરતી હતી એ વાત ફેસબૂક જાણતી જ ના હોય એવું હોઈ શકે? માર્ક ઝકરબર્ગ સામે તવાઈ આવી એટલે તેમણે ફેસબૂક પરથી કેમ્બ્રિજ એનાલિટિકાનું એકાઉન્ટ ડીલિટ કરવાનો આદેશ આપી દીધો અને એક સત્તાવાર નિવેદન ફટકારી દીધું કે, ફેસબૂકની ડિજિટલ ફોરેન્સિક ટીમ કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીની એક્ટિવિટીનું ઓડિટ કરશે. બસ, રાત ગઈ, બાત ગઈ. એ પછી આ કેસમાં શું થયું એ વિશે શંકાસ્પદ રીતે કશું બહાર આવ્યું જ નહીં. 

આપણું ઓનલાઈન બિહેવિટર ગૂગલ કે ફેસબૂક પૂરતું મર્યાદિત નથી. આ બે પ્લેટફોર્મ સિવાય પણ આપણી ઓનલાઈન હાજરી હોય છે. આપણા મોબાઈલ નંબરો, બેંકોના ડેબિટ-ક્રેડિટ કાર્ડ, આધાર અને લાયસન્સ જેવા અનેક પુરાવાની મદદથી થર્ડ પાર્ટી ડેવલપર્સ કે એડવર્ટાઈઝર્સ સતત આપણો ડેટા ભેગો કરે છે. આ ડેટાનો તેઓ પોતે ઉપયોગ કરે છે અથવા વેચે છે. યાહૂ અને ટમ્બલર જેવી કંપનીઓ યુઝર્સનો ડેટા ડીલિટ કરવાની ખાતરી આપીને પોતાનું માર્કેટિંગ કરે છે, અને, આવી ખાતરી આપ્યા પછી પણ  તેઓ કહે છે કે, તમે ડીલિટ કરેલી માહિતીનો બીજા દ્વારા ઉપયોગ થતો હોઈ શકે છે. 

કોઈ પણ આઈટી કંપની થર્ડ પાર્ટી તમારા ડેટાનો ઉપયોગ નહીં કરે એવી ગેરંટી આપી શકતી નથી. પશ્ચિમી દેશો પણ આ દુષણને કાબૂમાં રાખી શકતા નથી કારણ કે, આ ૨૧મી સદીમાં અસ્તિત્વમાં આવેલા નવા પ્રકારના અનૈતિક કામ છે અને તેને રોકવાના કાયદા જ નથી. આ કંપનીઓ સાબિત કરી દે છે કે, ડેટા એનાલિસિસ કરવું એ અમારો હક છે અને કાયદો એ સાબિત નથી કરી શકતો કે, ડેટા એનાલિસિસ એ કાયદા વિરોધી છે. તમને જાણીને નવાઈ લાગશે. ઈન્ટરનેટની દુનિયામાંથી તમારો ડેટા ડીલિટ કરવાની સર્વિસ આપતી કંપનીઓ પણ છે. આ કંપનીઓનું કહેવું છે કે, અમારા ગ્રાહકો અમને ડેટા ડીલિટ કરવાના પૈસા નથી ચૂકવતા, પરંતુ ડેટા હંમેશા માટે ડીલિટ થઈ ગયો છે એવી ખાતરી આપવાના પૈસા ચૂકવે છે. 

આ પ્રકારના સર્વિસ પ્રોવાઈડર ફેસબૂક જેવી કંપનીઓની પ્રાઈવેસી પોલિસીને અદાલતોમાં પડકારીને ડેટા ડીલિટ કરાવી આપે છે. ભારત જેવા દેશોમાં લોકો પ્રાઈવેસીને લઈને ગંભીર નથી, પરંતુ અમેરિકા અને યુરોપિયન દેશોમાં એવું નથી. આ દેશોના નાગરિકો તો 'રાઈટ ટુ બી ફોરગોટન'ને લઈને પણ અતિ સંવેદનશીલ છે. રાઈટ ટુ બી ફોરગોટન એટલે ભૂલવાનો અધિકાર. હા, ગૂગલ અને ફેસબૂક જેવી વેબસાઈટો તમને તમારો ખરાબ ભૂતકાળ યાદ કરાવ્યા કરે તો તમે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકો છો. 

મારિયો કોસ્ટેજા ગોન્ઝાલેસ નામના એક સ્પેનિશે ૨૦૦૯માં ગૂગલ પર કેસ કર્યા પછી રાઈટ ટુ બી ફોરગોટનની બોલબાલા વધી ગઈ હતી. એકવાર મારિયો ગૂગલિંગ કરી રહ્યો હતો ત્યારે તેને જાણવા મળ્યું કે, સોળ વર્ષ પહેલાં તે આર્થિક તંગી અનુભવતો હતો ત્યારે તેણે તેનું ઘર વેચી દીધું હતું. એ પછી તો મારિયોએ સારી એવી કમાણી કરી પણ ગૂગલમાંથી હજુ એ માહિતી ભૂંસાઈ ન હતી. એટલે તેણે સ્પેનના રાઈટ ટુ બી ફોરગોટન કાયદા હેઠળ ગૂગલ પર કેસ કર્યો. યુરોપિયન ડેટા પ્રોટેક્શનની કલમ ૧૭ પણ તમામ વ્યક્તિને રાઈટ ટુ બી ફોરગોટન આપે છે. આ કેસનો ચુકાદો આપતી વખતે યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસે કહ્યું હતું કે, લોકોનો ડેટા કંટ્રોલ કરતી ગૂગલ જેવી કંપનીઓ કોઈ વ્યક્તિની વિનંતી પછી ડેટા ડીલિટ નહીં કરે તો તેમને આકરો દંડ ફટકારવામાં આવશે.

પ્રાઈવેસી મુદ્દે અત્યંત સંવેદનશીલ અમેરિકા અને યુરોપિયન દેશોએ આ ચુકાદાને વધાવી લીધો હતો. જોકે, ફ્રી સ્પિચ અને ફ્રી ઈન્ફોર્મેશનના કટ્ટર સમર્થકોએ યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસના ચુકાદાની આકરા શબ્દોમાં ટીકા કરતા કહ્યું હતું કે, જે માહિતી અખબારોમાં આવી ગઈ તેને ગૂગલ પરથી દૂર કરવાનો શું અર્થ? આ દલીલને ફગાવી દેતા યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસે કહ્યું હતું કે, આ પ્રકારની માહિતી અખબારોમાં ભલે આવી, એ માહિતી સહેલાઈથી મળતી નથી, પરંતુ ગૂગલ જેવા સર્ચ એન્જિન કોઈની જૂની અપ્રસ્તુત માહિતીને શોધવાનું કામ વધારે સરળ બનાવે છે. એટલે યુઝરની વિનંતી પછી તે દૂર કરવી જ જોઈએ. 

પશ્ચિમી દેશો આઈટી કંપનીઓને સાણસામાં લેવા એકબીજાના કાયદાનો અભ્યાસ કરીને નવા કાયદા ઘડવાની તૈયારી કરી રહ્યા છે. ભારતમાં પણ ફેસબૂકના ૫૦ કરોડથી વધારે યુઝર્સ છે. અહીં પણ ફેસબૂક જેવા માધ્યમોની મદદથી લોકશાહી સાથે ખિલવાડ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વિદેશી કંપનીઓ ભારતીયોના ડેટા વેચી રહી છે, ચોરી રહી છે અને તેનો દુરુપયોગ કરી રહી છે, પરંતુ આપણને કેમ ચિંતા નથી?

06 September, 2017

પ્રાઈવેસી: સ્નોડેનથી ટોઈલેટ સુધી...


કોઈપણ વ્યક્તિના વર્તનનું મહત્ત્વ બીજાને અસરકર્તા હોય તો જ તેનું સમાજ માટે મહત્ત્વ હોવું જોઈએ. એ વર્તનના કોઈ પણ હિસ્સામાં સંપૂર્ણ સ્વતંત્રતાનો ખ્યાલ હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિના સંદર્ભમાં તેનું શરીર અને મગજ વ્યક્તિગત સાર્વભૌમત્વ ધરાવતો પ્રદેશ જ છે...

સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાક જેટલો જ મહત્ત્વનો રાઈટ ટુ પ્રાઈવેસીનો ચુકાદો આપતી વખતે અમેરિકન-બ્રિટીશ તત્ત્વજ્ઞાની જ્હોન સ્ટુઅર્ટ મિલ (૧૮૦૬-૧૮૭૩)નું આ ક્વૉટેબલ ક્વૉટ ટાંક્યું હતું. જ્હોન સ્ટુઅર્ટ મિલ ૧૯મી સદીના 'મોસ્ટ ઈન્ફ્લુએન્શિયલ ફિલોસોફર' ગણાય છે. વ્યક્તિગત સ્વતંત્રતા અને તેનું મહત્ત્વ શું હોઈ શકે એ વિશે તેમણે આપેલા વિચારોનો વૈશ્વિક સ્તરે પ્રભાવ પડ્યો હતો. પ્રાઈવેસી અને ફ્રિડમ ઓફ એક્સપ્રેસન પશ્ચિમી વિદ્વાનોએ આપેલો વિચાર છે અને તેઓ તેને કેટલું મહત્ત્વ આપે છે, એ જ્હોન સ્ટુઅર્ટ મિલનું ક્વૉટ ધ્યાનથી વાંચીને સમજી શકાય એમ છે.

એડવર્ડ સ્નોડેન અને ‘સ્નોડેન’ ફિલ્મનું પોસ્ટર


તમને એડવર્ડ સ્નોડેન યાદ હશે! સ્નોડેને ૨૦૧૩માં ભાંડો ફોડ્યો કે, અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સી 'પ્રિઝમ' પ્રોગ્રામ હેઠળ લાખો અમેરિકનોના કૉલ ડિટેઇલ્સ, ઇ-મેઇલ અને ક્રેડિટ કાર્ડ ડેટા પર ચાંપતી નજર રાખી રહી છે. બસ, ખેલ ખતમ. અમેરિકનોમાં હાહાકાર મચી ગયો. અમેરિકન મીડિયાએ વ્હાઈટ હાઉસના 'ટ્રાયલ' લેવાના શરૂ કરી દીધા. પ્રિઝમ પ્રોગ્રામનો હેતુ અમેરિકનોને સુરક્ષા આપવાનો હતો. આ રીતે જાસૂસી કરીને જ અમેરિકાએ ૯/૧૧ પછી ૪૫ મોટા આતંકવાદી હુમલા નિષ્ફળ બનાવ્યા હતા. સ્નોડેન અમેરિકાની જ જાસૂસી સંસ્થા સીઆઈએનો પૂર્વ અધિકારી હતો. નૈતિક રીતે સ્નોડેને અમેરિકા સાથે 'ગદ્દારી' કરી હતી, પરંતુ અમેરિકનો માટે એ બધાનું કશું જ મહત્ત્વ ન હતું કારણ કે, સરકારે લોકોની પ્રાઈવેસી પર તરાપ મારી હતી.

એ વખતે 'ટાઈમ' જેવા મેગેઝિને એક સર્વેક્ષણ કર્યું, જેમાં ૫૩ ટકા અમેરિકનોએ સ્નોડેનને સજા કરવાની તરફેણ કરી હતી. એ જ રીતે, ૨૭ ટકા લોકો સ્નોડેનને નિર્દોષ માનતા હતા. એ પછી તો ઓલિવર સ્ટોન જેવા ઓસ્કર વિનર ફિલ્મ ડિરેક્ટરે થોડી-ઘણી અડચણો સહન કરીને એડવર્ડ સ્નોડેનની 'સ્નોડેનનામે જ બાયોપિક બનાવી અને સપ્ટેમ્બર ૨૦૧૬માં અમેરિકામાં વટ કે સાથ રિલીઝ પણ કરી. ઓલિવર સ્ટોનની ફિલ્મમાં એક ગદ્દારને 'હીરો' દર્શાવાયો હતો અને છતાં અમેરિકામાં તેમની ફિલ્મોનો પેલા ૫૭ ટકાએ બહિષ્કાર ના કર્યો. એ લોકો ગેસોલિનના કેરબા લઈને થિયેટરો સળગાવવા પણ ના ઉતરી પડ્યા.

જે તે વખતે અમેરિકામાં પણ અનેક લોકોએ સ્નોડેનનો (યોગ્ય રીતે જ) વિરોધ કર્યો હતો, પરંતુ એક અભિપ્રાય સામે બીજો અભિપ્રાય હોઈ શકે છે એ વાત સરેરાશ અમેરિકન ખેલદિલીથી સ્વીકારી શકે છે. સ્નોડેનનો વિરોધ કરતા મોટા ભાગના લોકોએ તેણે ચીન દ્વારા સંચાલિત હોંગકોંગ કે રશિયામાં આશરો લીધો એ સામે વાંધો હતો. વાત પણ સાચી હતી કારણ કે, ચીન કે રશિયા સુરક્ષાના બદલામાં સ્નોડેન પાસેથી અમેરિકન જાસૂસી તંત્રની ગુપ્ત માહિતી ઓકાવી શકે એમ હતા. અમેરિકાના એક મોટા (સ્નોડેનને નિર્દોષ માનતા પેલા ૨૭ ટકા), મજબૂત અને બોલકા વર્ગ માટે સ્નોડેન વ્હિસલ બ્લોઅર, હેક્ટિવિસ્ટિ (હેકર એક્ટિવિસ્ટ) કે હીરો છે. આ વર્ગ માટે અમેરિકાના બંધારણ, સ્વતંત્રતા, અભિવ્યક્તિ, આઝાદી અને ગુપ્તતાના અધિકારથી વિશેષ કશું મહત્ત્વનું નથી. આ ૨૭ ટકાને અમેરિકાના મજબૂત મીડિયાનો પણ આડકતરો લાભ મળે છે કારણ કે, અમેરિકન મીડિયા ઈન્ડસ્ટ્રીમાં (અનેક ખામીઓ છતાં) લોકશાહી, સ્વતંત્રતા, ગુપ્તતા અને વિશ્વ માનવવાદ જેવા સિદ્ધાંતોથી વરેલા મીડિયા હાઉસીસનો દબદબો છે.

હવે આ જ વાત ભારતના સંદર્ભમાં વિચારી જુઓ. સ્નોડેન જેવો કોઈ ભારતીય જાસૂસ સરકારની ગુપ્ત વાતોના વટાણા વેરીને પાકિસ્તાન જતો રહે તો? સ્નોડેન અત્યારે પણ અમેરિકાના 'દુશ્મન' રશિયામાં છે. આ  સરખામણી કરીએ ત્યારે ભારત અને અમેરિકન મીડિયાનો પાયાનો ફર્ક સમજીએ. અમેરિકામાં ફક્ત એક જ ભાષા છે, જ્યારે ભારતમાં ૨૨ સત્તાવાર ભાષા છે. ભારતના વિવિધ રાજ્યોમાં પ્રાદેશિક ભાષાના મીડિયાની બોલબાલા છે. આ મીડિયા જ જુદા જુદા પ્રદેશોની પ્રજાનું માનસ ઘડે છે, જે મોટા ભાગે રાષ્ટ્રવાદ, દેશદાઝ, દેશપ્રેમથી પ્રેરિત હોય છે. આ લાગણીઓ મોટા ભાગે સાચા-ખોટાનું ભાન ભૂલાવી દે છે.

બીજી તરફ, ભારતના અંગ્રેજી મીડિયા પર સ્વાભાવિક રીતે જ પશ્ચિમી વિચારોનો પ્રભાવ છે. એ માટે અંગ્રેજી મીડિયા સાથે સંકળાયેલા લોકોનું પશ્ચિમી (કે અંગ્રેજી) શિક્ષણ જવાબદાર છે. તેમના માટે લોકશાહી, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, સર્વધર્મ સમભાવ અને ગુપ્તતા જેવા મુદ્દા અત્યંત મહત્ત્વના છે. દેશના વિકાસમાં આ બધી વાતોને તેઓ ખાસ મહત્ત્વ આપે છે. આ ફક્ત માહિતી છે, ટીકા નહીં. એટલે જ પ્રાઈવેસી જેવો અત્યંત મહત્ત્વનો મુદ્દો અંગ્રેજી કે એલિટ મીડિયામાં જેટલો ચર્ચાઈ રહ્યો છે એટલો પ્રાદેશિક ભાષાના મીડિયામાં નથી ચર્ચાયો. હા, પ્રાદેશિક ભાષાના રાષ્ટ્રવાદી મીડિયામાં ટ્રિપલ તલાકની ચર્ચા જરૂર થઈ. ચર્ચા જ નહીં, ઊંડી છણાવટ પણ થઈ. પ્રાદેશિક ભાષાનું મીડિયા અનેક મુદ્દે અંગ્રેજી મીડિયાની આકરી ટીકા કેમ કરે છે એ સમજી શકાય એમ છે.

અમેરિકાની જ થિંક ટેંક પ્યૂ રિસર્ચે ૨૦૦૪માં એક સર્વેક્ષણ માટે દુનિયાના ૪૪ દેશના નાગરિકોને સવાલ પૂછ્યો કે, અમેરિકા તમારા કોમ્યુનિકેશન પર નજર રાખે, એ વાત તમને સ્વીકાર્ય છે? પરિણામો ચોંકાવનારા હતા. ગ્રીસમાં ૯૭ ટકા, ચીનમાં ૮૫ ટકા, ઈઝરાયેલમાં ૮૨ ટકા, બાંગ્લાદેશમાં ૭૦ ટકા અને અમેરિકામાં ૪૭ ટકા લોકોને આવી જાસૂસી સ્વીકાર્ય ન હતી, જ્યારે ભારતમાં ફક્ત ૩૩ ટકા લોકોને આ જાસૂસી સામે વાંધો હતો. આ સર્વેક્ષણમાં ભારતથી ઉદાર હોય એવો ફક્ત એક દેશ હતો, નાઈજિરિયા. નાઈજિરિયામાં માંડ ૩૧ ટકા લોકોને અમેરિકન જાસૂસી સામે વાંધો હતો. આ સર્વેક્ષણ ભારત અને નાઈજિરિયા જેવા દેશ-સમાજના સંદર્ભમાં અમેરિકનો માટે અભ્યાસનો વિષય છે. લોકોને પ્રાઈવેસી જેવી બાબતની પણ કંઈ પડી નથી હોતી એ વાત સરેરાશ અમેરિકન સહેલાઈથી સમજી નથી શકતો.

જોકે, બસ, ટ્રેન કે શટલમાં મુસાફરી કરતો ભારતીય આ વાતથી સારી રીતે સમજી જશે. ટ્રેનની મુસાફરીમાં એક કે એકથી વધુ સાથે ફરવા જતા સંયુક્ત પરિવારોનું અવલોકન કરજો. ટ્રેનના એક નાનકડા ડબામાં જ 'ઘર' જેવો માહોલ હશે. આખી ટ્રેન સાંભળે એ રીતે મોટેથી વાતો થતી હશે, નાસ્તા-પાણી, ભોજન થતું હશે અને ગોસિપ પણ થતી હશે! (મોબાઈલ પર પણ જાહેરમાં આ જ રીતે વાતો થતી સાંભળી જ શકાય છે ને?) આ પરિવાર વચ્ચે 'ફસાયેલા' નવપરિણીત યુગલો પ્રાઈવેસી માટે ફાંફા મારતા હશે! યુગલને પ્રાઈવેસી જોઈએ એ વાતનો પરિવારના વડીલોને અહેસાસ સુદ્ધાં નહીં હોય. ગામડાં તો ઠીક, શહેરોમાંય અનેક પરિવારોના યુગલોના આ હાલ હોય છે.

અને હા, એ ટ્રેનના ડબામાં પેલા સંયુક્ત પરિવાર વચ્ચે તમે પણ મુસાફરી કરતા હશો, તો તેઓ તમને કોઈ જ હિચકિચાહટ વગર તમારી જાતિ, ધર્મ, નોકરી-ધંધો, પગાર, સરનામું તેમજ પરણેલા છો કે નહીં વગેરે સહજતાથી પૂછી લેશે. પ્રાઈવેસી કી ઐસીતૈસી. આ રીતે વાતચીત કરવી કે ઘૂસ મારવી એ આપણા સમાજમાં 'આવડત' કે 'કળા' મનાય છે. ઓછાબોલી વ્યક્તિ માટે તો ગુજરાતીમાં 'મેંઢો' (કે મેંઢી) જેવો અપમાનજનક શબ્દ વાપરવામાં આવે છે.

ભારતમાં પાડોશી જાણતો જ હોય છે કે, પેલાને તેની પત્ની સાથે કે પેલીને તેના પતિ સાથે ઝઘડો કેમ થાય છે! પેલી સાસુને વહુ સાથે કેમ બનતું નથી કે પછી પેલા કે પેલીની સગાઈ કેમ તૂટી ગઈ હતી વગેરે. નાના શહેર કે ગામમાંથી મોટા શહેરમાં રહેવા જનારાને પણ પાડોશી સાથે 'ફેમિલી રિલેશન' ના હોય તો સારું નથી લાગતું. એટલે જ ભારતીયો અમેરિકનોની ટીકા કરતા કહે છે કે, 'ત્યાં તો બાજુના બંગલૉમાં કોણ રહે છે એ પણ ખબર ના પડે...' મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં પણ 'પહેલો ભગવાન પાડોશી'નો ખ્યાલ હજુયે પ્રચલિત છે કારણ કે, ઈમર્જન્સીમાં સૌથી પહેલી મદદ પાડોશીની જ મળે છે. ભારતમાં પાડોશીનો ખ્યાલ સામાજિક મદદ કે ટેકાના ખ્યાલ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. જે ભારતીયોને પાડોશી સાથે વાટકી વ્યવહાર ના હોય તેઓ એકલખૂરા કે ઘરકૂકડા ગણાય છે.

જે દેશના રસ્તા પર ખુલ્લેઆમ પેશાબ કે કુદરતી હાજતે જતા હોય એવા દૃશ્યો દેખાતા હોય ત્યાં ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન વર્ગની પ્રાઈવેસીની વ્યાખ્યામાં જમીન-આસમાન જેટલું અંતર છે. આ ત્રણેય વર્ગની પ્રાથમિકતાઓ પણ જુદી છે. આજેય ગ્રામીણ ભારતમાં લોટો લઈને સમૂહમાં કુદરતી હાજતે જવું એ બહુ સામાન્ય બાબત છે. યાદ કરો 'ટોઈલેટ: એક પ્રેમકથા'. આપણે ત્યાં સ્વની શોધ માટે થતી જાત્રા અને હનીમૂન માટે પણ ટોળેટોળા સાથે જાય છે. ટૂંકમાં પ્રાઈવેસી આજેય ભારતમાં એલિટ ક્લાસનો મુદ્દો છે, નહીં કે એક સરેરાશ ભારતીયનો. પ્રાઈવેસી એ ભારતમાં ક્યારેય 'પોપ્યુલર ડિમાન્ડ' નહોતી. જોકે, બહુમતી લોકો હંમેશા સાચા નથી હોતા. આ દેશ કંઈ ખાપ પંચાયતોથી નથી ચાલતો. 

પ્રજાને દિશા આપવા બંધારણ છે. પ્રજા માટે પ્રાઈવેસીનું મહત્ત્વ હોય કે ના હોય, પણ બંધારણ અને સુપ્રીમ કોર્ટ પણ કંઈ ચીજ છે.     

***

ખેર, પ્રાઈવેસીનો અધિકાર તો મળી ગયો, પરંતુ હજુયે ઘણી સ્પષ્ટતાઓ બાકી છે. અભિવ્યક્તિ અને વાણી સ્વાતંત્ર્યના બંધારણીય અધિકારની જેમ પ્રાઈવેસીના અધિકારની પણ કેટલીક મર્યાદા છે. વાણી સ્વાતંત્ર્યની જેમ પ્રાઈવેસીના અધિકાર સાથે પણ સામાજિક બંધનો જોડાયેલા છે. સામાન્ય વ્યક્તિ તો ઠીક, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ પણ વાણી સ્વાતંત્ર્ય હોવા છતાં સ્પષ્ટ મત રજૂ કરી શકતા નથી. કોઈની લાગણી દુભાઈ જાય એવું સત્ય પણ બોલી શકાતું નથી. એવી જ રીતે, પ્રાઈવેસીના અધિકાર સાથે આધાર ડેટા સિવાય પણ ઘણી બધી મહત્ત્વની બાબતો જોડાયેલી છે. જેમ કે, વ્યક્તિનું જાતીય વલણ (સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન), ગર્ભપાત, યુથેનેશિયા (મર્સી કિલિંગ) અને પ્રેસની પ્રાઈવેસી-સ્વતંત્રતા વગેરે. જોકે, સુપ્રીમના ચુકાદા પછી આવા અનેક મુદ્દે જનહિત અરજીઓ દાખલ કરીને કાયદાકીય સુધારા (કે વધુ સ્પષ્ટતા) કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. 

દેર આયે દુરસ્ત આયે લેકિન આઝાદીના 70 વર્ષ પછી પ્રાઈવેસીનો અધિકાર આપવા બદલ થેંક્સ ટુ સુપ્રીમ કોર્ટ.

29 October, 2013

ગૂગલ પ્રાઈવેસીઃ ઓનલાઈન અને ઓફલાઈન


ન્ટરનેટ ક્રાંતિ પહેલાં પ્રાઈવેસી શબ્દનો અર્થ ખૂબ જ મર્યાદિત અને સરળ હતો, જ્યારેગૂગલ યુગમાં આ શબ્દનો અર્થ એટલો જ વ્યાપક અને વિશાળ થઈ ગયો છે. કારણ કે, સોશિયલ નેટવર્કિંગના જમાનામાં દરેકને પોતાની નાનામાં નાની વાત લોકોને જણાવવાની ખૂજલી હોય ત્યાં પ્રાઈવેસીને કેટલું મહત્ત્વ આપવું અને ના આપવું તે નક્કી કરવું મુશ્કેલ છે. તાજેતરમાં જ ગૂગલે નવી પ્રાઈવેસી પોલિસી જાહેર કરતાં જણાવ્યું છે કે, હવે ઓનલાઈન એડવર્ટાઈઝમેન્ટ માટે તેઓ કોઈ પણ વ્યક્તિના નામ અને ફોટોગ્રાફનો ઉપયોગ કરી શકશે. આ મુદ્દે ગૂગલને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ખાસ કરીને એડવર્ટાઈઝરો કે સામાન્ય લોકોને આ વાત પસંદ છે પણ ઈન્ટરનેટ રાઈટ્સ એક્ટિવિસ્ટોએ પ્રાઈવેસીનો મુદ્દો ઉઠાવીને ગૂગલને ભાંડવાની શરૂઆત કરી દીધી છે. જોકે, ગૂગલની નવી પ્રાઈવેસી પોલિસીનો અભ્યાસ કરતા જણાય છે કે ઈન્ટરનેટ રાઈટ્સ એક્ટિવિસ્ટો જાણ્યા-સમજ્યા વિના જ તેનો વિરોધ કરવા નીકળી પડ્યા છે.

ગૂગલે જાહેર કર્યું છે કે, આગામી 11મી નવેમ્બરથી ગૂગલ યુઝર્સની માહિતીનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરી શકશે. આ પ્રકારના શીર્ષકો હેઠળ છપાયેલા સમાચારો વાંચીનેસામાન્યલોકોનું ભડકી જવું સ્વાભાવિક છે. જોકે, ગૂગલ પ્લસ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર તમે કોઈ પ્રોડક્ટનો રિવ્યૂ આપ્યો હશે અથવા કોઈ રિવ્યૂને તમે પસંદ (પ્લસ કર્યો હશે) કર્યો હશે તો તમારી સાથે ઓનલાઈન કનેક્શન ધરાવતા તમારા મિત્રો તમારું પ્રોફાઈલ નેમ અને ફોટોગ્રાફ જોઈ શકશે. જોકે, આમાં કંઈ નવી વાત નથી. પરંતુ 11મી નવેમ્બરથી આ પ્રોફાઈલ નેમ કે ફોટોગ્રાફનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવાની ગૂગલને આપોઆપ મંજૂરી મળી જાય છે. જેમ કે, કોઈ યુઝર ગૂગલ પ્લેમાં જઈને કોઈ રેસ્ટોરન્ટના પેજ પર પ્લસ, કમેન્ટ કે ફોલોઈંગ જેવી એક્ટિવિટી કરશે તો તેનું પ્રોફાઈલ નેમ અને ફોટોગ્રાફ યુઝર સાથેકનેક્શનધરાવતા તેના મિત્રો જોઈ શકશે. બીજી તરફ, ગૂગલ એ રેસ્ટોરન્ટની એડવર્ટાઈઝમાં તમારા પ્રોફાઈલ નેમ કે ફોટોગ્રાફનો તમારી મંજૂરી વિના ઉપયોગ કરશે.


આમ છતાં ગૂગલ યુઝરે ગભરાવા જેવું નથી. કારણ કે, ગૂગલ યુઝર્સ પોતાની એક્ટિવિટી કોણ જોઈ શકે છે એનું સેટિંગ્સ કરી શકે છે. ગૂગલે પોલિસીઝ એન્ડ પ્રિન્સિપલ્સનામના પેજ પર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ‘...તમારે શું શેર કરવું છે તેનો તમારી પાસે સંપૂર્ણ કાબૂ છે.’ વળી, કોઈ પણ યુઝર્સ સેટિંગ્સમાં જઈને પોતાની માહિતીનો ઉપયોગ કરતા ગૂગલને રોકી શકે છે. આ સેટિંગ્સ કરવા માટે યુઝરે ફક્ત એક ક્લિક જ કરવાની છે. જ્યારે 18 વર્ષથી નીચેની ઉંમરના યુઝર્સ તો જે કંઈ એક્ટિવિટી કરશે તેનો ગૂગલ કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ પણ નથી કરવાનું. આમ છતાં, ઈન્ટનેટ રાઈટ્સ એક્ટિવિસ્ટોએ બૂમરાણ મચાવી દીધી છે કે, ગૂગલનું પગલું કોઈના અંગત જીવન પર તરાપ સમાન છે. તેમનું માનવું છે કે, બ્રાન્ડ એડવર્ટાઈઝરો ગૂગલના પગલાંને પોતાના સ્વાર્થ ખાતર આવકારી રહ્યા છે. કારણ કે, તેમને ફક્ત પોતાનોમાલવેચવામાં રસ છે. પરંતુ મૂળ મુદ્દો એ છે કે, કોઈ પણ યુઝર સોશિયલ નેટવર્કમાં પ્રવેશે ત્યારે અંગત માહિતી શું છે એનાથી મોટે ભાગે સારી રીતે પરિચિત હોય જ છે. આજે પ્રોફાઈલ નેમ કે ફોટોગ્રાફ જેવી માહિતી તો વેબ પર પહેલેથી ઉપલબ્ધ છે જ.

આ ફેરફારનું કારણ આપતા ગૂગલ કહે છે કે, હવેથી ગૂગલની સર્ચ, મેપ્સ, પ્લે અને એડવર્ટાઈઝિંગ જેવી કોઈ પણ સેવા વખતે યુઝર્સનો સમય બચશે. જેમ કે, ગૂગલ પ્લેના કોઈ પેજ પર તમારા કેટલાક મિત્રોએ કોઈ આલબમને સારું રેટિંગ આપ્યું છે તો તમે તમારા એ મિત્રોને તેમાં જોઈ શકશો. આ પહેલાં ગૂગલ પ્લસ કે ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સમાં આવી સુવિધા હતી જ. ફેસબુકમાં આપણેલાઈકકરીએ ત્યારે જ આપણું પ્રોફાઈલ નેમ અને ફોટોગ્રાફ સામેની વ્યક્તિ જોઈ જ શકે છે. પરંતુ આ માહિતીનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ નહોતો થતો અને આખી બબાલનું કારણ જ આ છે. આમ છતાં, ગૂગલની નવી પ્રાઈવેસી પોલિસીને ખાસ મહત્ત્વ આપવાની જરૂર જ નથી. કારણ કે, મૂળ મુદ્દો એ છે કે કોઈ પણ યુઝરે પોતાની જેટલી માહિતી અપલોડ કરી હશે એટલી માહિતીનો જ ગૂગલ ઉપયોગ કરી શકવાનું છે. બીજું, કોઈ પણ યુઝર પોતાની માહિતીનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ ના થાય એ માટે ફક્ત એક ક્લિક કરીને ગૂગલને રોકી જ શકે છે.

કાયદાકીયસુધારામાટે શંકાસ્પદ પ્રવૃત્તિ?

ગૂગલે સોશિયલ એડવર્ટાઈઝિંગ માટે તેની પ્રાઈવેસી પોલિસીમાં કરેલા ફેરફારને ગંભીરતાથી લેવા જેવો નથી પણ ગૂગલને યુઝર્સની પ્રાઈવેસીની પોતાની પ્રાઈવેસી જેટલી ચિંતા નથી એ વાતમાં કોઈ શંકા નથી. કારણ કે, ભારતમાં થઈ રહેલી પોતાનીઓફલાઈનપ્રવૃત્તિઓ અંગેપ્રાઈવેસીરાખવામાં ગૂગલ ખાસ્સું સચેત છે. કમનસીબે, આ પ્રવૃત્તિઓ કેટલી શંકાસ્પદ છે કે હતી તેનો ખ્યાલ કોઈમોટાસમાચાર બહાર ના આવે ત્યાં સુધી આવતો નથી. છેલ્લાં કેટલાક વર્ષોથી ગૂગલ ભારતમાં ખૂબ જ આક્રમક રીતે સંશોધન પાછળ પૈસા ખર્ચી રહી છે અને આ સંશોધન તેનાબિઝનેસ ઈન્ટરેસ્ટને લગતું હોય છે. જોકે, બે-ત્રણ વર્ષ પહેલાં ગૂગલે નવી દિલ્હી સ્થિત એનજીઓ પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચને ભંડોળ પૂરું પાડ્યું ત્યારે આ મુદ્દે ચણભણ થઈ હતી. કારણ કે, પીઆરએસ ભારતમાં સંસદીય અને કાયદાકીય સુધારા કરવા સંશોધન કરે છે. પીઆરએસની વેબસાઈટ પર જઈને કોઈ પણ નાગરિક જે તે સાંસદે સંસદમાં કેટલી હાજરી આપી કે કેટલા પ્રશ્નો પૂછ્યા એ વગેરે માહિતી મેળવી શકે છે. આ સંસ્થાને ફોર્ડ ફાઉન્ડેશન અને ગૂગલ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

આ તો ગૂગલે દેશમાં ફેલાવેલી જાળનો નાનકડો તાંતણો છે. છેલ્લાં કેટલાક વર્ષોથી દેશમાં ગૂગલના રિસર્ચ ફેલોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. એશિયા ઈન્ટરનેટ કોએલિશન આવી જ એક સંસ્થા છે જે ભારતમાંઈન્ટરનેટ એન્વાયર્મેન્ટકેવું છે તે દિશામાં સંશોધન કરે છે. ગૂગલ આ સંસ્થાના સ્થાપક સભ્યોમાંનું એક છે. આ દિશામાં સંશોધન કરી રહેલા કેટલાક રિસર્ચ ફેલો પૈકીના એક આસ્તિક સિંહા છે. આસ્તિક સિંહા ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરના સોશિયલ મીડિયા એડવાઈઝર પણ છે. આ દિશામાં ગૂગલ છુટ્ટા હાથે ખર્ચ કરી રહ્યું હોવાથી એવી શંકા થવી સ્વાભાવિક છે કે, ગૂગલને ભારતમાં ઈન્ટરનેટને લગતા કાયદા પોતાની તરફેણમાં બને એ વાતમાં રસ છે. વળી, ગૂગલની સંશોધન માટે ખર્ચ કરવાની પ્રવૃત્તિ શંકાસ્પદ અને અપારદર્શક હોવાનો પણ કેટલાક લોકો દાવો કરે છે. ગૂગલે બેંગલુરુ સ્થિત સેન્ટર ફોર ઈન્ટરનેટ એન્ડ સોસાયટીમાં વાણી સ્વાતંત્ર્ય, સમાજમાં ખુલ્લાપણું (ઓપનનેસ), પ્રાઈવેસી અને ટેલિકોમ જેવા ક્ષેત્રોમાં સંશોધન કરવા ત્રણ રિસર્ચ ફેલોની નિમણૂક કરી છે.

મે 2013માં જ અહેવાલો હતા કે, ગૂગલે નવી દિલ્હીની નેશનલ લૉ યુનિવર્સિટીના સેન્ટર ફોર કોમ્યુનિકેશન ગવર્નન્સમાં સંશોધન કરવા ભંડોળ આપ્યું હતું. આ ભંડોળ તેનાબિઝનેસ ઈન્ટરેસ્ટને લગતા ક્ષેત્રમાં સંશોધન માટે ફાળવાયું હતું. આવી અનેક સંસ્થાઓમાં ભંડોળ આપતી વખતે થયેલા કરારમાં સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ હોય છે કે, “ભવિષ્યમાં ગૂગલ એક પણ વેપારી તક (બિઝનેસ ઓપર્ચ્યુનિટી)માંથી બાકાત નહીં રહે.” મુંબઈમાં 26/11 ના હુમલા પછી ભારત સરકારે આઈટી એક્ટમાં તાકીદના સુધારા કરવાની ફરજ પડી હતી. આ સુધારાનેધ હૂટનામની મીડિયા વૉચ વેબસાઈટના એડિટર સેવન્તી નિનાન સહિત અનેક લોકોએ વખોડી નાંખ્યા હતા. આ વેબસાઈટને પણ ગૂગલે ભંડોળ પૂરું પાડ્યું હતું. આવી કોઈ પણ સંસ્થાને ભંડોળ આપીને તેનો ઉપયોગ પોતાના લાભમાં જ થઈ રહ્યો છે કે નહીં તેનું ગૂગલ પૂરેપૂરું ધ્યાન રાખે છે. દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ગૂગલ આરોગ્ય, શિક્ષણ અને અન્ય સામાજિક પ્રશ્નો સાથે સંકળાયેલી એનજીઓને ભંડોળ પૂરું પાડે છે.

ગૂગલની ભંડોળની પ્રવૃત્તિની તેના સર્ચ રિઝલ્ટ પર પણ અસર પડે છે એટલે તે ગંભીર છે. ગૂગલની પ્રાઈવેસી પોલિસીમાં થયેલા ફેરફારથી સામાન્ય માણસે ગભરાવા જેવું નથી, પણ પોતાના બિઝનેસ ઈન્ટરેસ્ટ મુજબ ગૂગલ સર્ચ રિઝલ્ટમાં પોતાના ગ્રાહકની સતત તરફેણ કરતું હોવાનું પણ કહેવાય છે. જેમ કે, ગૂગલમાં પોપ્યુલર મોબાઈલ ફોન શબ્દ સર્ચ કરીએ તો ગૂગલ પોતાને ઠીક લાગે એ કંપનીની તરફેણ કરી શકે છે. ગૂગલની ઓનલાઈન-ઓફલાઈન પ્રવૃત્તિ ગંભીર છે અને એટલે જ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) દ્વારા આ દિશામાં તપાસની માગ થઈ રહી છે. હજુ ગયા વર્ષે જ ભારત મેટ્રીમોની નામની જાણીતી મેટ્રિમોનિયલ વેબસાઈટે ગૂગલ સામે સીસીઆઈમાં ફરિયાદ કરી હતી. આમ છતાં, ગૂગલની ઓફલાઈન પ્રવૃત્તિઓમાં કશું ખોટું લાગતું નથી. આ લોકોની દલીલ છે કે, ગૂગલ વાણી સ્વાતંત્ર્ય માટે જ ભંડોળ ખર્ચે છે અને શરમની વાત છે કે, ભારતની કંપનીઓ આવું કરતી નથી. જો ગૂગલ ખરેખર રાજકારણીઓ પર પ્રભાવ ઈચ્છતું હોય તો તે તેમને લાંચ આપે, નહીં કે સંશોધન પાછળ ખર્ચ કરે.

જોકે, આ વાત આટલી સીધીસાદી પણ ના હોઈ શકે. ભારતની કોઈ પ્રાઈવેટ કંપની બહારની કોઈ વિદેશી કંપની કે સંસ્થા સાથે વેપારી કરાર કરે છે ત્યારે તેમાં પારદર્શકતા હોય છે અને ના હોય તો એવો આગ્રહ રખાય છે. જો ભારતમાં સંશોધન પાછળ ગૂગલ જંગી રકમ ખર્ચી રહ્યું હોય તો ભારત સરકારને એ જાણવાનો પૂરેપૂરો હક્ક છે કે ગૂગલનાબિઝનેસ ઈન્ટરેસ્ટશું છે

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે.